પ્રારંભ - 49 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 49

પ્રારંભ પ્રકરણ 49

ગોરેગાંવનો પ્લૉટ ખાલી કરવા માટે લલ્લન પાંડે તૈયાર છે એ સમાચાર જયદેવ પાસેથી સાંભળ્યા પછી કેતન બીજા દિવસે જ મીટીંગ કરવા માટે તૈયાર થઈ ગયો. એણે જયદેવને સવારે ૧૧ વાગે મીટીંગ રાખવાનું સૂચન પણ કરી દીધું.

જયદેવે આ સમાચાર પાંડેને આપી દીધા અને પાંડેએ સવારે ૧૧ વાગે મીટીંગ માટે પોતાની તૈયારી બતાવી.

કેતન સવારે ૯:૩૦ વાગે ઘરેથી ગાડી લઈને નીકળી ગયો. એણે જયદેવને પણ ફોન કરી દીધો કે એ પાંડેની સોસાયટીના ગેટ ઉપર હાજર રહે.

કેતન ૧૧ વાગે પાંડેની સોસાયટી પાસે પહોંચ્યો ત્યારે બાઈકને સાઈડમાં પાર્ક કરીને જયદેવ ઉભો જ હતો.

કેતને પોતાની ગાડી સોસાયટીની અંદર ગેસ્ટ પાર્કિંગમાં પાર્ક કરી. જયદેવ પણ પાછળ પાછળ ગયો અને બાઈક અંદર પાર્ક કરી. કેતન જયદેવ સાથે લિફ્ટમાં પાંડેના ફ્લેટ સુધી પહોંચી ગયો અને ડોરબેલ દબાવ્યો. ગાયત્રી પુરશ્ચરણના કારણે કેતનનો એક અલગ જ પ્રભાવ પડતો હતો !

" આઈએ આઈએ. મૈં તુમ લોગોં કી હી રાહ દેખ રહા થા." પાંડે દરવાજો ખોલીને બોલ્યો અને એણે સોફા તરફ ઈશારો કર્યો. કેતન અને જયદેવે બેઠક લીધી.

"બોલો ઠંડા લોગે યા ગરમ ? " પાંડે બોલ્યો.

" અભી તો ગરમીકે દિન સમાપ્ત હો ગયે. ચા હી ઠીક રહેગી." કેતન બોલ્યો.

"ચલો ઠીક હૈ. અરે છોટુ... દો ચાય બનાને કા બોલ દે. બોલના કી અદરક ડાલ કે અચ્છી ચાય બનાયે. " પાંડેએ પોતાના નોકરને કહ્યું.

" બોલીયે પાંડેજી... ફિર પ્લૉટકા આપને ક્યાં સોચા ? " કેતને વાતની શરૂઆત કરી.

" ઈસમેં સોચના ક્યા હૈ કેતન જી ? અબ આપ ઇતની અચ્છી ઓફર દે કર ગયે થે તો મૈ મના કૈસે કર સકતા હું ? મૈંને પ્લૉટ ખાલી કરકે આપકો દેને કા મન બના લિયા હૈ. બસ આપ મુજે કિતના દે રહે હો વો બતાઓ તો આગે બાત ચલે. પુરા પ્લૉટ ખાલી કરવાના હૈ ઔર સારે લોગોં કો પૈસા બાંટના હૈ તો જો ભી રકમ આપ બોલો વો સોચ કર બોલો." પાંડે બોલ્યો.

"અરે ભાઈસા'બ અભી તો આપ હી પ્લૉટકે માલિક હો. આપ હી મુજે બતા દો કિ આપકો કિતને ચાહિયે. મૈંને આપકો લાસ્ટ ટાઈમ હી બોલા થા કિ આપકો જો ચાહિયે વો લે લો. મરદકી જબાન હૈ મેરી." કેતન લલ્લન પાંડેને રમાડી રહ્યો હતો.

"ફિર ભી પ્લૉટ ખાલી કરવાને આપ કહાં તક દે સકતે હો ? " પાંડે બોલ્યો.

પાંડે રકમ બોલવામાં સંકોચાતો હતો. કોઈપણ ભોગે આ સોદો થઈ જાય અને ચાર કરોડ જેવી રકમ એને મળી જાય એવી એની ઈચ્છા હતી. વધારે રકમ બોલાઈ જાય અને ક્યાંક સોદો કેન્સલ થઈ જાય તો ? પરંતુ ૨૫ કરોડ તો લેવા જ પડશે. ૨૧ તો મારે ચૂકવવાના છે. - પાંડે વિચારી રહ્યો.

"પાંડેજી સંકોચ મત કરો. યે ડીલ હોકે હી રહેગા. ડરને કી કોઈ બાત નહીં હૈ. મૈં સૌદા કરને હી આજ આયા હું ઔર ફાઈનલ કરકે હી જાઉંગા. આપ અપની ડિમાન્ડ બોલ દો. " કેતન હસીને બોલ્યો.

કેતન પાંડેના મનની મુંઝવણ જાણી ગયો હતો. એણે એનું મન વાંચી લીધું હતું. કેતન પાસે એ સિદ્ધિ હતી.

"જી ઠીક હૈ. મુઝે કમ સે કમ ૨૫ કરોડ તો ચાહિયે હી. કિતને લોગોં કો મના મના કર મૈંને તૈયાર કીયે હૈં." પાંડે બોલ્યો.

"મૈં ૩૦ કરોડ દેને કો તૈયાર હું પાંડેજી. મૈંને આપકો બોલા હી થા કિ આપ સોચ હી નહી સકતે ઈતના મૈ દુંગા. અબ આપને ઈતની મેહનત જો કી હૈ તો પાંચ કરોડ જ્યાદા તો બનતા હી હૈ ના ? " કેતન બોલ્યો.

રકમ સાંભળીને લલ્લન પાંડેનું દિલ એક ધબકારો ચૂકી ગયું. આ તો સપનું છે કે હકીકત ? ૯ કરોડની લોટરી લાગી હતી. કેતનનો મિત્ર જયદેવ ઠાકર પણ રકમ સાંભળીને ચકરાઈ ગયો. પાંડે ત્રણ ચાર મિનિટ તો મૌન થઈ ગયો.

"પાંડેજી પૂરે ૩૦ કરોડ આપકો મિલ જાયેંગે. એક રૂપિયા ભી કમ નહી દુંગા . ૧૫ ૨૦ દિન કે અંદર આપકો પૈસે કેશ મિલ જાયેંગે. ચેક દેના હોતા તો મૈ આજ હી દે દેતા. લેકિન ઈતની બડી કેશ કા મુજે ઈન્તજામ કરના પડેગા." કેતન બોલ્યો.

" જી કોઈ બાત નહીં. મૈં સબકો બોલ દેતા હું કી ૧૫ ૨૦ દિનમેં સબ દુસરા મકાન ઢુંઢ લે. વૈસે તો સબ ખાલી કરને કી તૈયારી કર હી રહે હૈ. બસ પૈસોં કા હી ઈન્તજાર થા સબકો. " પાંડે બોલ્યો.

એને હવે કેતનની વાત ઉપર વિશ્વાસ આવી ગયો હતો અને એ ખૂબ જ ખુશ હતો.

ત્યાં સુધીમાં ચા બનાવીને નોકર અંદર આવ્યો અને ચાની ટ્રે ટેબલ ઉપર ગોઠવી.

" ચાય પી લો કેતન જી. એક્ટર સાહેબ આપ ભી પી લો. " લલ્લન બોલ્યો.

"અબ કુછ વ્યવહાર કી બાત કર લેતે હૈં પાંડેજી. રકમ બડી હૈ તો મૈં આપકો ૧૦ ૧૦ કરોડકે તીન ટૂકડાં મેં પૂરી રકમ દે દુંગા ઔર તુમ મુઝે કેશ કે સામને ૧૦ ૧૦ કરોડ કે તીન ચેક દોગે. એક સ્ટેમ્પ પેપર ભી બનેગા. યે ચેક સિક્યુરિટીકે તૌર પે હોંગે. જૈસે હી તુમને ખાલી પ્લૉટ કા પઝેશન મુઝે દે દિયા મૈં ઉસી દિન આપકો યે ચેક રીટર્ન કર દુંગા. ઈસ બારેમેં આપ મેરા ભરોસા કર સકતે હો. ઈતની બડી રકમકી સુરક્ષા તો મુઝે ચાહિયે." કેતન બોલ્યો

ચેકની વાત સાંભળીને પાંડે થોડીવાર મૂંઝાઈ ગયો પરંતુ એને લાગ્યું કે ૩૦ કરોડની રકમ બહુ જ મોટી છે અને કોઈ પણ જાતના લખાણ કે ચેક વગર કોઈપણ વ્યક્તિ આટલી મોટી રકમ ના આપે એટલે એ સહમત થયો.

પરંતુ લલ્લન પાંડે ખંધો રાજકારણી હતો. એને બીજો વિચાર આવ્યો કે ચેક આપીને બીજા દિવસે સ્ટોપ પેમેન્ટ કરાવી દેવું જેથી કોઈ ટેન્શન જ નહીં.

" ઠીક હૈ મુઝે મંજૂર હૈ. આપકો તીન ચેક મિલ જાયેંગે. " પાંડે બોલ્યો.

"લેકિન વો ચેક દેકર સ્ટોપ પેમેન્ટ મત કરવાના વરના મુઝે પતા ચલ જાયેગા ઓર યે બડા ડીલ કેન્સલ હો જાયેગા. ધંધેમેં બેઈમાની નહીં ચલ સકતી. ફિર મુઝે જો કરના હૈ વો મૈ કરુંગા." કેતન થોડો કડકાઈથી બોલ્યો.

હવે પાંડે થીજી ગયો. આ માણસને કેવી રીતે મારા મનની વાત ખબર પડી જાય છે ! મેં જે વિચાર્યું એ એણે જાણી લીધું. આની સાથે કોઈ રમત નહીં રમી શકાય. મારે એના ઉપર ભરોસો રાખીને આગળ વધવું જ પડશે. - પાંડે વિચારી રહ્યો.

"નહીં નહીં કેતનજી સ્ટોપ પેમેન્ટ મૈં કયું કરુંગા ? મૈં ઈતના તો ભરોસા આપકે ઉપર કર સકતા હું." પાંડે બોલ્યો.

"તો ઠીક હૈ. સાત દિન બાદ મૈં તુમકો ૧૦ કરોડ નકદ દુંગા ઔર ચેક લે લુંગા. સ્ટેમ્પ પેપર ભી બનવાઉંગા. " કેતન બોલ્યો અને ઉભો થયો. જયદેવ પણ ઉભો થયો અને બંને બહાર નીકળ્યા.

" કેતન તારી પાસે કોઈ તો શક્તિ છે જ. તારી સામે પાંડે ગરીબ ગાય જેવો થઈ ગયો અને પ્લૉટ ખાલી કરવા પણ તૈયાર થઈ ગયો. આ બધું મારા તો માનવામાં જ નથી આવતું." લિફ્ટમાંથી બહાર આવીને જયદેવ બોલ્યો.

"સીધી આંગળીએ કદી પણ ઘી નીકળતું નથી. પોતાની તાકાતનો એણે ખોટો ઉપયોગ કરીને ગંદી રમત રમી છે અને કરોડોનો પ્લૉટ એણે પચાવી પાડ્યો છે. એણે ખાલી તો કરવો જ પડે. અફસોસ એક જ છે કે રુચિને પોતાનો જ પ્લૉટ પાછો લેવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. " કેતન બોલ્યો.

" ચાલો હવે હું નીકળું છું. મારે રુચિને મળવું પડશે. તેં મને કંપની આપી એ બદલ આભાર. દિવાળી પહેલાં જ હું એને ૧૦ કરોડ આપી દઈશ." કેતન બોલ્યો.

" એક સવાલ પૂછું કેતન ? " જયદેવ બોલ્યો.

" હા બોલ ને ! " કેતને કહ્યું.

"રોકડાને બદલે તું ચેક ના આપી શકે ? લલ્લન પાંડે ભરોસાને લાયક નથી." જયદેવ બોલ્યો.

"એ ભરોસાને બિલકુલ લાયક નથી એ મને પણ ખબર છે પરંતુ આ કેસમાં એ સીધો ચાલશે. એ મને બરાબર ઓળખી ગયો છે અને એને મારો ડર પણ છે. રહી વાત ચેકની. તો આ આખું ડીલ બે નંબરનું છે. જો એક નંબરના પૈસા આપું તો બધું એને ચોપડે બતાવવું પડે. ૩૦ કરોડ જેવી માતબર રકમ એના ખાતામાં જાય એટલે ઇન્કમટેક્સની ઇન્કવાયરી આવે. એને જવાબ આપવો ભારે પડે." કેતને સમજાવ્યું.

જયદેવના ગળે આ વાત ઉતરી ગઈ. એ પછી કેતન પાર્કિંગમાં ગયો અને જયદેવ બાઇક લઈને નીકળી ગયો.

"રુચિ હું કેતન બોલું. મારે આજે તમને મળવું છે. ક્યાં મળી શકાય ?" ઘરે પાછા ફરતી વખતે ગાડીમાંથી જ કેતને રુચિને ફોન કર્યો.

" તો પછી સાંજે ૫ વાગે પાર્લા આવી જાઉં. આપણે શિવસાગરમાં જ મળીએ. " રુચિ બોલી.

" હા એ આઈડિયા સારો છે. સાંજે ૫ વાગે હું રેસ્ટોરન્ટ ઉપર આવી જઈશ. તમે તમારી ચેકબુક સાથે રાખજો. " કેતન બોલ્યો અને ફોન કટ કર્યો.

હજુ જમવાનું બાકી હતું અને ભાભીને એણે કહી દીધું હતું કે બપોર સુધીમાં હું ઘરે આવીને જમીશ. એણે ગાડી પોતાના ઘર તરફ લીધી.

કેતને ઘરે પહોંચીને જમી લીધું અને પછી બે કલાક આરામ કર્યો. સાંજના સાડા ચાર વાગી ગયા હતા એટલે ચા પાણી પીને એ શિવસાગર રેસ્ટોરન્ટ જવા માટે નીકળી ગયો.

શિવસાગરમાં દાખલ થયો એટલે હોટલના કાઉન્ટર ઉપર બેઠેલો અન્ના એને ઓળખી ગયો. કેતન ખૂણાના એક ખાલી ટેબલ ઉપર જઈને બેસી ગયો અને રુચિની પ્રતીક્ષા કરવા લાગ્યો.

"અરે સત્યા.. સા'બ કો વહાં પાની દે ઔર ઉનકા ઓર્ડર લે લે." અન્નાએ પોતાના વેઈટરને બુમ પાડીને કહ્યું.

વેઈટર તરત જ કેતનના ટેબલ પાસે આવ્યો અને પાણીનો ગ્લાસ ભરી દીધો અને કેતનની સામે મેનુ મૂક્યું.

" ઠીક હૈ તુમ જાઓ. મૈ કિસીકા વેટ કર રહા હું. " કેતન બોલ્યો.

કેતન મેનુ ઉપર નજર દોડાવી રહ્યો હતો ત્યાં જ રુચિ મખીજાએ પ્રવેશ કર્યો.

" તમે તો મારા કરતાં પણ પહેલા આવી ગયા !!" રુચિ કેતનની સામે બેસતાં બોલી. આજે રુચિ એકદમ મોડર્ન લાગતી હતી.

"તમને નાસ્તામાં શું ફાવશે ? પાર્લામાં હું યજમાન છું અને તમે મહેમાન. " કેતન હસીને બોલ્યો.

" બપોરે જ જમી છું એટલે હમણાં બહુ ભૂખ નથી. છતાં મેંદુવડા ઠીક રહેશે. મારી પ્રિય આઈટમ છે. તમે શું લેશો ?" રુચિ બોલી.

" મને પણ એ ફાવશે. " કેતન બોલ્યો અને એણે વેઈટરને બોલાવીને બે પ્લેટ મેંદુવડાનો ઓર્ડર આપ્યો.

"હવે બોલો કેતનજી... શું સમાચાર છે ? તમે મને ચેકબુક લઈને મળવા બોલાવી એટલે કંઈક તો સારા સમાચાર હશે જ ! " રુચિ બોલી.

" સમાચાર ખૂબ જ એક્સાઈટિંગ છે. તમારું કામ મેં કરી દીધું છે. લલ્લન પાંડે પ્લૉટ ખાલી કરવા માટે માની ગયો છે. " કેતન હસીને બોલ્યો.

" વાઉ... ! ધીસ ઈઝ રિયલી આ ગ્રેટ ન્યુઝ !" રુચિ એકદમ ઉત્સાહમાં આવી ગઈ.

" યેસ... પૈસા આપો એટલે પ્લૉટ ખાલી. " કેતન બોલ્યો.

" તમે તો એક જ મિટિંગમાં મારું કામ પતાવી દીધું. મેં તમારામાં રાખેલો વિશ્વાસ સાચો ઠર્યો. મને ખાતરી જ હતી કે તમે આ કામ કરી શકશો." રુચિ બોલી.

" થેંકસ. તમારી ગણતરી કરતાં એની ડિમાન્ડ થોડી વધારે છે છતાં સોદો કંઈ ખોટો નથી. " કેતન અત્યારે મજાકના મૂડ માં હતો.

"કેટલી ડિમાન્ડ કરી એણે ? મેં ૫૦ સુધીની તો તૈયારી બતાવી જ હતી." રુચિ બોલી.

" યુ ગેસ... તમારો અંદાજ શું છે ?" કેતન બોલ્યો.

" કદાચ ૬૦ સુધી એણે માગ્યા હશે." રુચિ બોલી.

" તમારું અનુમાન સાચું છે. એ તો હજુ પણ વધારે કહેતો હતો પરંતુ છેવટે ૬૦ માં ડીલ પતી ગયું." કેતન બોલ્યો.

"ચાલો કંઈ વાંધો નહીં. પ્લૉટ ખાલી થઈ જાય એટલે બસ. પૈસા તો સ્કીમમાંથી આપણે કમાઈ લઈશું. " રુચિ બોલી.

"અરે મેડમ.. માત્ર ૩૦ કરોડમાં સોદો પતાવી દીધો." કેતને ધડાકો કર્યો.

"વ્હોટ !! માત્ર ૩૦ કરોડ ? " રુચિ બોલી. એના માન્યામાં જ નહોતું આવતું.

" જી... ૩૦ કરોડ. " કેતન હસીને બોલ્યો.

" તમે આટલા સસ્તામાં આ સોદો કઈ રીતે કરી શક્યા એ હજુ પણ મારા માન્યામાં નથી આવતું. યુ આર ગ્રેટ કેતન જી. આઈ એમ હાઈલી ઇમ્પ્રેસ્ડ ! " રુચિ બોલી.

" થેંકસ...પણ હવે ૩૦ કરોડ રોકડાની વ્યવસ્થા કરવી પડશે. આટલી મોટી કેશ માટે કોઈને પકડવો પડશે. મારે પાંડેને એક અઠવાડિયામાં ૧૦ કરોડ આપી દેવાના છે. બદલામાં મને એ ૧૦ કરોડનો ચેક સિક્યુરિટી પેટે આપશે." કેતન બોલ્યો.

" તમારા ધ્યાનમાં છે કોઈ એવી પાર્ટી ? " રુચિ બોલી.

" હું તો મુંબઈમાં હજુ નવો નવો છું. ભાઈ સાથે વાત કરું છું. તમે મને ૧૦ ૧૦ કરોડના નામ વગરના ત્રણ ચેક આપી દો. " કેતન બોલ્યો.

પળનો પણ વિલંબ કર્યા વગર રુચિએ ત્રણ ચેક ઉપર રકમ લખી અને પોતાની સહી કરી દીધી. નામ અને તારીખ બાકી રાખ્યાં.

" બસ હવે એકાદ મહિનામાં તમારો
પ્લૉટ ખાલી થઈ જશે. એ પછી આખા પ્લૉટ ઉપર બુલડોઝર ફેરવી દેવું પડશે. ભંગાર ત્યાંથી ખસેડીને આખાય પ્લૉટને ક્લીન કરી દેવો પડશે. અને આગળ રોડ સાઈડ તરફ ફરી કમ્પાઉન્ડ વૉલ ચણી લેવી પડશે. " કેતન રુચિને સમજાવી રહ્યો હતો.

ટેબલ ઉપર મેંદુવડાની બે પ્લેટ આવી ગઈ હતી એટલે બંનેએ જમવાનું ચાલુ કરી દીધું.

"તમે મારા માથાનો બધો ભાર હળવો કરી દીધો કેતનજી. તમે આ રીતે અચાનક આ રેસ્ટોરન્ટમાં મળી જશો એવી તો મને કલ્પના પણ ન હતી. તમે નહીં માનો પણ આ કામ એકદમ અશક્ય હતું. મારા પપ્પાએ દોઢ વર્ષ ખૂબ જ સંઘર્ષ કર્યો. હવે એમના આત્માને પણ શાંતિ થશે." રુચિનું દિલ ભરાઈ આવ્યું.

" દરેક ઘટનાનો એક ચોક્કસ સમય હોય છે રુચિ. એ સમય ન પાકે ત્યાં સુધી સંઘર્ષ કરવો જ પડે છે. પૂણ્ય કર્મ જાગૃત થાય એટલે બધા પાસા સુલટા પડે અને આપણા કામમાં ન ધારેલી સફળતા મળે. " કેતન બોલ્યો.

" મને તો એવું જ લાગે છે કે તમારી સાથે મુલાકાત થઈ એટલે જ મારું પૂણ્ય કર્મ જાગૃત થયું. તમારામાં જ કંઈક એવું છે જે આટલી સફળતા અપાવી શક્યું. " રુચિ બોલી.

કેતને કોઈ જવાબ ન આપ્યો. એ પોતે જાણતો જ હતો કે પોતાને મળેલી સિદ્ધિના કારણે જ આ કામ શક્ય બની શક્યું !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)