વોચમેનને પત્ર Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વોચમેનને પત્ર

વોચમેનને પત્ર

-રાકેશ ઠક્કર

ભાઈ વોચમેન,

તું બીજા દેશનો રહીશ હોવાથી તારું સાચું નામ ઉચ્ચારતા આવડતું નથી એટલે અમે તને વોચમેન કહીને જ બોલાવીએ છીએ. આખો દિવસ તારા માટે 'વોચમેન' ની બૂમો પડતી રહે છે. પણ એક દિવસ સવારે તારા માટે ચોર, લૂંટારો, બદમાશ અને ગિલિન્ડર જેવી બૂમો પડતી સાંભળી હું ચોંકી ગયો હતો. તું ઘણા સમયથી અમારી સોસાયટીમાં સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. ક્યારેય તારા વિશે કોઇ ફરિયાદ સાંભળી ન હતી. હંમેશા સોસાયટીના દરવાજા પર હાજર દેખાતો રહ્યો છે. બીજી સોસાયટીના વોચમેન અડધી રાત્રે સૂઈ જાય છે જ્યારે તું પ્રહરીની જેમ રાત્રે સોસાયટીની ફરતે સીટી વગાડીને કે દંડો પછાડીને ચોકી કરતો રહે છે અને અમે નિરાંતે ઊંઘી શકીએ છે. કોઇ અજાણી વ્યક્તિને પ્રવેશવા દેતો નથી. કોરોના કાળમાં સોસાયટીના રહીશોની સુરક્ષા માટે રાતદિવસ ફરજ બજાવી હતી. કોઇને પણ ચકાસ્યા વગર પ્રવેશવા દેતો ન હતો. સમયાંતરે સોસાયટીમાં સેનેટાઇઝેશનનું કામ પણ કરતો હતો. તારા કારણે જ અમારી સોસાયટી કોરોનાથી મુક્ત રહી શકી છે એમ કહેવામાં ખોટું નથી. પરંતુ જ્યારે તારા વિશે ખરાબ બોલાતું સાંભળ્યું ત્યારે મને મારા કાન પર વિશ્વાસ ના આવ્યો.

હું દોડીને સોસાયટીના કોમન પ્લોટમાં પહોંચ્યો ત્યારે કમિટિના સભ્યોની વચ્ચે તું મોં નીચું રાખીને ઊભો હતો. ઘણા બધા રહીશો આવી ગયા હતા એટલે સોસાયટીના સેક્રેટરી બોલ્યા હતા:'આ વોચમેન પર આપણે કેટલો ભરોસો કર્યો હતો. એણે જ આપણી સોસાયટીમાં ધાપ મારી છે. છેલ્લા ઘણા સમયથી તે આવી ચોરીની પ્રવૃત્તિ કરતો હોય શકે. એણે પહેલા માળે રહેતા દલપતભાઇને ત્યાંથી ઘડિયાળ, વીંટી વગેરે જે ઘરમાં બહાર મૂકેલું મળ્યું એ ચોરી લીધું હતું. પહેલાં તો અમને બહારથી કોઇ આવીને ચોરી ગયું હોવાની શંકા ઊભી થઇ. પછી કોઇએ અખબારમાં આવતા કિસ્સાઓ યાદ કરી વોચમેન પણ સામેલ હોવાની શંકા વ્યક્ત કરી. અમે એની રૂમ પર તપાસ કરી ત્યારે દલપતભાઈની વસ્તુઓ જ નહીં બીજાની ચોરાયેલી વસ્તુઓ પણ મળી આવી છે. આ વસ્તુઓ તેણે જ ચોરી હોવાની કબૂલાત કરી છે. આપણે જેને ઈમાનદાર સમજતા હતા એ જ ચોર નીકળ્યો છે. હવે આપણે એને પોલીસના હવાલે કરી દઈએ. આપણો વિશ્વાસઘાત કરનાર આ વોચમેન સજાને પાત્ર છે...'

બીજા રહીશો પણ વોચમેન પર ગુસ્સો ઠાલવવા તૂટી પડ્યા.

સેક્રેટરીનું બોલવાનું પૂરું થયું એટલે તું ભાંગી-તૂટી હિન્દીમાં બોલ્યો:'સાબ, આ બધી વસ્તુઓની ચોરી મેં કરી છે તે સ્વીકારું છું. પરંતુ મારો આશય ચોરીનો નહીં પણ તમને બધાને સાવચેત કરવાનો હતો. આપણા પ્રમુખ સાહેબ સાથે વાત કરીને જ મેં આ ચોરી કરી હતી... મેં તમારો વિશ્વાસ તોડ્યો નથી પણ લોકો પર તમે વધારે પડતો વિશ્વાસ ના મૂકો એટલે જ આ નાટક કર્યું છે.'

તારી વાતને સમર્થન આપતાં પ્રમુખ બોલ્યા હતા:'વોચમેનની વાત સાચી છે. તેણે મને કહ્યું હતું કે ઘણા મકાન માલિકો તેમના ઘરની સુરક્ષા પ્રત્યે બેદરકાર રહે છે. પોતાની કીમતી વસ્તુઓ રખડતી રાખે છે અને મહિલાઓ ઘરમાં એકલી હોય છતાં દરવાજને કડી લગાવતી નથી. આવો કોઇ ચોરીનો કિસ્સો આમ તો હું છું ત્યાં સુધી બનવાનો નથી. પણ હું કોઇ કારણથી દેશ જતો રહું કે જીવિત ના રહું તો ચોરી કે અન્ય ગુના બની શકે એમ છે. એણે ઘણી વખત કહ્યું હતું કે લોકો વધારે પડતા બેદરકાર રહે છે. મારી જગ્યાએ બીજો કોઇ વોચમેન હોય કે બહારથી આવતી વ્યક્તિની દાનત બગડે ત્યારે ચોરી થઇ શકે એમ છે...'

લોકોને સાવચેત કરવા તેં જે કર્યું એ સારું જ થયું. તેં સારો પદાર્થપાઠ શીખવ્યો. હવે બધાં પોતાના મકાનમાં કિમતી વસ્તુઓ રખડતી મૂકતા નથી અને ઘરની સુરક્ષા બાબતે સતર્ક રહે છે. હું તો એવું ઇચ્છું છું કે બધી જ સોસાયટીઓને તારા જેવા વોચમેન મળે અને સૌ સતર્ક રહે. અમે તને તારી સેવા માટે પગાર આપીએ છીએ. પણ તેં અમને સાવધાન કરીને તારી ફરજથી વિશેષ કામ કર્યું છે. એ બદલ તારી કદર કરું છું.

લિ. સોસાયટીનો એક સભ્ય