Island - 24 books and stories free download online pdf in Gujarati

આઇલેન્ડ - 24

પ્રકરણ-૨૪.

પ્રવીણ પીઠડીયા.

અડધી રાતનો સૂનકાર સમગ્ર હોસ્પિટલમાં છવાયેલો હતો. ક્યાંક કોઈક દર્દીનાં કણસવાનાં અવાજ સિવાય બીજો કોઈ જ શોર બકોર સંભળાતો નહોતો. હોસ્પિટલનાં પ્રાંગણમાં જગતી લાઈટનાં પ્રકાશમાં વરસતાં વરસાદનાં ફોરા આકાશમાંથી ખરતાં તારલિયા જેવો ભાસ ઉભો કરતાં હતા. મેં પાણીથી લથબથ પલળેલી બાઈકની સીટ ઉપર જામેલું પાણી હાથેથી સાફ કર્યું અને તેની ઉપર સવાર થયો. વરસાદ હજું પણ તેની ગતીથી વરસ્યે જતો હતો પરંતુ અત્યારે તેની તિવ્રતાં થોડી ઓછી થઈ હતી. તેમ છતાં ફક્ત બે જ મિનિટમાં હું પલળી ગયો હતો. આમ તો જો કે સાંજથી જ પલળેલી હાલતમાં હું રખડી રહ્યો હતો એટલે હવે તેનો કોઈ ફરક પડવાનો નહોતો. બાઈક સ્ટાર્ટ કરીને હું હોસ્પિટલનાં મેઈન ગેટમાંથી બહાર નિકળ્યો કે પહેલેથી જ ગેટ બહાર નિકળીને ઉભેલી માનસા મારી પાછળ બેસી ગઈ. તે પણ સંપૂર્ણપણે પલળી ચૂકી હતી. મેં બાઈકને વેટલેન્ડની બહાર જતી સડક ઉપર નાંખ્યું અને ફૂલ લિવર આપ્યું. એજ સેકન્ડે બાઈક રોકેટની તિવ્રતાથી ભાગી હતી અને ચંદ મિનિટોમાં અમે વેટલેન્ડને બસ્તી સાથે જોડતાં પૂલને વટાવીને બસ્તીનાં માર્ગે આવી પહોચ્યાં હતા.

આ આઈડિયા માનસાનાં ભેજાની ઉપજ હતી. તેણે જ મને જીવણાનાં ઘરે જવા ઉકસાવ્યો હતો. તેને તેની નોકરાણી પ્રત્યે પ્રેમ ઉભરાયો હતો જેનો ખામીયાજો મારે ભોગવવાનો હતો. જો કે તેમા મારો પણ સ્વાર્થ છૂપાયેલો હતો. સૌથી મોટી વાત એ હતી કે એ બહાને માનસાનો સાથ મળવાનો હતો અને એ ઉપરાંત જીવણાનાં મોતનું રહસ્ય મારે પણ જાણવું જ હતું ને…! પેલો લાકડાનો ટૂકડો તેણે પોતાનાં જીવથી પણ વહાલો કરીને કેમ સાચવ્યો હતો એની ગૂથ્થી પણ ઉકેલવી હતી એટલે બન્ને રીતે હું ફાયદામાં જ હતો.

વેટલેન્ડની સડક ઉપર ફૂલ થ્રોટલમાં મેં બાઈક ભગાવી હતી. રોડ ઉપર જમાં થયેલું પાણી બાઈકનાં ટાયર નીચેથી ફૂવારાની જેમ ચારેકોર ઉડતું હતું. માનસા મને લગભગ ચીપકીને બેઠી હતી. તેનાં ભિના દેહની સુંવાળપભરી ગરમી મને તરબતર કરતી હતી. એ અવસ્થામાં જ પૂલ પાર કરીને બાઈકને મેં બસ્તીની ડાબી બાજું ઉગેલા જંગલનાં ઉબડ ખાબડ રસ્તે નાંખી હતી.

મેં અગાઉ પણ કહ્યું હતું કે બસ્તીમાંથી કે વેટલેન્ડમાંથી ભાગ્યે જ કોઈક આ તરફ આવવાનું સાહસ કરતું. બસ્તીની પાછળ ઘણાં ઉંડા વિસ્તાર સુધી ફેલાયેલું ઘનઘોર જંગલ અહીનાં લોકો માટે હંમેશા ડરામણું અને મનહૂસ સાબિત થયું હતું. ઘણાં લોકો આ જંગલમાં ગયા પછી પાછા ફર્યાં જ નહોતા અને એ લોકોનાં ગૂમ થવાની નિત-નવી કહાનિઓ બધાનાં મોઢે વહેતી રહેતી એટલે પછી ધીરે-ધીરે બધાએ જંગલ તરફ જવાનું લગભગ બંધ જ કરી દીધું હતું. એક વખત તો એ બધું યાદ કરીને હું પણ ધ્રૂજી ગયો. બસ્તીની પાછળનો સમગ્ર ઈલાકો અને જંગલ વિસ્તાર કોઈ અકળ રહસ્યથી ઘેરાયેલો હતો. તેમાં હું અને માનસા અડધી રાત્રે… ભયાનક રીતે વરસતા વરસાદમાં… ચારેકોર છવાયેલા ઘનઘોર અંધકારને ચિરતાં… એક અત્યંત બિભત્સ રીતે થયેલા કત્લનો તાગ મેળવવા જઈ રહ્યાં હતા એ કોઈ અજાયબીથી કમ નહોતું.

મને આછો પાતળો અંદાજ હતો કે જીવણાંનું ઝૂંપડું કઈ દિશામાં હોવું જોઈએ. લગભગ વિસેક મિનિટનો કાદવ કિચડ ભરેલો લપસણો રસ્તો પાર કર્યો હશે કે અચાનક… આકાશમાં એક ભયાનક ચમકારો થયો અને હું ત્યાંજ થિજી ગયો. એકાએક બાઈકની બ્રેક લાગી હતી અને બાઈક કોઈ અડીયલ સાંઢની જેમ ઉભી રહી ગઈ. મારો શ્વાસ મારા જ ગળામાં આવીને અટકયો. અચાનક લાગેલી બ્રેકથી માનસા લગભગ ઉછળીને મારી સાથે જોરથી ટકરાઈ હતી અને પછી ગૂસ્સામાં કઇંક બોલી હતી. પણ… મારું ધ્યાન તેના બબડાટમાં નહોતું. મારી નજરો સામેની દિશામાં સ્થિર હતી. ત્યાં જે દેખાતું હતું એ દ્રશ્ય ભલભલાનાં હાજા ગગડાવે એવું હતું. રાતનાં નિતાંત અંધકારને ચિરતો વિજળીનો ભયાનક ચમકારો થયો હતો અને એ ચમકારામાં ઘનઘોર અંધકારને ઓઢીને ઉભેલું એક ખખડધજ મકાન મને દેખાયું હતું. એ મકાન કોઈ ભૂતિયા ફિલ્મમાં આવે એટલું ડરામણું હતું. વિજળીનાં ચમકારામાં એ મકાન ફક્ત ચંદ સેકન્ડો પૂરતું જ ઉજાગર થયું હતું અને હું થિજી ગયો હતો. મોટેભાગે મને ડર કઈ બલાનું નામ છે એ ખ્યાલ જ નહોતો પરંતુ અત્યારે ભયાનક ડરનું લખલખું મારા શરીરમાથી પસાર થઈ ગયું હતું.

“યુ આર અ ડમ્બ ડ્રાઈવર…” અને એવું તો કેટલુય માનસા બબડી હતી અને મારી પીઠ ઉપર મુક્કા વરસાવ્યાં હતા. પછી તે સીટ ઉપરથી નીચે ઉતરીને મારી સન્મૂખ આવીને ઉભી રહી હતી.

“ઓય… તને સંભળાય છે કે બેરો છો…? આવી રીતે કોઈ બ્રેક મારતું હશે..! હમણા હું પડી જાત તો…?” તે સખત ગુસ્સામાં બોલી. પરંતુ મારું ધ્યાન તેની વાતમાં નહોતું. તે જે બોલી એ કંઈ જ મેં સાંભળ્યું નહોતું. “ત્યાં શું જૂએ છે…?” મને સ્થિર જોઈને તેણે પણ હેરાનીભરી નજરોએ અંધારામાં તાક્યું હતું પરંતુ ઘોર અંધારામાં કશું દેખાયું નહી. તેણે મારા બન્ને ખભા પકડીને મને હલાવ્યો. “શું જોઈ રહ્યો છે ત્યા…?” તેણે ચિલ્લાઈને પૂછયું.

“એ… એ… મકાન.” મારાં હોઠ ધ્રૂજયાં.

“મકાન, ક્યું મકાન…? મને તો કોઈ મકાન દેખાતું નથી.” વળી પાછું તેણે આંખો ખેંચીને એ તરફ જોયું. મેં કોઈ જવાબ ન આપ્યો.

 

 

મને ખ્યાલ આવ્યો હતો કે અમે જેને શોધતા અહી પહોંચ્યાં હતા એ જીવણાનું જ મકાન હોવું જોઈએ. પણ આટલું ભયાનક…? વળી મને ધ્રૂજારી ઉપડી. હું બાઈક પરથી નીચે ઉતર્યો. “ચાલ મારી સાથે.” મેં તેનો હાથ પકડયો અને અંધારા લપસણા રસ્તે આગળ વધ્યો. અમે બન્ને પાણીથી લથબથ ભિંજાયેલા હતા. અવાવરું એકાંત જંગલમાંથી વહેતો ઠંડો પવન અમારા શરીર સાથે અથડાતો હતો. એ ઠંડકમાં અમારા બન્નેની ડાગલી રીતસરની ધ્રૂજતી હતી. થોડી જ વારમાં અમે એ મકાન સામે આવીને ઉભા રહ્યાં. અંધકાર અને વરસાદનાં કારણે મકાન કેવું છે એ સ્પષ્ટ દેખાતું નહોતું પરંતુ એટલો તો ખ્યાલ આવતો જ હતો કે તેને મકાન કહેવા કરતાં પતરા મઢેલું ઝૂંપડું કહેવું વધારે બહેતર હતું. વળી તે સાવ એકાંત જંગલમાં એકલું અટૂલું ઉભું હતું એટલે ઓર ભય પેદા કરતું હતું. સામે જ તેનો પતરાનો દરવાજો દેખાતો હતો. અમે દરવાજે આવ્યાં. મકાનનાં મોભ ઉપરથી વરસાદી પાણીનાં નાનકડા ધોધ વહેતા હતા જે સીધા જ અમારી ઉપર પડતાં હતા. ઝડપથી આગળ વધીને મેં દરવાજાને ધક્કો માર્યો અને અમે પલળેલી હાલતમાં જ અંદર પ્રવેશ્યાં. અંદર ઘોર અંધકાર હતો. અહી લાઈટ હોવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો છતાં એટલો ખ્યાલ આવ્યો હતો કે મકાન ફક્ત એક જ કમરાનું હશે. અંધકારમાં કંઈ પણ કળવું મુશ્કેલ હતું. બીક લાગવાથી માનસા મજબૂતીથી મારી બાંહ પકડીને એકદમ મારી સમિપ ઉભી હતી. મને ખ્યાલ આવતો હતો કે તે સખત રીતે ડરી ગઈ છે.

“તું અહી જ ઉભી રહે. હું રોશનીની વ્યવસ્થા કરું છું.” તેનો હાથ છોડાવતાં મેં કહ્યું અને પછી સાવ અંદાજે જ આગળ વધ્યો. અહી સુધી વિજળી પહોંચી હશે કે નહી એનો મને ખ્યાલ નહોતો અને પહોંચી હોય તો પણ આ વરસાદમાં વિજળી શરૂ હોય એવી આશા રાખવી નકામી હતી એટલે ઘરનાં કોઈક ખૂણે… રસોડામાંથી મેચ બોક્સ મળી જાય તો અજવાળું કરી શકાય એ આશાએ મેં ઘરમાં ખાંખાંખોળા શરૂ કર્યાં. અને… તેમાં હું કામયાબ પણ નિવડયો. ત્યાં એક ખૂણામાં સ્ટવ પડયો હતો અને સ્ટવ ઉપર જ માચિસ જડી આવ્યું. મેં દિવાસળી સળગાવી એ સાથે જ પતરા મઢેલો એ નાનકડો કમરો આછા માંદલા પ્રકાશમાં ઉજાગર થયો. એ દરમ્યાન માનસા મારી નજીક આવી હતી. તેણે વાસણો મૂકવા બનાવાયેલા લાકડાનાં છજ્જા ઉપરથી થોડીક મીણબત્તીઓ શોધી હતી. મે એક મીણબત્તી સળગાવીને માનસાનાં હાથમાં આપી અને એક મારી પાસે રાખી. ઠીક ઠીક અજવાશ થતાં હવે કમરાની અંદરનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું હતું. આખો કમરો ઉલટ-પલટ અવસ્થામાં હતો. બધો જ સામાન કોઈકે કંઈક શોધવા ફેંદી નાંખ્યો હોય એવું માલૂમ પડતું હતું. કમરાની એક-એક વસ્તુંને તેની જગ્યાએથી આડેધડ ખસેડવામાં આવી હતી. મતલબ સાફ હતો… જે પણ વ્યક્તિ કે વ્યક્તિઓ અહી આવ્યાં હતા તેઓ કંઈક શોધી રહ્યાં હતા.

“માયગોડ… રોની… આ જો…” માનસા એકાએક કમરાની વચ્ચે પડેલા પલંગ તરફ ધસી ગઈ હતી. પલંગ સાવ અસ્ત-વ્યસ્ત હતો અને તેની ઉપર લોહીનાં અસંખ્ય ડાઘા… ધબ્બા પડેલા હતા. એ દ્રશ્ય ભયાનક હતું.

મતલબ કે જીવણા ઉપર હુમલો તેના જ કમરામાં કરવામાં આવ્યો હતો એ સ્પષ્ટ થતું હતું. મે ધ્યાનથી પલંગને નિરખ્યો. પલંગ ઉપર પાથરેલું મેલું ગોડદું લોહીથી ખરડાયેલું હતું. ભીના વાતાવરણનાં કારણે એ લોહી હજું સુકાયું નહોતું. મને જીવણાની દયા આવી. તેનું શરીર અત્યંત બેરહમીથી ઝિંકાયેલા ઘા જીલી ગયું હતું અને તે અહીથી ભાગ્યો હતો એ જ આશ્વર્યજનક બાબત હતી. છતાં કોઈક કારણોસર તે બસ્તી સુધી પહોંચીને પડયો હતો અને ત્યાં જ મૃત્યું પામ્યો હતો. પણ શું કામ…? શું કામ કોઈને જીવણાને મારવો પડે…? જીવણા પાસે એવું શું હતું જેના કારણે તેની હત્યાં થઈ…? ફરીથી એ જ સવાલોએ મારા મન ઉપર કબજો જમાવ્યો. જરૂર એ સવાલોનો જવાબ અહીથી, આ કમરામાંથી જ મળશે એવું મને ’ફિલ’ થતું હતું. ઘણી વખત તમારું મન સામેથી કોઈ બાબતનો અણસાર આપી દેતું હોય છે. અત્યારે મારી સાથે એવું જ બની રહ્યું હતું.

“માનસા… એ મહત્વનું નથી કે આ કમરામાં શું થયું, પણ શેના કારણે થયું એ મહત્વનું છે. આપણે એ કારણ શોધવાનું છે અને… મને લાગે છે કે એ કારણ આ કમરામાંથી જ મળશે. તું સામેથી શરૂ કર, હું અહીથી શરૂ કરું છું. કંઈ પણ… કોઈ પણ વસ્તું કે બાબત ધ્યાનમાં આવે તો કહેજે.”

“ઓ.કે.”

અને… અમે બન્ને એક અજાણી વસ્તું શોધવા મંડી પડયા.

-------------------------

લગભગ અડધા કલાક પછી અમે બન્ને હાંફી ગયા. પહેલેથી ઉલટ-સૂલટ પડેલા ઘરને અમે ફરીથી ઉલેચી નાંખ્યું હતું પરંતુ કંઈ જ હાથ લાગ્યું નહી. ઘોર નિરાશામાં હાંફતા ક્યાંક સુધી એક-બીજાને તાકતા એમ જ ઉભા રહ્યાં. આટલાં ઠંડા વાતાવરણમાં પણ મારા કપાળે પરસેવો ઉભરી આવ્યો હતો. એ પરસેવો મહેનત કરતાં નાકામયાબીનો વધું હતો. હવે શું…? એક વિકરાળ પ્રશ્ન મોં ફાડીને અમારી સમક્ષ ઉભો હતો. માનસા ત્યાં પડેલા એક સ્ટૂલ પર બેસી ગઈ. તેના હાથમાં ઝગતી મીણબત્તીનો ધૂંધળો પ્રકાશ તેનાં પરસેવા મિશ્રિત ખૂબસૂરત ચહેરા ઉપર પથરાતો હતો. ઘડીભર માટે હું તેના ચહેરાને નિરખી રહ્યો. મારી જેમ તેના મનમાં પણ હજ્જારો પ્રશ્નો રમતા હતા.

“રોની… હવે શું કરીશું…?” તેણે નજરો ઉઠાવીને મારી સામું જોયું. મેં ખભા ઉલાળ્યાં. “તારી પાછળ એક રેક તપાસવાનો બાકી છે. જરા જોઈ લે ને.” એકાએક તેણે કહ્યું. તેના અવાજમાં ભારોભાર નિરાશા છલકતી હતી. મને પણ હવે એવો કોઈ ઉમળકો રહ્યો નહોતો. અમારો ધક્કો ફેલ ગયો હતો, છતાં… તેણે કહ્યું એટલે હું એ રેક તરફ ચાલ્યો.

મારી પીઠ પાછળની દિવાલે ટિંગાતો સડી ગયેલા પતરાનો એક જ રેક બાકી બચ્યો હતો. તેમા ધૂળ ચઢી ગયેલા થોડા જરી-પૂરાણા પૂસ્તકો દેખતા હતા. રેક નજીક પહોંચીને મેં તેમાનું એક પૂસ્તક ઉઠાવ્યું અને હાથેથી જ તેની ધૂળ ખંખેરી. ખબર નહી કેટલા વર્ષોથી આ પૂસ્તકો એમ જ પડયા હશે. ઉડતી ધૂળની બાટી ગયેલી વાસ મારાં નાકમાં ઘૂસી અને…

--------

ઈન્સ્પેકટર દેવ ધૂંધવાઈને પોલીસ ચોકીમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. જીવણાનો ખૂલ્લો દેહ હજુપણ તેના માનસ પટલ ઉપરથી ખસતો નહોતો. “ડેમ ઈટ….” તે બબડયો અને… એ ક્ષણે જ તેણે જીવણાનાં ઘરે જવાનો મનસૂબો ઘડયો. તેનું ચાલ્યું હોત તો તેણે એ ઘડીએ જ જીપ કઢાવી હોત પરંતુ અડધી રાત્રે, ધોધમાર વરસતા વરસાદમાં એવું સાહસ કરવું તેને યોગ્ય ન લાગ્યું. પણ… એ તેની ભૂલ હતી. તેણે એ સમયે જ નિકળી જવાની જરૂર હતી.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED