આઇલેન્ડ - 7 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇલેન્ડ - 7

પ્રકરણ-૭.

પ્રવીણ પીઠડીયા.

જીમીનો જીવ તેના જ ગળામાં આવીને સલવાયો હતો. કપાળે ભયંકર પરસેવો ઉભરાતો હતો. પસાર થતી એક એક ક્ષણ તેને મોતની ઓર નજીક લઈ જતી હતી. પિસ્તોલની નાળ એકદમ ઠંડી હતી છતા તેનો સ્પર્શ સળગતા અંગારાની જેમ તેને દઝાડી રહ્યો હતો. છેલ્લી ઘડીઓ ગણતો હોય એમ તેની પાપણો આપસમાં સખ્તાઈથી ભીડાઈ હતી. સાથોસાથ હેરાની ઉદભવતી હતી કે રસ્તા ઉપર કેમ કોઈ દેખાતું નથી. આવો સન્નાટો આજ પહેલા ક્યારેય તેણે અનુભવ્યો નહોતો. મનોમન તે પ્રાથના કરતો હતો કે અચાનક કોઈ આવી ચડે અને ડેનીનાં હાથમાંથી તેને બચાવી લે. પરંતુ અત્યારે એ શક્યાતા બહુ ઓછી જણાતી હતી. તે પથ્થરનાં કોઈ બૂતની જેમ રસ્તા ઉપર ફસડાઈને પડયો હતો અને મોતને ધીમા પગલે પોતાની તરફ આવતા મહેસૂસ કરી રહ્યો હતો.

“હરામખોર… આંખો ખોલ અને સામે જો. મોત જ્યારે નજરો સમક્ષ ઉભું હોય ત્યારે કેવો આતંક ફેલાય છે એ તારી આંખોમાં મારે જોવું છે. એ દરેક વ્યક્તિ… જે મારા રસ્તામાં આવશે એનો આવો જ અંત આવશે. કોઈને નહી છોડું.” ડેનીનો એકદમ ઠંડો… ધ્રૂજારીભર્યો અવાજ તેનાં કાને અફળાયો. તેના જીગરમાં સળ પડયા. એક વખત તો થયું કે ડેની ટ્રિગર દબાવી દે તો સારું. આમ કટકે કટકે મરવા કરતા એક ધમાકો અને બધું ખતમ. તેણે આંખો ખોલી અને ઉંચે જોયું. ડેની સાક્ષાત યમરાજ જેવો ભાસતો હતો. તેણે જે ડ્રગ્સ લીધું હતું એની પૂરેપૂરી અસર હવે તેની ઉપર હાવી થઈ ચૂકી હતી. તેની આંખો અને નાક લાલઘૂમ બન્યા હતા અને નાકમાં વારેવારે પાણી ઉભરાતું હતુ જેને જોર કરીને તે અંદર ખેંચતો હતો. ન ચાહવા છતાં તેની આંખો ઘેરાઈ આવતી હતી અને ઢળતી પાપણોને પરાણે ખૂલ્લી રાખવાની તે મિથ્યા મથામણ કરતો હતો. છતાં એક જરૂર વાત હતી, તેનો પિસ્તોલ વાળો હાથ એકદમ સ્થિર હતો. જીમીને એ જ ડર સતાવતો હતો કે જો ભૂલથી પણ ડેનીની આંગળીએ કોઈ હરકત કરી નાખી તો પિસ્તોલનું ટ્રિગર દબાતા વાર લાગે નહી અને નિશ્ચિતપણે તેની ખોપરીનાં ફૂરચા ઉડી જશે.

“ડેની… લીવ મી પ્લિઝ.” આપોઆપ તેના હાથ આપસમાં જોડાયા અને લગભગ આજીજીભર્યો સ્વર તેના ગળમાંથી નીકળી પડયો.  આજે પહેલી વખત તે પોતાને પરાધિન મહેસૂસ કરી રહ્યો હતો. બોલતી વખતે તેની જીભ ઝલાતી હતી. હંમેશા બકબક કરનારો વ્યક્તિ આજે પહેલીવાર શબ્દો શોધી રહ્યો હતો. તેનો એક પગ ખોટો પડી ગયો હોય એવું માલૂમ થતું હતું જ્યારે બીજો પગ છોલાયો હતો તેમાં ભયંકર બળતરા ઉપડી હતી. એટલું ઓછું હોય એમ ડેનીએ ઝનૂનપૂર્વક ઠોકેલો મૂક્કો પેટનાં આંતરડામાં ખળભળાટ મચાવી રહ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરવો પડે એમ હતો પરંતુ પરિસ્થિતી જોતા લાગતું હતું કે હોસ્પિટલે નહી, તે ડાયરેક્ટ સ્મશાનભેગો થશે.

“નો વે જીમી, તારે મરવું તો પડશે જ.” ડેનીએ પિસ્તોલ ઉપર ભિંસ વધારી અને તેના જડબા સખત થયા. “એક… બે… અને… ” તેણે કાઉન્ટિંગ શરૂ કર્યું. જીમીએ ફરીથી આંખો બંધ કરી લીધી. તેનો આખરી સમય આવી પહોંચ્યો હતો. તેને પાક્કી ખાતરી થઈ ચૂકી હતી કે હવે તેની મદદે કોઈ આવશે નહી. અને…

બરાબર એ સમયે જ… દૂરથી આવતો એક અવાજ તેના કાને અફળાયો અને તેના જીગરમાં ખળભળાટ મચ્યો. ઘડીક તો થયું કે હરખથી તે નાચી ઉઠશે.

@@@

ખૂલ્લા રોડ ઉપર બાઈક તેજીથી ભાગી રહ્યું હતું અને એટલી જ તેજીથી મારું મન ચકરાવે ચડયું હતું. જીવણા સૂથારનો ક્ષપ્ત-વિક્ષિપ્ત દેહ મારી નજરો સામેથી હઠતો નહોતો. તેના શરીરે પડેલો એક-એક ઘાવ… એ ધાવમાંથી રીસીને સૂકાઈ ગયેલું લોહી… તેનો તરડાઇ ગયેલો રુક્ષ ચહેરો… કેમ મને બેચેન બનાવી રહ્યાં હતા? શું કનેકશન હતું મારું તેની સાથે? એવું કેમ લાગતું હતું કે એવા જ ગહેરા ઘા મેં પહેલા પણ ક્યાંક જોયા છે! જોર કરીને ઘણું યાદ કરવાની કોશીશ કરી પરંતુ કેમેય કરીને યાદ આવતું નહોતું. ક્યાંક એ મારો ભ્રમ તો નહોતો ને! શું હું પાગલ બની રહ્યો હતો કે પછી આ મામલામાં ઓવર રિએક્ટ કરી રહ્યો હતો! નહીં, સાવ એવું નહોતું. એક ધૂંધળું ચિત્ર, એક આછું દ્રશ્ય મારા માનસપટલ ઉપર ગહેરા ધૂમ્મસની જેમ ઉભરતું હતું. પરંતુ એ શું હતું એ સ્પષ્ટ થતું નહોતું. જો અણીનાં સમયે પેલો સબ ઈન્સ્પેકટર આવી ચડયો ન હોત તો ચોક્કસ થોડો વધું સમય મને મળ્યો હોત અને એ સમયમાં સરખી રીતે જીવણાની બોડી મેં તપાસી લીધી હોત. પણ એવું થયું નહોતું અને એ બાબતનો અફસોસ કરવાનો સમય પણ અત્યારે નહોતો. હું હોસ્પિટલની બહાર નીકળી આવ્યો હતો અને કોઈ જ ઉદ્દેશ વગર પાછો ગેરેજ તરફ ચાલ્યો હતો. એ દરમ્યાન વેટલેન્ડની બહાર જતા રસ્તા ઉપરનું એક સર્કલ મેં વટાવ્યું હતું.

@@@

ઢળતી બપોરનો ત્રાસો સૂર્યપ્રકાશ ડેનીની પીઠ ઉપર પથરાતો હતો. પીળા પ્રકાશમાં તે અજીબ ભાસતો હતો. તેના શરીરનો પડછાયો જીમીને ઢાંકી રહ્યો હતો. હોલીવૂડની કોઈ ક્લાસિક માફિયા ફિલ્મમાં ભજવાતા ’સીન’ જેવું એ દ્રશ્ય હતું. ડેનીનાં હાથમાં પિસ્તોલ હતી અને તે આંકડાઓ ગણી રહ્યો હતો. અચાનક… એ સમયે જ એક આછી ધરધરાટી ભર્યો અવાજ તે બન્નેનાં કાને અફળાયો. જીમીનું હદય એક ધબકારો ચૂકી ગયું અને પછી તેનું રોમ-રોમ નાચી ઉઠયું. એકાએક જ આશાનું એક કિરણ તેના મનમાં જાગ્યું. આંખો ખોલીને તેણે ડેનીની પાછળ પથરાયેલા રસ્તા તરફ ડોક લંબાવી. ઘણે દૂર સુધી દેખાતો રસ્તા હજુપણ ખાલીખમ હતો. કોઈ ગાડી આવતી હોય એવો અવાજ જરૂર સંભળાતો હતો પરંતુ રસ્તા ઉપર કોઈ દેખાતું નહોતું. જીમીને સમજતા વાર ન લાગી કે એ એક બાઈકનાં સાયલેન્સરનો અવાજ છે, મતલબ કે કોઈ બાઈક આ તરફ આવી રહી હતી. જાણે અચાનક તેને જીવનદાન મળ્યું હોય એમ તેનો ચહેરો ખીલી ઉઠયો. ડેની પણ ચોંક્યો હતો અને તેણે ગરદન ફેરવીને પાછળ જોયું.

ક્ષણભર… માત્ર ક્ષણભર માટે એવું કરવામાં તેનો હાથ હલ્યો હતો અને પિસ્તોલ જીમીનાં કપાળેથી દૂર થઈ હતી. સેકન્ડનાં ચોથા ભાગમાં જીમીનાં મગજમાં ચમકારો ઉદભવ્યો. એક ગોલ્ડન ચાંન્સ તેને મળ્યો હતો. જે કોઈ બાઈક લઈને આ તરફ આવી રહ્યું હતું એ ઘણે દૂર હતું એમા કોઈ શંકા નહોતી. એ બાઈક અહી સુધી પહોંચે એ પહેલા ડેનીએ ટ્રિગર દબાવી દીધું તો તેનું મોત નક્કી હતું અને કદાચ, માની લો કે એ બાઈકવાળો નજીક આવે અને ડેનીનાં હાથમાં પિસ્તોલ જોઈને ડરીને ભાગી જાય તો પણ તેનું મરવું ફાઈનલ હતું. ભયંકર કટોકટીની ઘડીમાં જીમીનું દિમાગ તેજ ગતીએ વિચારતું હતું. અને… પલક ઝપકતા તેણે એક હરકત કરી નાંખી. એક સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં એ બની ગયું હતું.

ડેનીનો હાથ સહેજ જ હલ્યો હતો. પિસ્તોલ તેનાં કપાળેથી માત્ર એક ઈંચ જેટલી જ દૂર ખસી હતી અને તેણે એક આત્મઘાતી પગલું ભરી નાખ્યું. સસલાને જોઈને ઝપટ મારતાં ચિત્તા જેવી સ્ફૂર્તીથી ઝપટ મારીને તેણે બન્ને હાથે પિસ્તોલનું નાળચું પકડયું. નાળચું બન્ને હથની હથેળીમાં બરાબરનું ફિટ થયું અને સહેજે ગફલત કર્યા વગર તેણે ઝટકો માર્યો. ભયંકર ઝડપે ડેનીનાં હાથમાંથી તેણે પિસ્તોલ ખેંચી લીધી. ડેની કંઈ સમજે, તેના ચહેરા ઉપર આશ્ચર્યાઘાતનાં ભાવ ઉપજે, એ પહેલા પિસ્તોલ તેના હાથમાંથી છૂટી ગઈ હતી અને જીમીનાં હાથમાં આવી પડી હતી. ડેની અસાવધ હતો અને સાથોસાથ નશામાં પણ હતો એટલે પિસ્તોલ ઉપર તેની પકડ ઓલરેડી ઢિલી પડી ચૂકી હતી, ઉપરાંત તે બેધ્યાન પણ બન્યો હતો જેનો ભરપૂર લાભ જીમીએ ઉઠાવ્યો હતો. આંખનો પલકારો ઝબકે એથી પણ વધું ઝડપે જીમી ત્રાટક્યો હતો અને પિસ્તોલને ખેંચી લીધી હતી. તેનામાં એટલી સ્ફૂર્તી ક્યાંથી આવી એ ભયંકર આશ્ચર્યની વાત હતી પરંતુ મરતો માણસ ઘણી વખત અસાધારણ સાહસ કરી નાંખતો હોય છે. જીમી સાથે પણ એવું જ બન્યું હતું. તેનું બધું દર્દ પળવારમાં ગાયબ થઈ ગયું હતું અને ખોવાયેલો આત્મવિશ્વાસ ફરીથી જાગ્યો હતો. તેના હાથ ધ્રૂજતા હતા, પગમાં ભયંકર દુખાવો થતો હતો છતાં રોડ ઉપર એક હાથનો ટેકો દઈને તે ઉભો થયો. એ દરમ્યાન તેનું સમગ્ર ધ્યાન ડેની ઉપર જ હતું. ધ્રૂજતા હાથે જ તેણે ડેની તરફ પિસ્તોલ તાકી રાખી હતી અને મહા મહેનતે સીધો ઉભો થયો.

“હેન્ડઝ્અપ ડેની.” તે બોલ્યો અને જોર કરીને ગળે થૂંક ઉતાર્યું. તેનો શ્વાસ ફૂલતો હતો. છાતી કોઈ ધમણની જેમ ચાલતી હતી. અવાજ રીતસરનો થથરી રહ્યો હતો પરંતુ હાથમાં આવેલો સોનેરી મોકો હવે તે ચૂકવા માંગતો નહોતો.

બાઝી અચાનક પલટી ગઈ હતી. પહેલા જીમી ગન પોઈન્ટ ઉપર હતો અને હવે ડેનીનો વારો આવ્યો હતો. ડેનીને ઝટકો જરૂર લાગ્યો હતો અને બે ડગલા તે પાછળ ધકેલાયો હતો. પરંતુ તરત તે સંભળ્યો હતો અને જીમી તરફ ફર્યો હતો. જીમી જેવો તૃચ્છ વ્યક્તિ તેની ઉપર ભારે પડે એ નાલોશી કેમ સહન થાય તેનાથી. તેના અહમને ઠેસ પહોંચી હતી અને તે કોઈ શિકારી પશુની જેમ ધીમા પગલે જીમી તરફ આગળ વધ્યો.

“જીમી… માય બોય, લાવ પિસ્ટલ મને આપી દે. એ તારા હાથમાં બીલકુલ સારી લાગતી નથી.” તે હસ્યો. એ હાસ્ય ભયાનક હતું. તેના પીળા દાંત ફરીથી ચમક્યાં. તેના દિમાગમાં નશો છવાયેલો હતો અને જીગરમાં ઓવર કોન્ફિડન્ટ છલકાતો હતો. તે જાણતો હતો કે જીમી ફાયર કરી શકે એટલો ’ગટ્સ’ ધરાવતો નથી. તેને એ પણ ખબર હતી કે પિસ્તોલ હાથમાં લેવી અને તેને ચલાવવી એ બન્ને બાબતો અલગ હતી. એ માટે જીગર જોઈએ. તેણે જીમી તરફ હાથ લંબાવ્યો અને ઠંડા કલેજે આગળ વધ્યો.

જીમી મુંઝાયો. તે ક્યારેય આવી તંગ પરિસ્થિતીમાંથી પસાર થયો નહોતો. અરે… પિસ્તોલ પકડવાની વાત તો દૂર રહી પરંતુ આજ પહેલા કોઈ દિવસ અસલી પિસ્તોલ જોઈ પણ નહોતી. વળી ડેની જે આત્મવિશ્વાસથી તેની તરફ આગળ વધી રહ્યો હતો એમાં માંડમાંડ એકઠું કરેલું તેનું મનોબળ રસાતાળ ભણી ધસતું જતું હતું. તે ફાયર કરવા માંગતો હતો પરંતુ એવું કરવામાં તેના ખુદનાં જ હાથ ધ્રૂજતા હતા. આખરી ઉપાય તરીકે તેણે ફરીથી રોડ ઉપર નજર નાંખી. અને… તેની આંખો ચમકી. દૂર ક્ષિતિજમાંથી પથરાતા સૂર્ય કિરણોની વચ્ચેથી એક બાઈક સવાર રોડ ઉપર તેની તરફ આવતો દેખાયો. કટોકટીની ઘડીમાં જાણે કોઈ ફરિસ્તો આકાશમાંથી પ્રગટ થયો હોય એવું લાગ્યું તેને.

“સબૂર.. ત્યાંજ ઉભો રહી જા ડેની, નહીતર આ સગી નહી થાય.” તે ગર્જી ઉઠયો અને પિસ્તોલ સાબદી કરી. બસ હવે થોડી જ સેકન્ડો અને પેલો બાઈક સવાર તેની નજીક આવી પહોંચશે. ત્યાં સુધી ગમે તે રીતે તેણે પરિસ્થિતી સંભાળી રાખવાની હતી. પછી જે થાય એ જોયું જશે.

“ઓ હોય…. ઓ હોય…. “ દૂરથી જ બાઈક સવારને ઉદ્દેશીને તેણે બૂમો પાડવી શરૂ કરી જેથી જલદીથી તે અહી આવી પહોંચે.

(ક્રમશઃ)