આઇલેન્ડ - 25 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

આઇલેન્ડ - 25

પ્રકરણ-૨૫.

પ્રવીણ પીઠડીયા.

રેક નજીક પહોંચીને સાવધાનીથી મેં રેક ઉપરની ધૂળ ઝાપટી હતી. ઘણું ધ્યાન રાખવાં છતાં ધૂળ આખા કમરામાં ઉડી હતી. મારા નાક અને ગળામાં એ ઝિણિ રજ ઘૂસી અને એકાએક જ મને ખાંસી ઉપડી. મિણબત્તીને એક જગ્યાએ ખોસીને ખાંસતાં ખાંસતાં જ રેક ઉપરથી એક પૂસ્તક ઉઠાવીને હું કમરાની વચ્ચે આવ્યો. માનસા મારી પાછળ આવી હતી. તેની હાલત પણ કંઈ સારી નહોતી. ખાસીથી તેનો ચહેરો લાલઘૂમ બની ગયો હતો અને આંખોમાં પાણી ઉભરી આવ્યું હતું.

“શું છે એ….?” તેણે પૂંછયું. મેં તેની તરફ પૂસ્તક લંબાવ્યું. એક હાથમાં મિણબત્તી સંભાળતા બીજા હાથે પૂસ્તક લઈને બન્ને બાજું ઉલટાવીને તેણે પૂસ્તકને બરાબર નિરખ્યું. તેનાં ચહેરા ઉપર વિસ્મય ઉભર્યું. મને લાગ્યું કે તેને એ પૂસ્તક શેનું છે એ સમજાયું નહોતું. “શું છે એમાં…?” ખોલ્યાં વગર જ એ પૂસ્તક મને પરત આપતા તેણે પૂંછયું. કદાચ તેને આવી બાબતોમાં રસ નહી હોય.

“એ તો પૂસ્તકમાં શું લખ્યું છે એ વાંચીએ તો ખબર પડે. બાકી અત્યારે તું જેટલું જાણે છે એટલું જ હું જાણું છું.” હું બોલ્યો હતો અને પછી ધ્યાનથી પૂસ્તકને જોવા લાગ્યો.

પૂસ્તક સાવ જર્જરીત અવસ્થામાં હતું. તેનું ઉપરનું જાડું કવર સમયની થપાટો ઝિલીને કાળું પડી ગયું હતું અને લગભગ સડવાની હાલતમાં હતું. પૂસ્તકની અંદરનાં પાના પણ કંઈ ખાસ વખાણવા લાયક અવસ્થામાં નહોતા. પાનાનાં કાગળ ખવાઈ ચૂક્યાં હોય એવું સ્પષ્ટ માલૂમ પડતું હતું. અત્યંત ધીરેથી… સાવધાની વર્તતા પૂસ્તકનાં પૂંઠા ઉપરથી મેં ધૂળ ખંખેરી. પૂંઠા ઉપર કંઈક વિચિત્ર સંજ્ઞાઓ અને આક્રૃતિઓ દોરેલી હતી. કોઈ જ ’ટાઈટલ’ વગરનું… ફક્ત ચિત્રો દોરેલું પૂસ્તક મારાં મનમાં પણ વિસ્મય પેદા કરી ગયું. મેં તેનું કવર ઉથલાવ્યું અને… એ સાથે જ મારું હૈયું થડકી ઉઠયું. છાતીનાં પોલાણમાં જોરદાર ધડબડાટી મચી. હદય એટલાં જોરથી ધબકવા લાગ્યું જાણે હમણાં જ છાતી ચીરીને તે બહાર નિકળી આવશે. માનસા અચંબાભરી નજરોથી મને તાકી રહી. તેનાં એક હાથમાં ખલાયેલી મિણબત્તીનો ફડફડાતો પ્રકાશ પૂસ્તકનાં ઉઘાડા થયેલા પાના ઉપર પથરાતો હતો. મિણબત્તીની જ્યોત અને હાથમાં પકડેલું પૂસ્તક… બન્ને રીતસરનાં ધ્રૂજતા હોય એવો મને ભાસ થયો. જીવણાનાં મકાનનો દરવાજો અમે ખૂલ્લો જ રહેવા દીધો હતો. એ ખૂલ્લા દરવાજામાં થઈને અંદર આવતા પવનની લહલરખી સાથે મિણબત્તીની જ્યોત ફફડતી હતી અને તેનો આછો માંદલો પ્રકાશ… કંઈક અજીબ સ્પંદનો પેદા કરતાં હતા.

----------------

વિજયગઢ રાજ્યનો સર સેનાપતી વિર સેન ભારે વ્યગ્રતાં અનુભવતો આમથી તેમ આંટા મારી રહ્યો હતો. તેના રુક્ષ ચહેરા ઉપર અપરંપાર ચિંતા ઝળકતી હતી. તે વારે વારે તેના ભવ્ય કક્ષનાં ઝરુખે જઈને નગરનાં રસ્તે નજર નાંખી આવતો હતો. તેને કોઈની રાહ હતી.

“માલીક, નાના મોઢે મોટી વાત કહું…?” કક્ષમાં હાજર તેનો એક ચાકર, જે અત્યંત વિશ્વાસપાત્ર અને ભરોસેમંદ હતો એ વિર સેનની વ્યગ્રતા પારખીને બોલ્યો. વિર સેન ચહલ કદમી કરતાં અટક્યો અને તેમણે ચાકર સામું જોયું. એ નજરોમાં સંમતી ઝળકતી હતી. “મને નથી લાગતું કે આપણે બહારનાં કોઈનો ભરોસો કરવો જોઈએ.”

“હંમમમ્….” વિરસેને હુંકાર ભણ્યો. અંદરખાનેથી તેનું મન પણ એવું જ કંઈક કહેતું હતું પરંતુ વાત હવે હાથમાંથી નિકળી ચૂકી હતી અને ઘણું વિચાર્યા બાદ તેમણે એ ફેંસલો લીધો હતો એટલે પીછેહઠ કરવાનો પ્રશ્ન નહોતો ઉદભવતો. છતાં… તે ફરીથી વિચારમાં ગરકાવ બન્યાં.

થોડા દિવસો પહેલાં રાજમહેલનાં સભાગૃહમાં રાજ્યની સિમા ઉપર મચેલા ડફેરોનાં આતંક વિશે ચર્ચા થઈ હતી. એ ચર્ચા દરમ્યાન મહારાજા ઉગ્રસેને તેમને ન કહેવાનાં શબ્દો કહ્યાં હતા. ભરી સભામાં તેમનું અપમાન કરવામાં મહારાજાએ કંઈ બાકી નહોતું રાખ્યું. બધા દરબારીઓ વચ્ચે તેમને નિચા જોણું થયું હતું. તેઓ ધારત તો એ સમયે જ તેમણે સભાગૃહ છોડી દિધું હોત. અરે મંત્રી પદને પણ લાત મારીને ઠૂકરાવી દિધું હોત પરંતુ, એ તેમનાં લોહીમાં નહોતું. તેઓ અપમાનનો એ કડવો ઘૂંટ પી ગયા ગતાં કારણ કે તેમણે મંત્રીપદ ધારણ કરતી વખતે વિજયગઢ રાજ્યને સલામત રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમના માટે એ પ્રતિજ્ઞા પોતાનાં માન-અપમાનથી પણ વિશેષ હતી. વિજયગઢ રાજ્યની એક કાંકરી માટે પણ તેઓ પોતાની જાન કુરબાન કરતાં અચકાય નહી તો પછી આ તો તેમનાં રાજાનાં શબ્દો હતા. એનું શું ખોટું લગાડવું..! રાજા તો બોલ્યે રાખે, ખરી જવાબદારી તો તેમનાં માથે હતી. તેમણે એ સમયે જ મહારાજાને માફ કરી દીધા હતા અને રાજ્યને ડફેરોનાં હુમલાથી કેવી રીતે સુરક્ષિત બનાવવું એની રણનિતિ વિચારવામાં મગ્ન બની ગયા હતા. એ રણનિતિ પ્રમાણે તેમને હથીયારોની મોટા પાયે જરૂર હતી અને તેમા પણ જો અંગ્રેજ ફોજનો સાથ મળી જાય તો પછી જોવાનું જ શું…! મહારાજા એ બાબતે તેમની સાથે સંમત થયા હતા એટલે તેમણે તાબડતોબ એક દૂતને અંગ્રેજોનાં ઈલાકા તરફ રવાનાં કર્યો હતો અને અત્યારે તેઓ કાગડોળે એ દૂત શું સમાચાર લઈને આવે છે એની જ રાહ જોતાં ઝરૂખા તરફ આંટા-ફેરા મારી રહ્યાં હતા.

---------

રાજ્યનાં શશ્ત્રાગારમાં જરી-પૂરાણા હથીયારો હતા. એ હથીયારો સાથે એક નાનકડું યુધ્ધ જીતવું પણ લગભગ અસંભવ સમાન હતું. તેમાં ડફેરોનો સામનો કરવાની તો વાત જ ક્યાં રહી..! સાંભળવામાં તો એવું પણ આવ્યું હતું કે ડફેરો પાસે એક અત્યંત ઘાતક હથીયાર છે જે દૂરથી જ… હાથોહાથની લડાઈ વગર જ… સામાવાળાનો ખાત્મો બોલાવી દે. એ તેમના માટે નવું હતું. એ નવા હથીયારે જ ખરેખર તો આતંક મચાવી રાખ્યો હતો. તેનાથી ડફેરો બેફામ બન્યાં હતા અને ગમે તેની ઉપર આક્રમણ કરીને બધું લૂંટીને ચારેકોર તબાહી ફેલાવી રહ્યાં હતા. તેમની ઉપર કાબુ મેળવવા, તેમને નશ્યત કરવા તેમની કરતાં ચઢીયાતા હથીયારો વસાવવાની વિજયગઢને તાતી જરૂરીયાત હતી.

“તારી વાત સાચી છે શંકર. વિજયગઢ જેવા સમૃધ્ધ રાજ્યને બહારનાં કોઈનો સહારો લેવો પડે એ જ શરમજનક બાબત છે પરંતુ એ વાત આપણાં મહારાજા નથી સમજતાં. તેમની ઐયાશી વિજયગઢને લઈ ડૂબશે. રાજ્યનો કોષાગાર અડધાથી પણ વધારે ખાલી થઈ ચૂક્યો છે અને જે બચ્યું છે એ પણ જલદી ખતમ થઈ જશે. પછી…? રાજ્ય ઉપર કોઈ ભયંકર આફત ત્રાટકે નહી ત્યાં સુધી આપણાથી હાથ ઉપર હાથ જોડીને બેસી થોડું રહેવાશે.” વિર સેને જોરદાર નિસાસો નાંખ્યો.

શંકર એ બધી વાતો સમજતો હતો. તેને પરિસ્થિતીની ગંભીરતાનો ખ્યાલ હતો. છતાં… જ્યાં રાજ્યની સુરક્ષાનો મામલો આવતો ત્યાં તે મરણિયો બની જતો. તેને રાજ્યની હાલત વિશે સાંભળીને આંચકો લાગ્યો હતો. તે કંઈક બોલવા જતો હતો કે બરાબર એ સમયે જ બહારથી કોઈ આવ્યું હોય એવા પગલાનો અવાજ સંભળાયો અને તેની થોડીવાર બાદ એક દરવાન દેખાયો. તેની પાછળ બીજો એક વ્યક્તિ આવ્યો હતો. એ પેલો દૂત હતો જે અંગ્રેજ છાવણીમાં મોકલવામાં આવ્યો હતો. આવીને તેણે ઝૂકીને અભીવાદન કર્યું અને ખામોશીથી ઉભો રહ્યો.

“શું ખબર લાવ્યો છે…?” વિર સેન અધીરાઈભેર તેની તરફ ધસી ગયા.

“હજૂર, અંગ્રેજ અફસર આપણી મદદ કરવા તૈયાર છે પરંતુ એ મદદનાં બદલામાં આપણે તેમને શું આપીશું એ જાણવું છે.” દૂત અંગ્રેજી આગતા સ્વાગતાથી તૃપ્ત થયેલો હતો. તેના શબ્દોમાં એ વાત સાફ ઝલકતી હતી. વિર સેને એની નોંધ લીધી હતી.

“શું જોઈએ છે એમને…?”

“મદદનાં બદલામાં તેમનો એક અફસર કાયમી દરબારી બનીને વિજયગઢનાં દરબારમાં રહેશે.” દૂતે ધડાકો કર્યો.

વાતાવરણમાં સન્નાટો પ્રસરી ગયો. વિર સેનને એ શરતનો મતલબ સમજાવાની જરૂર નહોતી. મદદ કરવાનાં બહાને અંગ્રેજો તેમના રાજ્ય વહીવટમાં દખલગીરી કરવાનો મનસૂબો સેવતાં હતા. એક રીતે ગણો તો એ સોદો મોંઘો નહોતો પરંતુ તેમાં બકરું કાઢવા જતાં ઉંટ પેસી જવાનો ડર હતો. વિર સેન વિચારમાં પડયાં. “તું જા અત્યારે.” તેમણે દૂતને રવાના થવાનો આદેશ આપ્યો એટલે દૂત બહાર નિકળી ગયો.

“તું સાચું કહેતો હતો શંકર.” તેઓ શંકર તરફ ફર્યાં. શંકર વિશાળકાય શરીરનો માલીક હતો. તેની સામે ઉભેલા વિર સેન કોઈ નાના બાળક જેવા ભાસતા હતા. “અંગ્રેજો ભારે ખંધા છે. તેઓ કોઈ સ્વાર્થ વગર આપણો સાથ નહી આપે. તારી પાસે આ સ્થિતીમાથી નિકળવાનો બીજો કોઈ સારો વિચાર હોય તો જણાવ, નહીતર છેલ્લો એ વિકલ્પ તો છે જ. આવી સ્થિતીમાં અન્ય કોઈ રસ્તો મને તો સૂઝતો નથી.”

“એક રસ્તો છે. જો….” કોઈ અગમ્ય કારણોસર શંકર બોલતા અટક્યો. તેનાં અવાજ સાવ ધીમો હતો જાણે કોઈ રહસ્યમય વાત કહેવા માંગતો હોય.

“કેમ અટકી ગયો…? શું વિચાર ચાલે છે તારા મનમાં…?” વિર સેન એકાએક સતેજ થયા અને આગળ ચાલીને તેની નજદિક પહોંચ્યાં. તેઓ જાણતાં હતા કે શંકર કારણ વગરની કોઈ સલાહ આપશે નહી અને તેની દરેક વાતનો કોઈને કોઈ સંદર્ભ ચોક્કસ હશે જ. તેમને શંકર ઉપર પોતાના જીવથી પણ વધું ભરોસો હતો.

“જો… રુદ્ર દેવનાં મંદિરનું ભોયરું ખોલવામાં આવે તો લશ્કરને જરૂરી ઓજાર માટે આપણે બીજા સમક્ષ ભિખ માંગવી નહી પડે.” શંકરનો પહાડી અવાજ કક્ષમાં ગુંજી ઉઠયો. એ સાથે જ એક ગહેરો સન્નાટો વાતાવરણમાં પ્રસરી ગયો. એ અસંભવ હતું. આંખો ફાડીને વિર સેન શંકર સામું જોઈ રહ્યાં.

પહેલા તો લાગ્યું જાણે શંકર મજાક કરી રહ્યો છે પરંતુ અત્યારે મજાકનો માહોલ નહોતો. વળી શંકર ક્યારેય કોઈ વાતમાં મજાક કરતો નહી. તે હંમેશા ગંભિર રહેનારો વ્યક્તિ હતો. તો…? શું ખરેખર તે રુદ્ર દેવનાં મંદિર નીચે રાખેલા ખજાના વિશે કહી રહ્યો છે…? વિર સેને માથું ધૂણાવ્યું. તેમની નજરો સમક્ષ મંદિર નીચેનું ભોયરું તરવરી ઉઠયું. આજ સુધી કોઈએ ક્યારેય પણ એ ભોયરામાં પગ મૂકવાની હિંમત સુધ્ધા નહોતી કરી. તેમાં ઘણો કિંમતી ખજાનો રાખેલ છે… અઢળક ધન દોલત છૂપાયેલી છે… એ વિશે બધા જ જાણતાં હતા છતાં, તેના વિશે નગરમાં કોઈ એક હરફ સુધ્ધા ઉચ્ચારવા તૈયાર નહોતું. તેનું કારણ હતું રુદ્ર દેવનો ખૌફ. એવું કહેવાતું કે જે કોઈપણ એ ખજાનાને પામવાની કોશીશ કરે તેનો અકાળ અંત આવતો. રિબાઈ રિબાઈને તેનું મૃત્યું થતું. એટલે જ એ ખજાનાને શ્રાપિત ઘોષિત કરવામાં આવ્યો હતો અને તેને હંમેશનાં માટે મંદિર નીચે જ રહેવા દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

“માન્યું કે રાજ્યનાં કોષાગારમાં ઘનની કમી છે. પરંતુ એનો મતલબ એ નથી કે આપણે રુદ્ર દેવનો ખૌફ વહોરી લઈએ. તેના કરતા તો અંગ્રેજોની મદદ લેવી વધું ફાયદેમંદ રહેશે. તેમાં કમસે કમ આપણે જીવતાં તો રહીશું. જ્યારે રુદ્ર દેવનાં ખજાનાને હાથ લગાડયા બાદ આ નગરમાં મોતનું તાંડવ ખેલાશે. ગણતરીનાં દિવસોમાં વિજયગઢ સ્મશાનભૂમીમાં બદલાઈ જશે. નહી… એ વાતને અહી જ જમીનમાં ઢબૂરી દે. આજ પછી ક્યારેય એ ખજાના વિશે ભૂલમાં પણ કોઈ શબ્દ ઉચ્ચારતો નહી.” વિર સેનનો આત્મા પણ એટલું બોલતાં ફફડી ઉઠયો હતો. રુદ્ર દેવનો કોપ વહોરવા તેઓ બીલકુલ તૈયાર નહોતા.

શંકર શું બોલે…? તે ખામોશ બની ગયો. પરંતુ… તેના મનમાં ધમાસાણ મચ્યું હતું.

એ સાંજે ઘણો વિચાર કર્યાં બાદ વિર સેને અંગ્રેજોની શરત માનવાનું નક્કી કર્યું હતું અને પેલા દૂતને ફરીથી બોલાવ્યો હતો.

(ક્રમશઃ)