આઇલેન્ડ - 1 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇલેન્ડ - 1

પ્રકરણ-૧.

હેલ્લો મિત્રો, કેમ છો? આશા છે કે આપ સહુ કુશળ હશો.

’અંગારપથ’ની સમાપ્તી બાદ ઘણા સમય પછી આપણે મળી રહ્યાં છીએ. આ સમય દરમ્યાન ઘણાં મિત્રો મેસેજ દ્વારા કે ફોન કોલ દ્વારા સતત મારા સંપર્કમાં રહ્યા હતા અને તેમની એક જ માંગણી હતી કે જલદીથી કંઈક નવું… કંઈક ધમાકેદાર… ક્યારેય વાંચ્યું ન હોય એવું લઈને આવો. તેમની એ ઈંતેજારી હું સમજી શકું છું. મને ખુદને પણ લખવાની ઈચ્છા હતી જ પરંતુ સાથોસાથ આ વખતે થોડો સમય ફ્રી રહેવાનું પણ મન હતું એટલે નવી નવલકથા લખવામાં થોડો વિલંબ થતો ગયો.

ઉપરાંત એક અવઢવ એ પણ હતી કે શું લખું? હોરર, થ્રિલર કે સસ્પેન્સ..? મનમાં બે ત્રણ પ્લોટ ઓલરેડી ઘુમરાતા હતા પરંતુ તેમાથી પહેલાં શું શરું કરું એ સમજાતું નહોતું. નો રિટર્ન-૩, નગર-૨, આંધી-૨, શેખર-૩ અને એ સિવાય ઘણુબધું સતત નજરો સમક્ષ તરવરતું હતું. તેમાથી કોઈ એક વિષય પસંદ કરવામાં અટવાતો હતો કારણ કે એક વખત કોઈ નવલકથા શરૂ કર્યા પછી તેને યોગ્ય ન્યાય ન આપી શકાય તો બધું નિરર્થક છે, જે મારે થવા દેવું નહોતું. આજનાં ફાસ્ટ સમયમાં લોકો જ્યારે અઢળક લખે છે તેમાં અઠવાડીયે એક એપીસોડ લખીને વાચકોને જકડી રાખવા એ ખરેખર તો લોઢાનાં ચણા ચાવવા જેવું કાર્ય છે એટલે થોડી રાહ જોવી બહેતર લાગ્યું. સંપૂર્ણ રીતે પુરતી તૈયારી વગર હું લખી શકતો નથી કારણ કે નવલકથામાં મને પોતાને પણ મજા આવવી જોઈએ એ સિધ્ધાંતને પહેલેથી હું વળગી રહ્યો છું.

જો કે, આખરે એક નવો જ વિષય… એક નવો જ પ્લોટ, અચાનક સ્ફૂર્યો અને સાવ અનાયાસે જ આ નવલકથાની શરૂઆત થઈ. આશા છે કે આપ સહુ મિત્રોને આ નવલકથા ગમશે. અગાઉની રચનાઓની જેમ જ આપ આ કથાને વધાવી લેશો એવી આશા રાખુ છું.

તો શરૂ કરીએ એક હાર્ડકોર સસ્પેન્સ થ્રિલર સફર. કથાનાં સ્થળો, પાત્રો, ઘટનાઓ, સમય એ બધું જ કાલ્પનિક છે. છતાં તમે તેની સાથે જોડાશો… કથાનાં પ્રવાહની સાથે વહેશો, ક્યારેક તમે ખુદને આ નવલકથાનાં એક પાત્ર તરીકે જોશો એનો મને વીશ્વાસ છે. તો… આ રહ્યો ’આયલેન્ડ’ નો પ્રથમ અધ્યાય.

@@@

 

એ મનહૂસ, ગોજારા દિવસને હું ક્યારેય નહી ભૂલી શકું. મારાં શાંત અને સુખી જીવનમાં તે દિવસે અચાનક દાવાનળ ફુંકાયો હતો અને બધું રસાતાળ તરફ ધસી ગયું હતું. તે દિવસે મારાં પિતાનું મૃત્યું થયું હતું. તેમનાં અચાનક અને રહસ્યમય મોતનાં સમાચારે અમને ખળભળાવી મૂક્યાં હતા. તેમનાં મૃતદેહને સફેદ કપડામાં વિંટાળીને ઘરે લાવવામાં આવ્યો ત્યારે અમે રહેતા હતા એ સમગ્ર વિસ્તાર હિબકે ચડયો હતો. ઘરની બરાબર મધ્યમાં પિતાજીનાં મૃતદેહને રાખવામાં આવ્યો અને બધા તેમને વિંટળાઈને નતમસ્તકે ઉભા રહી ગયા હતા. હું અને મારી માં ત્યારે અંદરનાં કમરામાં હતા. અમને તો એમ જ કહેવામાં આવ્યું હતું કે પિતાજીનો અકસ્માત થયો છે અને તેમને ઘરે લાવવામાં આવી રહ્યાં છે. પરંતુ હકીકત કંઈક અલગ હતી એ પછી મને સમજાયું હતું. મારી માં આમ તો ખૂબ જ મજબૂત મનોબળ ધરાવતી મક્કમ સ્ત્રી હતી છતા તે દિવસે કોણ જાણે કેમ, કદાચ તેને કોઈ ગેબી અંદેશો થયો હોય એમ એકાએક સાવ સૂનમૂન બની ગઈ હતી. તેણે ભાર દઈને મને તેની છાતી સરસો ભિંસી દીધો હતો. તેની છાતીમાંથી ઉઠતાં અજીબ, અનિયંત્રિત સ્પંદનો મારાં કાનમાં કોઈ ભયાનક થડકારાની જેમ ગુંજતા હતા. એ અવસ્થામાં જ અમને બહાર લઈ જવામાં આવ્યાં હતા. મારાં પિતાનું શરીર ડ્રોઈંગરૂમની બરાબર મધ્યમાં મુકવામાં આવ્યું હતું. રૂમમાં ભારેખમ સન્નાટો છવાયેલો હતો. રૂમની છતે લટકતાં પંખાની હવા તેમને ઓઢાડવામાં આવેલાં સફેદ કપડાની અંદર ભરાતી હતી અને કપડું છાતી ઉપર કોઈ ગુબ્બારાની જેમ ફૂલતું હતું. મારી નજરો એ તરફ ફરી અને તેમનાં ક્ષપ્ત-વિક્ષપ્ત શરીરને જોઈને હું થથરી ઉઠયો. આ લોકોએ ખરેખર આવી સ્થિતિમાં પિતાજીને ન સોંપવા જોઈએ. મારી માંએ એ સમયે જ હૈયાફાટ રુદન શરૂ કર્યું હતું અને તેના રૂદનથી ડઘાઈને હું ક્યાંય સુધી તેને જોતો રહ્યો. આવી રીતે રડતા આ પહેલાં ક્યારેય મેં તેને જોઈ ન હતી એટલે હું રીતસરનો ધરબાઈ ગયો હતો અને તેનાં પાલવનાં છેડાને કસકસાવીને, વધું જોરથી પકડી લીધો હતો. એ સાથે જ ઘરમાં જાણે આક્રંદનો સૈલાબ આવ્યો હોય એમ ત્યાં એકઠી થયેલી સ્ત્રીઓએ ભયંકર રીતે ઠૂઠવો મૂકયો હતો. ઘરમાં એકાએક જ ઘેરા માતમનો ઓછાયો છવાયો હતો. મને ખબર નથી કે કેટલો સમય એ રોકકળ ચાલી હશે પરંતુ એકાએક મેં માંને પડતાં જોઈ. તેની બાજુમાં ઉભેલી સ્ત્રીઓએ તેને ઝીલી લીધી ન હોત તો ચોક્કસ લાદી ઉપર તેનું માથું ટકરાયું હોત. એક ક્ષણ પુરતું મને લાગ્યું કે મારી માં પણ મારાં પિતાની જેમ મરી ચૂકી છે. તેને ઉચકીને અંદરનાં કમરામાં લઈ જવામાં આવી હતી અને હું સૂનમૂન સ્તબ્ધતામાં ત્યાં જ ઉભો રહ્યો હતો. મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ! પિતાજીની આસપાસ ઉભેલા પુરુષો કંઈક વિચિત્ર અવાજે અંદરો અંદર વાતો કરતાં હોય એવો મને ભાસ થતો હતો. હું ઘડીક મારી માંનાં કમરા તરફ તો ઘડીક ત્યાં એકઠા થયેલાં લોકોનાં ચહેરાને તાકતો રહ્યો. નીચે જમિન ઉપર નિર્જીવ પડેલાં પિતાજીનાં દેહ તરફ જોવામાં મને બીક લાગતી હોય એમ વારેવારે અછડતી નજરે એ તરફ જોઈને નજરો ફેરવી લેતો હતો. કેટલું ભયાનક અને વિહવળ કરનારું દ્રશ્ય હતું એ! અને એટલું ઓછું હોય એમ પંખાની હવાથી પિતાજીને ઓઢાડવામાં આવેલું સફેદ કપડું એકાએક ઉડયું હતું અને તેમનો કમર સુધીનો ભાગ ઉઘાડો થયો હતો. એ સાથે જ કમરામાં ઉભેલા લોકોનાં મોમાંથી હાયકારો નીકળી ગયો. એ ઉઘાડાં ભાગમાં, તેમની છાતી અને સોલ્ડર ઉપર, તેમનાં હાથ ઉપર સંખ્યાબંધ ઘાવ પડેલા દેખાતાં હતા. જાણે કોઈ ખૂંખાર જંગલી પ્રાણીઓએ તેમને ફાડી ખાધા ન હોય! એ ઘાવમાંથી લાલચોળ માંસ અને સફેદ ચરબીનાં લોચા બહાર ઉભરી આવ્યાં હતા. કમરથી નીચેનાં ભાગે પણ કદાચ એવા જ ઘાવ હશે કારણ કે તેમને ઓઢાડવામાં આવેલું સફેદ કપડું લોહીનાં લાલ ડાઘાઓથી ઉભરાઈ રહ્યું હતું. એ દ્રશ્ય ભયાવહ હતું. હું વધુ સમય એ તરફ ન જોઈ શકયો અને મેં નજરો ફેરવી લીધી. મારાં નાનકડા અમથા દિમાગમાં અજબ ખળભળાટ મચ્યો હતો. શું ખરેખર મારા પિતાજી મૃત્યું પામ્યાં છે? કે પછી આ કોઈ બિહામણું સ્વપ્ન છે! નજરો સામે દેખાતી હકીકત સ્વિકારવાં હું તૈયાર નહોતો. મને લાગતું હતું કે હમણાં જ બધું ઠિક થઈ જશે અને મારાં પિતા સડક દઈને બેઠા થઈ મને ઉંચકીને ગોળ ફેરફદૂડી ફેરવશે. મારા ગાલને બચીઓથી ભિંજવી દેશે. તેમની દાઢીનાં ખરહટ વાળ મારા કૂણા ગાલમાં ભોંકાશે અને ચિખીને હું તેમનાં ચહેરાને મારા નાના હાથ વડે દૂર કરીશ. પરંતુ એવું કશુંજ ન થયું. એ દિવસ અમારા પરીવાર ઉપર ભયંકર વજ્રઘાત બનીને ત્રાટકયો હતો અને હસતું રમતું એક કુટુંબ ભયંકર આંધીની ચપેટમાં આવીને વિખેરાતા કોઈ માળાની જેમ વિખેરાયું હતું. મારાં પિતા તેમની સાથે અમારી તમામ ખુશીઓ લઈને અનંતની યાત્રાએ ચાલ્યાં ગયા હતા. તેમનું મૃત્યું અજીબ હતું જે આજે પણ હું ભૂલી શકયો નથી. આજે પણ ઘણી વખત રાતનાં સપનાઓમાં પિતાજીનો ક્ષપ્ત-વિક્ષિપ્ત દેહ મને ડારે છે અને ભરઉંઘમાંથી ઝબકીને હું જાગી જાઉં છું.

@@@

લોકો કહે છે કે સમય બહુ જલદી વહી જાય છે અને વહેતા સમય સાથે દરેક દુઃખદ યાદોનો ઓછાયો ધૂંધળો પડતો જાય છે. કદાચ એજ જીવવની સત્યતા હશે નહિંતર મનુષ્ય માટે જીવન અઘરું બની જાય. પિતાનાં મૃત્યું સમયે હું દસેક વર્ષનો હોઈશ અને મારી નાની બહેન તેજ… તેજસ્વી સાતેક વર્ષની હશે. એ સમયે એટલી સમજણ વિકસી નહોતી કે જે બાળકો નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દે છે એમનું ભવિષ્ય કેટલું પડકારજનક સાબિત થાય છે. એ તો જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ સમજાતુ ગયુ હતું. ક્યારેક એવા દિવસો પણ આવતાં જ્યારે અમારાં ઘરમાં ખાવાનાં રીતસરનાં સાંસા પડી જતા. અન્નનો એક દાણો પણ જડવો મુશ્કેલ બનતો. માંએ બીજાનાં ઘરે કામ કરવાનું શરૂ કર્યું હતું. એ આવકથી અમારું ગુજરાન ચાલતું. રહેવાની તકલીફ નહોતી કારણકે ઘર અમારું પોતાનું હતું પરંતુ દૈનિક ખર્ચ માટે તો રૂપિયા જોઈએ ને! એવું નહોતું કે પિતાજી કંઈ કમાતા નહોતાં. પણ પાછલાં થોડા વર્ષોથી તેમને એક ધૂન ઉપડી હતી જેમાં તેમનું ધ્યાન પોતાના કામધંધા ઉપરથી હટયું હતું. તેઓ લગભગ કોઈ ધૂની માણસની જેમ એની પાછળ પડી ગયા હતા. આખરે એવું તે શું હતું એ…! શેની ધૂન ઉપડી હતી તેમને..? એ નાનપણમાં ક્યારેય મને સમજાયું નહોતું. મારી માંએ પણ ક્યારેય મને જણાવ્યું નહોતું. ઘણી વખત જિજ્ઞાષાવશ હું તેને પૂંછતો ત્યારે એ કંઈ બોલતી નહી. બસ… ખાલી નજરે તે અનંતમાં તાકી રહેતી. મને ખ્યાલ આવતો કે એ પ્રશ્નોથી તેને તકલિફ થાય છે. તેનો ચહેરો એકાએક મુરજાઈ જતો એટલે પછી મેં પણ એવા પ્રશ્નો પૂછવાં બંધ કર્યા હતા. પરંતુ આજે સમજાય છે કે એ સમયે જો એ પ્રશ્નોનાં ઉત્તર મને મળ્યાં હોત તો ઘણી મોટી મુસીબતમાંથી હું ઉગરી ગયો હોત. મારા પિતા વિશે એક વિસ્મય નાનપણથી જ સુષૃપ્ત અવસ્થામાં મારા મસ્તિસ્કમાં ધરબાઈને પડયું હતું જે વહેતા સમય સાથે ઓર ઘેરું થતું ગયું હતું. મને પોતાને પણ ખ્યાલ ન આવે એવી રીતે હું એ રહસ્યને ઉકેલવા એક અજાણી દિશામાં આગળ વધી રહ્યો હતો. પરંતુ એ પહેલા એક ઓર વજ્રાધાત અમારે સહન કરવાનો હતો.

@@@

પિતાજીનાં મૃત્યું બાદ એક વર્ષ… પૂરાં એક એક વર્ષ સુધી મારી માંએ ઘરને અને અમને સાચવવા તનતોડ મહેનત કરી હતી એવું મેં અનુભવ્યું હતું. પરંતુ આખરે તે પણ કદાચ થાકી હશે. પિતાજીનાં મૃત્યુંનાં બરાબર એક વર્ષ પછી અચાનક તે પણ ક્યાંક ચાલી ગઈ હતી. ક્યાં...? એ કોઈ જ નહોતું જાણતું. ગામમાં તેના વિશે તરેહ તરેહની ચર્ચાઓ થતી મેં સાંભળી હતી. કોઈ કહેતું કે એકલી ઓરત કેટલો સમય જીવી શકે…! ભાગી ગઈ હશે કોઈની સાથે! મારી માં આમપણ અત્યંત રૂપાળી ઓરત હતી એટલે એ અફવાઓને વધું ઈજન મળતું રહ્યું. પરંતુ મને એવું લાગતું નહી. ભલા કોઈ પોતાનાં નાના બાળકોને કેવી રીતે ત્યજી શકે! પિતાજીનાં ગયા પછી મારી માંની મહેનત, તેનો છાનો ઝૂરાપો, અમારા પ્રત્યેનો તેનો પ્રેમ… મેં સગ્ગી આંખોએ નિહાળ્યો અને અનુભવ્યો હતો. તે અમને આમ સાવ નોધારાં મૂકીને કોઈની સાથે ભાગી જાય એ માનવાં મારું મન બીલકુલ તૈયાર નહોતું. જરૂર તેની સાથે કંઈક તો ખોટું થયું હશે એવો એક અહેસાસ સતત મને પજવતો રહ્યો હતો. એ સમયે મારી ઉંમર અને મારો અનુભવ બન્ને અપરીપક્વ હતા. દુનિયાદારીની વધું કંઈ ગતાગમ પડતી નહી. શું કરવું જોઈએ એ સમજાતું નહોતું. માંને ખોળવા જાઉં તો પણ ક્યાં? એ સમજાતું નહી. અમે બન્ને ભાઈ બહેન એકાએક જ સાવ નોધારાં બની ગયા હતા. નોધારાં અને અનાથ. અને બસ… એમ જ સમય વહેતો ગયો હતો.

માંનાં ગયા પછી લગભગ પંદર દિવસ પછી મામા અમને લેવા આવ્યાં હતા. એ મારી માંનાં સગ્ગા ભાઈ હતા. પિતાજી હયાત હતા એ સમય દરમ્યાન અમે તેમને બહું ઓછા અમારા ઘરે આવતાં જોયા હતા. વર્ષમાં ભાગ્યે જ કદાચ એકાદ વખત આવતાં હશે. અને એ પણ ફક્ત મારી માંને મળવા. તેમની અને મારાં પિતાની વચ્ચે કંઈક ખટરાગ હતો. શું..? એ મને ખબર નહોતી. તેમની હાલત પણ કંઈ ખાસ વખાણવા લાયક નહોતી પરંતુ ગમે તેમ તેમનો ગુજારો ચાલી જતો હતો. મામા કોઈ ગેરેજમાં મિકેનિકનું કામ કરતાં હતા. તેઓ મારી માંથી ખાસ્સા વર્ષો મોટા હતા. મારા પિતાને અને મામાને આપસમાં બનતું નહી એટલે એક જ ગામમાં રહેતા હોવા છતાં તેઓ અમારાં ઘરે બહુ ઓછા આવતાં. પિતાજીનાં મૃત્યું વખતે પણ તેઓ એક જ વખત આવ્યાં હતા. જોકે એ પછી તેમણે તેમનાથી થાય એટલી મદદ કરવાની કોશિશ કરી હતી પરંતુ જ્યારે ખુદ તેમના ઘરે જ બધું ઘટતું હોય ત્યારે કોઈ માણસ કેટલું કરી શકે! ખેર… પણ જ્યારે તેમણે અમારાં અનાથ થવાનાં સમાચાર સાંભળ્યાં કે તરત તેઓ દોડી આવ્યાં હતા અને અમને તેમના ઘરે લઈ આવ્યાં હતા. એ દિવસો અમારા માટે ખરેખર કોઈ દુઃખદ સ્વપ્નથી કમ તો નહોતા જ. ખુદનું ઘર હોવા છતાં અમારે ઓશિયાળા બનીને મામાનાં ઘરે રહેવા જવું પડયું હતું.

અમે અમારું ઘર છોડીને શહેરનાં છેક બીજા છેડે, સાવ ગંદી બસ્તી જેવા ઈલાકામાં આવી પડયા હતા. આ વિસ્તાર નર્કાગાર સમાન હતો. જો હું થોડોક મોટો હોત કે પછી અમારી સાથે શું થઈ રહ્યું છે એની સહેજપણ સમજ હોત તો ક્યારેય મામાનાં ઘરે રહેવા આવ્યો ન હોત. જોકે એ ખ્યાલ પણ વહેતા સમય સાથે બદલાયો હતો અને મામાનાં ઘરે આવવું એક પ્રછન્ન આશીર્વાદ સાબિત થયું હતું.

તેમનાં ઘરમાં મામી અને તેમનો એક વંઠેલ છોકરો બાબી… એટલે કે બિપિન એમ કુલ ત્રણ વ્યક્તિઓ જ હતા. હવે તેમાં અમારો ઉમેરો થયો હતો. બાબી મારાથી ત્રણેક વર્ષ મોટો હશે. એ તદ્દન આવારા છોકરો હતો. મામા-મામીને બહુ મોટી ઉંમ્મરે પારણું બંધાયું હતું એટલે તેમણે તમામ રીતે બાબીને છૂટ આપી રાખી હતી. જેનો ભરપૂર લાભ તે ઉઠાવતો હતો. તેને પોતાનું નામ સહેજે ગમતું નહી એટલે જાતે જ બિપિનમાંથી બાબી બની ગયો હતો. કોઈ ભૂલેચૂકેય જો તેને બિપિન કહીને બોલાવતું તો તેનું આવી બનતું. તે એટલો ઉધ્ધત અને છૂટા હાથનો હતો કે બસ્તીમાં બધા તેનાથી દૂર રહેતા. તે ગમે તેની ઉપર હાથ ઉગામી લેતો. તેના નામની ધાક એ નાનકડા વિસ્તારમાં બખૂબી ફેલાઈ ચૂકી હતી. નાનપણથી જ તેણે કોઠા કબાડા કરવામાં મહારત હાંસલ કરી લીધી હતી. તેર કે ચૌઉદ વર્ષની ઉંમ્મરે પહેલી વખત તેનું નામ પોલિસ ચોંપડે નોંધાયું હતું અને પછી તો એ સિલસિલો અવીરત ચાલતો રહ્યો હતો. મામા મામી પણ તેનાથી પરેશાન થઈ ઉઠયાં હતા પરંતુ મામલો હવે તેમનાં હાથમાંથી પણ સરકી ચૂકયો હતો. છતાં એક વાત હતી કે તેઓ તેને બહુ પ્યાર કરતાં. બાબીને તેઓ બધા ગોરખધંધા બંધ કરીને ગેરેજેનું કામ સંભાળવાનું કહેતા પરંતુ બાબીને જાણે તેમાં કોઈ રસ જ નહોતો.

શરૂઆતમાં હું અને મારી બહેન તેજસ્વી… તેજ, તેનાથી બહું ડરતા. પણ કોણ જાણે કેમ તેણે અમને ક્યારેય વતાવ્યાં નહોતા. ઉલટાનું અમે ઘરમાં આવ્યાં પછી કમસેકમ ઘરની અંદર તેના તોફાનો ઓછા થયા હતા એવું ખુદ મામી કહેતા ત્યારે મને આશ્ચર્ય થતું. એટલું અધૂરું હોય એમ તે અમને જોઈને હસતો, અમારી સાથે શાંતીથી વર્તતો, મને લાગતું કે લોકો તેના વિશે જે કહે છે એમાં સંપૂર્ણ સત્ય તો નથી જ. તેનામાં કંઈક તો એવું હતું જે મને પસંદ આવતું હતું. શું… એ તો ખબર નહોતી પરંતુ તેના કારણે બસ્તીનાં છોકરાઓ અમને પજવતા નહી. અમારી સાથે સારી રીતે વર્તતા અને અમારો એક અલગ પ્રકારનો મોભો જળવાતો. મને એ બહું ગમતું તો નહી પરંતુ ક્યારેક સારું પણ લાગતું. પછી મને ખબર પડી હતી કે બાબીએ બસ્તીનાં તમામ લોકોને કહી રાખ્યું હતું કે અમે તેનાં ભાઈ બહેન છીએ એટલે જો કોઈએ અમારી સાથે ખોટી માથાકૂટ કરી કે અમને હેરાન કર્યા તો તેનું આવી બનશે. આમ કમસેકમ અમારા માટે તો તે એક સારો વ્યક્તિ સાબિત થયો હતો.

મારું ભણતર પિતાજી ગુજરી ગયા એ સમયે જ છૂટી ગયું હતું કારણ કે માં પાસે એટલા પૈસા નહોતા કે તે મને ભણાવી શકે. હાં, તેજને તેની શાળામાંથી સરકાર તરફથી છોકરીઓને ફ્રીમાં ભણાવાની સ્કોલરશિપ મળતી હતી એટલે તેનું ભણવાનું ચાલું રહ્યું હતું. મામાનાં ઘરે આવ્યાં બાદ મેં તેમની સાથે ગેરેજે જવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત અમારું જૂનું ઘર મામાએ ભાડે ચડાવી દીધું હતું તેની થોડીઘણી આવક આવતી થઈ હતી. હું નાનપણથી જ પૈસાનું મહત્વ સમજતો થયો હતો. આ જગતમાં જીવવા માટે ઓક્સિજન પછી જો કોઈ અન્ય ચીજની જરૂર પડતી હોય તો એ હતી પૈસો. પૈસા વગર માણસની કોઈ વેલ્યું નથી એ દસ અગીયાર વર્ષની ઉંમ્મરે જ મને સમજાઈ ચૂક્યું હતું. અને એટલે જ મારા મનમાં એક બીજ રોપાઈ ચૂકયું હતું કે એક દિવસ… કમસેકમ હું એટલો પૈસાદાર તો બનીશ જ કે અમારા જીવનમાં કોઈપણ જાતનો અભાવ નહી રહે. એ માટે કામ કરવું જરૂરી હતું અને એટલે જ મેં મામા સાથે ગેરેજમાં જવું શરૂ કર્યું હતું.

ત્યારે મને ખબર નહોતી કે મારું એ કામ મને ક્યા મુકામ પર લઈ જશે. પાંચ વર્ષની અંદર જ મારું નામ એ ઈલાકામાં ગુંજવા લાગ્યું હતું. બાઈક રિપેરિંગનો હું એક્કો કારીગર સાબિત થયો હતો. અમારી બસ્તી અને તેની આસપાસની તમામ બાઈક્સ મોટેભાગે અમારા ગેરેજમાં જ રિપેર થવા આવવા લાગી હતી કારણ કે મારી જેટલું સફાઈદાર કામ કોઈ કરી શકતું નહી. થોડા જ વર્ષોમાં મારી ખ્યાતી એટલી ફેલાઈ હતી કે અમારે હવે કોઈને ત્યાં નોકરી કરવાની જરૂર રહી નહોતી. મેં અને મામાએ સાથે મળીને અમારું પોતાનું ગેરેજ ચાલું કર્યું હતું. અમારાં ગેરેજમાં એટલું કામ આવતું કે ટૂંક સમયમાં જ અમારે એક કારીગરની જરૂરીયાત ઉભી થઇ અને અમે એક છોકરો રાખી લીધો હતો. તેનું નામ ’જીમી’ હતું. જીમી ઉછાંછળો અને મજાકિયા સ્વભાવનો સારો છોકરો હતો. તેના આવ્યાં બાદ અમારાં ચહેરા ઉપર હાસ્ય આવ્યું હતું. આખો દિવસ કંઈને કંઈ તે બોલતો રહેતો. તેને મૂંગો રાખવો લગભગ અશક્ય સમાન હતું. ટૂંક સમયમાં જ અમે ખુબ સારા મિત્રો બની ગયા હતાં.

મને લાગવાં માંડયું હતું કે હવે અમારાં સારા દિવસો શરૂ થયા છે. બધું જ યોગ્ય રીતે વહી રહ્યું હતું. લાઈફ એકદમ ’સેટ’ થઈ ચૂકી હતી. ગેરેજમાં મારી ધારણા કરતાં પણ વધું કમાણી થતી હતી. તેજનું ભણતર પણ સારું ચાલતું હતું. બાબીનાં ઉપદ્રવો પણ થોડા શાંત પડયા હતા. મામા મામી ખુશ હતા. અને હું…? શું હું ખુશ હતો...? કદાચ હાં, કદાચ નહીં. બધું જ બરાબર હોવા છતાં મનમાં એક ભયંકર અજંપો ઘૂમરાતો હતો જેનો કોઈ ઈલાજ મારી પાસે નહોતો. મારે જાણવું હતું કે મારા પિતા સાથે શું થયું હતું..? મારી માં ક્યાં ચાલી ગઈ હતી..? એ અજંપો સતત મને પજવતો હતો. ક્યારેક આખી આખી રાત હું વિચારે ચડી જતો કે માંને શોધવા કેમ હું કોઈ પ્રયત્નો કરતો નથી? કેમ મારાં પિતા વિશે હું કંઈ જાણતો નથી? તેમનાં છેલ્લા દિવસોમાં તેમની સાથે શું બન્યું હતું? તેમને શેની ધૂન લાગી હતી કે તેઓ ક્યારેય જીવતા પાછા ફર્યાં જ નહી? મારાં માં-બાપની આસપાસ ઘૂંટાતું રહસ્ય મને બેચેન કરી રહ્યું હતું. ઢગલાબંધ સવાલો રોજ મનમાં ધમાસાણ મચાવતા અને હું વિહવળ બની જતો.

આખરે એક દિવસ… સાવ અનાયાસે જ… સાવ અજીબ રીતે તેનો જવાબ મને બીજી રીતે સાંપડયો હતો. પરંતુ તે એટલું આસાન નહોતું નિવડવાનું એ હું ક્યાં જાણતો હતો! તે દિવસે બસ્તીનાં છેવાડે… જ્યાં ગંદી ગટર વહે છે તેમાં એક લાશ પડી હતી. એ જીવણ હતો. બસ્તીમાં તે જીવણો સુથાર તરીકે ઓળખાતો. કૂતૂહલવશ હું પણ બસ્તીનાં છેવાડા તરફ ઉપડયો. ખરેખર તો મારે ત્યાં જવા જેવું નહોતું. જો ગેરેજે જ રહ્યો હોત તો ધણીબધી મુસીબતોમાંથી હું ઉગરી ગયો હોત.

(ક્રમશઃ)

મિત્રો આ નવલકથાનું પહેલું પ્રકરણ આપને કેવું લાગ્યું એ કોમેન્ટ સેકશનમાં જરૂરથી જણાવજો. રેટિંગ આપવાનું પણ ભૂલતાં નહી.

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે…

નો રીટર્ન-૧,

નો રીટર્ન-૨,

નસીબ,

અંજામ,

નગર,

અર્ધ-અસત્ય,

અંગારપથ,

આંધી. પણ વાંચજો.

આ તમામ નવલકથાઓ માતૃભારતી ઉપર ઉપલબ્ધ છે અને પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. પુસ્તક મેળવવા માટે અમોલ પ્રકાશન, અમદાવાદ 9825067053 પર સંપર્ક કરશો.

ધન્યવાદ.

પ્રવીણ પીઠડીયા.