Island - 10 books and stories free download online pdf in Gujarati

આઇલેન્ડ - 10

પ્રકરણ-૧૦.

પ્રવીણ પીઠડીયા.

એ ભયંકર હતું, અસંભવ અને અવિશ્વસનિય હતું. જીવણાનાં જીર્ણ-ક્ષિણ અને કૃશ શરીરમાં એકાએક જ જીવ આવ્યો હોય એમ તેનાં શરીરે ઝટકો ખાધો અને તેની આંખો ખૂલી હતી. એ દ્રશ્ય ભલભલાનાં હાજા ગગડાવી નાંખવા પૂરતું હતું. કોઈ વર્ષો પૂરાણી કબરમાં સૂતેલો ખવિસ એકાએક જાગી ઉઠે એમ જીવણો જાગ્યો હતો અને તેના નિષ્પ્રાણ દેહમાં એકાએક જીવ પ્રગટયો હતો. તેનો હાથ આપોઆપ જ ઉંચકાયો અને છાતી ઉપર મૂકાયો હતો. તેની આંગળીનાં ટેરવે કશુંક ભિનું, ચીકણું પ્રવાહી ચોંટયું. એ સાથે અચાનક જ તેની છાતીમાં ભયંકર દર્દનું ઘોડાપૂર ઉમડયું. તેને સમજાયું નહી કે એ દર્દ શેનું છે, કેમ તેની આંગળીઓ તેના પોતાનાં જ શરીરની અંદર ખૂંપી રહી છે..? સહેજ ડોકું ઉંચું કરીને તેણે જોવાની કોશીશ કરી અને… તેની બૂઝતી જતી આંખોમાં દુનિયાભરનું વિસ્મય છવાયું. તેની આંગળીઓ અને હથેળી લોહીથી લથબથ બની હતી. તેણે પહેરેલા કાળા કોટ સાથે તેનું પેટ અને છાતી ઠેકઠેકાણેથી ફાટી હતી અને એમાથી લોહી બહાર ઉભરાતું હતું. ઉંધમાં જ તેને રહેસી નાંખવામાં આવ્યો હતો એની તેને ખબર પણ પડી નહોતી એ દુનિયાની સાતમી અજાયબી સમાન હતું. જોકે વાત એટલેથી નહોતી અટકી, સાક્ષાત મોતને હાથતાળી દઈને તે પાછો ફર્યો હતો.

“ઓહ… તો એ લોકોએ મને ખોળી લીધો.” તે સ્વગત બબડયો. આ સમય ક્યારેક તો આવવાનો જ હતો જેનો ઘણાં લાંબા સમયથી તેને ખ્યાલ હતો. મતલબ કે તેનો અંત નજીક હતો. એ પહેલા તેણે એક કામ કરવાનું હતું. એક અમાનત તેની પાસે હતી જેને તેના યોગ્ય ઠેકાણે પહોંચાડવી જરૂરી હતી. એ માટે તેણે થોડોક સમય જીવતા રહેવું જરૂરી હતું. તેણે બૂઝાતી જતી નજરોને સ્થિર કરી ઘરની અંદરની પરિસ્થિતીનો તાગ લેવાની કોશીશ કરી. એક વ્યક્તિ તેના પગ પાસે પલંગ ઉપર બેઠો હતો અને બીજો વ્યક્તિ કમરામાં ચારેકોર ખાંખાખોળા કરી રહ્યો હતો. આટલી ભયંકર સ્થિતીમાં પણ જીવણાનાં ચહેરા ઉપર મુસ્કાન ઉભરી આવી. એ લોકો જે શોધી રહ્યાં છે એ તેમને ક્યારેય મળવાનું નહોતું. એ ચીજ આ લોકોનાં હાથમાં ન પડે એ માટે તેનું અહીથી બહાર નીકળવું જરૂરી હતું. તેણે આંખો મિંચી, એક ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો અને… બળ કરીને જમણો પગ ગોઠણેથી વાળ્યો. તેની એ હલચલનો ખ્યાલ વજીરને આવે એ પહેલાં દાંત ભિંસીને, કચકચાવીને એક લાત વજીરનાં પડખામાં ઠોકી દીધી. અચાનક થયેલા હુમલાથી વજીર બૌખલાઇ ગયો. તેના પડખામાં, બરાબર પેડુની નીચે જીવણાનાં પગનો નીચલો ભાગ ભયંકર ફોર્સથી અથડાયો હતો અને તે પોતાની જાતને સંભાળે એ પહેલા પલંગની બાજુમાં નીચે પટકાયો હતો. જીવણા માટે એજ સમય હતો. તે ઝડપથી બેઠો થયો અને દરવાજા ભણી ભાગ્યો.

“ડાગા… પકડ એને…” વજીરનાં ગળામાંથી રાડ ફાટી પડી. એકાએક થયેલા હલ્લાથી તેનું સંતુલન ખોરવાયું હતું અને તે કંઈ કરે એ પહેલા પડખાભેર નીચે ખાબક્યો હતો. તે અસાવધ હતો જેનો ભરપૂર લાભ જીવણાને મળ્યો. ડાગાનું પણ એવું જ હતું. તેનું સમગ્ર ધ્યાન રૂમની વસ્તુઓ ઉલટ-પૂલટ કરવામાં હતું કે અચાનક વજીરની કાન ફાટી પડે એવી ચીખ સંભળાઈ. સહસા જ ચોંકીને તેણે પાછળ જોયું હતું. તેની નજર પલંગ પાસે આળોટતા વજીર ઉપર પડી અને પછી દરવાજો ખોલીને બહાર ભાગતા જીવણને જોયો. જીવણાને જીવતો જોઈને તેના પગ તળેથી જમીન સરકી ગઈ, ભયાનક આશ્વર્યથી તેની આંખો પહોળી થઈ. એવું બને જ કેમ...? એ અસંભવ હતું. વજીરનાં પ્રહારથી કોઈ બચ્યું હોય એવો આજસુધીમાં એકપણ દાખલો ગોત્યો જડે એમ નહોતો. અરે ખૂદ ભગવાન આવીને તેને બચાવે તો પણ એ વ્યક્તિનાં જીવીત રહેવાનાં કોઈ ચાન્સ જ નહોતા. તો જીવણો કેમ બચી ગયો..! તેણે ખૂદ જીવણાનાં શરીરને હૂકથી ચિરાતા અને ઉંઘમાં જ મરતા જોયો હતો. પણ એ બધું વિચારવાનો અત્યારે સમય નહોતો. તે બહાર તરફ ભાગ્યો અને દરવાજે પહોંચ્યો. તેણે આગળિયો પકડીને જોરથી ખેંચ્યો. “માયગોડ…” દરવાજો બહારથી બંધ હતો. “હરામખોર દરવાજો ખોલ નહિતર તારી ખાલ ઉતારીને એમાં મરચું ભરી દઈશ.” તેણે બૂમો પાડી અને પછી બેફામ ગાળો બોલવાનું શરૂ કર્યું. એ દરમ્યાન વજીર ઉભો થયો હતો અને કાળઝાળ ક્રોધથી ધમધમતો તેની પાછળ આવી પહોંચ્યો હતો. તેને પોતાનાં ઉપર જ દાઝ ચઢતી હતી કે તે આટલો ગફલતમાં કેમ રહ્યો…? તેણે જીવણો મરી ગયો છે કે નહી એની ખાતરી કરી લેવાની જરૂર હતી પરંતુ હવે એ બધું ઘોડા વછૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવું હતું.

“પાછો હટ…” તેણે ડાગાને કહ્યું અને જેવો ડાગા દરવાજેથી હટયો કે પોતાની તમામ તાકાત એકઠી કરીને પગની એક જોરદાર ઠોકર દરવાજા ઉપર ઠોકી. સડી ચૂકેલા પતરાનો ખખડધજ દરવાજો એક જ પ્રહારે “ધડામ” કરતો મિજાગરા સોતો બારસાખમાંથી ઉખડયો હતો અને કાગળનાં પત્તાની જેમ બહાર ફેંકાઇ ગયો હતો. તેઓ બહાર દોડી ગયા પરંતુ હવે એનો કોઈ અર્થ સરવાનો નહોતો. જીવણો તેનાથી ફાસ્ટ નીકળ્યો હતો. તે પોતાનું ખખડપાંચમ લ્યૂના લઈને ઘણો દૂર નીકળી ચૂક્યો હતો. અંધારામાં દૂર જતી લ્યૂનાનું બેકલાઈટનું નાનકડું ટપકું તેમને દેખાતું હતું જે ધીરે-ધીરે લૂપ્ત થતું જતું હતું. તેઓ જીપ તરફ દોડયા. લ્યૂના જેવી ટચૂકડી બાઈકનો પીછો કરવો એ તેમના માટે રમત વાત હતી કારણ કે તેમની પાસે થાર જેવી શક્તિશાળી જીપ હતી જે માત્ર ગણતરીની સેકન્ડોમાં તેને આંબી શકે. ડાગા દોડતો જ જીપ નજીક પહોંચ્યો અને ભયાનક તેજીથી જીપનો દરવાજો ખોલી સ્ટિયરિંગ વ્હિલ પર ગોઠવાયો. એ સાથે જ તેનું હદય એક ધબકારો ચૂકી ગયું. ઈગ્નિશનમાં ચાવી નહોતી. તેણે મગજ કસ્યું. “માયગોડ…” તેઓ અહી પહોંચ્યા ત્યારે જીપ બંધ કરતી વખતે તે ચાવી કાઢવાનું ભૂલી ગયો હતો. મતલબ કે ચાવી જીપમાં જ હોવી જોઈએ પરંતુ અત્યારે નહોતી. મતલબ કે… એ હરામખોર ચાવી પણ સાથે લેતો ગયો હતો.

“શું કરે છે સાલા, જીપ ચાલું કર. પેલો ભાગી ગયો તો બોસ આપણા બન્નેની ચામડી ઉતારી લેશે.” બાજુનો દરવાજો ખોલીને અંદર પેસતા વજીર ગર્જી ઉઠયો. જીવણા જેવો એક તૃચ્છ વ્યક્તિ તેને છકાવીને ભાગી ગયો હતો એ બાબત જ કેટલી નાલોશીભરી હતી. તેને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું મન થતું હતુ પરંતુ એ પહેલા જીવણાને હાથવગો કરવો જરૂરી હતો. ભયંકર ગુસ્સાથી તેનું મગજ ફાટતું હતું. હવે જો એ હાથમાં આવ્યો તો તેને ઉભેઉભો ચીરીને એના શરીરનાં ઈંચ-ઈંચ જેવડા ટૂકડા કરીને સમૃદ્રમાં માછલીઓને મિજબાની કરાવવાનો હતો. ગુસ્સાથી ધમધમતો તે ડાગા તરફ ફર્યો પરંતુ ડાગા કોઇ ભૂત ભાળી ગયો હોય એમ સ્ટિયરિંગ વ્હિલ ઉપર સ્થિર, ખામોશ બેઠો હતો. એ જોઈને તેનો પિત્તો છટક્યો. “હરામખોર, સંભળાતું નથી તને. જીપ ચાલું કર.”

“ચાવી નથી. એ… એ… લઈ ગયો.” મહામહેનતે થૂક ગળા હેઠે ઉતારતા ડાગા બોલ્યો.

“વોટ…?” ઉછળી પડયો વજીર.

ડાગાએ મોં વકાસીને વજીર સામું જોયું. બે બદામનો એક મુડદલ વ્યક્તિ આજે તેના જેવા ખતરનાક માણસોને ભારે પડયો હતો. પણ એ બન્યું કેવી રીતે…? અને એથી પણ હેરાનીની વાત એ હતી કે એ જીવીત બચ્યો કેવી રીતે..?

જીવણો તેનામાં હતી એટલી તાકતથી લ્યૂના ભગાવી રહ્યો હતો. તેના હોઠ અજીબ રીતે વંકાતા હતા. એ હસતો હતો કે પછી દર્દથી તેનો ચહેરો તરડાતો હતો એ સમજી શકાતું નહોતું. પરંતુ હકીકત એ હતી કે તે બચ્યો હતો અને ભાગ્યો હતો. તેનો દેહ લોહીથી લથપથ ભલે હોય પરંતુ તેનું મન સાબૂત હતું. કોણ જાણે ક્યાથી અચાનક તેનામાં અજીબ પ્રકારનું ઝનૂન છવાયું હતું. તેના આખા શરીરે, ખાસ તો છાતીનાં અને પેટનાં ભાગેથી માસનાં લોચા બહાર દેખાતા હતા અને રહીરહીને એમાથી લોહીનાં ઘળકા બહાર ઉભરાતા હતા છતા કોઈ અજીબ બળથી તે આગળ વધી રહ્યો હતો. રાતનાં ઘેરા અંધકાર છવાયેલા ઉબડ-ખાબડ રસ્તા ઉપર ભાગતા લ્યૂનાની ગોળ હેડલાઈટનું નાનકડા ચાંદરડા જેવું અજવાળું તેને અજીબ સહારો આપી રહ્યું હતું. તેને ખ્યાલ હતો કે તે મરી રહ્યો છે. તેનું શરીર વધું દર્દ સહન નહી કરી શકે અને ગમેત્યારે તે ઢળી પડશે પરંતુ મરતા પહેલા એક કામ તે પુરૂ કરવા માંગતો હતો. વર્ષો પહેલા કોઈએ આપેલી એક અમાનતને તેના યોગ્ય ઠેકાણે પહોંચાડવા માંગતો હતો. એ અમાનત તેના કોટનાં ખિસ્સામાં જ હતી. જ્યારથી એ ચીજ તેની પાસે આવી હતી ત્યારથી એક સેકન્ડ માટે પણ પોતાનાથી અળગી કરી નહોતી. કાયમ માટે તે એને સાથે લઈને જ ફરતો જેથી ક્યારેક એવો સમય આવે તો એને શોધવી ન પડે. આજે એ સમય આવી ગયો હતો. કોઈકે તેને પકડી પાડયો હતો અને તેમને ખબર પડી ગઈ હતી કે એ ચીજ તેની પાસે છે.

પરંતુ… ગજબ રીતે તેણે પેલા બન્નેને માત આપી હતી. મોતને એકદમ અડીને તે પાછો ફર્યો હતો અને વજીરને પછાડીને બહાર ભાગ્યો હતો. બહાર નીકળીને સૌથી પહેલું કામ દરવાજાને બહારથી આગળિયો મારવાનું કર્યું હતું. તેને ખબર હતી કે એનાથી કોઈ અર્થ સરવાનો નથી પરંતુ એ બહાને જેટલો સમય વધું મળે એ તેના ફાયદામાં હતું. તેણે ખૂણામાં પડેલું લ્યૂના ઉઠાવ્યું હતું અને બસ્તી તરફ ભગાવ્યું હતું. બરાબર એ સમયે જ તેની નજર જીપ ઉપર પડી. પેલા માણસો આ જીપમાં જ આવ્યાં હશે એમા કોઈ શંકા નહોતી. તેણે એક ચાન્સ લીધો અને જીપ નજીક પહોંચીને લ્યૂના થોભાવ્યું. નીચે ઉતરીને તેણે જીપનો લોક તપાસ્યો. એકાએક તેની ઉંડી ઉતરી ગયેલી આંખોમાં ચમકારો ઉદભવ્યો. જીપનો દરવાજો ખૂલ્લો હતો. એટલું ઓછું હોય એમ ઈગ્નિશનમાં ચાવી પણ લટકતી હતી. તેણે ઝડપથી ચાવી ખેંચી કાઢી અને આંખો મીચીને પાછળ… અંધકારભર્યા જંગલમાં ઘા કરી દીધો. હવે એ લોકો જલ્દીથી તેનો પીછો નહી કરી શકે. તે હસ્યો અને લ્યૂના ઉપર સવાર થઈને લીવર ઉપર રીતસરનો ચડી બેઠો. મિનિટોમાં તેણે જંગલ વિસ્તાર વટાવ્યો હતો અને બસ્તી તરફ જતાં હાઈવેએ આવી પહોંચ્યો હતો. અહીથી બસ્તીની સ્ટ્રિટલાઈટોનો પ્રકાશ સ્પષ્ટ દેખાતો હતો. તેના જીગરમાં અનહદ આનંદની હેલી છવાઈ અને એ સાથે જ… તેનાં હદયમાં ખટકો સર્જાયો. એવું લાગ્યું જાણે એકાએક કોઈએ તેના હદયને તાકતવર મુઠ્ઠીમાં ભિંસી લીધું છે. ચાલુ બાઈકે જ તે બેવડ વળી ગયો. તેના હાથ ધ્રૂજયા અને ચહેરા ઉપર પરસેવો ઉભરાવા લાગ્યો. ડાબો હાથ તેણે છાતી ઉપર દાબ્યો. તે સમજી ગયો હતો કે હવે તેના હદયે પણ બળવો પોકાર્યો છે. તેણે હોઠ ભિંસ્યા, આંખો આગળ છવાતી ધૂંધળાશને હટાવવા પોપચા પટપટાવ્યાં અને હાથને ઝટકો આપી ફૂલ થ્રોટલમાં લ્યૂનાને ધમધમાવ્યું. બસ હવે થોડી જ વાર અને તે બસ્તીમાં દાખલ થઈ જવાનો હતો.

ગણતરીની ચંદ મિનિટોમાં જ તે બસ્તીમાં દાખલ થયો હતો. તેની મંઝિલ બસ્તીનાં છેવાડે આવેલા એક ઘર તરફની હતી. લ્યૂના રીતસરનું ઝોલા ખાઈ રહ્યું હતું અને હદયનો દુખાવો એકધારો વધતો જતો હતો. હજું થોડુ જ આગળ વધ્યો હશે કે એકાએક જ તેની આંખો સામે અંધકાર છવાયો. અચાનક જ તેની આંખો મિંચાઈ, આગળનો રસ્તો દેખાતો બંધ થયો, અને… એક હાથે ચાલતું લ્યૂના રોડ કિનારે પથરાયેલી ઝીણી કપચીનાં મુરમમાં ઉતરી ગયું. મુરમમાં ફસાયેલું લ્યૂનાનું ટાયર ફાંગું થઈને સ્લિપ ખાઈ ગયું. એ સાથે જ જીવણો સુથાર રીતસરનો ઉછળ્યો અને કપચીનાં મુરમમાં લાંબો થઈને પથરાઈ ગયો. તે ઘડીભર એમ જ પડયો રહ્યો. લાગતું હતું કે તે તેની મંઝિલે નહી પહોંચી શકે પરંતુ થોડીવાર બાદ ફરી પાછો તે ઉભો થયો અને પોતાનામાં હતી એટલી તાકતથી લથડાતી ચાલે ચાલતો આગળ વધ્યો. હવે લ્યૂનાને ઉભુ કરવાની તેનામા તાકત નહોતી. ઓલરેડી એક હાર્ટએટેક તેને આવી ચૂક્યો હતો પરંતુ કોણજાણે કેમ પણ તે હાર માનવા તૈયાર નહોતો. લોહીથી લથબથ તેનો દેહ, હદયમાં થતો ભયંકર દુખાવો, આંખો આગળ છવાતો અંધકાર પણ તેના વીલપાવરને ડગાવી શકવા અસમર્થ બન્યા હતા. આટલી ભયંકર હાલતમાં જ તેણે એકાદ કિમિ જેટલું અંતર કાપી નાંખ્યું. એક વખત તો લાગ્યું હતું કે ચોક્કસ તે તેની મંઝિલે પહોંચીને જ દમ લેશે પરંતુ… નહી, તેની કિસ્મત તેને દગો કરી ગઈ. એકાએક જ તેના પગ આગળ વધતા અટકી ગયા. તેનો શ્વાસ તેના જ ગળામાં અટકી ગયો. એ ક્ષણે જ ઢગલો થઈને તે રોડની બાજુમાં વહેતી ગંદી નિકમાં ઉંધેકાંધ પડયો. ક્ષણનાં સો-માં ભાગમાં તેનું પ્રાણ-પંખીડુ ઉડી ગયું હતું. તેની છેલ્લી એક આસ.. એક ઈચ્છા.. એક જીજીવિષા અધૂરી રહી ગઈ હતી.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED