પ્રકરણ-૨૩.
પ્રવીણ પીઠડીયા.
માનસાએ જે કહ્યું એ કંઈ એટલું આસાન નહોતું. અને જીવણાનાં મોત સાથે મારે શું લેવાદેવા…? એક જીજ્ઞાષાવશ હું તેની પાછળ પડયો હતો એનો મતલબ એવો થોડો હતો કે માનસાનાં કહેવાથી જીવણાનાં કાતિલોને પકડવા હું જેમ્સ બોન્ડ બની જાઉં..! જીવણાને જે બેરહમીથી વેતરી નાંખવામાં આવ્યો હતો એ જોઈને કોઈપણ વ્યક્તિ તેના કાતિલોનાં હાથે પડવા ન જ માંગે એમો કોઈ શક નહોતો. માનસા કદાચ મજાકમાં બોલી હશે એવું મને લાગ્યું હતું, પરંતુ તેનો ચહેરો ગંભીર હતો.
“આર યુ સિરિયસ..? આ સમયે તને મજાક સૂઝે છે…?”
“જો અંદર થતી વાતચીત સાચી હોય તો… નહી. હું મજાક નથી કરતી. લાઈફ ઈઝ સો બોરિંગ યાર, લેટ્સ હેવ સમ એડવેન્ચર. એ બહાને તું મારી સાથે રહી શકીશ.” તે બોલી. અને પછી હસી. હું મોં ફાડીને તેને જોઈ રહ્યો. ખબર નહી તે પોતાની જાતને શું સમજતી હશે…! સાચું કહું તો હવે ખરેખર મને તે ભેજાગેપ લાગવા માંડી હતી. સમજાતું નહોતું કે તે પાગલ છે કે વધું પડતી ઉત્સાહી..! તે પોતાને કોઈ રાજ્યની સામ્રાજ્ઞી માનતી હોય એમ વર્તી રહી હતી અને એવો જ બકવાસ કરતી હતી. ભલા આ કોઈ રમત વાત છે જેમાં તે એડવેન્ચર શોધી રહી છે..? એક બેરહમી પૂર્વક કત્લ થયું હતું. મરનાર વ્યક્તિનું પોસ્ટમાર્ટમ કરનાર ડોકટરો ખૂદ એ બોડીની હાલત જોઈને હલી ગયા હતા તો વિચાર કરો તેને કેટલી ક્રૂરતાથી મારવામાં આવ્યો હશે…! માનસા ઉપર મને ખીજ ચઢી. એ સિવાય એક વાત એ પણ હતી કે તેને ખ્યાલ આવ્યો હતો કે હું તેના પ્રત્યે આકર્ષાયો છું એટલે મને ઉશ્કેરવા તે બોલી હોય એવું પણ બને. ભગવાન જાણે એ છોકરીનાં મનમાં શું ચાલતું હશે. પણ તેને જવાબ આપવો જરૂરી હતો.
“અડધી રાત્રે તને બકવાસ સૂઝે એમાં કંઈ નવિન નથી. તું આ કહી શકે છે કારણ કે તને બચાવવા તારી પાછળ તારાં ડેડીનું આખું સામ્રાજ્ય ખડું છે. પરંતુ મારે એવું નથી. હું ફસાયો તો જેલની હવા ખાવા સિવાય આરો ન રહે, અથવા એ કાતિલો મને પણ ખતમ કરી નાંખે.” મેં કહ્યું. “અને આ કોઈ એડવેન્ચર કહાનીઓમાં આવતું વિશ્વ નથી. સહેજ ભૂલ થઈ તો સીધું જ મોત મળે એમાં કોઈ શંકા નથી. તારી સાથે રહેવા માટે એટલી મોટી કિંમત તો હું ન જ ચૂકવું.” હું બોલ્યો. જો કે એ સત્ય નહોતું. માનસાને પામવા હું તો શું… કોઈ પણ યુવક પોતાના પ્રાણની આહૂતી આપતાં ન અચકાય એ નિર્વિવાદિત સત્ય હતું.
“અચ્છા..! તો અડધી રાત્રે આમ નિશાચર પ્રાણીની જેમ ભટકવાનું છોડીને તારા દોસ્ત જીમીનું ધ્યાન રાખને. અહી સંતાઈને ઉભા રહેવાથી એ સાજો નહી થાય.” છણકો કરતાં તે બોલી ઉઠી. તે મને ઉશ્કેરી રહી હતી. તેના જવાબોથી મારું લોહી ઉકળતું હતું. હજું હમણાં જ તે સહીયારી જાસૂસી કંપની ખોલવાની વાત કરતી હતી, મારી સેક્રેટરી બનવા માંગતી હતી અને હવે બે મિનિટમાં જ તેનો રૂઆબ ફરી ગયો હતો.
“એમ તો તારે પણ તારા બોયફ્રેન્ડ પાસે હોવું જોઈએ. એ બિચારાને તારી જરૂર હશે.” હું બોલી ઉઠયો.
“ઓહો… તને જલન થાય છે…! થવી જ જોઈએ. ન થાત તો મને આશ્વર્ય ઉદભવ્યું હોત. અને એમ ન માનતો કે વિક્રાંત તને છોડી દેશે. એ જલ્લાદ છે. તેના હાથમાંથી બચવું મુશ્કેલ છે એટલે સંભાળીને રહેજે. અને હાં, તને બિવડાવાં આ નથી કહેતી પણ…” તે અટકી અને ઓર થોડી નજીક સરકી. હું તેની ગોરંભાયેલા વાદળો જેવી આંખોમાં જોઈ રહ્યો. એ આંખોમાં અચાનક ચિંતા ઉદભવી હતી. “તું બને એટલો તેનાથી દૂર જ રહેજે. તારી કિસ્મત તને વારેવારે સાથ નહી દે. એક વખત કદાચ તું ફાવ્યો હોઈશ પરંતુ વિક્રાંત બીજી વખત એવો મોકો કોઇને નથી આપતો. એ કોઈ મચ્છરની જેમ તને મસળી નાંખશે… અને એવું કરતા મેં ઘણી વખત તેને જોયો છે. એ તેના દુશ્મનને ક્યારેય બક્ષતો નથી.” તે અટકી. એ ખરેખર મને ડરાવી રહી હતી. એલીટ ક્લબમાં જે બન્યું એ મારા માટે તો કલ્પનાતિત હતું. મને યાદ છે ત્યાં સુધી મેં કોઈની સાથે ઉંચા અવાજે હજું સુધી વાત પણ નહી કરી હોય. મારો સ્વભાવ નાનપણથી એવો જ હતો. ઝઘડાથી હંમેશા હું દૂર ભાગતો. પરંતુ આજે જીમીની હાલત જોઈને ખબર નહી મને શું થઈ ગયું હતું કે ઉશ્કેરાઇને હું એલીટ ક્લબમાં પહોંચી ગયો હતો. એટલું ઓછું હોય એમ બાબીએ ત્યાં અચાનક આવી ચઢીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું.
સ્તબ્ધ બનીને હું માનસાની વાત સાંભળી રહ્યો. એ સાચું કહેતી હતી. વિક્રાંત અને ડેનીને છંછેડવાની કોઈની ઓકાત નહોતી. તેઓ બધી રીતે પહોચેલા હતા. અમારી વચ્ચે ઝઘડો થયો અને એ ઝઘડામાં ગોળી ચાલી હતી એ કોઈ નાનીસૂની બાબત નહોતી. તેના વમળો દૂર સુધી ફેલાવાનાં હતા એનો મને ખ્યાલ હતો. પોલીસ પણ આ મામલામાં ઈન્વોલ્વ થયા રહેવાની નહોતી. હું મુંઝાઈ ગયો. તો શું મારે હાથ ઉપર હાથ ધરીને બેસી રહેવાની જરૂર હતી…? શું વેટલેન્ડ હંમેશા અમારા માટે ડરનું કારણ બની રહેશે..? નાં… નાં… ક્યારેક તો એનો જવાબ દેવો જરૂરી હતો અને એ જવાબ મેં આપ્યો હતો. હવે ભલે જે થવું હોય એ થાય. હવે હું ઝૂકીશ નહી જ. વિક્રાંત અને ડેનીને એની ભાષામાં જ જવાબ આપીશ. એકાએક મારામાં જૂસ્સો પેદા થયો હતો. માનસાને કંઈક સંભળાવી દેવા હું તત્પર બન્યો જ હતો કે એકાએક તે જે બોલી હતી એ શબ્દોનું પૃથ્થકરણ મારા મનમાં થયું અને… મારું હદય એક ધબકારો ચૂકી ગયું.
તે જે બોલી એ શબ્દો હજું પણ મારા મનમાં ઘુમરાઈ રહ્યા હતા. તેનાં શબ્દોમાં મારાં પ્રત્યેની ફિકર સાફ ઝલકતી હતી. એનો મતલબ કે… ઓહ ભગવાન… એકાએક મને નાચવાનું મન થયું. આનંદની એક હેલી દિલમાં ઉદભવી. તેને મારી ચિંતા હતી મતલબ કે શું તે પણ મારી પ્રત્યે આકર્ષાઈ હતી…? એ કલ્પના કેટલી આહલાદક હતી. જ્યારે તમને કોઈ પસંદ હોય અને સામેથી પણ એટલો જ ઉમળકાભેર રિસ્પોન્સ મળે તો લાગે જાણે સ્વર્ગ તમારા કદમોમાં આળોટી રહ્યું છે. હોસ્પિટલની કોરીડોરમાં… અડધી રાત્રે… ચારેકોર છવાયેલા ઘટ્ટ સન્નાટા વચ્ચે… એક ગમતું સાનિધ્ય મારી નજદિક હતું. એ સમયે જ માનસાને બાહોમાં ભરી લેવાનું મને મન થયું. અને એવું મેં કર્યું પણ હોત… પરંતુ એકાએક હું સજાગ થયો હતો. ડો.ભારદ્વાજ અને તેની પાછળ ડો.અવસ્થી પોસ્ટમાર્ટમ રૂમમાંથી બહાર નિકળ્યાં હતા અને રૂમનાં દરવાજે આવીને ઉભા રહ્યાં હતા.
“ડો.અવસ્થી, કાલે સવારે આનો ડિટેઈલ રિપોર્ટ તૈયાર કરીને મને મોકલી આપજો.” એટલું કહીને ડો.ભારદ્વાજ સામેની તરફ લોબીમાં ચાલ્યાં ગયા. ડો.અવસ્થી ઘડીક ત્યાં જ ઉભા રહ્યાં અને ફરી પાછા પોસ્ટમાર્ટમ રૂમમાં અંતરધ્યાન થયા.
“હવે…?” માનસાએ મુદ્દાનો સવાલ કર્યો. તે વારંવાર ટોપીક બદલીને મને ભ્રમિત કરતી હતી તેમા સમજ નહોતી પડતી કે આખરે મારે જવાબ શું આપવો…? વળી મને જે અહેસાસ થયો હતો તેમાં હું ઓર અસમંજસમાં પડયો હતો. ઘડીક તે મારી નજીક આવતી હતી તો ઘડીકમાં વિક્રાંતનું નામ લઈને મને ડરાવતી હતી. ઘડીકમાં તે જીવણાનાં કાતિલોને શોધવા મારી સેક્રેટરી બનવા પણ તૈયાર થઈ હતી તો ઘડીકમાં તે મારી ખિલ્લી ઉડાવતી હોય એમ વર્તતી હતી. તે સંપૂર્ણપણે કંન્ફ્યૂઝનમાં હતી અથવા તો જાણી જોઈને મને કન્ફ્યૂઝ કરી રહી હતી.
આખરે ટોપીક બદલવા મેં કાંડે બાંધેલી રિસ્ટવોચમાં નજર કરી. અડધી રાત વીતી ગઈ હતી. લગભગ એક વાગવાં આવ્યો હતો. આ સમયે સંપૂર્ણ હોસ્પિટલમાં સન્નાટો પ્રસરી ચૂકયો હતો. ભાગ્યે જ કોઈ વોર્ડમાં દર્દી કે ડોકટરની હલચલ વર્તાતી હતી. હવે અહી ઉભા રહેવાનો પણ કોઈ મતલબ નહોતો અને માનસા નામની માયાઝાળમાંથી બહાર નિકળવા માટે પણ આ જગ્યાએથી હટવું જરૂરી હતું.
“તું હવે ઘરે જા. તારી રાહ જોવાતી હશે. હું આજની રાત જીમી પાસે જ રોકાઈશ.” કંઈક વિચારીને મેં કહ્યું. એ સાંભળીને માનસા વિચિત્ર રીતે હસી.
“ઘરે મને પૂંછવાવાળું કોઈ નથી એટલે તું એની ફિકર ન કર. આમ પણ આજે બધા બહાર છે એટલે ઉપાધી નથી. એક વાત પુંછું…?” તેણે મારી સામું જોઈને પ્રશ્ન કર્યો.
“પુંછ.”
“આ જીવણો ક્યાં રહેતો હતો એ તું જાણે છે…?”
“કેમ, એનું શું છે…?”
“ચાલ ત્યાં જઈએ. કાલે પોલીસ તેના ઘરની તલશી લે એ પહેલા આપણે પહોંચી જઈએ.” તે બોલી. આશ્વર્યભરી નજરે મેં તેની સામે જોયું.
“તને આટલો રસ કેમ છે…?” તેણે થોડીવાર પહેલાં મને જે પ્રશ્ન પૂછયો હતો એ હવે મેં દોહરાવ્યો. મને ખરેખર એ બાબતનું આશ્વર્ય હતું જ કે આખરે તે અહી છે જ શું કામ..?
“તેને એક છોકરી છે… વાલી. એ અમારે ત્યાં કામ કરે છે. તે ઘણી વખત તેના બાપુનાં નામનું રટણ કરતી હોય છે. મને તેનું ઘણું ખરાબ લાગતું. તેનો બાપ તે નાની હતી ત્યારનો ગાંડાં કાઢતો અને તેના નાનપણમાં જ એક દિવસ તેને છોડીને ક્યાંક ચાલ્યો ગયો હતો. પછી ખબર પડી હતી કે તેણે જંગલમાં ઝૂપડું બનાવ્યું છે. એ બિચારીને હજું સુધી એનું કારણ સમજાયું નથી અને તે એના બાપનાં સ્નેહ માટે ઝૂરતી રહે છે. હવે તું જ કહે… તેનો બાપ કેમ મરી ગયો, કોણે તેને માર્યો એ જાણવાનો તેને હક ખરો કે નહી…? બસ, એટલે જ હું તને ક્યારની ઉશ્કેરી રહી છું.” માનસા એકાએક ઢીલી પડી ગઈ. એક નિશ્વાસ નાંખી, અદબ વાળીને તેણે ફરીથી દિવાલનો ટેકો લીધો. હું સ્તબ્ધ બની ગયો. ઓહ… તો એમ વાત છે. માનસા જીવણાની દિકરીને ઓળખતી હતી અને તેના ઘરમાં કામ કરતી હતી એ નવી જાણકારી મને મળી હતી. માનસાને શું જવાબ આપવો એ ઘડીક સૂઝયું નહી એટલે ખામોશીથી વિચારતો ઉભો રહ્યો.
“આ વાત પહેલા કહેવાની જરૂર હતી.”
“એનાથી શું ફરક પડત. આપણે બન્ને આજે પહેલી વખત મળી રહ્યાં છીએ. નથી તું મને ઓળખતો કે નથી હું તને બરાબર ઓળખતી.” તે બોલી.
“અચ્છા…! તો હમણાં જે કહેતી હતી અને એકદમ જ મારી નજીક આવવાની કોશીશ કરતી હતી એનું શું…?” મેં પૂછી લીધું. હવે મને તેના રહસ્યમય વર્તનનો તાગ મળતો હોય એવું લાગ્યું. મારી વાત સાંભળીને તે હસી પડી. અદબ છોડીને તે ફરીથી મારી સામે આવીને ઉભી રહી અને અચાનક જ મારા ગાલ ઉપર ચૂટકી ભરી.
“કેટલો સ્વિટ છે તું. આવી વાતો છોકરીઓને ન પૂછાય. એ સમજવાની હોય.” અને ખરેખર તેણે જોરથી મારા ગાલ ઉપર ચૂટકી ભરી લીધી. સાથોસાથ તેનો ચહેરો ખીલી ઉઠયો હતો. તેનું ચાલ્યું હોત તો તે બેતહાશા હસી પડી હોત.
“માય ગોડ માનસા, તું ભયાનક છે. તને સમજવી ખરેખર અઘરી છે.” મેં કહ્યું અને તેના હાથમાંથી મારો ગાલ છોડાવ્યો. “ચાલ, જીવણાનાં ઘરે જઈએ. જોઈએ તો ખરા કે ત્યાંથી શું મળે છે.”
અને… ઘણી બધી બાબતો અધ્યાહાર રાખીને અમે ધોધમાર વરસતાં વરસાદમાં જીવણાનાં ઘર તરફ ચાલી નિકળ્યાં. એ અમારી ભયંકર ભૂલ હતી.
(ક્રમશઃ)