સવાઈ માતા - ભાગ 26 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 26

આખરે એ દિવસ આવી ગયો જ્યારે અકિંચન, મહેનતુ અને ઈમાનદાર આ ભોળિયાં જીવોને સુખનો સૂરજ જોવા મળવાનો હતો. હવે, 'કાલે શું ખાઈશું?', 'વરસાદ કે ટાઢ વધે તો ક્યાં સૂઈશું અને શું ઓઢીશું?' એવાં પ્રશ્નો નહીં સતાવે. બીમારને ઈલાજ અને બાળકોને ભણતરનું સાચું સ્તર મળી રહેશે. તેમનાં બાળકોને પ્રગતિ કરવાની પૂરતી તકો મળી રહેશે.

કોણે કહ્યું કે સમાજમાં સમાનતા લાવવા સામ્યવાદનો લાલ ઝંડો લઈને સરઘસો કાઢવા પડે, રસ્તા જામ કરવા પડે કે હક્ક માંગવા સુત્રોચ્ચાર કરવાં પડે?

જો દરેક સંપન્ન કુટુંબ એક જરૂરિયાતમંદ બાળકનો હાથ પકડી તેને પ્રગતિનાં રસ્તે દોરે તો તેનું વંચિત કુટુંબ બધી જ રીતે ઉન્નતિ કરી શકે. સમાજનું ચિત્ર જ બદલાઈ જાય. થોડો અઘરો છે પણ પ્રગતિની નવી દિશા ઉઘાડતો એક ઉત્તમ વિચાર છે. સમાજની સફળતાનું સુંદર ચિત્ર છે જે થોડાં પ્રયાસથી મૂર્તિમંત થઈ શકે છે.

હવે, વળીએ પાછાં આજનાં દિવસનાં ઘટનાક્રમ તરફ. મેઘનાબહેન અને સમીરભાઈ આજે એકદમ વહેલા તૈયાર થઈ પૂજાપાઠ કરી લઈ જવાનો સામાન તપાસવા લાગ્યા. રમીલા અને લીલાએ પણ નિત્યક્રમથી પરવારી પૂજાઘરમાં માથું નમાવી પ્રાર્થના કરી. રમીલાએ ચા મૂકી અને બંને બાળકો માટે દૂધનાં ગ્લાસ તૈયાર કર્યાં. લીલાએ પ્લેટ લઈ તેમાં મેથી મસાલા પૂરી અને સકકરપારા કાઢ્યાં.

મેઘનાબહેનને અને સમીરભાઈને તેમનાં ચા નાં કપ સાથે નાસ્તાની ડિશ બેઠકરૂમમાં આપી દીધી જ્યાં તેઓ કામ કરી રહ્યાં હતાં. બંને બાળકોને અને નિખિલને ચા-દૂધ અને નાસ્તો નિખિલનાં ઓરડામાં આપી દીધો અને રમીલાનાં માતા-પિતા સાથે તેઓ બંને ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયાં. બધાં જ વહેલાં ઊઠ્યાં હતાં જેથી મોડું થવાની કોઈ સંભાવના નહોતી.

બધાંએ પોત પોતાનાં મોબાઈલ ફોન, ચાર્જર, હેન્ડઝ ફ્રી, પર્સ અને બીજી જરૂરી વસ્તુઓ લઈ લીધી. સમુ, મનુ, નિખિલ, રમીલા અને લીલાએ રાત્રે પેક કરેલો બધો જ જરૂરી સામાન મેઘનાબહેનની સૂચના પ્રમાણે બંને ગાડીની ડિકીમાં ગોઠવી દીધો. રમીલા થોડી નાસ્તા માટેની પેપર ડીશ અને ગઈકાલે મંગાવેલ નાસ્તો લઈ આવી, કદાચ કોઈને ભૂખ લાગે તો.

થોડી જ વારમાં ટેમ્પો પણ આવી ગયો. છેલ્લાં થોડાં દિવસોમાં ખરીદેલ ઘરવખરીનો સામાન ટેમ્પો ડ્રાઈવર અને તેનાં સાથીદારે કાળજીપૂર્વક ટેમ્પોમાં ચઢાવ્યો, બરાબર દોરડાથી બાંધ્યો અને સમીરભાઈ પાસેથી ફ્લેટનું સરનામું લઈ ટેમ્પો હાંકી મૂક્યો. હવે નાની ગાડી આજે નિખિલે લીધી અને તેની સાથે રમીલા, સમુ અને મનુ બેસી ગયાં. સમીરભાઈ સાથે મેઘનાબહેન, લીલા અને રમીલાનાં માતા-પિતા બેઠાં.

નિખિલે સમીરભાઈની ગાડીથી થોડું અંતર રાખી ગાડી હાંકવા માંડી. સવારનાં સમયે ટ્રાફિક થોડો ઓછો હોઈ, બધાં સમયસર પહોંચી ગયાં. ટેમ્પો ડ્રાઈવર પણ ત્યાં પહોંચી સમીરભાઈની રાહ જોતો હતો. સમીરભાઈએ બિલ્ડીંગ વોચમેનને પૂછી એક તરફ સામાન ઉતરાવી ટેમ્પો ડ્રાઈવરને ભાડું ચૂકવી રવાના કર્યો. સામાન પૂજા પૂરી થયે ઉપર લઈ લેશે એમ વોચમેનને જણાવ્યું.

અહીં લીફ્ટ આઠ વ્યક્તિ જઈ શકે તેટલી મોટી હતી માટે નિખિલ અને મનુને, મનુનાં બધાં સગાં આવી જાય તેમને લઈને ઉપર આવવાની સૂચના આપી સમીરભાઈ બાકી બધાંને લઈ આઠમા માળે ફ્લેટમાં જતાં રહ્યાં. લીલા તો આટલો મોટો ફ્લેટ જોઈ આભી જ બની ગઈ.

તે બોલી, "મેઘનાબુન, આ તો ગજ્જબ થૈ ગ્યો. અમાર તિયાં તો આવડાક મોટા ઘરમાં કોઈ નૈ રયલું ઓય."

પછી રમીલા તરફ ફરીને બોલી, "રમલી, તું તો બોવ જ નસીબદાર નીકળી. મોટાંબુન તાર માટ આટલું કરે છ તો એમને ભૂલી ન જતી."

રમીલાએ તેનો હાથ પકડી આશ્વસ્ત કરી, "મોટી મા વિના મારી જીંદગીની કલ્પના પણ થઈ શકે એમ નથી, લીલા."

તેમનાં સંવાદ સાંભળી રહેલાં મેઘનાબહેન બોલ્યાં, "ચાલો, ચાલો, બેય હવે કામે લાગો. તમારાં ભાઈ-બહેન અને વડીલ આવતાં જ હશે."

બંને દીકરીઓએ કુંભ સ્થાપનનો અને બીજો સામાન છૂટો પાડ્યો,ત્યાં સુધીમાં રમીલાનાં ત્રણેય ભાઈ-બહેન અને લીલાનાં માતા-પિતા તેનાં નાનાં ત્રણ ભાઈ-બહેન સાથે આવી ગયાં. નિખિલ બધાંને લઈને ઉપર આવ્યો. ત્રણમાંથી બે રીક્ષા ડ્રાઈવર નીકળી ગયાં પણ કાલવાળો ડ્રાઈવર નિખિલની પાસે આવ્યો.

ડ્રાઈવરે નિખિલને કહ્યું, "ભાઈ, આ જે દીકરીનો આજે ગૃહપ્રવેશ છે તેમને જેમણે ભણાવ્યાં એ બેન તમારાં શું થાય?"

નિખિલે જવાબ વાળ્યો, "એ મારાં મમ્મી છે."

ડ્રાઈવર, "મન એકવખત તેમને મળવું છે, મળવા લઈ જશો?"

નિખિલે તેને સાથે આવવાં કહ્યું અને બધાં લિફ્ટમાં ઉપર આવ્યા. નિખિલે ડ્રાઈવરની ઓળખ સમીરભાઈ તેમજ મેઘનાબહેન સાથે કરાવી.

ડ્રાઈવર બેયનો અંતઃકરણપૂર્વક આભાર માની રહ્યો, "મોટાંબેન, મોટાભાઈ, તમે બંને ખરેખર ખૂબ જ મહાન છો. એક સામાન્ય મજૂર માણસની દીકરીને તમે ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી."

એટલામાં જ રમીલાના પિતા ત્યાં આવી ગયાં. તે બોલ્યાં, "ભઈ, કાલ ઉં આમની જ રીકસામ ઘેર ગયલો. નિખિલભઈએ માર પાસ પૈહા ન માગવા કયલું ન રાતે એ જ બધ્ધાં પૈહા આલહે એમ કયલું તે આ ભ ઈને બોવ જ નવાઈ લાગેલી. ન લાગેસ્તો. અમાર જેવાંન કોઈ બાજુમ ન બેહાડે ને તમ તો તમાર ઘેર રાયખાં..."

સમીરભાઈ બોલી ઉઠયા, "હવે એમ વિચારશો પણ નહીં. આજે તમારી જીંદગીની નવી શરૂઆત થઈ રહી છે. અને તે બધું આ તેજસ્વી દીકરી રમીલાને જ કારણે છે."

રમીલાનો પિતા અહોભાવથી સમીરભાઈ સામે હાથ જોડી રહ્યો. ત્યાં ઊભેલાં તેનાં તમામ સગાં પણ મેઘનાબહેન અને સમીરભાઈને એવાં જ પૂજ્યભાવે જોઈ રહ્યાં.

મેઘનાબહેને બધાંયને ટપારતાં કહ્યું, "ચાલો, ચાલો નવ વાગવા આવ્યાં છે. હવે પૂજાની શરૂઆત કરીએ. રમીલા કંકુ-ચોખા અને પાણી તેમજ ઉંબરો લૂછવા માટેનું એક કપડું મૂક્યું છે, લઈ આવ તો. લીલા, પેલો ઘડો બોકસમાંથી કાઢીને ધોયા વિના જ નળના પાણીએ ભરી દે."

બેય દીકરીઓ મેઘનાબહેનના આદેશ ઉપર કામે લાગી.

મેઘનાબહેને ડ્રાઈવર ભાઈને જતાં જોઈ રોકતાં કહ્યું, "તમે ક્યાં જાવ છો, ભાઈ? આજે હવે આ અવસર માણીને જ જાવ."

ડ્રાઈવર રોકાઈ ગયો. તેને આશા બંધાઈ કે જતાં સુધીમાં એટલો સમય તો મળી જ જશે કે તે પોતાની દીકરીનાં ભણતરની ભલામણ આ બહેનને કરી શકે.

મેઘનાબહેને આજનો કાર્યક્રમ આગળ ધપાવતાં બધાંને ઘરબહાર આવી જવા કહ્યું. ગઈ કાલે જ ખરીદાયેલાં મઝાનાં પીળા અને જાંબુડિયા રંગનાં ચણિયાચોળીમાં શોભતી કુમારિકા સમુને પોતાની પાસે બોલાવી અને કોટનની એક ઓઢણીને ઈંઢોણી પેઠે વાળી તેના માથે મૂકી. લીલાએ ભરેલો ઘડો સમુના માથે ઈંઢોણી ઉપર મૂકાવી લીલાને પકડી રાખવા કહ્યું.

પછી તેમણે રમીલાને સાદ દીધો, "બેટા ઉંબરો પૂજી લે અને બારણાં ઉપર સ્વસ્તિક બનાવી લે."

વાર તહેવારે મેઘનાબહેન દીકરીના નાતે રમીલા પાસે જ આ કાર્ય કરાવતાં તેથી ઘડાયેલી રમીલાએ ઉંબરો ધોઈ- લૂછી ભાવપૂર્વક ઉંબરો પૂજ્યો.

મેઘનાબહેને માથે ઘડો લઈ ઉભેલ કુમારિકા અને તેનાં ઘડાને આધાર આપતી તેની માસિયાઈ મોટીબહેન, લીલાને રમીલા સાથે જ ઘરમાં પ્રવેશ કરવા કહ્યું. જો કે, નિખિલ પહેલેથી જ અંદર હતો. આ સુંદર અવસરનાં ફોટા ન પાડે તે તો કેમ ચાલે? આજનાં દિવસ માટે બાસ્કીન એન્ડ રૉબિન્સનાં કુલ છ સ્કૂપ આઈસ્ક્રીમનાં બદલામાં રમીલાએ તેને ફોટોગ્રાફી માટે તૈયાર કર્યો હતો. હવે તો ફોટા પડવા જ જોઈએ એ યાદ રાખતાં નિખિલે રમીલાનો કપડા વતી ઉંબરો લૂછતો ફોટો અને પોતાની સતત ઉડતી લટને આંખ નજીકથી બરોબર ગુસ્સે ભરાઈ ચોટલામાં ખોસતો ફોટો પણ પાડ્યો હતો.

ત્રણેય દીકરીઓ અંદર પ્રવેશી. તેમની પાછળ જ મેઘનાબહેન પ્રવેશ્યાં અને તેમની આગળ થઈ રસોડામાં ગયાં. સમીરભાઈએ બધાંયને અંદર પ્રવેશવાનું કહ્યું અને પોતે છેલ્લે અંદર આવ્યાં. આદતવશ જાળી બંધ કરવાં જતા હતા ત્યાં જ મેઘનાબહેનની સૂચના યાદ આવી, "પૂજા વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી ઘર ખુલ્લું જ રાખજો. બારણાં બંધ ન કરશો."

આ તરફ મેઘનાબહેને એક ડબ્બો ઉઘાડી તેમાંથી રમીલાને ખોબો ભરીને ઘઉં લેવા કહ્યાં અને પછી તેની પ્લેટફોર્મ ઉપર ઢગલી કરાવી દીધી. પછી તેને બીજો ડબ્બો ખોલી આપી તેમાંથી મગ લેવા કહ્યાં અને તેની ઢગલી ઘઉંની બાજુમાં કરાવી.

ત્યાર બાદ લીલા અને સમુને ઉદ્દેશીને કહ્યું, "હવે હળવેથી આ ઘડો બેય ઢગલીની વચ્ચે આવે તેમ મૂકી દો."

બંનેએ તેમ કર્યું. નિખિલનાં કહ્યાં મુજબ ત્રણે બહેનોએ મંદ સ્મિત સાથે મઝાનાં પૉઝ આપ્યાં. મનુ થોડો એકલો પડી ગયો લાગતાં નિખિલે તેને પણ ઘડાને હાથ અડકાડી ફોટા પડાવવા કહ્યું. તેનાં મોં ઉપર રંગત આવી ગઈ.

રમીલાએ મેઘનાબહેનની સૂચના પ્રમાણે પ્લેટફોર્મ ઉપર ઘડાની પાછળ, દિવાલને અડીને એક નાનકડો સિલ્કનો રૂમાલ પાથરી તેની ઉપર સાથે લાવેલ ભગવાનની મૂર્તિઓ અને ફોટા મૂકી તેની પૂજા કરી. લીલા પાસે ગેસની સગડીની પૂજા કરાવી. રમીલાની માતાને ગેસની સગડી ચલાવવામાં ઘણી ફાવટ આવી ગઈ હતી તે તેને સગડી પેટાવવાનું કહી ચા મૂકવાનું જણાવ્યું.

લીલા અને રમીલા તેની મદદમાં લાગ્યાં. આ આખી પ્રક્રિયા જોઈ લીલાનાં માતા-પિતા, રમીલાનાં મોટાં ભાઈ બહેન અને તેમનો પરિવાર નવાઈ પામી ગયાં.

સમીરભાઈએ બધાંને એક જ બેડરૂમમાં ચા- નાસ્તો કરવા બેસાડ્યાં. ચા ઉકળી જતાં રમીલા અને લીલાએ સ્ટીલ અને સિરામિક મગમાં ગાળી બધાંને આપવા માંડી. નિખિલ, મનુ અને સમુએ નાસ્તાની પ્લેટમાં પેંડા અને બટાટાની વેફર્સ ભરીને બધાંને સર્વ કરી. ચા - નાસ્તો કરીને બધાંએ આખું ઘર ધ્યાનથી જોયું અને વખાણ્યું.

રમીલાનાં માતા-પિતા સમીરભાઈ અને મેઘનાબહેન સમક્ષ ઊભાં રહી તેમને બંને હાથ જોડી બોલ્યાં, "અમ તો આજ હુધી લોકનાં ઘર બાંધેલાં. પણ બંધાયા પસી એની અંદર ની ગયલાં. તમ તો અમન ઘર લઈ આપી એમાં પૂજાય કરાવી ન માર દીકરીની હાથે અમ બધ્ધાંને આવડું મોટું માન અપાઈવું. અમાર આખ્ખાં સમાજમાં આ રમુ પેલ્લી જ છે આટલું ભણી ન હવ પાક્કાં મકાનમાં રે'વાની."

મેઘનાબહેનની આંખોમાં રમીલાની પ્રગતિની ખુશી ઝળહળી રહી. બધાંયે વાતોએ વળગ્યાં. આ વાતોનો સૂર એક જ હતો કે એક પરગજુ પરિવારે દીકરીને આશરો આપી જીવનની સાર્થકતા તરફ પહોંચાડી.

ક્રમશઃ

મિત્રો,વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી તેમજ સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર