Savai Mata - 9 books and stories free download online pdf in Gujarati

સવાઈ માતા - ભાગ 9

મેઘનાબહેનને લીલાનું મન નાણી જોવાની આ સુંદર તક આજે જ મળી ગઈ. તેની ગૃહસજાવટ કળાનાં વખાણ કર્યાં, "બેટા, તું તો કૉલેજની નોકરીની સાથે-સાથે ઘરનાં કામકાજ અને સજાવટમાંયે ખૂબ હોંશિયાર છે."

"કાકી, ઉં તો માર મા ને માસી જેવી જ ઉતી, હાવ ભોટ. પણ, મેઘજીએ મને હંધુયે હીખવાય્ડું. એને બોવ જ ગમે ભરેલાં કપડાં, તે કૉલેજની જ એક રક્સામેડમ છે, એમને કયલું મને હીખવાડવા. તે બેન બી બોવ હારાં. કૉલેજ પસી મને એમના કવાટરમાં બોલાવે. ઉંય તે વળી હાંજનું રાંધીન એમને ઘેર જાઉં. તે મને રંગબેરંગી દોરાથી કેટલાય ટાંકા ભરતા હીખવાય્ડાં. હવે તો ઉં રોજનાં તૈણ-ચાર રૂમાલ ભરી લેઉં." બોલતાં બોલતાં તે ક્યાંક ખોવાઈ ગઈ.

મેઘનાબહેને પૂછ્યું, "મેઘજીએ તને આ પીથોરાદેવનાં ચિત્રો બનાવતાં શીખવ્યાં તે તારાં ઘરનાં કોઈએ તેને ટોક્યો નહીં? તમારે ત્યાં તો દીકરીઓને આ કળા શીખવાડતાં જ નથી ને?"

" હા, કાકી. એ તો મેઘજીએ જ હીખવાડેલું. ઈનો ભઈબંદ, આ રોમજીભઈ. બેયની ભઈબંદીય એવી કે, એક નવું હીખે કે વિચારે, તે બીજાને હીખવાડે. ઉં રોજ ઘરમાં નવરી બેહી રેઉં તે બેય ભઈબંદોને ની ગમે. તે રઈવારની રજામાં કૂચડો ને રંગ મને બઝાડી દયે. પેલ્લાં તો મને બીક લાગે કે, દૈવ કોપે કે વળી માબાપને ની ગમે. એક-બે વાર મારી હાહુ આંય આઈવાં તિયાર બોલેલાં, પણ રોમજીભઈ આંય જ ઉતાં તે કઈ દીધેલું કે એવું કોંઈ ન થાય. ભાભી તો ઉંશિયાર બની રયલી છે. એને હીખવા જ દો. ધીરે ધીરે બીક જતી રેઈ ને મઝાનાં ચીતર બનવા લાયગાં."

મેઘનાબહેને મલકાતાં તેને પૂછ્યું,"આ રામજી તારાં પતિનાં જ ગામનો કે?"

"હા, કાકી. પાડોશી જ સ્તો. ને ઉપ્પરથી મારી હાહુના સગામાં. થોડો ભણવામાં બી ઉંશિયાર. તે મારાં હાહુ-હાહરા એનું બોવ માને. એની હંગાથે જ તો મેઘજીને શે'રમાં આંય હુધી નોકરીએ મોકલેલો.", લીલા બોલી રહી.

મેઘનાબહેનને હવે ઝાઝું ખેંચવા કરતાં સીધું જ પૂછી લેવું વધુ યોગ્ય લાગ્યું, "આ રામજીનું હજી લગ્ન થયું નથી, તો લીલા, તને એ પાત્ર કેવું લાગે?"

લીલા થોડી ખચકાતાં બોલી," કાકી, કુના માટે?"

"બીજું કોણ દીકરા, હમણાં તો તારી જ વાત કરું છું,બોલ."

"કાકી, ઉં તો કેવી રીતે, એ તો હજી કુંવારો સે. એન તો કોઈપણ સોકરી હા પાડ દેહે. મન તો કોઈ બીજવર મલી રેહે. અન અમણાં તો મને ફરી પૈણવાનો કોઈ વસાર બી ની મલે. એની જંદગી ઉં હું કામ બગાડું?" લીલા નર્યાં ભોળપણથી બોલી.

મેઘનાબહેન બોલ્યાં, "પણ, એ જ તૈયાર થાય તો? તો તને કોઈ વાંધો ખરો? તું અહીં રહ્યા પછી કોઈ ગામમાં રહી શકીશ? કૉલેજની આ નોકરી પછી રસ્તા ઉપરની કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર દિવસભર કામ કરી ફૂટપાથ ઉપર સૂઈ શકીશ? એક વખત વિચારી લે."

લીલા બોલી," આવું તો મેં વિચારેલું જ ની. પણ મારું નશીબ જંઈ લેઈ જાય તંઈ જ જાવું પડહે ને? મારું હું ચાલે? ને માર માબાપુ મારું બીજું લગન તો કરાવહે જ."

મેઘનાબહેને તક ઝડપી,"એટલે જ કહું છું, ફરી એ દુનિયામાં જવા કરતાં રામજી જોડે જ ઘર માંડી લે, તું હા પાડ. બાકીનું, હું ને તારા સમીરકાકા જોઈ લઈશું."

લીલાએ ક્ષોભભર્યું મંદ સ્મિત કર્યું," કાકી, પણ રામજીભઈ થોડો માને? એ હું કોમ મારી હાર પયણે?"

આખરે મેઘનાબહેન બોલી ઊઠ્યાં, "અરે ગાંડી, તેને જ તો તારી સાથે પરણી, તારી ખુશીઓ પાછી આપવી છે. તે મેઘજીનો ભાઈબંધ અને દૂરનો સગો હોવાથી તને કાંઈ કહેતાં ખચકાય છે, પણ તેનાથી તારી આ સફેદ સાડી અને રડમસ મોં જોવાતાં નથી."

"હાય,હાય? એ એવું વિચારે સ? મન તો લાગવાય દીધું નંઈ. પણ, એ તો કુંવારો છે. ઉં કેમ કરી હા પાડું? ને કદાચ ઉં હા પાડું, તો હંધાય એમ જ માને કે મને એ પેલ્લેથી જ પસંદ અહે.", લીલાએ પોતાનાં મનની શંકા વ્યક્ત કરી.

" તારી હા હોય તો કહે. હું જ વાત એવી રીતે મૂકીશ કે કોઈનેય એવો ખોટો વિચાર તમારાં બેય માટે નહીં આવે. તું કહે એટલે તારાં માસા-માસી અને પછી માતા-પિતાને વાત કરીએ.",મેઘનાબહેન બોલ્યાં.

લીલા થોડી ખચકાતી ઊભી રહી. તેને સૂઝ નહોતી પડી રહી કે તે શું કહે?

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.


આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED