સવાઈ માતા - ભાગ 6 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 6

મેઘનાબહેન અને સમીરભાઈ સાથે જમતાં- જમતાં રમીલાનાં મનમાં અનેક ભાવનાઓ રમી રહી હતી. ઘડીક તેનાં મોં ઉપર હળવું સ્મિત રેલાતું, તો ઘડીક આંખોમાં ઉદાસી ડોકાઈ જતી, ઘડીક થોડો ભય પ્રકાશી જતો, તો વળી ઘડીક જાણે આશાની ક્ષિતિજે મીટ માંડતી. બંને પતિ-પત્ની તેને જોઈને એકમેકને હળવું સ્મિત આપી રહ્યાં હતાં. તેમનાં આ સ્મિતમાં જાણે એક સંવાદ હતો,'થોડાં જ વર્ષો પહેલાંની ભોળી ભટાક દીકરી તેની ઉંમરનાં પ્રમાણમાં ઘણી જ સમજુ થઈ ગઈ હોય એમ લાગે છે. તે ભવિષ્યનાં સ્વપ્નો આપણાં અને તેનાં પરિવારને સાથે લઈ જોતી હોય એમ તેનાં ભાવ તેનાં ચહેરામાં વંચાઈ રહ્યાં છે.

ત્યાં રમીલા અચાનક બોલી ઊઠી, "તે મોટી મા, મને નોકરી મળી એટલે હવે મારે આપણાં ઘરે નહીં રહેવાનું?"

મેઘનાબહેન અતિવાત્સલ્યસભર અવાજે બોલ્યાં, "ના દીકરા, એમ ના સમજતી. તારી નોકરીનું સ્થળ તો આપણાં ઘરથી સહેજે વીસ કિલોમીટર દૂર છે. આઠ કલાકની નોકરી પછી ઘરે આવવાનું હોય તોયે સમજ્યાં. આ તો બીજાં ચારેક કલાકની કૉલેજ પણ ખરી. વળી, ભણે તો ગૃહકાર્ય પણ કરવું પડશે અને... "

વચ્ચે જ સમીરભાઈ બોલી ઊઠ્યાં, "અને હવે તો પ્રોજેક્ટ પણ વધુ મોટાં હશે, એમ. બી. એ. ખરું ને? આપણે માત્ર ભાડાંનું ઘર લઈશું. જેમ બાળકો હોસ્ટેલમાં રહેતાં હોય ને, તેમ."

મેઘનાબહેન સંમતિપૂર્વક માથું ધૂણાવતાં બોલ્યાં, "અરે! નિખિલ પણ તો આવતાં વર્ષે બનારસ હિન્દુ યુનિવર્સિટી જવાની તૈયારી કરી રહ્યો છે. તું તો ગુજરાતમાં જ રહીશ. તે તો છેક ઉત્તર પ્રદેશ સુધી જશે, જો પ્રવેશપરીક્ષામાં ઉત્તીર્ણ થયો તો."

" હા, મોટી મા. એ તો ગયાં વર્ષથી જ પ્રવેશપરીક્ષાની તૈયારી કરે છે. તે તો ચોક્કસ પાસ થઈ, પસંદગી પામી, બનારસ જતો રહેશે પૂરાં બે વર્ષ માટે. પછી તમને બેયને... ", રમીલાનાં અવાજમાં ચિંતા ડોકાઈ ગઈ.

ત્યાં જ સમીરભાઈ બોલ્યાં," અરે, અમે કાંઈ એકલાં પડવાનાં નથી. અમારેય તે ત્રણ ઘર થશે,તારું,નિખિલનું અને આપણું જૂનું તો ખરું જ. પણ, તમને બેયને લડવા-ઝઘડવાનો વધુ લાંબો સમય હવે નહીં મળે. ના તો તું ઘરે આવી શકીશ કે ના નિખિલ આવતાં વર્ષથી અહીં શહેરમાં આવી શકે." અને પછી તેઓ હસવા લાગ્યા.

"હા, હા, હવે બહુ ખુશ ના થશો, પાપા. અમે બેય નહીં હોઈએ ને તો તમને જ નહીં ગમે. બરાબરને મોટી મા?", સમીરભાઈની વાતથી ખિન્ન થયેલી રમીલા બોલી.

મેઘનાબહેને તેનાં સૂરમાં સૂર પૂરાવ્યો," હા વળી, તેમને તો તમે બેય બાળકો ન હોવ તો ઘરમાંયે રહેવાનું નથી ગમતું. તું જોજેને, જેવાં રિટાયર્ડ થશે કે તારે ઘેર જ આવી ધમકશે. અને તે પહેલાં દર શનિવારે રજા પડતાંમાં જ મારાં હાથે નાસ્તો બનાવડાવી તને આપવા આવતાં રહેશે. તને મળવાનાં આનંદની સાથે-સાથે પોતાનાં મનપસંદ નાસ્તા બનાવડાવીને ખાશે."

ટેબલ ઉપર હાસ્યનું હળવુંફૂલ મોજું ફરી રહ્યું. ત્રણેય જમી રહ્યાં હતાં. થાળીઓ મૂકી, હાથ ધોઈ, પાણી પીને પ્રિન્સીપાલ મેડમની કેબિન તરફ ચાલવા લાગ્યાં. ત્યાં જ કોલેજમાં દ્વિતિયક્રમે ઉત્તીર્ણ થયેલ ઋષભ શાહ અને તૃતીયક્રમે ઉત્તીર્ણ થયેલ માનસી પરમાર રમીલાને મળીને અભિનંદન પાઠવવા આવ્યાં. મેઘનાબહેન અને સમીરભાઈ બેયને અભિનંદન પાઠવી થોડે દૂર ઊભાં રહાયાં જેથી આ યુવાનો પોતાની અને બીજાની સફળતા શાબ્દિક રીતે ઉજવી શકે.

ઋષભ રમીલા સાથે હસ્તધૂનન કરતાં બોલ્યો, "અરે, આઠ જ ગુણથી હું બીજા ક્રમે આવ્યો પણ, તું પ્રથમ આવીને, તેનાથી ખુશી તો ખૂબ જ થઈ. આમેય તારાં જેટલી મહેનત તો કોઈએ જ નથી કરી."

રમીલાએ તેને સામે શુભેચ્છાઓ પાઠવી અને બોલી, "ઋષભ, તું અને માનસી આઈ. એ. એમ. જઈ રહ્યાં છો. તમે તો સાથે જ રહેશો. હું એકદમ વિખૂટી પડી જઈશ. મને... "

માનસી અધવચ્ચે જ ટહુકી ઊઠી, "અરે, તારા જેવી શિષ્યવૃત્તિ જો મને મળે ને, તો હું આઈ. એ. એમ. માં પણ ન જાઉં. અમારે તો ફીસનાં લાખો રૂપિયા ભરવા પડશે. મોંઘા, કોલેજનાં સ્ટેટસ પ્રમાણેનાં કપડાં, બેગ અને એવી કેટલીયે ચીજો ખરીદવી પડશે."

"એટલે ટૂંકમાં, અમારે તો હજી બે વર્ષ મમ્મી - પપ્પાની ઉપર જ આર્થિક આધાર રાખવો પડશે. જ્યારે તું તો આત્મનિર્ભર થઈ જઈશ. અંકલ-આંટી અને તારાં માતા-પિતાનો ટેકો બની જઈશ.", ઋષભે માનસીની વાત પૂર્ણ કરી.

રમીલાનાં ચહેરા ઉપર એક સંતોષની વાદળી ઝળકી ઊઠી. માનસીએ કહ્યું, "કાલે મળીએ. હમણાં ઘરે જઈએ. મારાં મમ્મી - પપ્પા ઉતાવળ કરે છે. મારાં તૃતીય ક્રમે આવવા બદલ તેમને હજી અમારી સોસાયટીમાં મિજબાનીનું આયોજન કરવાનું છે."

"અરે હા, અમે મારી મોટીબહેનને મળવા મુંબઈ જઈએ છીએ. તેની સાથે જ મિજબાની થશે હવે."ઋષભ પણ ખુશ થતાં બોલ્યો.

ત્રણેયે હાથ મિલાવ્યા અને છૂટાં પડ્યાં. રમીલાએ મેઘનાબહેન તરફ જોયું અને ત્રણેય પ્રિન્સીપાલ મેડમની કેબિન નજીક પહોંચ્યાં. મેઘનાબહેને રમીલાને અંદર જવાનો ઈશારો કર્યો અને તેઓ બંને બહાર મૂકેલી લાકડાંની પાટલી ઉપર બેઠાં. જૂન મહિનો હતો. હજી વરસાદ શરૂ થયો ન હતો અને ખાસ પવન પણ ન હતો. આ ભાગ કૉલેજનાં મકાનની મુખ્ય દિવાલને અડીને છાજલી નીચે હોવાથી થોડી ગરમી થતી હતી. સમીરભાઈ પાંચ-સાત મિનિટ પછી અકળાવા લાગ્યાં. તેઓનાં મોં ઉપર અકળામળનાં ભાવ જોઈ મેઘનાબહેને સૂચવ્યું, "જમીને તરત અહીં ગરમીમાં બેસવું ઉચિત નથી. ચાલો, પેલાં ક્વાર્ટર્સ જેવાં હારબંધ મકાનો દેખાય છે ત્યાં સુધી લટાર મારીએ."

સમીરભાઈને સૂચન ગમી ગયું. બંનેએ ધીમી ગતિએ ચાલવાનું શરૂ કર્યું. બહુ પવન તો ન હતો પણ ખુલ્લાં આકાશ નીએ આમ ચાલવું સારું લાગતું હતું. આઠ - નવ આંટા કૉલેજની મુખ્ય ઈમારતથી ક્વાર્ટર્સ સુધી માર્યાં ત્યાં તો એક પુરુષ આકૃતિ ક્વાર્ટર્સથી તેમની તરફ આવતી જણાઈ. બેય જણે પહેલાં ખાસ ધ્યાન ન આપ્યું. થયું કે, 'કૉલેજનો જ કોઈ સ્ટાફ સદસ્ય હશે.' પણ તે આકૃતિ નજીક આવતાં જોયેલી જણાઈ. હા, એ તો એ જ પટાવાળા ભાઈ હતાં જે હાલ જ રમીલાનાં માતા-પિતા અને લીલાબહેનને તેમનાં ક્વાર્ટર્સ તરફ દોરી ગયાં હતાં.

તેમનાં ખૂબ નજીક આવતાં સમીરભાઈએ સ્મિત આપ્યું. તે યુવાન સમીરભાઈ અને મેઘનાબહેન સામે બેય હાથ જોડી ઊભો રહી ગયો. બંનેએ અભિવાદન કરતાં સામે હાથ જોડ્યાં, તો તે ભોળો યુવાન બોલી ઊઠ્યો, "અરે, કાકા, કાકી, તમે હાથ ન જોડો. હું તો આપનાંથી ઘણો નાનો છું, ઉંમરમાં અને હોદ્દામાં પણ. મારે તો આપને એક વિનંતી કરવાની છે."

બેયને આશ્ચર્ય થયું. સમીરભાઈએ તેને પૂછ્યું, "આપ એ જ ને જે હમણાં લીલાને તેનાં માસા-માસીને ક્વાર્ટર તરફ લઈ ગયાં હતાં?"

"હા, કાકા. હું એ જ છું, રામજી. ઉંમર વર્ષ ૨૪. દસ ધોરણ પાસ છું અને અહીં છ વર્ષથી પટાવાળાની નોકરી કરું છું, કાયમી છું. લીલીનો પતિ મેઘજી મારો બાળપણનો ગોઠિયો. અમે સાથે જ રમતાં, સાથે જ ભણતાં. ઉંમરેય સરખી તે અમારાં ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી માધ્યમિક શિક્ષણ માટે આઠમા ધોરણમાં નજીકનાં તાલુકામથકની શાળામાં સાથે જ પ્રવેશ લીધો. ત્યારે તો સાત ધોરણ સુધી જ પ્રાથમિક ગણાતું. સારી એવી મહેનત કરીને દસમામાં પંચાવન ટકા સુધી મેળવ્યાં. થોડી આમતેમ છૂટક નોકરીઓ કરી પણ બહુ ફાવ્યું નહીં. તે છાપાંમાં આ કૉલેજની જાહેરાત વાંચી. બેય મિત્રો ઈન્ટરવ્યુ આપવાં નીકળી પડ્યાં. બેયનું ભાગ્ય જોર કરતું હશે તે અમને કામચલાઉ ધોરણે પટાવાળાની નોકરી મળી ગઈ. બે વર્ષ પછી કાયમી પણ થઈ ગયાં. મેઘજીનાં માતાપિતાને સારી એવી ખેતી અને બધાં ભાંડુંઓમાં સૌથી નાનો તે કોઈ જવાબદારીયે નહીં. એટલે તેને આ લીલાનાં માતાપિતાએ પોતાની દીકરી માટે પસંદ કરી લીધો. બેય બહુ જ ખુશ હતાં. લીલા ઠરેલ તે મેઘજી કૉલેજ સાચવીને ક્વાર્ટર ઉપર આવે એટલે સાદું પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી જમાડે. પતિને આખો દહાડો આમતેમ દોડાદોડી કરતાં જુએ તે રાત્રે તેનાં પગ પણ દબાવી આપે, ગરમ પાણીનો શેક કરાવે. રવિવારની રજામાં બેય અહીં શહેરમાં ફરવા નીકળી પડે. પાછાં ફરતાં બેયનાં મોંમાં પાન હોય અને લીલાનાં વાળમાં મઝાનો સફેદ ફૂલોનો ગજરો." જાણે કાંઈ યાદ આવી ગયું હોય તેમ અચાનક થંભી ગયો અને આંખોમાં ભીનાશ ઉતરી આવી.

સમીરભાઈથી અનાયાસ ઈશારો થઈ ગયો, 'આગળ...'

રામજી હળવો ખોંખારો ખાઈ બોલ્યો," હવે લીલાની સાડી સફેદ છે. તેની ઉંમર તો આપની દીકરી કરતાંય ઓછી છે. તે ભણતી હોત ને તો હજી કૉલેજનાં પહેલાં જ વર્ષમાં હોત. મેઘજી હતો ત્યાં સુધી એ માત્ર મારી 'ભાભી' હતી. હવે, તેનું આમ એકલાં સોરાવું મને બહુ કઠે છે. તેનાં માતાપિતાએ તેને ચારપાંચ યુવકો બતાવ્યાં, ફરી પરણવા માટે,પણ તે બધાંય દારૂ-જુગાર જેવાં વ્યસનનો ભોગ બનેલાં અને ઉપરથી લીલા કરતાં બમણી-ત્રેવડી ઉંમરનાં. માતાપિતા પણ બિચારાં શું કરે? લીલા વિધવા થઈ એટલે તેને આવાં જ માગાં આવવાનાં."

મેઘનાબહેન બોલ્યાં," ભાઈ મને તારી આ વાતચીત કઈ તરફ જઈ રહી છે તેનો અંદાજ આવી રહ્યો છે પણ, તું જાતે જ સ્પષ્ટતા કર."

જાણે પોતાને તારનાર હાથ મળી ગયો હોય તેમ થોડી સાંત્વના અનુભવતો બોલ્યો, "કાકી, મારું ઘર થોડું નબળું. ખેતીની જમીન પણ ઓછી અને મહેનત બહુ છે. મારો મોટોભાઈ અને ભાભી ત્યાં જ માતાપિતાને મદદ કરે છે. મારાંથી નાનાં બે ભાઈ અને ત્રણ બહેનો. બધાંયને પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવ્યું. પણ, કોઈ દસમા સુધી ન પહોંચ્યું. મારાં માતાપિતાએ ત્રણેય બહેનોનાં લગ્ન જુદી-જુદી જગ્યાએ મજૂરી કરતાં દહાડિયાઓ જોડે જ કર્યાં છે, પણ બે ભાઈઓ અને હું હજી કુંવારાં છે. તે બેય નોકરી શોધે છે. અમે બધાંએ મળીને ખાસ મૂડી ઊભી નથી કરી પણ, કોઈ દેવું પણ માથે નથી. આવતાં વર્ષે તો માતાપિતાને પણ અહીં લઈ આવવાં છે. પણ તે પહેલાં લગ્ન કરવાં છે. આટલું ભણતર અને કાયમી નોકરી છે પણ કોઈ કન્યા મને ગળે ઉતરતી નથી. જો તમે બેય આશિર્વાદ અને સહકાર આપો તો લીલા જોડે મારું લગ્ન કરાવવા તેનાં માસામાસીને વાત કરો ને?"

સમીરભાઈ તેની વાત સાંભળતાં ઘણાં જ ભાવુક થઈ ગયેલા. તેમણે પૂછ્યું," તેં લીલાને પૂછ્યું છે આ બાબતે?"

" ના, કાકા. મારી જીભ નથી ઉપડતી. હાલ તો કાંઈ કામકાજ હોય તો મને મેઘજીનો ભાઈબંધ સમજી સડેડાટ મારી પાસે આવી જાય છે. મેઘજીનાં મરણનાં કાગળિયા, તેની ગામની જમીનનાં કાગળિયાં બધુંય અહીં લાવી મારી પાસે જ સરકારી કામકાજ કરાવે છે. હું તેને પૂછું અને તેને ન ગમે તો બિચારીનો મારા ઉપરથી વિશ્વાસ ન ઊઠી જાય?"

સમીરભાઈ અને મેઘનાબહેન આ સુચારુ, વિચારક, સાલસ એવાં યુવકની વાતો સાંભળી રહ્યાં.

ક્રમશઃ

* શું રમીલાને પ્રિન્સીપાલ કેબિનમાં કોઈ સારાં સમાચાર મળ્યાં કે ખરાબ?
* લીલાનું લગ્ન રામજી સાથે સંભવ બનશે?
* મેઘનાબહેનનાં જીવનમાં રમીલા જેવું બીજું પણ કોઈ આવશે?

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
આભાર 🙏🏻

અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા