સવાઈ માતા - ભાગ 27 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 27

બપોરના બાર વાગતામાં ટિફિન સર્વિસવાળાં મીનાબહેનનો દીકરો અને પતિ બધાનાં માટે જમવાનું લઈ આવી ગયાં. સમીરભાઈએ સામે રહેવા આવેલ બે પાડોશી પરિવારને તેમજ ભરતકુમારને પણ આમંત્રણ આપેલ હતું. તેમને પણ બોલાવી લેવાયાં અને થાળીઓ પીરસાઈ. લગભગ ચાર-પાંચ થાળી જેટલી ભોજનસામગ્રી મેઘનાબહેનની સૂચના અનુસાર નિખિલ તથા મનુ નીચે વોચમેનને આપી આવ્યાં.

રસોઈ પરંપરાગત જ બનાવડાવી હતી જે પહેલાંના સમયનાં જ્ઞાતિભોજનની યાદ અપાવતી હતી. રવાની ધોળીધબ્બ ફરસી પૂરી, રીંગણ-બટાટાનું રસાદાર શાક, શુકન હેતુ લાપસી, મોહનથાળ - જે પછીથી આજુબાજુનાં ઘરોમાં મોકલાવી શકાય તે હેતુથી ત્રણેક કિલો જેટલો અલગ બોક્સમાં વધારે જ મંગાવ્યો હતો. તે ઉપરાંત આમલી અને સીંગદાણાથી ભરપુર સબડકા લઈ શકાય તેવી ઘાટી દાળ અને ફળફળતો ભાત બનાવડાવેલ હતાં. અડદના પાપડ અને ચોખાની પાપડી તથા ફરસાણરૂપ ફૂલવડી અને દહીં - કાકડીનું રાયતું. રમીલા અને લીલાનો આખો પરિવાર આટલું સ્વાદિષ્ટ ભોજન આટલાં માનભેર બેસી પહેલી વખત જમી રહ્યા હતાં.

જમીને પાડોશીઓ વખાણ કરતાં અને રમીલાને કાંઈ કામકાજ હોય તો વિનાસંકોચ કહેવાનો વિવેક કરતાં વિખેરાયાં. ભરતકુમારે પણ બધાંની રજા લીધી. મેઘનાબહેને નિખિલ અને રમીલાને પોતાની તેમજ બાકીની વિંગમાં મોહનથાળનાં ચાર - ચાર ચકતાં બધાંએ થોડો આરામ કરવા જુદાં જુદાં બેડરૂમમાં બેઠક જમાવી. રમીલાનાં માતા-પિતા અને માસા- માસી એક બેડરૂમમાં બેસી લીલાનાં લગ્ન વિશેની વિચારણાઓ કરી રહ્યાં. તેઓને તેમનાં પરિવાર ઉપર કુળદેવતાની કૃપા ઉતરેલ લાગી.

લીલાની માતા માધી બોલી, "સવલી, આ તાર રમલી ન લીધે તો લીલકીનીય જીંદગી બદલાવા લાગી સ. અમ તો કા'રેય બી વચારતે નૈ કે આ રામજી જેવો સોકરો લીલકીન પૈણવા હોમેથી તિયાર થહે. પણ મન બી લાગે સ કે, બૌ મોડું ની જ કરવું જોયે."

રમીલાની માતા સવલીએ જવાબ વાળ્યો, "હા બુન, પણ રામજીન ઘરનાંન કુણ હમજાવવા જહે?"

રમીલાના પિતાએ કહ્યું, "એ તો આ સાયેબ જ હંભાળવાનાં સે. એની ચિંતા કરસો જ નૈ. આમાં તો લીલકીને શે'રની એ જ નોકરી ચાલુ રાખવા મલહે ને આંય રમલીન બી કંઈ કામકાજ ઓય તો એન પડખે બી ઊભી રેહે. ન રામજી બી ભણેલો, તે આ તમને ન અમને બધ્ધાંયને ખપમાં લાગહે."

લીલાનો પિતા બધું સાંભળતો મનમાં કાંઈ અંકોડા ગોઠવતો રહ્યો. તેને રહી રહીને હજીયે ચિંતા હતી જ કે, 'મેઘજીનાં તેમજ રામજીનાં ઘરનાં સમીરભાઈના સમજાવવાથી માનશે કે કેમ?'

રમીલા અને લીલા, રમીલાનાં ભાઈબહેન અને તેમનાં પરિવાર સાથે બેઠાં. તેમની વાતો રમીલાનાં ભણતર, નોકરી, નવું ઘર, સમુ અને મનુની નવી શાળા એમ વિષયો બદલતાં બદલતાં લીલાની નોકરી અને લગ્ન ઉપર આવીને અટકી.

સમીરભાઈ અને મેઘનાબહેન બેઠકરૂમમાં ફ્લેટનાં બે પાડોશી પરિવારો સાથે બથોડી વાતચીત બાદ છૂટાં પડ્યાં.

ડ્રાઈવરે જમ્યા બાદ નીચે જઈને બેસવાનું વિચાર્યું. ત્યાં દરેક વીંગનો એક અલગ વોચમેન હતો. બપોર આખી બધાં મુખ્ય પ્રવેશદ્વાર નજીક બેસી અલકમલકની વાતો કરતાં હતાં. ડ્રાઈવર પણ તેમની સાથે જ બેઠો. પોતાનો પરિચય આપતાં આપતાં તેણે રમીલાનાં પરિવારની અને તેનાં પાલક પરિવારની વાતો વિગતે કરી. બધાંયને નવાઈ લાગી અને સાથે હાશકારો પણ થયો કે મનુષ્યમાં માનવતા હજીયે ધબકે છે. બધાંએ આજનું જમણ અને પરિવારનો સ્વભાવ ખૂબ વખાણ્યાં.

લગભગ સાંજના પાંચ વાગવા આવ્યાં અને બધાંએ રજા લઈ પોતપોતાનાં ઘરે જવાનું નક્કી કર્યું. નિખિલે ડ્રાઈવરને ફોન કરી ઉપર બોલાવ્યો અને બાકી બે રીક્ષાઓ બોલાવવાનું કહ્યું.

બીજી બે રીક્ષાઓ આવતાં સુધી ડ્રાઈવરે પોતાની દીકરી વિશે મેઘનાબહેનને વાત કરી. મેઘનાબહેને તેને બે દિવસ પછી દીકરીને લઈ પોતાનાં ઘરે બોલાવ્યો. તેનાં મોં ઉપર સંતોષની રેખાઓ ઝળકી ઊઠી.

રીક્ષા આવી જતાં રમીલાનાં ભાઈબહેનોનાં અને લીલાનો પરિવાર નીકળ્યાં. પછી બે-ત્રણ કલાક જેટલું રોકાઈ મેઘનાબહેને નીચે રાખેલ સામાન મંગાવી લીલા અને રમીલાને તે સામાન ગોઠવવા સૂચનો કર્યાં. બધું યોગ્ય રીતે ગોઠવાયાં પછી તેઓએ ઘરે જવા નીકળવાનું જણાવ્યું. રમીલા થોડી ઢીલી પડી ગઈ પણ લીલાએ તેને સંભાળી લીધી. લીલાને તો આમ પણ એકલાં રહેવાનો મહાવરો હતો જ.

મેઘનાબહેનનો રમીલાને મૂકીને જતાં જીવ કોચવાયો પણ દીકરીએ પગભર પણ થવું જ રહ્યું એ વિચારી તેને લીલાનાં ભરોસે છોડીને નીકળવાનું નક્કી કર્યું. સવલીને થોડી સલાહ આપી જેથી લીલા અને રમીલાની ગેરહાજરીમાં તે ઘર સંભાળી શકે.

અચાનક મેઘનાબહેનને કાંઈક યાદ આવતાં તેમણે પોતાનો વિચાર સમીરભાઈને કહ્યો, "આ ભાઈ આખો દિવસ ઘરે બેસી રહે તે કરતાં ભરતકુમારને કહી તેમને કોઈ દુકાનમાં કે ઓફિસમાં તેમને ફાવે એવું કામ અપાવી દઈએ તો?"

સમીરભાઈ પણ આ જ અવઢવમાં હતાં કે, 'કાયમ આખો દહાડો તનતોડ મજૂરી કરતો માણસ સાવ ઘરમાં કેમનો બેસી રહેશે?'

તેમણે તરત જ ભરતકુમારને ફોન જોડ્યો. હજી રાત્રીનાં નવ જ વાગ્યા હોઈ, ભરતકુમારે પણ તરત જ ફોન ઉપાડ્યો અને આવતીકાલે તેને ફાવે એવાં એક-બે કામ ધ્યાનમાં છે તેમ કહ્યું.

મેઘનાબહેને રમીલાને કહ્યું, "એક-બે દિવસમાં તારાં પિતાજીને પણ નજીકમાં કોઈ કામકાજની વ્યવસ્થા થઈ જશે અને આ બેયની શાળા હજી એક અઠવાડિયા બાદ શરૂ થશે. તું કશાયની ચિંતા ન કરતી. સમુ અને મનુ આજે ભલે અહીં રહેતાં, કાલે સાંજે તેમને અમે ઘરે લઈ જઈશું જેથી નવી શાળા અને નવા ધોરણની તૈયારીઓ કરી શકાય. અને હા, તારે ઓફિસ પરમદિવસે જવાનું છે. વિગતે વાત કાલે ફોનથી કરી લેજે. તારાં નવાં કપડાં અને ચપ્પલ પેલી કિરમજી બેગમાં છે. જોજે, પહેલે દિવસથી જ બરાબર નાસ્તો કરીને જવાની ટેવ રાખજે. લંચ તો ત્યાંથી જ મળશે અને હા, લીલાને કહી થોડું ફ્રુટ અને લીંબુપાણી, છાશ એવું સવારથી જ સાથે રાખજે."

આ બધું સાંભળતાં સાંભળતાં રમીલાની આંખોમાંથી આંસું વહેવા લાગ્યાં. ડૂસકાં ભરતી અસ્પષ્ટ અવાજે તે બોલી, "પણ તમે જ અહીં રહી જાવ ને? હું તમારાં વિના કેવી રીતે રહીશ? મને તો તમારા, પાપા અને નિખિલ વિના હવે રહેવું નહીં જ ફાવે."

મેઘનાબહેનનો અવાજ પણ તરડાયો, "દીકરા, તને છોડીને તો મારેય નથી જવું પણ..."

વાતાવરણને વધુ ભાવુક થતું અટકાવવા નિખિલ વચ્ચે બોલ્યો, "અરે, રમુદી બાળમંદિરનાં વિદ્યાર્થીની માફક શાની રડે છે? હમણાં જમીને સૂઈ જા, સવારે મમ્મીને પાછી લઈ આવીશ. તને લાગે છે કે એ તારા વગર ઘરે એકલી રહેશે?"

રમીલા ભાવથી મેઘનાબહેનને ભેટી પડી. દીકરીથી વિખૂટા પડવાની આ પળે મેઘનાબહેને બેય હાથે તેની પીઠ પસવારી રહ્યાં. આંસુ હજીયે કાબૂમાં ન આવત પણ સમીરભાઈએ પોતાનો હેતાળ હાથ રમીલાનાં માથે ફેરવ્યો અને કહ્યું, "તને તો મેં નિખિલથી પણ વધારે મજબૂત બનાવી છે ને? હસીને જવા દે તારી મોટી મા ને. અને આપણે દૂર ક્યાં છીએ? કાલે સવારે તેને અહીં મૂકી જઈશ, બરાબર ને?"

નિખિલે પોતાનાં મજબૂત, આશ્વસ્ત હાથે મેઘનાબહેનને રમીલાથી દૂર કર્યાં અને ધીમેથી લીફ્ટ તરફ લઈ ગયો. લીલાએ મેઘનાબહેનનું પર્સ તેમનાં હાથમાં આપતાં કહ્યું," જરાય ચિંતા ન કરશો. તમારા જેવું તો નહીં રાખી શકું પણ બહુ જ સાચવીશ આ તમારી દીકરીને."

છેવટે મક્કમતા ધારણ કરી મેઘનાબહેન સમીરભાઈ અને નિખિલ સાથે લીફ્ટમાં પ્રવેશ્યાં. ફ્લેટમાંથી આખોય પરિવાર તેમને હાથ હલાવીને વિદાય આપી રહ્યો.

તેઓને હજી આજે રાત્રે ભોજન રાંધવું ન પડે તે હેતુથી મેઘનાબહેને તેમને રાત્રીનું ટિફિન મીનાબહેન પાસે મંગાવી લીધું હતું. સવારે મિષ્ટાન્ન - ફરસાણની સાથે ભરપેટ ભોજન લીધું હોઈ હમણાં થેપલાં અને શાક મંગાવ્યું હતું. લીલાએ બધાંની થાળીમાં વાટકી-વાટકી દૂધ પણ ભરી બધાંને જમવા માટે રસોડામાં બોલાવી લીધાં. ફ્રીજ આજે જ શરૂ કરી દીધું હતું માટે વધેલું દૂધ તેમાં જ મૂકી દીધું.

થોડીવારમાં બધાં જમી રહ્યાં. કામકાજમાં લીલા પાવરધી હતી જ અને સવલી પણ શહેરી ઢબનાં ઘરમાં કામકાજ આટોપતાં શીખી જ રહી હતી તેથી રાત્રે વહેલાં પરવારી તેઓ થાક ઉતારતાં આડાં પડ્યાં.

રમીલાએ પોતાનાં માતાપિતાની સૌથી વધુ સવલત ધરાવતાં બેડરૂમમાં સૂવાની વ્યવસ્થા કરી. તે ઓરડાથીયે નાનકડાં ઘરમાં પોતાનાં પાંચ સંતાનો સાથે કેટલાંય વર્ષોથી વસતાં બે જીવ આજે સાચી આઝાદ હવામાં શ્વસતાં પોતાની જીંદગીની સાર્થકતા અનુભવી રહ્યાં. ઓરડામાં પથરાતાં ચંદ્રમાનાં અજવાળે સંતોષનાં સ્મિત સાથે પોઢેલાં બેય જણ ભાગ્યદેવીનો સાક્ષાત્કાર કરી રહ્યાં.

સમુ અને મનુને નવું ઘર સ્વપ્નવત્ લાગતું હતું. લાકડાનાં આલીશાન કિંગસાઈઝ બેડમાં પોચી-પોચી મેટ્રેસ અને માથું ખૂંપી જાય તેવાં ઓશિકાંમાં બેય આળોટતાં રહ્યાં. લીલા અને રમીલા તે જ ઓરડામાં નીચે મેટ્રેસ પાથરી સૂતાં. બેય બહેનો અલગ જ વાતાવરણમાં ઉછરી, સાવ જુદી જીંદગી જીવી, આજે બેયનાં જીવનમાં અનોખો વળાંક આવ્યો હતો, તોયે તેમનાં સમાજની બીજી દીકરીઓ કરતાં તે સાવ જ જુદો અને સકારાત્મક હતો. બેય આવનારાં દિવસોની કલ્પનાની પાંખે ચઢી એકમેક સાથે પોતપોતાનાં હૈયાનાં ભાવ મોડે સુધી વહેંચતી રહી.

ક્રમશઃ

મિત્રો,વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી તેમજ સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર