સવાઈ માતા - ભાગ 7 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 7

સમીરભાઈ રામજીની વાત સાંભળી મનથી આનંદિત થયાં અને મેઘનાબહેન સામું જોઈ બોલકી આંખોથી સંવાદ કરી લીધો.

ત્યારબાદ, રામજીનાં ખભે પોતાનાં બેય હાથ હળવેથી, તેને વિશ્વાસ આપતાં હોય તેમ મૂકી બોલ્યાં, "જરૂર, અમે તમારી ભાવનાઓ લીલાનાં માતાપિતા સુધી પહોંચાડીશું અને એટલું જ નહીં તમારાં બેયનું ઘર આ જ કેમ્પસમાં મંડાઈ જાય તેની કોશિશ પણ કરીશું જ. તમારો અને તમારાં માતાપિતાનો ફોનનંબર આપી દો જેથી વાતચીતમાં સરળતા રહે."

આજકાલ ગામ હોય કે શહેર, મોબાઈલ ફોન કોઈ સ્ટેટસનું જ નહીં, જીવનજરૂરિયાતનું પણ સાધન છે અને એટલે જ રામજીનાં પિતા પાસે પણ એક મઝાનો ટચૂકડો સ્માર્ટ ફોન હતો જ. રામજીએ ખૂબ ખુશીથી પોતાનો અને પોતાનાં પિતાનો મોબાઈલ ફોનનંબર સમીરભાઈને લખાવી દીધો અને સમીરભાઈએ તે પોતાનાં ફોનમાં લખી સેવ કરી લીધાં.

મેઘનાબહેને રામજીને કહ્યું, "બધું સમુંસૂતરું પાર ઉતરશે તો જલ્દી જ મળીશું અને મનેય તે મારાં ઠાકોરજીમાં શ્રદ્ધા છે કે તેઓ તમારી આ ઉમદા ભાવનાને હકીકતમાં બદલવા તમારી પૂરી મદદ કરશે."

રામજીએ ખુબ જ વિનમ્રતાથી બેય હાથ જોડી આ સાલસ દંપતિનો આભાર વ્યક્ત કર્યો, "તમે બેય સાચે જ ખૂબ જ સુંદર સ્વભાવનાં માલિક છો. મારી આ ઈચ્છા સંપૂર્ણપણે શુદ્ધ છે. તેને પૂરી કરવા મારી સહાય કરવાની ખાતરી આપવા બદલ હું આપ બંનેનો ખૂબ ખૂબ આભારી છું."

ત્યાં જ પ્રિન્સીપાલ મેડમની કેબિનનો દરવાજો ખૂલ્યો. એક હાથે સીંગલ ડોર દરવાજો ખોલીને ઊભેલ રમીલા દ્રશ્યમાન થઈ અને પાછળ પ્રિન્સીપાલ મેડમ બહાર આવતાં જણાયાં. તેમને જોતાં જ મેઘનાબહેન, સમીરભાઈ અને રામજી કેબિન તરફ ચાલવા લાગ્યા.

નજીક આવતાં જ પ્રિન્સીપાલ મેડમ બોલ્યાં, "આપને મળીને ખૂબ આનંદ થયો. આપ બંનેએ જે કાર્ય રમીલા માટે કર્યું છે, તે સમાજ માટે એક સુંદર દ્રષ્ટાંત સ્વરૂપ છે. આપ જેવાં સહજ વ્યક્તિ જો સમાજનાં સુધારક બની શકે, તો અમે એક સંસ્થા તરીકે આપનો વિચાર અપનાવી આ જ કાર્ય મોટાપાયે શરૂ કરવા માંગીએ છીએ જેથી, આવી અનેક રમીલા પગભર થઈ શકશે. મેં રમીલા પાસે તેનાં માતા-પિતા રહે છે તે વિસ્તારની થોડી માહિતી મેળવી છે. હજી વધુ માહિતી માટે અમે આપને પણ મળીશું. આમ પણ જ્યાં દરેક બાળક કમાતું હોય ત્યાં માતાપિતાને એ સમજાવવું કે તેને કમાણી કરવા નહીં પણ ભણવા મોકલો, એ અઘરું જ છે."

સમીરભાઈએ સંમતિસૂચક માથું ધૂણાવ્યું. મેઘનાબહેન બોલ્યાં, "હા, એ સાવ સાચું. હજી તો રમીલાનાં નાનાં બે ભાઈ બહેનને પણ અભ્યાસ તરફ વાળવાનાં છે. તે બંને દસ વર્ષની વય તો વટાવી ચૂક્યાં જ છે. "

સમીરભાઈએ સાવ સહજ પૃચ્છા કરી,"મેડમ, પણ આપ તો અહીં માત્ર કૉલેજ સંકુલ જ ધરાવો છો. આ બાળકોને તો પાયાનાં અક્ષરજ્ઞાનથી તૈયારી કરાવવી પડશે ને?"

નીલિમા મેડમ બોલ્યાં, "જી, આ જ બાબતે થોડી વાતચીત કરવા મેં રમીલાની મુલાકાત અમારી કૉલેજની સેવાભાવી શાખાનાં પ્રતિનિધિ સાથે કરાવી છે. વિગતે તે આપની સાથે વાત કરશે. વળી, આવતા અઠવાડિયે આપ થોડો સમય આપો એટલે તે વિશે વધુ નક્કર ચર્ચા થઈ શકે. હાલ, ઘણું મોડું થયું છે. આપ સર્વે રજા લઈ શકો છો." તેઓએ રામજીને સાદ કર્યો," રામજીભાઈ, જુઓ તો, બધાં પ્રોફેસર્સ અને લૅક્ચરર્સ ઓડિટોરિયમમાં આવી ગયાં છે?"

રામજી બોલ્યો,"મેડમ, બે જ મિનિટમાં જોઈને આપને જણાવું." અને તે સમીરભાઈ તરફ હાથ જોડી ઓડિટોરિયમ તરફ દોડ્યો.

ત્રણેય જણે નીલિમા મેડમને પ્રણામ કરી લીલાનાં ક્વાર્ટર તરફ ચાલવા માંડ્યું, હજી રમીલાનાં માતાપિતાને ત્યાંથી લેવાનાં હતાં ને? ક્વાર્ટરની બહાર રહેલી તકતી ઉપર રમીલાએ ચાર નંબરના ક્વાર્ટર સામે લીલાનું નામ વાંચીને તેનાં ઘરનો દરવાજો ખખડાવ્યો. જાણે બારણું ખોલવા જ ઊભી હોય તેમ લીલાએ દરવાજો ઊઘાડી દીધો. તેને હતું કે સામે રામજીભાઈ ઊભાં હશે અને માસા-માસીને તેડી જવા આવ્યાં હશે પણ, રમીલાને તેનાં પાલક માતા-પિતા સાથે ઊભેલી જોઈ હર્ષની મારી તેમનું સ્વાગત કેવી રીતે કરવું તેનાં વિચારમાં પડી ગઈ.

ક્રમશઃ


મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
આભાર 🙏🏻