Savai Mata - 25 books and stories free download online pdf in Gujarati

સવાઈ માતા - ભાગ 25

બીજાં દિવસે સવારે મેઘનાબહેને નિત્યક્રમથી પરવારી પૂજાઘરમાં દીવો કર્યો અને રમીલા તેમજ લીલાની સાથે મળીને ચા - નાસ્તાની તૈયારી આદરી. લીલાએ તાજાં ગાજર, બીટ સમારી ઉપમા બનાવી લીધો. તે શહેરી રીતભાતથી ખાસ્સી ટેવાયેલ હતી. ત્યાં સુધીમાં બધાં સભ્યો તૈયાર થઈ ડાયનિંગ ટેબલ ઉપર આવી ગયાં. નિખિલ પોતાનો અને સમીરભાઈનો ચા નાસ્તો લઈ તેમનાં બેડરૂમમાં ગયો. આજે તેને પોતાની આગામી એન્ટ્રન્સ એક્ઝામની વિગતો પણ તેમને આપવાની હતી જેથી ટ્રેઈનની ટિકીટો તેમજ હોટેલરૂમનું બુકિંગ સમયસર કરી શકાય.

નાસ્તો કરી મેઘનાબહેને લીલા સાથે મળી સમીરભાઈના ટિફીનની અને બપોરનાં ખાણાંની તૈયારીઓ કરવા માંડી. લીલાને તો કૉલેજમાં વેકેશન હતું જ. પહેલાં ટિફિન માટે રોટલી અને પરવળનું શાક બની જતાં રમીલાએ સમીરભાઈનું ટિફિન ભર્યું. તેમાં સલાડ, દહીં, થોડાં જાંબુ પણ ભર્યાં. ટિફીન અને પાણીની બોટલ લઈ ઓફિસ જવા નીકળતી વખતે સમીરભાઈએ થોડી સૂચનાઓ મેઘનાબહેનને આપી. લીલાએ પનીર ભૂરજી, ભાત, કઢી અને બાકીની રોટલી બનાવી દીધી. મેઘનાબહેન અને રમીલાને બહાર જવાનું હોઈ તે બંને લીલાને સમયસર બધાંને જમાડી લેવાની સૂચના આપી નીકળી ગયાં. રમીલાની માતાએ રમીલાની ઉપસ્થિતિમાં વોશિંગ મશીનનાં બે સાયકલ ફેરવી બે બેડરૂમની બાલ્કનીમાં કપડાં સૂકવી દીધાં હતાં.

બંને બાળકો નિખિલના ઓરડામાં બેસી અભ્યાસ કરી રહ્યાં હતાં. રમીલાનાં પિતાએ પહેલાં જ્યાં રહેતાં હતાં તે વાસમાં જઈ પાડોશી રઘુ અને તેની પત્નીને પોતાનાં નવા ઘરે રાખેલ પૂજામાં આવવાનું આમંત્રણ આપવા જવાનું નક્કી કર્યું. સાથે - સાથે પોતાની સાળી- માધીનાં કુટુંબને અને પોતાનાં ત્રણ બાળકોના કુટુંબને પણ મળી લેવાનું નક્કી કર્યું. સદનસીબે બધાં હાલ આ જ શહેરમાં કામે હતાં. નિખિલે તેને રિક્ષા બોલાવી આપી અને રિક્ષા ડ્રાઈવરને સૂચન આપ્યું, "મીટર ડાઉન રાખીને જ ચલાવજો. આ ભાઈને જ્યાં પણ રોકાવું હોય ત્યાં વેઇટિંગમાં ઊભા રહેજો. સાંજે પાછાં ફરો ત્યારે કુલ ભાડું હું જ ચૂકવીશ."

રીક્ષા ડ્રાઈવરને ઘણી નવાઈ લાગી કારણ કે રમીલાનાં પિતા ભલે સુઘડતાથી તૈયાર થયેલ હતાં પણ નિખિલના ચહેરાની આભા આગળ ઘણાં જ ઝાંખા પડી રહ્યાં હતાં.

તે વિચારમાં પડી ગયો કે, 'આવડો આ આધુનિક યુવક આવાં ગરીબડા, સીધા સાદા માણસની આટલી પરવા કેમ કરી રહ્યો છે?' પછી તેણે રીક્ષા હંકારી મૂકી. રસ્તામાં પોતાનાં પેસેન્જર સાથે વાતો કરતાં હકીકત જાણી ત્યારે તેનાં માનવામાં જ ન આવ્યું કે કોઈ મધ્યમવર્ગી પરિવાર આટલો સાલસ અને મદદકર્તા હોઈ પણ શકે છે. પછી, તો મીટરનું પૂરી ઈમાનદારીથી ધ્યાન રાખતો તે રમીલાનાં પિતાને તેની કહેલ જગ્યાઓ ઉપર લઈ જતો રહ્યો.

રિક્ષા ડ્રાઇવરની પરિસ્થિતિ પણ એટલી સારી ન હતી. વાતચીત કરતાં કરતાં તેણેય નક્કી કર્યું, 'આ બહેનને એક વખત મળી શકાય તો મારી દીકરીનું ધોરણ નવથી અટકેલ ભણતર કદાચ શરૂ કરાવી શકાય.'

પોતાનો વિચાર જ્યારે તેણે રમીલાનાં પિતાને કહ્યો ત્યારે તેણે, "હાંજે જાર ભઈ તન ભાડું ચૂકવવા આવે ન ત એન કયી દેજે. એ હંધાય બવ જ હારાં છે. તાર સોડીનેય તે ભણાવા કંઈ ન કંઈ તો કરી જ આલહે."

રીક્ષા ડ્રાઇવરને થોડી હાશકારાની લાગણી થઈ. બપોરે તે પણ રમીલાના પિતાની સાથે જ તેમના પાડોશીના ઘરે જમ્યો. તેઓ જમી ઊઠ્યાં ત્યાં જ મેઘો, માતી અને પારવતી પોતપોતાનાં કુટુંબ સાથે પિતાને મળવા આવી ગયાં. તેણે રમીલાનાં પદવીદાન સમારંભથી આજ સુધીનો આખોયે વૃતાંત એવા રસથી કહી સંભળાવ્યો કે બાળકોનાં મગજમાં ચલચિત્રની જેમ ખોડાઈ ગયો. તેની વાત પૂરી થઈ ત્યારે સાંજ પડી ચૂકી હતી. માધી અને તેનો પરિવાર આજનું દહાડિયું પૂર્ણ કરી આવી ગયાં.

થોડી વાતો કર્યાં પછી માધીએ સીધું જ પૂછી લીધું, "આ લીલકીને મેઘજીના ભઈબંદ, રામજી હારે પૈણાવાની વાત આવી સ, તે હાચું કે? રામજીની ભાભી મન પૂસતી'તી"

ત્યાં બેઠેલાં બધાંયના કાન સરવા થઈ ગયાં. મેઘો તો પૂછીય બેઠો, "આ એ જ રામજી તો નંઈ જે લીલકીની જ કૉલેજમાં સે?"

માધી બોલી, "આ, એ જ તે. પાસો ઈ તો કુંવારો સે. ન આપણી લીલકી તો...", તેનાં શબ્દો વરસાદમાં ભીંજાયેલી કાગળની હોડી જેવાં થઈ ગયાં.

માતી બોલી ઉઠી," માહી, તે હું ખોટું સે. લીલકી નાનપણે પૈણેલી અમાર જેમ જ પણ એણે તો પસી પાકા ઘરમાં રે'વાનું ને કૉલેજમાં જ કામ બી કરવાનું. તે એનું લગન રામજી હાર જ થઈ જાસ તો એન તો કૉલેજ બી સોડવી નંઈ પડે."

પારવતીએ સૂર પૂરાવ્યો, "હા માહી, બાકી લીલાબુનનું હવ કમ નંઈ આ તગારા ઉપાડવાનું, રેતી ને માટીમં કામ કરવાનું. રામજીને એન જોડ લગન કરવામ વાંધો ન ઓય તો પૈણાવી જ દે ન. રામજીભઈ તે બવ જ હારા સ. આ માર ઘરવાળાન ફૂઈનો સોકરો ઈ."

પારવતીના વર સહિત બધાંએ હકારનો સૂર પૂરાવ્યો.

હમણાં સુધી ચૂપ બેઠેલ માધીનો વર બોલ્યો," પણ, ઈ રામજી કુંવારો સ. આજ લગી આપણે તંય કોઈએ બી કુંવારો સોકરો એક વિધવા જોડે પૈણાયો નથ. પાસાં આ બે તો કૉલેજમાં ય હાથે જ કામ કરે સ. લોકો હું કે'સે? આ લગનની આ પાડું તો માર સોડીન ધોળે લૂગડે ડાઘ લાગે."

રઘુ બોલ્યો, "ભઈ, તે લોકોન મોં તો આમેય તું થોડો બંદ કરવા જવાનો? ઈ તો અમણાંય બોલે સ કે, તું ન તારી ઘરવાળી કૉલેજની નોકરીન પગાર ખાવા સોડીન ઘેર નથ બોલાવતાં અન પૈણાવતાય નથ. બોલ હું કરીસ?"

થોડીવાર ચૂપકીદી છવાઈ ગઈ. અંતે નક્કી થયું કે રમીલાનાં કુટુંબનાં ગૃહપ્રવેશ પછી આ વાતનો ઉકેલ બધાંય સાથે મળીને લાવશે.

અંધારું થવામાં હતું. મેઘો તેના માસા અને રઘુ સાથે બળતણના લાકડાં વીણવા ગયો અને રઘુની પત્ની, માધીએ મેઘાની પત્ની સાથે મળી રાતનાં ખાણાંની તૈયારી કરી. આજે બધાં અહીં જ રોકાવાનાં હતાં જેથી સવારે રમીલાનાં નવા ઘરે સમયસર પહોંચી જવાય. ત્યાં જ રમીલાનાં પિતાના ફોન ઉપર નિખિલનો કૉલ આવ્યો.

તેણે ઉપાડતાં જ નિખિલ બોલ્યો, "કાકા, તમારી સાથે જે રીક્ષા ડ્રાઇવર છે તેમને પૂછી જુઓ કે કાલે સવારે આઠ વાગ્યે તેમની અને બીજી ત્રણ રીક્ષા લઈને આજે તમે જ્યાં ગયાં છો ત્યાંથી તમારા નવાં ઘરે આવવાનું તેમને ફાવશે કે કેમ? હું સરનામું અહીં જ મોકલું છું. તેમને બતાવી દો.અને હા, તેમનો ફોનનંબર મારાં ફોન ઉપર મોકલવા કહી દો."

કોલ ચાલુ રાખીને જ રમીલાનાં પિતાએ ડ્રાઈવરને વિગતો કહી. તેણે સરનામું જોઈને હા કહી અને નિખિલનો નંબર લઈ તેને પોતાનો ફોન નંબર, રીક્ષાનો નંબર અને નામ મેસેજ વડે મોકલી દીધો. તેઓ રીક્ષામાં બેસી મેઘનાબહેનનાં ઘરે પરત જવા નીકળ્યા. રસ્તામાં બેયની વાતોના વિષય લીલાનું જીવન અને મેઘનાબહેનનાં કાર્યો અને સમીરભાઈની પહેલ કદમી હતાં. રીક્ષા ડ્રાઈવર સાચે જ તલપાપડ થઈ ગયો બંનેને મળવા. થોડીવારમાં ઘર આવી ગયું. રમીલાનાં પિતાએ રીક્ષામાંથી ઉતરી ઘરના દરવાજે જઈ ઘંટડીનું બટન દબાવ્યું. નિખિલનેય પાછળ રાખીને સમુ અને મનુએ દોડીને દરવાજો ખોલ્યો. બંને આવીને પોતાનાં પિતાને એક-એક હાથ ખેંચી અંદર લઈ જવા લાગ્યાં. નિખિલે બહાર આવી રીક્ષા ડ્રાઈવરને તેનું ભાડું ચૂકવી દીધું. તે ભાડાની રકમ લઈ નિખિલનો આભાર માની, બીજા દિવસે સવારે રમીલાનાં સગાંને લઈને આવી જશે એમ જણાવતો પોતાનાં ઘર તરફ એક નવલ આશા સાથે ખુશીનું ગીત ગણગણતાં રીક્ષા હંકારી ગયો.

આ તરફ ઘરે રમીલાનાં પિતાની જ રાહ જોવાતી હતી. થોડું ઉતાવળે રસોઈ થઈ શકે માટે રમીલા અને લીલાએ મળી મેથી અને દૂધીનો મિક્સ હાંડવો બનાવ્યો હતો. એક કૂકર પૂરતો બધાંને ન થઈ રહે માટે થોડો હાંડવો નોનસ્ટિક પેનમાં પણ બનાવ્યો હતો. ડાઇનિંગ ટેબલ અને બેઠકરૂમ મળીને બધાંની બેસવાની સગવડ થઈ ગઈ. દરેક થાળીમાં હાંડવાનો પ્રમાણસર પીસ, દૂધ ભરેલ વાટકો અને સુખડીનો ટુકડો મૂકાયાં. તેલ અને લસણ તથા ધાણા મરચાંની ચટણીના બાઉલ ચમચી સાથે બેય જગ્યાએ મૂકાયાં જેથી જેને જેટલું જોઈએ, એટલું જાતે જ લઈ શકે. બધાંય ધરાઈને, બેય દીકરીઓના હાથનાં સ્વાદિષ્ટ ભોજનનાં વખાણ કરતાં ઊઠ્યા. જમીને બેય દીકરીઓએ ઝડપભેર રસોડું આટોપી લીધું. આવતીકાલે નાસ્તો કે જમવાનું બનાવવાનું નહોતું. બાજુની ગલીમાં આદર્શ ફ્લેટમાં રહેતાં શર્વરીબહેન જે ઘરબેઠાં નાસ્તો બનાવી પેકિંગમાં વેચતાં હતાં તેમને ત્યાંથી મેથી-મસાલા પૂરી, સાદા ખાખરા, સકકરપારા, કોપરાંનાં બિસ્કીટ આવી ગયાં હતાં. કુલ ૩૦ વ્યક્તિઓનું જમવાનું શર્વરીબહેનનાં પાડોશી મીનાબહેન, જેઓ ટિફિન સર્વિસ ચલાવતાં હતાં તેઓ પહોંચાડવાનાં હતાં. તે બંને બહેનોનાં પતિ અને પુખ્ત થયેલાં બાળકો નાસ્તા અને ટિફિનની ડિલીવરીની જવાબદારી જાતે જ નિભાવતાં. નાસ્તા અને ભોજનમાં શુદ્ધ પદાર્થો વાપરી તેઓ રાંધવામાં પણ ચોખ્ખાઈ અને ચીવટ રાખતાં આથી જ તેમનો ભાવ પણ થોડો વધુ રહેતો.

મેઘનાબહેને બધાંને બેઠકખંડમાં બોલાવ્યાં અને જણાવ્યું, "કાલે સવારે નવ વાગ્યે ગૃહપ્રવેશનું શુભ મૂહૂર્ત છે. આપણે બધાંએ લગભગ સાત વાગ્યે અહીંથી નીકળી જવાનું છે તો જ સમયસર પહોંચી શકાશે, બરાબર ને?"

સમીરભાઈએ હકારમાં માથું હલાવી કહ્યું, "હા, મોડું થશે તો ત્યાંના ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો ટ્રાફિક નડશે."

બધાંએ જલ્દી તૈયાર થઈ જવાની ખાતરી આપી. આવતીકાલની પૂજા માટે કોઈ મહારાજની જરૂર પડે તેમ નહોતું. એક વખત ઘરમાં બધાં ગોઠવાઈ જાય પછી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરાવવાની નક્કી કરાઈ. મેઘનાબહેને એક સિંગલ ગેસનો ચૂલો, તપેલી, સાણસી, થોડાં સ્ટીલનાં અને થોડાં સિરામિક મગ, ગળણી, ખાં-ચા-મસાલો-કૉફીનાં ડબ્બા, આદુ, લીલી ચા વગેરે રમીલા, લીલા અને નિખિલની મદદથી પેક કરાવી દીધું. તેઓ કુંભ ઘડો મૂકી ગૃહપ્રવેશ કરવા માટે મઝાની લાલ-પીળાં રંગે રંગેલ નાનકડી માટલી લાવ્યાં હતાં. તે બીજાં એક બોક્સમાં મૂકી. તે સાથે બે નાનાં ડબ્બામાં ઘઉં અને મગ લીધાં. દીવી, ઘી, દિવેટો, દીવાસળીનું બોક્સ, ગૂગળ, કપૂર એક નાનકડાં બાસ્કેટમાં મૂક્યું. અને બાસ્કેટ પણ બોક્સમાં મૂક્યું. આજે જ તેઓ લક્ષ્મી નારાયણ, મા સરસ્વતી અને ગણેશજીની નાનકડી ચાંદીની મૂર્તિઓ લાવ્યાં હતાં જે ત્યાં પૂજાઘરમાં મૂકવાની હતી. શિવ-પાર્વતી અને હનુમાનજીનાં નાનાં ફોટા પણ લાવ્યાં હતાં. બધું જ પેક થયે પ્રવેશદ્વાર નજીક નાનાં બે ટેબલ ખેંચી જઈ તેની ઉપર મૂકી દીધું.

સમીરભાઈએ નિખિલ અને રમીલાને ગેરેજમાં મૂકેલ ખરીદેલાં વાસણો અને બીજો સામાન સવારે પોણા સાત વાગ્યે આવનાર ટેમ્પોમાં મૂકવા કહ્યું. હજી સાડા દસ થયાં હતાં. લીલા સિવાય બધાં જ પોતપોતાનાં ઓરડામાં જઈ ઘસઘસાટ નિંદ્રા માણી રહ્યાં. આવનાર પ્રભાત રમીલા અને તેનાં સમગ્ર પરિવાર માટે સુંદર જીવનની ભેટ લઈ રાહ જોતું હતું. લીલાનાં મનમાં અનેક પ્રશ્નો અને કેટલીક મૂંઝવણ હતી. તે પોતે કોઈપણ વાંક-ગુનો ન હોવાં છતાંય પોતાનાં પરિવારનો સામનો કરતાં ખચકાતી હતી. આખરે બધું સારું જ થશે એ વિચારે દ્રઢ થઈ બાકીનાં બધાં જ વિચારોને મગજનાં કમાડ પાછળ રોકી લીધાં.

ક્રમશઃ

મિત્રો,વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી તેમજ સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED