પન્નાલાલ પટેલ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

  • ઉર્મિલા - ભાગ 10

    દરવાજા પર પ્રાચીન ભાષામાં ખોદાયેલા શબ્દો "મૂકી દેવું એ જ મુક...

  • આસપાસની વાતો ખાસ - 11

    10. હિતેચ્છુ “અરે સાહેબ,  હું તો તમારો  મિત્ર અને હિતેચ્છુ છ...

  • છેલ્લો દિવસ

    અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે આજે વર્ષનો છેલ્લો દિવસ છે. આવતીકાલ...

શ્રેણી
શેયર કરો

પન્નાલાલ પટેલ

પન્નાલાલ પટેલ

આજે જેમનો જન્મદિન છે તેવા ગુજરાતી ભાષાના અનોખા સાહિત્યકાર પન્નાલાલ નાનાલાલ પટેલએ ૨૦થી વધુ ટૂંકી વાર્તા સંગ્રહો, જેવા કે સુખના સાથી (૧૯૪૦) અને વાત્રકને કાંઠે (૧૯૫૨), અને ૨૦ કરતાં વધુ સામાજીક નવલકથાઓ, જેવી કે મળેલા જીવ (૧૯૪૧), માનવીની ભવાઇ (૧૯૪૭) અને ભાંગ્યાના ભેરુ (૧૯૫૭), અને અનેક ધાર્મિક નવલકથાઓ લખી છે. તેમને ૧૯૮૫માં માનવીની ભવાઇ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો તેમના સર્જનનું નાટકો અને ચલચિત્રોમાં પણ રુપાંતર થયું છે.

તેમનો જન્મ ૭ મે ૧૯૧૨ના રોજ રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાનાશા અથવા નાનાલાલ અને હીરાબાને ત્યાં આંજણા ચૌધરી કુટુંબમાં થયો હતો. તેઓ તેમના ચાર ભાઇ-બહેનોમાં સૌથી યુવાન હતા. તેમના પિતા ખેડૂત હતાઅને રામાયણ, ઓખાહરણ અને અન્ય ધાર્મિક વાર્તાઓનું તેમના ગામમાં પઠન કરતા હતા. આને કારણે તેમના ઘરની નામના થઇ હતી. તેમના પિતા પન્નાલાલના નાનપણમાં જ મૃત્યુ પામ્યા અને તેમની માતા હીરાબાએ સંતાનોનો ઉછેર કર્યો હતો. તેમના શિક્ષણ દરમિયાન તેમની ગરીબીના કારણે અનેક અડચણો આવી હતી.

તેઓ ઇડરની સર પ્રતાપ હાઇ સ્કૂલમાં માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. શાળાજીવન દરમિયાન તેઓ ઉમાશંકર જોષીના મિત્ર બન્યા હતા. થોડો સમય માટે તેમણે ડુંગરપુરમાં દારુના ભઠ્ઠા પર મેનેજર તરીકે નોકરી કરી હતી. તેમણે તેમની પ્રથમ નવલકથા અમદાવાદમાં એક સદગૃહસ્થના ઘરે નોકરી કરતા લખી હતી.

૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોષી સાથે તેમનો અચાનક સંપર્ક થયો અને તેમના પ્રોત્સાહનથી તેમણે સાહિત્યસર્જનનો પ્રારંભ કર્યો. તેમણે તેમની પ્રથમ ટૂંકી વાર્તા “શેઠની શ્રદ્ધા” (૧૯૩૬) લખી. પછીથી, તેમની વાર્તાઓ ઘણાં ગુજરાતી સામયિકોમાં પ્રગટ થઇ.] ૧૯૪૦માં, તેમની પ્રથમ નવલકથા વળામણાં અને મળેલાજીવ (૧૯૪૧), માનવીની ભવાઇ (૧૯૪૭) અને અન્ય નવલકથાઓ પ્રગટ થઇ. એક સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં નોકરી મેળવી પહેલા ઑઈલમેન અને પછી મીટર-રીડીંગ કરનાર તરીકે તેમણે કાર્ય કર્યું. ચાર-પાંચ વર્ષ મુંબઈની એન.આર.આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથા લેખક તરીકે કાર્ય કર્યું. ત્યાર બાદ વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથે-સાથે લેખનપ્રવૃત્તિ કરી.

૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે તેઓ આકર્ષિત થયા. ૧૯૫૮ થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યો અને લેખનનો મુખ્ય વ્યવસાય અપનાવ્યો. ૧૯૭૧માં તેમણે અમદાવાદમાં તેમના બે પુત્રોની સાથે સાધના પ્રકાશન કંપનીની શરુઆત કરી. પાછલા વર્ષોમાં તેમણે મુખ્યત્વે હિંદુ ધાર્મિક વાર્તાઓ અને મહાકાવ્યો પર આધારિત નવલકથાઓ લખી. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના તેઓ પ્રમુખ હતા.

તેમણે પોતાના સંઘર્ષના દિવસોને 'વાસંતી દિવસો' ગણાવ્યા હતા. તેમની કૃતિ 'કંકુ' પરથી ગુજરાતી ફિલ્મ બની હતી. ૬ એપ્રિલ ૧૯૮૯ના રોજ અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેમનું અવસાન થયું હતું.

સમગ્ર જીવન દરમ્યાન તેમના સર્જન સાહિત્ય પર નજર કરીએ તો,તેમણે ૬૧ નવલકથાઓ, ૨૬ ટૂંકી વાર્તાના સંગ્રહો અને અન્ય ઘણું સર્જન કર્યું હતું. તેમનું મોટાભાગનું લખાણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક બોલીમાં લખાયેલું છે.

નવલકથા-માનવીની ભવાઈ, વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, રામે સિતાને માર્યા જો!, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ, કચ-દેવયાનિ, મળેલા જીવ, આંધી અષાઢની, જાનપદી, ભાંગ્યા ના ભેરૂ ,ઘમ્મર વલોણું, પાછલા બારણે, નવું લોહી, પડઘા અને પડછાયા, નથી પરણ્યા નથી કુંવારા,મનખાવતાર, નાછૂટકે.

નવલિકા - સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ,પાનેતરમાં રંગ,વટ નો કટકો, મનનાં મોરલાં, વાત્રક ને કાંઠે, ચીતરેલી દીવાલો,પીઠીનું પડીકું, જીંદગી ના ખેલ.

નાટક - જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, વૈંતરણી ના કાંઠે,ઢોલીયા સાગ સીસમના.,ચિંતન - પૂર્ણયોગનું આચમન,આત્મકથા - અલપઝલપ

બાળ સાહિત્ય - દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલપ્રકીર્ણ, કાશીમાની કૂતરી, પ્રકીર્ણ - અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન

સાહિત્યની આટલી લાંબી યાત્રા દરમ્યાન તેની કદરરૂપે અનેક સન્માન મળ્યા. ૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ૧૯૮૫માં તેમની રચના માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને મળ્યો હતો. ઉમાશંકર જોષી પછી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક હતા.

૬ એપ્રિલ ૧૯૮૯ના તેમની જીવન યાત્રા થંભી ગઈ.

'સાહિત્ય જગતનો ચમત્કાર' અને 'ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય' જેવા બિરુદોથી નવાજવામાં આવ્યા છે,તેવા પન્નાલાલ પટેલને અને તેમની સાહિત્યયાત્રાને શત શત વંદન.