માણસાઈના દીવા - પુસ્તક સમીક્ષા Dr. Ranjan Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માણસાઈના દીવા - પુસ્તક સમીક્ષા

પુસ્તકનું નામ:- માણસાઈના દીવા

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

'માણસાઈના દીવા' અનુભવ કથાઓના લેખક ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગષ્ટ 1896ના રોજ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો. ચોટીલા પહાડી વિસ્તાર હોવાથી ઝવેરચંદ મેઘાણી પોતાને 'પહાડનું બાળક' તરીકે ઓળખાવે છે. તેમણે રાણપુરથી પ્રકાશિત થતા “સૌરાષ્ટ્ર” નામના અખબારમાં લખવાની શરૂઆત કરી 1922 થી 1935 દરમ્યાન તેઓએ 'સૌરાષ્ટ્ર'ના તંત્રીની ભૂમિકા ભજવી ત્યારબાદ સમય જતા તેમણે “ફૂલછાબ” નામના અખબારમાં લઘુકથાઓ લખવાનું શરૂ કર્યું. ત્યારબાદ 1934માં મુંબઈમાં તેમણે “જન્મભૂમિ” નામના અખબારમાં 'કલમ અને કિતાબ'ના લેખ લખવાની શરૂઆત કરી અને સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી હતી. 1936 થી 1945 ના સમયગાળા દરમ્યાન “ફૂલછાબ”માં સંપાદકની ભૂમિકા ભજવી હતી. તેમણે સૌપ્રથમ 'કુરબાનીની કથાઓ'ની રચના કરી, જે તેમનું પ્રથમ પ્રકાશિત પુસ્તક હતું. ત્યારબાદ 'સૌરાષ્ટ્રની રસધાર' લખી અને બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી. સૌરાષ્ટ્રની રસધાર આજે પણ લોકસાહિત્યની આબેહૂબ તસવીર કંડારી રહ્યું છે.

1926માં 'વેણીના ફૂલ' નામના કાવ્યથી તેમણે કવિતા ક્ષેત્રે પગલાં માંડ્યા. 1928માં તેમને સાહિત્યમાં યોગદાન બદલ 'રણજિતરામ સુવર્ણચંદ્રક'થી નવાજવામાં આવ્યા હતા. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જેમને ભારતના “રાષ્ટ્રીય શાયર” જેવું ગૌરવપૂર્ણ બિરૂદ આપેલું છે એવા લોકસાહિત્ય અને ગુજરાતી સાહિત્યમાં આજે પણ જેમની કૃતિઓ જાણીતી અને ખૂબ વંચાતી હોય એ એટલે ઝવેરચંદ મેઘાણી. 1942માં 'મરેલાના રૂધિર' પ્રકાશિત થઈ. 1946માં તેમના પુસ્તક 'માણસાઈના દીવા'ને મહીડા પારિતોષિક પ્રાપ્ત થયું હતું. અને તે જ વર્ષે ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકેનું પદ પ્રાપ્ત થયું હતું. ઝવેરચંદ મેઘાણીએ 4 નાટકગ્રંથ, 7 નવલિકા સંગ્રહ, 13 નવલકથા, 6 ઇતિહાસ, 13 જીવનચરિત્રની તેમને રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું 'માણસાઈના દીવા' માં વાર્તારૂપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તેમનું સમગ્ર સર્જન તો અહીં વર્ણવવું  શક્ય નથી પરંતુ તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમના નોંધપાત્ર સર્જનો છે.

 

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : માણસાઈના દીવા

લેખક : ઝવેરચંદ મેઘાણી

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય

કિંમત : 160 ₹.

પૃષ્ઠ સંખ્યા : 224

 

બાહ્ય મૂલ્યાંકન:-

પુસ્તકના મુખપૃષ્ઠ પર ગ્રામ્ય પહેરવેશ વાળા ધોતી-ઝભ્ભો-બંડી-ટોપીધારી મનુષ્યની પીઠ અને પાછળ રહેલા ગ્રામીણ ઝૂંપડા દેખાય છે. જે આ કથાઓના સમયના સૂચક બની રહે છે. બૅક કવરપેજ પર પુસ્તકમાં લેખકના નિવેદનમાં રહેલી‌ પ્રસ્તાવનાનો અંશ મૂકવામાં આવ્યો છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

માણસાઈના દીવા એ ઝવેરચંદ મેઘાણી લિખિત, ૧૯૪૫માં પ્રકશિત થયેલો, ગુજરાતી નવલિકા સંગ્રહ છે. કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકને સંસ્કૃતિ સુધારનો કીંમતી દસ્તાવેજ ગણાવ્યો છે. પંડિત રવિશંકર મહારાજ અમદાવાદની સાબરમતી જેલમાં હતા ત્યારે નાદુરસ્સ્ત તબિયતને કારણે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજને મળવા જતા અને તેમના અનુભવોની રસપ્રદ કથાને સંભાળીને લખી લેતા. જે નોંધને આધારે આ પુસ્તક લખ્યું. આ રસપ્રદ વાતો અને પાત્રોનો પ્રત્યક્ષ અનુભવ લેવાની ઇચ્છા થતા તેમણે રવિશંકર મહારાજને મહીકાંઠાના વિસ્તારની મુલાકાત કરાવી આપવા વિનંતી કરી. ૨૩ માર્ચ ૧૯૪૫ના દિવસે તેઓ ચાર દિવસ અને પાંચ રાતોમાં મહીકાંઠાના ક્ષેત્રના પ્રવાસે ઉપડ્યા અને બોચાસણ, ઝારોળા, રાસ, કણભા, ચાંપોલ, બદલપુર, દહેવાણ, ગોળવા જેવાં ગામડાઓ ફરી વળ્યા. આ અનુભવોને તેમણે પુસ્તકના એક અલગ વિભાગમાં નોંધી જેને તેમણે 'પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ' એવું નામ આપ્યું. આ કથાઓ ગુજરાતના લોકસેવક રવિશંકર વ્યાસના કાર્યો અને તેમને મુખે સંભળાયેલ વાતોનો સંચય છે. દસ્તાવેજી મૂલ્ય જાળવવા વાર્તાની ભાષા રવિશંકર મહારાજના લઢણવાળી જ રાખવામાં આવી છે. ખેડા જિલ્લાના બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.

 

શીર્ષક:-

ખાસ પ્રદેશના ખાસ માનવોની ખાસ વાતો અહીં વર્ણવવામાં આવી છે, જે વાચકો માટે, તેમના જીવન માટે દીવાની જેમ પ્રકાશ પાથરનાર બની રહે તેવી છે. અહીં દર્શાવેલ તમામ નવલિકાઓમાં માણસાઈ શીખવવામાં આવી છે. આથી શીર્ષક સાર્થક ઠરે છે.

પહેલાં કહેવાતું કે

'વા ફરે વાદળ ફરે ને ફરે નદીના પૂર

પણ શૂરા બોલ્યા નવ ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર.'

અત્યારે કહેવાય છે કે

'વા પણ ફરે વાદળ પણ ફરે ને ફરે નદીના પૂર

કાળા માથાના માનવી ઘડીએ ઘડીએ ફરે ને ગમે ત્યાં ઊગે સૂર.' આવી પરિસ્થિતિમાં, આવા કળિયુગમાં આવી પ્રેરક કથાઓ મણસાઈની દ્યોતક બની રહે છે.

 

પાત્રરચના:-

અન્યાયનો ભોગ બનીને બહારવટે ચડેલો મોતી બારૈયો, હરાયા ઢોર જેવો ખોડિયો, બાળક જેવો નિષ્પાપ ચોર ગોકળ, ચોરીને પ્રભુદત્ત કર્તવ્ય માનનાર ફૂલો વાવેચો, કાળાં કરતૂતોની પરંપરા સર્જનારો બાબર દેવો વાચકચિત્તે ઊંડી છાપ ઉપસાવે છે. આવા તો કેટલાંય જીવંત પાત્રો આ કથાઓમાં સમાવિષ્ટ છે.

 

સંવાદો/વર્ણન:-

કથાની વચ્ચે આવતા ગ્રામજનોના સંવાદો દેશદાઝ જગાવે તેવા અને સમાજ સુધારક - પ્રેરક છે. જેમકે,

"તમે ચોરી‌ કરો, દારૂ પીઓ, પોલીસ તમને‌ પકડે, બાંધે, માર મારે, ગાળો દે એ મારાથી ન જોવાય."

"તો ચોરી નહીં કરીએ, દારૂ નહીં પીએ, પણ તમને‌ તો નાના ગોંધી અહીંથી નહીં જ જવા દઈએ."

વર્ણનો દેશ અને કાળના સંદર્ભે યોગ્ય લાગે પરંતુ હાલ વાંચીએ તો કેટલાક વર્ણનોમાં અતિશયોક્તિ લાગે.

 

લેખનશૈલી:-

આ પુસ્તકમાં આઝાદીકાળની, ચરોતરની ગ્રામસૃષ્ટિ પ્રત્યક્ષ થાય છે. એક વિરલ, વીસરાઈ રહેલું પ્રજાજીવન, ખેતીવાડી અને ચોરીખૂનના વિશેષ સંદર્ભો સાથે તાદૃશ થાય છે. મોટા ભાગની વાર્તાઓમાં ચરોતરી ભાષાના શબ્દો ચ્યોં, ગોંધી, શા સારું, અંઈ વગેરે જોવા મળે છે. વાંચવી અને સમજવી સરળ એવી રસાળ ભાષાશૈલીમાં આ કથાઓનું ગુંફન થયેલું છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

‘માણસાઈના દીવા’માંની 17 અનુભવકથાઓ, ટૂંકી વાર્તાની ઘાટીએ લખાયેલી છે. મહીકાંઠા વિસ્તારના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને આ વાર્તાઓમાં દર્શાવવામાં આવી છે. 'હું આવ્યો છું બહારવટું શીખવવા' - નામની કથામાં રવિશંકર મહારાજ આ લોકો વચ્ચે રહી તેમને ચોરી અને દારૂની લત છોડાવતા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગાંધીજીની ઢબે બહારવટું શીખવવા મથે છે. 'હાજરી' નામના પ્રકરણમાં અંગ્રેજ સરકારના શાસન હેઠળ આ લોકોને થાણામાં 'હાજરી' નોંધાવી પડતી. રવિશંકર મહારાજ આ ધારો કઢાવવા મથે છે અને કઢાવીને જ જંપે છે. 'મારાં સ્વજનો' નામની વાતમાં રવિશંકર મહારાજ એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢતો બચાવે છે. ‘શનિયાનો છોકરો’માં મહારાજ સડી ગયેલા ગરીબ છોકરાને જે રીતે ઉગારે છે તેમાં મહારાજનું સ્નેહ-કરુણાર્દ્ર ચારિત્ર્ય ઉડીને આંખે વળગે છે. ‘રોટલો તૈયાર રાખજે’માં એક અકસ્માત જીવનને કેવું કરી દે છે એ ભાવ વ્યક્ત થાય છે. ‘ક્યાં પરસેવો ઉતાર્યો હતો?’માં શાહુકારની ચોરવૃત્તિ અને ચોરીને વટ કે વ્યવસાય માનતા માણસની સહજ નિખાલસતા સ્પર્શી જાય તેમ નિરૂપાઈ છે. ‘જી'બા’માં પતિને લૂંટને માર્ગેથી પાછો વાળી મહેનતની કમાણીથી જીવતો કરનાર સ્ત્રીનું ચરિત્ર ઉત્તમ રીતે પ્રગટે છે.

આ પુસ્તકને ૨૯ ડીસેમ્બર ૧૯૪૬ના દિવસે મહીડા પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. ઝવેરચંદ મેઘાણીએ પારિતોષિકની રકમનો અસ્વીકાર કરતા ક્હ્યું હતું કે તેના પર રવિશંકર મહારાજનો અધિકાર છે અને તેમને તે રકમ અર્પણ કરી હતી. તેના જવાબમાં રવિશંકર મહારાજે રકમનો સવિનય અસ્વીકાર કરતા જણાવ્યું હતું કે, "ઔષધિની કિંમત નથી, વૈદ્યની કિંમત છે. વનવગડામાં પડેલી ઔષધિને વૈદ્ય ખોળી કાઢે અને તેનો ઉપયોગ કરી જાણે છે. ખેડે એની ચીજ કહેવાય. કોઠીમાં દાણો હોય પણ દાટો મારેલો હોય તો તે શા કામનો? કોઈ પરોપકારી માણસ આવે રાંધે અને ખવડાવે એને જ તો ખરી કિંમત કહેવાય." આ મહીડા પારિતોષિક એ ઝવેરચંદ મેઘાણીનું છેવટનું સન્માન બન્યું.

 

મુખવાસ:-

લોકસેવકની આંખે જોયેલું ગામઠી દુનિયાનું ગૂઢ સત્ય એટલે 'માણસાઈના દીવા'.