પ્રારંભ પ્રકરણ 41
જામનગર એરપોર્ટ ઉપર ઉતર્યા પછી જ્યારે રસ્તા ઉપર એની ગાડી દોડી રહી હતી ત્યારે કેતનને પહેલીવાર એવું લાગ્યું કે જાણે એ જામનગરમાં એક બે મહિના માટે ફરવા આવ્યો હોય !!
જામનગરમાં એનાં અંજળપાણી પુરાં થવા આવ્યાં હતાં અને મુંબઈ એને પોકારી રહ્યું હતું એવું એને સ્પષ્ટ લાગવા માંડ્યું. ગુરુજીએ પણ સ્પષ્ટ સંકેતો મુંબઈમાં આપી દીધા હતા કે તારાં સપનાં મુંબઈમાં જ સાકાર થશે.
કેતન ઘરે પહોંચ્યો ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. મનસુખે પોતાને સોંપેલું કામ સરસ રીતે પૂરું કર્યું હતું. શાંતામાસી આવીને ઘર સાફસૂફ કરી ગયાં હતાં તો સુધામાસી પણ એને ગરમા ગરમ રોટલી જમાડવા માટે કેતનની રાહ જોઈ રહ્યાં હતાં !
ઘરમાં પ્રવેશ કરતા જ બધી જ યાદો તાજી થઈ ગઈ. દોઢ વર્ષનો ગાળો એટલો જલ્દી મગજમાંથી ભૂસાઈ ના જાય. કેટલાં બધાં પાત્રો માયાવી જગતમાં આવીને અદ્રશ્ય થઈ ગયાં ! નીતા મિસ્ત્રી, વેદિકા, પ્રતાપભાઈ અને કોર્પોરેટ હોસ્પિટલની અદભુત માયાજાળ તો કઈ રીતે ભૂલી શકાય ?
"અરે માસી.. તમે હજી પણ મારી રાહ જોઈને બેસી રહ્યાં છો ?" સુધા માસીને હજુ ઘરે જોઈને કેતન બોલી ઉઠ્યો.
"રાહ તો જોવી જ પડે ને સાહેબ ? તમે આખા મહિનાનો એડવાન્સ પગાર આપેલો છે. અને તમે છેક મુંબઈથી આવવાના હતા એટલે પછી ગરમ રોટલી તમારા માટે બાકી રાખી. હવે હાથ મ્હોં ધોઈને બેસી જાઓ એટલે પીરસવાનું ચાલુ કરું. " સુધામાસી બોલ્યાં.
અને કેતને હાથ મ્હોં ધોઈ નાખ્યાં અને ડાઈનિંગ ટેબલ ઉપર જમવા માટે બેસી ગયો. આજે સુધામાસીએ કેતનને ભાવતું લસણથી વઘારેલું ગવાર બટેટાનું શાક બનાવ્યું હતું. સાથે લંગડા કેરીનો રસ, રોટલી ફજેતો અને ભાત હતાં.
"છેલ્લે છેલ્લે કેરીનો રસ ખાઈ લો સાહેબ. હવે સિઝન પૂરી થઈ ગઈ. ખાલી લંગડો કેરી મળે છે." સુધામાસી બોલ્યાં.
કેતનને થયું કે સુધામાસીએ સાચી વાત જ કરી હતી ને !! હવે જામનગરમાં કેરીનો રસ હું છેલ્લી વાર જ ખાઈ રહ્યો છું.
આજે કોઈની સાથે વાત કરવાનો કેતનનો કોઈ મૂડ ન હતો એટલે એણે મનસુખને પણ રજા આપી અને આવતીકાલે સવારે જયેશને લઈને ઘરે આવી જવાનું કહી દીધું.
એ આખો દિવસ કેતને ઘરે આરામ જ કર્યો. બપોરે આરામ કર્યા પછી એ લેપટોપ લઈને બેઠો અને ગોરેગાંવ દિંડોશી ના પ્લોટમાં જે ૧૧૫ મકાનો હતાં એ ખાલી કરાવવાના વધુમાં વધુ કેટલા પૈસા આપી શકાય એની થોડીક ગણતરી કરી.
સાંજે એરપોર્ટ રોડ ઉપર પોતે ખરીદેલી જમીનની સાઇટ ઉપર આંટો મારવાની એની ઈચ્છા હતી પરંતુ અઠવાડિયામાં ત્યાં કોઈ ખાસ ડેવલપમેન્ટ ના થયું હોય એટલે પછી વિચાર માંડી વાળ્યો.
બીજા દિવસે સવારે ૧૦ વાગે મનસુખ માલવિયા જયેશ ઝવેરીને લઈને આવી ગયો.
"કેવી રહી તમારી હરિદ્વારની યાત્રા કેતનભાઇ ?" આવીને તરત જયેશે પૂછ્યું.
" હરિદ્વારમાં તો ખૂબ જ મજા આવી પરંતુ આ વખતે મુંબઈમાં ઘણો વ્યસ્ત રહ્યો. મેં તમને આજે એ ચર્ચા કરવા માટે જ અહીં બોલાવ્યા છે. " કેતને વાત શરૂ કરી.
"જયેશ મેં હવે મુંબઈમાં જ સ્થાયી થવાનું નક્કી કર્યું છે અને મને લાગે છે કે મારું ભવિષ્ય મુંબઈમાં જ મને સાથ આપશે. ત્યાં પગ મૂક્યો અને હું દોડતો થઈ ગયો છું. એટલે દિવાળી પહેલાં હવે મુંબઈ જ શિફ્ટ થઈ જવાનો મારો પ્લાન છે." કેતન બોલતો હતો.
જો કે આ વાત સાંભળીને જયેશ અને મનસુખ માલવિયાનાં મ્હોં પડી ગયાં. એ બંનેને થોડો આઘાત લાગ્યો.
"તમારે લોકોને ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી. તમારા બંને માટે તમામ ઓપ્શન ખુલ્લાં છે. તમે બન્ને મારી સાથે જોડાયેલા છો અને મારા કહેવાથી જ અહીં આવ્યા છો. એટલે કોઈ પણ રીતે તમને લોકોને હું તકલીફમાં મૂકવા માગતો નથી." કહીને કેતને થોડીક ક્ષણો માટે એ લોકોને થોડા રિલેક્ષ કર્યા.
"જયેશ આપણે જે મોટી ઓફિસ બુક કરાવી છે એ ઓફિસ હવે રાખવાની મારી ઈચ્છા નથી. એટલે બિલ્ડર પાસેથી તારે પેમેન્ટ પાછું લઈ લેવાનું છે. હવે તારી ઈચ્છા જો જામનગરમાં જ સેટ થવાની હોય તો આ બંગલો તું જ વાપરજે અને પેલી ઓફિસના સળંગ ત્રણ ગાળા આપણે બુક કરાવ્યા છે એના બદલે એક ગાળો રાખી ત્યાં તારી ઓફિસ બનાવી શકે છે. એ એક ગાળાના કોઈ પૈસા તારે ચૂકવવાના નથી. માત્ર બે ગાળાના પૈસા પાછા લઈ લે. " કેતન બોલી રહ્યો હતો.
"બીજું ઓપ્શન તને મારી સાથે મુંબઈ લઈ જવાનું છે. હું ત્યાં અત્યારે હાલ કન્સ્ટ્રકશનનો બિઝનેસ ચાલુ કરવાનો છું એટલે મારી કંપનીમાં મને તારા જેવા અંગત માણસની મેનેજર તરીકે જરૂર પડશે. હું અને સિદ્ધાર્થભાઈ નવો ફ્લેટ લઈ રહ્યા છીએ એટલે ભાડાનો . જે ફ્લેટ ખાલી થાય એમાં તું રહી શકે છે. એટલે ફેમિલી સાથે રહેવાની કોઈ ચિંતા નથી. " કેતન જયેશને સમજાવી રહ્યો હતો.
"ત્રીજું ઓપ્શન એ પણ છે કે જો તારે કાયમ માટે અહીંયા જ સ્થાયી થવાની ઈચ્છા હોય તો પછી મારો પોતાનો આટલો મોટો બંગલો છે એ વેચીને તું કોઈ નાનો ફ્લેટ લઈ લે અને બાકીના પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરીને કાયમી આવક ઊભી કરી દે અથવા બેંકમાં જમા કરી દે જેથી તારું બેંક બેલેન્સ ભવિષ્યમાં તને કામ આવે. જ્યાં સુધી રીયલ એસ્ટેટના દલાલ તરીકે તારી રેગ્યુલર આવક શરૂ ના થાય ત્યાં સુધી દર મહિને તને ૫૦૦૦૦ રૂપિયા હું મોકલી આપીશ." કેતન બોલતો હતો.
"તારી પાસે વિચારવાનો બે મહિનાનો સમય છે. મારે કોઈ જ ઉતાવળ નથી. ઘરે પણ ભાભી સાથે ચર્ચા કરી લે. છતાં મારી તો અંગત સલાહ એવી જ છે કે તું મારો બંગલો વેચીને મુંબઈ આવી જા." કેતન બોલ્યો.
"કેતનભાઇ મુંબઈ જવાનો તમે નિર્ણય લીધો એ તમારા જેવી બાહોશ અને અતિ શ્રીમંત વ્યક્તિ માટે તો ખરેખર ઘણો સારો છે. અને મને પણ એમ જ લાગતું હતું કે જામનગરમાં તમે બધાને લઈને આવ્યા છો પણ અહીંયા તમારું ખાસ ભવિષ્ય નથી.... પરંતુ મારે હવે ઘણું વિચારવું પડશે. મારી દીકરીને મુંબઈમાં એડમિશન લેવું પડે અને આખો અભ્યાસક્રમ પણ બદલાઈ જાય. માતૃભાષા પણ જુદી એટલે સેટ થતાં ઘણી વાર લાગે." જયેશ બોલતો હતો.
"મને બંગલામાં હવે કોઈ જ રસ નથી. આપણે હમણાં જાહેરાત આપી દઈશું એટલે પટેલ કોલોની જેવા એરિયામાં તો બે મહિનામાં કોઈને કોઈ સારી પાર્ટી મળી જ જશે. તમે પૈસા ખર્ચેલા છે એટલે બંગલાના એ પૈસા તો તમારા જ છે. હું તો સંતોષી જીવ છું અને દ્વારકાધીશની કૃપાથી મને પૈસાનો મોહ નથી." જયેશ બોલી રહ્યો હતો.
"અને છતાં કદાચ જો હું જામનગર રહેવાનું નક્કી કરું તો બે રૂમ રસોડાનો એક નાનો ફ્લેટ મને લઈ આપજો. કાયમ માટે ભાડાના ફ્લેટમાં રહેવાની મારી ઈચ્છા નથી. દીકરી હવે મોટી થઈ રહી છે. જો જામનગર રહીશ તો એક ગાળો રાખીને રિયલ એસ્ટેટની મારી પોતાની ઓફિસ ચાલુ કરી દઈશ." જયેશ બોલ્યો.
"તું મારો ખાસ મિત્ર છે જયેશ. જરા પણ ચિંતા ના કરીશ. તું જેમ કહીશ એમ હું કરી આપીશ. મને કોઈ જ પ્રોબ્લેમ નથી. જો મુંબઈ આવીશ તો ત્યાં ડોનેશન આપીને સારી સ્કૂલમાં તારી દીકરીને હું એડમિશન લઈ આપીશ. અને બાળકો તો કોઈપણ સ્કૂલમાં એડજસ્ટ થઈ જ જતાં હોય છે. એટલે એવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તને મારું કોઈ જ દબાણ નથી. તારે અહીં રહેવું હોય તો પણ સેટિંગ થઇ જશે અને મુંબઈ આવવું હોય તો પણ રહેવાની જગ્યા તૈયાર જ છે." કેતન બોલ્યો.
" અને આ જ વાત તમને પણ લાગુ પડે છે મનસુખભાઈ. મારે પણ તમારા જેવા સારા માણસની ડ્રાઇવર તરીકે જરૂર છે. તમને પણ ત્યાં એક નાનકડું મકાન લઈ આપીશ એટલે તમને કોઈ વાંધો નહીં આવે. તમે મારી સાથે મુંબઈ આવો એવું જ હું તો ઈચ્છું છું. અહીં જામનગરમાં જ રહેવાની તમારી ઈચ્છા હોય તો તમારી જરૂરિયાત પૂરતા પૈસા તમને દર મહિને મળી જાય એવું હું કરતો જઈશ. એટલે એ બાબતની જરા પણ ચિંતા કરશો નહીં." કેતને મનસુખભાઈને પણ આશ્વાસન આપ્યું.
"ભલે સાહેબ. હું પણ આ બાબતે ઘરે ચર્ચા કરી લઉં છું. મારો દીકરો તો સુરતમાં જ એના ફેમિલી સાથે સેટ થઈ ગયો છે એટલે હું ગમે ત્યાં રહું મને કોઈ ફરક પડતો નથી. મોટાભાગે તો હું મુંબઈ તમારી સાથે આવવાનું જ પસંદ કરીશ કારણ કે દીકરાને પણ મળવા આવવું હોય તો મુંબઈ નજીક પડે." મનસુખભાઈ બોલ્યા.
"બસ તો આ કામ માટે જ મેં તમને બોલાવ્યા હતા. બે મહિનાનો તમારી પાસે સમય છે. જે પણ વિચારવું હોય એ શાંતિથી વિચારી લેજો. અહીં મારે હવે કંઈ નવું ડેવલપમેન્ટ કરવું નથી. મારી પોતાની બંગલાની સ્કીમ ધરમશીભાઈ સાથે ભાગીદારીમાં બનાવી રહ્યો છું. એ એક જ મારી અત્યારે પ્રવૃત્તિ છે પરંતુ મને એમાં કોઈ રસ નથી. સ્કીમ પૂરી થઈ ગયા પછી જે પણ પ્રોફિટ આવશે એમાંથી મારા ભાગની રકમ મને મળી જશે." કેતન બોલ્યો.
" મને હમણાં બીજો એક વિચાર આવ્યો. આવતા મે વેકેશન સુધી મને અહીં જ રહેવા દો. કારણ કે બેબીનો અભ્યાસ અધવચ્ચે બગડે એવી મારી ઈચ્છા નથી. મુંબઈ આવું તો પણ આવતા વર્ષે જૂન મહિનામાં આવી શકું. ત્યાં સુધી જામનગરમાં રહીને તમારી જે સ્કીમ છે એનું અને સાથે સાથે બીજા મકાનોનું પણ માર્કેટિંગ કરતો રહીશ. એટલે મારી આવક પણ ચાલુ રહે અને મારો સમય પણ પસાર થાય." જયેશ બોલતો હતો.
"તમારી ઓફિસના ત્રણે ત્રણ ગાળા હું પાછા જ આપી દઉં છું. કારણ કે એવડા મોટા ગાળાની ઓફિસની મારે કોઈ જરૂર નથી. એના બદલે હમણાં કોઈ નાનકડી ઓફિસ ભાડાની હું લઈ લઈશ. એ પછી આવતા વર્ષે ફાઇનલ નિર્ણય લઉં ત્યારે નવી ઓફિસ લેવી કે મુંબઈ આવી જવું એ નક્કી કરીશ." જયેશ બોલ્યો.
"તને જે પણ યોગ્ય લાગે એ તું કરી શકે છે જયેશ. પૈસાની કોઈપણ જાતની ચિંતા કરીશ નહીં. હું તારી સાથે જ છું. દર મહિને તારી આવકને બાદ કરતાં જે પણ જરૂરિયાત હોય તે મને વિના સંકોચે કહેતો રહેજે. તારા ખાતામાં જમા થઈ જશે. આવતા મે મહિના સુધી ભાડાનો ફ્લેટ ચાલુ રાખ. એ પછી તું જો અહીં રહેવાનો હોય તો નાનો ફ્લેટ હું ચોક્કસ લઈ આપીશ." કેતન બોલ્યો.
"હવે તમે લોકો જઈ શકો છો. મારે બસ આ જ વાત કરવી હતી...અને મનસુખભાઈ તમે સાંજે ચાર વાગે પાછા અહીં આવી જજો. સાઈટ ઉપર જઈને ધરમશીભાઈ સાથે પણ આ બાબતની મારે વાત કરી લેવી છે." કેતન બોલ્યો.
એ પછી જયેશ અને મનસુખભાઈ નીકળી ગયા. બંને સાથે વાત કરીને કેતનનું મન થોડું હળવું થયું. એ પોતે જ આ બંને જણાને જામનગર લઈ આવ્યો હતો એટલે મનમાં થોડું દુઃખ તો હતું જ. એ બંને સેટ થઈ જાય એ જોવાની પોતાની ફરજ હતી અને આજે જે વાતચીત થઈ એનાથી એને ઘણો સંતોષ થયો.
જયેશ અને મનસુખ માલવિયા ગયા પછી કેતને ધરમશીભાઈ સાથે પણ વાત કરી લીધી.
" અંકલ કેતન બોલું. હું જામનગર આવી ગયો છું અને સાંજે ચાર વાગે સાઈટ ઉપર આવું છું તો જરા તમે ત્યાં આવી જજો ને ! " કેતન બોલ્યો.
"એ ભલે ભલે. આવી જાઓ. હું પણ ત્યાં પહોંચી જઈશ. " ધરમશીભાઈ બોલ્યા.
બાર વાગે સુધામાસીએ રસોઈ બનાવી દીધી એટલે એણે જમી લીધું અને પછી થોડો આરામ કર્યો. સાડા ત્રણ વાગે રાબેતા મુજબ પોતાની ચા એણે બનાવી અને પી લીધી. વાસણ તો સાંજે શાંતામાસી આવીને માંજવાનાં હતાં એટલે ચાનાં બધાં વાસણ કિચન ઉપરના બેસીનમાં મૂકી દીધાં.
ચાર વાગે મનસુખભાઈ આવી ગયા એટલે કેતને ગાડી એરપોર્ટ રોડ ઉપર જમનાસાગર બંગ્લોઝ તરફ લેવડાવી.
"આવો આવો કેતનકુમાર. કેવી રહી તમારી મુંબઈની ટ્રીપ ?" ધરમશીભાઈ બોલ્યા.
"મુંબઈમાં તો સિદ્ધાર્થભાઈના ઘરે જ ગયો હતો અને આ વખતની મારી ટ્રીપ ખરેખર ખૂબ જ સુંદર રહી અને મને મારી આગળની દિશા પણ મળી ગઈ. મેં એ ચર્ચા કરવા માટે જ તમને અહીં બોલાવ્યા છે અંકલ." કેતને વાત શરૂ કરી.
" હા હા બોલો ને ! ..." ધરમશીભાઈ બોલ્યા.
"અંકલ મારાં પોતાનાં જે સપનાં છે એના માટે જામનગર બહુ નાનું પડે છે. અમેરિકાથી આવ્યા પછી મને મારા ડાયમંડના ધંધામાં કોઈ જ રસ ન હતો એટલે નવું જ કંઈક કરવાની ઈચ્છા હતી.... સૌરાષ્ટ્રના કોઈ શહેરમાં શાંતિથી જીવન પસાર કરવાની ઈચ્છા હતી એટલે જામનગર પસંદ કર્યું..... પરંતુ અહીં આવ્યા પછી મને લાગ્યું કે આ ઉંમરે આટલી બધી શાંતિની ઝંખના પણ યોગ્ય નથી !" કેતન બોલતો હતો.
" બહુ વિચાર્યા પછી કોઈ પ્રવૃત્તિ ચાલુ કરવા માટે આ પ્લૉટ ખરીદવાનો મને વિચાર આવ્યો અને તમને આખો કોન્ટ્રાક્ટ આપી પણ દીધો. પરંતુ એમાં મારે તો કંઈ કરવાનું છે જ નહીં.... હું પોતે સાહસિક માણસ છું અંકલ. મેં હવે કાયમ માટે મુંબઈ સ્થાયી થવાનો નિર્ણય લઈ લીધો છે. બે મહિના પછી હું આ જામનગર છોડીને મુંબઈ શિફ્ટ થઈ રહ્યો છું. " કેતન બોલ્યો.
"તો પછી આ સ્કીમનું શું ?" કેતનની વાત સાંભળીને ધરમશીભાઈ ટેન્શનમાં આવી ગયા.
"તમારે આ સ્કીમની કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. આ તમારી જ સ્કીમ છે અને તમારે જ એ પૂરી કરવાની છે. એના માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જશે. એકવાર મેં તમને વચન આપ્યું એટલે હું એમાં ક્યાંય પાછો ફરતો નથી. આખી સ્કીમ પૂરી થઈ જાય અને બધા બંગલા વેચાઈ જાય એટલે જે પણ પ્રોફિટ થાય એમાંથી તમારે એક બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર તરીકે જે પણ પૈસા લેવાના થતા હોય તે લઈને બાકીના મને ટ્રાન્સફર કરી દેજો." કેતન બોલ્યો.
" ચાલો તમારી વાત સાંભળીને મને ઘણી રાહત થઈ. જો કે તમારા માટે જામનગર ખરેખર ઘણું નાનું છે અને તમે અહીં સ્થાયી થવાની વાત કરી ત્યારે મને પણ આશ્ચર્ય થયું હતું. તમે હિસાબની કોઈપણ ચિંતા ના કરશો. તમે આટલો મોટો વિશ્વાસ મારા ઉપર મૂક્યો છે તો પાઈ એ પાઈનો હિસાબ તમને મળશે. એ બાબતમાં હું ખૂબ જ પ્રમાણિક છું. આખી સ્કીમ પતી ગયા પછી હું મુંબઈ આવી જઈશ અને તમે જેમ કહેશો એ પ્રમાણે જ આપણે આપણા હિસાબની વહેંચણી કરીશું." ધરમશીભાઈ બોલ્યા.
જો કે કેતન હવે કાયમ માટે મુંબઈ જઈ રહ્યો હતો અને બંગલાની આખી સ્કીમ પોતાને સોંપી રહ્યો હતો એટલે ધરમશીભાઈ ધંધાને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા પરંતુ પોતાની દીકરી નીતાનાં લગ્ન હવે કેતન સાથે નહીં થઈ શકે એ વિચારથી એ થોડા અપસેટ થઈ ગયા !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)