પ્રારંભ - 40 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 40

પ્રારંભ પ્રકરણ 40

કેતનની વાત સાંભળીને લલ્લન પાંડે અંદરથી ધ્રુજી ઉઠ્યો. એને એ.સી માં પણ પરસેવો વળી ગયો.

આ માણસ ઘણી બધી તૈયારી કરીને આવ્યો છે અને મારા વિશે ઘણું બધું જાણે છે. જો એ મને સાથ આપનાર તમામ લોકોને હાઇકોર્ટમાં ઘસડી જાય તો કોઈને કોઈ તો વટાણા વેરી જ દે. અને બધા જ ડોક્યુમેન્ટ જજ પોતે વેરીફાય કરે તો સો ટકા પોતાને જેલ થાય જ. અત્યાર સુધી નસીબમાં હતું એટલું પ્લૉટમાંથી કમાઈ લીધું. હવે જો આ યુવાન મોં માગ્યા પૈસા આપતો હોય તો સોદો કંઈ ખોટનો નથી ! - પાંડેએ વિચાર્યું.

" તમે મને કેટલી રકમ આપવા તૈયાર છો ? " પાંડે નાછૂટકે તૈયાર થયો અને બોલ્યો.

"અરે પાંડેજી તમારો જ પ્લૉટ છે. તમે જ મકાનો બનાવ્યાં છે. તો તમે જ ગણતરી કરીને મને ફિગર આપો. મારે કંઈ આજ ને આજ જવાબ જોઈતો નથી. એક મહિનાનો ટાઈમ આપું છું. કાલથી જ કામે લાગી જાઓ. બધા સાથે મીટીંગો કરો. એ પછી આપણે મીટીંગ કરીએ. તમે કહેશો એ રકમ મળી જશે. મેં પણ મારી રીતે ગણતરી કરી જ છે. એટલે જરા વ્યાજબી લેજો " કેતન હવે હસીને બોલ્યો.

ત્યાં નોકર કોલ્ડ્રીંક્સ લઈને આવ્યો એટલે વાત બંધ રહી અને નોકરે બંનેને એક એક ગ્લાસ આપ્યો.

"અરે તમે નહીં લો પાંડેજી ?" જયદેવ બોલ્યો.

" ના મારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવા જ બેસતો હતો અને તમારો ફોન આવ્યો. " પાંડે બોલ્યો.

આટલી બધી ચર્ચા પછી જયદેવને બીજી કોઈ વાત કરવી યોગ્ય ન લાગી એટલે કોલ્ડ્રીંક્સ લઈ લીધા પછી એ ઉભો થઈ ગયો. એને ખ્યાલ આવી ગયો કે પાંડે હવે મજબૂર થઈને આ પ્લૉટ ખાલી કરાવવા તૈયાર થયો છે. એનો અત્યારે મૂડ સારો નથી.

"ચાલો નમસ્તે પાંડેજી. મહિના પછી મળીએ છીએ. શિવસેનાના વડા ઠાકરે ફેમિલી સાથે પણ મારે અંગત સંબધો છે એટલે કંઈ કામકાજ હોય તો કહેજો " કેતને વાર્તા કરીને પાંડેને બીજો આંચકો આપ્યો અને જયદેવની સાથે બહાર નીકળી ગયો.

" તેં જ્યાં ગાડી ઉભી રાખી હતી ત્યાં પહોંચી જા. હું બાઇક લઈને પાછળ જ આવું છું. મારે તારી સાથે વાત કરવી છે. " લિફ્ટમાંથી બહાર આવ્યા પછી જયદેવ બોલ્યો.

" ઠીક છે. " કેતન બોલ્યો અને પાર્કિંગ તરફ ગયો.

પહેલાં જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં કેતન પહોંચી ગયો. પાંચેક મિનિટમાં જયદેવ પણ આવી પહોંચ્યો.

જયદેવ કારનો દરવાજો ખોલીને કેતનની બાજુમાં બેઠો.

" આ બધું શું છે કેતન ? લલ્લન પાંડેની માહિતી તો મેં તને પહેલી વાર આપી અને તેં તો એની આખી કુંડળી ખોલી દીધી. આવું બને જ કેવી રીતે ? તું પાંડેનો આખો ઇતિહાસ જાણે છે તો પછી સાવ અજાણ્યા બનીને મને પૂછ્યું શા માટે ? મને બહુ ખરાબ લાગ્યું. " જયદેવ બોલ્યો.

"અરે જયદેવ... તું માને છે એવું કંઈ જ નથી. તને મળ્યો એ પહેલા હું ખરેખર એના વિશે કંઈ જાણતો ન હતો. પરંતુ જેવો એની સામે બેઠો તો મારી સાધનાના પ્રતાપે હું એનો આખો ભૂતકાળ વાંચી શક્યો. ઈશ્વરે મને કેટલીક શક્તિઓ આપેલી છે અને સમય આવે હું એનો ઉપયોગ કરી લઉં છું બસ. તારા સમ જયદેવ. હું જિંદગીમાં કદી ખોટું બોલતો નથી." કેતન બોલ્યો.

" કોઈ આટલું બધું જોઈ ના શકે. તું મારી મજાક કરી રહ્યો છે. " જયદેવ બોલ્યો.

" તું મારી વાત સાચી નથી માનતો ને ? તો સાંભળ. સુરતની નૈસર્ગીએ તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તારી સાથે એને સાચો પ્રેમ હતો જ નહીં. અમેરિકન મુરતિયો એના મા-બાપે બતાવ્યો તો એણે એની સાથે લગ્ન કરી લીધાં અને મોબાઇલમાં તને બ્લોક પણ કરી દીધો. એ પરણીને સાન ફ્રાન્સિસકો જતી રહી. તું એટલો બધો ઈમોશનલ થઈ ગયો હતો કે આત્મહત્યા કરવાનું પણ વિચારેલું. બોલ સાચી વાત ? " કેતને પૂછ્યું.

" હા એકદમ સાચી. " જયદેવે કબુલ કર્યું.

" ફિલ્મસિટીમાં જે છોકરી મળી એનું નામ પ્રિયંકા સિંહ છે. અને તેં એને પ્રપોઝ કરેલી. એના પિતા હયાત નથી. એક માત્ર બીમાર મા છે. એને પણ કોઈ સારા પાત્રની ઈચ્છા હતી એટલે તારી વાત એણે સ્વીકારી લીધી. બે વર્ષ પહેલાં શ્રાવણ મહિનામાં તેં એની સાથે કોર્ટ મેરેજ કર્યાં. એ દિવસે મુંબઈમાં બહુ જ વરસાદ હતો. બોલ સાચું ? " કેતન બોલ્યો.

" ગજબ યાર...માની ગયો બાપુ. તારી પાસે અદભુત શક્તિ છે. એકે એક વાત એકદમ સચોટ કહી. હવે મને કોઈ શંકા નથી રહી. ! " જયદેવ નત મસ્તક થઈ ગયો.

" હું લલ્લન પાંડે ને મળ્યો ત્યાં સુધી એના વિશે કંઈ જ જાણતો ન હતો. પરંતુ તું જ્યારે એની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે બે ત્રણ મિનિટ ઊંડા ધ્યાનમાં જઈને મેં એનો આખો ઈતિહાસ જાણી લીધો. હવે એને પ્લોટ ખાલી કરાવવો જ પડશે." કેતન બોલી રહ્યો હતો.

" ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોને હું રસ્તે રખડતા કરવા માગતો નથી. પાંડે એ લોકોને કેટલી રકમ આપે છે એ જોયા પછી જરૂર પડશે તો એ લોકોના વસવાટ માટે પણ હું કંઈક વિચારીશ. પરંતુ આ પ્લોટ ઉપર બે ત્રણ ટાવરો બનાવવાની મારી ઈચ્છા છે. " કેતન બોલ્યો.

" તારી ભાવના સાચી છે એટલે ઈશ્વર પણ તને મદદ કરે છે. તું આટલો બધો ધ્યાનમાં આગળ વધી ગયો છે અને આટલું બધું જાણી શકે છે એ જોઈને મને ખરેખર બહુ જ આશ્ચર્ય થાય છે. ગજબની સિદ્ધિ છે તારી પાસે. તને મળીને આજે ખરેખર આનંદ થયો છે. મને નથી લાગતું કે હવે તુકારામ કે રાજુ લંગડાની તને કોઈ જરૂર પડે." જયદેવ બોલ્યો.

" આ બધી મારા મહાન ગુરુજીની કૃપા છે અને ગાયત્રી સાધનાનો પ્રભાવ છે. આજે અચાનક અહીં આવવાની ઈચ્છા થઈ અને સીધી તારી સાથે જ મુલાકાત થઈ. એટલે જ મેં તને કહ્યું કે તારી અને મારી મુલાકાત એ કોઈ યોગાનુયોગ નથી. " કેતન બોલ્યો.

એ પછી થોડી આડી અવળી વાતો કરીને બંને મિત્રો છૂટા પડ્યા. કેતને ગાડીને પાર્લા તરફ લીધી.

રસ્તામાં કેતનને વિચાર આવ્યો તો એણે કારને સાઈડમાં લીધી અને ધીમે ધીમે ચલાવીને રુચિને ફોન લગાવ્યો.

"રુચિ હું કેતન બોલું." કેતન બોલ્યો.

" હા બોલો કેતન જી..." રુચિ બોલી.

" તમારા પ્લૉટનું અડધું કામ પતાવી દીધું છે. મતલબ પ્લૉટ ખાલી થઈ જશે. તમને કદાચ ખબર નહીં હોય પરંતુ છ જણનું તમે જે લિસ્ટ આપ્યું છે એમાંથી માત્ર લલ્લન પાંડે જ મકાનો ખાલી કરાવી શકે છે. હું અત્યારે એને મળીને આવું છું. મેં એક મહિનાનો ટાઈમ આપ્યો છે એને. એ જે કિંમત કહે એ પછી એની સાથે નેગોશીએશન કરીને હું સોદો કરી દઈશ. " કેતન બોલ્યો.

" વાઉ !! ત્રણ ચાર દિવસમાં આટલું જબરદસ્ત કામ કરી દીધું તમે ? આ હિસાબે મારો નિર્ણય ખોટો ન હતો. તમારા ઉપર મુકેલો વિશ્વાસ તમે સાચો ઠેરવ્યો. દોઢ વર્ષથી અમે સંઘર્ષ કરી રહ્યા છીએ અને તમે આટલો જલ્દી એને મનાવી લીધો. આઈ કાન્ટ બિલિવ ધીસ !! પણ આ બન્યું કેવી રીતે ? " રુચિ બોલી.

"સામ દામ દંડ ભેદ બધું જ કરવું પડે. તમારા નસીબ સાથે મારું નસીબ જોડાઈ ગયું એટલે સફળતા મળી. તમને ખબર છે ૭ ૧૨ ના ઉતારામાં અને સરકારી રેકોર્ડમાં તમારા પપ્પાની સાથે માલિકી હક્ક તરીકે લલ્લન પાંડેનું પણ નામ છે ?" કેતને પૂછ્યું.

" વ્હોટ !! પપ્પાની સાથે પાંડેનું પ્લૉટ ના માલિક તરીકેનું નામ ? હાઉ ઈટ ઈઝ પોસીબલ ? " રુચિ આઘાતથી બોલી.

" યસ મેડમ. આ ઇન્ડિયા છે. પૈસા વેરો એટલે બધું જ પોસિબલ છે. અને તમારી જાણ માટે એ પણ કહું કે લલ્લન પાંડેના નામની તમારા પપ્પાએ સહી કરેલી બનાવટી પાવર ઓફ એટર્ની પણ છે. બોલો હવે કંઈ કહેવું છે ? " કેતન બોલ્યો.

" તમે શું વાત કરો છો કેતન જી ? આ બધી તો અમને કંઈ ખબર જ નથી. પપ્પા પણ જાણતા નહોતા. તમે આ બધી માહિતી કેવી રીતે લઈ આવ્યા ? જબરદસ્ત કામ કરી રહ્યા છો તમે !!" રુચિ બોલી.

" હવે જાણવાની જરૂર પણ નથી. સામ એટલે કે સમજાવટથી કામ થાય એવું ન હતું. ભાડુઆતો પાસેથી ભાડું અને બીજા હપ્તાથી લાખો રૂપિયાની એની બેઠી આવક છે એટલે આપણી ઓફરમાં એને રસ નથી. દંડ કે સજા તો આપણે એને આપી શકીએ એમ નથી. એટલે પછી બધો ભેદ ખોલવો પડ્યો અને પાસા પોબાર ! પ્લોટ ખાલી થઈ જશે હવે. " કેતન બોલ્યો.

" તમારી ભેદવાળી વાત હું પૂરેપૂરી સમજી શકી નથી પરંતુ તમે સફળ થયા છો એનો જ મને આનંદ છે. હું આજે બહુ જ ખુશ છું. વિશ યુ ઓલ ધ બેસ્ટ કેતન જી. " રુચિ બોલી.

" થેન્ક યુ..." કહીને કેતને ફોન કટ કર્યો અને એક્સીલરેટર દબાવ્યું.

ઘરે પહોંચ્યો ત્યારે રાતના દસ વાગી ગયા હતા.

"બહુ મોડું કર્યું કેતન આજે તો તેં !" સિદ્ધાર્થ બોલ્યો.

"હા ભાઈ પ્લોટનો સોદો કરવા ગયો હતો અને અડધો સોદો આજે પતી ગયો. આજે બહુ મોટું કામ થઈ ગયું. દુનિયા ઝુકતી હૈ ઝુકાનેવાલા ચાહિયે જેવી વાત છે." કેતન બોલ્યો.

"ચાલ હવે હાથ મ્હોં ધોઈ લે. જમવા બેસી જઈએ . " સિદ્ધાર્થ બોલ્યો.

"તમે લોકો પણ હજુ જમ્યા નથી ? આટલી બધી રાહ જોવાય ? મારું આવવાનું ક્યાં કોઈ ઠેકાણું હોય છે ?" કેતન બોલ્યો.

" અરે તમે મારા લાડકા દિયર છો. પાછા અમારા મહેમાન પણ છો. એમ તમને મૂકીને થોડું જમી લેવાય ? " રેવતી બોલી.

" અરે ભાભી પણ તમારે કામનું પછી કેટલું મોડું થાય ? તમે બધું કામ પરવારો ત્યાં ૧૧:૩૦ થઈ જાય." કેતન બોલ્યો.

" રોજ રોજ તમે ક્યાં મોડા આવો છો ? કોઈક દિવસ મોડું વહેલું થાય. અને મને કંઈ કામની આળસ નથી. " રેવતી બોલી અને કિચનમાં ગઈ.

એક બાજુ એણે ચા મૂકી અને બીજી બાજુ બટેટાની સૂકીભાજી ગરમ કરી. થેપલાં તો હમણાં જ બનાવ્યાં હતાં અને કેસરોલ માં રાખેલાં હતાં એટલે ગરમ જ હતાં.

વીસેક મિનિટ પછી ડાઇનિંગ ટેબલ ઉપર મેથીનાં ગરમ ગરમ થેપલાં, ચા અને બટેટાની સૂકી ભાજી ત્રણ પ્લેટમાં આવી ગઈ.

" મેથીનાં થેપલાં ગમે તેના ઘરે બનતાં હોય પરંતુ સુગંધ આખા બ્લોકમાં આવે. હું ઉપર આવવા પગથિયાં ચડતો હતો ત્યારે જ મને લાગ્યું કે કોઈકના ઘરે મેથીનાં થેપલાં બનતાં લાગે છે. " કેતન હસીને બોલ્યો.

" મેથીનાં થેપલાં તમારી પ્રિય આઈટમ છે એ મને ખબર જ છે ભાઈ. જેટલું યાદ આવે છે એટલું નવું નવું બનાવ્યા કરું છું. જોઈએ હવે જાનકી કેવીક રસોઈ બનાવે છે ! " રેવતી બોલી.

" જાનકીને નહીં આવડે તો તમે અને મમ્મી છો જ ને ? શીખવાડી દેજો. " કેતન બોલ્યો.

" એ વાત સાચી કહી. જાનકી આમ તો ધગશવાળી છે. શીખી જશે." સિદ્ધાર્થે જાનકીનો પક્ષ લીધો.

" હવે તારો કાલનો શું પ્રોગ્રામ છે કેતન ?" જમ્યા પછી સિદ્ધાર્થે પૂછ્યું.

" મારો વિચાર છે આવતીકાલે સવારે ફ્લાઇટમાં જામનગર જતો રહું. શ્રાવણ મહિનાના હવે ચાર પાંચ દિવસ બાકી છે અને મારે ત્યાં પહોંચીને સવા લાખ મંત્રોનું ગાયત્રી પુરશ્ચરણ પણ કરવાનું છે. " કેતન બોલ્યો.

" એવું હોય તો એક દિવસ રોકાઈ જા. પરમ દિવસે જજે. " સિદ્ધાર્થ બોલ્યો.

" મારું લગભગ બધું જ કામ પતી ગયું છે અને તમારે પણ કાલે સ્ટોક એક્ષચેન્જ ચાલુ છે. એટલે ખાલી ખાલી દિવસ વેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી ભાઈ. હું નીકળી જ જાઉં !" કેતન બોલ્યો અને એણે રાત્રે જ જામનગર જવાની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દીધી.

અત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું એટલે એણે વહેલી સવારે ૭ વાગે જ મનસુખ માલવિયાને ફોન કરી દીધો કે શાંતામાસીને કહીને સવારે ઘર સાફ કરાવી રાખે. અને સુધામાસીને રસોઈ માટે પણ કહી દે. સાથે સાથે ૧૨:૩૦ વાગે એરપોર્ટ પણ આવી જાય.

સવારે ૧૦:૫૫ નું ફ્લાઇટ હતું એટલે સવારે ચાની સાથે રેવતીએ નાસ્તામાં ગઈ કાલનાં મેથીનાં થેપલાં અને ચા કેતન અને સિદ્ધાર્થને આપ્યાં.

" ગરમ કરતાં પણ આ ઠંડાં મેથીનાં થેપલાં વધારે સારાં લાગે છે ભાભી. " કેતન બોલ્યો.

"હા એટલે જ શીતળા સાતમે ઠંડી આઈટમોમાં સૌથી પહેલી આઈટમ મેથીનાં થેપલાં જ હોય છે." સિદ્ધાર્થ હસીને બોલ્યો.

" ભાઈ બની શકે તો તમે બંને પણ મમ્મી પપ્પા અને જાનકીની સાથે દ્વારકા દર્શન કરવા માટે આવો. હું છું ત્યાં સુધી સરસ રીતે દર્શન કરવાનો આ એક ચાન્સ છે. બે ચાર દિવસ ઓફિસ બંધ રાખવાની." કેતન બોલ્યો.

" જોઉં છું. શ્રાવણ મહિનાની સાતમ આઠમ આસપાસ પ્લાનિંગ કરું. આમ તો બોલ્ટ ચલાવવા એક હોશિયાર માણસ રાખેલો જ છે એટલે ઓફિસ ચાલુ રાખું તો પણ વાંધો નહીં આવે. " સિદ્ધાર્થ બોલ્યો.

"છતાં જન્માષ્ટમીના દિવસે જ દ્વારકા દર્શન કરવાનો પ્લાન ના કરતા કારણકે એ દિવસે દ્વારકામાં સખત ભીડ હોય છે અને શાંતિથી દર્શન નહીં થઈ શકે. એકાદ બે દિવસ આગળ પાછળ સેટ થાય તો વધારે સારું. " કેતન બોલ્યો.

"સારુ હું જોઈ લઉં છું. એ રજાઓમાં બે દિવસ અગાઉનો પ્લાન બનાવી દઈશ." સિદ્ધાર્થ બોલ્યો.

" બસ તો પછી તમારી રીતે જ પ્રોગ્રામ બનાવજો અને મમ્મી પપ્પા વગેરેને લઈને આવી જજો. " કેતન બોલ્યો.

એ પછી સિદ્ધાર્થ ચા નાસ્તો કરીને ઓફિસ જવા માટે નીકળી ગયો. સમય થયો એટલે ભાભીની રજા લઈને કેતન પણ સવારે ૯:૩૦ વાગે જ એરપોર્ટ જવા માટે રીક્ષા કરીને ઘરેથી નીકળી ગયો. અહીંથી એરપોર્ટ માત્ર દસ મિનિટના રસ્તે હતું.

બોર્ડિંગ પાસ અને સિક્યુરિટી વગેરે પતાવીને કેતન જામનગર જતી લોન્જમાં જઈને બેઠો. ફ્લાઈટ અહીંથી જ ઉપડતું હતું એટલે સમયસર જ પેસેન્જરોને લઈને જામનગર જવા માટે ટેક ઓફ થયું.

કેતન જામનગર પહોંચ્યો ત્યારે બપોરે ૧૨:૩૦ વાગે મનસુખ માલવિયા ગાડી લઈને એરપોર્ટ ઉપર હાજર જ હતો. જેવો કેતન બહાર નીકળ્યો કે તરત જ મનેસુખે ટ્રોલી બેગ હાથમાં લઈ લીધી અને ગાડીની પાછળ ડેકીમાં ગોઠવી દીધી.

ગાડી સડસડાટ પટેલ કોલોની તરફ ભાગતી હતી અને કેતનના મનમાં પણ વિચારો એટલા જ ઝડપથી દોડી રહ્યા હતા. એક જ અઠવાડિયામાં મુંબઈમાં એના જીવનમાં ઘણી બધી ઘટનાઓ બની ચૂકી હતી.

સૂક્ષ્મ અવસ્થામાં પોતાના માયા જગતમાં જે શહેરની એને માયા લાગી હતી એ જામનગરની આ માયાનગરી હવે લગભગ અઢી મહિના પછી કાયમ માટે છૂટી જવાની હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)