કિસી કા ભાઈ કિસી કી જાન Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિસી કા ભાઈ કિસી કી જાન

કિસી કા ભાઈ કિસી કી જાન

- રાકેશ ઠક્કર

શાહરૂખ ખાન સાથેની પઠાનની જેમ સલમાનની કિસી કા ભાઈ કિસી કી જાન પણ બોક્સ ઓફિસ પર મોટા રેકોર્ડ બનાવશે એવી આશા પૂરી થઈ નથી. બલ્કે સલમાન માટે અલગ પ્રકારના જ રેકોર્ડ બન્યા છે. સમીક્ષકોની સાથે દર્શકોએ પણ ભાઇજાન ના રૂપને પસંદ કર્યું નથી. દર્શકોને અપેક્ષા ન હતી કે ચાર વર્ષ પછી ઈદના દિવસે સલમાનભાઈની આવી ફિલ્મ જોવાની હશે.

ફિલ્મની પહેલા દિવસની રૂ.15.81 કરોડની આવકને એની કારકિર્દીની અન્ય ફિલ્મો સાથે સરખાવતાં ખબર પડે છે કે તેણે આ ફિલ્મ બનાવીને ભૂલ કરી છે. તેની સુપરફ્લોપ ફિલ્મો આથી વધુ આવકાર મેળવી શકી હતી. ભારતમાં 4500 સ્ક્રીન મળ્યા હોવા છતાં ફિલ્મે એટલા ખરાબ રેકોર્ડ બનાવ્યા છે કે સલમાને શરમ અનુભવવી પડે એમ છે.

છેલ્લા દસ વર્ષમાં સલમાનની કોઈ ફિલ્મે રૂ.17 કરોડથી ઓછું ઓપનિંગ મેળવ્યું નથી. એની ફિલ્મ માટે રૂ.20 કરોડથી શરૂઆત સામાન્ય ગણાતી હતી. વીકએન્ડમાં સારી કમાણી પછી પણ ખરાબ ઓપનિંગનો ડાઘ ધોવાય એમ નથી.

કોરોના પછી રજૂ થયેલી અને સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ટોપ પાંચ ફિલ્મોમાં કિસી કા ભાઈ કિસી કી જાન આવી શકી નથી. સલમાનની ઈદ પર ફિલ્મ આવે ત્યારે થિયેટરોમાં ઉત્સવ જેવો માહોલ હોય છે. આ વખતે ઈદ પર સૌથી ઓછું કલેક્શન મળ્યું છે. કિસી કા ભાઈ કિસી કી જાન ને પહેલા દિવસે અક્ષયકુમારની ફ્લોપ ફિલ્મ જેટલું કલેક્શન મળ્યું છે. એ પરથી કહી શકાય કે સલમાનના એના જેવા દિવસો શરૂ થઈ ગયા છે. અક્કીની ફ્લોપ જાહેર થયેલી રામસેતુ ને આથી વધુ ઓપનિંગ મળ્યું હતું.

કોરોના પછી દર્શકોની પસંદ તો બદલાઈ જ છે પણ એ માત્ર સ્ટારડમને સલામ કરી રહ્યા નથી. ફિલ્મનો વિષય જો ના ગમે અને મનોરંજન પૂરું પાડે એવો ના હોય તો સ્ટારને તારા બતાવી દેતા ખચકાતાં નથી. આ વખતે તો સલમાને વિચિત્ર નામ રાખીને ફિલ્મ માટે પહેલાથી જ શંકા ઊભી કરી હતી.

સલમાને વીરમ ની સાથે અનેક ફિલ્મોની રીમેક ભેગી કરીને સ્વાદ બગાડી નાખ્યો છે. ફિલ્મની વાર્તા અનેક વખત આવી ચૂકી છે. આ વાર્તા પરથી દરેક ભાષામાં ફિલ્મ બની ચૂકી છે. દસ વર્ષ પહેલા આવી વાર્તા પર ફિલ્મો બનતી હતી. ભાઈજાને (સલમાન ખાન) પોતાના નાના ત્રણ ભાઇઓની જવાબદારીને કારણે લગ્ન કર્યા નથી. એ એમના લગ્નની વિરુધ્ધમાં છે. એ ઈચ્છતો નથી કે એમની વચ્ચે કોઈ આવી જાય. એટલે ભાઈઓ એમના ભાઇજાનના લગ્ન કરાવવા માગે છે. જેથી તેઓ લગ્ન કરી શકે. અને ભાઇજાનના જીવનમાં ભાગ્યલક્ષ્મી (પૂજા હેગડે) નો પ્રવેશ થાય છે. પહેલા તે એનાથી દૂર ભાગે છે પછી પ્રેમ કરવા લાગે છે. ભાગ્યલક્ષ્મીનો ભાઈ અન્નય (વેંક્ટેશ) મુશ્કેલીમાં હોય છે ત્યારે એને મદદ કરવા ભાઇજાન અને એના ભાઈઓ જાય છે. ફિલ્મનો અંત કોઈને પણ ખ્યાલ આવી જાય એવો છે.

સલમાન ખાન આ વખતે ઘણી બાબતે થાપ ખાઈ ગયો છે. તેનો લાંબા વાળ સાથેનો લુક કોઈ કારણ વગરનો છે. માત્ર ચર્ચામાં રહેવાનો આ એક મુદ્દો ઊભો કર્યો હતો. ખરેખર તો એ લુકમાં તે સલમાનનો ડુપ્લિકેટ જેવો લાગે છે. એક પારિવારિક ફિલ્મ બનાવવાનો આશય રાખ્યો હોવા છતાં બધા મસાલા નાખવામાં માર ખાઈ ગયો છે. ફિલ્મમાં સલમાનની જિંદગી સાથે સંકળાયેલી કેટલીક વાતોને જોડવામાં આવી છે.

સૌથી મોટી ભૂલ નિર્દેશક ફરહાદ શામજીને લઈને કરી હતી. તે બીજા કોઈ નિર્દેશકને લઈ શક્યો હોત. સારો નિર્દેશક સલમાન પાસે સારો અભિનય કરાવી શકે છે. એણે બજરંગી ભાઇજાન જેવો અભિનય આપ્યો નથી. ફરહાદ માત્ર કોમેડીમાં થોડો સફળ રહ્યો છે. આ ફિલ્મે બીજા નિર્માતાઓને ચેતવણી આપી છે કે ફરહાદ સાથે ફિલ્મ ના બનાવશો.

સલમાને ટીવીના કલાકારોને રોજગાર પૂરો પાડવા અને દોસ્તી નિભાવવા જ ફિલ્મ બનાવી હોય એવું લાગી રહ્યું છે. એણે પોતાના ભાઈઓ અને એની પ્રેમિકા તરીકે જે કલાકારો રાઘવ, જસ્સી, શહનાઝ, પલક, સિધ્ધાર્થ વગેરેને તક આપી છે એ અપેક્ષા મુજબ કામ કરી શક્યા નથી. ગાયક અને ડાન્સરને અભિનેતા બનાવીને સલમાને શું સાબિત કર્યું છે એ સમજાતું નથી. એમના સ્થાને જાણીતા અને અનુભવી કલાકારો ફિલ્મને બચાવી શક્યા હોત.

પૂજા હેગડે સુંદર દેખાય છે પણ એના બદલે બોલિવૂડની કોઈ અભિનેત્રીને લીધી હોત તો ફરક પડી ગયો હોત.

ફિલ્મના ગીત- સંગીતે બાજી બગાડી છે. એના અગાઉના મિત્ર એવા સાત-સાત ગીતકારો અને સંગીતકારો એક સુપરહિટ કહી શકાય એવું ગીત આપી શક્યા નથી. એક સમીક્ષકે તો ફિલ્મને સંગીત આલબમ તરીકે ઓળખાવી છે. કેમકે એવું લાગે છે કે ગીતોની વચ્ચે ફિલ્મ થોડી ચાલી રહી છે. છેલ્લા ચાર દિવસમાં સલમાને YOU TUBE પર ફિલ્મના એટલા બધા ગીતો રજૂ કર્યા કે ખ્યાલ આવી ગયો હતો કે થિયેટરમાં એ જ વધારે હશે.

ફિલ્મનો એક સંવાદ એવો નથી કે યાદ રહી જાય. સંવાદના અંતે વંદે માતરમ કહેવાથી દેશભક્તિ આવી જાય નહીં. અક્ષયકુમારની આખી ફિલ્મો દેશભક્તિ પર આવી હતી છતાં સફળ રહી નથી. આવી મોટી ફિલ્મમાં દસ સંવાદ તો એવા હોવા જ જોઈએ જે યાદગાર હોય.

ફિલ્મના જમા પાસા જોઈએ તો માત્ર બેકગ્રાઉન્ડ સંગીત અને એક્શન છે. ફિલ્મના ઘણા ગીતો સારા છે પણ યાદ રહી જાય એવા નૈયો લગદા, યેન્તમ્મા અને ઓ બલ્લે બલ્લેછે. ઓછા પડયા હોય એમ છેલ્લે પણ ગીત ઘૂસાડી દીધું છે. ફિલ્મ દર્શક સાથે કોઈ બાબતે જોડાણ કરી શકતી નથી.