Prem - Nafrat - 74 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૭૪

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૭૪

એ લખમલભાઈ જ હતા ને?’ રચના બોલી ઊઠી.

હા, મેનેજર એમના ઇશારે બધું કરી રહ્યો હોવાનું કેટલાક મજૂરોએ નિરૂપાને કહ્યું હતું. પહેલાં રણજીતલાલ અને પછી દેવનાથભાઈના અકાળ મોતથી મજૂરવર્ગ જ નહીં પણ બધાં જ કર્મચારીઓ ચોંકી ઊઠયા હતા. કંપની કે એના શેઠ વિરુધ્ધ બોલવાની હિંમત કોઈ કરી શકે એમ ન હતા. બધાએ જીભ પર તાળું મારી દીધું હતું. જેને અનુકૂળ ના આવે એ ફરિયાદ કે રજૂઆત કરવાને બદલે નોકરી છોડવાનું પસંદ કરતું હતું. ધીમે ધીમે આપણે લખમલભાઈની કંપની જ નહીં એમની વાતથી દૂર થતાં રહ્યા. હું એક સામાન્ય સ્ત્રી હતી. કોઇની સાથે બાથ ભીડી શકું એમ ન હતી. મારું ધ્યાન રોજીરોટી અને તારા ઉછેર પર જ રહ્યું. સાચું કહું તો હું બધી વાતો ભૂલી ચૂકી હતી. તું યુવાન થઈ અને તેં પિતા વિશે વિચાર કરવાનું શરૂ કર્યું અને લખમલભાઈને ત્યાં નોકરી મેળવી એમની સાથે બદલો લેવાનું વિચાર્યું એ મને પહેલાં અજીબ લાગ્યું હતું. પરંતુ મને પછીથી તારી વાત યોગ્ય લાગી હતી. આપણે ઘણું સહન કર્યું છે. રણજીતલાલ અને દેવનાથભાઈ જેવા ઘણા પરિવાર હશે જે લખમલભાઈની મહત્વાકાંક્ષા માટે બલી ચઢી ગયા હશે...મીતાબેનની આંખમાં પાણી આવી ગયા.

મા, હવે લાંબો ઇંતજાર કરવો પડશે નહીં. લખમલભાઈ અને એમના પરિવારે વર્ષો પહેલાની ભૂલની કિંમત ચૂકવવી પડશે. એની શરૂઆત આજથી જ થશે...રચના એક દ્રઢ નિર્ધાર સાથે બોલી.

બેટા, તું જે કંઇ કરે એ સાચવીને અને વિચારીને કરજે. મોટી કંપનીઓ પોતાનો સ્વાર્થ જ જોતી હોય છે. એમને પોતાના નાના અને પાયાના કહી શકાય એવા કર્મચારીઓની પડી હોતી નથી.મીતાબેન ભૂતકાળને યાદ કરીને સલાહ આપી રહ્યા.

મા, હવે હું છું અને એમની કંપની છે. હવે મારું પણ કંપનીમાં વર્ચસ્વ છે. હું ઘણા નિર્ણય લઈ શકું છું. તને નવાઈ લાગશે કે આરવના ભાઇઓની પત્નીઓ ઘરમાં કોઈ નિર્ણય લેવા સ્વતંત્ર નથી. કોલૂના બેલની જેમ જીવે છે પણ મેં મારી એક અલગ ઓળખ ઊભી કરી છે. હું એમની કંપનીના નિર્ણયો લઈ શકું છું અને એમાં બદલાવ પણ કરી શકું છું.રચના ગર્વથી બોલી અને માને પગે લાગી નીકળી ગઈ.

બીજા દિવસે 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીના કેટલાક મહત્વના કામો કર્યા પછી રચનાએ પોતાની બાજી રમવાની શરૂઆત કરી દીધી. રચનાએ કંપનીના સીએને બોલાવી હિસાબ કિતાબ જોઈને કેટલીક બાબતની ચર્ચા કરી ત્યારે સીએને કલ્પના ન હતી કે એક જ દિવસમાં રચના કેવો નિર્ણય લેવાની છે. રચનાએ બીજા બે-ત્રણ કન્સલ્ટન્ટનો સંપર્ક કર્યો અને વિચાર કરીને આખી બાજી તૈયાર કરી દીધી.

આરવ સાથે એણે રૂટિન વાતો કરી અને કંપનીનો ગ્રોથ સારો હોવાની ખુશી વ્યક્ત કરી. છેલ્લા છ મહિનામાં 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીના મોબાઈલનો વેપાર વધ્યો હતો. રચનાએ કંપનીના મોબાઇલમાં સમય સમય પર સુધારાવધારા કરાવ્યા હતા એનો ફાયદો થયો હોવાની ખુશી લખમલભાઈ અને આરવ વ્યક્ત કરી ચૂક્યા હતા.

રચનાએ મોબાઇલની લોકપ્રિયતા માટે કેટલાક મુદ્દે ધ્યાન આપ્યું હતું. બીજી કંપનીઓ નવી અપડેટ જલદી આપતી નથી. ત્યારે એ દર છ મહિને અચૂક એક અપડેટ અપાવતી હતી. કોઈપણ નવા ફોનની કિંમત એટલી રાખતી હતી કે સામાન્ય વ્યક્તિને પરવડી શકે. દરેક નવા મોબાઈલ ફોન ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચવાનું રાખતી હતી અને કિંમત થોડી વધારે રાખીને ઓફર આપતી હતી. જેથી ગ્રાહકોને માનસિક એવી લાગણી થાય કે એમને સસ્તામાં મળ્યો છે. તે 'ઓલ ઇન વન મોબાઇલ' ને બીજા ગિમિકથી દૂર રાખતી હતી. એક કંપનીએ વર્ચ્યુલ રેમનું ધુપ્પલ ચલાવ્યું હતું એની પોલ ખોલી નાખી હતી. હમણાં કેટલીક કંપનીઓ રૂ.૨૦૦૦૦ ના મોબાઇલમાં કેમેરાની ક્વોલીટી ઓછી આપતી હતી ત્યારે રચનાએ એમાં કોઈ સમાધાન કર્યું નહીં. આજે કેમેરાનો વપરાશ વધી ગયો છે ત્યારે વધુને વધુ સારો કેમેરો આપવાનો પ્રયાસ કર્યો. રચના એટલા દિલ અને દિમાગથી મોબાઈલ પર કામ કરતી હતી કે લખમલભાઈ કે એમના કોઈ પુત્રએ માથું મારવાની જરૂર રહી ન હતી.

રચનાએ હવે પોતાનું સ્થાન ઊભું કરી દીધું હતું એટલે આજે ઓફિસમાં કહ્યું:આરવ, મેં કંપની માટે એક વિચાર કર્યો છે... એણે નિર્ણય શબ્દ વાપરવાનું ટાળ્યું.

તારા દરેક વિચાર કંપનીના લાભ માટે જ હોય છે. તારે કોઈને પૂછવાની જરૂર નથી. એનો અમલ કરી દેવાનો! આરવ ખુશ થઈને બોલ્યો.

રચનાએ વાતને વધારે લંબાવ્યા વગર નિર્ણય સંભળાવી દીધો:આરવ, આપણે 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીને બે ભાગમાં વહેંચી દઈએ. આપણી એક અલગ નામની મોબાઈલ કંપની શરૂ કરીએ...

રચનાની વાત સાંભળીને આરવ પર વીજળી પડી હોય એમ એ પોતાની ખુરસીમાંથી ઊભો થઈ ગયો.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED