Swami Sachchidanand books and stories free download online pdf in Gujarati

સ્વામી સચ્ચિદાનંદ


સ્વામી સચ્ચિદાનંદ

આજે આત્મકથાકાર, પ્રવાસનિબંધ અને ચિંતનાત્મક નિબંધના લેખક,સમાજસુધારક ધર્મચિંતક સંન્યાસી એવા સ્વામી સચ્ચિદાનંદનો જન્મદિન છે.

21 વર્ષની વયે વૈરાગ્યની તીવ્ર ધૂનમાં ગૃહત્યાગ કરીને, પગે ચાલી ભારતભ્રમણ કર્યા પછી ઈ. સ. 1956માં પંજાબના ફિરોજપુર શહેરમાં સ્વામી મુક્તાનંદજી પાસે તેમણે સંન્યાસની દીક્ષા લીધી. તેમનો જન્મ ૨૨ એપ્રિલ, ૧૯૩૨ ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી પરમહંસતેમનાં ગુરુ તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમગુજરાતના દંતાલી ગામ ખાતે આવેલો છે.

બનારસમાં અભ્યાસ કરી,1966 વેદાન્તાચાર્યની પદવી યુનિવર્સિટી પરીક્ષામાં પ્રથમ આવી, સુવર્ણચંદ્રક પ્રાપ્ત કાર્યો. 1969માં પેટલાદ પાસે દંતાલી ગામમાં ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના કરી અને ઈ. સ. 1976માં એનું ટ્રસ્ટ કર્યું. ઊંઝા અને કોબા(ગાંધીનગર)માં પણ આ ટ્રસ્ટ સંચાલિત આશ્રમો છે. એમાં માનવસેવાની અને વિદ્યોત્તેજક પ્રવૃત્તિઓ થાય છે. ગુજરાતની સેવાભાવી લોકહિતની વિવિધ સામાજિક, સાંસ્કારિક તથા વિદ્યાકીય સંસ્થાઓને એમના ટ્રસ્ટ તરફથી દર વરસે લાખો રૂપિયાની ઉદાર આર્થિક સહાય અપાય છે. પ્રવચનો અને પુસ્તકો લખીને ગુજરાતના વિચારજગતને ઢંઢોળવાનો અને સમુચિત માર્ગદર્શન આપવાનો એમનો સક્રિય પુરુષાર્થ રહ્યો છે. એમણે કોઈ સંપ્રદાય-પંથ સ્વીકાર્યો ન હોવાથી એમનું વિચારજગત ખુલ્લું છે. ઇતિહાસ અને વિજ્ઞાન એમના રસના મુખ્ય અભ્યાસ વિષયો હોવાથી એમનામાં દૃષ્ટિની વિશાળતા છે અને એમનો અભિગમ વૈજ્ઞાનિક છે.

એમણે અત્યાર સુધીમાં પચાસેક પુસ્તકો લખ્યાં છે. એમાંનાં કેટલાંકને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિકો પ્રાપ્ત થયાં છે.સંદેશમાં 1988થી લોકસાગરને તીરે તીરે’ – એ સાપ્તાહિક કટારલેખન દ્વારા સમાજ, રાષ્ટ્ર અને ધર્મને લગતા અનેકવિધ પ્રશ્નોની તેઓ નિર્ભયપણે ચર્ચાવિચારણા કરતા રહ્યા છે. એ ચિંતનલક્ષી કટાર માટે ગુજરાત પત્રકાર સંઘ દ્વારા એમને ઍવૉર્ડ અપાયો છે. ઉપરાંત ધર્મમય માનવસેવા માટે દધીચિ ઍવૉર્ડ, આનર્ત ઍવૉર્ડ, શ્રી ગોંધિયા ઍવૉર્ડ તેમજ એમની વિશિષ્ટ પ્રજાસેવાના ઉપલક્ષ્યમાં સૌરાષ્ટ્ર પરિવાર તરફથી સોનું-ચાંદી-હીરાજડિત ક્રાંતિચક્ર’ (જેની હરાજી કરતાં ઊપજેલા દોઢ કરોડ રૂપિયાનું ટ્રસ્ટ કરી સૌરાષ્ટ્રમાં ચેકડેમો બંધાવવાની પ્રવૃત્તિ થઈ.) જેવા ગૌરવ પુરસ્કારો એમને એનાયત થયા છે.

1986માં મારા અનુભવોનામે એમણે 91 પ્રકરણોમાં વિસ્તરેલી આત્મકથામાં પોતાના ગૃહત્યાગ પછીના વિશિષ્ટ અનુભવોને વર્ણવ્યા છે. એમાં બ્રહ્મચર્ય, ગુરુપ્રથા, અંધશ્રદ્ધા, વર્ણાશ્રમ, ચમત્કારો, સેવાપ્રવૃત્તિ જેવા વિવિધ વિષયો પરનું એમનું ચિંતન સરસ રીતે વણાઈ ગયું છે. મેં ઈશ્વરને જોયો નથી પણ તેની કૃપાનો અસંખ્ય વાર અનુભવ કર્યો છે એમ કહેનાર આ સંન્યાસીના એમાં આલેખાયેલા અનુભવો વિશદ અને ચિત્રાત્મક છે અને સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે. આ આત્મકથા માટે લેખકને નર્મદ ચંદ્રક આપવામાં આવ્યો હતો. એની લગભગ તેર આવૃત્તિઓ થઈ છે.

એમણે વિશ્વના લગભગ બધા જ દેશોના પ્રવાસો કર્યા છે. ઈ. સ. 1970માં પૂર્વ આફ્રિકાનો અને છેલ્લે ઈ. સ. 2005માં ઇન્ડોનેશિયામલેશિયાકંબોડિયાથાઇલૅન્ડનો પ્રવાસ અને વચ્ચે યુરોપ, અમેરિકા, ચીન, રશિયા, ઇજિપ્તઇઝરાયેલ, શ્રીલંકા, ઑસ્ટ્રેલિયાન્યૂઝીલૅન્ડનો. આપણે અને પશ્ચિમ’, ‘પૃથ્વીપ્રદક્ષિણા’, ‘પૂર્વમાં નવું પશ્ચિમ’, ‘આફ્રિકા પ્રવાસનાં સંસ્મરણો’, ‘શ્રીલંકાની સફરેવગેરે તેર જેટલાં એમનાં પ્રવાસવર્ણનનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. એમાં વિદેશની વિવિધ પ્રજાઓનો, ત્યાંની ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કરી, તે પ્રદેશોની કલાસમૃદ્ધિ, ત્યાંની પ્રજાના ઉદ્યમ, સત્યનિષ્ઠા, પ્રામાણિકતા તથા ગુણવિશેષોને ઉઠાવ આપ્યો છે અને આપણી પરિસ્થિતિને તુલનાત્મક રીતે વિલોકીને પોતાનાં પૃથક્કરણાત્મક નિરીક્ષણો રજૂ કર્યાં છે. પૂર્વપશ્ચિમ બંનેનાં, સમાજ-ધર્મ-સંસ્કૃતિના સંદર્ભમાં એમણે આપેલાં તારણો માર્ગદર્શક બને એવાં છે.

ભારતીય દર્શનો’, ‘વેદાન્ત-સમીક્ષા’, ‘ધર્મ’, ‘ગીતા અને આપણા પ્રશ્નો’, ‘શું ઈશ્વર અવતાર લે છે ?’ જેવાં એમનાં પુસ્તકોમાં ફિલસૂફી, ધર્મ વગેરેની સામાજિક અને રાષ્ટ્રીય સંદર્ભમાં એમણે ચર્ચા કરી છે. બ્રહ્મ અને જગત બંનેને તેઓ સત્ય માને છે. આપણાં દર્શનોના પ્રગટીકરણની ઐતિહાસિક રૂપરેખા આપી, એમની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ દર્શાવી, દર્શનોના પ્રદાનની એક સત્યશોધક તરીકે સ્પષ્ટ અને નીડરતાપૂર્વક રજૂઆત કરી છે અને સમાજ તથા રાષ્ટ્રની દૃષ્ટિએ એમની પર્યાલોચના કરી છે.વેદાન્ત સમીક્ષામાં એમણે સામાન્ય જન માટે અનુભવસિદ્ધ યુક્તિઓથી વેદાંતની વ્યર્થતા બતાવી છે. ધર્મમાં વ્યક્તિની અંદર રહેલા સદગુણોને વિકસિત કરી પ્રગટ કરવાની પ્રક્રિયાને ધર્મ કહીને, એ સત્ય અને ન્યાયનું સંયોજન છે એમ જણાવે છે; પ્રજાના પ્રશ્નો ઉકેલે, એને સન્માન, સમૃદ્ધિ અને સુસંસ્કાર આપે એવા ધર્મની એ જિકર કરે છે. અન્ય ધર્મવિષયક લેખોમાં એમણે ધર્મને વિશ્વનું પ્રાણદાયી તત્વ કહીને ધર્મપ્રેમ, ધર્મમોહ અને ધર્મઝનૂનના ત્રણ સ્તરોને બરાબર ઉપસાવ્યા છે. ધર્મના પડકારોની અને અન્ય મુદ્દાઓની ચર્ચા કરતાં, ભારતની દુર્દશાનાં કારણો શોધ્યાં છે, એમાં વર્ણવ્યવસ્થા, પલાયનવાદી ફિલસૂફી તથા વ્યક્તિપૂજા હિન્દુ પ્રજાને અધોગતિ તરફ લઈ ગઈ છે, એ વાત દૃઢતાથી રજૂ કરી છે. અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થાએ એમના નોંધપાત્ર ગ્રંથમાં, ‘મનુસ્મૃતિમાંથી પ્રમાણભૂત શ્લોકો ટાંકીને એમણે વર્ણવ્યવસ્થાનો વિગતે ચિતાર આપી, વર્ણવ્યવસ્થાએ હિન્દુ પ્રજાને અધોગતિ તરફ ધકેલી છે એ તાર સ્વરે નિરૂપ્યું છે.સંપ્રદાયમુક્ત ધાર્મિકતાએ એમનું સૂત્ર છે.

સંસાર રામાયણ’, ‘શ્રીકૃષ્ણલીલારહસ્ય’, ‘પ્રવચનમંગલ’, ‘શિવતત્વનિર્દેશજેવા ગ્રંથોમાંથી પહેલામાં રામકથાના સંપુટમાં સંસારના અનેકવિધ પ્રશ્નોની, ચમત્કારોને ઓગાળીને, એમણે મીમાંસા કરી છે. અન્યમાં કૃષ્ણની લીલાઓનાં પાત્રોપ્રસંગોરૂપકોપ્રતીકો સમજાવીને એમણે સચોટ અર્થઘટન કર્યાં છે. ગીતાના પ્રશ્નોની ચર્ચામાં ધર્મ, સમાજ અને રાષ્ટ્રના પ્રશ્નોને પાયામાંથી તપાસ્યા છે અને આપણા જીવનપ્રશ્નો વિશે ગીતામાંથી કેવું માર્ગદર્શન મળે છે એ દલીલો દ્વારા સમજાવ્યું છે.એમના ઇતિહાસ-અભ્યાસે એમની પાસે બે પુસ્તકો લખાવ્યાં છે : ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસઅને ભારતમાં અંગ્રેજોનાં યુદ્ધો’. એ બંનેમાં ઇતિહાસમાંથી બોધપાઠ લેવાની હિમાયત કરીને અંગ્રેજો જેવી સંધિકળા તથા વહીવટી કુશળતા આપણે દર્શાવી શક્યા નથી એ ઉદાહરણો આપી સ્પષ્ટ કર્યું છે.

એમના અનેક લેખસંગ્રહોચાલો, અભિગમ બદલીએ’, ‘નવા વિચારો’, ‘આપણે અને સમાજ’, ‘નવી દૃષ્ટિ’, ‘નવી આશા’, ‘નવી દિશા’, ‘હવે તો જાગીએવગેરેમાં રાષ્ટ્રના, ધર્મના, અર્થતંત્રના, વિદેશનીતિના, પર્યાવરણના, યંત્રોદ્યોગના, ગૃહનીતિના અનેક પ્રશ્નોનો વિચાર કર્યો છે ઉપસંહારનામના એમના પુસ્તકમાં એમણે પોતાનામાં કેવી રીતે પરિવર્તન આવ્યું એની વાત કરી, ઈશ્વર, ધર્મ, કર્મ-સિદ્ધાંત વગેરે અનેક વિષયો પર પોતાની વિચારણા અર્ક રૂપે રજૂ કરી છે. નરનારીના સંબંધોમાનવસંબંધો, મનુષ્યના આવેગો અને લાગણીઓ જેવા વિષયો પણ એમણે સ્વતંત્ર પુસ્તકો લખીને ચર્ચ્યા છે. એમના લેખો વિષયની મુદ્દાસર અને વ્યવસ્થિત રજૂઆત કરે છે અને વિચારગર્ભ નિબંધો તરીકે આકર્ષી રહે છે. એમનું ગદ્ય પ્રવાહી, વિશદ અને સંસાર રામાયણજેવામાં કાવ્યતત્વના સ્પર્શવાળું છે. એમના વિચારો સ્પષ્ટ રીતે અને નિર્ભીકતાથી રજૂ થાય છે અને એમાં મૂળગામી ચિંતન કરનાર એકેશ્વરવાદી, વાસ્તવવાદી, રાષ્ટ્રપ્રેમી, ધર્મપ્રેમી, પ્રવૃત્તિશીલ સંન્યાસીનું ચિંતક તરીકેનું વ્યક્તિત્વ ઉઠાવ પામતું અનુભવાય છે. એમની આત્મકથા સમેત પાંચ ગ્રંથોના અંગ્રેજીમાં અને આઠ ગ્રંથોના હિન્દીમાં અનુવાદો પ્રગટ થયા છે

આવા ચિંતક સન્યાસીના જન્મદિને તેમના પુસ્તકોમાંથી પ્રેરણા મેળવી, જીવન ઉર્ધ્વગામી બનાવીએ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED