અંગાર - પુસ્તક સમીક્ષા Dr. Ranjan Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગાર - પુસ્તક સમીક્ષા

પુસ્તકનું નામ:- અંગાર

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

લેખક પરિચય:-

'અંગાર' પુસ્તકના લેખક અશ્વિની ભટ્ટનો જન્મ ૨૨ જુલાઇ, ૧૯૩૬ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે એલિસ્ટર મેકલિન અને જેમ્સ હેડલી ચેઇઝનાં સંખ્યાબંધ પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. તેમણે લેરી કોલિન્સ અને ડોમિનિક લેપાયરનાફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકનો ગુજરાતીમાં અરધી રાતે આઝાદી નામે અનુવાદ કર્યો છે, જેની ઘણી પ્રસંશા થઈ છે. નવલકથાઓ લખવાની સાથે તેઓ રંગભૂમિ સાથે સંકળાયેલા હતા. તેમની કટિબંધ નવલકથા ટીવી ધારાવાહિક રૂપે પ્રસારિત થઇ હતી. તેમની નવલકથાઓમાં અંગાર ભાગ ૧-૨-૩, આખેટ ભાગ ૧-૨-૩, આશકા માંડલ, ઓથાર ભાગ ૧-૨, કટિબંધ ભાગ ૧-૨-૩, ફાંસલો ભાગ ૧-૨, નીરજા ભાર્ગવ, લજ્જા સન્યાલ, શૈલજા સાગર વગેરેનો સમાવેશ થાય છે. કમઠાણ,  કસબ, કરામત, આયનો  એ તેમની લઘુનવલ છે. જ્યારે આક્રોશ અને આકાંક્ષાએ તેમનો લેખસંગ્રહ છે તથા રમણ ભમણ નામનું નાટક પણ તેમની લેખનપ્રક્રિયાનો અંશ છે. તેમની નવલકથાઓ વિવિધ સામયિકો અને દૈનિક સમાચારપત્રોમાં હપ્તાવાર પ્રકાશિત થઈ હતી.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : અંગાર (ભાગ ૧-૨-૩)

લેખક : અશ્વિની ભટ્ટ

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ

કિંમત : 1900 ₹.

પૃષ્ઠ સંખ્યા : 1672

 

બાહ્ય મૂલ્યાંકન:-

પાકા પૂંઠામાં બાઇન્ડિંગ થયેલ આ પુસ્તક 'અંગાર'નું  મુખપૃષ્ઠ પર એક તપસ્વિની વેશધારી સ્ત્રી ધ્યાનમગ્ન બેઠી છે. બૅક કવરપેજ પર પુસ્તક અને લેખક વિશે ટૂંકી પ્રસ્તાવના આપવામાં આવી છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

ગુજરાતી નવલકથા ક્ષેત્રે અશ્વિની ભટ્ટ એક એવા લેખક છે કે જેમની ગણના કદાચ વિવેચકોની યાદીમાં ન હોય પણ વાચકોની યાદીમાં તો તેઓ ટોચ પર છે. પાને પાને જકડી રાખતી થ્રિલર, રોમેન્ટિક કથા પર તેમની હથરોટી છે. સ્થળ-કાળનું વર્ણન વાચકને નવલકથાની દુનિયામાં સહેલગાહ કરાવે તેવું આબેહૂબ હોય છે. 'અંગાર' એક આવી જ થ્રિલર રોમેન્ટિક નવલકથા છે. જેના કેન્દ્રમાં ભગવાન અવનીશનો આશ્રમ છે. ઓશો રજનીશથી થોડા માહિતગાર હોય એ તો જાણે રજનીશની સત્ય કથા વાંચી રહ્યા હોય એવું લાગે. કથાની શરુઆત અવનીશના આબુ સ્થિત આશ્રમમાં સ્વામી આનંદના અકાળ અવસાનથી થાય છે. આમ તો એ આત્મહત્યા છે, પણ એમાં હત્યાની શંકા વ્યક્ત થતા કથા એ વિષય પર આગળ વધે છે. ધીરે ધીરે અનેક રહસ્યો ખોલતી જાય છે. કથા નાયક  ઈશાન સારંગ એક ધનકુબેરનો મનમોજી પુત્ર છે. જે પોતાની જીંદગી પોતાની શરતે જીવતો યુવાન છે. તેની મુલાકાત નાયિકા શચી મૈનાક સાથે થાય છે. જે એક ખ્યાતનામ કવિની વિધવા પુત્રવધૂ છે. જે આશ્રમની સન્યાસીની છે. તેની પાછળ ઈશાન પણ આશ્રમ તરફ ખેંચાય છે, અને શરુ થાય છે એક પ્રેમકથા સાથેની થ્રિલર કથા.

 

શીર્ષક:-

જે રીતે સંન્યાસ, આશ્રમ અને શાતાથી શરૂ થયેલી કથા ધીમે ધીમે આક્રમક રૂપ ધારણ કરે છે એ રીતે અહીં 'અંગાર' શીર્ષક સાર્થક લાગે છે. આ નવલકથા વાંચીને વાચક જે મનોભાવોમાંથી પસાર થાય, વાંચ્યા પછી જે અનુભૂતિ પ્રાપ્ત કરે એ રીતે પણ આ શીર્ષક સાર્થક જણાય છે.

 

પાત્રરચના:-

આમ તો અહીં ઈશાન અને શચી મુખ્ય પાત્રો છે છતાં, ઈશાન અને શચી સિવાય ભગવાન અવનીશ, મા યોગકૃષ્ણા, શિવાની, દેવરાજ ભાટિયા, હરિચેતન, મુખ્ય પાત્રો તરીકે ઉભરી આવે છે. જયકાર શાહ, વિનોદ અગ્રાવત, રઘુ, મિરાંત, જગુ વગેરે સહાયક પાત્રો છે. દરેક પાત્ર જાણે કહે છે, 'પરદે મેં રહને દો પરદા ન ઉઠાઓ. પરદા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાએગા.'

 

સંવાદો/વર્ણન:-

'અંગાર'ના સંવાદો ટૂંકા અને રસપ્રદ છે. અવનીશના સંવાદો ઓશો છાપ ફિલોસોફી સાથેના છે જે ઓશોની યાદ અપાવે છે. માણો કેટલાક ફિલોસોફિકલ સંવાદો..

 

"પ્રશ્ન એ જ જ્ઞાનની પ્રથમ શરુઆત છે."

"વાસ્તવનો અસ્વીકાર એ બૌદ્ધિક અંધાપો છે."

"માણસ જ્યારે પાગલ બને છે ત્યારે જ સિદ્ધિઓ હાંસલ કરે છે. જે પાગલ નથી તે  સિદ્ધ ક્યારેય બની શક્તો નથી."

"જે માણસ રાહ જોતાં કંટાળે છે તે કદીય કશું હાંસલ કરી શકતા નથી."

"ઉઠાવી શકે તેવાના માથે જ ઈશ્વર બોજો નાખે છે."

"દરેક માણસને પોતાની અંગત ફિલસૂફી હોય છે. તે પહેલાં.. એ ફિલસૂફી પ્રથમ વાચનથી ઘડાય છે.. વિચારથી પરિપક્વ બને છે અને આત્મમંથનથી તેનું સમ્યગ્ દર્શન પ્રાપ્ત થાય છે. માણસ જેટલો તટસ્થ રહી શકે તેટલું ઉમદા દર્શન તે પોતાના આત્મમંથનથી મેળવી શકે."

"માણસની આવક પર કર લેવાનો અધિકાર તે જ સરકારને હોઈ શકે જે નાગરિકોને બેકારીના સમયમાં નમાવી શકે."

"મૃત્યુ પર ત્યારે જ વિજય મળે છે જ્યારે માણસ તેની અનિવાર્યતાને સહજતાથી સ્વીકારી લે છે. આપણે સૌ પળે પળે મૃત્યુ તો પામીએ જ છીએ. શાશ્વત તો કશું છે તે ક્યારેય જીવંત નથી હોતું."

"કદાચ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો સહેલો છે પરંતુ માનવીના અજ્ઞાતને ઓળખવું સહેલું નથી. નહિ તો યુધિષ્ઠિર જેવો આદમી શા માટે જુગાર ખેલવા તૈયાર થયો હોત? પણ એ બધું જ સ્વનિર્મિત છે. માણસ પોતાનાં કૃત્યોનો સ્વયં નિર્માતા છે. જે પોતે નીર્મે છે તેનાં પરિણામો પણ તેણે પોતે જ ભોગવવાં પડે છે.  આ કર્મ અને કર્મના ફળની સાદી પરિભાષા છે."

"માણસ પ્રેમમાં આંધળો બની જાય છે તેમ ધર્મને કારણે પણ આંધળો બની શકે છે. અંધાપો લાવે તે પ્રેમ નથી. આંધળાભીંત બનાવે તે ધર્મ નથી. પ્રેમ ચૈતન્ય બક્ષે છે અને ધર્મ ચેતસનો આવિષ્કાર કરે છે. બંને પર્યાયો છે. એ પર્યાયની પરાકાષ્ઠા હંમેશ સૌમ્ય હોય છે."

વર્ણન વાચકને રસતરબોળ કરી દે, દૃશ્ય આબુનુ હોય કે આશ્રમનું, દેશનું હોય કે વિદેશનું, વાચકને સંપૂર્ણતયા તાદૃશ કરાવતી કલમ એટલે અશ્વિની ભટ્ટ.

લેખનશૈલી:-

અશ્વિની ભટ્ટની લેખનશૈલી ખૂબ સરળ છતાં વાચકના હૃદયને સીધી સ્પર્શી જાય એટલી તીક્ષ્ણ છે. અહીં પાત્રો અને કથામાં આશ્રમ કેન્દ્રમાં હોવાથી ક્યાંક પૌરાણિક તો ક્યાંક સૂફિયાણી ભાષાની છાંટ અહીં જોવા મળે છે. એકીબેઠકે વંચાય એટલી રસસભર કથા એટલે 'અંગાર'.

વિશેષ મૂલ્યાંકન:-

આખી કથા આબુમાં જ આકાર લે છે, જેમાં આબુનું આબેહૂબ દર્શન થાય છે. કથા વાચકને જકડી રાખતી આગળ વધે છે, પરંતુ જે મુદ્દા પર કથા આકાર લે છે તે સ્વામી આનંદના મોતનો વિષય અને તે સાથે સંકળાયેલા જયકર શાહ અને વિનોદની કથા હાંસિયામાં ધકેલાતી જોવા મળે છે. ધર્મના નામે થતા પ્રપંચો અને તેની પાછળ ચાલતા ગોરખધંધઓમાં કેવી રીતે એક સામાન્ય માણસ સંડોવાય છે અને તેની જનસામાન્ય પર કેવી‌ અસર થાય છે તે અહીં પૂર્વાપર સંબંધ સાથે દર્શાવાયું છે. ભગવાન અવનીશ અને મા યોગકૃષ્ણા કેવા સંઘર્ષમાંથી પસાર થયા ને કેવી રીતે મહંત બન્યા તેની વિસ્તૃત રસપ્રદ કથા અહીં આલેખાઈ છે. ભાગ ૧ માં રહસ્યમય પત્ર પાછળની જીવલેણ ઘટનાઓ અને પાત્ર પરિચય વર્ણવાયો છે. ભાગ ૨ માં આશ્રમમાં ચાલતા ગોરખધંધાઓનું વિસ્તૃત વર્ણન કરતી ઘટનાઓ છે. જે વાંચી આશ્રમ વેબસિરીઝની ઝાંખી થશે. ભાગ ૩ માં મહંતોના જીવનના વિદેશમાં આવતા ચડાવ ઉતાર અને વિદેશમાં ચાલતી દુષ્પ્રવૃત્તિઓ સુપેરે વર્ણવાયા છે. ભાગ ૧-૨ ની કથા અને અંત જેવા રસપ્રદ છે એના પ્રમાણમાં ભાગ ૩ ઓછો રસાળ લાગે છે.

મુખવાસ:-

ચમત્કારથી તિરસ્કાર અને આશ્ચર્યથી અનાદર જન્માવતી કથા એટલે અંગાર.