પાછલા પ્રકરણનો સાર:
મિહિર અને કૃપા ગઝલની સલામતી માટે થઇને વિડીયોમાં અપાયેલી સુચનાનું પાલન કરવાનું નક્કી કરે છે.
મલ્હાર હજુ પણ ગઝલને શોધવાના પ્રયત્નો કરી રહ્યો હતો. તે પોતાના પઠ્ઠાઓને ગઝલને શોધવાની સૂચના આપી રહ્યો હોય છે ત્યારે પ્રતાપ ભાઈ તેની રૂમમાં આવે છે અને ગઝલને ભૂલી જવા માટે મલ્હારને સમજાવતી વખતે એકદમ હલકો તર્ક આપે છે. તે ગઝલની સરખામણી તુચ્છ રમકડાં સાથે કરે છે. મલ્હારની મમ્મી સુમતિ બેન બાપ દિકરા વચ્ચેની વાતચીત સાંભળી જાય છે. તે ખુબ દુઃખી થાય છે. તેઓ કૃપાને જઇને કહે છે કે ગઝલ મળી પણ જાય તો તેના લગ્ન મલ્હાર સાથે ના કરતાં.
મિહિર અને કૃપા મુંબઈ જવા રવાના થાય છે, એક મોટું કન્ટેનર તેની કારનો પીછો કરે છે અને રઘુનો માણસ તેનો વિડિયો ઉતારી લે છે.
આ બાજુ વિવાન ગઝલને રજિસ્ટર્ડ મેરેજ માટે તૈયાર રહેવાનું કહે છે. ગઝલ તેનો વિરોધ કરે ત્યારે વિવાન તેને તેના ભાઇ ભાભીની કારની પાછળ ચાલી રહેલા કન્ટેનરનો વિડિયો બતાવીને ડરાવે છે. ગઝલ તેના ભાઈ ભાભીનો જીવ બક્ષવાના બદલામાં વિવાન સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ જાય છે.
હવે આગળ..
**
પ્રણય પરિણય ભાગ ૩૨.
વિવાન અને રઘુ નીચે હોલમાં બેસીને વાતચીત કરી રહ્યા હતા. તેની સાથે બીજા બે જણ પણ હતા.
ગઝલ તૈયાર થઈને નીચે ઉતરી રહી હતી. તેના પર સૌથી પહેલા રઘુનુ ધ્યાન ગયું.
'ભાઈ..' રઘુએ ગઝલ તરફ જોતા રહીને વિવાનને એ તરફ જોવાનો ઈશારો કર્યો.
વિવાને એ તરફ જોવા માટે ગરદન પાછળ ફેરવી. ગઝલને જોતા જ એ ઉભો થઈ ગયો. ત્યાં હાજર રહેલા બધા જ ગઝલને એકીટશે જોઈ રહ્યા હતા. તે એટલી સુંદર દેખાતી હતી કે તેના પરથી કોઈની નજર જ ના હટે.
રેડ કલરની હેવી વર્ક સાડી, મેચીંગ બ્લાઉઝ, ખુલ્લા વાળ, એના વાળનો એક તરફનો અરધો જથ્થો તેણે આગળ લીધો હતો. કાનમાં સાડીને મેચ થતા ઝૂમખાં, કપાળમાં નાજુક બિંદી, ગળામાં ડાયમંડનો નેકલેસ જેમાં વચ્ચે વચ્ચે રેડ કલરના સ્ટોન્સ હતા. તેની આંખોમાં એકદમ પતલી કાજળની રેખા હતી જેથી તેની મોટી કથ્થઈ આંખો વધુ ખૂબસૂરત લાગતી હતી. તેના માદક હોઠ પર રેડ ન્યૂડ લિપસ્ટિક લગાવી હતી. હાથમાં ચૂડો, તેની વચ્ચે રીયલ ડાયમંડની બેંગલ્સ અને સોનાના કંગન હતા. ગઝલ નવવધૂના શણગારમાં સ્વર્ગની અપ્સરાને પણ ઝાંખી પાડી રહી હતી.
તે દાદરા ઉતરતા વિવાન સામે જોઈ રહી હતી.
તેને જોઇને વિવાનના તો હોશ જ ઉડી ગયા હતા. તેણે આજ સુધીમાં ઘણી બધી સુંદર યુવતીઓને જોઈ હતી પણ ગઝલની તો વાત જ કંઇક ઓર હતી. તેનો એકદમ પરફેક્ટ ચહેરો, બોલકી આંખો, નાજુક હોઠ, સુરાહી જેવી ગરદન, ભરાવદાર સીનો, પાતળી કમર, લાંબા પગ, ખજુરાહોના શિલ્પ જેવું અલૌકિક દેહલાલિત્ય.. ભગવાને જાણે પુરતી ફુરસદ લઈને તેને બનાવી હતી.
ગઝલ તેની પાસે આવીને ઉભી રહી પણ વિવાનને હજુ તેનો ખ્યાલ આવ્યો નહોતો.
'આવો ભાભી..' રઘુ બોલ્યો ત્યારે વિવાન તંદ્રામાંથી જાગ્યો. તેણે ગઝલ સામે જોઈને સ્માઈલ કરી. ગઝલએ મોઢુ મચકોડ્યું.
'મિ. શ્રોફ, પ્રોસેસ ચાલુ કરીએ?' રજીસ્ટ્રારે કહ્યુ.
'હાં..' વિવાન બોલ્યો અને ગઝલ સામે હાથ લંબાવીને કહ્યુ: 'કમ..'
પણ ગઝલએ તેના હાથમાં હાથ આપ્યો નહીં, તેને ઈગ્નોર કરીને તે સામે સોફા પર જઈને બેઠી.
'ભાભી ખૂબ જિદ્દી છે..' રઘુ વિવાનના કાન પાસે જઈને બબડ્યો.
'ખૂબ જ..' કહીને વિવાને પોતાના વાળમાં હાથ ફેરવ્યો અને ગઝલની બાજુમાં જઈને બેઠો.
'તમે બંને અહીં સાઇન કરો..' રજિસ્ટ્રારે કહ્યુ.
'હાં..' કહીને વિવાને પહેલા સાઇન કરી. પછી પેન ગઝલ સામે ધરી.
ગઝલને રડવું આવી રહ્યું હતું. તેની આંખો ભરાઈ આવી. કોઇપણ ક્ષણે તેની આંખોમાંથી આંસુ ખરી પડશે એવું લાગતું હતું. વિવાને તેને ધરપત આપવા માટે તેના ખભા પર હાથ મૂક્યો, પણ તે ઉંધુ સમજી. તેણે ઝટકો મારીને તેનો હટાવ્યો અને ગુસ્સામાં જ તેના હાથમાંથી પેન ખેંચીને વિવાનની સાઈનની બાજુમાં પોતાની સાઈન કરી.
'રીંગ..' રઘુએ પલેટીનમ ડાયમંડની બે સુંદર રીંગ તેમની સામે ધરી.
વિવાને રીંગ હાથમાં લઈને ગઝલ સામે જોયુ. ગઝલએ તેના સામે જોયા વગર પોતાનો હાથ આગળ કર્યો. વિવાને માર્દવતાથી તેના હાથમાં રીંગ પહેરાવી.
બધાએ તાળીઓ પાડી.
'ભાભી હવે તમારો વારો..' રઘુએ કહ્યુ.
ગઝલએ તેના હાથમાંથી રીંગ લઇને વિવાનને પહેરાવી.
'કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર એન્ડ મિસિસ શ્રોફ..' રજિસ્ટ્રાર તાળીઓ પાડતા બોલ્યા.
'કોંગ્રેચ્યુલેશન્સ..' સાથે આવેલા વકિલે પણ મુબારકબાદ આપ્યાં
'ભાઈ.. ભાભી.. તમને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..' કહીને રઘુએ વિવાનને ગળે લગાવ્યો.
ગઝલ આંખમાં પાણી સાથે ત્યાંથી નીકળીને ઉપર જતી રહી. ગઝલની આવી હાલત જોઈને વિવાનને અંદરથી ખૂબ દુખ થયું.
'મિસ્ટર શ્રોફ આ તમારુ મેરેજ સર્ટિફિકેટ..' રજિસ્ટ્રારે પહેલાંથી બનાવી રાખેલુ સર્ટિફિકેટ બેગમાંથી કાઢીને આપ્યું.
'થેન્ક યૂ વેરી મચ.'
'વિશ યૂ બેસ્ટ એન્ડ હેપ્પી મેરેજ લાઈફ..' વકીલે કહ્યું.
'થેન્ક યૂ વેરી મચ..' વિવાને કહ્યુ અને પછી રઘુ સામે ઈશારો કર્યો.
'હાં ચલો વકીલ સાહેબ આપને છોડી જાઉં.. બાકીનો હિસાબ આપણે રસ્તામાં પતાવી લઈશું.' કહીને રઘુ એ બંનેને લઈ બહાર નીકળ્યો.
વિવાને એક ઉંડો શ્વાસ લીધો અને ગઝલની રૂમમાં ગયો. તે બાલકનીમાં ઉભી રહીને બહાર જોઈ રહી હતી. તેની આંખોમાંથી અશ્રુ વહી રહ્યાં હતા. વિવાન તેની બાજુમાં જઈને ઉભો રહ્યો. ગઝલના આંસુઓને જોઈને તે વિહ્વળ થઇ ઉઠ્યો.
'તમે મારી સાથે આવું કેમ કર્યું?' ગઝલ બહારની તરફ જોતાં બોલી.
'તારા માટે જ.' વિવાન લાગણીભર્યા અવાજે બોલ્યો.
'મારા માટે?'
'હમમ.. મલ્હાર તારા લાયક નથી. તે એક નંબરનો લીચડ અને હરામખોર માણસ છે.'
'ઓહ! રીયલી? અને તમે? તમે કેવા છો?' ગઝલ તેના તરફ તિક્ષ્ણ દ્રષ્ટિ ફેંકતા બોલી.
વિવાન શાંત ઉભો રહીને તેની આંખમાંથી ઉભરાતા ગુસ્સાને જોઇ રહ્યો.
'બોલો.. બોલોને.. હવે કેમ ચુપ થઇ ગયા? મલ્હાર મારા લાયક નથી, એટલે તમે મારા લાયક છો..! એમ જ કહેવું છેને મિસ્ટર વિવાન શ્રોફ તમારે?' ગઝલના અવાજમાં ધાર હતી.
'આમ જો ગઝલ, મલ્હાર તને બિલકુલ પ્રેમ નથી કરતો અલબત પ્રેમ શું છે એની જ એને તો નથી ખબર. તું..'
'બસ..' ગઝલએ વિવાનને હાથ દેખાડીને બોલતો અટકાવ્યો.
'મલ્હાર મને પ્રેમ નથી કરતો.. અરે! મલ્હારને પ્રેમ શું છે એજ ખબર નથી.. ઓકે, ઠીક છે.. પણ તમે તો મને પ્રેમ કરવાનો દાવો કરો છોને? તમે જાણો છો કે પ્રેમ કોને કહેવાય? તમે મારી સાથે જે કર્યુ એને દુનિયાની કઈ ભાષામાં પ્રેમ કહેવાય? તમે જેને પ્રેમ કરતાં હોય તેને હર્ટ કેવી રીતે કરી શકો? તમે મારુ કિડનેપ કર્યુ.. મારી સાથે જબરદસ્તી લગ્ન કર્યા.. આ જ છેને તામારો પ્રેમ?' કહીને ગઝલ રડવા લાગી.
વિવાન તેની નજીક સર્યો. તેનો ચહેરો બેઉ હથેળીમાં લીધો અને બોલ્યો:
'ગઝલ તું ગેરસમજ કરી રહી છે.. મે તારી સાથે જે કંઈ કર્યુ એ તારા ભલા માટે જ કર્યું છે.. હું તને ખરેખર ખૂબ પ્રેમ કરુ છું એટલે કર્યું છે.'
ગઝલએ ઝટકાથી તેના હાથ દૂર કર્યા અને બોલી:
'જુઠ.. સફેદ જૂઠ.. જો તમે મને સાચો પ્રેમ કરતાં હોતને તો તમે મારી મરજી જાણી હોત.. આમ બ્લેકમેલ કરીને બળજબરીથી લગ્ન ના કર્યા હોત. પાછા કહો છો કે મલ્હાર મારે લાયક નથી.. પ્રેમ કોને કહેવાય તેની તેને ખબર નથી.. તમને ખબર છે સાચો પ્રેમ કોને કહેવાય?'
વિવાન શાંત ઉભો રહ્યો.
તેને સમજાતું નહોતું કે ગઝલને કેવી રીતે બતાવે કે તે એને કેટલો પ્રેમ કરે છે..
'તમે કહો છોને કે તમે મને પ્રેમ કરો છો.. ખૂબ પ્રેમ કરો છો મને.. ભલે કરતાં હોય, પણ હું તમને પ્રેમ નથી કરતી.. બિલકુલ નથી કરતી.. અને ક્યારેય કરીશ પણ નહીં.. આઈ હેટ યૂ.. વિવાન, આઈ વિલ હેટ યૂ ફોરેવર..' એમ કહીને ગઝલ દોડતી બેડરૂમમાં ગઈ અને બેડ પર ઉંધી પડીને તકિયો છાતી સાથે વળગાડીને રડવા લાગી.
વિવાનની હાલત ખરાબ હતી.. ગઝલ તેની સામે જ હતી છતાં બંને વચ્ચે જાણે હજારો કિલો મીટરનું અંતર હતું. તેને ગઝલ તો મળી ગઈ હતી પણ તેનો પ્રેમ નહોતો મળી રહ્યો.
વિવાન ગઝલનુ દુખ સમજી શકતો હતો. તેની નારાજગી પણ તેને યોગ્ય લાગતી હતી. પોતે જે કર્યુ અને જેવી રીતે કરવું પડ્યું એ પણ તેને નહોતું ગમતું. એ વાતથી તેને પોતાને ખૂબ તકલીફ થઇ રહી હતી. પરંતુ ગઝલએ જે રીતે આઈ હેટ યૂ કહ્યુ, તેનાથી વિવાનને એવું લાગ્યું કે કોઈ તેના હૃદય પર છરીના ઘા ઝીંકી રહ્યું છે અને તે કંઇ કરી પણ નથી શકતો. જાણે સાવ નિઃસહાય છે.
તે થોડી વાર સુધી એમજ અસહાય બાલ્કનીમાં ઉભો રહ્યો. પછી ખિન્ન મનથી ગઝલની પાસે ગયો. તે હજુ પણ તકિયાને વળગીને રડી રહી હતી. તેને આમ રડતી જોઇને વિવાનને થયું કે અત્યારે ને અત્યારે તેને બધી હકિકત કહી દે. પણ જો એવું કરે તો ગેરસમજ હજુ પણ વધી જવાની તેને બીક હતી. ગઝલને એવું લાગત કે આ બધી મલ્હારને વિલન ચીતરવા માટેની કોશિશ છે. તેને બધી વાતો ઉપજાવી કાઢેલી જ લાગત. તેને ભોળવવા માટે થઇને તે આ બધું કરી રહ્યો છે એવું લાગત. એજ વિચારીને તે શાંત રહ્યો અને તેને એમ જ છોડીને રૂમની બહાર નીકળી ગયો.
બાજુના રૂમમાં જઈને તે ગુસ્સામાં બધો સામાન આમતેમ ફેંકવા લાગ્યો..
રઘુ પેલા લોકોને છોડીને આવી ગયો હતો. સામાન ફેંકવાનો અવાજ સાંભળીને એ દોડતો વિવાનની રૂમમાં આવ્યો.
'અરે! ભાઈ આ શું કરો છો? સંભાળો ખુદને ભાઈ સાહેબ..' રઘુ તેને પકડી રાખીને બોલ્યો.
'શી હેટ્સ મી રઘુ.. શી હેટ્સ મી.' વિવાન રઘુના ગળે વળગીને આંખમાં આંસુ સાથે બોલ્યો.
'ભાઇ, તમે આવી રીતે ઢીલા પડશો તો કેમ ચાલશે? ભાભીને પણ આઘાતમાંથી બહાર આવતાં અને સત્ય સ્વીકારતાં વાર લાગશે. આપણે તેને સમય આપવો જોઈએ. તમે આ બધું શું કામ કર્યું તેની તેને જ્યારે ખબર પડશેને ત્યારે એ તમને પ્રેમથી સ્વીકારશે..' રઘુ તેને આશ્વાસન આપતાં બોલ્યો.
'સાચ્ચે એવું બનશે રઘુ?' વિવાને નાનકડા છોકરાની જેમ શર્ટની બાંય વડે આંસુ લુછીને રઘુને પૂછ્યું.
'હાં ભાઈ, તમે કરો છો તેના કરતાં પણ વધુ એ તમને પ્રેમ કરશે.' રઘુ દ્રઢ વિશ્વાસથી બોલ્યો.
'સાચ્ચે?'
'હા, સો ટકા.. હવે આ બધા નબળા વિચારો મનમાંથી ખંખેરી નાખો. આપણે હવે ઘરે જવાનું છે, એટલે ઘરે જઈને બધાને શું કહીશું એ વિચારો. ડેડીનો ફોન આવ્યો હતો એ તમારા વિશે પૂછતા હતા. હવે આપણે અહીંથી નીકળવું પડશે.'
'હાં, તુ તૈયારી કર.'
'બધી તૈયારી થઇ ગઇ છે, હેલિકોપ્ટર પણ ઉડવાની પરમિશન સાથે તૈયાર છે.'
'ગુડ..'
'પણ ભાઈ, તમે આ હેલિકોપ્ટર શું કામ મંગાવ્યુ?'
'તારી ભાભી માટે.. તેનો કંઈ ભરોસો નહીં, કાલે રાત્રે ભાગવાની કોશિશ કરી હતી. ફરીથી એવું કંઈ કરે તો? અને ઠેકઠેકાણે મલ્હારના માણસો પણ વોચ રાખતાં હશે.. આપણે તેને હજુ કશી ખબર પડવા નથી દેવી. તેના માટે મેં એક મોટી સરપ્રાઈઝ પ્લાન કરી છે.'
'જી ભાઈ, જેવી તમારી મરજી..' કહીને રઘુ હસતો હસતો બહાર નીકળ્યો.
**
આ બાજુ મુંબઈમાં મહેતા અંકલ મલ્હાર વિશે ઘણી બધી વાતો જાણી આવ્યા હતા. તેણે મલ્હારના લક્ષણો વિશેનું બધી જ જાણકારી મિહિર અને કૃપાને આપી. તે બંનેને મલ્હારના અપલક્ષણો અને તેના કાળા નાણાંનાં વહીવટ વિશે જાણીને ખૂબ મોટો આંચકો લાગ્યો.
'કદાચ ગઝલ મલ્હારની અસલિયત જાણી ગઈ હશે એટલે જ જતી રહી હશે. બસ હવે ગઝલ હેમખેમ ઘરે આવી જાય..' કૃપા હાથ જોડીને પ્રાર્થના કરતાં બોલી. પછી તેણે નીકળતી વખતે સુમતિ બેને કહેલી વાત પણ મિહિરને જણાવી.
મિહિરને રાઠોડ ફેમિલી પર ખૂબ ગુસ્સો આવ્યો.
'સારુ થયુ કે આ લગ્ન ના થયા. કેવા નાલાયક માણસો છે.' મિહિર બોલ્યો.
.
.
ક્રમશઃ
**
શું ગઝલ વિવાનને સ્વીકારશે?
પોતાના લગ્ન બાબતે વિવાન ઘરે શું કહેશે?
મલ્હાર માટે વિવાને શું સરપ્રાઈઝ પ્લાન કરી હશે?
**
મિત્રો, તમને નવલકથાનું આ પ્રકરણ ગમ્યું હોય તો કોમેન્ટ જરુરથી કરશો. અને રેટિંગ પણ આપશો. 🙏
❤ તમારી કોમેન્ટની હું રાહ જોઇશ. ❤