પ્રણય પરિણય - ભાગ 31 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 31

પાછલા પ્રકરણનો સાર:

ચાદરના સહારે અધવચ્ચે લટકતી ગઝલને નીચે ઉતારીને વિવાન અંદર લાવે છે. તેને જંગલી જાનવરોનો ડર દેખાડીને બીજી વખત ભાગવાની કોશિશ નહી કરવાનું સમજાવે છે.
બીજી તરફ સેલવાસમાં ગઝલને શોધવામાં કોઈ સફળતા નહિ મળતાં પ્રતાપ ભાઈનો ગુસ્સો કાબુ બહાર જતો રહે છે, તે મિહિર અને કૃપાની સામે જ સુમતિ બેનને લાફો મારી દે છે. તેમના સ્ત્રીઓ તરફના આવા ગેરવર્તનને કારણે મિહિર અને કૃપા હવે આ સંબંધ માટે પછતાવાની લાગણી અનુભવે છે. મિહિર અને પ્રતાપભાઈ આવતી કાલે સવારે મહેમાનોને હકીકત જણાવી દેવાનું નક્કી કરે છે.
મિહિર અને કૃપા એકલા પડે છે ત્યારે તેને એક વિડિયો મેસેજ મળે છે જેમાં ગઝલને સુખરૂપ મુંબઈ પહોચાડી દેવાની ખાતરી સાથે અત્યારે તે જ્યાં છે ત્યાં સહીસલામત હોવાનું પ્રુફ હોય છે.
કૃપા અને મિહિર પણ સેલવાસ છોડી મુંબઈ જવાનું નક્કી કરે છે.

હવે આગળ..

**

પ્રણય પરિણય ભાગ ૩૧

'મને ગઝલની ચિંતા થાય છે' કૃપાએ કહ્યુ.

'ગઝલની સલામતી માટે થઇને પણ આપણે આ વ્યક્તિની વાત માનવા સિવાય બીજો રસ્તો નથી. આપણુ એક ખોટું પગલું ગઝલને જોખમમાં મૂકી શકે છે.'

'તે એની મરજીથી ગઈ હશે કે?

'કંઈ સમજાતું નથી.. વિડિયોમાં તેના ચહેરા પરથી તો એ એકદમ રિલેક્સ દેખાય રહી હતી.'

'હાં, પણ આપણી ગઝલ હજુ નાદાન છે, એને માણસ ઓળખતા આવડતુ નથી. તે કોઈ ખરાબ માણસના ચક્કરમાં તો નહીં ફસાઈ હોયને? મને ખૂબ ડર લાગે છે.'

'અત્યારે તો આપણે તેની સલામતી માટે પ્રાર્થના કરવા સિવાય બીજું કશું કરી શકીએ તેમ નથી. ભગવાન કરે કે તે સુખરૂપ આપણી પાસે આવી જાય..' મિહિર લાચાર અવાજે બોલ્યો.

**

'શું રે! કોઈ પત્તો લાગ્યો?' મલ્હાર ફોન પર કોઈ વ્યક્તિને પુછી રહ્યો હતો.

'નહીં બોસ, મને લાગે છે કે તે સેલવાસમાં નથી. કેમકે જો અહીં હોય તો મને ખબર પડ્યા વગર રહે નહીં.'

'સેલવાસમાં નથી મતલબ? ક્યાં જાય? તું એક છોકરીનો પત્તો નથી લગાવી શકતો? તું ને તારા માણસો સાવ નકામા છો..' મલ્હાર ગુસ્સાથી બોલ્યો.

'બોસ, અમે આખુ સેલવાસ વીખી નાખ્યું. મેડમ ક્યાંય મળ્યા નહીં, એટલે કહુ છું કે તે સેલવાસમાં નથી..'

'જસ્ટ શટ અપ.. ફોન મૂક.. સાલા યૂઝલેસ માણસો..' મલ્હાર તાડૂક્યો. અને ફોન કટ કર્યો.

'મલ્હાર..' પ્રતાપ ભાઈ મલ્હારની રૂમમાં આવ્યાં.

મલ્હારે પાછળ ફરીને તેની સામે જોયું.

'ડેડ.. મારે ગઝલ જોઈએ છે.. કોઈ પણ કિંમતે..' મલ્હાર વિહ્વળ થઇને બોલ્યો.

'શાંત.. થોડા ઠંડા દિમાગથી વિચાર કર મલ્હાર.. તેને કોઈ ઉઠાવી ગયું કે તે પોતાની મેળે ગઈ એ આપણે જાણતા નથી. હવે સમજી લે કાલ સવારે એ મળી ગઈ તો પણ આપણા કામની નથી..'

'મતલબ..?'

'મતલબ એજ કે કોઈની ઊતરેલ વસ્તુ આપણા ઘરમા લઈ શકાય નહીં..'

'ડેડ…'

'હાં મલ્હાર, હવે તારા લગ્ન ગઝલ સાથે શક્ય નથી.'

'પણ ડેડ એ મને ગમે છે..'

'તને યાદ છે મલ્હાર? નાનપણમાં તારાં અત્યંત પ્રિય રમકડાથી બીજુ કોઇ એક વાર રમી લેતું તો તુ એ રમકડાને પણ ફરી ક્યારે હાથ નહોતો લગાડતો.. તો પછી એકવાર ઉંબરો ઓળંગી ગયેલી છોકરીને આપણા ઘરની વહુ કેમ બનાવવી? થોડા દિવસો પછી તારા માટે ગઝલ કરતાં પણ વધુ સારી છોકરી શોધી કાઢીશ. દુનિયામાં સુંદર છોકરીઓનો દુષ્કાળ નથી.'

'પણ ડેડી, આપણો ફાયદો લગ્ન કરવામાં છે, એક તો એના બિઝનેસનો હું વારસદાર બનું, ઉપરથી એકવાર ભાગી ગયેલી છોકરી સાથે લગ્ન કરુ તો એ લોકો જીંદગીભર આપણા ઉપકાર નીચે દબાયેલા રહે. અને એકવાર એનો બિઝનેસ હાથમાં આવે પછી તો એ પડી રહેશે ઘરના ખૂણામાં નોકરની જેમ..' મલ્હાર ખંધુ હસતાં બોલ્યો.

'મતલબ તુ ગઝલને પ્રેમ નથી કરતો?'

'ડેડી, ધંધો અને મારી જાતને છોડીને હું કોઈને પ્રેમ નથી કરતો. આતો ગઝલ ભોળી અને સીધી છે એટલે મારા કાબુમાં રહે, જેમ મમ્મી તમારા કાબૂમાં છે તેમ.. એટલે એની સાથે લગ્ન કરવાનો વિચાર કરતો હતો.'
મલ્હારની વાત સાંભળીને પ્રતાપ ભાઈ રાજી થયા.

'પણ એક વાત ચોક્કસ છે કે હું ગઝલને શોધીશ તો ખરો. મલ્હારની વસ્તુ ચોરવાની હિંમત જેણે પણ કરી હશે તેને જીવતો નહીં છોડું.' મલ્હાર મનમાં જ બોલ્યો.

રૂમના દરવાજા પાસે ઉભેલા સુમતિ બેને બાપ દીકરાની વાતો સાંભળીને ઉંડો નિસાસો નાખ્યો.

**

મિહિર અને પ્રતાપ ભાઈએ વહેલી સવારે બધા સગા સંબંધીઓને હકીકતની જાણ કરી. બધાની માફી માંગી. મહેમાનો તેમને સાંત્વના આપીને નીકળી ગયા.

કૃપા અને મિહિર મુંબઈ માટે નીકળવાની
તૈયારીમાં હતાં ત્યારે સુમતિ બેન કૃપાને મળવા આવ્યા.

'કૃપા..'

'હાં બેન..'

'મે મહાદેવની માનતા માની છે કે ગઝલ જલ્દી સુખરુપ આપણી પાસે આવી જાય. એ જ્યાં પણ હોય ત્યાં સલામત હોય એવી જ પ્રાર્થના કરું છું. અને આ જે કંઈ થયું તેની પાછળ કોણ છે એની તો ખબર નથી. પણ મને લાગે છે કે મહાદેવ જ ઈચ્છતા હશે કે આ લગ્ન ના થાય.'

'પણ..' કૃપા કંઈક બોલવા ગઈ.

સુમતિ બેને કૃપાને અટકાવી: 'મને બોલી લેવા દે કૃપા.. જો આ લગ્ન થયા તો ગઝલને દુખ અને અપમાન સિવાય કશું નહીં મળે. મલ્હાર મારો જ દિકરો છે પણ એના બાપની જેમજ તેને સ્ત્રીઓ માટે જરા પણ સન્માન નથી. હું મોટા બાપની એકની એક દીકરી હોવા છતાં પણ મે આખી જીંદગી તિરસ્કાર અને અપમાન જ સહન કર્યા છે. અત્યારે અમારી પાસે જે કંઇ છે એ મને મારા પિતા તરફથી વારસામાં મળેલું છે. લગ્નના શરુઆતના થોડા વર્ષો તો ખુબ સારા ગયાં પણ મલ્હારના બાપે બધો ધંધો હાથવગો કરી લીધા પછી એ ઘરમાં મારી હેસિયત એક નોકરાણી જેટલી જ રહી છે.' સુમતિ બેનની આંખો ભરાઈ આવી.

સુમતિ બેનની વાત સાંભળીને કૃપાને તેના માટે ખૂબ સહાનુભૂતિ થઈ. તેણે પણ મલ્હાર અને પ્રતાપ ભાઈનો વર્તાવ નજરે જોયો હતો. તેણે સુમતિ બેનને સાંત્વના આપી.

'કૃપા.. હું મારા દિલથી ઈચ્છુ છું કે મારા જેવી હાલત ગઝલની ના થાય.. બાકી તુ સમજદાર છે..' કહીને સુમતિ બેન આંખમાં પાણી સાથે નીકળી ગયાં.

બધા ગયા પછી મિહિર અને કૃપા પણ નીકળ્યા. તેમની ગાડીની પાછળ પાછળ એક મોટું કંટેનર પણ રવાના થયું. થોડા કિલોમીટર સુધી કંટેનરે તેમની ગાડીનો પીછો કર્યા પછી એક જગ્યાએ ઉભુ રહી ગયું. એ આખી ઘટના કોઇના કેમેરામાં કેદ થઇ ગઇ.

**
સવારના આઠ વાગ્યા હતાં. મોબાઈલના મેસેજ ટોનના લીધે વિવાનની નીંદર ખૂલી. તેણે અડધી પડધી આંખો ખોલીને મોબાઈલ જોયો.
રઘુનો મેસેજ હતો:

"કામ ફતેહ.. બધા રવાના."

મેસેજ વાંચીને વિવાનના ચહેરા પર એક વિજયી સ્મિત ફરકી ગયું. મોબાઈલ મૂકીને આળસ મરડીને એ પથારીમાં બેઠો થયો. તેની નજર ગઝલ પર પડી. તે મસ્ત આરામથી પ્રસરીને સુતી હતી.

"મેરી બેચૈનીઓકો ચૈન મીલ જાયે
તેરા ચહેરા જબ નજર આયે,
તેરા ચહેરા જબ નજર આયે..

મેરે દિવાનેપન કો સબ્ર મીલ જાયે,
તેરા ચહેરા જબ નજર આયે..

જિક્ર તુમ્હારા જબ જબ હોતા હૈ,
દેખોના આંખોસે
ભીગા ભીગા કર પ્યાર બહ જાતા હૈ..
મેરી તનહાઈઓ કો નુર મીલ જાતા હૈ,
તેરા ચહેરા જબ નજર આયે.."

અરિજિત સિંઘના આ ગીતની કડીઓ ગણગણતો વિવાન બાલકનીમાંથી આવતા કોમળ સૂર્યપ્રકાશમાં નહાય રહેલા ગઝલના સૌદર્યને નિહાળી રહ્યો હતો.

તેના જીવનની સૌથી સુંદર સવાર હતી આ.
વિવાન હળવેથી તેની બાજુમાં ગયો અને જરાય અવાજ ન થાય તેમ એક ખુરશી લઈને ગઝલના બેડની બાજુમાં બેઠો. તે એક હાથ કોણીએથી વાળીને દરદનને ટેકો આપીને બેઠો બેઠો ગઝલને ઉંઘતી જોઈ રહ્યો હતો.

સવારના કોમળ પ્રકાશના કારણે ગઝલના વાળમાં સોનેરી ઝાંય આવી રહી હતી અને તેનો ગોરો ચહેરો વધુ ગુલાબી લાગી રહ્યો હતો. તેના વાળની એક લટ તેના ગાલ પર ગલીપચી કરી રહી હોય તેમ એ ઉંઘમાં જ મીઠું હસી રહી હતી. તેના સ્મિતને કારણે તેના ગાલ પર ખંજન પડી રહ્યાં હતાં. વિવાનને પંકજ ઉધાસની ગઝલની કડી યાદ આવી.

"ચાંદી જૈસા રંગ હે તેરા, સોને જૈસે બાલ,
એક તુ હી ધનવાન હૈ ગોરી.. બાકી સબ કંગાલ..

ઘનક ઘટા કલિપાં ઔર તારે સબ હૈ તેરા રૂપ,
ગઝલે હો યા ગીત હો મેરે, સબમે તેરા રૂપ..

તુઝે નજર ના લગે કીસીકી, જિયે હજારો સાલ..
એક તું હી ધનવાન હૈ ગોરી બાકી સબ કંગાલ.." તે મનમાં જ ગણગણી રહ્યો હતો.

તેણે તેની આંગળી વડે હળવેકથી ગઝલના ચહેરા પરથી વાળની લટને દૂર કરી.
તેની આંગળીના સ્પર્શથી તે મીઠું હસી.. ઉંઘતી ગઝલનુ કોમળ સ્મિત વિવાનને ઘાયલ કરી ગયુ..

તેણે હળવેથી ગઝલના ગાલ પર પપ્પી કરી. પછી તેના કાન પાસે પોતાનું મોઢું લઈ જઈને ધીમેથી બોલ્યો : 'આઈ લવ યૂ ગઝલ..'

'આઈ લવ યૂ ટૂ મલ્હાર..' ગઝલ ઉંઘમાં જ બબડી.

મલ્હારનું નામ સાંભળીને વિવાનને ઝટકો લાગ્યો. એ ઝડપથી દૂર ખસવા ગયો એમાં એની ખૂરશીના સરકવાનો અવાજ થયો અને ગઝલ જાગી ગઈ.
તેણે આંખો ખોલીને આજુ બાજુ જોયું. વિવાનને આટલો નજીક જોઈને તે ભડકીને ઉભી થઇ ગઇ. તેની સાડીનો પાલવ સરકી ગયો.

'ત.. તમે અહીં શું કરો છો?' તે પાલવ સરખો કરતા બોલી.

'ગુડ મોર્નિંગ..' વિવાન હસતા હસતા બોલ્યો.

'હુંહ.. બેડ મોર્નિંગ.' ગઝલ મોઢુ મચકોડીને બોલી.

ગઝલની આવી બાલિશ એક્ટિંગ જોઈને વિવાનને હસવું આવી રહ્યું હતું. પણ તે વિવાન સામે આંખો ફાડીને ગુસ્સાથી જોઈ રહી હતી.

'ચલ તૈયાર થઈ જા, આપણે ત્યાં મહેમાન આવવાના છે.' વિવાન પોતાના વાળમાં હાથ ફેરવતાં બોલ્યો.

'ગેસ્ટ..?'

'હાં આપણે રજિસ્ટર્ડ મેરેજ કરવાના છીએ. મે વકિલ અને રજિસ્ટ્રારને અહીં જ બોલાવી લીધા છે.'

'ના.. હું રજિસ્ટર્ડ ફજિસ્ટર્ડ કોઈ જાતના મેરેજ કરવાની નથી. ઉલટાનું એ લોકોને બધી હકિકત કહી દેવાની છું.'

'અચ્છા એમ? કહી દેજે.. પણ એ પહેલાં આ વિડીયો જોઈ લે.' વિવાને મોબાઈલમાં એક વિડિયો ચાલુ કરીને તેની સામે ધર્યો.

વિડિયોમાં મિહિર અને કૃપા ગાડીમાં બેઠેલા દેખાઈ રહ્યાં હતાં.
તેમને જોઇને ગઝલની આંખોમાં આંસુ આવી ગયા.

'ભાઈ.. ભાભી..'

'ડોન્ટ ક્રાય.. તેઓને કંઈ નથી થયું, તેઓ સુખરૂપ છે. પણ હજુ કેટલી વાર સુખરૂપ રહેશે એ તારા પર નિર્ભર કરે છે.'

ગઝલએ વિડીયોમાં નિરખીને જોયું તો એમની કારની પાછળ પાછળ એક મોટું કન્ટેનર ચાલી રહ્યું હતું.
તેણે પ્રશ્ન સૂચક નજરે વિવાન સામે જોયુ.

'આજકાલ રોડ પર રોજેરોજ કેટલા બધા એક્સિડન્ટ થાય છે નહિં?' વિવાન ફોન બંધ કરીને બોલ્યો અને ગઝલ ગભરાઈ ગઈ.

'પ્લીઝ.. પ્લીઝ.. તમે એવું કંઈ નહીં કરતા.. હું તમારી સાથે મેરેજ કરવાં તૈયાર છું. પણ પ્લીઝ ભાઈ ભાભીને કશુ નહીં કરતાં..' ગઝલ બે હાથ જોડીને રડતા રડતા બોલતી હતી.
તેની આવી દશા જોઇને વિવાનને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું પણ તેને ડરાવ્યા સિવાય છૂટકો નહોતો. બીજી કોઈ પણ રીતે તે લગ્ન માટે માને તેમ નહોતી. બાકી પેલા કન્ટેનરે તો ક્યારનો તેના ભાઈ ભાભીનો પીછો છોડી દીધો હતો.

'ગુડ.. તારા માટેનો બધો સામાન આ બેગમાં છે, જા ફ્રેશ થઇ જા, તૈયાર થઈને અડધો કલાકમાં નીચે આવ..' વિવાને આદેશાત્મક અવાજે કહ્યું અને રૂમની બહાર નીકળી ગયો.

ગઝલની આંખોમાંથી આંસુની ધાર થઈ. તે ઉભી થઇને બાથરૂમમાં ગઈ.
પોતાના લીધે ગઝલની આંખોમાં આંસુ આવ્યા એથી વિવાનને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. રૂમની બહાર નીકળીને તેણે દિવાલ પર જોરથી મૂક્કો માર્યો.

'ભાઈ..' તેની પાછળથી રઘુનો અવાજ આવ્યો.

વિવાને પોતાની આંખો લૂછી અને રઘુ તરફ ફરીને બોલ્યો:
'હં.. તું ક્યારે આવ્યો? બધી તૈયારી થઇ ગઇ?'

'હા ભાઇ, હમણાં જ આવ્યો. થોડીવારમાં પેલા વકિલ અને રજિસ્ટ્રાર આવશે.'

'અચ્છા..ચલ હું પણ તૈયાર થઈ જાઉં.' વિવાન તેનાથી નજર ચોરીને બોલ્યો.

'ભાઈ, આર યૂ ઓકે?' રઘુને તેની ચિંતા થઈ.

'ગઝલ પર જબરદસ્તી કરવામાં મને ખૂબ તકલીફ થાય છે.. હું આ સંબંધ, આ લગ્ન તેના પર બળજબરીથી લાદી રહ્યો છું.. હું આવું હલકું કામ કેવી રીતે કરી શકુ? હું આટલો બધો સ્વાર્થી કેમ થઇ ગયો? રઘુ.. હું સ્વાર્થી કેમ થઈ ગયો?' વિવાનથી ડૂસકું ભરાઈ ગયું.

'આ તમારો સ્વાર્થ નથી, પ્રેમ છે.. આ હલકુ કામ નથી, તમે ભાભીને ખોટું પગલું ભરતાં રોકી રહ્યા છો. ભાઈ તમે એને દુખના ઉંડા કુવામાં પડતાં બચાવી રહ્યા છો. જ્યારે તેને સાચી હકીકત સમજાશે ત્યારે એ તમને દિલથી સ્વિકારશે.' રઘુ વિવાનના ખભા પર હાથ મૂકીને બોલ્યો.

વિવાને તેને જોરથી ગળે લગાવ્યો અને પછી તૈયાર થવા અંદર જતો રહ્યો.

'હે ભગવાન.. હવે જલ્દી આ બધી ગૂંચો ઉકેલ.. કાવ્યાને સાજી કર.. એ એકવાર બધાં સામે મલ્હારનો ભાંડો ફોડે અને તેના મોઢેથી મલ્હારના કરતૂતો કહી સંભળાવે પછી તેને પણ ન્યાય મળે, ભાઈ ભાભી પણ એકબીજાની નજીક આવે અને તેમની વચ્ચે પ્રેમ ખીલે.. રઘુ આકાશ તરફ જોઈને બોલ્યો.
.
.
**
ક્રમશઃ

મહેતા અંકલને મલ્હાર વિષે શું શું માહિતી મળશે?

સુમતિ બેનની વાત સાંભળ્યા પછી શું મિહિર અને કૃપાનો નિર્ણય બદલશે?

મલ્હાર હવે શું કરશે?

શું વિવાન અને ગઝલના રજિસ્ટર્ડ મેરેજ થઈ શકશે?

**

❤ આઈ એમ વેઇટિંગ ફોર યોર કોમેન્ટ્સ એન્ડ રેટિંગ. ❤