Pranay Parinay - 4 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 4

'જાન, યૂ ટ્રસ્ટ મી ના?' મલ્હારે પોતાની આંગળી વડે કાવ્યાનો ચહેરો ઉંચો કર્યો.


'ટ્રસ્ટ છે એટલે જ તો મારુ સર્વસ્વ તને અર્પણ કરી દીધું મલ્હાર..' કાવ્યાએ પ્રેમથી મલ્હારની આંખોમાં જોતા કહ્યું.

.

**

પ્રણય પરિણય ભાગ ૪એટલામાં કાવ્યાનો ફોન વાઈબ્રેટ થયો. તે તરતજ મલ્હારથી અળગી થઇ અને પર્સમાંથી ફોન કાઢ્યો. સ્ક્રીન પર વિવાનનું નામ ઝળકી રહ્યું હતું.


'ભાઈનો ફોન છે, એ મારી વેઈટ કરતો હશે, મારે જવું પડશે. આપણે પછી મળીએ. કાવ્યા એક હાથે પોતાના કપડાં ઠીક કરતા બોલી.


'રહેવા દે.. નહીં ઉપાડને ફોન.. કમ હિઅર.' કહીને તેણે કાવ્યાને પોતાની તરફ ખેંચી અને ફરીથી કિસ કરવા લાગ્યો.


'મારે જવું પડશે જાન... નહિતર ભાઇ મને શોધતો અહીં સુધી આવશે.' કાવ્યા હળવો ધક્કો મારીને મલ્હારથી અળગી થઈ. મોબાઈલની રિંગ વાગીને પુરી થઈ ગઈ.


'ઓકે.. પણ તું કાલે આપણી રોજની જગ્યાએ મળવા આવીશને?'

(મલ્હારની કંપનીનો એક ફાજલ પડેલો એપાર્ટમેન્ટ હતો, જયાં એ લોકો મળતાં.)


'કાલે.. અં.. કાલે નોટ પોસિબલ મલ્હાર.. કાલે સમાઇરા આવે છે મારે એને લેવા એરપોર્ટ જવાનું છે.' કાવ્યા મોબાઈલના ફ્રન્ટ કેમેરામાં જોઈને પોતાના હોઠ પર લિપસ્ટિક ફેરવતાં બોલી.


'તારા માટે સમાયરા મારાથી પણ વિશેષ છે કે?' મલ્હાર સિડ્યુસિવ અવાજમાં બોલ્યો.


'ઓફ કોર્સ નોટ મલ્હાર.. પણ એ આટલા દિવસો પછી આવે છે તો મારે તેની સાથે ઘરે રોકવું પણ પડશે.'


'ઓકે એઝ યૂ વિશ.. પણ હું તો હંમેશાંની જેમ તારી રાહ જોઈશ.' મલ્હાર નિરાશ થઈને બોલ્યો.

કાવ્યા કંઈ બોલવા જતી હતી ત્યાં તેનો ફોન ફરીથી વાઇબ્રેટ થયો..


'ભાઈ મને શોધે છે મલ્હાર.. બાય.' તે લગભગ દોડતી અંદર ગઈ.


'તારે મને મળતું તો રહેવું જ પડશે કાવ્યા.. તુ મને મળતી રહીશ તો મને નવા નવા ટેન્ડર્સ મળતા રહેશે..' મલ્હાર ખંઘુ હસતા બોલ્યો અને કાવ્યાની પાછળ પોતે પણ અંદર પાર્ટીમાં ગયો.


'ભાઈ.. ' વિવાન હજુ કાવ્યાને શોધી રહ્યો હતો ત્યાં કાવ્યાએ પાછળથી સાદ આપ્યો.


'અરે.. કાવ્યા.. ક્યાં ચાલી ગઇ હતી તું.' વિવાને પુછ્યું.


'વોશરૂમ ગઈ હતી ભાઈ.. પણ ત્યાં થોડી ગિરદી હતી એટલે વાર લાગી.'


'ઓકે, તે કંઈ ખાધું કે નહી? '


'નહીં.' કાવ્યા બોલી.


'ઠીક છે, તું અહીં જ બેસ. હું તારી પ્લેટ પણ લેતો આવુ છું.' વિવાને કહ્યુ.


'નહીં ભાઈ, મને ભૂખ નથી લાગી.. આપણે ઘરે જઈએ.' કાવ્યા થોડી અસ્વસ્થતાથી બોલી.


'કેમ શું થયું? તારી તબિયત તો ઠીક છે ને..?' વિવાનને ચિંતા થઈ.


'હાં ભાઈ મારી તબિયતને કંઈ વાંધો નથી.. આ તો જરા ગિરદી વધારે છે એટલે થોડું સફોકેશન થાય છે.' કહીને કાવ્યાએ ઉંડો શ્વાસ ભર્યો.


'ઓહ અચ્છા, ડૉક્ટર પાસે જવું છે?' વિવાને કાવ્યના કપાળ પર હાથ મૂકીને તાવ છે કે નહીં એ જોયું.


'નહીં… એવી જરૂર નથી, ઘરે જઈશુ એટલે ઠીક થઇ જશે. ચલ ભાઇ.. ઘરે જઈએ.' કાવ્યા બોલી.


વિવાનને હજુ ગઝલને મળવું હતું, એની સાથે વાત કરવી હતી, એને મનભરીને નિહાળવી હતી. પણ કાવ્યાને મજા નહોતી એથી નાછૂટકે એણે પાર્ટી છોડીને નીકળવું પડ્યું.

બહાર નીકળતા તેમને વચ્ચે મિહિર અને કૃપા મળ્યા.


'અરે! વિવાન.. કેમ જલ્દી નીકળી જવુ છે? મિહિરે પુછ્યું.


'હા.. કાવ્યાને થોડું અનઈઝી ફિલ થઇ રહ્યું છે તો ઘરે જઈએ છીએ.' વિવાને કહ્યુ.


'આે અચછા.' મિહિર બોલ્યો.


'ઓકે ધેન બાય..' વિવાન બોલ્યો પણ તેની નજર ગઝલને શોધી રહી હતી.


'ગઝલ એના કોઈ ફ્રેન્ડને મળવા ગઈ છે, એ આવે એટલે અમે પણ નીકળીએ જ છીએ.' કૃપા બોલી.


'ઓહ અચ્છા..' વિવાન કૃપા તરફ જોઈને બોલ્યો.

કાવ્યા અને વિવાન પ્રતાપ રાઠોડને મળીને નીકળી ગયાં.


**


આ બાજુ મલ્હારને ગઝલ સાથે એકાંતમાં વાતચીત કરવી હતી પણ તેની પોતાની પાર્ટી હોવાથી એ ટોળામાં ઘેરાયેલો હતો.. લોકો તેને વધાઈઓ આપી રહ્યા હતા. પણ એનું ધ્યાન ગઝલ તરફ જ હતું.

ગઝલ પણ વાત કરવાનો મોકો શોધી રહી હતી, તેના ભાઇ ભાભી ઘરે જવા માટે રાહ જોઇ રહ્યા હતા.

ઘણી મિનિટો એમ જ અવઢવમાં વિતી. છેવટે ગઝલએ મલ્હારને ઇશારાથી હું જઇ રહી છું એમ કહ્યું.

મલ્હારે સામે અંગુઠો અને ટચલી આંગળી કાન પાસે લઇ જઇને રાતના ફોન કરવાનો ઈશારો કર્યો. ગઝલએ હાથ હલાવીને બાય કહ્યું. પછી મીઠી સ્માઈલ આપીને ત્યાંથી રવાના થઇ.


**

વિવાન કાવ્યાને લઇને ઘરે આવ્યો.

ઘરમાં આવીને કાવ્યા કોઈની સાથે વાત કર્યા વગર સીધી પોતાના રૂમમાં ગઈ.

એ ખરેખર ઘણી અસ્વસ્થ થઇ ગઇ હતી. છેલ્લા થોડા દિવસોથી એને આવી ફીલિંગ થઇ રહી હતી. કોઈ ભીડભાડ વાળો કે ધમાલ વાળો માહોલ હોય તો તેને ગભરામણ જેવુ થવા લાગતું. રૂમમાં જઈને તરત જ કાવ્યા બાથરૂમમાં ગઈ, ફ્રેશ થઈ, ચેઇન્જ કરીને સૂઇ ગઈ.


'અરે! કાવ્યાને શું થયું વિવાન?' વૈભવી ફઇએ ચિતાથી પુછ્યું.


'પાર્ટીમાં ભીડ વધારે હતી એટલે કદાચ એને ગભરામણ જેવુ થતુ હતું, આરામ કરશે એટલે ઠીક થઇ જશે. કંઇ ઉપાધિ કરવા જેવુ નથી.' વિવાને કીધું.


'કંઈ આચર કૂચર ખાધું હતું કે?'


'આજની પાર્ટી આમ થોડી હેવી તો હતી ફઈ.. કદાચ કંઈ ખવાયું હશે.. ઓકે ફઈ, હું પણ હવે સૂઇ જઉં, ગુડ નાઈટ..' કહીને વિવાન પોતાના બેડરૂમમાં ગયો.

તે બાથરૂમમાં જઇ ગરમ શાવર લઇને ફ્રેશ થયો. ચેઇન્જ કરીને તેણે લેપટોપ ઉઠાવ્યુ, બેડ પર આવ્યો અને લેપટોપ ઓન કર્યુ. વિવાનને ઘણા મેઈલ ચેક કરવાના હતા, રીપ્લાય પણ આપવાના હતાં. પરંતુ તેને લેપટોપની સ્ક્રીન પર ઈમેલ્સના બદલે ગઝલનો ચહેરો દેખાઈ રહ્યો હતો. ગઝલની એ મોટી મોટી કથ્થઈ આંખો વિવાનના હૃદય પર બાણ ચલાવી રહી હતી.

વિવાને લેપટોપ બંધ કર્યું અને મોબાઈલ હાથમાં લીધો. ફોટો ગેલેરીમાંથી પાર્ટીના પિક્ચર્સ ખોલ્યા. એમાં ગઝલનાં ઘણાં ફોટા હતા. જે તેણે ગઝલના ધ્યાન બહાર લીધા હતા.


વિવાન એક એક કરીને ગઝલનાં ફોટા જોવા લાગ્યો. એ મદહોશ કરી દેતી આંખો.. એની ઢળતી-ઉઠતી પાંપણો.. ગુલાબની પાંદડી જેવા હોઠ.. કાતિલ સ્મિત..

વારેઘડીએ ચહેરા પર આવી જતી વાળની લટને ગઝલ જે સલુકાઈથી કાનની પાછળ ગોઠવતી એ અદા જોઇને અત્યારે પણ વિવાનના ધબકારા વધી ગયાં..!

ફોટો જોતા જોતા એક ફોટો ગઝલ મલ્હાર સાથે ડાન્સ કરતી હોય એવો આવ્યો. વિવાને એ ફોટો ઝૂમ કરીને જોયો. કોણ જાણે કેમ પણ એ ફોટો જોઈને એના મનમાં મલ્હાર પ્રત્યે ઈર્ષ્યા જાગી.

એમતો વિવાન પર પણ ઘણી છોકરીઓ મરતી પરંતુ વિવાન એમ જલ્દી કોઈથી પીગળતો નહીં, જ્યારે અહીં ઉલટું જ થઈ રહ્યું હતું. ગઝલને જોઇને વિવાન આકર્ષિત થતો હતો.. વધુ ને વધુ તેના તરફ ખેંચાતો જતો હતો.


'આજે સવારે તો તુ મને મળી.. મળતાવેંત તે મારા મન પર, મારા વિચારો પર કબજો જમાવી દીધો.. મારા હૃદય પર રાજ કરવા લાગી.. શું કામ.. શું કામ? મને તલસાવવા લાગી?' વિવાન ગઝલનો ફોટો જોઈને એકલો એકલો બબડતો હતો. તે એમ જ મોબાઈલને છાતી પર રાખીને ગઝલના સપના જોતો ઊંઘી ગયો.


**

ગઝલ ઘરે પહોંચીને સીધી ઉપર પોતાના કમરામાં ગઈ. દરવાજો બંધ કર્યો, કાનમાં ઇયરફોન્સ ભરાવ્યા અને પોતાના શરીરને બેડ પર ફંગોળ્યું..

પાર્ટીમાં મલ્હાર સાથે કરેલા ડાન્સની મધુર પળો વાગોળતાં એ બેડ પર ઉંધી પડી. એક તકિયો લઈને છાતી નીચે દબાવ્યો. મોબાઈલમાં રોમેન્ટિક ગીતો લગાવ્યા. કરવટ બદલીને એ સીધી થઈ, તકિયો પોતાની ઉપર લીધો. એના તનબદનમાં ગલીપચી થવા લાગી.


એક તરફ ત્યાં વિવાન ગઝલના સપના જોતો ઊંઘી ગયો, અહીં ગઝલ મલ્હારના સપના જોતી ઊંઘી ગઈ.


ગઝલને હવે નિરાંત હતી. સવારે વહેલા ઊઠીને કોલેજ જવાનુ તો હતુ નહીં. એટલે અલાર્મ લગાવ્યા વગર જ મેડમ ઘોરી ગઈ હતી. તે હંમેશની માફક આજે પણ પેલા સપનામાં ખોવાઈ ગઈ હતી.

'ગઝલઅઅઅ..' કૃપાએ મોટા અવાજે બુમ મારી.. આખા બંગલાના ખૂણે ખૂણા સુધી કૃપાનો અવાજ સંભળાયો પણ ગઝલની નીંદર પર એની કોઈ અસર ના પડી.


'હે ભગવાન.. શું કરવું આ છોકરીનું..! કોલેજ નથી તો એમ ના થાય કે કિચનમાં જઇને કંઈક શીખું.. પણ નહીં.. નવ વાગી ગયાં પણ મેડમના ઊઠવાના ઠેકાણા નથી..' કૃપા ટેબલ પર નાસ્તો લગાવતા બબડી રહી હતી.


'શું થયું રાણી સાહેબા.. સવાર સવારમાં કોના પર બગડ્યા છો?' મિહિર તૈયાર થઈને રૂમની બહાર આવતાં બોલ્યો.


'તમારી પ્રિન્સેસ પર.. બીજુ કોણ હોય? નવ વાગ્યા હજુ ઉઠી નથી.'


'કોલેજ પુરી થઈ એને આજે પહેલો દિવસ છે.. એકાદ દિવસ તો સૂવા દે એને નિરાંતે.. ભલેને થોડી લાઈફ એન્જોય કરતી.'


'અરે પછી આખો દિવસ તો એન્જોય જ કરવાનું છે ને? પણ અત્યારમાં મારા જોડે કિચનમાં આવે તો બે વસ્તુ શીખે.. આગળ જતાં એને જ કામમાં આવવાનું છે ને?' કૃપા એ તર્ક આપ્યો.


'ઓહ એટલે તુ એને કિચનમાં કામ કરવા માટે ઉઠાડતી હતી?' મિહિરે આશ્ચર્ય વ્યક્ત કર્યુ.


'હાં તો.. થોડું ઘણું તો કુકીંગ શીખવું જ જોઈએ ને? આગળ જતાં ખડૂસ સાસુ મળી તો?'

કૃપાની આ વાત પર મિહિર જોરથી હસ્યો.


'એમા હસવા જેવું શું હતું? કૃપા મોઢુ મચકોડીને બોલી.


'કૃપા.. આપણી પ્રિન્સેસને આપણે કોઇ રાજકુમાર સાથે પરણાવીશું.. અને ગાંડી.. રાજકુમારના ઘરમાં રાજકુમારીએ રસોઈ બનાવવી ના પડે..' મિહિર સ્વપ્નમાં વિહરતો હોય તેમ બોલ્યો.


'મારી પણ ઇચ્છા છે કે ગઝલને સાસરીમાં સુખ જ સુખ મળે.. પરંતુ સાથે મારી એ જોવાની પણ ફરજ છે કે જો એના જીવનમાં ક્યારેય કઠીન સંજોગો ઉભા થાય તો ગઝલ પાછી ના પડે.' કૃયાના અવાજમાં મક્કમતા હતી.


'ગઝલલલઅઅઅઅ…. ' આ વખતે કૃપાએ બમણા જોરથી સાદ પાડ્યો.

આ વખતે કૃપાનો અવાજ એટલો ઉંચો હતો કે ગઝલ ભડકીને જાગી ગઈ. હંમેશ પ્રમાણે તેનું સપનુ એજ જગ્યાએ તૂટ્યું.

'શું યાર.. ભાભીને પણ બીજુ કંઈ કામ નથી.. મારો ને એનો કિસિંગ સીન ચાલુ હોય ત્યારે જ ભાભીએ સાદ પાડવો હોય…! લાગે છે કે ભાભી મારી કિસ થવા જ નહીં દે..' ગઝલ બેડ પર બેઠી થઈને બબડી.

કૃપાએ વળી એક સાદ પાડ્યો.


'એ આવીઈઈઈઈ..' ગઝલએ પણ જોરથી બોલીને જવાબ આપ્યો અને ફટાફટ બાથરૂમમાં ઘુસી.

ગઝલ તૈપાર થઇને નીચે આવી ત્યારે મિહિર એનો ડાઇનિંગ ટેબલ પર વેઈટ કરી રહયો હતો.


'ગુડ મોર્નિંગ પ્રિન્સેસ.. બરાબર ઊંઘ પુરી થઇને?' મિહિર સ્મિત કરીને બોલ્યો.


'યાર ભાઈ.. તમે ભાભીનું કંઇ કરો.. સવાર સવારમાં એનું ચાલુ થઈ જાય યાર..' ગઝલ બોલી. કૃપા એની સામે આંખો જીણી કરીને જોઇ રહી.


'આ ઘરનો નિયમ છે કે સવારનો નાસ્તો અને રાતનું ડિનર બધાએ ભેગા બેસીને કરવા.' કૃપા થોડા કડક અવાજે બોલી.


'યા યા ખબર છે..' બોલીને ગઝલએ પૌઆની ચમચી મોઢામાં મૂકી, ત્યાં બહારથી ડ્રાઈવર અંદર આવ્યો.


'સર, કારને ગેરેજમાં મોકલવી પડશે. આજે નાની કાર લઈને જવું પડશે.' ડ્રાઈવર બોલ્યો.


'અરે! શું થયું ગાડીમાં? કાલ સુધી તો બરાબર હતી.' મિહિરે ડ્રાઈવરને પૂછ્યું.


'સર, ફ્રન્ટ સાઇડમાં ગોબો પડ્યો છે.' ડ્રાઈવરની વાત સાંભળીને ગઝલએ દાંત નીચે જીભ કચરી.


'પ્રિન્સેસ.. ?' મિહિરે ગઝલ સામે આંખો ઝીણી કરી. કૃપા પણ ચમકી.


'સોરી ભાઈ.. કાલે સવારે કોલેજ જતા રસ્તામાં એક કાર સાથે ટકરાઈ.' ગઝલ રોતલા અવાજમાં બોલી.


'વ્હોટ? તે ગાડી ઠોકી દીધી તને કંઈ વાગ્યું તો નથી ને?' કૃપા નજીક આવીને ગઝલનાં હાથ પગ તપાસવા લાગી. તેને ગઝલની ફિકર થઈ આવી.


'ભાભી.. યાર મને વાગ્યુ હોત તો હું અહીં થોડી હોત? હોસ્પિટલમાં હોત ને?' ગઝલ થોડી ચિડાઈને બોલી.


'અરે! પણ તુ ગાડી લઈને ક્યારે ગઈ? મને તો ખબર પણ નથી..!' કૃપા આશ્ચર્યચકિત નજરે મિહિર સામે જોઈને બોલી. મિહિરે નજર ઢાળી દીધી.


'ચડાવો હજુ માથે ચડાવો.. સમજો કે શૂળીની ઘાત સોયથી ગઈ. સારુ થયુ કે કંઈ થયું નથી છોકરીને.. હાથપગ ભાંગ્યાં હોત તો આપણે શું કરત?' કૃપા મિહિર પર ગુસ્સે થતાં બોલી.


'અરે.. પણ મને કંઈ નથી થયું ઊલટાની સામે વાળાની હેડલાઇટ તૂટી' બોલતા ગઝલને હસવું આવી ગયું.


'અરે! શરમ નથી આવતી તને આવું બોલતા? સામે વાળો ગુસ્સે થયો હશે ને? ઝઘડો પણ કર્યો હશે.. કેટલા પૈસા માગ્યા? કે પોલીસ કમ્પલેઇન કરી?' કૃપાએ ગઝલ પર સવાલોની ઝડી વરસાવી.


'અરે ચિલ ભાભી.. એવું કંઈ નથી થયું, ઉલટું મેં જ એની બોલતી બંધ કરી દીધી.' ગઝલ પોરસાઇને બોલી અને હસવા લાગી.


'ભાઈ તમને ખબર છે મે કાલે કોની ગાડી ઠોકી?' ગઝલએ પૂછ્યું.


'કોની?' કૃપા અને મિહિર એક સાથે બોલી ઉઠ્યા.


'વિવાન કૃષ્ણકાંત શ્રોફની.' ગઝલ આંખો મોટી કરીને બોલી. કૃપા અને મિહિર આશ્ચર્યચકિત થઈને એકબીજા સામે જોઈ રહ્યાં.


મિહિરના આઘાતને ઓસરતા વાર લાગી.

'તે વિવાનની.. મતલબ વિવાન શ્રોફની ગાડી ઠોકી?' મિહિર ખાસ્સી પાંચ છ સેકન્ડ પછી બોલ્યો.


'હાં.' ગઝલએ એકાક્ષરી જવાબ આપ્યો.


'અને ઉપરથી તું વિવાનને ઉલટું સુલટું સંભળાવીને આવી રાઈટ?' મિહિર હજુ આઘાતમાં જ હતો.


'રાઇટ.' ગઝલ એકદમ કોન્ફિડન્સથી બોલી.

ગઝલના જવાબોથી મિહિરનો આઘાત શમવાને બદલે બેવડાતો હતો.


'ગઝલ તને ખબર છે વિવાન કેટલો મોટો માણસ છે?' મિહિરે ગઝલની સામે જોઈને પુછ્યું.


'એટલો કંઇ ખાસ મોટો નથી.. મારા કરતા ચાર પાંચ વરસ મોટો હશે..' ગઝલ ખભા ઉછાળીને બોલી.


'અરે.. અક્કલ..' મિહિર ક્ષણાર્ધ માટે ગુસ્સે થયો, પછી તરત જ પોતાનો ટોન હળવો કરતાં બોલ્યો:

'બેટા.. ઉંમરની વાત નથી કરતો.. વિવાન આપણા કરતા કેટલા ગણો પૈસા વાળો છે, દેશ વિદેશમાં કેવડો મોટો એનો બિઝનેસ છે, એની વાત છે.' મિહિરે વિવાન વિષે ગઝલને સમજાવ્યું.


'હા.. હશે, તો હું શું કરુ?' ગઝલ બેફિકરાઇથી બોલી.


'આ જુઓ.. આવું બોલતા શરમ પણ નથી આવતી..' કૃપા બોલી.


'અરે પણ એમાં શરમ શાની? મને થોડી ખબર હતી કે એ કાર વિવાન શ્રોફની છે.. અને એ દેશનો આવડો મોટો બિઝનેસમેન છે? એવી ખબર હોત તો મે ત્યારે જ એની માફી માંગી લીધી હોત.. જોકે કાલે રાતના પાર્ટીમાં મે એને સોરી કહી દીધું હતું.' ગઝલ હજુ પણ સિરીયસ નહોતી.


'એ બધું છોડ પ્રિન્સેસ, આજે તારે મારી સાથે ઓફિસ આવવાનું છે, મારી આજે વિવાન જોડે બિઝનેસ મિટિંગ છે, તારે એ મિટિંગમાં આવવાનું છે અને તારે ફેસ ટૂ ફેસ વિવાનની માફી માંગવાની છે. સમજી?' મિહિરે ગઝલને પોતાનો ફેંસલો સંભળાવ્યો.


'ભાઈ.. શું તમે પણ.. આજે છુટ્ટીનો મારો પહેલો દિવસ છે અને આજે જ ઓફિસ? હું નહીં આવું ઓફિસ.. ' ગઝલએ નારાજગીથી કહ્યુ.


'હું તારુ કંઇ સાંભળવાનો નથી.. વિવાનની કંપની સાથે આપણા ધંધાકીય હિતો સંકળાયેલા છે, હું વિવાનને નારાજ કરવા માંગતો નથી.' મિહિર કડકાઇથી બોલ્યો.


'ઓકે ફાઇન, આવુ છું.' કહીને ગઝલએ પોતાની નાસ્તાની પ્લેટ ઉપાડી અને પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ.


.

.


***

ક્રમશ:


**

❤ આપના રેટિંગ્સ અને કોમેન્ટ્સની પ્રતિક્ષામાં ❤

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED