13
કાળા લાંબા કોટ અને માથે કૅપ પહેરેલી એ વ્યક્તિએ નીલના ચહેરા પર પ્લાસ્ટિકની થેલી પહેરાવી દીધી હતી અને નીલનો શ્વાસ રૂંધાય એ રીતના પકડી રાખી હતી.
જ્યારે જમીન પર પડેલો અને એ વ્યક્તિના પગ નીચે દબાયેલો નીલ બન્ને હાથથી પોતાના ચહેરા પરની એ થેલી કાઢી નાંખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ એમાં તે નિષ્ફળ નીવડી રહ્યો હતો !
એ વ્યક્તિએ નીલના ચહેરા પર કાળા રંગની થેલી પહેરાવેલી હતી, એટલે તેને આ રીતના કોણ ગુંગળાવી મારી નાંખવા માંગતું હતું એ દેખાતું નહોતું. કદાચ થેલી ટ્રાન્સ્પરન્ટ-આરપાર જોઈ શકાય એવી હોત તો પણ નીલ એ વ્યક્તિનો ચહેરો જોઈ શકયો ન હોત. કારણ કે એ વ્યક્તિએ માથે કૅપ એ રીતના પહેરી રાખી હતી કે એનો ચહેરો જોઈ શકાય એમ જ નહોતો. જો કે, એ વ્યક્તિએ નીલની છાતી પર દબાવેલા એના પગમાંનું દબાણ અને એના થેલી પકડાયેલા બન્ને હાથમાંનું જોર એના દિલમાંના ખૂન્નસને જાહેર કરી રહ્યું હતું.
અને એ વ્યક્તિના ખૂન્નસની સામે નીલ ઢીલો પડવા માંડયો. તેના એ વ્યક્તિની પકડમાંથી છૂટવા માટેના ધમપછાડા ઓછા થવા માંડયા અને થોડીક પળોમાં જ જાણે તેનો જીવ નીકળી ગયો હોય એમ તે શાંત થઈ ગયો.
હવે એ વ્યક્તિએ નીલની છાતી પરથી પોતાનો પગ હટાવ્યો. એ વ્યક્તિએ નીલના ચહેરા પર પહેરાયેલી ને પોતાના હાથમાં પકડાયેલી પ્લાસ્ટિકની થેલી છોડી દીધી. એ વ્યક્તિએ નીલના ચહેરા પરથી થેલી હટાવી નહિ. એ વ્યક્તિ પોતાના હાથમાં પહેરાયેલા ગ્લવ્ઝ-હાથમોજાં સરખાં કરતાં ઊભી થઈ.
એ વ્યક્તિએ કાંડા ઘડિયાળમાં જોયું. રાતના સવા બાર વાગવા આવ્યા હતા. એ વ્યક્તિ દરવાજા તરફ સરકી. અને આઠમી પળે તો એ વ્યક્તિ ઝડપભેર સીડી ઊતરીને ઘરની બહાર નીકળી ગઈ.
૦ ૦ ૦
માયાએ એચ. કે. કૉલેજના કમ્પાઉન્ડના ઝાંપા પાસે વૅન લાવીને ઊભી રાખી, ત્યારે રાતના સાડા બાર વાગવા આવ્યા હતા.
આરસી સાથે માયા પણ વૅનની બહાર નીકળી.
દિવસે સ્ટુડન્ટ્સની ચહેલ-પહેલવાળી આ કૉલેજની આસપાસ અત્યારે સન્નાટો છવાયેલો હતો.
આરસી કૉલેજના કમ્પાઉન્ડના ઝાંપાની અંદર દાખલ થઈ અને આસપાસમાં જોતી કૉલેજના મુખ્ય દરવાજા તરફ આગળ વધી. માયા પણ તેના પગલાં સાથે પગલાં મિલાવતી આગળ વધી.
આરસીએ કૉલેજના મુખ્ય દરવાજાથી થોડાંક પગલા દૂર પહોંચતાં સુધીમાં એ નોંધ્યું કે, કૉલેજનો સિકયુરિટી ગાર્ડ હાજર નહોતો. કદાચ આજે સિકયુરિટી ગાર્ડ રજા પર ગયો હતો અને કાં તો પછી એ થોડીક ઊંઘ ખેંચી લેવા માટે કૉલેજના કોઈ ખૂણામાં લાંબો થઈ ગયો હોય. ગમે તેમ પણ અત્યારની ચોકીદારની ગેરહાજરી આરસી અહીં જે કામે આવી હતી એ માટે રાહતભરી સાબિત થાય એમ હતી.
આરસી કૉલેજના મુખ્ય દરવાજા નજીક પહોંચીને ઊભી રહી, ત્યારે જ તેને એ ખ્યાલ આવ્યો કે, માયા તેનાથી ત્રણ-ચાર પગલાં પાછળ ઊભી રહી ગઈ હતી.
આરસીએ કાચના મુખ્ય દરવાજાની અંદર નજર નાખી. અહીંથી અંદરનો જેટલો ભાગ જોઈ શકાતો હતો એટલામાં કોઈ દેખાતું નહોતું.
આરસીએ દરવાજાને અંદરની તરફ ધકેલ્યો. દરવાજો ખૂલી ગયો. તેણે અંદર દાખલ થઈને જમણી બાજુ, થોડાંક પગલાં દૂર આવેલી ભોંયરાની સીડી તરફ જોયું, ત્યાં જ તેના કાને ડાબી બાજુથી ધીમો અવાજ સંભળાયો. તેણે ઝડપભેર એ તરફ જોયું ને તેના હૃદયે કંપ અનુભવ્યો.
એ બાજુની લાંબી લૉબીની બન્ને બાજુ આવેલા કલાસમાંથી જમણી બાજુના ચોથા કલાસની અંદર એક પડછાયો સરકી ગયો હોય એવું તેને દેખાયું હતું !
‘...અંદર...’ તે પાછા પગલે પાછી મુખ્ય દરવાજાની બહાર નીકળી આવી અને તેનાથી થોડાંક પગલાં દૂર ઊભેલી માયા તરફ જોતાં કહ્યું : ‘..અંદર કોઈ છે.’
‘કોઈ એટલે..., બીજું કોણ હશે ? !’ માયા બોલી : ‘...અંદર ચોકીદાર જ હશે !’
‘પણ ચોકીદાર મને જોઈને તે વળી કલાસમાં કેમ સરકી જાય ?’ આરસીએ માયાને સવાલ કર્યો.
‘...તો પછી કદાચ...,’ માયા પોતાના અવાજને સહેજ વધુ ધીમો કરતાં બોલી : ‘...તો પછી કદાચ મંજરી.., મંજરીનું પ્રેત હશે !’
આરસી કંઈ બોલી શકી નહિ. તે બે-ચાર પળ ચુપચાપ માયા તરફ જોઈ રહી પછી બોલી : ‘ચાલો, આન્ટી ! આપણે અંદર જઈએ.’
‘ન..ન..ના !’ માયા બોલી : ‘હું તો બહાર જ છું. હું...હું વૅનમાં બેઠી છું.’ અને આરસીનો વળતો જવાબ સાંભળવા રોકાયા વિના જ માયા વૅન તરફ આગળ વધી ગઈ. ‘આરસી !’ થોડાંક પગલાં ચાલીને, પાછું વળીને આરસી તરફ જોતાં માયાએ તાકીદ કરી : ‘અહીં મારું મન ગભરાય છે. તું જલદી પાછી આવજે.’
‘હા, આન્ટી !’ કહેતાં આરસી કૉલેજના મુખ્ય દરવાજા તરફ વળી. તેણે મનમાં જાગેલા ગભરાટને ખંખેર્યો. ફરી હિંમતનો એક ઊંડો શ્વાસ લીધો, ‘તે અહીં મંજરીની લાશ લેવા માટે આવી હતી. જો મંજરીની લાશ અહીં હશે તો પછી તેે મંજરીની લાશ લઈને જ અહીંથી નીકળશે.’ મનમાંના નિર્ણયને ફરી મકકમ કરતાં તેણે મુખ્ય દરવાજાની અંદર પગ મૂકયો અને ડાબી બાજુની લૉબી તરફ જોયું.
લૉબીના જમણી બાજુના જે ચોથા કલાસની અંદર તેને પડછાયા જેવું સરકી ગયેલું દેખાયું હતું, એ તરફ જોતાં તેણે બૂમ પાડી : ‘કોણ...કોણ છે, ત્યાં...? !’ તેનો અવાજ રાતના આ સન્નાટામાં કંઈક વધુ જોરથી જ પડઘાયો : ‘...શું ત્યાં કલાસમાં ચોકીદાર છે ?’
શાંતિ ! ચુપકીદી !
એ કલાસ તરફથી કોઈ અવાજ કે જવાબ સંભળાયો નહિ.
હવે તે બિલ્લી પગલે એ કલાસ તરફ આગળ વધી.
ત્યારે આ તરફ બહાર, વૅનની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી માયા હાથ જોડીને, આંખો મીંચીને ભગવાનના નામનું રટણ કરી રહી હતી.
ત્યારે આ તરફ, કૉલેજની અંદર, એ કલાસ પાસે પહોંચેલી આરસીએ કલાસની અંદર નજર નાખી.
-અંદર કોઈ નહોતું.
તે ઘૂંટણિયે બેઠી અને બૅન્ચની નીચેથી તેણે આખાય કલાસમાં નજર દોડાવી.
-કોઈ સંતાયેલું નહોતું.
તે ઊભી થઈ. ‘કલાસમાં તો કોઈ નથી. શું કલાસમાં કોઈ પડછાયો સરકી ગયો હોય એવો તેને ભ્રમ થયો હતો ? !’ આરસીએ વિચાર્યું, ‘નક્કી એવું જ હશે.’ અને આ સાથે જ આરસી પાછી મુખ્ય દરવાજા તરફ વળી અને મુખ્ય દરવાજાની નજીક આવેલી ભોંયરાની સીડી તરફ ચાલી.
તે ભોંયરાની સીડી પાસે પહોંચી અને મનોમન ઈશ્વરનું નામ લેતાં સીડીના પગથિયાં ઊતરવા માંડી. સીડીનું છેલ્લું પગથિયું ઊતરીને તે ઊભી રહી.
-સામે અને ડાબી-જમણી બાજુ એમ ત્રણ દરવાજા હતા.
આરસીએ સામેના દરવાજા તરફ ધ્યાનથી જોયું. ‘ના ! થોડીક વાર પહેલાં, તેના ડ્રેસિંગ ટેબલ પર પડેલો પટારા આકારનો જ્વેલરી બૉકસ હલબલ્યો હતો અને તે એ બૉકસ ખોલવા ગઈ, ત્યારે તેની નજર સામે આ કૉલેજના ભોંયરાનો જે દરવાજો તરવરી ઊઠયો હતો, એ આ દરવાજો નહોતો.’
આરસીએ સામેના એ દરવાજા પરથી નજર હટાવીને જમણી બાજુના દરવાજા તરફ જોયું.
‘ના ! આ પણ એ દરવાજો નહોતો.’
તેણે એ દરવાજા પરથી નજર ઊઠાવી, ચહેરો ફેરવીને ડાબી બાજુના દરવાજા તરફ જોયું અને તેની આંખો ચમકી.
એ દરવાજા પર ‘અહીંથી દૂર રહો !’ એવી સૂચનાવાળું એક બોર્ડ લાગેલું હતું.
‘હા ! આ જ એ દરવાજો હતો. આ દરવાજો જ તેને દેખાયો હતો.’
અને તે એ દરવાજા તરફ બે પગલાં ચાલી, ત્યાં જ એ દરવાજા પર તેને મંજરીનો ચહેરો દેખાયો, પછી મંજરીનો અડધો ખવાયેલો અને અડધો હાડકાંવાળો ચહેરો દેખાયો અને પછી મંજરીનું આખું હાડપિંજર દેખાયું. એ હાડપિંજરે આરસી તરફ હાથ આગળ વધાર્યો અને એક પીડાભરી ચીસ પાડી !
આરસી બે પગલાં પાછી હટી ગઈ અને એ સાથે જ દરવાજા પરથી-આરસીની નજર સામેથી આ દૃશ્ય દૂર થઈ ગયું.
આરસી એ દરવાજા તરફ જોઈ રહી. તેને થયું કે તે પાછી ફરી જાય, પણ પછી તેણે તુરત જ આ વિચારને ખંખેરી નાખ્યો અને એ દરવાજા તરફ આગળ વધી.
એ દરવાજા પાસે પહોંચીને તેણે દરવાજાને ધકેલ્યો. ચુંઉંઉઉંના અવાજ સાથે દરવાજો ખૂલ્યો.
તે હૉલ જેવડા એ મોટા રૂમમાં દાખલ થઈ.
બરાબર એ જ વખતે, ઉપર, હમણાં થોડી વાર પહેલાં આરસીને જે કલાસમાં પડછાયો દાખલ થઈ જતો દેખાયો હતો અને પછી તેણે એ કલાસ પાસે જઈને જોયું ત્યારેે તેને કોઈ દેખાયું નહોતું એ કલાસની બારીમાંથી, લાંબો કાળો કોટ અને માથે કાળી કૅપ પહેરેલી વ્યક્તિ અંદર આવી !
હકીકતમાં આરસીને આ વ્યક્તિ જ દેખાઈ હતી ! આરસીની નજરથી બચવા માટે જ એ વ્યક્તિ આરસી કલાસ પાસે પહોંચે એ પહેલાં જ બારી બહાર કૂદી ગઈ હતી.
અત્યારે પાછી બારીમાંથી અંદર આવેલી એ વ્યક્તિ કલાસના દરવાજા પાસે પહોંચી અને એણે બહાર લૉબીમાં નજર નાખી.
ત્યારે નીચે ભોંયરાના હૉલ જેવડા એ મોટા રૂમમાં આરસી નજર ફેરવી રહી હતી. તૂટેલી બૅન્ચો, ટેબલ-ખુરશી કબાટ, અને પેટી પર ફરતી તેની નજર ખૂણામાં પડેલા પટારા પર રોકાઈ.
પટારો લગભગ તેને દેખાયો હતો એટલો મોટો તો હતો, પણ અદ્દલો-અદ્દલ એવો નહોતો. વળી તેને દેખાયેલા એ પટારાને તો તાળું વાસેલું હતું અને આ પટારાની સ્ટૉપર પર-નકૂચા પર તાળું લાગેલું નહોતું.
છતાં આરસી એ પટારામાં ‘મંજરીની લાશ છે કે નહિ ?’ એ જોવા માટે એ પટારા તરફ આગળ વધી.
તે એ પટારા નજીક પહોંચી.
પળવાર એ પટારા તરફ જોઈ રહ્યા પછી તેણે પટારો ખોલવા માટે પટારાના નકૂચા તરફ હાથ આગળ વધાર્યો. તેણે નકૂચો પકડયો અને એકદમથી જ પટારો ખોલી નાખ્યો.
અંદર...,
....અંદર મંજરીની લાશ નહોતી.
અંદર બ્લેકબોર્ડ સાફ કરવા માટેના ડસ્ટરોનો ધૂળ ખાતો ઢગલો પડયો હતો.
આરસીએ પટારો પાછો બંધ કર્યો અને ફરી પાછી એ હૉલમાં નજર ફેરવવા માંડી. ‘તેને દેખાયેલો પટારો અત્યારે અહીં નજરે ચઢતો નહોતો.’ અને અચાનક જ તેને યાદ આવ્યું. ‘તેને ભોંયરાના આ રૂમનો ‘અહીંથી દૂર રહો !’વાળા બોર્ડવાળો દરવાજો દેખાયો, એ પહેલાં તેને ‘સ્ટોરેજ’ એવું બોર્ડ લાગેલો દરવાજો પણ દેખાયો હતો. તો....તો શું અહીં એવો કોઈ દરવાજો હતો અને એની અંદર એ પટારો હતો ? !’
આરસીએ ફરીવાર આખાય હૉલમાં નજર ફેરવી, પણ એવો કોઈ દરવાજો દેખાયો નહિ.
સુઉઉઉઉઉ....! એકદમથી જ કોઈ અવાજ સંભળાયો અને આરસી ચોંકી ઊઠી. તેણે ડાબી બાજુ, જે કબાટ પાછળથી એ અવાજ આવ્યો હતો, એ તરફ જોયું.
-એ કબાટ પાછળથી લીલા રંગનો ધુમાડો નીકળતો હોય એવું દેખાયું.
આરસી કંઈ પણ વિચારવા રોકાયા વિના જ એ કબાટ તરફ આગળ વધી. તે એ કબાટ નજીક પહોંચી અને કબાટની પાછળ નજર નાખી.
-કબાટની પાછળ એક દરવાજો હતો, અને એ દરવાજા પર ‘સ્ટોરેજ’નું બોર્ડ લાગેલું હતું !
‘હા ! આ દરવાજો જ તેને દેખાયો હતો.’ આરસીએ વિચાર્યું, ત્યાં જ દરવાજા નીચેથી નીકળી રહેલો લીલા રંગનો ધુમાડો નીકળવાનો બંધ થયો.
આરસી એ દરવાજા પાસે પહોંચી અને તેણે દરવાજાને ધકેલ્યો. દરવાજો એકદમ સહેલાઈથી ખૂલી ગયો.
તેણે અંદર નજર નાખી ને તેણે આશ્ચર્ય અનુભવ્યું. ‘દરવાજા પાસે, દરવાજા નજીકની જમીન પર એવી કોઈ સળગતી વસ્તુ નહોતી જેનાથી ધુમાડો નીકળે ! તો...તો પછી ધુમાડો નીકળ્યો કેવી રીતના ? !’ અને આ સવાલ સાથે જ આરસીના મગજમાં જાણે જાણે જવાબ જાગી ગયો, ‘શું મંજરીએ-મંજરીના પ્રેતે તેને આ દરવાજા સુધી ખેંચી લાવવા માટે આ રીતના ધુમાડો કાઢયો હતો ?’ અને આ સાથે જ આરસી એ દરવાજાની અંદર દાખલ થઈ અને નજર ફેરવવા માંડી.
આ રૂમ આગળના રૂમ કરતાં અડધો હતો, પણ અહીં પણ તૂટેલી બેન્ચો-કબાટ વગેરે પડયા હતા. એ બેન્ચો-કબાટ પર ફરતી આરસીની નજર ખૂણામાં પડેલા પટારા પર પડી અને તે તુરત જ એ પટારો ઓળખી ગઈ.
‘આ એ જ પટારો હતો, જે તેને દેખાયો હતો.’
તે ઝડપી પગલે એ પટારા પાસે પહોંચી.
પટારાના મોટા નકૂચામાં-મોટી સ્ટોપરમાં તાળું લાગેલું હતું.
આરસીએ એ તાળું તોડી શકાય એવી કોઈ વસ્તુ માટે આસપાસમાં નજર દોડાવી. નજીકમાં જ એક સળિયો પડયો હતો. તેણે એ સળિયો હાથમાં લીધો અને પટારાના તાળા પર ફટકારવા માંડી.
બરાબર એ જ વખતે, પેલી કાળા લાંબા કોટ અને કાળી કૅપવાળી વ્યક્તિ ઝડપી પણ દબાતા પગલે ભોંયરાની સીડીના પગથિયાં ઊતરવા માંડી.
એ વ્યક્તિ સીડીના છેલ્લા પગથિયા પાસે, ભોંયરાના ત્રણ દરવાજાઓ સામે ઊભી રહી ગઈ.
તો એ ત્રણ દરવાજામાંથી ડાબી બાજુના બંધ દરવાજાની અંદરના હૉલ પછીના બીજા નાના રૂમમાં પડેલા પટારાનું તાળું સળિયાથી તોડવાનો પ્રયત્ન કરી રહેલી આરસી રોકાઈ. ‘સળિયાથી તાળું તૂટે એમ લાગતું નહોતું.’ તેણે સળિયો બાજુ પર મૂકયો અને ‘બીજી કઈ વસ્તુથી તાળું તોડી શકાય એમ છે ? !’ એ જોવા માટે તે આસપાસમાં નજર ફેરવવા ગઈ ત્યાં જ તેના કાને પટારાના નકૂચા તરફથી ‘ખટ્ !’ એવો અવાજ સંભળાયો.
તેણે નકૂચા તરફ જોયું તો ફરી તેણે આશ્ચર્ય અનુભવ્યું.
-પટારાના નકૂચા પરનું તાળું ખૂલી ચૂકયું હતું. એ તાળું આપમેળે ખૂલી ગયું હતું ? ! !
આરસીએ વાંકી વળીને, હાથ લંબાવીને નકૂચામાંથી તાળું કાઢયું. તેણે નકૂચો પકડીને પટારો ખોલ્યો એ સાથે જ તેના મોઢેથી એક ચીસ નીકળી ગઈ !
-અંદર..., અંદર મંજરીની ખવાઈ ગયેલી લાશ પડી હતી !
(ક્રમશઃ)