Khauf - 2 books and stories free download online pdf in Gujarati

ખોફ - 2

2

સવારના સવા સાત વાગ્યા હતા. ગઈકાલ અડધી રાતના પોતાની મોટી બહેન આરસી અને એની બેનપણીઓ પાયલ અને વૈભવી ભેદી રીતના ગાયબ થઈ ચૂકી છે, એ ભયાનક હકીકતથી બેખબર નીલ આરસીના બેડરૂમના દરવાજે પહોંચીને ઊભો રહ્યો.

‘ઠક-ઠક !’ દરવાજે ટકોરા મારતાં નીલે બૂમ  પાડી : ‘આરસી ! શું તમે લોકો જાગી ગયાંં ? ! ચાલો, મમ્મી તમને નાસ્તા માટે બોલાવી રહી છે !’

અંદરથી કોઈ જવાબ સંભળાયો નહિ, એટલે ‘હું અંદર આવું છું !’ કહેતાં નીલ દરવાજો ધકેલીને બેડરૂમમાં દાખલ થયો. તેની નજર પલંગ પર પડી. પલંગ પર આરસી કે એની કોઈ બેનપણી નહોતી.

નીલે બાથરૂમ તરફ જોયું. બાથરૂમના બંધ દરવાજાને બહારથી સ્ટોપર લાગેલી હતી. તેણે રૂમના પાછલા દરવાજા તરફ જોયું. એ દરવાજો ખુલ્લો હતો. તેણે એ દરવાજામાંથી બહાર નીકળીને આસપાસમાં જોયું. આરસી અને એની બેનપણીઓ નહોતી.

તે પાછો અંદર બેડરૂમમાં આવ્યો, ત્યાં જ ‘કેમ આટલી વાર લાગી ?’ પૂછતાં તેની મમ્મી શોભના ડ્રોઈંગરૂમના દરવાજામાંથી અંદર આવી.

‘મમ્મી !’ નીલે કહ્યું : ‘...ત્રણેય અહીં નથી. શી ખબર કયાં ચાલી ગઈ ? !’

‘એ ત્રણેનાં કપડાં તો અહીં જ લટકી રહ્યાં છે !’ ખૂણામાં હૅન્ગર પર લટકતા આરસી, પાયલ અને વૈભવીના કપડાં તરફ આંગળી ચીંધતાં શોભના  બોલી : ‘આમ નાઈટ ડ્રેસમાં ત્રણે જણીઓ કયાં ઊપડી ગઈ ? !’ શોભના ગુસ્સે થઈ ગઈ : ‘એમને મોબાઈલ લગાવ તો, હું એમને બરાબરની ખખડાવું છું.’

નીલે મોબાઈલમાં આરસીનો નંબર લગાવ્યો તો રૂમમાંથી જ રીંગ વાગી ઊઠી. તેણે રીંગ ગુંજી રહી હતી એ પલંગની બાજુની ટિપૉય તરફ જોયું. ટિપૉય પર આરસીનો મોબાઈલ પડયો હતો. બાજુમાં જ પાયલ અને વૈભવીના મોબાઈલ પણ પડયા હતા.

‘ઓહ !’ શોભના બોલી ગઈ : ‘એમના મોબાઈલ તો અહીં જ પડયાં છે !’ હવે શોભનાને કંઈક અમંગળ બન્યાના એંધાણ આવી ગયાં હોય એમ તે પલંગ પર બેસી પડી : ‘તું બંગલાની ચારેબાજુ જોઈ લે, ત્યાં સુધી હું પાયલ અને વૈભવીના ઘરે પૂછી જોઉં છું.’

‘હા !’ કહેતાં નીલ બહાર નીકળી ગયો.

નીલ બંગલાની ચારેબાજુ જોઈને વીલા મોઢે પાછો ફર્યો, ત્યારે અમોલ પણ આવી ચૂકયો હતો.

‘એ લોકો બહાર નથી.’ નીલે ઢીલા અવાજે કહ્યું.

‘અમે પાયલ અને વૈભવીના ઘરે પૂછી જોયું, તો ત્યાં પણ એ ત્રણેય પહોંચી નથી !’ અમોલે કહ્યું : ‘....તો આખરે એ ત્રણેય ગઈ કયાં ? !’

‘આરસીએ અગાઉ કદી આવું કર્યું નથી.’ શોભના આંસુ સારતાં બોલી : ‘એ મને કંઈ પણ કહ્યા-કર્યા વિના આમ જાય નહિ. નકકી કંઈક...’

‘..તું ચિંતા ન કર.’ અમોલ બોલ્યો : ‘હું પોલીસને ફોન કરું છું.’ અને અમોલે મોબાઈલ પર પોતાના જાણીતા સબ ઈન્સ્પેકટર કાટેકરનો નંબર મિલાવ્યો. ‘કાટેકર !’ સામેથી કાટેકરનો અવાજ આવ્યો એટલે તેણે  કહ્યું : ‘અમોલ બોલું છું. એક પ્રોબ્લેમ થયો છે. મારી દીકરી એની બે બેનપણીઓ સાથે ગાયબ થઈ ગઈ છે !’ અને સામેથી કાટેકર ‘કયારે ? કેવી રીતના ? !’ જેવા સવાલો કરવા માંડયો, એટલે અમોલ જવાબ આપવા લાગ્યો, તો શોભનાએ ભગવાનને પ્રાર્થના કરવા  માંડી : ‘હે, ભગવાન ! મારી આરસી જ્યાં પણ હોય, ત્યાંથી એને જલદીથી સહી-સલામત પાછી ઘરભેગી કરી દે.’

તો નીલ રૂમમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. તે પરેશાન હતો. ‘તેની મોટી બહેન આરસી આ રીતના પોતાની બે બેનપણીઓ સાથે ગૂમ હતી એની પાછળનું તેને કોઈ કારણ કળાતું નહોતું. આરસી એટલી બેજવાબદાર નહોતી કે તે આ રીતના મમ્મીને કે તેને કશુંય કહ્યા વિના કયાંય ચાલી જાય !’ નીલનું મગજ કામ કરતું નહોતું તો તેનું દિલ કહેતું હતું કે, ‘જરૂર તેની આરસી સાથે કંઈક અજુગતું, કંઈક ન બનવાનું બન્યું હતું ! પણ શું ? !’ અને અચાનક જ નીલના મગજમાં એક વાત જાગી, ‘કયાંક-કયાંક આરસી અને એની બેનપણીઓના ગૂમ થવા પાછળ રૉકી, વિરાજ અને મોહિતનો તો હાથ નહિ હોય ને ?

‘આરસીએ કૉલેજના મેગેઝીનમાં ફૂટબોલ પ્લેયરોને વધારાના માર્કસ આપવાનો વિરોધ કરવાની સાથે, આ ત્રણેય ફૂટબોલ ખેલાડી રૉકી, વિરાજ અને મોહિતનું કાર્ટૂન પણ છાપ્યું હતું, અને એનાથી તેઓ રોષે ભરાયેલા હતા. તો કયાંક આ ત્રણેય જણાંનું તો આ કામ નહિ હોય ને ? !’ અને નીલે દીવાલ ઘડિયાળમાં જોયું. સવારના દસ વાગ્યા હતા. કૉલેજ ચાલુ થવામાં અડધો કલાકની વાર હતી.

તેણે નકકી કર્યું, ‘તેણે કૉલેજ જવું જોઈએ, અને ત્યાં રૉકી, વિરાજ અને મોહિત આવે છે કે નહિ ? એ જોવું જોઈએ.’ અને તેણે શોભનાને કહ્યું : ‘મમ્મી ! હું કૉલેજ જઈને આવું છું. કદાચને ત્યાં કોઈકને આરસી અને એની બેનપણીઓના આ રીતના બહાર ચાલ્યા જવાની બાબતમાં કંઈક જાણકારી હોય.’

‘હા, પૂછી આવ.’ શોભના બોલી : ‘પણ જલદી આવજે !’

‘હા, મમ્મી !’ કહેતાં નીલ બહાર નીકળી ગયો.

ત્યારે સબ ઈન્સ્પેકટર કાટેકર સાથે વાત કરી ચૂકેલો અમોલ અત્યારે મોબાઈલ ફોન પર પોલીસ કમિશનર સાથે આ બાબતમાં વાત કરી રહ્યો હતો.

૦ ૦ ૦

નીલ કૉલેજના પાર્કીંગમાં કાર પાર્ક કરીને, સ્કુટર પાર્કિંગમાં પડેલા સ્કુટર પર બેઠો અને થોડે દૂર આવેલા કલાસની બારી તરફ નજર દોડાવી. એ કલાસ આરસી, પાયલ અને વૈભવીનો હતો. એમના કલાસમાં જ રૉકી, વિરાજ અને મોહિત ભણતા હતા.

કલાસની ત્રણ બારીમાંથી, વચ્ચેની બારીમાંથી અંદર બૅન્ચ પર બેઠેલા વિરાજ અને મોહિત જોઈ શકાતા હતા, પણ ત્રીજી બારી પાસેની બૅન્ચ પર, રોમાની બાજુની સીટ પર રૉકી નહોતો.

નીલ એકધ્યાનથી વિરાજ અને મોહિત તરફ જોઈ રહ્યો. પ્રોફેસર કંઈક સમજાવી રહ્યા હતા, પણ મોહિતની નજર સામેની તરફ-પ્રોફેસર તરફ નહોતી. તેની નજર ડાબી બાજુ, વચ્ચેના રસ્તા પછી આવેલી બાજુની બીજી બૅન્ચ તરફ હતી. એ બૅન્ચ ખાલી હતી. એ બૅન્ચ આરસી, પાયલ અને વૈભવીની હતી ! ત્રણેય જણીઓ આ બૅન્ચ પર જ બેસતી હતી !

મોહિત એ ત્રણેની ખાલી બૅન્ચ તરફ તાકી રહ્યો, તો તેની બાજુમાં, બૅન્ચના બીજા છેડે બેઠેલા વિરાજે કાગળ પર લખવાનું શરૂ કર્યું. વિરાજે પહેલી લાઈનમાં લખ્યું, ‘...વાત ફેલાઈ ચૂકી છે.’ અને તેણે આસપાસમાં જોયુ.ં કોઈનું ધ્યાન તેની તરફ નહોતું. તેણે બીજી લાઈન લખી : ‘તેઓ ત્રણેય જણી હજુ પાછી ફરી નથી. હવે ? !’ અને તેણે આ ચિઠ્ઠી મોહિત તરફ સરકાવી.

મોહિતે એ ચિઠ્ઠી વાંચી, ત્યાં જ રૉકી આવી પહોંચ્યો. મોહિત પાસેથી પસાર થતાં રૉકીએ એક નજરમાં જ એ ચિઠ્ઠી વાંચી લીધી અને કરડાકી સાથે મોહિત તરફ જોઈ લેતાં તેણે એ ચિઠ્ઠી ઉઠાવી લીધી અને છેવાડેની બૅન્ચ તરફ, રોમા બેઠી હતી એ બૅન્ચ તરફ આગળ વધી ગયો.

તે ચિઠ્ઠીનો ડૂચો વાળીને ખિસ્સામાં મૂકતાં રોમાની બાજુમાં બેઠો. તેણે રોમા સામે જોયું. રોમા તેની તરફ જ તાકી રહી હતી.

‘રૉકી,’ રોમાએ ધીરેથી પૂછયું, ‘આરસી અને એની બન્ને ફ્રેન્ડ્‌સને કંઈ થયું તો નહિ હોય ને ? ત્રણેય સહી-સલામત હશે ને ? !’

‘હા.’ રૉકીએ ધીમેથી જવાબ આપ્યો, અને સામેની તરફ, પ્રોફેસર તરફ ધ્યાન પરોવ્યુંં.

તો બારી બહાર, થોડેક દૂરના સ્કુટર પર બેઠેલા અને તેમની તરફ તાકી રહેલા નીલે મન સાથે વાત કરી : ‘રૉકી, વિરાજ અને મોહિતની-ત્રણેયની હીલચાલ તો વિચિત્ર વર્તાય છે. પણ આટલા પરથી જ એ થોડી માની લેવાય કે, આરસી અને એની બન્ને બેનપણીઓના ગાયબ થવા પાછળ એમનો હાથ છે !’

પીરિયડ પૂરો થવાનો બૅલ ગૂંજ્યો, એટલે નીલ પોતાના કલાસ તરફ ચાલ્યો. કૉલેજની રિસેસમાં અને કૉલેજ છુટી એ પછી પણ નીલે પહેલાં પોતાની મમ્મી શોભનાને મોબાઈલ લગાવ્યો અને આરસી અને એની બેનપણીઓ વિશે પૂછયું.

મમ્મી પાસેથી તેને એક જ જવાબ સાંભળવા મળ્યો : ‘હજુ એમનો પત્તો લાગ્યો નથી.’

નીલે ઓળખીતા-પાળખીતા સ્ટુડન્ટ્‌સને પૂછપરછ કરી. પણ તેને કોઈની પાસેથી એ ત્રણેય ગાયબ થઈ હોય એની પાછળનું કોઈ નાનું-સરખું કારણ કે કડી મળી નહિ.

નીલ સાંજે પાંચ વાગ્યે ઘરે પહોંચ્યો, ત્યારે સાવ ઢીલો થઈ ચૂકયો હતો. તો તેની મમ્મી શોભનાની આંખો રડી-રડીને સોજી ગઈ હતી.

‘શું થયું, મમ્મી ?’ તેણે શોભનાની બાજુમાં બેઠેલા અમોલ તરફ ઊડતી નજર નાંખી લઈને મમ્મીને પૂછયું,‘આરસી મળી ?’

‘...મળી જશે ! મેં મારી બધી લાગવગ લગાવી દીધી છે.’ અમોલે જવાબ આપ્યો : ‘...તમે બન્ને ચિંતા ન કરો, બસ...!’

‘હં ! તમે કેટલી સહેલાઈથી કહી દીધું કે ચિંતા ન કરો ! પણ હા,’ નીલ બોલ્યો : ‘તમે તો આવું જ કહેશો ને ! આખરે તો આરસી તમારી સાવકી દીકરી છે ને !’

‘તું કેવી વાત..’ અને શોભના પર નજર પડતાં જ અમોલ આગળના શબ્દો ખાઈ ગયો : ‘ચલ, જવા દે !’ કહેતાં અમોલ પોતાના બેડરૂમમાં ચાલ્યો ગયો.

શોભનાએ એક નિસાસો નાંખ્યો. આરસી અને નીલ તેના બાળકો હતા. તેના પહેલા પતિ ધનરાજથી તેને આ બન્ને બાળકો થયા હતા. ધનરાજનું અકસ્માતમાં મોત થયું, એ પછી, દસ વરસ પહેલાં તેણે અમોલ સાથે લગ્ન કર્યા હતા.

અમોલે આરસી અને નીલને પોતાના બાળકો તરીકે અપનાવી લીધા હતા, પણ આરસી અને નીલે અમોલને પૂરા દિલથી પિતા તરીકે સ્વીકાર્યા નહોતા. તેઓ અમોલ સાથે લડતા-ઝઘડતા નહોતા, પણ સમય-કસમયે એમના વાણી-વર્તનમાં અમોલ માટેનો અણગમો છતો થયા વિના રહેતો નહોતો. જોકે, અમોલ તેની ખાતર આરસી અને નીલ સાથેની સામસામી ટકકર ટાળતો હતો. તે આ રીતના એમની સામેથી દૂર સરકી જતો હતો.

‘મમ્મી...!’ નીલનો અવાજ કાને પડયો, એટલે શોભનાએ વિચારોમાંથી બહાર આવતાં નીલ તરફ જોયું, તો નીલ આગળ બોલ્યો : ‘આરસી આવી ગઈ !’

અને આ સાંભળતાં જ શોભનાએ મુખ્ય દરવાજા તરફ જોયું, તો દોડીને અડધે આવી પહોંચેલી આરસી ‘મમ્મી !’ કહેતાં નજીક આવીને તેને વળગી પડી અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

‘મારી દીકરી ! રડ નહિ મારી દીકરી...,’ આરસીની પીઠ પર દિલાસાભર્યો હાથ ફેરવતાં શોભના બોલી : ‘..તું ઘરે આવી ગઈ, એે જ ભગવાનનો મોટો ઉપકાર. તું બધી વાતો...’

‘એને અંદર રૂમમાં આરામ કરવા દો !’ મુખ્ય દરવાજા પાસેથી અવાજ આવ્યો, ત્યારે શોભનાને ખબર પડી કે, સબ ઈન્સ્પેકટર કાટેકર આરસીને શોધીને લઈ આવ્યો હતો !

તો આ અવાજો ને વાતો સાંભળીને અમોલ પણ પોતાના બેડરૂમમાંથી નીકળી આવ્યો. આરસીને જોતાં જ અમોલે નિરાંતનો શ્વાસ લીધો : ‘આરસીને એના રૂમમાં લઈ જા, નીલ !’ તેણે કહ્યું.

નીલે આરસીને મમ્મીથી અળગી કરી તો આરસી નીલને વળગી પડી. નીલ આરસીને વળગેલી હાલતમાં જ એના રૂમ તરફ લઈ ચાલ્યો.

નીલ અને આરસી દેખાતા બંધ થયા, એટલે અમોલે પૂછયું : ‘કાટેકર ! આરસી તમને કયાંથી મળી ? !’

‘કહું છું, બેસો !’ અને કાટેકરે સોફા પર બેઠક લીધી.

અમોલ અને શોભના પણ કાટેકરની સામેના સોફા પર ગોઠવાયા, એટલે તેણે કહ્યું : ‘આરસી અને તેની બન્ને બેનપણીઓ જાગી ત્યારે તેઓ પેલી ભુતિયા હવેલીમાં હતી, જે તેમની કૉલેજની પાછળના ભાગમાં, પોણો કિલોમીટર દૂર ગીચ ઝાડીઓ વચ્ચે આવેલી છે.’

શોભના કાટેકર સામે જોઈ રહી, એની વાત સાભળી રહી.

‘એ ત્રણેએ કહ્યું કે, એ ત્રણેય અંદર હતી અને બહાર, દરવાજે તાળું હતું.’ કાટેકરે કહ્યું : ‘જોકે, એમની ચીસો સાંભળીને અમને ખબર આપનાર એક રખડેલ છોકરાએ પણ આ વાતને કબૂલી.’

‘બસ,’ અમોલે પૂછયું : ‘ત્રણેય જણીઓએ આટલું જ  કહ્યું ? તેઓ કેવી રીતના ત્યાં પહોંચી એ વિશે...’

‘ના, એમણે કંઈ કહ્યું નહિ. એમનું કહેવું છે કે, તેઓ કેવી રીતના ત્યાં પહોંચી એની તેમને ખબર નથી.’ કાટેકરે કહ્યું : ‘ગમે તેમ પણ ભગવાનનો પાડ માનો કે તેઓ સહી-સલામત ઘરે પાછી આવી ગઈ. એમને કોઈ જાતનું નુકશાન નથી થયું. અમે એમના લોહીની તપાસ કરી તો એમાં અમને જાણવા મળ્યું કે, એમાં નશીલો પદાર્થ મળી આવ્યો, મતલબ કે એમણે નશીલા પદાર્થનું સેવન કર્યું હતું !’

‘ઓહ, નો !’ શોભનાએ આઘાત અનુભવ્યો.

‘..અને હા !’ કાટેકરે કહ્યું : ‘તમે બીજા કોઈ ટૅન્શનમાં પડતા નહિ. અમે એમની મેડિકલ તપાસ કરાવી તો એમાં જાણવા મળ્યું કે એમની સાથે કોઈ જાતની જોર-જબરજસ્તી કરવામાં આવી નથી.’

શોભનાની આંખોમાં આંસુ આવી ગયાં.

‘તો...,’ અમોલે કાટેકરને પૂછયું : ‘આ ત્રણેયના આ રીતના ગાયબ થવા પાછળ તમારું શું માનવું છે ? !’

‘મને લાગે છે કે, ત્રણેયએ કદાચ શરારત કરી હોય !’

‘શરારત ? !’ શોભના જોઈ રહી.

‘મતલબ કે, કોઈ વાત કે કોઈ વસ્તુ તરફ તમારું ધ્યાન ખેંચવા માટે એેમણે આવું કર્યું હોય !’

કાટેકરની આ વાત સાંભળીને અમોલ અને શોભનાએ એકબીજા સામે જોયું અને પછી ફરી કાટેકર તરફ જોયું.

‘ગમે તેમ, પણ આરસીએ જે વાત મને જણાવી ન હોય એ વાત કદાચ તમને કહે પણ ખરી.’ અને કાટેકર ઊભો થયો : ‘આરસી આ વિશે કંઈ કહે અને મને જણાવવા જેવું લાગે તો ચોકકસ જણાવજો.’

‘ભલે !’ અને અમોલે ઊભા થઈને કાટેકર સાથે હાથ મિલાવ્યો.

કાટેકર રવાના થયો, એટલે શોભનાએ કહ્યું : ‘અમોલ ! હું આરસીને પૂછી...’

‘ના !’ અમોલે તેને રોકી : ‘એક-બે દિવસ એને છેડીશ નહિ. આ વિશે એને પૂછપરછ કરીશ નહિ. એ જાતે બોલશે અને નહિ બોલે તો આપણે ખૂબ જ પ્રેમથી એની પાસે વાત કઢાવીશું કે, એણે કાટેકરને જે કંઈ જણાવ્યું છે એ જ સચ્ચાઈ છે કે પછી ખરી હકીકત કંઈક જુદી જ છે.’

‘ભલે !’ અમોલની વાત ઠીક લાગી, એટલે શોભનાએ એ કબૂલી લીધી. જોકે, શોભના ‘આરસી એ ભુતિયા હવેલીમાં પોતાની બેનપણીઓ સાથે કેવી રીતે પહોંચી હશે ? ! ત્યાં તેમની સાથે શું બન્યું હશે?’ એ સવાલોથી પીછો છોડાવી શકી નહિ.

૦  ૦  ૦

રાતના અગિયાર વાગ્યા હતા. આરસી પોતાના બેડરૂમના ખૂણામાં મુકાયેલા સ્ટડી ટેબલ-ખુરશી પર બેઠી હતી. તેની સાથે તેમજ તેની બેનપણીઓ પાયલ અને વૈભવી સાથે જે કંઈ બન્યું હતું, એનાથી તે ખૂબ જ અપસેટ હતી. તે પોતાની સાથે બનેલી ઘટનાને દિલો-દિમાગથી દૂર રાખવા માટે અત્યારે કૉલેજની બુક લઈને બેઠી હતી, પણ એમાં તેનું ધ્યાન પરોવાતું નહોતું.

ચુંઉંઉંઉંઉંઉં ! અત્યારે અચાનક તેના કાને આ અવાજ પડયો અને તે ચોંકી. તેણે જે બાજુથી આ અવાજ આવ્યો હતો, એ કબાટ તરફ જોયું, અને તે ખળભળી ઊઠી !

તેણે થોડીક વાર પહેલાં નાઈટી કાઢીને પછી બરાબર બંધ કરેલો કબાટનો દરવાજો અત્યારે આપમેળે, ચુઉંઉંઉંઉંઉંના અવાજ સાથે ધીરે-ધીરે ખૂલી રહ્યો હતો !

ભયથી તેનું હૃદય ભીંસાયું !

કબાટનો દરવાજો પોણા ભાગનો ખુલ્યો. કબાટના એ દરવાજાના અંદરના ભાગમાં મોટો અરીસો લાગેલો હતો. આ અરીસા પર આરસીની નજર પડી અને એ સાથે જ તેની આંખો ભયથી પહોળી થઈ ગઈ ! તેનું મોઢું ચીસ પાડવા માટે ખુલ્યું, પણ જાણે તેને જે દેખાઈ રહ્યું હતું એના ડર અને આંચકાએ તેના ગળામાં જ ચીસ રોકી દીધી હતી !

કબાટના દરવાજા પર લાગેલા એ અરીસામાં કબાટના અંદરના ભાગનું પ્રતિબિંબ, કબાટની અંદરનો ભાગ દેખાતો હતો ! અને એ ભાગમાં એક યુવતીની લાશ ઊભેલી દેખાતી હતી !

એ યુવતીની લાશની આંખો ફાટેલી હતી ! એની કીકીઓ અને પાંપણો સ્થિર હતી. એના કપાળમાંના ઘામાંથી લોહીની ધાર વહી રહી હતી !

એ યુવતીની લાશે પોતાની કીકીઓ ફેરવી અને એની નજર આરસીની નજર સાથે અથડાઈ, અને એ સાથે જ આરસીના ગળામાં અટવાયેલી ભયભરી ચીસ જોરથી મોઢાની બહાર નીકળી જવાની સાથે જ તેણે પોતાના બન્ને હાથ વચ્ચે ચહેરો છુપાવી દીધો !

અને એ સાથે જ કબાટમાંની એ યુવતીની લાશ પલકવારમાંં જ કબાટમાંથી નીકળીને આરસી સામે-આરસીની એકદમ નજીક આવીને ઊભી રહી ગઈ !

-એ યુવતીની લાશ.....,

-એ લાશ......,

-હા, એ લાશ પચીસ વરસ પહેલાં ગૂમ થયેલી મંજરીની જ હતી ! ! !

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED