Khauf - 10 books and stories free download online pdf in Gujarati

ખોફ - 10

10

રૉકી થરથર કાંપતાં, પલંગ નીચેથી બહાર નીકળેલા ચામડી ઊતરડાયેલા, લાંબા-લાંબા નખવાળા બેે હાથ તરફ જોઈ રહ્યો. ‘ક..ક..કોણ છે ? !’ રૉકીના હોઠે આ સવાલ આવ્યો, પણ ડર અને ગભરાટથી તેની જીભ તાળવા સાથે ચોંટી ગઈ  હતી, એટલે તેના મોઢેથી આ સવાલ નીકળી શકયો નહિ, તે ફાટેલી આંખે પલંગની નીચેની તરફ જોઈ રહ્યો.

ધીરે-ધીરે કોણી સુધીના બન્ને હાથ બહાર નીકળ્યા અને પછી પલંગ નીચેથી એક ચહેરો બહાર આવ્યો. એ ચહેરો મંજરીનો હતો ! કપાળેથી લોહી નીકળતો, આંખો ફાટેલી મંજરીનો ચહેરો !

મંજરીનો ભયાનક ચહેરો જોતાં જ આ વખતે રૉકીના મોઢેથી ડરભરી ચીસ નીકળી ગઈ.

હવે મંજરી, મંજરીનું પ્રેત પલંગ નીચેથી બહાર નીકળ્યું. રૉકી ડરથી કાંપતો જમીન પર પડયો-પડયો પાછળ હટયો, પણ પીઠ પાછળ રૂમનો દરવાજો આવી જવાને કારણે તેણે રોકાઈ જવું પડયું.

હવે મંજરી ચારપગે સડાસડાટ તેની નજીક આવી ગઈ અને તેની પર સવાર થઈ ગઈ. રૉકી પોતાની પર સવાર થયેલી મંજરીને દૂર કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં પાગલની જેમ ચીસો પાડવા માંડયો.

મંજરીએ કોઈ જંગલી પ્રાણીની જેમ મોઢું ફાડયું અને ભયાનક ઘુરકાટ કર્યો, અને એ સાથે જ તેના શરીરનો જમણો ભાગ હાડપિંજર જેવો બની ગયો ! તેની જમણી આંખ અને નાકની જગ્યાએ બખોલ થઈ ગઈ ! તેના અડધા માથાના વાળ ગૂમ થઈ ગયા અને ખોપરી દેખાવા માંડી ! તેનો જમણો હાડકાંવાળો હાથ તેણે લંબાવ્યો અને ટિપૉય પર પડેલી ઠંડા પીણાંની બૉટલ ઊઠાવી અને રૉકીના ચહેરા આગળ ઝુલાવવા માંડી.

ભયથી અધમૂઆ થઈ ગયેલા રૉકીની નજર બૉટલની અંદર રહેલી કપાયેલી આંગળી પર પડી. તે ખળભળી ઊઠયો. તે કપાયેલી આંગળીમાંની હીરાની અંગૂઠીને તુરત જ ઓળખી ગયો. ‘એ તેના દોસ્ત મોહિતની અંગૂઠી હતી ! આનો મતલબ એ કે, બૉટલમાં રહેલી કપાયેલી આંગળી મોહિતની  હતી ! મોહિતનું રહસ્યમય રીતના મોત થયું, ત્યારે એની કપાયેલી આંગળી ગૂમ હતી ! એ...એ આંગળી અત્યારે આ ઠંડા પીણાંની બૉટલમાં હતી ! આનો મતલબ આ ભયાનક મંજરીએ મોહિતને ખતમ કર્યો હતો ! મોહિતની આંગળી કાપી હતી !’ અને આ વિચારે જાણે રૉકીના શરીરમાં લકવો લગાવી દીધો. તેના હાથ-પગ ઊછળતા થંભી ગયા.

મંજરીએ કાચની બૉટલ રૉકીના માથામાં મારી ! એક અવાજ સાથે બૉટલ ફૂટી. રૉકીનું મગજ ચકરાયું-આંખો ફાટી. તેેના માથમાંથી લોહી નીકળવા માંડયું.

મંજરીએ ફૂટેલી કાચની બૉટલ રૉકીની છાતીમાં ખોંપી, ખચ્‌ ! રૉકીના મોઢેથી પીડાભરી ચીસ નીકળી, લોહીનો ફુવારો છૂટયોે.

ખચ્‌ ! ખચ્‌ ! ! ખચ્‌ ! ! !

મંજરીએ ચોથીવાર રૉકીની છાતીમાં કાચની બૉટલ ખોંપીને કાઢી ત્યાર સુધીમાં રૉકીનો જીવ નીકળી ચૂકયો હતો !

પણ છતાંય મંજરી..., મંજરીના પ્રેતે વેરનો લાવા ઓકતી આંખે રૉકી તરફ તાકી રહેતાં કાચની તૂટેલી બૉટલ રૉકીના શરીરમાં ખોંપવાનું ચાલુ રાખ્યું...

૦ ૦ ૦

નીલ અને આરસી કારમાં કૉલેજના કમ્પાઉન્ડ નજીક પહોંચ્યા, ત્યારે ‘આજે કૉલેજ બંધ’ હોવાની સૂચના વાંચીને બન્નેએ એકબીજા સામે જોયું.

નીલે કાર પાર્ક કરી. બન્ને કારની બહાર નીકળ્યાં અને ભેગી થયેલી ભીડમાંથી કોઈને કૉલેજ બંધ હોવાનું કારણ પૂછવા ગયા, ત્યાં જ તેમની નજર પ્રોફેસર મદાન સાથે બહાર નીકળેલા ફૂટબોલ ટીમના કૉચ ટાઈગર પર પડી. ટાઈગર ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યો હતો અને પ્રોફેસર મદાન એને કાર તરફ લઈ જઈ રહ્યા હતા.

‘આ ટાઈગર સર રડી કેમ રહ્યા છે ?’ આરસીના ચહેરા પર ચિંતા આવી : ‘કયાંક..કયાંક રૉકીને તો કંઈ થઈ નહિ ગયું હોય ને !’

‘...એવું જ કંઈક લાગે છે !’ નીલે કહ્યું, ત્યાં જ વૈભવી અને પાયલ આવી પહોંચી.

‘વૈભવી !’ આરસીએ પૂછયું : ‘આ રૉકી દેખાતો નથી અને એના પપ્પા ટાઈગર રડી રહ્યા છે. આખરે થયું છે શું ?’

‘તને ખબર નથી ? !’ પાયલે પુછયું.

‘ના !’ આરસી અને નીલે એકસાથે જ જવાબ આપ્યો.

‘આજે વહેલી સવારના મુંબઈ તરફના હાઈવે પરના એક ગૅસ્ટ હાઉસમાંથી રૉકીની લાશ મળી આવી છે.’ વૈભવી બોલી.

‘શું ? !’ આરસીના મોઢેથી આંચકાભર્યો આ શબ્દ સરી પડયો, તો નીલને પણ આ સમાચારે આંચકો આપ્યો હતો.

‘પાયલ !’ બે પળ પછી નીલે પૂછયું : ‘રૉકીનું મોત કેવી રીતના થયું એની કંઈ ખબર પડી ? !’

‘ંરૉકીની લાશની હાલત જોઈને પોલીસે એવું જાહેર કર્યું છે કે, રૉકીના કોઈ દુશ્મને એને નિર્દયતાથી મોતને ઘાટ ઊતાર્યો છે.’ પાયલે કહ્યું.

આરસી અને નીલ બન્ને પાયલ અને વૈભવી સામે જોઈ રહ્યાં.

વૈભવી અને પાયલ ત્યાંથી આગળ વધી ગઈ.

આરસી અને નીલે બન્નેએ એકબીજા સામે જોયું અને પછી પ્રોફેસર મદાનની કાર તરફ જોયું. પ્રોફેસર મદાનની કારની આગલી સીટ પર બેઠેલા ટાઈગરે તેમની તરફ આંસુભીની આંખે જોયું અને પછી નજર વાળી લીધી.

એમની કાર આંખ સામેથી ઓઝલ થઈ, એટલે આરસી અને નીલે ફરી એકબીજા સામે જોયું.

‘આરસી !’ નીલ બોલ્યો : ‘માયાના કહેવા પ્રમાણે મંજરીના પ્રેતના હાથે ટાઈગરનો દીકરો રૉકી મરાયા પછી હવે છેલ્લા, પાંચમા યુવાન પ્રિન્સનું સંતાન બાકી રહ્યું.’

‘હા, પણ...,’ આરસીએ એક નિશ્વાસ નાંખ્યો : ‘આપણાં માટે તો આ પ્રિન્સ કોણ છે ? એ જ એક મોટું રહસ્ય છે. પછી એનું સંતાન કોણ છે ? અને એ દીકરો છે કે દીકરી છે એ પણ એક મોટો સવાલ છે.’

‘હવે તો કદાચ મંજરીના હાથે ખતમ થયેલી પાંચમી વ્યક્તિની લાશ મળશે ત્યારે જ આપણને ખબર પડશે કે, એ પ્રિન્સનું સંતાન છે અને આખરે પ્રિન્સ છે કોણ ?’ નીલના હોઠે આ વાકય આવ્યું, પણ તેણે આરસીને કહેવાનું ટાળ્યું. તે આરસીને લઈને કારમાં બેઠો ને ઘર તરફ આગળ વધી ગયો.

૦ ૦ ૦

રાતના સાડા નવ વાગ્યા હતા. આરસી પોતાના રૂમમાં, જમીન પર ફોટાના આલબમ લઈને-એમાંના ફોટા જોતી બેઠી હતી, ત્યાં જ નીલ અંદર આવ્યો. તે આરસીની પીઠ પાછળ, પલંગ પર બેઠો અને આરસી જોઈ રહી હતી એ આલબમમાં તેણે નજર નાંખી. આરસીનો તેર વરસની ઉંમરનો ફોટો જોઈને તે ખડખડાટ હસી પડયો : ‘આરસી ! તું નાની  હતી ત્યારે કેટલી બધી જાડી  હતી ? !’

‘હા !’ અને આરસીએ એ પાનું ફેરવીને પછીનો નીલનો ફોટો બતાવતાં કહ્યું : ‘તું પણ તો પહેલાં ગોલગપ્પા જેવો જ લાગતો હતો ને !’

‘પણ હવે કેવો હીરો જેવો લાગું છું ? !’ કહેતાં નીલ હસ્યો.

‘નીલ, અત્યારે તું ભલે હીરો જેવો લાગતો હોય, પણ ઘરડો થઈશ ત્યારે તારા માથે ટાલ પડી જશે.’ આલબમના આગળના ફોટા જોતાં આરસીએ હસીને  કહ્યું : ‘તને ખબર છે ને, આપણાં દાદાજી ટાલિયા હતા.’

‘હા. અને તને એ ખબર છે ને કે, આપણી દાદીમાને મૂછો હતી.’ નીલ હસતાં બોલ્યો : ‘એટલે તારે મૂછ ઊગશે.’

આરસીએ નીલના હસવામાં સાથ પુરાવ્યો, અને આલબમનું પાનું ફેરવ્યું. એ પાનામાં આરસીના તેની બેનપણી રોમા સાથેના ફોટા હતા.

‘નીલ !’ આરસી ગંભીર થઈ ગઈ : ‘રોમા મને એના રહસ્યમય મોતની આગલી રાતના મળવા આવી, ત્યારે મને કંઈક કહેવા માગતી હતી. જો તું ન આવી ચઢયો હોત તો કદાચ એણે પોતાના મનની એ વાત મને કહી દીધી હોત.’ આરસીએ નિશ્વાસ નાખ્યો : ‘હવે મને મંજરીના પાંચમા શિકાર પ્રિન્સના સંતાનની ચિંતા છે. એ કોણ હશે ? કયાં રહેતું હશે ? ! જો આપણને ખબર હોત તો આપણે એને સાવચેત કરી શકયા હોત.’

‘પ્રિન્સ અને એના સંતાન વિશે આપણને માયા પાસેથી ખબર પડી શકે.’ નીલે કહ્યું.

‘હા, પણ મેં માયાને એ વખતે આ વિશે કેટલું પૂછયું હતું, પણ એણે કયાં કંઈ જણાવ્યું હતું.’

‘હું અત્યારે ફરી એની પાસે જાઉં છું.’ નીલે દસ વગાડી રહેલી કાંડા ઘડિયાળમાં જોઈને કહ્યું : ‘હું મારી રીતે એની પાસેથી પ્રિન્સ અને એના સંતાન વિશેની જાણકારી કઢાવું છું.’

‘ભલે, પણ જલદી પાછો આવજે.’ આરસી બોલી : ‘અને કંઈક જાણવા મળે તો તુરત જ મને ફોન કરજે.’

‘સારું !’ નીલે કહ્યું : ‘હું તારી કાર લઈ જાઉં છું.’ કહેતાં ટેબલ પર પડેલી આરસીની ચાવીઓનો ઝૂડો લઈને તે આરસીના બેડરૂમની બહાર નીકળી ગયો.

આરસીએ ફરી આલબમના આગળના ફોટા જોવા માંડયા.

૦ ૦ ૦

નીલે માયાના ઘર નજીક કાર ઊભી રાખી, ત્યારે રાતના સવા દસ વાગવા આવ્યા હતા. રાતના આ સમયે માયાના ઘરની આસપાસ અડધી રાત જેવો સન્નાટો અને ભેંકારતા છવાયેલી હતી. નીલે કારની બહાર નીકળતાં જોયું તો માયાના ઘરની બારીઓના દૂધિયા કાચમાંથી સાવ ઝાંખું અજવાળું દેખાતું હતું.

નીલે ઘરના મુખ્ય દરવાજા પાસે પહોંચીને અંદરનો સળવળાટ સાંભળવાનો પ્રયત્ન કર્યો, પણ તેને અંદરથી કંઈ સંભળાયું નહિ. તે ડૉરબેલની સ્વિચ દબાવવા ગયો, ત્યાં જ તેનું ધ્યાન એ વાત તરફ ખેંચાયું કે દરવાજો સહેજ ખુલ્લો હતો.

તેણે ડોરબેલ વગાડવાનું માંડી વાળ્યું અને ધીરેથી દરવાજાને અંદરની તરફ ધકેલીને ખોલ્યો. અંદર ડ્રોઈંગરૂમમાં ડીમ લાઈટનું ઝાંખું અજવાળું ફેલાયેલું હતું. અંદર માયા નહોતી. કોઈ નહોતું.

નીલ ‘માયા આન્ટી’ એવી બૂમ પાડવા ગયો, ત્યાં જ તેની નજર ડાબી બાજુ આવેલા સ્ટડી રૂમ તરફ ગઈ. એ સ્ટડી રૂમનો દરવાજો અધખુલ્લો હતો અને અંદરની ટયૂબ લાઈટ ચાલુ હતી.

નીલ ‘અંદર શું ચાલી રહ્યું છે ?’ એ જોવા માટે સ્ટડી રૂમ તરફ આગળ વધ્યો.

તે સ્ટડી રૂમ પાસે પહોંચ્યો. તે સ્ટડી રૂમનો દરવાજો ખોલવા ગયો, ત્યાં જ તેના કાને તેની પીઠ પાછળથી સળવળાટ સંભળાયો. તે ચોંકીને-ગભરાઈને એકદમથી જ પાછળની તરફ ફર્યોે, ત્યાં જ નજીકમાં ઊભેલી માયાએ પોતાના હાથમાંની વસ્તુ તેના ચહેરા તરફ કરી.

‘એક મિનિટ, એક મિનિટ માયા આન્ટી !’ તે ઝડપભેર બોલી ગયો : ‘હું નીલ છું, માયા આન્ટી ! ની..લ ! !’

માયાએ હાથમાંના સ્પ્રેની બોટલ નીલના ચહેરાથી દૂર  કરી : ‘સારું થયું તું બોલી ગયો, નહિતર આ સ્પ્રેથી તારી હાલત ઉંદર જેવી થઈ જાત.’

‘ઑફ...!’ નીલે એક લાંબો શ્વાસ બહાર છોડયો : ‘હું તો ગભરાઈ ગયો હતો !’

‘....પણ તું અત્યારે આમ મારા ઘરમાં કરી શું રહ્યો  છે..? !’ માયાએ નીલને પુછયું : ‘...અને તું અંદર આવ્યો કેવી રીતના ? !’

‘આન્ટી !’ નીલ બોલ્યો : ‘દરવાજો ખુલ્લો જ હતો !’

‘દરવાજો ખુલ્લો જ હતો ? !’ અને માયાએ મુખ્ય દરવાજા તરફ જોઈ લઈને નીલ તરફ જોયું. તે મનોમન કંઈક બબડી અને પછી બોલી : ‘હા, બિલાડીઓ માટે  મેં દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો.’

‘બિલાડીઓ માટે...? !’ નીલે નવાઈથી પુછયું.

માયા મલકીને નીલના સવાલનો જવાબ ખાઈ ગઈ : ‘નીલ ! તું આરસી સાથે આવ્યો, ત્યારે તું જ પેલા ચિત્રો લઈ ગયો છે ને ? !’ માયાએ નીલની આંખોમાં જોતાં કહેતી હોય એવી રીતના પૂછયું.

‘હું....તો...’

‘...તને એમ છે ને કે, મેં જ વિરાજ, રોમા, મોહિત અને રૉકીના ખૂન કર્યા છે ? !’

નીલ જોઈ રહ્યો.

‘આ મંજરીનું જ કામ છે.’ માયા બોલી : ‘મંજરીએ જ છેલ્લે રૉકીને કાચની બૉટલથી મારી નાંખ્યો છે !’

‘તમને...તમને કેવી રીતના ખબર...’

‘મને...!’ માયા હસી : ‘મને મંજરી કહી ગઈ.’

‘તો....’ નીલે વાતનો છેડો પકડી લીધો : ‘....મંજરી કદાચ તમને એ પણ કહી ગઈ હશે ને કે, પાંચમી.., છેલ્લી વ્યક્તિ પ્રિન્સના સંતાનને એ કયારે ખતમ કરશે ?’

માયા મલકી.

‘પ્લીઝ, માયાઆન્ટી ! તમે કહો ને, આખરે પ્રિન્સ અને એનું સંતાન કોણ છે ? !’

‘મેં તમને એ વખતે પણ નહોતું જણાવ્યું ને આજે પણ નહિ કહું.’ માયા એ જ રીતે મલકતાં બોલી.

‘માયાઆન્ટી !’ હવે નીલ મલકયો : ‘સાચું કહું, તમે ખૂબ જ જિદ્દી છો અને ખૂબ જ ખૂબસૂરત પણ.’

માયા હસી પડી : ‘એટલે તું મને મસ્કા મારી રહ્યો છે.’

નીલ હસ્યો.

‘ચાલ, તને આ મસ્કાબાજીના બદલામાં એટલું જણાવી દઉં છું કે, તને પ્રિન્સ વિશે આપણી કૉલેજમાંથી જાણવા મળી જશે.’

‘કેવી રીતના ? !’ નીલે અધીરાઈ સાથે પૂછયું.

‘તું કૉલેજના કૉમ્પ્યુટરમાં એ વરસની કૉલેજની ફૂટબોલ ટીમનો ફોટો જોઈશ તો તને એમાં પ્રિન્સ જોવા મળી જશે અને એની પરથી તને એના સંતાનની પણ ખબર પડી જશે.’

‘થૅન્ક યૂ, માયા આન્ટી.’ કહેતાં નીલ ઝડપભેર મુખ્ય દરવાજાની બહાર નીકળ્યો. તેની પાસે આરસીની ચાવીનો ઝુડો હતો. એ ઝુડામાં બીજી બધી ચાવીઓ સાથે કૉલેજના મૅગેઝીન કાર્યાર્લયની ચાવી પણ ભેરવાયેલી હતી.

તે આરસીની કારમાં બેઠો અને કારને કૉલેજ તરફ દોડાવી મૂકી.

ત્યારે આ તરફ, પોતાના ઘરે આરસી બીજા મોટા આલબમના પાના ફેરવતી-એમાંના ફોટા જોતી બેઠી હતી, ત્યાં જ તેના કાને સહેજ ખડખડાટ સંભળાયો અને તેં ચોંકી. તેણે જે તરફથી અવાજ આવ્યો હતો, એ ડાબી બાજુના ડ્રેસિંગ ટેબલ તરફ જોયું અને તેની આંખો ભયથી પહોળી થઈ ગઈ.

-ડ્રેસિંગ ટેબલ પર ઘરેણાં મૂકવાનું, પટારા આકારનું કોતરણી કામવાળું પિત્તળનું બોકસ પડયું હતું. એ જ્વેલરી બોકસ-પટારો હલબલી રહ્યો હતો. જાણે-જાણે એ પટારાની અંદર કોઈ જીવતી-જાગતી વસ્તુ હોય અને એ બંધ પટારાની અંદર ઊછળી-કૂદી રહી હોય ને એ કારણે એ પટારો હલબલી રહ્યો હોય એમ હલબલી રહ્યો હતો.

‘આ...’ આરસી કંપતા અવાજે બોલી ઊઠી : ‘...આ શું થઈ રહ્યું છે ? !’

પટારો હલબલવાનો બંધ થયો. એ સ્થિર થયો.

‘..એ પટારો આપમેળે કેવી રીતના હલબલ્યો ? !’ સવાલ સાથે આરસી થોડીક પળો સુધી પટારા સામે જોઈ રહી, પછી  તેણે હિંમતનો એક ઊંડો શ્વાસ લીધો અને ‘આખરે એ પટારામાં શું  છે ? !’ એ જોવા માટે તે પટારા તરફ આગળ વધી.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED