Khauf - 9 books and stories free download online pdf in Gujarati

ખોફ - 9

9

સાંજના છ વાગ્યા હતા. નીલ પોતાના બેડરૂમમાં કૉલેજની બુક વાંચી રહ્યો હતો, ત્યાં જ બેડરૂમનો દરવાજો ખૂલ્યો અને આરસી અંદર આવી. આરસીના ચહેરા પર ચિંતાના વાદળાં ઘેરાયેલાં હતાં.

નીલે બુકમાંથી નજર અદ્ધર કરીને આરસી સામે જોયું.

‘નીલ !’ આરસીએ નીલની બાજુની ખુરશી પર બેઠક લેતાં ચિંતાભર્યા અવાજે કહ્યું : ‘મને રૉકીની ચિંતા થઈ રહી છે.’

‘મને પણ ચિંતા થઈ રહી છે, આરસી ! પણ આપણે શું કરી શકીએ ?’ કહેતાં નીલે પાછી પોતાની નજર બુકમાં નાખી.

‘નીલ !’ આરસીએ નીલના હાથમાંથી બુક ઝૂંટવી લીધી : ‘મને લાગે છે કે રૉકીના પપ્પા ટાઈગરે રૉકી સામે જુઠ્ઠાણું ચલાવ્યું છે. હકીકતમાં એ રાતના તેઓ માયા સાથે નહિ, પણ મંજરી સાથે હતા.’

‘તું કેવી રીતે કહી શકે ? !’ નીલે પૂછયું : ‘શું તને મંજરીએ, મંજરીના પ્રેતે આ વાત જણાવી ?’

‘ના.’ આરસી બોલી : ‘પણ આપણે જ્યારે વિરાજના બેસણાંમાં ગયા અને ત્યાંથી પાછા ફરતી વખતે જ્યારે તું પાર્કિંગમાંથી કાર લેવા ગયો, અને હું પાયલ સાથે ઊભી હતી, ત્યારે બાજુના જ મકાનમાં રહેતા કોચ ટાઈગરના કૉમ્પ્યુટર ટેબલ પર મને મંજરીનો ફોટો જોવા મળ્યો હતો.’ આરસીએ સહેજ રોકાઈને આગળ કહ્યું : ‘એ વખતે મને કોચ ટાઈગર મંજરીના ફોટા સામે ફૂલ ચઢાવતાં પણ જોવા મળ્યા હતા.’

‘એક મિનિટ, જરા મને એ કહો તો...,’ આરસી અને નીલના કાને અચાનક જ તેમના સાવકા પિતા અમોલનો અવાજ પડયો, એટલે બન્નેએ દરવાજા પાસે ઊભેલા અમોલ સામે જોયું. નીલના બેડરૂમ પાસેથી પસાર થતાં તેમની વાતચીત સાંભળી ગયેલા અમોલે આગળ પૂછયું : ‘...શું તમારું એમ માનવું છે કે, પચીસ વરસ પહેલાં કોચ ટાઈગરે મંજરીને ગૂમ કરી હતી ! ! એણે મંજરીનું ખૂન કર્યું હતું ? !’

‘ના-ના, હું એવું કહેવા નથી માંગતી, પણ, પણ...’ આરસી અચકાઈ : ‘...પણ હું એમ કહેવા માંગતી હતી કે...’

‘તું..., તું શું કહેવા માંગતી હતી ?’ અધીરાઈ સાથે પૂછતાં અમોલ આરસીની નજીક આવીને ઊભો રહ્યો.

‘....તમને વિચિત્ર લાગશે પણ હું કહેવા માંગતી હતી કે...’ અને આરસીએ નીલ સામે જોયું.

નીલ જાણે આરસીની મદદે આવ્યો : ‘આરસી એવું કહેવા માંગતી હતી કે, પચીસ વરસ પહેલાં ગુમ થયેલું મંજરીનું પ્રેત અત્યારે આ બધાં ખૂન કરી રહ્યું છે.’

સાંભળીને અમોલ ઘડીકમાં નીલ તરફ, તો ઘડીકમાં આરસી તરફ જોઈ રહ્યો.

તો નીલ અને આરસી પણ અમોલ સામે જોઈ રહ્યા.

‘આ વાત કોઈના માનવામાં આવે એવી નથી.’ અમોલે  કહ્યું : ‘તમારી પાસે આ વાતને પુરવાર કરે એવો કોઈ નાનો-મોટો પુરાવો છે, ખરો ? !’

નીલ અને આરસીએ બન્નેએ એકબીજા સામે જોયું અને ચુપકીદી જાળવી રાખી.

‘તમારી કૉલેજના ત્રણ સ્ટુડન્ટ્‌સના રહસ્યમય રીતના મોત થયા છે, એ વાત ચર્ચામાં છે.’ અમોલે બન્ને જાણાં તરફ તાકી રહેતાં કહ્યું : ‘જો તમે આ વિશે કંઈ પણ જાણતા હો તો મને કહો, મારાથી કંઈ જ છુપાવો નહિ.’

‘અમે કંઈ જ જાણતા નથી.’ નીલે કહ્યું : ‘અમે તો બસ પચીસ વરસ પહેલાંની અમારી કૉલેજમાં બનેલી ઘટનાને, અત્યારના બની રહેલી ઘટનાઓ સાથે અમસ્તા જ સાંકળી રહ્યા છીએ.’

અમોલે નિશ્વાસ નાખ્યો. ‘આ વિશે ભવિષ્યમાં તમને કંઈ પણ જાણવા મળે તો મને જરૂર કહેજો. મારાથી કંઈ જ-કંઈ જ છુપાવતાં નહિ.’ કહેતાં અમોલ નીલના બેડરૂમમાંથી બહાર નીકળી ગયો.

‘પપ્પા તે વળી આ વાતમાં આટલો રસ કેમ લઈ રહ્યા છે ?’ આરસીએ પૂછયું.

‘એમનું મગજ રાજકારણીનું મગજ છે.’ નીલ સહેજ કડવાશ સાથે બોલ્યો : ‘એમને એમ હશે કે, આ કેસ તેમને મેયરની ચૂંટણીમાં જીતાડવામાં મદદ કરી શકે, અને એટલે જ તેઓ આટલો રસ લઈ રહ્યા હશે.’

‘હં...!’ આરસીએ કહ્યું, ત્યાં જ ફરી પાછા તેના મન-મગજમાં રૉકીની યાદ તાજી થઈ ગઈ અને ફરી તેના મન-મગજમાં રૉકીના જીવની સલામતી માટેની ચિંતા જાગી ઊઠી.

૦ ૦ ૦

રાતના અગિયાર વાગ્યા હતા.

મહાબલેશ્વરથી મુંબઈના હાઈવે પરના ‘મિડ-વે ગેસ્ટ હાઉસ’માં રૉકી પલંગ પર, પલંગની પીઠનો ટેકો લઈને, પગ લાંબા કરીને બેઠો હતો.

આરસી અને નીલ સાથે વાત થયા પછી તે મહાબલેશ્વરથી નીકળી ગયો હતો, અને અહીં આ ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. તે આખો દિવસ પલંગ પર પડયો-પડયો ટી.વી. જોતો રહ્યો હતો, અને નાસ્તો ખાતો રહ્યો હતો, સાથે ઠંડું પીણું પીતો રહ્યો હતો.

અત્યારે તેના પલંગની બાજુમાં જ તેનો પાળેલો કૂતરો સ્કૂબી લાળ ટપકાવતો બેઠો હતો.

રૉકીએ પોણી પીવાયેલી ઠંડા પીણાંની કાચની બોટલ ટેબલ પર મૂકી અને વેફરની થેલીમાં હાથ નાખ્યો. વેફરની થેલી ખાલી હતી.

તેણે ખાલી થેલી રૂમના ખૂણા તરફ ફેંકી. તે બીજી થોડીક વાર સુધી ટી. વી. જોતો બેસી રહ્યો. પણ તેને ચેન પડયું નહિ. તેણે આટલો નાસ્તો કર્યો હતો, પણ મનની બેચેનીને કારણે જાણે તેનું પેટ ભરાતું જ નહોતું.

તેે પલંગ પરથી ઊભો થયો. ‘સ્કૂબી !’ રૉકીએ સ્કૂબીના માથા પર હાથ ફેરવતાં કહ્યું : ‘હું હમણાં પાછો આવું છું, તું અહીં જ બેસી રહેજે.’ અને રૉકી રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયો.

૦ ૦ ૦

રૉકી નાસ્તાના પૅકેટ લઈને ગેસ્ટ હાઉસના પોતાના રૂમ પાસે પહોંચ્યો. તેણે રૂમનો દરવાજો ખોલ્યો, ત્યાં જ તેના નાકમાં વાસ ઘૂસી. ‘સ્કૂબી !’ રૂમનો દરવાજો બંધ કરીને તેણે સ્કૂબી સામે જોયું : ‘રૂમમાં આટલી બધી વાસ શાની આવવા માંડી ? શું ખાધું તેં ? !’

રૉકીના આ સવાલના જવાબમાં સ્કૂબી લાળ ટપકાવતો ટગર-ટગર રૉકી સામે જોઈ રહ્યો.

રૉકી ટિપૉય પર નાસ્તાના પેકેટ મૂકીને બારી ખોલવા માટે આગળ વધી ગયો. બારી ઍલ્યુમિનીયમની ફ્રેમની, વચ્ચે કાચવાળી હતી. બારી ઉપર-નીચે એમ બે ભાગમાં વહેંચાયેલી હતી. નીચેનો અડધો ભાગ ઉપરની તરફ સરકીને ખૂલતો હતો. રૉકીએ નીચેના એ ભાગની બારીની સ્ટોપર ખોલીને બારી અધ્ધરની તરફ સરકાવી, ત્યાં જ જાણે ઉપરથી કોઈએ જોરથી એ બારીને ધકકો માર્યો હોય એમ એ બારી નીચે પડી અને એ બારીની વચમાં રૉકીનો જમણો હાથ દબાઈ ગયો. રૉકીના મોઢેથી પીડાભરી ચીસ નીકળી ગઈ. તેણે એ બારીને ડાબા હાથથી ખૂબ જ બળપૂર્વક અધ્ધર કરી અને પોતાનો હાથ બહાર ખેંચી લીધો. ખટ્‌ ! ફરી બારી નીચે પડી.

રૉકીએ જમણો હાથ મસળતાં ફરી બારી ખોલવાનું માંડી વાળ્યું. તે પલંગ પર બેઠો. તેણે વેફરનું પેકેટ ખોલ્યું અને એમાંથી બે-ત્રણ વેફર લઈને મોઢામાં નાખી. ટી. વી. હજુ ચાલુ જ હતું. ટી. વી. પરની અંગ્રેજી ફિલ્મ જોતાં તેણે જમણો હાથ લંબાવીને બાજુની ટિપૉય પર પડેલા ઠંડા પીણાંની કાચની બોટલ લીધી અને એમાંના ઠંડા પીણાંનો એક ઘૂંટ ગળા નીચે ઊતાર્યો.

તેનું પૂરું ધ્યાન અત્યારે સામે-ટી.વી.ના પડદા પર હતું. જો તેનું ધ્યાન તે જે ઠંડું પીણું પી રહ્યો હતો એ પીણાં તરફ ગયું હોત તો તે ચોંકી ઊઠયો હોત ! થરથરી ઊઠયો હોત ! ! અરેરાટીથી વૉમિટ કરી ગયો હોત ! ! !

તેણે વળી એ કાચની બોટલમાંના પીણાંનો એક ઘૂંટડો ગળા નીચે ઊતાર્યો.

હજુ પણ તેનું ધ્યાન એ બોટલમાંના પીણાં તરફ ખેંચાયું નહોતું.

-એ કાચની બોટલમાંના પીણાંમાં એક આંગળી પડી  હતી !

-કપાયેલી આંગળી ! !

-એક માણસના હાથની આંગળી ! ! !

-રહસ્યમય રીતના મોતને ઘાટ ઊતરી ગયેલા મોહિતની  આંગળી ! ! ! !

-હા, રૉકીના દોસ્ત મોહિતની જમણા હાથની ત્રીજી આંગળી ! ! ! ! !

અને આ ભયાનક હકીકતથી બેખબર રૉકીએ વળી ઠંડા પીણાંનો એક ઘૂંટડો ગળા નીચે ઊતાર્યો અને બોટલ પાછી બાજુની ટિપૉય પર મૂકી.

હવે રૉકીને જાણે ઘેન ચઢયું હતું ! ! !

તે પલંગ પર બરાબર લાંબો થયો. તેણે ટી. વી. પર નજર જમાવેલી રાખીને, આંખોને ખુલ્લી રાખવાનો પ્રયત્ન કર્યો, પણ આંખો ખુલ્લી રાખી શકયો નહિ.

તેની આંખો મીંચાઈ અને થોડીક પળોમાં જ તે ઊંઘમાં સરી ગયો.

ટી. વી. પર અંગ્રેજી ફિલ્મ ચાલી રહી હતી.

સ્કૂબી જાગી રહ્યો હતો !

૦ ૦ ૦

રાતનો એક વાગ્યો હતો.

હાઈવે પરના ‘મિડ-વે ગેસ્ટ હાઉસ’ અને એની આસપાસમાં એકદમ જ સન્નાટો છવાયેલો હતો.

રૉકીના રૂમમાં ટી. વી. ચાલુ હતું. રૉકી પલંગ પર ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. અચાનક જ રૉકીને બેચેની જેવું થવા માંડયું અને તેની ઊંઘ ઊડી. તેણે આંખો ખોલી. કાને ટી. વી.નો અવાજ-ઘરઘરાટી સંભળાઈ. તેણે સામેના ટી. વી.ના પડદા તરફ જોયું. ટી.વી.ના પડદા પર કાળા-ધોળા ધબ્બાં દેખાઈ રહ્યાં હતાં. એ કાળા-ધોળા ધબ્બાં વચ્ચે તેને એક યુવતીનો ફાટેલી આંખોવાળો-કપાળેથી લોહી નીકળતો ચહેરો દેખાયો !

‘તેણે એ યુવતીને કયાંક જોઈ હતી ! !’

તેણે આંખો મસળી અને ફરી ટી. વી. તરફ જોયું, તો ટી. વી પર ફરી કાળા-ધોળાં ધબ્બાં દેખાઈ રહ્યાં હતાં. તે ટી. વી.ના પડદા પરથી નજર હટાવવા ગયો, ત્યાં જ ફરી પડદા પર એ યુવતીનો ફાટેલી આંખોવાળો-કપાળેથી લોહી નીકળતો ચહેરો દેખાયો !

અને આ વખતે તે એ યુવતીને ઓળખી ગયો અને સફાળો બેઠો થઈ ગયો. ‘-એ મંજરીનો ચહેરો હતો ! પચીસ વરસ પહેલાં ગૂમ થયેલી મંજરીનો ચહેરો ! મંજરીનો આ ચહેરો તેણે તેના પપ્પા ટાઈગરના રૂમના ટેબલ પર મુકાયેલા ફોટામાં જોયો હતો !’

તે ગભરાયો. ‘આ રીતના ટી. વી. પર મંજરીનો ચહેરો દેખાતો હતો એનો મતલબ શું ? !’ તેના મગજમાંનો આ વિચાર પુરો થાય, ત્યાં જ પડદા પરથી મંજરીનો ચહેરો દૂર થયો અને ફરી કાળા-ધોળાં ધબ્બાં દેખાવા માંડયા.

તેણે એક ઊંડો શ્વાસ લેતાં બાજુમાં પલંગ પર જ પડેલું ટી. વી.નું રિમૉટ કન્ટ્રોલ લીધું અને બટન દબાવીને ટી. વી. બંધ કર્યું.

રૂમમાં હવે શાંતિ-સન્નાટો છવાઈ ગયો.

રૉકીએ રિમૉટ કન્ટ્રોલ બાજુની ટિપૉય પર મૂકયું અને ફરી પલંગ પર ઊંઘવા ગયો, ત્યાં જ તેના કાને અવાજ પડયો, -ટક્‌..ટક્‌..!

તેણે જે તરફથી અવાજ આવ્યો હતો એ તરફ જોયું.

-ટક્‌..ટક્‌..!

એ તરફ બાથરૂમ હતું.

-ટક્‌..ટક્‌..!

બાથરૂમનો દરવાજો બંધ હતો.

-ટક્‌..ટક્‌..!

બાથરૂમના બંધ દરવાજાની અંદરથી અવાજ આવી રહ્યો હતો.

‘શાનો હતો આ અવાજ ? !’ તે પલંગ પરથી ઊભો થયો.

-ટક્‌..ટક્‌..!

બાથરૂમના બંધ દરવાજાની અંદરથી અવાજ આવવાનો ચાલુ હતો !

-ટક્‌..ટક્‌..!

તે બાથરૂમના બંધ દરવાજા તરફ આગળ વધ્યો.

-ટક્‌..ટક્‌..!

બાથરૂમમાંથી એકધારો આ અવાજ સંભળાઈ રહ્યો હતો ! !

તે બાથરૂમ પાસે પહોંચ્યો.

-ટક્‌..ટક્‌..!

તેણે બાથરૂમના દરવાજાને અંદરની તરફ ધકેલ્યો. દરવાજો ખૂલ્યો, અને બાથરૂમની અંદરનું દૃશ્ય જોતાં જ રૉકી ખળભળી ઊઠયો. તેના શરીરમાંથી અરેરાટી નીકળી જવાની સાથે જ તેને એક ઊબકો આવ્યો અને વૉમિટ પણ થઈ ગઈ.

બાથરૂમમાં તેના પાળેલા-પ્યારા કૂતરા સ્કૂબીની લાશ લટકી રહી હતી. એના ગળે ચાદરનો ફાંસો લાગેલો હતો. એનું મોઢું ફાટેલું હતું ! એના હાથ-પગની ચામડી ખરાબ રીતના ઊતરડાયેલી હતી, અને એ ઉતરડાયેલી ચામડીમાંથી લોહી નીકળી રહ્યું હતું અને જમીન પરની ટાઈલ્સ પર પડી રહ્યું હતું.

સ્કૂબીની ઝૂલી રહેલી લાશ પાછળના વોશબેસિન સાથે ટકરાઈ રહી હતી અને ટક્‌..ટક્‌..! એવો અવાજ કરી રહી હતી !

‘કોણે...કોણે આ રીતના તેના સ્કૂબીને મારી નાંખ્યો ? !’ રૉકીના મગજમાં આ સવાલ દોડી જવાની સાથે જ તેની નજર ડાબી બાજુની દીવાલ તરફ ખેંચાઈ. એ દીવાલ પર સ્કૂબીના લોહીથી લખ્યું હતું.

‘એક કૂતરાના આવા મોતથી કાંપી જવાય છે ને, તો હવે તારા જેવા કોઈ માનવીનું મોત થશે તો કેવું લાગશે ?’ અને આ વાંચતાં જ રૉકી રૂમના દરવાજા તરફ દોડયો. તેણે રૂમના દરવાજાની સ્ટૉપર ખોલી અને દરવાજો ખેંચ્યો, પણ દરવાજો ખૂલ્યો નહિ. તેણે ફરીથી દરવાજો ખેંચ્યો. સ્ટૉપર ખુલ્લી હતી, પછી દરવાજો કેમ ખૂલતો નહોતો ? તેણે પૂરા જોશ અને જોર સાથે દરવાજો ખેંચવા માંડયો, પણ દરવાજો ખૂલવાનું નામ લેતો નહોતો.

ત્યાં જ રૉકીના કાને ટી.વી.ની ઘરઘરાટી સંભળાઈ. તેણે ટી. વી. તરફ જોયું. ટી. વી. ચાલુ હતું ! ટી. વી.ના પડદા પર કાળાં-ધોળાં ધબ્બાં દેખાઈ રહ્યાં હતાં. ‘તેણે...તેણે તો ટી. વી. બંધ કર્યું હતું, એ ચાલુ કેવી રીતના થઈ ગયું ? !’ તેણે રૂમમાં નજર ફેરવી. રૂમમાં કોઈ નહોતું. તે ટી. વી. તરફ જોઈ રહ્યો.

ટી. વી.ના પડદા પરથી કાળા-ધોળા ધબ્બાં દૂર થયાં અને પછી અચાનક જ મોટા પટારામાં પુરાયેલી મંજરી પટારામાંથી બહાર નીકળવા માટે હાથ-પગ પછાડતી દેખાઈ !

રૉકી એક-બે પગલાં પાછળ હટી ગયો. ટી. વી.ના પડદા પર ફરી કાળાં-ધોળા ધબ્બાં દેખાવા માંડયા. બીજી જ પળે પલંગ નીચેથી એક હાથ બહાર નીકળ્યો. એ હાથની ચામડી ઊતરડાયેલી હતી અને નખ લાંબા ને અણિદાર હતા ! એ હાથ લાંબો થયો અને એણે રૉકીનો પગ પકડીને જોરથી ખેંચ્યો.

ભયની એક જોરદાર ચીસ પાડતાં રૉકી ધબ્‌ કરતાં પેટભેર જમીન પર પટકાયો. રૉકી પટકાયાની પીડાને ગણકાર્યા વિના, ચાર પગે સડસડાટ ચાલીને પલંગથી દૂર-રૂમના દરવાજા પાસે પહોંચ્યો અને ફફડતા જીવે પલંગ તરફ જોયું. એ જ વખતે પલંગ નીચેેથી પહેલા હાથ જેવો જ, ચામડી ઊતરડાયેલો, લાંબા અણીદાર નખવાળો બીજો હાથ બહાર નીકળ્યો, અને પછી.....

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED