Khauf - 1 books and stories free download online pdf in Gujarati

ખોફ - 1

એચ. એન. ગોલીબાર

1

રાતના બાર વાગ્યા હતા. મહાબલેશ્વરના એક બંગલામાં પાર્ટી ચાલી રહી હતી. એચ. કે. કૉલેજની ફૂટબોલ ટીમના કૅપ્ટન ટાઈગરે ફૂટબોલ ટુર્નામેન્ટમાં પોતાની ટીમની જીતની ખુશાલીમાં પાર્ટી આપી હતી.

પાર્ટી પુરબહારમાં ચાલી રહી હતી. ડાન્સ ચાલતો હતો, ખાણું ખવાતું હતું, પીણાં પીવાતા હતા. આ પાર્ટીમાં અઢાર વરસની ખૂબસૂરત મંજરી પોતાની કૉલેજની બેનપણીઓ માયા અને સુરભિ સાથે સામેલ હતી. તેઓ ત્રણેય પોતાના બૉયફ્રેન્ડ સાથે અહીં આવી હતી. અત્યારે મંજરી પોતાના બૉયફ્રેન્ડ પ્રિન્સ સાથે ડાન્સ કરી રહી હતી, તો ખૂણા પરના ટેબલ પર માયા પોતાના બૉયફ્રેન્ડ રણજીત તો સુરભિ પોતાના ફ્રેન્ડ શેખર સાથે મજાક-મસ્તીમાં મશગૂલ હતી.

‘ચાલો ! અમે તમારા માટે ડ્રીન્ક લઈ આવીએ.’ કહેતાં રણજીત ઊભો થયો, એટલે શેખર પણ ઊભો થઈને રણજીત સાથે કાઉન્ટર તરફ ચાલ્યો.

કાઉન્ટર પાસે પહોંચીને શેખર ઠંડા પીણાંના ત્રણ ગ્લાસ ભરવા માંડયો, તો રણજીતે આસપાસમાં નજર દોડાવી. કોઈ નજીકમાં નહોતું. કોઈનું ધ્યાન તેમની તરફ નહોતું. રણજીતે ખિસ્સામાંથી એક નાની બૉટલ કાઢી. બૉટલમાં કૅફી-નશીલી દવા હતી. પીનારને મદ-મસ્ત કરી દેવા, પીનારના સાન-ભાન ભુલવાડી દેવા માટે આ દવાના ત્રણ-ચાર ટીપાં જ પૂરતા હતા.

રણજીતે ઠંડા પીણાંના ત્રણેય ગ્લાસમાં નશીલી દવા નાંખી અને એક ગ્લાસ હાથમાં લીધો. શેખરે બાકીના બે ગ્લાસ ઉઠાવ્યા. બન્નેએ એકબીજા સામે લુચ્ચાઈભર્યું હાસ્ય રેલાવ્યું ને પછી શેખર માયા અને સુરભિ તરફ, તો રણજીત ડાન્સ કરી રહેલી મંજરી અને પ્રિન્સ તરફ આગળ વધી ગયો. રણજીતે પ્રિન્સ પાસે પહોંચીને, લુચ્ચું મલકતાં પ્રિન્સના હાથમાં નશીલું પીણું આપ્યું ને માયા તેમજ સુરભિ તરફ સરકી ગયો.

પ્રિન્સે મંજરીના હાથમાં પીણાંનો ગ્લાસ આપ્યો.

મંજરીએ પીણાંના બે ઘૂંટ ગળા નીચે ઉતારતાં ખૂણા પરના ટેબલ તરફ જોયું. તેની બેનપણીઓ માયા અને સુરભિ ઠંડું પીણું ગટગટાવી રહી હતી.

મંજરીએ ત્યાંથી નજર ફેરવી, ત્યાં જ તેની નજર થોડે દૂર ઊભેલી યુવતી શીલા પર પડી. શીલા તેમને ખાઈ જવાની નજરે જોઈ રહી હતી. શીલા તેમની સાથે જ, કૉલેજના ત્રીજા વરસમાં ભણતી હતી. મંજરીએ મહિનાથી પ્રિન્સ સાથે હરવા-ફરવાનું શરૂ કર્યું, એ પહેલાં આ શીલા જ પ્રિન્સની ગર્લફ્રેન્ડ હતી.

‘પ્રિન્સ !’ ડાન્સ કરવાનું ચાલુ રાખતાં મંજરીએ પ્રિન્સને કહ્યું : ‘જો તો ! શીલા કેવી રીતના જોઈ રહી છે ? લાગે છે કે, એ તને ભૂલી નથી.’

‘એ ભૂલે કે ન ભૂલે, પણ હું એને યાદ રાખવા માંગતો નથી.’ પ્રિન્સે મંજરીને કહ્યું : ‘હવે બસ હું તને જ, અને બસ તને જ યાદ રાખવા માંગું છું.’

મંજરી હસી, ત્યાં જ તેની નજર ખૂણામાં બેઠેલી માયા ને સુરભિ પર પડી. બન્ને હસી રહી હતી, જાણે નશામાં મદહોશ હોય એમ ઝૂમી રહી હતી.

‘આ બન્ને પાગલ થઈ ગઈ છે, કે શું ?’ મંજરી બબડી, ત્યાં જ તેના કાને પ્રિન્સનો અવાજ પડયો, ‘મંજરી,’ એટલે તેણેે પ્રિન્સ સામે જોયું.

‘તારા લાંબા-કાળા રેશમી વાળ, તારી આ જાદુભરી આંખો, અને તારા આ ગુલાબી ગાલ પર મને શાયરી કરવાનું મન થાય છે, પણ અફસોસ કે, હું શાયર નથી.’

‘તું મારા ખોટા વખાણ કરી રહ્યો છે.’ કહેતાં મંજરીએ ખૂણાના ટેબલ તરફ જોયું, તો સુરભિ અને માયા દેખાઈ નહિ.

‘આ સુરભિ અને માયા...!’ પ્રિન્સ તરફ જોતાં મંજરી સવાલ પૂરો કરે એ પહેલાં પ્રિન્સ બોલ્યો, ‘એ બહાર ખુલ્લી હવામાં ગયાં. આપણે પણ બહાર જઈશું ?’

‘હા !’ મંજરીએ કહ્યું, એટલે પ્રિન્સ મંજરીને લઈને પાછળની તરફ ચાલ્યો. મંજરીએ અડધો પીવાયેલો પીણાંનો ગ્લાસ ટેબલ પર મૂકી દેતાં પૂછયું : ‘આપણે કયાં જઈ રહ્યા છીએ, પ્રિન્સ ?’

‘..પાછળના દરવાજા તરફ !’ પ્રિન્સ બોલ્યો : ‘..એ લોકો ત્યાંથી જ બહાર ગયા છે.’

પ્રિન્સ સાથે મંજરી પાછળના દરવાજામાંથી બહાર નીકળી, તો એ એક લાંબી ગલી હતી. મંજરી પ્રિન્સ સાથે ચાલવા માંડી.

‘આજે કેટલું મસ્ત વાતાવરણ છે.’ પ્રિન્સે કહ્યું, ત્યાં જ મંજરીની નજર થોડેક આગળ ઊભેલી પ્રિન્સની કાર પર પડી ને તે ચોંકી. શેખરે તેની બેનપણી સુરભિને ઉઠાવી રાખી હતી અને એને કારની પાછલી સીટના જમણી બાજુના દરવાજામાંથી અંદર બેસાડવા જઈ રહ્યો હતો, જ્યારે પાછલી સીટના ડાબી બાજુના દરવાજા પાસે ઊભેલો રણજીત માયાને જોર-જબરજસ્તીથી કારમાં બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અને માયા લથડિયાં ખાતી, પોતાની જાતને રણજીતના હાથે કારમાં ધકેલાઈ જતી રોકવાનો પ્રયત્ન કરતાં બોલી રહી હતી : ‘બચાવ, મંજરી, મને બચાવ !’

મંજરીના ચહેરા પર ગભરાટ આવી ગયો : ‘આ..’ મંજરીએ ઊભી રહી જતાં પ્રિન્સને પૂછયું : ‘આ શું ચાલી રહ્યું છે, પ્રિન્સ ?’

‘મંજરી ! તું બચ્ચી નથી.’ પ્રિન્સ જવાબ આપે એ પહેલાં જ જમણી બાજુ પડેલી કચરા પેટી પાછળથી બહાર નીકળી આવતાં પ્રિન્સની જૂની પ્રેમિકા શીલા બોલી ગઈ : ‘શું તને હજુ પણ સમજાયું નહિ કે, નશીલું પીણું પીવડાવીને આ શયતાનો તમને શું ખેલ ખેલવા લઈ જઈ રહ્યાં છે ? !’

અને જાણે મંજરીને ભાન થયું. ‘તો..તો આ લોકો તેમની ઈજ્જત સાથે ખેલવા માટે...’ અને તેણે પ્રિન્સના હાથમાંથી પોતાનો હાથ છોડાવ્યો. ત્યાં જ પ્રિન્સે ફરી તેનો હાથ પકડી લીધો. ‘મંજરી ! તું શીલાની વાત ન..’ અને પ્રિન્સ વાકય પૂરું કરે એ પહેલાં મંજરીએ પ્રિન્સને લાત ઝીંકી દીધી. પ્રિન્સે પીડાથી બૂમ પાડતાં મંજરીનો હાથ છોડી દીધો ને બેવડ વળી ગયો.

હવે મંજરી પાછળ વળીને ગલીના બીજા નાકા તરફ દોડી.

આટલી વારમાં માયાને પરાણે કારની પાછલી સીટ પર ધકેલી ચૂકેલા રણજીતે ત્રાડ પાડી : ‘પ્રિન્સ, જલદી મંજરીને પકડ, નહિતર એ છટકી જશે.’

પ્રિન્સ પીડાને દબાવતાં ઊભો થયો અને મંજરીને પકડી લેવા એની પાછળ દોડયો.

એટલી વારમાં ગલીને નાકે પહોંચી ગયેલી મંજરી જમણી બાજુ વળી અને ‘બચાવ...! બચાવ !’ની બૂમો પાડતાં દોડવાનું ચાલુ રાખ્યું. તેને દૂર-દૂર સુધી કોઈ બચાવનારું દેખાયું નહિ. તેની નજર જમણી બાજુ આવેલી તેની કૉલેજ પર પડી. તેના પગ એ તરફ વળી ગયા. કૉલેજનો ચોકીદાર તેને બચાવી શકે એમ હતો. તે કમ્પાઉન્ડના ઝાંપામાં દાખલ થઈને, ખુલ્લું મેદાન વટાવીને કૉલેજના મુખ્ય દરવાજા પાસે પહોંચી. ચોકીદાર દેખાયો નહિ. તેણે કમ્પાઉન્ડના ઝાંપા તરફ જોયું. કમ્પાઉન્ડના ઝાંપાની અંદર દાખલ થઈ ગયેલો પ્રિન્સ તેની તરફ ધસી આવતો દેખાયો. તેણે દરવાજો ધકેલ્યો. દરવાજો ખુલ્લો હતો. તે અંદર દાખલ થઈ અને ‘ચોકીદાર ! બચાવ મને,’ની ચીસ પાડતી જમણી બાજુ વળી. જમણી બાજુના કલાસ તરફ જવા માટેના કાચના દરવાજાને તાળું લાગેલું હતું. આ દરવાજાની બાજુમાં જ ભોંયરામાં જવાની સીડી હતી. તે સડસડાટ ભોંયરાની સીડી ઊતરીને નીચે પહોંચી. સામે અને જમણી બાજુના દરવાજે તાળાં લાગેલા હતાં. ડાબી બાજુના દરવાજે તાળું નહોતું. તે એ દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ. તે દરવાજો બંધ કરીને સ્ટોપર બંધ કરવા ગઈ, પણ આ શું ? સ્ટોપર નહોતી.

રૂમની અંદરની તરફ વળતાં તેણે બહાવરી નજર ફેરવી. એ એક મોટો હોલ હતો. એમાં તુટેલી બેન્ચો, ટેબલ-ખુરશી, કબાટ, પેટી-પટારા વગેરે જૂનો ભંગાર સામાન ધૂળ ખાતો પડયો હતો.

તે ખૂણામાં પડેલા કબાટ પાછળ છુપાઈ જવા દોડી. પણ તે અડધે પહોંચી, ત્યાં જ ધમ્‌ કરતાં દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો. તેણે ઊભી રહી જતાં પાછું વળીને જોયું તો પ્રિન્સ અંદર આવી ચૂકયો હતો.

તે ધ્રુજવા માંડી.

‘મંજરી !’ પ્રિન્સ મંજરી તરફ આગળ વધતાં કહ્યું : ‘મારી વાત સમજ.’

‘તું..તું મારાથી દૂર રહે !’

‘અમે મસ્તી કરતાં હતાં.’ પ્રિન્સ મંજરીની નજીક આવીને ઊભો રહ્યો : ‘તને શીલાએ ખોટી બહેકાવી છે. એ તારા ને મારા સંબંધથી જલી રહી છે.’

મંજરી હાંફતાં-કાંપતાં પ્રિન્સ તરફ જોઈ રહી.

‘બધું ઠીક થઈ જશે.’ પ્રિન્સે મંજરીને બન્ને ખભા પાસેથી પકડી અને પોતાની તરફ ખેંચી.

‘છોડ !’ ચિલ્લાતાં મંજરીએ પ્રિન્સના હાથે બચકું ભરી લીધું.

પ્રિન્સના મોઢેથી ચીસ નીકળી ગઈ. ‘તારી આ હિંમત !’ કહેતાં પ્રિન્સે મંજરીના ગાલ પર જોરદાર તમાચો ઝીંકી દીધો. મંજરી પાછળની તરફ ગબડી. તેનું માથું પાછળ પડેલા ટેબલ સાથે અફળાયું. ફટ્‌ ! અને બીજી જ પળે મંજરી જમીન પર પટકાઈ.

પ્રિન્સે મંજરી તરફ જોયું, તો તેની આંખો ઝીણી થઈ. જમીન પર ચત્તીપાટ પડેલી મંજરીની આંખો ફાટેલી હતી. તેની કીકીઓ સ્થિર હતી અને તેના કપાળ પર થયેલા ઘામાંથી લોહી નીકળી રહ્યું હતું. ‘મંજરી !’ બોલતાંં પ્રિન્સ ઘુંટણિયે બેઠો. મંજરી બોલી નહિ.

‘મંજરી !’ બોલતાં પ્રિન્સે મંજરીને હલબલાવી, પણ મંજરી લાશની જેમ પડી રહી. પ્રિન્સે મંજરીના હૃદયના ધબકારા તપાસ્યા ને તે કાંપી ઊઠયો : ‘આ તો..આ તો મરી ગઈ લાગે છે !’ પ્રિન્સ બબડયો, ‘આ શું થઈ  ગયું ? ! હવે.., હવે શું કરું ? !’ તે ઊભો થયો, ‘તેણે...તેણે મંજરીની લાશ અહીં જ કયાંક સંતાડી દેવી જોઈએ.’ તેણે હૉલમાં નજર ફેરવી અને મંજરીને ઉઠાવી. તેણે મંજરીની લાશ છુપાવી દીધી.

અને બીજી મિનિટે તો તે ભોંયરામાંથી અને કૉલેજમાંથી બહાર નીકળી ગયો. -અને....

....અને જાણે આ આખી ઘટના પોતાની નજર સામે જ બની હોય એવી રીતના પોતાની બેનપણીઓ આરસી ને વૈભવીને સંભળાવીને પાયલ ચુપ થઈ.

આરસી અને વૈભવી બન્ને પાયલ તરફ જોઈ રહી.

‘આ ઘટના પચીસ વરસ પહેલાંની છે.’ પાયલ બોલી : ‘આજે પણ મંજરીની સડી ગયેલી લાશ આપણી કૉલેજના ભોંયરામાં કયાંક પડી છે.’

‘બકવાસ,’ વૈભવી બોલી : ‘સાવ બકવાસ છે આ વાત.’

‘ના !’ પાયલ બોલી, ‘મારી મમ્મીએ કહેલી વાત સાચી છે.’

‘હા,’ વૈભવી બોલી : ‘..એટલી જ સાચી છે, જેટલા અસલી તારી મમ્મીના દાંત !’

‘તારી તો..!’ બોલતાં પાયલે વૈભવીને તકિયો માર્યો, તો સામે વૈભવીએ પણ તકિયો ઉઠાવીને પાયલને માથે માર્યો. બન્ને વચ્ચે તકિયાની મારામારી શરૂ થઈ. આરસી બન્નેને છોડાવવા લાગી.

ત્યારે બાજુના બેડરૂમમાં આરસીની મમ્મી શોભના પોતાના પતિ અમોલ સાથે વાત કરતી બેઠી હતી : ‘છોકરીઓ ધમાલ-મસ્તીએ ચઢી લાગે છે.’

‘હા ! બૂમાબૂમ પરથી તો એવું જ લાગે છે.’ અમોલે કહ્યું.

‘ભલે ત્રણેય મસ્તી કરે.’ શોભના બોલી : ‘આરસી ફ્રેન્ડસ્‌ સાથે રાતના બહાર જાય એ કરતાં એમની સાથે ભલે ને આખી રાત અહીં ધમાલ કરે.’

‘મને આમાં કયાં વાંધો છે ?’ અમોલ બોલ્યો : ‘મને પણ જુવાન છોકરીઓ રાતના બહાર રખડે એ પસંદ નથી. હું જો ચુંટણીમાં જીતીશ અને મેયર બનીશ તો પહેલું કામ, રાતના નવ વાગ્યા પછી જુવાન છોકરીઓ માટે કરફયુ લગાવી દેવાનું કરીશ.’

‘મારા જેવી ઘરડી સ્ત્રીઓને તો બહાર નીકળવા દઈશ ને !’

‘તું કયાં ઘરડી છે, શોભના.’ કહેતાં પીસ્તાળીસ વરસના અમોલે શોભનાને પોતાની તરફ ખેંચી.

ત્યારે બાજુના આરસીના બેડરૂમમાં આરસી, પાયલ અને વૈભવી પલંગ પર બેઠી હતી.

‘પાયલે આપણને મંજરી અને એની બેનપણીઓની કંપાવનારી વાત કહી ને,’ આરસી બોલી : ‘..તો હું પણ એક ‘લોહીતરસી મંજરી’ વિશેની વાત જાણું છું.’

‘એટલે..!’ વૈભવીએ પૂછયું : ‘પાયલની મંજરી અને તારી મંજરી વળી અલગ છે ? !’

‘એની મને કંઈ ખબર નથી.’ આરસી બોલી : ‘પણ મેં સાંભળ્યું છે કે, રાતના બાર વાગ્યા પછી જો બાથરૂમમાં પુરાઈને, અરીસા સામે ઊભા રહીને, લાઈટ બંધ કરીને ‘લોહીતરસી મંજરી !’ એવું ત્રણ વખત બોલવામાં આવે તો લોહીતરસી મંજરી અરીસામાં દેખાય છે. એનો ચહેરો ડરામણો, લોહીથી નીતરતો હોય છે. જો તુરત જ લાઈટ ચાલુ કરવામાં ન આવે તો લોહીતરસી મંજરી એને બોલાવનારને પોતાની સાથે અરીસાની અંદર ખેંચી જાય છે.’

‘મારા માનવામાં આ વાત નથી આવતી.’ વૈભવી બોલી.

‘અત્યારે રાતના બાર વાગી ચૂકયા છે.’ આરસી બોલી : ‘હું મંજરીને બોલાવી જોઉં !’

પાયલ હસી : ‘લોહીતરસી મંજરી બાથરૂમમાં, અરીસા સામે આવે છે, અહીં થોડી આવશે ?’

આરસી પાયલની આ વાત તરફ ધ્યાન આપ્યા વિના મોટેથી બોલી : ‘લોહીતરસી મંજરી !’

વૈભવી હસી, પાયલ હસી નહિ.

‘લોહીતરસી મંજરી !’ આરસી બીજીવાર બોલી.

આ વખતે વૈભવી હસી શકી નહિ. આરસી ત્રીજીવાર મંજરીનું નામ બોલશે ને ખરેખર જ લોહી-તરસી મંજરી આવી પહોંચશે તો.

‘લોહીતરસી મંજરી !’ આરસી ત્રીજીવાર બોલી, અને એ જ વખતે આ બેડરૂમના પાછલા દરવાજાની બહાર, થોડેક દૂર જાણે વીજળીનો ચમકારો થયો હોય એવો ઝબકારો થયો, અને એ ઝબકારામાં કોઈ યુવતીની લાશ ઊભેલી હોય એવું દેખાયું અને તુરત જ પાછું અંધારું છવાઈ ગયું.

અને આ હકીકતથી બેખબર આરસી, પાયલ અને વૈભવી પલંગ પર ચુપચાપ બેઠી હતી. આરસી ત્રીજીવાર પણ લોહીતરસી મંજરી એવું બોલી ગઈ હતી, પણ મંજરી આવી નહોતી, એટલે વૈભવીએ રાહત અનુભવી. ‘લે, આરસી ! મંજરી કયાં આવી ?’ એવું એ બોલવા ગઈ, ત્યાં જ  બેડરૂમના પાછલા દરવાજા પર ધબ-ધબ એવો અવાજ થયો અને વૈભવીના મોઢેથી ડરભરી ચીસ નીકળી ગઈ, તો આરસી અને પાયલ સફાળી બેઠી થઈ ગઈ.

‘કોણ ? !’ આરસીએ પૂછયું.

‘હું છું...,’ બહારથી અવાજ આવ્યો : ‘...નીલ !’

‘ઓફ !’ પાયલ બોલી : ‘આ તારો ભાઈ કોઈ ચોરની જેમ પાછલા દરવાજે કેમ આવે છે ?’

‘એે પપ્પાને કહ્યા વિના ગયો હતો.’ કહેતાં આરસીએ દરવાજો ખોલ્યો એટલે અઢાર વરસનો સોહામણો નીલ અંદર આવ્યો.

આરસી પાછી પલંગ પર બેઠી.

‘આરસી ! સારું થયું તું કૉલેજની ફૂટબોલ ટીમ જીતી એની પાર્ટીમાં આવી નહિ ?’ નીલે કહ્યું ‘તેં કૉલેજના મેગેઝીનમાં ‘ફૂટબોલ ખેલાડીઓને વધારાના માર્કસ આપવામાં આવે છે, એ ખોટું છે,’ એવા લેખની સાથે ફૂટબોલ ખેલાડીઓના છોકરીઓના ગેટ-અપમાં જે કાર્ટૂન છાપ્યું છે, એ બદલ ખેલાડીઓ ધૂંધવાયેલા લાગતા હતા. તને જોઈને તેઓ ખોટી ધમાલ કરત.’ અને નીલે ડ્રોઈંગરૂમમાં ખુલતા બેડરૂમના દરવાજા પાસે પહોંચીને સ્ટોપર ખોલી. ‘રાતનો એક વાગ્યો.’ નીલે કહ્યું : ‘હવે તમે ખોટી ધમાલ અને ભૂતપ્રેતની વાતો બંધ કરી દો અને ચુપચાપ સૂઈ જાવ. ભૂલે-ચૂકેય ફરી ‘લોહીતરસી મંજરી’ના પ્રેતને બોલાવશો નહિ, નહિતર એ ખરેખર જ આવી જશે તો મરી જશો !’ અને આટલું કહેતાં જ નીલ ડ્રોઈંગરૂમમાં સરકી ગયો.

‘આરસી !’ પાયલ બોલી : ‘તારો ભાઈ છુપાઈને આપણી વાતો સાંભળી રહ્યો હતો, એ ખોટું કહેવાય !’

‘હા, પણ એ સલાહ તો આપણને સાચી જ આપી ગયો.’ આરસી બોલી : ‘હવે આપણે ભૂતપ્રેતની વાતો બંધ કરીએ અને સૂઈ જઈએ.’ અને આરસી લેટી. એની જમણી બાજુ પાયલ તો ડાબી બાજુ વૈભવી સૂતી. થોડી વારમાં જ ત્રણે ઊંઘમાં સરી ગઈ.

૦ ૦ ૦

રાતના બે વાગવામાં પાંચ મિનિટની વાર હતી. એક પડછાયો આરસીના બેડરૂમના પાછલા દરવાજા તરફ સરકી રહ્યો હતો. એ પડછાયો પલકવારમાં આરસીના બેડરૂમના પાછલા દરવાજા પાસે આવી પહોંચ્યો.

આ પડછાયાના આગમનથી બેખબર આરસી, પાયલ અને વૈભવી ઘસઘસાટ ઊંઘી રહી હતી. બેડરૂમમાં સન્નાટો હતો. આવામાં ફકત દીવાલ ઘડિયાળની ટીક-ટીકનો અવાજ ગૂંજતો હતો.

ટીક-ટીક કરતી ઘડિયાળે બરાબર બે વગાડયા, એ જ પળે બહાર વીજળીનો જોરદાર ધડાકો સંભળાયો. આરસી, પાયલ અને વૈભવી ઝબકીને જાગી ઊઠી, બરાબર એ જ પળે એમની પર કોઈએ તરાપ મારી....

અને.., અને એ સાથે જ જાણે બેડરૂમની બધી વસ્તુઓ અવાચક્‌ બની ગઈ. પણ ઘડિયાળની ટીક-ટીક હજુ ચાલુ હતી.

ઘડિયાળના સેકન્ડના કાંટાએ એક મિનિટનું ચકકર પૂરું કર્યું, એટલી વારમાં તો આરસીનું બેડરૂમ ખાલી થઈ ચૂકયું હતું ! બેડરૂમમાંથી ત્રણેય બેનપણીઓ ગાયબ થઈ ચૂકી હતી !

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED