ખોફ - 12 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોફ - 12

12

એચ. કે. કૉલેજમાં આવેલા કૉલેજના મૅગેઝિન કાર્યાલયના કૉમ્પ્યુટરમાં, પચીસ વરસ પહેલાં ગૂમ થયેલી મંજરીના બૉયફ્રેન્ડનો ફોટો તેમજ એ ફોટા નીચે લખાયેલી એ બૉયફ્રેન્ડ વિશેની માહિતી વાંચીને ચોંકી ઊઠેલો નીલ પાગલની જેમ કૉલેજની બહારની તરફ દોડી ગયો હતો.

અત્યારે નીલ પોતાની કાર પાસે પહોંચ્યો, ત્યારે તે રીતસરનો ધ્રુજતો હતો. ‘મંજરીના બૉયફ્રેન્ડ વિશેની માહિતી માનવામાં આવે એવી નહોતી !’ તે કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠો. ‘આરસી પણ આ જાણીને જબરજસ્ત આંચકો ને આઘાત પામશે !’ વિચારતાં તેણે કાર ચાલુ કરી અને ઘર તરફ દોડાવી મૂકી.

ત્યારે આ તરફ, માયાના ઘરે માયા આરસીને તાકી રહી હતી.

‘‘...મંજરી એવું ઈચ્છે છે કે, તું એને શોધે અને એનો અંતિમસંસ્કાર કરે, પણ એની લાશને શોધવી કયાં ? !’’ માયાની આ વાતના જવાબમાં આરસીએ કહ્યું કે, ‘‘કદાચ મને એ ખબર છે કે મંજરી..., મંજરીની લાશ કયાં છે ? !’’ એટલે માયા સવાલભરી નજરે આરસી તરફ તાકી રહી હતી.

‘તને...,’ થોડીક પળોની ચુપકીદી પછી અત્યારે હવે માયાએ પૂછયું : ‘...તને શું ખરેખર ખબર છે કે મંજરીની લાશ કયાં છે ? !’

‘હા !’ આરસી બોલી.

‘બસ, તો પછી...,’ માયા બોલી : ‘...હવે તું એક પળનો પણ સમય વેડફયા વિના મંજરીની લાશ પાસે પહોંચી જા. એની લાશ લઈને સીધી સ્મશાન ઘાટ જા અને એનો અંતિમસંસ્કાર કરાવી દે.’

આરસી માયા તરફ જોઈ રહી.

માયાએ એક લાંબો નિસાસો નાંખ્યો અને જાણે સ્ટડીરૂમમાં મંજરી ઊભી હોય એમ એ તરફ જોતાં બોલી : ‘મંજરી આવું જ ઈચ્છતી હતી, આરસી !’

‘ઠીક છે.’ કહેતાં આરસીએ પર્સમાંથી મોબાઈલ ફોન કાઢયો : ‘હું મોબાઈલ કરીને નીલને પૂછી લઉં કે એ કયાં છે ?’ અને આરસી નીલનો મોબાઈલ નંબર લગાવવા લાગી.

ત્યારે આ તરફ, કૉલેજમાંથી મારતી કારે નીકળેલો નીલ અત્યારે પોતાના ઘરના મુખ્ય દરવાજાના લૅચ-કીવાળા તાળામાં આરસીના ચાવીના ઝુડામાંની ચાવી લગાવી રહ્યો હતો. તેણે ચાવી ફેરવી અને લૉક ખોલ્યું. તે દરવાજો ખોલીને અંદર દાખલ થયો નેે સીધી જ પોતાની મમ્મી શોભનાના બેડરૂમ તરફ નજર દોડાવી. શોભનાના બેડરૂમનો દરવાજો બંધ હતો અને બહારથી સ્ટૉપર વાસેેલી હતી. ‘આનો મતલબ એ કે, હજુ મમ્મી અને અમોલ બહારથી પાછા આવ્યા નથી.’ બબડતાં નીલ આરસીના બેડરૂમ તરફ ધસ્યો. ‘આરસી !’ બૂમ પાડતાં તે આરસીના બેડરૂમનો દરવાજો ધકેલીને અંદર દાખલ થયો : ‘મંજરીના બૉયફ્રેન્ડ વિશે તું આઘાત પામે એવી માહિતી...’ અને નીલની જીભ પરનું આગળનું વાકય અધૂરું રહી ગયું. રૂમમાં આરસી નહોતી. તેણે બાથરૂમ તરફ જોયું, બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો, બાથરૂમમાં પણ આરસી નહોતી.

નીલે બારી બહાર નજર કરી. તેનું સ્કૂટર નહોતું. ‘આરસી મારા સ્કૂટરમાં બહાર ગઈ લાગે છે,’ નીલે બબડતાં કાંડા ઘડિયાળમાં જોયું. રાતના પોણા બાર વાગવા આવ્યા હતા. ‘હું માયાને ઘરે ગયો, એમાં તેે વળી આરસી આમ એકલી રાતના કયાં ચાલી ગઈ ?’ એવી ચિંતા સાથે નીલ આરસીને મોબાઈલ ફોન લગાવવા માટે ખિસ્સામાંથી મોબાઈલ કાઢવા ગયો, ત્યાં જ તેના કાને ‘ઠક્‌....ઠક્‌....  ઠ્‌ક..ઠક..!’નો અવાજ સંભળાયો. જાણે આ અવાજ સાથે કોઈ ડ્રોઈંગરૂમમાં આવેલી સીડીના પગથિયા સડસડાટ ચઢી જતું હોય એવું લાગ્યું.

‘...ત્યાં બહાર કોણ છે ? !’ મોટેથી પૂછતાં નીલ બેડરૂમના દરવાજા તરફ ધસી ગયો. તેણે બેડરૂમનો દરવાજો ખોલીને બહાર ડ્રોઈંગરૂમમાં પહોંચતાં સીડી તરફ નજર ફેંકી, તો ઉપરના છેલ્લા પગથિયાં પાસેથી એક પડછાયો પહેલા માળની જમણી બાજુની લૉબી તરફ દોડી ગયો હોય એવું દેખાયું. અહીંથી-નીચેથી ઉપરના પહેલા માળનો જમણી બાજુનો થોડોક ભાગ જ દેખાતો હતો, પણ પછી બાકીનો ભાગ દેખાતો નહોતો.

‘કોણ., કોણ છે, ઉપર..? !’ નીલે ગભરાટ દબાવવાનો પ્રયત્ન કરતાંં પૂછયું : ‘...મમ્મી ! શું ઉપર તું છે ? !’

-સન્નાટો !

-ઉપરથી કોઈ જવાબ સંભળાયો નહિ.

‘અમોલ તમે છો, ઉપર ? !’ પોતાના સાવકા પિતા અમોલને એના નામથી જ બોલાવતા નીલે સીડીના ઉપરના છેલ્લા પગથિયા તરફ જોઈ રહેતાં પૂછયું.

ખણીંંગ્‌....! ઉપરથી કોઈ લોખંડી વસ્તુ જમીન પર પડવાનો રણકાર સંભળાયો, પણ તેના સવાલના જવાબમાં કોઈ અવાજ આવ્યોે નહિ.

હવે નીલના ચહેરા પર ભય આવી ગયો. તેણે આસપાસમાં નજર દોડાવી. નજીકમાં જ ખુણામાં તેનું ક્રિકેટ બેટ પડયું હતું. તે સીડી તરફ પોતાની નજર જમાવેલી રાખતાં બિલ્લી પગલે એ બેટ પાસે પહોંચ્યો. તેણે બેટ હાથમાં લીધું અને દબાતા પગલે સીડીના પગથિયા પાસે પહોંચ્યો અને જરાય અવાજ ન થાય એની પુરતી તકેદારી સાથે સીડીના પગથિયાં ચઢવા માંડયો.

ટ્રીન...ટ્રીન...!

તે સીડીના અડધા પગથિયે પહોંચ્યો, ત્યાં જ નીચે ડ્રોઈંગરૂમની ટિપૉય પર પડેલા ફોનની તેમજ ઉપર લૉબીમાંની ટિપૉય પર પડેલા એ જ લાઈનના બીજા ફોનની ઘટંડી રણકી ઊઠી. એકદમ સન્નાટામાં અચાનક જ કાનના પડદા સાથે અફળાયેલી ફોનની આ ઘંટડીએ ભયભીત નીલના હૃદયના બે-ચાર ધબકારા ચૂકવી દીધા.

ટ્રીન...ટ્રીન...!

ટ્રીન..ટ્રીન..! ફરી નીલના હૃદયના ધબકારા વધી ગયા. ધક-ધક! ધક-ધક !ના હૃદયના ધબકારાના અવાજ સાથે નીલ પાછો પગથિયાં ચઢવા માંડયો. તે બે પગથિયાં ચઢયો, ત્યાં જ ટેલિફોનની ઘંટડી બંધ થઈ ગઈ. તે બીજા બે પગથિયાં ચઢયો, ત્યાં જ ‘ધબ્‌ !’ એવો ઉપરના રૂમનો દરવાજો બંધ થવાનો અવાજ સંભળાયો. તે એકસાથે બાકીના પગથિયાં ચઢીને ઉપર પહોંચ્યો અને પહેલાં કોઈક વસ્તુ અને પછી અત્યારે દરવાજો બંધ થવાનો અવાજ સંભળાયો હતો, એ જમણી બાજુની લૉબી તરફ જોયું.

લૉબીમાં સામેના રૂમનો દરવાજો બંધ હતો અને લૉબીની વચમાં, ડાબી બાજુની ટિપૉય પરની પિત્તળની ફૂલદાની નીચે પડેલી હતી. એની સામેની જ ટિપૉય પરના ફોનના સ્પીકરમાંથી તેની મોટીબેન આરસીનો અવાજ ગૂંજી રહ્યો હતો : ‘નીલ ! સારું થયું તું ઘરે મળી ગયો. હું તારા મોબાઈલ પર ફોન કરી-કરીને થાકી, પણ તારો મોબાઈલ સ્વિચ ઑફ બતાવે છે. ખેર ! હવે મારી વાત ધ્યાનથી સાંભળ. મને...મને એ વાતની ખબર પડી ગઈ છે કે, મંજરીની લાશ આખરે કયાં છે ? હું...હું જાણું છું કે, તું મારી આ વાત સાંભળીને મને પાગલ ગણીશ.’ ફોનમાંથી ગૂંજતો આરસીનો આ અવાજ સાંભળતાં નીલ ફોનની નજીક પહોંચ્યો, ત્યારે તેનું ધ્યાન એ વાત તરફ ખેંચાયું કે, એ કૉર્ડલેસ ફોનનું રિસીવર ગુમ હતું ! અને રિસીવર ગુમ કરનારે સ્પીકરનું બટન દબાવી દીધું હતું, એટલે ફોનના સ્પીકરમાંથી આરસીનો અવાજ ગુંજી રહ્યો હતો.

‘નીલ ! તું સાંભળી રહ્યો છે ને, મારી વાત...?’ ફોનના સ્પીકરમાંથી આરસીનો અવાજ ગૂંજ્યો.

નીલે હાથમાંના બેટ સાથે સામેના રૂમના દરવાજા તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું.

‘મંજરીની લાશ આપણી કૉલેજમાં જ છે, હું ત્યાં પહોંચું છું, અને તું પણ પોલીસને આની જાણ કરીને વહેલી તકે આપણી કૉલેજમાં પહોંચ.’ સ્પીકરમાંથી આરસીનો આ અવાજ સંભળાયો ને પછી તુરત જ સામેથી ફોન કપાઈ ગયો. સ્પીકરમાંથી ડાયલટોનનો અવાજ સંભળાવા લાગ્યો અને ત્યાર સુધીમાં નીલ સામેના રૂમના દરવાજાની બિલકુલ નજીક પહોંચી ચૂકયો હતો.

નીલ હાથમાંનું બેટ વધુ મજબૂતાઈ સાથે પકડીને, કાન સરવા કરીને રૂમના દરવાજાની અંદરની હીલચાલ પામવાનો પ્રયત્ન કરતાં ત્યાં જ ઊભો રહ્યો,

ત્યારે આ તરફ, માયાના ઘરે, માયા પોતાની સામે ઊભેલી આરસીને કહી રહી હતી : ‘આરસી ! હું તને કહેવાનું ભૂલી જ ગઈ. થોડીક વાર પહેલાં તારો ભાઈ નીલ મને તેમ જ મંજરી અને સુરભિને ફસાવનાર પાંચમી વ્યક્તિ વિશે જાણવા આવ્યો હતો. મેં એને પચીસ વરસ પહેલાંની આપણાં કૉલેજની ફૂટબોલ ટીમની જીતની ખુશાલીની પાર્ટીના ફોટામાંથી એ વ્યક્તિને શોધી કાઢવાનું જણાવીને આપણી કૉલેજમાં મોકલ્યો હતો. શું એણે તને આ વિશે કંઈ કહ્યું ? !’

‘ના, એણે મને ‘હં-હા’માં જ જવાબ આપ્યો.’ તેની સાથે હમણાં ફોન પર ‘હં-હા’ના હોંકારા સાથે વાત કરનાર નીલ નહોતો, પણ કોઈક જુદી જ વ્યક્તિ હતી, એ હકીકતથી બેખબર આરસીએ માયાને કહ્યું : ‘મેં એને સીધા જ કૉલેજ પર પહોંચવા માટે જણાવી દીધું છે. અત્યારે તમે પણ મારી સાથે ચાલો ને, માયા આન્ટી !’

‘ના. કોઈ હાલતે નહિ.’ માયાના ચહેરા પર એકદમથી જ ડર આવી ગયો : ‘પચીસ વરસ પહેલાં એ ઘટના બની એ પછી હું આટલા વરસમાં કદી કૉલેજની નજીક પણ ફરકી નથી.’

‘પ્લીઝ, માયા આન્ટી !’ આરસીએ માયાને વિનવી : ‘માની જાવ ને...!’

‘ન....ન...ના...!’ માયાએ નકારમાં માથું ધુણાવતાં એકધારો નન્નો ભણ્યો.

‘મંજરી તમારી બેનપણી હતી.’ આરસી અવાજમાં લાગણી ઘૂંટતાં બોલી : ‘હું એના આત્માની શાંતિ માટે જો આટલું કરતી હોઉં, તો શું એના પ્રત્યે તમારી કોઈ ફરજ નથી બનતી ? !’

માયા આરસી સામે તાકી રહી.

‘પ્લીઝ, માયા આન્ટી !’ આરસીએ હાથ જોડતાં કહ્યું.

‘ભલે, પણ...’ માયાએ એક નિશ્વાસ નાખ્યો : ‘...તારે મને એ વાયદો કરવો પડશે કે મંજરીની લાશ મળે એટલે તું જરાય સમય નહિ બગાડે. તું પોલીસ વગેરેને એની લાશ સોંપવાને બદલે સીધો જ લાશનો અંતિમસંસ્કાર કરી દઈશ.’

‘ઠીક છે, માયા આન્ટી !’ આરસીએ કબૂલ્યું.

‘બસ, તો પછી ચાલ.’ કહેતાં માયા ઊભી થઈ.

આરસી દરવાજા તરફ ચાલી. માયા પણ તેની સાથે ચાલી. આરસી બહાર નીકળીને સ્કૂટર તરફ આગળ વધી, ત્યાં જ માયા બોલી ઊઠી : ‘તારું સ્કૂટર રહેવા દે. આપણે મારી વૅનમાં જ જઈએ.’

‘સારું...!’ કહેતાં આરસી બાજુમાં જ પડેલી માયાની વૅન તરફ આગળ વધી ગઈ.

માયાએ દરવાજે તાળું માર્યું અને આરસીને લઈને વેનમાં બેઠી. માયાએ વેન ચાલુ કરી, રિવર્સમાં લીધી અને પછી રસ્તા પર લઈને કૉલેજ તરફ દોડાવી મૂકી.

ત્યારે આ તરફ, પોતાના ઘરે, પહેલા માળ પરના રૂમના બંધ દરવાજા બહાર હાથમાં બેટ સાથે ઊભેલો નીલ દરવાજાની અંદરની હિલચાલ પકડી પાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે જાણે શ્વાસ રોકીને થોડીક પળોથી અહીં ઊભો હતો, પણ અંદર કોઈ હોય એવી હાજરી વર્તાતી નહોતી.

પણ..પણ અંદર કોઈ હતું, એ નક્કી હતું.

નીલે હિંમત ભેગી કરી, જમણા હાથમાંનું બેટ સહેજ વધુ અધ્ધર કરતાં જોરથી દરવાજા પર લાત ઝીંકી. ધમ્‌ ! કરતાં દરવાજો ખૂલી ગયો.

અહીંથી રૂમમાંનો અંદરનો જેટલો ભાગ દેખાતો હતો, એટલામાં કોઈ દેખાયું નહિ.

‘...અંદર જે કોઈ પણ છુપાયું હોય એ જલદીથી બહાર આવી જાય...!’ નીલે હુકમભર્યા અવાજે કહ્યું, પણ અંદરથી કોઈ જવાબ આવ્યો નહિ-કોઈ હીલચાલ વર્તાઈ નહિ.

નીલને થયું, ‘અંદર જે કોઈ વ્યક્તિ છે, એ કદાચ ડરી ગઈ છે !’ નીલના મગજમાં આ વિચાર જાગ્યો, અને આની સાથે જ એના મનમાંનો ભય થોડોક ઓછો થયો. તેણે હિંમતનો એક વધુ ઊંડો શ્વાસ લીધો. તે હાથમાંનું બેટ વધુ મજબૂતાઈ સાથે પકડતાં, સામેથી જો હુમલો થાય તો પોતાનો બચાવ કરવાની સાથે જ હુમલાખોરનો બરાબરનો સામનો કરવાની પૂરી તૈયારી સાથે રૂમની અંદર દાખલ થયો અને ઝડપથી આખાય રૂમમાં નજર ફેરવી લીધી.

અંદર કોઈ નહોતું.

તેણે બાથરૂમ તરફ જોયું. બાથરૂમનો દરવાજો બંધ હતો, ને બહારથી સ્ટોપર વાસેલી હતી.

‘અત્યારે અંદર રૂમમાં કોઈ છે નહિ, પણ અંદર કોઈ વ્યકિત દાખલ થઈ હતી એ નકકી હતું.’ નીલે વિચાર્યું : ‘પણ એ વ્યકિત આમ ગૂમ કયાં થઈ ગઈ ? !’ તેની નજર સામેની બારી પર પડી. એ બારી ખુલ્લી હતી. ‘શું અંદર દાખલ થયેલી વ્યકિત બારીમાંથી બહાર કૂદી ગઈ  હશે ?’ મન સાથે આ વાત કરતાં નીલ બારી તરફ આગળ વધ્યો.

ત્યારે બારીની બાજુની દીવાલ પાસેના મોટા, લાકડાના બંધ કબાટની અંદર ઊભેલી વ્યકિત કબાટની તિરાડમાંથી નીલને નજીક આવતી જોઈ રહી હતી.

નીલનું ધ્યાન બારી તરફ જ હતું. બારીની બાજુના જ કબાટમાં એ વ્યકિત સંતાયેલી છે, એ ખતરનાક હકીકતથી બેખબર નીલ બારી નજીક પહોંચ્યો.

તેણે બારી બહાર ચહેરો લઈ જઈને નીચે નજર નાંખી. નીચે સળગી રહેલી લાઈટના અજવાળામાં જેટલો ભાગ જોઈ શકાતો હતો, એમાં કોઈ નજરે ચઢયું નહિ.

તે પાછો રૂમ તરફ ફર્યો. તેના મનમાંની મુંઝવણ બેવડાઈ હતી. તેણે સામેના દરવાજા તરફ આગળ વધતાં વિચારવા માંડયું, ‘જો એ વ્યકિત આ બારીમાંથી ભાગી ગઈ હોય તો પછી એ સવાલ પેદા થતો હતો કે, તો પછી આખરે એ વ્યકિત અંદર આવી શા માટે ? !’ તેના મગજમાંનો આ વિચાર પુરો થયો ને તે સામેના દરવાજા તરફ માંડ ત્રણેક પગલાં ચાલ્યો, ત્યાં જ તેના કાને પાછળના કબાટ તરફથી અવાજ પડયો. તે હાથમાંના બેટ સાથે પાછળની તરફ ફરવા ગયો, પણ નીલ પુરો ફરે અને પાછળની બાજુએ જુએ એ પહેલાં જ, કબાટની અંદરથી બહાર નીકળી આવેલી વ્યકિતએ પોતાના હાથમાંની કાળી પોલીથીનની મોટી થેલી નીલના ચહેરા પર પહેરાવી દીધી અને નીલને જમીન પર પટકી દીધો.

નીલના ચહેરા પર પ્લાસ્ટિકની થેલી પડી જવાને કારણે તેની આંખો સામે અંધારું છવાઈ ગયું ને તેના હાથમાંથી બેટ પણ છટકી ગયું.

કાળો લાંબો કોટ અને માથે કાળી કૅપ પહેરેલી એ વ્યકિતએ નીલની છાતી પર પોતાનો મજબૂત પગ દબાવ્યો, અને નીલને ગુંગળાવી મારવા માટે નીલના ચહેરા પર પહેરાવેલી પ્લાસ્ટિકની થેલી નીકળી ન જાય એ રીતના બરાબર પકડી રાખી...

...તો નીલ બન્ને હાથથી પોતાના ચહેરા પરની એ થેલી કાઢી નાંખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ એમાં તે નિષ્ફળ નીવડી રહ્યો હતો !

અને...અને એટલેે ધીરે-ધીરે નીલનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો !

(ક્રમશઃ)