ખોફ - 6 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

ખોફ - 6

6

આરસીને પોતાના જમણા પગની ચામડી કીડા-મકોડા જેવા કોઈ જીવ-જંતુ ખાઈ ગયા હોય એમ ઊતરડાઈ ગયેલી દેખાઈ એટલે તે ચોંકી ઊઠી હતી.

અત્યારે તે ભયથી ચીસ પાડવા ગઈ, પણ જાણે તેની જીભ તાળવા સાથે ચોંટી ગઈ. તે ચીસ પાડી શકી નહિ. તેણેે ડાઈનિંગ ટેબલની તેની સામેની ખુરશી પર બેઠેલા નીલ તરફ જોયું અને નજરથી જ તે નીલને પોતાની હાલત સમજાવવા ગઈ, ત્યાં જ અચાનક જ તેની નજર સામે કોઈ ફિલ્મનું દૃશ્ય દેખાવા માંડેે એમ તેની નજર સામે એક યુવતીની-મંજરીની લાશ તરવરી ઊઠી ! મંજરીની લાશ કોઈ મોટી પેટી કે મોટા પટારામાં પડી હતી ! ! એની આંખો ફાટેલી હતી અને કીકીઓ થીજેલી હતી ! ! અને એના કપાળના ઘા માંથી લોહી નીકળી રહ્યું હતું ! ! !

આની ત્રીજી જ પળે આરસીની નજર સામેથી મંજરીની આ લાશ દૂર થઈ ગઈ અને ફિલ્મના બીજા-પલટાતા દૃશ્યની જેમ તુરત જ એક યુવાનનો-પ્રિન્સનો ચહેરો તરવરી ઊઠયો ! પ્રિન્સના ચહેરા પર ગભરાટ હતો. પ્રિન્સે હાથ આગળ વધાર્યો અને પટારાનું ઢાંકણું પકડયું અને આની સાથે જ ફરીથી પટારામાં રહેલી મંજરીની લાશ દેખાઈ અને પ્રિન્સે પટારાનું મોટું ઢાંકણું બંધ કર્યું. ધમ્‌ ! અને પછી તુરત જ પ્રિન્સે પટારા પર લટકતી મોટી સ્ટોપર-નકુચા પર એક મોટું-લોખંડી તાળું લગાવ્યું અને ચાવી ફેરવીને એ તાળું બંધ કર્યું. ખટ્‌ !

અને આ સાથે જ આરસીને ફિલ્મના દૃશ્યની જેમ દેખાઈ રહેલું દૃશ્ય આરસીની નજર સામેથી દૂર થઈ ગયું. તેની નજર સામેે, તેની સામેની ખુરશી પર બેઠેલા અને તેની તરફ કંઈક મુંઝવણભરી નજરે જોઈ રહેલા નીલનો ચહેરો દેખાયોે, એટલે તેને એકદમથી જ ચામડી ઊતરડાઈ ગયેલા તેના જમણા પગનું ધ્યાન આવ્યું. તેણે તુરત જ નજર ઢાળીને જમણા પગ તરફ જોયું.

તેના પગની ચામડી...., તેના પગની ચામડી થોડીક પળો પહેલાં તેને ઊતરડાઈ ગયેલી દેખાઈ હતી, પણ અત્યારે..., અત્યારે તેના પગની ચામડી બિલકુલ બરાબર હતી ! તેને કંઈ જ-કંઈ જ થયું નહોતું ! !

‘...શું થયું, આરસી ? !’ તેના કાને મમ્મી શોભનાનો અવાજ પડયો, એટલે તેણે પગ તરફથી નજર ઊઠાવીને શોભના સામે જોયું. ‘કંઈ નહિ, મમ્મી !’ તે બોલી. આ વખતે તેની જીભ તાળવાથી છૂટી પડી ચૂકી હતી. તે બોલી શકી હતી. તેણે પોતાના સાવકા પિતા અમોલ સામે જોયું. અમોલે તેની સામે એક મીઠી મુસ્કુરાહટ રેલાવી. પણ તે અમોલ સામું સ્મિત ફરકાવી શકી નહિ. તેણે પોતાની સામે બેઠેલા નીલ તરફ જોયું. નીલ તેની સામે એ જ રીતના સવાલભરી નજરે જોઈ રહ્યો હતો. નીલે તેને જીભથી કોઈ સવાલ પૂછયો નહિ, પણ જેવી તે જમીને પોતાના બેડરૂમમાં પહોંચીને પલંગ પર બેઠી, ત્યાં જ નીલ રૂમમાં ધસી આવ્યો અને તેની બાજુમાં બેસતાં પૂછયું : ‘આરસી ! તેં કૉલેજથી પાછા ફરતી વખતે મને કેમ કહ્યું નહિ કે, તને પહેલાં પીરીયડમાં કોઈ યુવતીનું પ્રેત દેખાયું હતું ? !’

‘...મને થયું કે તને કહીશ તોય તું મારી વાત માનીશ નહિ.’ આરસીએ કહ્યું : ‘અને નીલ, હમણાં આપણે જમવા માટે બેઠા ત્યારે મને શું દેખાયું, એ કહું ? પણ...પણ શું તું એ માનીશ ખરો ? !’

‘પણ મને કહે તો ખરી કે તને શું દેખાયું ? !’ નીલે અધીરાઈભેર કહ્યું.

અને આરસીએ તેને ચામડી ઊતરડાઈ ગયેલો પોતાનો પગ દેખાયો, પછી મંજરીની લાશ દેખાઈ અને મંજરીની લાશને કોઈ પેટી કે પટારામાં પૂરતો યુવાન-પ્રિન્સ દેખાયો એ વાત કહી સંભળાવી.

થોડીક પળો સુધી નીલ આરસી તરફ જોઈ રહ્યો, પછી બોલ્યો : ‘આરસી ! તને આવું બધું ભયાનક કેમ દેખાય છે, એ કંઈ મને સમજાતું નથી.’

‘...મને પણ સમજાતું નથી.’ આરસીએ બળબળતો નિસાસો નાખ્યો અને પછી હળવેકથી નીલને પૂછયું : ‘નીલ ! શું એ યુવતીની લાશ પચીસ વરસ પહેલાં ગુમ થયેલી આપણી કૉલેજની સ્ટુડન્ટ્‌સ મંજરીની  હશે ? ! શું મને એ યુવતીને પટારામાં પુરીને તાળું મારતો દેખાયો એ યુવાન શું પ્રિન્સ  હશે ? !’

નીલ આરસી સામે જોઈ રહ્યો. તેણે કોઈ જવાબ આપ્યો નહિ. કયાંથી આપે ? ! તેની પાસે આનો જવાબ હતો પણ કયાં ? ! ?

૦ ૦ ૦

કૉલેજની બહાર, પાર્કિંગમાં પડેલી બે મોટરસાઈકલ પર સામ-સામે રૉકી અને મોહિત બન્ને જણાં પોતાના ફ્રેન્ડ્‌સ વિરાજ અને રોમાના મોત વિશેની વાતો કરતા બેઠા હતા.

‘મોહિત !’ રોકીએ કહ્યું : ‘શું તને એવું લાગે છે કે, વિરાજે જાણી જોઈને આવું કર્યું હશે ? હું એ માનું છું કે, વિરાજ થોડોક મૂરખ હતો, પણ એ કંઈ એટલો બધોેય બેવકૂફ નહોતો કે એને સ્ટીમ રૂમમાં એટલીય ખબર ન પડે કે એ સળગીને ભડથું થઈ જઈ રહ્યો છે.’

‘...એટલે...!’ મોહિતે રૉકી સામે જોઈ રહેતાં પૂછયું : ‘તું  કહેવા શું માંગે છે ?’

‘મને તો વિરાજનું મોત રહસ્યમય લાગે છે.’ રૉકીએ સહેજ રોકાઈને આગળ કહ્યું : ‘શું તને નથી લાગતું મોહિત કે, આપણાં ફ્રેન્ડ વિરાજના મોત પાછળ કોઈ ભેદી કાવતરું, કોઈ મોટું ષડયંત્ર છે ! ’

મોહિતે શું કહેવું એ સમજાયું નહિ, એટલે તે ચુપચાપ રૉકી સામે જોઈ રહ્યો.

‘અને શું તને રોમાનું મોત પણ સામાન્ય લાગે છે ? !’ રૉકીએ કહ્યું : ‘મોહિત ! પોલીસ ભલે ગમે તે કહેતી હોય, પણ શું તારા માનવામાં આવે છે કે, રોમાએ વધુ પડતાં નશીલા પદાર્થનું સેવન કર્યું હતું એટલે એનું મોત થયું ? !’ રૉકીના ચહેરા પર રોષ હતો : ‘હકીકતમાં આવું નથી. પોલીસ તપાસમાં ભલે ગમે તે આવ્યું હોય પણ તને તો ખબર છે કે રોમા નશીલા પદાર્થનું સેવન કરતી નહોતી.’ અને રૉકીએ કહ્યું : ‘નકકી વિરાજ અને રોમાના આવા ક્રૂર મોત પાછળ કોઈકનો હાથ છે જ ! અને એ હાથ છે-નીલનો..., અને એની બહેન આરસીનો !’

‘રૉકી !’ મોહિતે હળવેકથી પુછયું : ‘શું આમાં એ બન્ને ભાઈ-બહેનનો જ હાથ છે, એવું તને ચોક્કસપણે લાગે છે ?’

‘હા.’ રૉકીએ મકકમ અવાજે કહ્યું : ‘એ બન્ને ભાઈ-બહેન વિરાજના બેસણામાં અને રોમાના અંતિમસંસ્કાર વખતે આવ્યા હતા, દિલગીરીનો દેખાવ કરવા અને આપણી હાંસી ઉડાવવા માટે !’

‘તો...,’ મોહિતે મૂંઝવણભર્યા અવાજે પૂછયું : ‘હવે આપણે શું કરીશું ?’

‘હવે એમને હંમેશનો સબક શીખવાડવા માટે આપણી પાસે એક જ રસ્તો છે !’ રૉકીએ મોહિતની આંખોમાં સીધું જ જોઈ રહેતાં કહ્યું.

‘...એ રસ્તો શું છે ? !’ મોહિતે રૉકીને તાકી રહેતા પૂછયું.

‘આપણે એ બન્ને ભાઈબહેનને ખતમ કરી નાંખીશું !’

‘ન....ન....ના...!’ મોહિત બોલી ઊઠયો : ‘આપણાંથી આવું ન...’

‘તું આમ હા-ના કરવામાં રહીશ તો વિરાજ અને રોમાની જેમ મરી જઈશ.’ રૉકી બોલ્યોઃ ‘હવે આપણે જીવવું હશે...., નીલ અને આરસીના હાથે આપણે ક્રૂર મોતે મરતા બચવું હશે, તો આપણે એ બન્નેને તાત્કાલિક મોતને ઘાટ ઊતારી દેવા પડશે !’

‘પણ..પણ.., કેવી રીતના ?’ મોહિતે થોથવાતી જીભે પૂછયું.

‘નશીલા પદાર્થનો ઓવરડોઝ આપીને !’ રૉકી છાતીમાં એક ઊંડો શ્વાસ ભરતાં બોલ્યો : ‘તું રાતના બે વાગ્યે તારી પાસેનો નશીલા પદાર્થનો બધો સ્ટોક તેમ જ ઈન્જેકશનની સીરિંજ લઈને, એ રાતની જેમ જ આરસીના બંગલાની પાછળની કમ્પાઉન્ડ વૉલ પાસે આવી પહોંચજે. ત્યાંથી આપણે બન્ને નીલ અને આરસીના રૂમમાં પહોંચી જઈશું અને એમને ઊંઘમાં જ, નશીલા પદાર્થના ઈન્જેકશનનો ઓવરડોઝ આપીને હંમેશાની નીંદરમાં પોઢાડી દઈશું !’

‘ઠીક છે.’ મોહિતે ધીરેથી કહ્યું.

આ વાત સાથે એ બન્ને જણ છૂટા પડયા, અને ત્યારે..., ત્યારે એ બન્નેને એ વાતની ખબર નહોતી કે, એ બન્નેની આ વાતચીત એક ત્રીજી વ્યકિતના કાન સુધી પહોંચી ચૂકી છે. અને એ વ્યકિત હતી, ટાઈગર !

હા ! કૉલેજની ટીમનો કૉચ ટાઈગર નજીકમાં જ આવેલા ઝાડ પાછળ છુપાઈને એ બન્નેની વાતચીત સાંભળી ગયો હતો !

રૉકી અને મોહિત પોત-પોતાના વાહનમાં બેસીને ત્યાંથી નીકળી ગયા, એ પછી ટાઈગર ઝાડ પાછળથી બહાર નીકળ્યો. તેણે પોતાના માથાની કાળી કૅપ સરખી કરી અને પોતાના કાળા લાંબા કૉટના ખિસ્સામાં હાથ નાંખતો ધીમા પગલે ત્યાંથી આગળ વધી ગયો.

૦ ૦ ૦

રાતનો દોઢ વાગ્યો હતો. મોહિત પોતાની કારમાં આરસીના ઘર તરફ આગળ વધી રહ્યો હતો.

તેનું ઘર આરસીના ઘરથી દૂર, ઊંચાઈ પર હતું અને એટલે જ તે પોતાના ઘરેથી અડધો કલાક વહેલો નીકળ્યો હતો, પણ તેનું મન જાણે ગૂંગળામણ અનુભવી રહ્યું હતું. તેણે કારને ડાબી તરફ વળાવી અને આગળ વધારતાં રૉકીને મોબાઈલ ફોન લગાવ્યો. એક રીંગ વાગી અને પછી સામેથી તુરત જ રૉકીનો અવાજ સંભળાયો : ‘હા બોલ, મોહિત.’

‘....ગમે તેમ રૉકી, પણ આપણે જે કરવા જઈ રહ્યા છીએ, એ મને કંઈ ઠીક નથી લાગતું.’ મોહિતે અચકાતા અવાજે કહ્યું : ‘તું સમજ. આપણે આરસી, વૈભવી અને પાયલને ડરાવવા માટે નશીલા પદાર્થના ઈન્જેકશન આપ્યા એે એક અલગ વાત હતી અને આ....’

‘...હું સમજું છું, પણ તું સમજવાનો પ્રયત્ન કર.’ મોબાઈલમાં સામેથી રૉકીનો ધુંધવાટભર્યો અવાજ સંભળાયો : ‘આપણે ચારેયએ મળીને એ ત્રણેયને નશીલા પદાર્થના ઈન્જેકશન આપ્યા અને એમને ભુતિયા હવેલીમાં છોડી આવ્યા. આપણે તો એમને ફકત ડરાવ્યા, પણ એ લોકો...., આરસી અને એનો ભાઈ નીલ બન્ને જણાં મળીને વારાફરતી આપણને ખતમ જ કરી રહ્યા છે. હવે જોે આજે રાતના આપણે એ બન્નેને ખતમ નહિ કરીએ તો એક-બે દિવસમાં એ બન્ને જણાં વિરાજ અને રોમાની જેેમ આપણાં બન્નેની લાશ પણ ઢાળી દેશે અને આપણને ખબર પણ નહિ પડે.’

‘હં...!’ મોહિતના ગળે જાણે રૉકીની વાત ઊતરી હોય એમ એ બોલ્યો : ‘ઠીક છે. તો હું આરસીને ત્યાં પહોંચી રહ્યો છું.’ અને તેણે કાન પરથી મોબાઈલ ફોન હટાવ્યો.

તેણે કારને જમણી બાજુ વળાવી અને આગળ વધારી,  ત્યાં જ તેને સામે સડક પર ધુમ્મસ જેવું દેખાયું.

સટ્‌ ! તેની કાર એ ધુમ્મસ વચ્ચેથી પસાર થઈ ગઈ.

આગળ હવે ખુલ્લી-સૂમસામ સડક હતી. કારની હેડલાઈટના અજવાળામાં સામે પથરાયેલી દેખાતી સડક એકદમ સૂની હતી. સડકની આજુબાજુમાં-આસપાસમાં પણ કોઈ વસ્તી કે કોઈ મકાન નહોતા. બન્ને બાજુ ગીચ ઝાડી-ઝાંખરા છવાયેલા હતા એટલે વચ્ચેની સડક વધુ ભયાનક ભાસતી હતી.

બસ, બરાબર આ જ પળે, અચાનક જ મોહિતને સડકની બરાબર વચ્ચે, તેની કારથી ચાર-પાંચ મીટર દૂર જ, આંખો ફાટેલી, કપાળમાંથી લોહી નીકળતી યુવતીની-મંજરીની લાશ દેખાઈ.

‘ઓહ, માય ગૉડ !’ ભયભેર બોલી ઊઠતાં મોહિતે જોરથી બ્રેક પર પગ દબાવી દીધો.

ચીઈંઈંઈંની એક જોરદાર ચિચિયારી સાથે કાર ઊભી રહે એ પહેલાં જ મંજરીની લાશ  તેની કારના બૉનેટ સાથે અથડાઈ  ‘ધબ્‌ !’ અને બીજી જ પળે મંજરીની લાશ ટાયર નીચે ધકેલાઈ ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ.

કાર ઊભી રહી ગઈ.

‘હે ભગવાન...! આ શું થઈ ગયું ? !’ કંપતા અવાજે બોલી જતાં, થરથરતા હાથે દરવાજો ખોલીને મોહિત કારની બહાર નીકળ્યો.

ધક-ધક ! ધક-ધક ! ગજબનાક ઝડપે ધબકી રહેલા હૃદય સાથે તેણે વાંકા વળીને કાર નીચે-ટાયરો વચ્ચે જોયું.

-મંજરીની લાશ નહોતી.

તે ઊભો થયો અને તેણે કારની પાછળના ભાગમાં જોયું.

-કારની પાછળ પણ મંજરીની લાશ નહોતી.

તેણે દૂર-દૂર સુધી અને આસપાસમાં પણ ઝડપભેર નજર દોડાવીને જોયું, પણ મંજરીની લાશ દેખાઈ નહિ.

હવે મોહિતનો ગભરાટ ઔર વધ્યો. તે ઊંઘમાં નહોતો. તેણે નશીલો પદાર્થ પણ લીધો નહોતો. તેને રસ્તા વચ્ચે કોઈ યુવતી, કોઈ યુવતીની લોહિયાળ લાશ ઊભેલી દેખાઈ હતી, અને એ રીતસરની તેની કારના બૉનેટ સાથે અથડાઈને ટાયર નીચે કચડાઈ પણ હતી એ ચોક્કસ હતું ! ! પછી....પછી એ યુવતીની લાશ ગઈ કયાં ? !

મોહિતના ચહેરા પર પરસેવો નીતરી આવ્યો. તે ઝડપભેર કારમાં બેઠો અને ધ્રુજતા હાથે કાર ચાલુ કરવા માટે ચાવી ફેરવી. કારના એન્જિને ઘર્‌ર્‌ર્‌ર્‌ર્‌ એવી ઘરઘરાટી કરી, પણ એ ચાલુ થયું નહિ.

મોહિતે બીજી ત્રણ-ચાર વખત કાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પણ કાર ચાલુ ન જ થઈ.

‘હત્તેરી કી !’ મોહિતે કારના સ્ટિયરિંગ પર નિરાશાભેર મુઠ્ઠી પછાડી. તેણે કારની અંદરની લાઈટ ચાલુ કરી અને બાજુમાં સીટ પર પડેલું ઠંડા પીણાંનું કેન હાથમાં લઈને તોડયું. તે એમાંનું ઠંડું પીણું એકીશ્વાસે ગટગટાવી ગયો. ખાલી કૅન બારી બહાર ફેંકી દઈને તેણે કારની આગળ-પાછળ અને આજુબાજુ નજર દોડાવી. એ જ રીતના સન્નાટો..., ભયાનક સન્નાટો છવાયેલો હતો !

સડકની બરાબર વચમાં એક યુવતીની લાશ દેખાઈ, એ તેની કાર સાથે અથડાઈ અને ગુમ થઈ ગઈ એ ઘટનાને પરાણે દિલ-દિમાગમાંથી દૂર કરતાં મોહિતે હિંમતનો એક ઊંડો શ્વાસ લીધો. તેણે ફરી બે વખત કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરી જોયો, પણ કારે ચાલુ થવાનું નામ લીધું નહિ.

તેણે મોબાઈલ ફોન હાથમાં લીધો અને રૉકીનો મોબાઈલ નંબર લગાવ્યો. તેણે મોબાઈલ ફોન કાને મૂકયો. સામેથી રિંગ ટૉન કે બીજો કોઈ અવાજ સંભળાયો નહિ. તેણે કાન પરથી મોબાઈલ હટાવ્યો. બેટરી ડાઉન થઈ ગઈ હતી.

તેણે સીટ પર મોબાઈલ ફોન પટકયો, અને ફરી આગળ-પાછળની સડક પર નજર દોડાવી. કોઈ વાહન આવતું દેખાયું નહિ.

‘હવે..., હવે કોઈ વાહનમાં લિફટ લઈને રૉકી સુધી પહોંચવું પડશે. પણ કોઈ વાહન આવે તો ને !’ મોહિતના મગજમાંનો આ વિચાર પૂરો થયો, ત્યાં જ તેને બાથરૂમ લાગી.

તે કારનો દરવાજો ખોલીને બહાર સડક પર આવ્યો.

તેણે ફરી આગળ-પાછળ અને આસપાસમાં નજર દોડાવી. સન્નાટો જેમનો તેમ હતો.

તે કારની થોડેક આગળ, સડકની જમણી બાજુ ઊભેલા ઝાડ તરફ આગળ વધ્યો.

તે ઝાડ પાસે પહોંચ્યો. તે બાથરૂમ કરવા માંડયો, ત્યાં જ અચાનક જ તેના કાનના પડદા સાથે એકદમથી જ ફિલ્મી ગીતનો અવાજ અફળાયો. ચોંકી ઊઠતાં તેણે કાર તરફ જોયું.

કારનું સી. ડી. પ્લેયર ચાલુ હતું, એમાંથી જ ગીત ગૂંજી રહ્યું હતું.

તેણે આંખો ઝીણી કરીને કારની આગળ-પાછળની સીટ પર જોયું. કારની અંદરની ચાલુ લાઈટના અજવાળામાં તેને કોઈ દેખાયું નહિ.

‘આ સી. ડી. પ્લેયર કોણે ચાલુ કર્યું....? !’ તેના મગજમાં આ સવાલ જાગી ઊઠયો, ત્યાં જ તેના કાને તેની સામેના ઝાડ પાછળથી કંઈક સળવળાટ સંભળાયો. તેણે આંચકા સાથે કાર તરફથી ચહેરો ફેરવીને સામેની તરફ-ઝાડ તરફ જોયું.

અને બરાબર એ જ પળે ઝાડ પાછળથી આંખો ફાટેલી, કપાળેથી લોહી નીકળતી યુવતીની-મંજરીની લાશ નીકળી અને તેની સામે આવીને ઊભી રહી !

(ક્રમશઃ)