ખોફ - 7 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોફ - 7

7

પોતાની સામે આંખો ફાટેલી-માથેથી લોહી નીકળતી મંજરીની લાશ ઊભેલી જોઈને મોહિત હેબતાઈ ગયો. હમણાં..., હમણાં થોડીક વાર પહેલાં જ મંજરીની લાશ તેની કારના બૉનેટ સાથે અથડાઈ હતી ને તેની કાર નીચે કચડાઈ હતી અને પછી આશ્ચર્યજનક રીતના ગૂમ થઈ ગઈ હતી. એ જ..., હા, મંજરીની એ જ લાશ અત્યારે ઝાડ પાછળથી બહાર નીકળીને તેની સામે આવીને ઊભી રહી ગઈ હતી એટલે મોહિત થીજી ગયો ! તે ફાટેલી આંખે ઘડી-બે ઘડી મંજરીની લાશ સામે જોઈ રહ્યો, અને પછી જીવ બચાવવા, ભાગી છુટવા માટે તે પોતાની કાર તરફ વળ્યો, ત્યાં જ તેની કારનું એન્જિન આપમેળે ચાલુ થયું ! કારની હેડલાઈટ ચાલુ થઈ અને એેનું અજવાળું તેેની પર રેલાયું. તે ચીસ પાડીને સડકની બીજી બાજુ વળ્યો અને આંખો મીંચીને સામે અજગરની જેમ પથરાયેલી સડક પર દોડયો.

ત્યાં જ, ત્યાં જ એક હાથે કારની બારી બહારથી મોહિત તરફ કારનું સ્ટેયરિંગ ફેરવ્યું અને એ સાથે જ કાર એક આંચકા સાથે મોહિત પાછળ દોડી.

આગળ મુઠ્ઠીઓ વાળીને સડક પર દોડી રહેલા મોહિતે પાછું વળીને જોયું. તેની કાર, તેની તરફ ગજબનાક ઝડપે ધસી આવી રહી હતી ! તે માંડ બીજા પાંચ-સાત પગલાં દોડયો, ત્યાં જ તેની કાર જોશભેર આવીને તેની સાથે અથડાઈ. તે પીડાભરી ચીસ સાથે હવામાં ઊછળ્યો અને બીજી જ પળે પાછો સડક પર પટકાયો. ભમ્‌ ! તેનું માથું ફાટયું, તે પળ-બે પળ તરફડયો અને પછી શાંત થઈ ગયો. તેનો જીવ નીકળી ગયો. તે મરણ પામ્યો. અને....

....અને આ સાથે જ કારનું એન્જિન આપમેળે બંધ થયું ! હેડલાઈટ ઑફ થઈ અને સી.ડી. પ્લેયર પણ વાગતું બંધ થઈ ગયું !

૦ ૦ ૦

વહેલી સવારના છ વાગ્યા હતા. રસ્તા વચ્ચે પડેલી મોહિતની લાશથી થોડાંક પગલાં દૂર પોલીસની જીપ ઊભી હતી. સબ ઈન્સ્પેકટર કાટેકર હેડ કૉન્સ્ટેબલ ભીખુ સાથે મોહિતની લાશની નજીક ઊભો હતો. તે મોહિતની લાશને ઝીણવટથી જોઈ રહ્યો હતો.

‘સાહેબ...!’ હેડ કૉન્સ્ટેબલ ભીખુ બોલ્યો : ‘આમ તો આ કેસ અકસ્માતનો લાગે છે. આ ભાઈ પોતાની કારને રિપેર કરવા ઊતર્યા, ને એ જ વખતે પાસેથી સડસડાટ પસાર થઈ રહેલું કોઈ ભારે વાહન એને જબરજસ્ત ટક્કર મારીને ચાલ્યું ગયું. પણ...’ અને ભીખુએ મોહિતની જમણા હાથની ત્રીજી આંગળી તરફ જોઈ રહેતાં કહ્યું : ‘....પણ આની આ કપાયેલી આંગળી.., એ કંઈ સમજાતું નથી.’

સબ ઈન્સ્પેકટર કાટેકરની નજર પણ અત્યારે હવે મોહિતના જમણા હાથની ત્રીજી કપાયેલી આંગળી પર જ ચોંટેલી હતી. મોહિતની લાશનો બાકીનો હાથ જરાય ચગદાયેલો નહોતો-જરાય ઈજા પામેલો નહોતો. ફકત એની આંગળી જ કપાયેલી હતી, કપાયેલી નહિ, કહોને કોઈએ નિર્દયતાથી ખેંચી કાઢી હતી !

સબ ઈન્સ્પેકટર કાટેકર ઊભો થયો. તેણે ચારે બાજુ નજર દોડાવી. મોહિતની લાશની કપાયેલી આંગળી આસપાસમાં કયાંય નહોતી.

‘સાહેબ !’ ભીખુએ કહ્યું : ‘આની કપાયેલી આંગળી વિશે તમને શું લાગે છે ? !’

સબ ઈન્સ્પેકટર કાટેકરે ભીખુ સામે જોયું : ‘ઘટના થોડાંક કલાક પહેલાં બનેલી છે.’ કાટેકરે કહ્યું : ‘બની શકે કે કોઈ જંગલી પ્રાણી આની આંગળી ખાઈ ગયું હોય.’

‘સાહેબ...!’ ને ભીખુ આગળ બોલવા જાય એ પહેલાં જ કાટેકરે કહ્યું : ‘હવે પહેલાં લાશની વિધિ પતાવીને એને પોસ્ટમોર્ટમ માટે મોકલ.’ અને કાટેકર નજીકમાં જ ઊભેલી મોહિતની કાર તરફ આગળ વધી ગયો.

તેણે કારની ડ્રાઈવિંગ સીટ પર પડેલો મોબાઈલ ફોન જોયો. તેણે કારનું ખાનું ખોલ્યું. એમાં નશીલો પદાર્થ અને ઈન્જેકશનની કેટલીક સીરિંજો પડી હતી. એની નીચે એક નોટબુક પણ પડી હતી. કાટેકરે નોટબુક હાથમાં લીધી અને એની પરનું નામ વગેરે વાંચ્યું.

એ મોહિતની કૉલેજની નોટ-બુક હતી ! નોટબુકમાં મોહિતની કૉલેજનું નામ-એચ. કે. કૉલેજ વાંચતાં જ કાટેકરની આંખો ઝીણી થઈ ! ‘છેલ્લા ચાર-પાંચ દિવસોમાં તેની સામે આ ત્રીજી લાશ આવી હતી. પહેલી લાશ વિરાજની હતી. એ સ્ટીમ રૂમમાં સળગીને ભડથું થઈ ગયો હતો. બીજી લાશ રોમાની હતી. એણે નશીલા પદાર્થનો ઓવરડોઝ લીધો હતો અને મરણને શરણ થઈ હતી. અને આ મોહિતની ત્રીજી લાશ હતી. મોહિતનું અકસ્માતમાં મોત થયેલું લાગતું હતું.

ત્રણેય જણાંના મોત અલગ-અલગ જગ્યાએ, બિલકુલ જુદી-જુદી રીતના થયા હતા. પણ ત્રણેયમાં એક વાત, ફકત એક બાબત સરખી હતી. ત્રણેય જણાં એક જ કૉલેજમાં, એચ. કે. કૉલેજમાં ભણતા હતા !

શું આ વાત-આ બાબતને એ ત્રણેયના મોત સાથે કંઈ લાગતું-વળગતું હોઈ શકે ? !’ કાટેકરના મગજનો આ વિચાર પૂરો થયો, ત્યાં જ પોલીસ ફોટોગ્રાફર અને ફોરેન્સિક વિભાગના કર્મચારીઓ આવી પહોંચ્યા. એમણે પોતાની કામગીરી શરૂ કરી એટલે કાટેકર મોહિતની લાશ નજીક પહોંચ્યો  ને જાણે એ ‘બોલ ભાઈ, તારું મોત કેવી રીતે થયું ? !’ એવું મોહિતની લાશને પૂછતો હોય એમ મોહિતની લાશ તરફ તાકી રહ્યો.

સવારના આઠ વાગ્યા હતા.

આરસી પોતાના બેડરૂમમાં, બાથરૂમમાંથી નાહીને બહાર નીકળી અને રોજની ટેવ મુજબ ખૂણામાં પડેલું નાનું ટી. વી. ચાલુ કર્યું. ટી. વી. પરની ન્યૂઝ ચેનલ પર રાજકીય સમાચાર ચાલી રહ્યા હતા. તે રિમોટ કન્ટ્રોલનું બટન દબાવીને ચેનલ ફેરવવા ગઈ, ત્યાં જ ટી. વી.ના પડદા પર સડક પર પડેલી મોહિતની લાશ દેખાઈ. આરસી ચોંકી. ટી. વી. પર મોહિતની લાશ દેખાયાની ચાલુ રહેતાં બેકગ્રાઉન્ડમાંથી સમાચાર વાચકનો અવાજ ગૂંજવા માંડયો. ‘એચ. કે. કૉલેજ આજે બંધ રાખવામાં આવી છે. આજે કૉલેજના એક ત્રીજા સ્ટુડન્ટસ મોહિતની લાશ મળી આવી છે.

‘પોલીસનું પ્રાથમિક તપાસમાં એવું કહેવું છે કે, ‘‘મરનાર મોહિતે નશો કર્યો હતો. અને નશામાં જ એ કારની બહાર નીકળ્યો હશે, એમાં કોઈ વાહનની અડફેટે ચઢીને મરણ પામ્યો.

‘જોકે પોલીસ આ વિશે તપાસ કરી રહી છે.’ અને આ સાથે જ મોહિતના મોતના સમાચાર ટી. વી.ના પડદા પરથી દૂર થયા અને ખેલ જગતના સમાચાર શરૂ થયા.

ત્યાં જ રૂમનો દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો, એટલે આરસીએ દરવાજા તરફ જોયું.

નીલ અંદર આવ્યો.

‘નીલ ! તેં..., તેં મોહિતના મોતના ન્યૂઝ..’ આરસી આગળ બોલવા ગઈ ત્યાં જ નીલે કહ્યું : ‘..એ જોઈને જ હું તારી પાસે આવ્યો છું.’ કહેતાં નીલે ટી.વી. બંધ કર્યું.

‘નીલ..!’ આરસી સ્ટડી ટેબલ પાસેની ખુરશી પર બેસી પડી : ‘મને....મને આ બધામાં કોઈ મોટું ષડયંત્ર ખેલાતું હોય એવું લાગે છે !’

‘ષડયંત્ર..!’ નીલે આરસીની બાજુની ખુરશી પર બેસતાં પૂછયું : ‘...કેવું ષડયંત્ર ? !’

આરસીએ ટેબલના ખાનામાંથી પીળા રંગનું કાગળનું કવર-પરબીડિયું કાઢયું અને નીલ તરફ ધર્યું. ‘...એ રાતના રોમા મને હોમવર્કની નોટબુક આપવા આવી ત્યારે એમાં આ કવર મૂકી ગઈ હતી.’

નીલે આરસીના હાથમાંથી એ કવર લીધું અને એમાંથી કાગળ બહાર કાઢયો. કાગળમાં ચોવીસ વરસ પહેલાંનું-ન્યૂઝ પેપરનું કટીંગ ચોંટાડેલું હતું.

કટીંગમાં ઉપર મોટા અક્ષરે હેડીંગ છપાયેલું હતું-

‘મંજરી હજુ પણ ગુમ છે !’

આ હેડીંગની નીચે મંજરીનો ફોટો છપાયેલો હતો.

એક તરફ કટીંગની થોડીક ખાલી જગ્યામાં લાલ સ્કેચપેનથી-સુંદર અક્ષરે લખાયેલું હતું. ‘હજુ પણ એને ચેન નથી !’

નીલ છાપાના કટીંગ પર નજર ફેરવી ગયો.

‘મંજરી અને એની બેન-પણીઓ સાથે જે બન્યું હતું, કંઈક એવું જ તારી, વૈભવી અને પાયલ સાથે પણ બન્યું હતું.’ નીલે કહ્યું.

‘હા, પણ...’ આરસી ધીરેથી બોલી : ‘હું તો જીવતી છું.’ આરસીના ચહેરા પર મૂંઝવણ આવી : ‘નીલ ! એ રાતના રોમા મને હોમવર્કની બુક સાથે આ કવર આપવા આવી ત્યારે એ મને કંઈક કહેવા માંગતી હતી. એ કંઈક કહેવા જતી હતી, પણ ત્યાં જ તું આવી ચઢયો, એટલે એ વાત ફેરવીને- ‘‘....આપણે એ બધી વાતો કાલે કરીશું.’’ એવું કહીને ચાલી ગઈ, અને બીજા દિવસે સવારે તો એની સાથે ભેદી ઘટના બની ગઈ. એ મોતને ભેટી ગઈ.’

‘હં !’ નીલ બોલ્યો : ‘મને લાગે છે કે, કોઈએ છાપાનું આ કટીંગ રોમાને ચેતવણી આપવા માટે મોકલ્યું હશે !’

‘..એ જે કંઈ પણ હોય, નીલ, પણ...!’ આરસી બોલી : ‘...પણ આ બધું શું ચાલી રહ્યું છે એ આપણે શોધી કાઢવું પડશે.’

‘હા, આ જો,’ નીલે કહ્યું : ‘ચોવીસ વરસ પહેલાંના કટીંગમાં એવું જણાવવામાં આવ્યું છે કે, એ રાતના આપણા કૉલેજની ત્રણ યુવતીઓ ગાયબ થઈ હતી. એક મંજરી, બીજી સુરભિ અને ત્રીજી માયા !

‘એમાંથી એક મંજરી મળી નહોતી. એ ગૂમ જ રહી હતી, પણ સુરભિ અને માયા પાછી ફરી હતી. એ બન્નેમાંથી કોઈક તો જીવતી હશે ને ? !’

‘હા. તારી આ વાત સાચી છે.’ આરસી બોલી : ‘એમાંથી આપણે કોઈ એકને મળીએ તો કદાચને આપણને આમાં કંઈક મદદ મળી શકે.’

‘પણ એમને શોધવી કયાં ?’

‘કૉલેજના કૉમ્પ્યુટરમાં !’

‘સમજી ગયો.’ નીલે તુરત જ કહ્યું : એ વરસે આપણી કૉલેજમાં ભણી ગયેલા સ્ટુડન્ટસના ડેટામાંથી-લિસ્ટમાંથી આપણને બીજા બધાં સ્ટુડન્ટસની સાથે જ મંજરી, સુરભિ ને માયાના ફોટા અને નામ-સરનામા મળી જશે.’

‘કરેકટ !’ આરતી ઊભી થતાં બોલી : ‘આપણે અત્યારે જ કૉલેજ પહોંચી જઈએ.’

‘પણ આજે તો કૉલેજ બંધ રાખવામાં આવી છે.’

‘મારી પાસે કૉલેજના મેગેઝીન કાર્યાલયની ચાવી છે.’ આરસી બોલી.

‘પણ આરસી ? !’ નીલ બોલ્યો : ‘શું આ રીતના કૉલેજમાં ઘુસવાનું યોગ્ય છે ખરું ? !’

‘નીલ !’ આરસી બોલી : ‘મને જે કંઈ દેખાઈ રહ્યું છે અને આપણી કૉલેજના સ્ટુડન્ટસ સાથે-આપણાં ફ્રેન્ડસ સાથે જે કંઈપણ બની રહ્યું છે, એના ભેદ સુધી પહોંચવા માટે આપણે આટલું તો કરવું જ પડશે ને !’

‘ઠીક છે.’ કહેતાં નીલ ઊભો થયો. તે આરસી સાથે દરવાજા તરફ આગળ વધી ગયો.

૦ ૦ ૦

આરસી અને નીલ કૉલેજમાં પહોંચ્યા, ત્યારે બિલકુલ સન્નાટો હતો. તેઓ કૉલેજના મેગેઝિન કાર્યાલયનું તાળું ખોલીને અંદર દાખલ થયા.

નીલ કૉમ્પ્યુટર સામે બેઠો. આરસી બાજુમાં ઊભી રહી. નીલે કૉમ્પ્યુટરમાં કૉલેજના પચીસ વરસ પહેલાનું લિસ્ટ ખોલ્યું. એમાં મંજરીનું નામ-સરનામું અને ફોટો હતો, પણ હવે મંજરી સાથે બાકીની બે સ્ટુડન્ટસ કઈ હતી ? એ કેવી રીતના શોધવું ? !

ત્યાં જ નીલના મગજમાં ઝબકારો થયો અને તેણે ‘કૉલેજની ગુમ થયેલી સ્ટુડન્ટસ’ વિશેની ફાઈલ માંગી. અને તુરત જ સ્ક્રીન પર છાપાનું કટીંગ દેખાયું.

‘ફૂટબોલ ટૂર્નામેન્ટમાં એચ. કે. કૉલેજની ફૂટબોલ ટીમની જીતની ખુશાલીમાં ટીમના કૅપ્ટન ટાઈગરે યોજેલી પાર્ટીમાંથી ગૂમ થયેલી ત્રણ સ્ટુડન્ટ્‌સ !’

અને આ કટીંગની નીચે મંજરી, સુરભિ અને માયાના ફોટા છપાયેલા હતા.

‘મંજરી સત્તર, સુરભિ સત્તર અને માયા અઢાર વરસની હતી.’ નીલે ત્રણેયના ફોટા નીચે છપાયેલા નામ અને ઉંમર વાંચી.

‘સુરભિ અને માયા અત્યારે કયાં રહે છે, એ શોધ, નીલ ?’ આરસી અધિરાઈભેર બોલી.

નીલે કી-બોર્ડના બટન દબાવ્યા. કૉમ્પ્યુટર સ્ક્રીન પર છાપાનું એક કટીંગ દેખાયું. એ સુરભિ વિશેનું હતું. ‘...સુરભિએ કરેલો આપઘાત !’ આ હેડીંગ નીચે સુરભિના ફોટા સાથે છપાયેલા સમાચાર નીલ મનોમન ઝડપભેર વાંચી ગયો અને  બોલ્યો : ‘આરસી ! સુરભિએ પોતાની સાથે જે ઘટના બની એના ત્રીજા દિવસે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.’

‘ઑફ !’ આરસીના મોઢેથી નિશ્વાસ નીકળી ગયો : ‘બીજી સ્ટુડન્ટસ માયાની માહિતી જો તો, એ કયાં રહે છે ? !’

નીલે કૉમ્પ્યુટરમાં માયાની ફાઈલ શોધી. તેને છાપાના કટિંગમાં માયાના ફોટા સાથે સમાચાર જોવા મળ્યા. એની પર ઝડપી નજર ફેરવીને નીલે આરસીને ટૂંકમાં કહ્યું : ‘આરસી, એ રાતના બનેલી ઘટના પછી મંજરી મળી નહિ, એટલે એને મરેલી માની લેવામાં આવી, જ્યારે કે માયા એ ઘટનામાં જીવતી રહેલી એકમાત્ર યુવતી હતી !’

‘હં...!’ આરસીએ કહ્યું : ‘હવે એ વરસના કૉલેજના લિસ્ટમાંથી માયાનું સરનામું કાઢ.’

નીલે એ લિસ્ટ કાઢયું. એમાંથી નીલે માયાનું નામ કાઢયું. એમાં માયાનું સરનામું આપેલું હતું. તેણે માયાનું સરનામું વાંચ્યું.

‘સરસ !’ આરસી બોલી  ઊઠી, ‘માયાનું ઘર નજીક જ છે.’

‘પણ...,’ નીલે કહ્યું : ‘માયા આટલા વરસ પછી ય શું આ જ સરનામા પર રહેતી હશે ખરી ?’

‘એ...ય...!’

આરસી અને નીલના કાને આ અવાજ પડયો, બન્નેએ ચોંકીને જોયું તો દરવાજે ફૂટબોલ ટીમનો કોચ ટાઈગર ઊભો હતો !

‘તમે બન્ને શું કરી રહ્યા છો, અહીં ? !’ ટાઈગરે તેમની તરફ આવતાં પૂછયું.

‘એકઝામમાં વધુ માર્કસે પાસ થવા માટે થોડીક વધુ મહેનત !’ નીલે જવાબ આપી દીધો.

‘...કૉલેજ આજે બંધ છે.’ ટાઈગર બોલ્યો : ‘તમારે બન્નેએ અહીંથી ચાલ્યા જવું જોઈએ.’

‘ઓ. કે. સર !’ કહેતાં  નીલ દરવાજા તરફ આગળ વધ્યો. આરસી પણ ચાલી. એ નીલ સાથે રૂમની બહાર નીકળી ગઈ.

ટાઈગરે કૉમ્પ્યુટરના સ્ક્રીન પર જોયું. સ્ક્રીન પરના માયાના ફોટા અને નામ-સરનામાની ડિટેઈલ તરફ પળવાર જોઈ રહ્યો, પછી તેણે કૉમ્પ્યુટરની હિસ્ટ્રી કાઢી અને ‘નીલ અને આરસી કૉમ્પ્યુટરમાં છેલ્લે શું જોઈ-વાંચી ગયાં હતાં ?’ એ કાઢીને જોયું.

તે પળવાર વિચારી રહ્યો અને પછી તેણે કૉમ્પ્યુટર બંધ કરી દીધું.

ત્યારે નીલ સાથે કૉલેજના મુખ્ય દરવાજા નજીક પહોંચેલી આરસીને અચાનક જ બાજુમાં જ આવેલી ભોંયરાની સીડી તરફથી કંઈક સંભળાવા માંડયું.

તે ઊભી રહી ગઈ, તેણે ભોંયરાની સીડી તરફ જોઈ રહેતાં કાન સરવા કર્યા, તો તેને એવું લાગ્યું કે, નીચે-ભોંયરામાંથી  કોઈ યુવતીના-મંજરીના હીબકાં સંભળાઈ રહ્યાં છે !

આરસી તેની બાજુમાં જ ઊભા રહી ગયેલા નીલને આ વિશે કહેવા ગઈ, ત્યાં જ તેની નજર સામે મંજરી તરવરી ઊઠી ! મંજરી પટારામાં બંધ હતી ! મંજરીના કપાળેથી લોહી નીકળી રહ્યું હતું. એના ચહેરા પર મોતનો ભય હતો. એ ચીસો પાડી રહી હતી અને બંધ પટારામાંથી બહાર નીકળવા માટે પટારા સાથે હાથ-પગ અફળાવી રહી હતી.

(ક્રમશઃ)