વસુધા માં ના ખોળામાં માથુ રાખી સૂઇ રહી હતી અને એનાં મોબાઇલમાં રીંગ આવી. દુષ્યંતે મોબાઇલ વસુધાને આપ્યો. આકુ વસુધા સામે હસીને જોઇ રહી હતી એ મોબાઇલને જોઇ હસી રહી હતી. વસુધાની નજર પડી બોલી “ તું મોટી થઇ જા... અત્યારથી મોબાઇલમાં રસ પડે છે.” એને હસવું આવી ગયું એણે ફોન ઉપાડ્યો સામે રાજલ હતી.
રાજલે પૂછ્યું “ઘરે પહોચી ગઇ ? હવે કેવું છે તને ? મને ખબર પડી કે તું તારી સાસુમાં વેણથી દુઃખી થઇ છું. એ બધું ચાલ્યા કરે વસુ.. આ બધાં વડીલો સમજ્યા વિનાજ બોલે છે ઓછું ના લાવીશ”.
વસુધા હં હં કરી જવાબ આપી રહેલી. રાજલે કહ્યું “હું ડેરીનું જોઇ લઇશ ચિંતા ના કરીશ જ્યાં જરૂર પડે તારી સલાહ લઇશ. હમણાં આરામજ કર. એક ખાસ સમાચાર આપવાનાં છે. પીતાંબરનાં ખાસ ભાઇબંધ કરસનભાઇ અને રમણકાકાની દીકરી ભાવના એ બંન્ને..”
વસુધાએ વચમાંજ પૂછી લીધું. "શું એ બન્નેનું ? શું થયું ?” રાજલે કહ્યું “ભાવના એનાં સાસરે થી પાછી ફરી હતી એનાં છૂટાછેડા થઇ ગયેલાં.. ઘણા સમયથી પિયરમાં હતી. કરસનભાઇ અને ભાવના ડેરીમાં સાથે કામ કરે છે. સાંભળવા મળ્યું છે એ લોકો લગ્ન કરી લેવાનાં છે. રમણકાકાએ સામેથી આ સંબંધ વધાવી લીધો છે.”
વસુધાએ કહ્યું “હાંશ ભાવના સુખી થશે. કરસનભાઇ સારાં માણસ છે. ભાવનાનું ધ્યાન રાખશે. ખૂબ સારાં સમાચાર છે. વસુધાએ પૂછ્યું મેં તને સોંપેલુ એ કામ કેટલે પહોંચ્યું ?”
રાજલે કહ્યું “આજે હું બાપુજી સાથે પોલીસ પટેલને મળવા જવાની છું બાપુજીએ કહ્યું એને જેલમાં નાંખ્યો છે ત્રણે જણાંને લાંબી રાજા થશે. કાલે કોર્ટમાં હાજર કરવાનાં છે. આગળ જે કાર્યવાહી થશે તને જણાવીશ બાપુજી સરપંચ છે એટલે આપણે ઇચ્છીએ છીએ એ કામ સરળ થઇ જશે. પણ હમણાં તું અહીં આવીશ નહીં હું નકારાત્મક નથી વિચારતી પણ તારાં સાસરિયાંને થોડી સમજ પડવી જોઇએ. હું તારાં સાસરે પણ જવાની છું ગુણવંતકાકાને મળવા. ડેરી અને દૂધમંડળીનાં કામ અંગે....”
વસુધાએ કહ્યું “ભલે. મેં બધો દુધ મંડળીનો હિસાબ આપણે દૂધ ધારકો અને દૂધ ભરતાં બધાનાં ખાતાનો હિસાબ તૈયાર કરવા પ્રવિણભાઇને કહી રાખેલું છે એમણે બધું તૈયાર કરી રાખ્યું હશે”.
“અને રાજલ સરલાબેનની તબીયતની ખબર લેતી રહેજે. મને એમનાં માટે પણ જીવ બળે છે આ સમયે મારે એમની સાથે હોવું જોઇએ પણ.. જોકે એમને દીકરો જન્મ્યો છે એની ખુશાલીમાં અત્યારે એનાં આનંદમાંજ હશે બધાંજ… કંઇ નહીં પછી શાંતિથી વાત કરીશું.” અને ફોન મૂકાયો.
************
લગભગ 10 દિવસ નીકળી ગયાં. વસુધા એનાં પિયરમાં છે. ગુણવંતભાઇ નિયમિત ડેરીએ જાય છે એમને વસુધા વિના જાણે અગવડ પડી રહી છે. રાજલ અને મુખીકાકા કાળીયાને કડકમાં કડક સજા થાય એનાં પ્રયત્નમાં છે.
દીવાળી ફોઇએ ગુણવંતભાઇને બે વાર કહ્યું મને મારાં ગામ મૂકી જાઓ પણ ગુણવંતભાઇ એમને સમજાવીને રાખી રહ્યાં છે.
સરલાં પણ પોતાનાં દીકરાને લઇને દવાખાનેથી ઘરે આવી ગઇ છે. ઘરમાં એને સૂનૂસૂનૂ લાગી કહ્યું છે. વસુધાની બાબતમાં ભાનુબહેન સાથે એને અનેકવાર ટપાટપી થઇ ગઇ. ભાનુબહેન કહે “એ મારાં છોકરાની વહુ છે હું સાસુ છું એણે પાછા આવી જવું જોઇએ હું આટલી મોટી એની માફી માંગવા જઊં ?”
ભાનુબહેન મોઢે બોલવામાં કડક ભાષા વાપરી રહ્યાં છે પણ અંદરથી તૂટી ગયાં છે હજી માંડ 10 દિવસ થયાં છે અને એમને એહસાસ થઇ ગયો કે વસુધા વિના આ ઘર નહી ચાલે, ડેરી, દૂધમંડળી ખેતી, બધાં હિસાબો, સરલાની સુવાવડ પછી એની લેવાની કાળજી બધે પહોંચી વળવું એમનું કામ નથી. ઉપરથી દિવાળીફોઇ જવા માટે જીદ કરી રહ્યાં છે.
ગુણવંતભાઇએ આજે ડેરીથી પાછા આવીને કહ્યું “ભાનુ તારું ગુમાન ક્યાં સુધી છાવર્યા કરીશ ? વસુધાને કોઇ વાંક વિના તેં ટોણા માર્યા છે તારેજ એને પાછી બોલાવવી પડશે એ નહીં આવે હું એને સારી રીતે ઓળખું છું એ સ્વમાની અને સ્વાભીમાની છે તારો આ હઢાગ્રહ ક્યાંક આપણાં કુટુંબનો વેરવીખેર ના કરી નાંખે. સરલા પણ એં પક્ષે છે. ભાવેશ કુમારને કામ છે એટલે કાલે સિધ્ધપુર જવાનાં... હું તો ક્યાં દોડ દોડ કરું ? મારી પણ કામ કરવાની મર્યાદા છે”.
ભાનુબહેન કહે “આમ છોડીને જવુંજ હતું તો ડેરી-દૂધ મંડળી ઉભી કરી વહીવટ કરવાની શી જરૂર હતી ? એની જવાબદારી નથી ? સંસાર છે કુટુંબ છે બે વાસણ ખખડે પણ ખરાં એમાં આમ પિયર જતાં રહેવાનું ? મારાંથી પણ ક્યાં કશું થાય છે ?”
ગુણવંતભાઇ કહે “કાલે ડેરીની મટીંગ છે. ઠાકોરભાઇ આવવાનાં છે મારે વસુધાને ફોન કરવોજ પડશે. પશુ દવાખાનું તૈયાર છે એનું ઉધ્ધાટન થયાં પછી એનો વહીવટ સારું છે મુખીએ હાથમાં લીધો છે પણ નવી હોસ્પીટલ બાંધવાનું કામ આગળ હવે ચાલશે. વસુધા વિના જાણે બધુ અટક્યુ છે.”
“એ છોકરીને તમારે આવું નહોતું બોલવાનું વાંક તમારો છે. વસુધા કેવી છોકરી છે તમને ખબર નથી ? આ જે કંઇ કારસો થયો એમાં એનો શું વાંક હતો ? વાંક પેલા કાળમુખાનો હતો.”
ભાનુબહેન કહે “છોકરી જાત છે એણે એ પ્રમાણે મર્યાદામાં રહેવું જોઇએ.. બસ મારું એટલુંજ કહેવું છે મેં એમાં વધારે શું કહી દીધું ?”
ત્યાં સરલાએ વચમાં પડતાં કહ્યું “એ બધી મર્યાદામાંજ રહી છે માં એનાં સંસ્કાર પર તમારે શંકા કરવાની જરૂર શું છે ? એની સાથે આવો અપબનાવ બની ગયો એમાં એ શું કરે ? ઘરની બહાર ના નીકળે ? એણે શું ખોટું કરેલું ? આમને આમ સ્ત્રીઓજ સ્ત્રીઓને ટોકતી રહેશે તો સ્ત્રીઓનો પક્ષ કોણ લેશે ?”
“હું વસુધાને આજે ફોન કરીશ કે પછી આવી જાય આમેય પાપા કહે છે ને ડેરીની મીટીંગ છે. હું ફોન ક્યા મોઢે કરું ? એને લાગશે મારો સ્વાર્થ છે.. એટલેજ હજી ફોન નથી કર્યો પાપા તમે કરો ફોન... "
વધુ આવતા અંકે - પ્રકરણ-109