Prarambh - 35 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 35

પ્રારંભ પ્રકરણ 35

જાનકીના ઘરે ભાવિ જમાઈ તરીકે કેતનનું દેસાઈ સાહેબ અને કિર્તીબેને ખૂબ જ ભાવભીનું સ્વાગત કર્યું.

જાનકીનો કોલેજનો અભ્યાસ પૂરો થઈ ગયા પછી દેસાઈ સાહેબે સુરત છોડી દીધું હતું અને મુંબઈ માટુંગામાં સેટ થયા હતા.

કેતન જાનકીના આ માટુંગાના ઘરે આટલાં વર્ષોમાં પહેલીવાર જ આવ્યો હતો. જાનકી અને કેતન સુરત કોલેજમાં હતાં ત્યારથી જ એકબીજા સાથે રિલેશનશિપમાં હતાં અને કેતનના પરિવારને પણ જાનકી પસંદ હતી. ભાવિ વહુ તરીકે પણ એમણે જાનકીને સ્વીકારી લીધી હતી.

કેતન બે વર્ષ અમેરિકા ગયો ત્યારે પણ જાનકીએ પ્રમાણિકપણે આ સંબંધને નિભાવી રાખ્યો હતો અને ગમે એટલી વાતો આવતી હતી તો પણ જાનકી બીજો કોઈ છોકરો જોવા તૈયાર જ ન હતી. એટલે દેસાઈ સાહેબ અને કીર્તિબેન પણ જાનકીનાં લગ્ન માટે ચિંતાતુર હતાં.

પરંતુ કેતન જે રીતે જાનકીને મળવા આવ્યો એ જોયા પછી એમને પણ સંતોષ થઈ ગયો કે કેતન પોતાના જાનકી સાથેના સંબંધોમાં એકદમ મક્કમ છે અને હવે ચિંતાનું કોઈ જ કારણ નથી !

"હવે પછી તમારો ભાવિ પ્લાન શું છે કેતનકુમાર ? " જમ્યા પછી ડ્રોઈંગ રૂમમાં દેસાઈ સાહેબે કેતન સાથે વાતચીત ચાલુ કરી. જાનકી અને કીર્તિબેન એ સમયે જમવા બેઠાં હતાં.

"અત્યારે તો જામનગર છું પપ્પાજી પરંતુ નવરાત્રી પછી હું મુંબઈમાં શિફ્ટ થઈ રહ્યો છું અને કદાચ અહીંયાં જ સેટલ થઈશ એવું અત્યારે તો લાગી રહ્યો છું." કેતન બોલ્યો

મુંબઈ શિફ્ટ થવાના સમાચાર દેસાઈ સાહેબ માટે નવા હતા પરંતુ એમને કેતનની વાત સાંભળીને ખૂબ જ આનંદ થયો કે દીકરી પણ મુંબઈમાં જ સેટલ થઈ રહી હતી.

" તો પછી લગ્ન માટે પણ હવે તમે ગંભીરતાથી વિચારો કુમાર. બંનેની ઉંમર હવે પરણવા લાયક થઈ ગઈ છે." દેસાઈ સાહેબ બોલ્યા.

"હા વડીલ હું સીરીયસ છું અને કદાચ ડિસેમ્બર જાન્યુઆરીમાં જ લગ્ન માટેનું પ્લાનિંગ કરી રહ્યો છું. હજુ મારે આ બાબતે મમ્મી પપ્પા સાથે કોઈ વાતચીત થઈ નથી પરંતુ દિવાળી સુધીમાં વાત કરી લઈશ. " કેતન બોલ્યો.

" ચાલો બહુ સરસ. તો તો અમે પણ હવે લગ્નની તૈયારીઓ ચાલુ કરી દઈએ છીએ." દેસાઈ સાહેબ ઉત્સાહથી બોલ્યા. એટલામાં ભારે જમણના કારણે કેતનને બગાસું આવ્યું.

"તમે હવે જાનકીના બેડરૂમમાં એક બે કલાક આરામ કરી લો. " દેસાઈ સાહેબ બોલ્યા.

ત્યાં સુધીમાં જાનકીએ જમી લીધું હતું એટલે એ તરત બહાર આવી અને કેતનને પોતાના બેડરૂમમાં લઈ ગઈ.

" હવે અહીં થોડો આરામ કરો સાહેબ. " જાનકી બોલી.

"જાનકી હું નવરાત્રી પછી હવે મુંબઈ શિફ્ટ થઈ રહ્યો છું. પાર્લામાં મોટાભાઈની બાજુમાં જ ફ્લેટ પણ ખરીદી રહ્યો છું." કેતન બેડ ઉપર આડો પડતાં બોલ્યો.

" વાઉ ! આટલા મોટા સમાચાર તમે છેક છેલ્લે આપો છો ? મારા મમ્મી પપ્પા આ સમાચાર સાંભળીને ખુશ થઈ જશે. મને પણ મુંબઈ ખૂબ ગમે." જાનકી બોલી.

"પપ્પાને તો મેં આ સમાચાર આપી દીધા. પપ્પા લગ્ન માટે પૂછી રહ્યા હતા તો મેં એમને કહી દીધું કે લગભગ ડિસેમ્બર જાન્યુઆરીમાં લગ્ન માટે વિચારું છું. " કેતન બોલ્યો.

" વાઉ... આજનો દિવસ મારા માટે ખૂબ જ સારો ઊગ્યો લાગે છે. તમે આજે એક પછી એક એવા સરસ સમાચાર આપી રહ્યા છો કે હું એકદમ એક્સાઇટેડ થઈ ગઈ છું." જાનકી બોલી.

" જાનકી તારે શ્રાવણ મહિનામાં મમ્મી પપ્પાની સાથે જામનગર આવવાનું છે. મારી ઈચ્છા મમ્મી પપ્પાને એકવાર દ્વારકા દર્શન કરાવવાની છે. તું પણ એમને કંપની આપ જેથી એમને રસ્તામાં બીજી કોઈ તકલીફ ના પડે. તારીખ વગેરે હું તને એડવાન્સમાં જણાવી દઈશ અને ટિકિટ પણ આવી જશે. " કેતન બોલ્યો.

" જી જનાબ.... આપકા હુકમ સર આંખો પર. " જાનકી હસીને બોલી.

સાંજે ચાર વાગે જાનકીના ઘરે ચા પાણી પીને, થોડીક આડી અવળી વાતો કરીને કેતન પાર્લા આવવા નીકળી ગયો. જાનકી એને કિંગસર્કલ મૂકી આવી.

માટુંગા સ્ટેશને પહોંચીને કેતને પાર્લાની ટિકિટ લઈ લીધી અને વીસેક મિનિટમાં પાર્લા પહોંચી પણ ગયો.

પાર્લા સ્ટેશનથી એણે રીક્ષા જ કરી લીધી અને સાંજે પાંચ વાગ્યા આસપાસ તો ઘરે પણ પહોંચી ગયો.

" શું વાત છે આજે તો તું વહેલો આવી ગયો !! મને એમ કે રાત તો પડી જ જશે ! " કેતનને જોઈને સિદ્ધાર્થ બોલ્યો.

" જાનકીને મળવા માટે અને જમવા માટે જ ગયો હતો એટલે બીજું તો કંઈ કામ હતું જ નહીં. બપોરે થોડો આરામ કર્યો અને સાંજે નીકળી ગયો." કેતન બોલ્યો.

" હવે સાંજે શું વિચાર છે ? કોઈ મુવી જોવાની ઈચ્છા હોય તો કહી દે. જો મુવી ના જોવું હોય તો સાંજે કોઈ ડાઇનિંગ હોલમાં જમવા જઈએ. " સિદ્ધાર્થ બોલ્યો.

" ફિલ્મમાં તો મને કોઈ રસ નથી પરંતુ જમવા ચોક્કસ જઈએ. એટલા માટે કે કમસેકમ ભાભીને આજે આરામ મળે ! " કેતન બોલ્યો.

" હા તો પછી ડિનરનું ફાઈનલ. હું પણ અહીં આવ્યા પછી એક પણ વાર હોટલમાં જમવા ગયો નથી. સુરતમાં હતો ત્યારે મહિનામાં એક પ્રોગ્રામ તો બનતો જ. " સિદ્ધાર્થ બોલ્યો.

" મારી ઈચ્છા આજે પંજાબી ડિશ ખાવાની છે. ગુજરાતી શીખંડ પૂરી ખાઈ ખાઈને થાક્યો છું. " કેતન હસીને બોલ્યો.

" તો પછી આપણે શબરીમાં જ જઈએ. પાર્લા સ્ટેશન પાસે રામકૃષ્ણ હોટલમાં શબરી રેસ્ટોરન્ટ છે. ત્યાં પંજાબી ડિશ બહુ સરસ મળે છે. " સિદ્ધાર્થ બોલ્યો.

અને રાત્રે ૮:૩૦ વાગે કેતન લોકો રામકૃષ્ણ હોટલના શબરી રેસ્ટોરન્ટમાં ડીનર માટે પહોંચી ગયા.

" ખરેખર ફૂડ લાજવાબ છે ભાઈ. મુંબઈમાં ભલે પૈસા થાય પરંતુ સારી હોટલો દિલથી રસોઈ બનાવે છે. બંને વેજીટેબલનો ટેસ્ટ કેટલો સરસ છે ! કુલચા પણ સરસ છે. " કેતન બોલ્યો.

"તારી વાત સાચી છે કેતન. મુંબઈમાં તમને ક્વોલિટી જોવા મળે. " સિદ્ધાર્થ બોલ્યો.

શબરીમાંથી બહાર નીકળ્યા ત્યારે રાત્રીના લગભગ ૯:૪૫ વાગવા આવ્યા હતા.

શબરી રેસ્ટોરન્ટ રામકૃષ્ણ હોટલનો જ એક ભાગ છે અને શબરીમાંથી બહાર નીકળો એટલે સૌથી પહેલાં હોટલનો જ પેસેજ આવે અને એ પછી જ રીસેપ્શનની બાજુમાંથી બહાર નીકળાય.

બહાર નીકળતી વખતે કેતને એક સન્યાસી સ્વામીને રિસેપ્શન કાઉન્ટર પાસે ઉભેલા જોયા. કદાચ એ આ હોટલમાં રોકાયેલા હતા અને અત્યારે બહારથી આવ્યા હશે. એટલે રિસેપ્શનિસ્ટ પાસેથી પોતાના રૂમની ચાવી લઈ રહ્યા હતા. ચાવી લઈને એ લોબીમાં આગળ વધ્યા..

સ્વામીજીનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હતું. પડછંદ કાયા, લાંબો ઝભ્ભો, ગળામાં રુદ્રાક્ષની માળા અને લાંબા વાળ હતા. કેતને જોયું કે એમની ઓરા ખૂબ જ વિશાળ હતી. મતલબ કે આ સ્વામી બહુ ઊંચી ભૂમિકા ઉપર હતા !!

અચાનક એમનાં દર્શન થઈ ગયાં છે તો એમને મળ્યા સિવાય તો જવાય નહીં. સવારે પણ મળી શકાય પણ વહેલી સવારે વળી પાછા ક્યાંક નીકળી જાય તો !

" ભાઈ તમે ગાડીમાં બેસો. હું દસેક મિનિટમાં આવું છું. " કેતન બોલ્યો.

" ઠીક છે.... અમે બહાર તારી રાહ જોઈએ છીએ. " સિદ્ધાર્થ બોલ્યો અને એ રેવતીને લઈને બહાર ગયો.

કેતન રિસેપ્શન કાઉન્ટર પાસે ગયો. એણે સ્વામીજી વિશે પૂછપરછ કરી.

" અભી જો યે સ્વામીજી ગયે વો કિતને દિન સે યહાં પર હે ઓર કોનસે રૂમ મેં ઠેહરે હૈ ? " કેતને પૂછ્યું.

" નિરંજન સ્વામી ૩ દિન સે આયે હૈ ઓર રૂમ નંબર ૧૦૭ મેં ઠેહરે હૈ. " રિસેપ્શનિસ્ટ બોલ્યો.

" મેરા નામ કેતન હે. મુઝે ઉનકો મિલના હૈ. " કેતન બોલ્યો.

" આપ બૈઠો. વો અભી અભી રૂમમેં ગયે હૈં. મૈં ઉનકે સાથ બાત કર કે બોલતા હું. " રિસેપ્શનિસ્ટ બોલ્યો.

કેતન રિસેપ્શનની સામેના સોફા ઉપર બેઠો. લગભગ ત્રણ ચાર મિનિટ પછી
રિસેપ્શનિસ્ટે સ્વામીજી સાથે ઇન્ટરકોમમાં વાત કરી.

" સ્વામીજી આપસે કોઈ મિલના ચાહતા હૈ. કેતનભાઇ નામ હૈ ઉનકા."
રિસેપ્શનિસ્ટ બોલ્યો.

" ઠીક હૈ આને દો. " સ્વામીજીએ જવાબ આપ્યો.

" આપ જા સકતે હો. " રિસેપ્શનિસ્ટ કેતન સામે જોઈને બોલ્યો.

કેતન ઉભો થઈને લોબીમાં આગળ વધ્યો અને ૧૦૭ નંબરના રૂમ પાસે જઈને ટકોરા માર્યા.

સ્વામીજીએ દરવાજો ખોલ્યો એટલે કેતને અંદર પ્રવેશ કર્યો.

અંદર પ્રવેશ કરીને કેતને સ્વામીજીને દંડવત પ્રણામ કર્યા. કેતનની એક ખાસિયત હતી કે એ કોઈપણ વ્યક્તિ આધ્યાત્મિકતાના કયા લેવલ ઉપર છે એ માપી લેતો હતો. એને ખ્યાલ આવી ગયો હતો કે આ સ્વામીજી ઊંચી ભૂમિકા ઉપર છે.

" નમો નારાયણ સ્વામીજી... મૈંને રિસેપ્શનકે પાસ આપકો દેખા તો આપ કો મિલે બીના રહ નહીં સકા. મિલનેકો એકદમ બેચેન હો ગયા. " કેતન બોલ્યો.

"હું ગુજરાતી સમજી શકું છું. હિન્દીમાં બોલવાની જરૂર નથી. તારી પોતાની ભૂમિકા પણ ઊંચી છે. મેં એટલે જ મળવાની પરમિશન આપી છે. " સ્વામીજી બોલ્યા.

" જી સ્વામીજી. બસ આપના આશીર્વાદ જોઈએ છે. " કેતન ખૂબ જ વિનમ્રતાથી બોલ્યો.

"તારા ગુરુ સ્વામી અભેદાનંદજીની કૃપા તારા ઉપર છે જ. તારે બીજા કોઈ ગુરુ પાસે જવાની જરૂર જ નથી." સ્વામીજી બોલ્યા. કેતનને આશ્ચર્યનો આંચકો લાગ્યો.

" જી સ્વામીજી. " કેતન માત્ર એટલું જ બોલી શક્યો.

"તું તો સૂક્ષ્મ જગતમાં પણ વિહાર કરી આવ્યો છે બેટા. તારા મહાન ગુરુએ તને સિદ્ધિઓ પણ ઘણી આપી છે. હું પણ તારા ચેતન સ્વામીની જેમ સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરી શકું છું. અત્યારે આ રૂમમાં મારી સાથે બે સંન્યાસીઓ પણ સૂક્ષ્મ સ્વરૂપે બેઠા છે." સ્વામીજી બોલ્યા.

"જી સ્વામીજી. સૂક્ષ્મ જગત વિશે મારા મનમાં પણ ઘણા બધા પ્રશ્નો છે. મારે આપની સાથે ચર્ચા કરવી છે. અત્યારે તો આપને આરામ કરવાનો ટાઈમ છે તો કાલ આપ જે સમય આપો એ પ્રમાણે હું આવી જાઉં. " કેતન બોલ્યો.

" ઠીક છે. કાલે સવારે આઠ વાગે આવી જા. કારણ કે ૯:૩૦ વાગે એક સદગૃહસ્થ મને લેવા આવવાના છે." સ્વામીજી બોલ્યા.

" જી સ્વામીજી હું સવારે ૮ વાગે જ હાજર થઈ જઈશ. " કેતન બોલ્યો અને ફરી પ્રણામ કરીને ઊભો થઈ બહાર નીકળી ગયો.

સિદ્ધાર્થ ગાડીમાં એની પ્રતીક્ષા કરી રહ્યો હતો. કેતન ભાઈની બાજુની સીટ ઉપર બેસી ગયો એટલે સિદ્ધાર્થે ગાડી સ્ટાર્ટ કરી.

ઘરે પહોંચ્યા ત્યારે રાતના સવા દસ વાગવા આવ્યા હતા.

"કાલે રવિવાર છે. કાલે આપણે ફ્લેટનું ફાઈનલ કરી દઈએ." ઘરે પહોંચ્યા પછી સિદ્ધાર્થે કેતનને કહ્યું.

" હા વાંધો નહીં ભાઈ. કાલે બંને સ્કીમો જોઈ લઈએ. " કેતન બોલ્યો.

એ પછી બંને ભાઈઓ વચ્ચે બીજી કોઈ ખાસ વાતચીત થઈ નહીં. કેતન પોતાના બેડરૂમમાં જઈને સૂઈ ગયો.

બીજા દિવસે સવારે કેતન સાડા ચાર વાગે ઉઠી ગયો. લગભગ દોઢ કલાક સુધી ધ્યાન કર્યું. એ પછી નાહીને ગાયત્રી મંત્રની ૧૧ માળા કરી.

આજે સ્વામીજીને મળવાનું હતું એટલે સવારથી જ એ ખૂબ જ ખુશ હતો. ૭ વાગે એ બહાર આવ્યો ત્યારે ચા થઈ ગઈ હતી. રેવતી બટેટાપૌંઆ બનાવી રહી હતી.

ગરમાગરમ બટેટાપૌંઆની ત્રણ પ્લેટ અને ચાના કપ લઈને રેવતી બહાર આવી.

"શું વાત છે આજે તો બટેટાપૌંઆ ! " કેતન બોલ્યો.

" હા આજે થોડું ચેન્જ ! " રેવતી હસીને બોલી.

"ભાઈ હું અત્યારે સ્વામીજીને મળવા માટે રામકૃષ્ણ હોટલ જઈ રહ્યો છું. ૯:૩૦ સુધીમાં પાછો આવી જઈશ. એ પછી આપણે ફ્લેટ જોવા જઈશું. " કેતન બોલ્યો.

" કોઈ ઉતાવળ નથી. તું તારે શાંતિથી જઈ આવ. ફ્લેટ જોવા માટે આખો દિવસ પડ્યો છે. " સિદ્ધાર્થ બોલ્યો.

૭:૩૦ વાગે કેતન ભાઈની ગાડી લઈને નીકળી ગયો અને ૧૦ ૧૫ મિનિટમાં જ રામકૃષ્ણ હોટલ પહોંચી ગયો.

સ્વામીજીએ એને ૮ વાગ્યાનો ટાઇમ આપ્યો હતો એટલે એ રિસેપ્શન હોલમાં જઈને સોફા ઉપર બેઠો. ૮ વાગે ઉભો થઈને સ્વામીજીના રૂમ પાસે ગયો અને ટકોરા માર્યા.

સ્વામીજીએ સ્માઈલ આપીને દરવાજો ખોલ્યો અને કેતનને આવકાર આપ્યો.

" આજે સવારે ધ્યાનમાં તારા વિશે બધું જ જાણી લીધું છે. તું પોતે પણ અડધા કલાક સુધી સૂક્ષ્મ જગતમાં રહેલો છે અને એ દોઢ વર્ષ દરમિયાન જામનગરનો દોઢ વર્ષનો માયાવી સંસાર તેં ભોગવી લીધો છે. હવે સૂક્ષ્મ જગત વિશે તારા મનમાં શું સવાલો છે એ પણ મને ખબર છે. " સ્વામીજી બોલ્યા.

" જી સ્વામીજી. હું તો એક જ વાતમાં માનું છું કે બિનું હરિકૃપા મિલહી નહીં સંતા ! બસ આપ સૂક્ષ્મ જગત વિશે થોડોક પરિચય આપો. " કેતન બોલ્યો.

"સૂક્ષ્મ જગત આપણી આજુબાજુ જ વ્યાપેલું છે. એ લાખો માઈલ દૂર સુધી વિસ્તરેલું છે પરંતુ પ્રથમ લોક તો બિલકુલ પૃથ્વીથી જોડાયેલો જ છે. આપણા પોતાના ઘરમાં પણ અનેક આત્માઓ આવાગમન કરતા રહેતા હોય છે પરંતુ આપણે એમને જોઈ શકતા નથી. " સ્વામીજી બોલ્યા.

" સ્વામીજી મૃત્યુ પછી આત્માને લેવા માટે યમરાજ આવે છે એ વાત સાચી છે ? " કેતને પૂછ્યું.

"જુઓ યમરાજા પોતે તો ક્યારેય નથી આવતા પરંતુ આ બાબતમાં દરેકના અનુભવો અલગ અલગ હોય છે. સૂક્ષ્મ જગતનું આખું એક નેટવર્ક છે. ઘણીવાર તમારા કોઈ સ્વજન જે ઊંચા લેવલ ઉપર પહોંચી ગયા હોય તે લેવા આવે છે તો ક્યારેક તમે જે આધ્યાત્મિક માર્ગે હો તે પંથના કે ધર્મના કોઈ અનુયાયી લેવા આવે. ક્યારેક તમારા અંગત મિત્ર જે ઊંચા લેવલ ઉપર પહોંચી ગયા હોય તે પણ આવે. " સ્વામીજી બોલી રહ્યા હતા.

" આ બધાનો આધાર તમારી આધ્યાત્મિક કેટલી પ્રગતિ તમે આ જન્મમાં કરી છે એના ઉપર છે. પાપકર્મો કર્યાં હોય કે દુષ્ટ પ્રવૃત્તિઓ કરી હોય તો હલકા આત્માઓ જ તમને લઈ જવા આવતા હોય છે. એક વસ્તુ એ પણ યાદ રાખો કે પૃથ્વી ઉપર રહેલા દરેક જીવનો મૃત્યુ સમય સૂક્ષ્મ જગતમાં અગાઉથી ખબર પડી જાય છે. એટલે મૃત્યુના થોડા સમય પહેલાં જ નક્કી થઈ જાય છે કે જે તે આત્માને લેવા માટે કોણ જશે. " સ્વામીજી બોલતા હતા.

"બીજી બાબત એ પણ છે કે દરેક ધર્મની પોતપોતાની માન્યતાઓ છે અને એ પ્રમાણે જ આ બધું ગોઠવાતું હોય છે. દાખલા તરીકે સનાતન ધર્મમાં એટલે કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં પિંડદાન આપીને તેરમા દિવસે મુક્તિ કરાવવામાં આવે છે. એટલે મૃત્યુ પછી તરત જ સૂક્ષ્મ જગતમાં ઉપર ગયેલો આત્મા તેર દિવસ માટે પોતાના ઘરે પાછો આવે છે અને ઘરમાં જ રહે છે." સ્વામીજી બોલી રહ્યા હતા.

"જો કે તે એકલો પાછો નથી આવી શકતો પણ તેને એક માર્ગદર્શક આત્માની સાથે પાછો મોકલવામાં આવે છે. તેરમા દિવસે પિંડદાન પછી એના કર્મો પ્રમાણે જે લોકમાં એને જવાનું હોય છે ત્યાં એને એનો માર્ગદર્શક આત્મા ઉપર લઈ જાય છે. ઉપર ગયા પછી એ વારંવાર પાછો નથી આવી શકતો. " સ્વામીજી સૂક્ષ્મ જગતનો પરિચય આપી રહ્યા હતા.

"બધા ધર્મો માટે આત્માને પોતાના ઘરમાં સ્વજનો સાથે રોકાવાની વધુમાં વધુ મર્યાદા તેર દિવસની જ હોય છે. છતાં મૃત્યુ પછી સૂક્ષ્મ લોકમાં ઉપર જવાની સમય મર્યાદા દરેક ધર્મની અલગ અલગ હોય છે. જે ધર્મમાં પિંડદાન નથી થતું અને માત્ર પૂજા રાખવામાં આવે છે તેને પૂજા પછી તરત જ બોલાવી લેવામાં આવે છે. "
સ્વામીજી બોલી રહ્યા હતા.

"બીજી એક વાત પણ અગત્યની છે. પૃથ્વી ઉપર કેટલાક જીવો એવા હોય છે કે જે પોતાની તીવ્ર માયા અને વાસનાના કારણે ઉર્ધ્વગતિ કરવા માગતા જ નથી અને પોતાના પરિવાર આસપાસ જ રહેવા માંગતા હોય છે. એવા લોકોને નીચેનો પ્રેત લોક પ્રાપ્ત થાય છે અને જ્યાં સુધી એ આત્માને આત્મજ્ઞાન ન થાય અથવા બીજા ઉચ્ચ આત્મા એમને સમજાવે નહીં ત્યાં સુધી એ આ પ્રેત અવસ્થામાં જ ભટક્યા કરે છે. અને વર્ષો પછી ફરી પાછો એના એ જ કુટુંબમાં જન્મ લઈ લે છે " સ્વામીજી બોલ્યા.

" સ્વામીજી આપની પાસેથી ઘણી બધી બાબતો જાણવા મળી. હજુ પણ મારે સૂક્ષ્મ જગત વિશે ઘણું જાણવું છે. મારા મનમાં કયા પ્રશ્નો છે એ તો આપ જાણી જ ગયા છો !!" કેતન હસીને બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED