પ્રારંભ પ્રકરણ 34
સ્વાતિને જોઈને કેતન કંઈક બોલવા જતો હતો પરંતુ ભાભી સામે જ ઉભેલાં હતાં એટલે એ અટકી ગયો.
રેવતી સમજી ગઈ કે કેતનભાઇ કંઈક કહેવા જાય છે પરંતુ મારી હાજરીથી અટકી ગયા છે. એટલે પછી એ સીધી કિચનમાં જતી રહી.
"તું બોલતાં બોલતાં અટકી કેમ ગયો ? " સિદ્ધાર્થ બોલ્યો.
" ભાભી સામે હતાં એટલે અટકી ગયો. હકીકતમાં સ્વાતિનો હસબન્ડ પુરુષમાં જ નથી ! વિના કારણ એની સજા આ સ્વાતિને સહન કરવી પડે છે. આપણા સમાજની આ તે કેવી કરુણતા ! એની સાસુ એને રોજ મેણાંટોણાં મારે, મન થાય તો પણ સારું સારું ખાવા ના દે ત્યારે એના પતિએ સ્વાતિનો બચાવ ના કરવો જોઈએ ? એ એની ધર્મપત્ની છે. પતિની નબળાઈને કારણે પત્નિ શા માટે આટલું સહન કરે ? " કેતન આક્રોશથી બોલ્યો.
"તું શું વાત કરે છે કેતન ? અને તને આ બધી કેવી રીતે ખબર ? તું એના પતિ અનિલને ઓળખે છે ?" સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું.
" ના ભાઈ. મેં તો અનિલને જોયો પણ નથી. આટલી બધી ગાયત્રી ઉપાસના કરું છું એટલે ક્યારેક ક્યારેક કોઈને જોઈને આખેઆખું દ્રશ્ય મને દેખાઈ આવે છે ! સ્વાતિને જોઈને મને આવી ફીલિંગ થઈ. એક રીતે કહું તો એ હજુ પણ વર્જિન છે. હું જે કહી રહ્યો છું એ સાચું છે !" કેતન બોલ્યો.
"તારી વાત જો સાચી હોય તો આ ખરેખર એક ગંભીર બાબત છે. રેવતી સ્વાતિ જોડે વાત કરી લેશે અને સ્વાતિ પણ જો કબુલ કરશે તો આપણે અનિલને મળીશું. સ્વાતિ સાથે આવો અન્યાય તો ના જ ચાલે. " સિદ્ધાર્થ બોલ્યો.
" ઠીક છે ભાઈ. સૌ સૌનાં પ્રારબ્ધ ! આપણે પણ શું કરી શકીએ ?" કેતન બોલ્યો.
" તારી વાત સાચી છે. પરંતુ આપણે અનિલને સમજાવવો તો જોઈએ જ કે એ એની સત્ય હકીકત એની મધરને કહી દે. જેથી કમસેકમ સ્વાતિને સહન કરવું ના પડે. " સિદ્ધાર્થ બોલ્યો.
" ભાઈ એક બીજા ખુશ ખબર તમને આપવાના છે. " કેતન બોલ્યો.
" શું વાત છે કેતન ! આઈ એમ એક્સાઇટેડ !! જલ્દી બોલ. " સિદ્ધાર્થે કહ્યું.
" મેં મુંબઈ શિફ્ટ થઈ જવાનું નક્કી કરી દીધું છે એટલે હવે તમે મારા માટે ફ્લેટ લઈ શકો છો. નવરાત્રી પતે પછી હું મુંબઈ આવી જઈશ." કેતન સહેજ હસીને બોલ્યો.
"સરસ સમાચાર આપ્યા કેતન !! મને ખરેખર ખૂબ જ ખુશી થઈ ગઈ. અને તું જો આવી જાય તો પછી મમ્મી પપ્પાને અહીં લઈ આવવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આપણે બધાં જ સાથે રહી શકીશું. " સિદ્ધાર્થે કહ્યું.
"હા ભાઈ પછી તો આખું ફેમિલી જ મુંબઈ સેટલ થઈ જશે !!" કેતને ભાઈની વાતને અનુમોદન આપ્યું.
"પરમ દિવસે રવિવાર છે તો આપણે બે સ્કિમો જોઈ લઈએ જે મારા ધ્યાનમાં છે. ખરેખર સરસ છે ! એકમાં ૧૦ કરોડના ફ્લેટ છે તો બીજી સ્કીમ માં ૭ કરોડ આસપાસ ભાવ છે ! ૧૦ કરોડવાળી સ્કીમ પારલામાં નરીમાન રોડ ઉપર છે જે ત્રણ મોટા મોટા બેડરૂમની છે. અને આપણા આ ઘરથી વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ છે ! " સિદ્ધાર્થ બોલ્યો.
"બીજી સ્કીમ ચિત્તરંજન રોડ ઉપર છે. એરીયા ક્રીમ ગણાય પરંતુ એ ફ્લેટ ૨૦૦૦ ચોરસ ફૂટના છે એટલે જ એની કિંમત ઓછી છે. " સિદ્ધાર્થ બોલ્યો.
"તો પછી મોટો ફ્લેટ જ લેવાય ભાઈ. નરિમાન રોડ ઉપર જ ફાઈનલ કરી દઈએ. " કેતન બોલ્યો.
"કાલે તો તું માટુંગા જાનકીના ઘરે જવાનો છે તો પરમ દિવસે રવિવારે તું બંને સ્કીમો જોઈ લે. પછી આપણે નક્કી કરીએ. " સિદ્ધાર્થ બોલ્યો.
" ઠીક છે ભાઈ. " કેતન બોલ્યો.
આ બંને ભાઈઓની વાતો ચાલુ હતી ત્યાં જ રેવતી કિચનમાંથી બોલી.
"જમવાનું તૈયાર છે. ચા પણ થઈ ગઈ છે. હું લઈને આવું છું. " રેવતી બોલી.
રેવતી ગરમાગરમ હાંડવો લઈને ડાઇનિંગ ટેબલ ઉપર આવી. ત્રણ ડીશમાં સરખા ભાગે કાઢ્યો. અને પછી ત્રણ કપમાં ચા ગાળી. બાજુમાં ટોમેટો કેચપ પણ મૂક્યો જેથી જેની ઈચ્છા હોય તે લઈ શકે.
" રેવતી કેતન મુંબઈ શિફ્ટ થઈ જાય છે. નવરાત્રી પછી એ અહીં આવી જાય છે. " સિદ્ધાર્થે જમતાં જમતાં રેવતીને ખુશ ખબર આપ્યા.
"અરે વાહ... આ તો તમે સારામાં સારા સમાચાર આપ્યા ! મમ્મી પપ્પા પણ આ સાંભળીને ખુશ થઈ જશે. એ લોકોને પણ આપણે બોલાવી લઈશું." રેવતી એકદમ ખુશ થઈને બોલી.
"અમે પણ એ જ વાતો કરતા હતા કે હવે મમ્મી પપ્પા પણ આપણી સાથે આવી જશે. રવિવારે અમે ફ્લેટ જોવા જવાના છીએ. હવે બંને ફ્લેટ સાથે જ લઈશું. " સિદ્ધાર્થ બોલ્યો.
"હા પાર્લાનો એરિયા ખરેખર સારો છે મમ્મી પપ્પાને પણ અહીં ફાવી જશે. અહીં મિલન સબવે પાસે પણ એક સ્વામિનારાયણ મંદિર છે અને અંધેરીમાં પણ સ્વામિનારાયણનું મંદિર છે. એટલે પપ્પાને પણ ઠીક રહેશે. " રેવતી બોલી.
રાત્રે સિદ્ધાર્થે રેવતીને કેતને કહેલી વાત કરી કે અનિલ પુરુષમાં જ નથી અને બધો વાંક સ્વાતિનો આવે છે.
"રેવતી કેતનના કહેવા મુજબ તો અનિલ અને સ્વાતિ વચ્ચે પતિપત્ની વચ્ચે શારીરિક સંબંધો થયા જ નથી. તું એકવાર સ્વાતિને પૂછી તો જો કે કેતને કરેલી વાત સાચી છે ? જો સાચી હોય તો મારે અનિલને સમજાવવો પડશે કે એ એની મમ્મીને સાચી વાત કહી દે જેથી સ્વાતિને સહન કરવું ના પડે " સિદ્ધાર્થ બોલ્યો.
"હા અને છતાં અનિલભાઈ જો ન માને તો આપણે સ્વાતિને મજબૂત કરવી જ પડશે કે આ રીતે ન ચલાવી લેવાય. એણે શા માટે રોજ સાસુનું વિના કારણ આટલું બધું સાંભળવું જોઈએ ? સ્વાતિની તો જિંદગી જ બરબાદ થઈ ગઈ છે. શા માટે મુંગા મોઢે આટલું બધું સહન કરે છે ? સાચી વાત એની સાસુની સામે રજૂ કરવી જ જોઈએ. " રેવતી બોલી.
"હા આપણે ચોક્કસ વાત કરીશું જ. પતિની એબ ઢાંકીને બિચારી કેટલું સહન કરી રહી છે !! " સિદ્ધાર્થ બોલ્યો.
કેતને સૂતાં પહેલાં રાત્રે લગભગ ૯:૩૦ વાગે જાનકીને ફોન લગાવ્યો.
" જાનકી કેતન બોલું. " કેતને કહ્યું.
" શું વાત છે ? આજે સાહેબને મારી યાદ આવી ખરી ! " જાનકી બોલી.
" મુંબઈમાં હોઉં અને તને યાદ ના કરું એવું તો ના જ બને ને ! " કેતન હસીને બોલ્યો.
" તો સાહેબ આજે મુંબઈ આવ્યા છે એમ ને ! " જાનકીએ પણ રમતિયાળ શૈલીમાં વાત કરી.
" બે દિવસથી આવ્યો છું અને આવતી કાલે તારા ઘરે મહેમાન થવાની ઈચ્છા છે. " કેતન બોલ્યો.
"વાહ ! ઓલવેઝ વેલકમ ! પાર્લામાં મોટાભાઈના ત્યાં જ ઉતર્યા હશો ને ?"
" હા. કાલે સવારે નીકળીને લગભગ ૧૧:૩૦ આસપાસ માટુંગા પહોંચી જઈશ. તું કિંગ સર્કલ સુધી આવી જાય તો સારું. પહેલીવાર આવું છું શોધવું ના પડે ! " કેતન બોલ્યો.
"તમારે આવું કહેવાનું હોય ? તમે ના કહો તો પણ હું તમને લેવા માટે આવું જ ! બાંદ્રા સ્ટેશન જાય એટલે તરત મને ફોન કરી દેજો. મને કિંગ સર્કલ પહોંચતાં ૧૦ મિનિટ લાગશે." જાનકી બોલી.
કેતન કાલે ઘરે આવવાના છે એ સમાચાર સાંભળ્યા પછી જાનકી ખૂબ જ ઉત્તેજિત થઈ ગઈ. વર્ષો પછી મિલન થઈ રહ્યું હતું !
એનાથી સવાર સુધી રહેવાયું નહીં. એણે રાત્રે જ મમ્મી કીર્તિબેનને સમાચાર આપી દીધા કે કેતન મુંબઈ આવ્યા છે અને કાલે સવારે પહેલીવાર આપણા ઘરે આવે છે. જમવાનું શું બનાવીશું ? " જાનકી બોલી.
" આ તો તેં બહુ જ સારા સમાચાર આપ્યા. તું જમવાની ચિંતા છોડી દે અને આરામથી સૂઈ જા. સવારે હું મારી રીતે જોઈ લઈશ." કીર્તિબેન બોલ્યાં.
પરંતુ કીર્તિબેન વહેલી સવારે જ ઉઠી ગયાં. ભાવિ જમાઈ પહેલીવાર ઘરે આવી રહ્યા હતા એટલે એમનું યોગ્ય સ્વાગત થવું જરૂરી હતું.
નાહી ધોઈને તૈયાર થઈ ગયા પછી કીર્તિબેને દેસાઈ સાહેબને ઉઠાડ્યા અને જમાઈ ઘરે આવી રહ્યા છે એની વાત કરી.
" જુઓ તમે તૈયાર થઈ જાઓ અને આઠ વાગે શાકમાર્કેટમાં જઈને ૫૦૦ અળવીનાં પાન લઇ આવો. પાતરાં હું ઘરે જ બનાવી દઉં છું. શ્રીખંડ પણ જો દુકાન ખૂલી હોય તો એક કિલો લેતા આવજો નહીં તો પછી બીજો ધક્કો ખાજો. શાકમાં બટેટા તો ઘરમાં પડેલા જ છે એટલે ધાણાભાજી, મીઠો લીમડો, આદુ વગેરે થોડું લેતા આવજો. શુકનનો થોડો કંસાર પણ બનાવી દઈશ. " કીર્તિબેન બોલ્યાં.
ત્યાં સુધીમાં તો જાનકી પણ ઉઠી ગઈ હતી. મમ્મીએ એને પણ તૈયાર થઈ જવાનું કહી દીધું અને પોતાનું મેનુ પણ જાનકીને સમજાવી દીધું.
" અત્યારે અષાઢ મહિનામાં આ મેનુ જ સારું ગણાય કારણ કે કેરીની સીઝન લગભગ પૂરી થઈ ગઈ છે. દૂધપાક પુરી બનાવી શકાય પરંતુ એના કરતાં શ્રીખંડ સારો રહેશે." કીર્તિબેન બોલ્યાં.
"ઠીક છે મમ્મી. હવે બોલ આજે હું કયો ડ્રેસ પહેરું ? " જાનકી બોલી.
"અરે એ પણ મારે નક્કી કરવાનું ? તમારી ફેશનની તમને ખબર પડે. છતાં તારે મને પૂછવું જ હોય તો બે ત્રણ ડ્રેસ મને બતાવ તો હું મારી ચોઈસ આપું. " મમ્મી બોલી.
જાનકીએ પોતાના વોર્ડરોબમાંથી ત્રણ ચાર ડ્રેસ અને એક સાડી બહાર કાઢી. એક તો વેસ્ટર્ન ડ્રેસ હતો. એક જીન્સ કુર્તી હતી. એક પટિયાલા ડ્રેસ હતો અને એક પંજાબી સલવાર કમીઝ હતું.
"એક કામ કર પર્પલ કલરની આ ભરેલી કુર્તી અને જીન્સ તારી ગોરી સ્કીન ઉપર વધારે સારી લાગશે." મમ્મીએ પોતાનો અભિપ્રાય આપ્યો.
"બસ તો મમા...એ ફાઇનલ. મને પણ એ ગમે છે !! " કહીને જાનકીએ એ ડ્રેસ બાજુમાં મૂક્યો અને બાકીનાં બધાં કપડાં કબાટમાં પાછાં મૂક્યાં.
સવારે વહેલા ઊઠીને કેતને પોતાનું ધ્યાન પતાવ્યું અને પછી ગાયત્રી મંત્રની ૧૧ માળા પણ કરી દીધી. એને હવે સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે એનું ભાવિ મુંબઈમાં જ છે ! આડકતરી રીતે ગુરુજીનો સંકેત મળી જ ગયો હતો !!
નાહી ધોઈને કેતન ૭ વાગે બેડરૂમની બહાર આવી ગયો. સિદ્ધાર્થભાઈ અને ભાભી પણ બહાર આવી ગયાં હતાં. રેવતી ચા મૂકી રહી હતી અને સિદ્ધાર્થ નાહીને હમણાં જ બહાર આવ્યો હતો અને દિવાબત્તી કરતો હતો !
" આજે તો મારે સ્ટોક માર્કેટમાં રજા છે એટલે આખો દિવસ ફ્રી જ છું. પરંતુ તારે આજે જાનકીના ઘરે જવાનું છે નહીં તો બીજો કોઈ પ્રોગ્રામ આપણે બનાવી દેતે ! " અગરબત્તી દીવા કરીને સિદ્ધાર્થ બોલ્યો.
ત્યાં સુધીમાં ચા થઈ ગઈ હતી એટલે જાનકી ચાના ત્રણ કપ અને ગરમ બ્રેડ નાનકડા ગોળ ડાઇનિંગ ટેબલ ઉપર લઈ આવી.
"તું હવે મુંબઈ આવી રહ્યો છે એ ખબર તેં રાત્રે મમ્મી પપ્પાને આપ્યા કે નહીં ?" ચા પીતાં પીતાં સિદ્ધાર્થે પૂછ્યું.
"ના ભાઈ. ચા પીને હવે એ સમાચાર આપી દઉં છું. " કેતન બોલ્યો.
અને ચા પીધા પછી કેતને ડાઇનિંગ ટેબલ ઉપરથી જ પપ્પાને ફોન લગાવ્યો.
" પપ્પા કેતન બોલું.... જય સ્વામિનારાયણ. " કેતન બોલ્યો.
"જય સ્વામિનારાયણ બેટા. આજે તો સવાર સવારમાં તારો ફોન આવ્યો ! " જગદીશભાઈએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
" હા પપ્પા હું બે દિવસથી મુંબઈ સિદ્ધાર્થભાઈના ઘરે આવ્યો છું. અને ફોન એટલા માટે કર્યો કે મુંબઈ જ શિફ્ટ થઈ જવાનું મેં ફાઈનલ કરી દીધું છે. નવરાત્રી પતે પછી જામનગર છોડી દઈશ. " કેતન બોલ્યો.
" અરે આ તો તેં બહુ મોટા સમાચાર આપ્યા કેતન ! મુંબઈ શિફ્ટ થવાનો તારો નિર્ણય એકદમ યોગ્ય છે. તારી પાસે જે વિઝન અને જે શક્તિઓ છે એનો શ્રેષ્ઠ ઉપયોગ અને કદર મુંબઈમાં જ થઈ શકે. જામનગરનો નિર્ણય જ તારો ખોટો હતો. કંઈ વાંધો નહીં. મોડો મોડો પણ તેં સાચી દિશામાં નિર્ણય લીધો." પપ્પા એકદમ ખુશ થઈને બોલ્યા.
"હા પપ્પા. અને હું અહીં આવી જાઉં પછી તમારે બધાંએ પણ અમારી સાથે જ આવી જવાનું છે. મોટાભાઈએ નજીક નજીકના બે ફ્લેટ શોધી કાઢ્યા છે એટલે એનો સોદો પણ અમે એક બે દિવસમાં કરી દઈશું. જેથી આપણે બધાં જ સાથે રહી શકીએ. " કેતન બોલ્યો.
"તારી મમ્મી બાજુમાં જ બેઠી છે એ તારી સાથે વાત કરવા માંગે છે. આપું જરા એને. " જગદીશભાઈ બોલ્યા.
"તારા પપ્પાની વાતચીત ઉપરથી લાગ્યું કે તું હવે મુંબઈ શિફ્ટ થઈ રહ્યો છે એટલે મેં ફોન હાથમાં લીધો ! હું એટલી બધી રાજી થઈ છું કે ના પૂછો વાત ! બહુ જ સાચો નિર્ણય લીધો બેટા. હવે મને શાંતિ થશે. ક્યારે શિફ્ટ થવાનું વિચાર્યું છે ? " જયાબેન બોલ્યાં.
"હજુ બે- અઢી મહિના લાગશે મમ્મી. નવરાત્રિ પછી હું મુંબઈ શિફ્ટ થઈ જઈશ. તમે એક કામ કરો. શ્રાવણ મહિનામાં તમે બે-ત્રણ દિવસ માટે જામનગર આવી જાઓ. હું તમને દ્વારકા લઇ જાઉં એટલે તમારી યાત્રા પણ થઈ જાય ! હું છું ત્યાં સુધી તમને આ લાભ મળે ! " કેતન બોલ્યો.
" તારા પપ્પાને વાત કરું છું. જોઈએ હવે. મુંબઈ રોકાવાનો છે હમણાં ? " મમ્મીએ પૂછ્યું.
"ના મમ્મી. એક બે દિવસમાં હવે નીકળી જઈશ. " કેતન બોલ્યો અને એણે ફોન કટ કર્યો.
" મમ્મી પપ્પાને દ્વારકા યાત્રા કરાવવાની વાત તેં બહુ સરસ કરી. તું જામનગરમાં છે ત્યાં સુધી એમને પણ દ્વારકાધિશનાં દર્શન થઈ જાય. મારી તો ઈચ્છા છે કે જાનકીને પણ એ લોકોની સાથે દ્વારકા આવવાનું તું કહી દે તો એને પણ દર્શનનો લાભ મળે અને મમ્મી પપ્પાનું પણ ધ્યાન રાખે. કારણ કે પછી વારંવાર આટલે દૂર જવાતું નથી. " બાજુમાં બેઠેલો સિદ્ધાર્થ બોલ્યો.
"હા ભાઈ હું પણ એ જ વિચારું છું " કેતન બોલ્યો.
કેતન સવારે ૧૦:૩૦ વાગે ઘરેથી નીકળી ગયો. સિદ્ધાર્થ એને પાર્લા સ્ટેશન સુધી ગાડીમાં મૂકી આવ્યો. ત્યાંથી કેતને ચર્ચગેટ જતી ટ્રેન પકડી અને માટુંગા પહોંચી ગયો.
બાંદ્રા ગયા પછી એણે જાનકીને ફોન કરી દીધો હતો એટલે જાનકી પણ કિંગ સર્કલ આવવા નીકળી ગઈ હતી.
માટુંગા સ્ટેશનથી ચાલતો ચાલતો કેતન કિંગ સર્કલ સુધી પહોંચી ગયો. નાકા ઉપર જ જાનકીની સ્વિફ્ટ ગાડી ઉભી હતી અને જાનકી દરવાજા પાસે જ ઊભી હતી.
"વેલકમ ટુ માટુંગા કેતન ! " કેતનને જોઈને જાનકી બોલી ઉઠી.
કેતને દરવાજો ખોલીને જાનકીની બાજુમાં બેઠક લઈ લીધી અને જાનકીએ પોતાના ઘરે જવા માટે ગાડી સ્ટાર્ટ કરી.
કિંગસર્કલથી જાનકીના સાંઈ દર્શન ફ્લેટ બહુ દૂર ન હતા. ૮ ૧૦ મિનિટમાં જ જાનકી લોકો ઘરે પહોંચી ગયા.
પ્રોફેસર શિરીષ દેસાઈ અને કીર્તિબેને પોતાના ભાવિ જમાઈનું ખૂબ જ ભાવભીનું સ્વાગત કર્યું .
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)