એપ્રિલ ફૂલ દિવસને એક એવા દિવસ તરીકે મનાવવામાં આવે છે જ્યારે લોકો દ્વારા એકબીજાની સાથે મજાક અને સામાન્ય રીતે મૂર્ખતાપૂર્ણ હરકતો કરવામાં આવે છે. પરિવાર, પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ વગેરે સાથે અનેક પ્રકારની મસ્તી અને અન્ય વ્યવહારિક મજાક કરવામાં આવે છે.
દર વર્ષે એપ્રિલની પહેલી તારીખે એપ્રિલ ફૂલ દિવસ મનાવવામાં આવે છે. એપ્રિલ ફૂલ્સ ડે અથવા ઓલ ફૂલ્સ ડે તરિકે જાણીતો આ દિવસ, રજાનો દિવસ કે કોઈ પ્રખ્યાત તહેવાર ના હોવા છતાં ભારત સહિત ઘણા દેશોમાં પહેલી એપ્રિલનાં દિવસે બહોળા પ્રમાણમાં અલાયદી રીતે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો પોતાના મિત્રો, કુટુંબીજનો, પડોશીઓ અને ક્યારેક દુશ્મનો સાથે રમૂજભરી ટિખળ કરે છે. સામાન્ય રીતે આ ટિખળમાં સામી વ્યક્તિને મૂર્ખ બનાવવાનો કે છોભી પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. પારંપરિક રીતે કેટલાક દેશોમાં આવી મજાક-મસ્તીનો દોર ફક્ત બપોર સુધી જ ચાલે છે: જેમકે, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા, જો કોઇ બપોર પછી આવી રમૂજ કરે તો તેનેજ "એપ્રિલ ફૂલ" કહેવામાં આવે છે.[૧] પરંતુ બીજા દેશોમાં અને આપણા ભારતમાં પણ, આવી મજાક આખો દિવસ ચાલે છે.
વર્ષ 1582માં ફ્રાન્સમાં એપ્રિલ ફૂલ દિવસની શરૂઆત તે સમયે થઇ હતી, જ્યારે પોપ ચાર્લ્સ-9 એ જૂના કેલેન્ડરની જગ્યાએ નવા રોમન કેલેન્ડરની શરૂઆત કરી. આ કેલેન્ડર અનુસાર હવે નવા વર્ષની શરૂઆત 1 જાન્યુઆરીથી કરવામાં આવી. આ પહેલા તે 1 એપ્રિલે શરૂઆત કરવામાં આવતી હતી. ફ્રાંસમાં જુલિયન કેલેન્ડરના સ્થાને ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવામાં આવ્યું હતું. જુલિયન કેલેન્ડરમાં હિન્દુ નવવર્ષની જેમ માર્ચના અંત કે એપ્રિલની શરૂઆતમાં વર્ષ શરૂ થતું હતું, એટલે કે 1 એપ્રિલ આસપાસ.ગ્રેગોરિયન કેલેન્ડર એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર. જે લોકોને કેલેન્ડર બદલવાની જાણકારી મોડેથી પહોંચી, તેઓ માર્ચના અંતિમ સપ્તાહથી 1 એપ્રિલ સુધી નવવર્ષ મનાવતા રહ્યા અને આ કારણથી તેમના પર ખૂબ મજાક બની. તેમની મજાક ઉડાવવામાં આવી. તેમને એપ્રિલ ફૂલ કહેવામાં આવ્યા. કાગળથી બનેલી માછલીઓ તેમની પાછળ લગાવી દેતા હતા. તેને પોઈશન ડેવરિલ (એપ્રિલ ફિશ) કહેવામાં આવતું હતું. આ એક એવી માછલી હતી, જે આસાનીથી શિકાર બની જતી હતી. એવામાં તે લોકોની મજાક થતી, જેઓ સરળતાથી મજાકનો ભોગ બની જતા હતા. ત્યારબાદ જ્યારે કેટલાક લોકો નવા વર્ષને જૂની તારીખ એટલે કે એક એપ્રિલે જ મનાવવા લાગ્યા ત્યારે તે લોકોને એપ્રિલ ફૂલ્સ કહેવામાં આવ્યા. બસ અહીંથી જ વિશ્વભરમાં દર વર્ષે 1 એપ્રિલને એપ્રિલ ફૂલ દિવસ તરીકે મનાવવાની પરંપરા શરૂ કરવામાં આવી. તેનાથી અલગ સ્પેનિશ ભાષા બોલતા દેશમાં 28 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. જેને ડે ઑફ હોલી ઇનોસન્ટ્સ કહેવામાં આવે છે.
આ દિવસ સદીઓથી ઉજવવામાં આવે છે, પરંતુ તેની શરૂઆત ક્યારે થઈ તે કોઈ જાણતું નથી.એવું માનવામાં આવે છે કે વર્ષ 1381 માં, પહેલીવાર 1 એપ્રિલના રોજ, દિવસની શરૂઆત કરવામાં આવી હતી, જેની પાછળ બે રસપ્રદ વાર્તાઓ જવાબદાર માનવામાં આવે છે.એપ્રિલ ફૂલ ડે ઉજવવાનું સૌથી મોટું કારણ ઈંગ્લેન્ડના રાજા રિચાર્ડ II અને બોહેમિયાની રાણી એન છે જેમણે 32 માર્ચ 1381 ના રોજ તેમના લગ્નની જાહેરાત કરી હતી. લગ્નના સમાચાર મળતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, કેલેન્ડરમાં 32 માર્ચની તારીખ નથી. રાજા અને રાણીએ તેમના લગ્ન વિશે ખોટી માહિતી આપીને લોકોને મૂર્ખ બનાવ્યા હતા, ત્યારથી આ દિવસની ઉજવણી શરૂ થઈ.
ઈતિહાસકાર એપ્રિલ ફૂલને હિલેરિયા (આનંદ માટે લેટિન શબ્દ) સાથે પણ જોડે છે. એને સિબેલ સમુદાયના લોકો માર્ચના અંતમાં પ્રાચીન રોમમાં મનાવતા હતા. એમાં લોકો વેશ કાઢતા અને એકબીજાની અને મેજિસ્ટ્રેટ સુધીના લોકોની મજાક ઉડાવતા. તેને ઈજિપ્તની પ્રાચીન કહાનીઓ સાથે જોડવામાં આવે છે. કેટલાક લોકો એમ પણ કહે છે કે એપ્રિલ ફૂલનો સંબંધ વર્નલ ઈક્વોનોક્સ કે વસંતના આગમન સાથે છે. પ્રકૃતિ બદલાતી મોસમ સાથે લોકોને બેવકૂફ બનાવે છે.
બ્રિટનમાં એપ્રિલ ફૂલ 18મી સદીમાં પહોંચ્યું. સ્કોટલેન્ડમાં એ બે દિવસની પરંપરા બની. ‘હંટિંગ ધ ગૌક’ (મૂર્ખ વ્યક્તિનો શિકાર)થી શરૂઆત થતી હતી, જેમાં લોકોને મૂર્ખનું પ્રતીક સમજનાર પક્ષીનું ચિત્ર મોકલવું સામેલ હતું. બીજા દિવસે ટેલી ડે રહેતો, જ્યારે લોકોની પાછળ પૂંછડી કે ‘કિક મી’ જેવા સંકેત ચીપકાવીને તેમની મજાક ઉડાવવામાં આવતી હતી. જેમ જેમ સમય બદલાયો, એપ્રિલ ફૂલ મીડિયામાં પણ પોપ્યુલર થઈ ગયું. 1957માં BBCએ રિપોર્ટ આપ્યો કે સ્વિસ ખેડૂતોએ નૂડલ્સનો પાક ઉગાડ્યો છે. એના પછી હજારો લોકોએ BBCને ફોન લગાવીને ખેડૂતો અને પાક વિશે પૂછપરછ કરી. 1996માં ફાસ્ટફૂડ રેસ્ટોરાં ચેન ટેકો બેલે એમ કહીને લોકોને બેવકૂફ બનાવ્યા કે તેણે ફિલાડેલ્ફિયાની લિબર્ટી બેલ ખરીદી લીધી છે અને એનું નામ ટેકો લિબર્ટી બેલ રાખી દીધું છે. ગૂગલ પણ પાછળ ન રહ્યું. ટેલિપેથિક સર્ચથી લઈને ગૂગલ મેપ્સ પર પેકમેન રમવા સુધીની ઘોષણાઓ કરીને યુઝર્સને બેવકૂફ બનાવવામાં આવ્યા છે.
એપ્રિલ ફૂલને જનતા સુધી પહોંચાડવામાં અનેક બ્રાન્ડ્સ અને મીડિયા પણ પાછળ નથી. ભારતમાં તો 1964માં એપ્રિલ ફૂલ નામથી ફિલ્મ પણ બની ચૂકી છે, જેનું ગીત ‘એપ્રિલ ફૂલ બનાયા, ઉનકો ગુસ્સા આયા’ આજે પણ 1 એપ્રિલે ખૂબ યાદ કરવામાં આવે છે.
જો કે મજાક કરવા માટે અન્ય કોઈ સ્થાન નથી, જ્યારે તમે ઈચ્છો ત્યારે તે કરવામાં આવે છે, પરંતુ આ દિવસે જે મજાક કરવામાં આવે છે તેનાથી અન્યને નુકસાન થતું નથી.