રમુજી અભિનેતા ઉત્પલ દત્ત Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રમુજી અભિનેતા ઉત્પલ દત્ત

29 માર્ચ 1929 ના જન્મેલ ઉત્પલ દત્ત (બંગાળી: উত্পল দত্ত, ઉત્પોલ દોત્તો (utpôl dôtto)) ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને લેખક-નાટ્યલેખક હતા. તેઓ મુખ્યત્વે બંગાળી નાટકોના અભિનેતા હતા. 1947માં ‘લિટલ થિયેટર ગ્રૂપ’ની સ્થાપના કરીને તેઓ આધુનિક ભારતીય નાટકોના ક્ષેત્રે પહેલ કરનાર હસ્તી બન્યા હતા. એક સંપૂર્ણપણે અત્યંત રાજકીય અને સિદ્ધાંતવાદી થિયેટર તરીકે ઉદભવ પામતા પૂર્વે અત્યારે જે ‘એપિક થિયેટર’ તરીકે ઓળખાય છે. તે સમયગાળામાં આ ગ્રૂપે ઘણાં અંગ્રેજી, શેક્સપિયર અને બ્રેખ્તના નાટકો ભજવ્યાં હતા. પોતાની માર્કસવાદી વિચારધારાને વ્યક્ત કરવા માટે તેમના નાટકો યોગ્ય સાધન બની ગયા, તેમની વિચારધારા કલ્લોલ (1965), માનુશેર અધિકાર , લૌહા માનોબ (1964), તિનેર તોલોઆર અને મહા-બિદ્રોહા જેવા તેમનાં સામાજિક-રાજકીય નાટકોમાં જોવા મળી હતી. તેમણે પોતાની 40 વર્ષની કારકિર્દીમાં આશરે 100 બંગાળી અને હિંદી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો, તેઓ મૃણાલ સેનની ભુવન શોમ (1969), સત્યજિત રેની આગંતુક (1991) અને ગૌતમ ઘોષની પદ્મા નાદિર માઝી (1993) જેવી બંગાળી ફિલ્મો તેમજ ગોલ માલ (1980) અને રંગ બિરંગી (1983) જેવી હિંદી ફિલ્મોમાં પોતાની ભૂમિકા બદલ વધુ જાણીતા બન્યાં હતા

તેઓએ 1970માં શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો. તેમણે ત્રણ ફિલ્મફેર બેસ્ટ કોમેડિયન એવોર્ડ મેળવ્યા હતા. સંગીત, નૃત્ય અને નાટક માટેની ભારતની રાષ્ટ્રીય સંસ્થા- સંગીત નાટક અકાદમીએ તેમણે નાટકોમાં જીવનપર્યંત આપેલા યોગદાન બદલ 1990માં તેમને પોતાનો સર્વોચ્ચ પુરસ્કાર સંગીત નાટક અકાદમી ફેલોશિપ એનાયત કર્યો હતો. દત્ત હિન્દી સિનેમામાં પણ અત્યંત પ્રસિદ્ધ રમુજી અભિનેતા હતા, તેમ છતાં તેમણે બહુ થોડી હિન્દી ફિલ્મોમાં જ અભિનય કર્યો હતો. તેમણે કોમેડી ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જે પૈકી સૌથી વધુ નોંધપાત્ર ફિલ્મોમાં ગુડ્ડી , ગોલમાલ , નરમ ગરમ , રંગ બિરંગી અને શૌકીન નો સમાવેશ થાય છે. તેમણે ગોલમાલ, નરમ ગરમ અને રંગ બિરંગી માટે ફિલ્મફેર બેસ્ટ કોમેડિયન પુરસ્કાર મેળવ્યો હતો.

બંગાળી સિનેમામાં, તેમણે ભુવન શોમ માં અભિનય કર્યો હતો જે માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો હતો. તેમની અન્ય ફિલ્મોમાં મૃણાલ સેનની એક અધુરી કહાની અને કોરસ ; સત્યજિત રેની આગંતુક , જાને અરણ્યે , જોય બાબા ફેલુનાથ અને હિરક રાજાર દેશે ; ગૌતમ ઘોષની પાર અને પદ્મા નાદિર માઝી ; જેમ્સ આઇવરીની બોમ્બે ટોકી , ધ ગુરુ અને શેક્સપિયરવાલાહ ; રિત્વીક ઘટકની જુક્તી તક્કો આર ગપ્પો ; ઋષિકેશ મુખરજીની ગુડ્ડી , બાસુ ચેટર્જીની સ્વામી અને ગોલ માલ તથા શક્તિ સામંતાની અમાનુષ નો સમાવેશ થાય છે.

હિન્દી સિનેમામાં લોટપોટ કરી મૂકતી રમૂજી ભૂમિકાઓની સાથોસાથ બંગાળમાં અત્યંત ગંભીર નાટ્ય લેખન અને દિગ્દર્શન- આ બન્ને કારકિર્દી વચ્ચે તેમણે સફળતાપૂર્વક સમતુલન જાળવ્યું હતું. 20મી સદીમાં પ્રગતિશીલ બંગાળી નાટકોના તેઓ સૌથી મહાન નાટ્યકાર છે.

ટૂંકમાં તેમણે 22 પૂર્ણ ફલકના નાટકો, 15 પોસ્ટર નાટકો અને 19 જાત્રા કથાનું લેખન કર્યું હતું, 1,000 જેટલા શૉમાં અભિનય કર્યો હતો અને 60થી વધુ નાટકોનું નિર્દેશન કર્યું હતું, આ ઉપરાંત તેમણે શેક્સપિયર, ગિરીશ ઘોષ, સ્ટેનિસ્લાવસ્કી, બ્રેખ્ત અને ક્રાંતિકારી થિયેટરના ગંભીર અભ્યાસોનું લેખન તથા શેક્સપિયર અને બ્રેખ્તની કૃતિઓનો અનુવાદ કર્યો હતો.

તેમણે એક મનોવૈજ્ઞાનિક થ્રીલર મેઘ (1961), ઘૂમ ભંગાર ગાન (1965), બંગાળની યુવા ચળવળ ઉપર આધારિત ઝાર (તોફાન) (1979), બૈસાખી મેઘ (1981), મા (1983) અને ઇન્કિલાબ કે બાદ (1984) જેવી સંખ્યાબંધ ફિલ્મો પણ નિર્દેશિત કરી હતી.

અરબી સમુદ્રમાં બ્રિટિશરો વિરુદ્ધ ભારતીય નાવિકોના બળવાની વાત વણી લેતા ઉત્પલ દત્તનાં ક્લાસીક નાયક કલ્લોલ ને કારણે તેમને જેલમાં જવું પડ્યું હતું. આ નાટકનાં મંચનના 40 વર્ષ બાદ 2005માં, રાજ્ય સરકારના નાણાકીય સમર્થનથી યોજાયેલા ‘ઉત્પલ દત્ત નાટ્યોત્સવ’ (ઉત્પલ દત્ત નાટક મહોત્સવ)ના ભાગરૂપે તેને ગંગાબોકશે કલ્લોલ તરીકે પુર્નજીવિત કરાયું. કોલકાતાની હૂગલી નદીમાં કિનારાની નજીક બનાવાયેલા એક મંચ ઉપર આ નાટક ભજવાયું હતું.

2007માં આવેલી અંગ્રેજી ફિલ્મ ધ લાસ્ટ લીયર ઉત્પલ દત્તના નાટક આજકેર શાહજહાં ઉપર આધારિત હતી જેનું મુખ્ય પાત્ર શેક્સપિયરના નાટકોનો અભિનેતા હોય છે. આ ફિલ્મને રિતુપર્ણો ઘોષે નિર્દેશિત કરી હતી, અને બાદમાં તેને અંગ્રેજી ભાષામાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.

1960માં દત્તે નાટકો અને ફિલ્મોની અભિનેત્રી શોભા સેન સાથે લગ્ન કર્યાં હતા. તેમની એકમાત્ર પુત્રી બિષ્નુપ્રિયા દત્ત નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ આર્ટસ એન્ડ એસ્થેટિક્સ ખાતે થિયેટર હિસ્ટ્રીની અધ્યાપિકા છે.

પુર્સકારોની સફર પર એક નજર નાખતા એમને 1970: શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર,ભુવન શોમ,1980: શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર જીત્યો : ગોલ માલ, 1982: ફિલ્મફેરનો શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો પુરસ્કાર: નરમ ગરમ,1984: ફિલ્મફેરનો શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો પુરસ્કાર: રંગ બિરંગી,1986: શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટેના ફિલ્મફેર પુરસ્કાર માટે નામાંકન – સાહેબ,1990: સંગીત નાટક અકાદમી ફેલોશિપ,1993: બેંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ્સ’ એસોસિયેશન એવોર્ડ: શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર: આગંતુક વગેરે મેળવ્યા છે.

19 ઓગસ્ટ 1993 એ પ્રત્યક્ષરૂપે આપણી વચ્ચેથી વિદાય લીધેલ આ મહાન અભિનેતા પરોક્ષ રીતે તેમના અભિનય દ્વારા હજુ જીવંત છે.