પ્રારંભ - 28 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રારંભ - 28

પ્રારંભ પ્રકરણ 28

હિમાલય ધ્યાન મંદિરમાં કેતનને આજ સુધીમાં ક્યારેય પણ ના થયો હોય એવો દિવ્ય અનુભવ ધ્યાનમાં થયો. ક્યારેક પ્રકાશના તરંગોમાં પોતે હલકો ફૂલ થઈને ઉડી રહ્યો હતો એવો અનુભવ થતો હતો તો ક્યારેક ચૈતન્યના સમુદ્રમાં પોતે તરી રહ્યો હતો એવું લાગતું હતું !

એટલા બધા આનંદનો એ અનુભવ કરી રહ્યો હતો કે દુનિયાનાં બધાં જ સુખો આ આનંદની પાસે ફિક્કાં હતાં. એને તો સ્થળ કે કાળનું કોઈ ભાન જ ન હતું. ઉમાકાંતભાઈ એ એના માથે હાથ મૂકીને એને જાગૃત કર્યો ના હોત તો હજુ પણ એ પોતાની મસ્તીમાં જ હોત !

પરંતુ ઉમાકાંતભાઈ ગાયત્રીની માળા કરીને ઊભા થયા અને એમણે કેતન સામે જોયું ત્યારે એ પોતે પણ આશ્ચર્ય પામી ગયા. કેતન જાણે કે સમાધિમાં ઉતરી ગયો હોય એમ એકદમ સ્થિર હતો અને શ્વાસોશ્વાસ પણ ખૂબ જ ધીમો ચાલી રહ્યો હતો !

પોતાના ગુરુજીને પ્રાર્થના કરીને એ કેતનને ઊંડા ધ્યાનમાંથી બહાર લાવ્યા.

"સવારના સાત વાગી ગયા છે કેતનભાઈ. ચાલો હવે ઊભા થાઓ." ઉમાકાંતભાઈ બોલ્યા.

કેતન ધીમે ધીમે બહાર આવ્યો. સાડા ત્રણ કલાકના ઊંડા ધ્યાન પછી એક અજબ પ્રકારની સ્ફૂર્તિનો અનુભવ એ કરી રહ્યો હતો.

" તમારી વાત સાચી છે અંકલ. આજે મને અહીં જે અનુભવ થયો તેવો આજ સુધી ક્યારેય પણ થયો નથી. આ જગ્યાના તરંગો ખૂબ ચૈતન્યમય છે. વિશ્વામિત્રની આ ભૂમિ ખરેખર જાગૃત છે ! " કેતન ઉભો થઈને બોલ્યો.

"મેં તમને ધાર્યા હતા એના કરતાં ઘણા આગળ વધી ગયેલા છો કેતનભાઇ ! ધ્યાનની આટલી ઊંડી અવસ્થા મેં નથી જોઈ અને આજ સુધી હું પણ કરી શક્યો નથી. " ઉમાકાંતભાઈએ કબુલ કર્યું.

" એ બધી મારા મહાન ગુરુજીની જ કૃપા છે. એમણે જ મને અહીં મોકલ્યો છે. " રસ્તામાં ચાલતાં ચાલતાં કેતન બોલ્યો.

" તમારા ગુરુજી કોણ ? " અંકલે પૂછ્યું.

"સ્વામી અભેદાનંદજી. જો કે અત્યારે તેઓશ્રી સ્થૂળદેહે હયાત નથી પરંતુ હું એમની હાજરી અનુભવી શકું છું. બાકી મને માર્ગદર્શન મારા ગુરુ ભાઈ ચેતન સ્વામી આપતા હોય છે. એ પણ સિદ્ધ મહાત્મા છે." કેતન બોલ્યો.

" તમારી આટલી બધી પ્રગતિ ઉપરથી એ તો દેખાઈ જ આવે છે. ખરેખર નસીબદાર છો. " અંકલ બોલ્યા.

એ પછી બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. કેતન હજુ ધ્યાન ના નશામાં જ હતો.

"ચાલો આપણે સીધા કેન્ટીનમાં જ જઈએ. ચા પીવાનો સમય પણ થઈ ગયો છે. " અંકલ બોલ્યા.

કેન્ટીનમાં સવાર સવારમાં ઘણા લોકો ચા નાસ્તો કરી રહ્યા હતા. કૂપન લઈને ચા નાસ્તો લેવાનો હતો.

"તમારે ગરમ નાસ્તો લેવો હોય તો લઈ શકો છો. મને તો એવી કોઈ આદત નથી. " અંકલ બોલ્યા.

" ના અંકલ આપણે માત્ર ચા જ પી લઈશું. " કેતન બોલ્યો. એણે જોયું કે અહીં ગરમ સમોસા, કચોરી, ઢોંસા, ઈડલી, વડા, ગોટા, વડાપાઉં, જલેબી વગેરે તમામ ગરમ નાસ્તો મળી રહ્યો હતો.

કૂપન ખરીદીને બંનેએ ચા લઈ લીધી.

" હવે તમારો આગળનો પ્લાન શું છે ?" ચા પીતાં પીતાં અંકલે પૂછ્યું.

" અત્યારે તો કોઈ જ પ્લાન નથી. વિચારું છું બે દિવસ પછી મુંબઈ જઈ ભાઈને મળી આવું. એ પછી ત્યાંથી જામનગર જતો રહું. હું અત્યારે છેલ્લા બે અઢી મહિનાથી જામનગર રહું છું અને ત્યાં મકાન પણ લીધું છે. ગાયત્રી પુરશ્ચરણ જામનગરમાં કરવાનો વિચાર છે. " કેતન બોલ્યો.

" લગ્ન થઈ ગયાં છે ? " અંકલ બોલ્યા.

" ના વડીલ. છોકરીઓ જોવાનું ચાલુ છે. જો કે એક પાત્ર સાથે માનસિક રીતે જોડાયેલો છું એટલે ત્યાં જ લગ્ન કરવાની ઈચ્છા છે. " કેતન બોલ્યો.

"હા હવે તમારે ગૃહસ્થાશ્રમ શરૂ કરી દેવો જોઈએ. " અંકલ બોલ્યા.

એ પછી બંને જણા અતિથિ ભવનમાં પોતાના રૂમ ઉપર આવ્યા ત્યારે સવારના ૮:૩૦ વાગી ગયા હતા.

" સવારે ૯ વાગ્યા આસપાસ યજ્ઞશાળા ચાલુ થઈ જશે. તમારે હવનમાં આહુતિ આપવી હોય તો જઈ શકો છો." અંકલ બોલ્યા.

"ના અંકલ. આજે તો એવી કોઈ જ ઈચ્છા નથી. આજે ધ્યાનમાં જે આનંદ પ્રાપ્ત થયો છે એ જ વાગોળવાનું મન થાય છે. યંત્રવત્ કરવામાં હું માનતો નથી. " કેતન બોલ્યો.

" તમે તમારા વિચારોમાં બહુ સ્પષ્ટ છો એ મને ગમ્યું. એક વાત પૂછું ?" અંકલ બોલ્યા.

" હા હા પૂછો ને અંકલ !," કેતન બોલ્યો.

"તમે સુરત છોડીને જામનગર કેમ શિફ્ટ થયા ? ત્યાં કોઈ બિઝનેસ ચાલુ કર્યો છે ? " અંકલે પૂછ્યું.

" ના અંકલ. જામનગર શિફ્ટ થવા પાછળ એક લાંબી વાર્તા છે. હું અત્યારે જામનગરમાં કંઈ જ કરતો નથી. સુરતમાં અમારો ડાયમંડનો કરોડોનો બિઝનેસ હતો. પરંતુ મને ડાયમંડના ધંધામાં રસ ઓછો છે. ૨૦૦ ૨૫૦ કરોડની મૂડી છે પરંતુ ધંધાકીય પ્રવૃત્તિ વિશે હજુ દિશાશૂન્ય છું. " કેતન બોલ્યો.

" તમારા સુરતના પ્રમાણમાં જામનગર નાનું શહેર છે. આટલી મોટી મૂડી લઈને ત્યાં તમે કોઈ મોટો બિઝનેસ ના કરી શકો. સિવાય કે તમે કોઈ મોટી ઇન્ડસ્ટ્રી ઊભી કરો. તમારે ખરેખર તો મુંબઈ જવાની જરૂર હતી. " અંકલ બોલ્યા.

" હું પણ હવે એ જ વિચારી રહ્યો છું અંકલ. મને સાચી દિશા મળે એના માટે જ ગાયત્રી પુરશ્ચરણ કરવાનું મેં નક્કી કર્યું છે. " કેતન બોલ્યો.

"હા એ તો તમને મળશે જ. ગાયત્રી મંત્ર પોતે જ તમને પ્રકાશ આપશે. તમે મારો મોબાઈલ નંબર સેવ કરી લો. ભવિષ્યમાં મુંબઈ આવો ત્યારે મને ચોક્કસ મળજો. હું સાન્તાક્રુઝમાં ખીરાનગર રહું છું " અંકલ બોલ્યા.

" ચોક્કસ મળીશું અંકલ. " કેતન બોલ્યો.

એ દિવસે બપોરે કેતન કેન્ટીનમાં જઈને ૫૦ રૂપિયાની થાળી જમી આવ્યો. જો કે મફત ભોજનાલય અને કેન્ટીન ના જમવામાં ખાસ ફરક ના લાગ્યો.

બીજા બે દિવસ કેતન શાંતિકુંજમાં રોકાયો. સવારે ધ્યાન અને ગાયત્રીની માળા કરવા માટે એ હિમાલય ધ્યાન મંદિરમાં જ જતો. બાકીના સમયમાં માનસિક રીતે ગાયત્રી મંત્રના જાપ કરતો.

એકવાર સાંજના સમયે એ હર કી પૌડી જઈને ગંગા આરતીનાં દર્શન પણ કરી આવ્યો.

મુંબઈ જવા માટે હરિદ્વાર બાંદ્રા સુપર ફાસ્ટ એક્સપ્રેસની થ્રી ટાયર એ.સી ની ટિકિટ પણ એણે તત્કાલ કોટામાં બુક કરાવી લીધી.

જે દિવસે મુંબઈ જવા નીકળવાનું હતું એ દિવસે વહેલી સવારે હિમાલય ધ્યાન મંદિરમાં જઈને એણે ગાયત્રી મંત્રની ૨૭ માળા કરી.

બપોરે ૧:૩૦ વાગ્યાની ટ્રેન હતી એટલે ૧૨:૩૦ વાગે નીકળી જવું જરૂરી હતું. કેતન ૧૧ વાગ્યે જ કેન્ટિનમાં જઈને જમી આવ્યો.

"ચાલો વડીલ હવે હું રજા લઉં. મને અહીંથી ઘણું બધું પ્રાપ્ત થયું છે. હવે ભવિષ્યમાં પણ હું શાંતિકુંજમાં આવતો રહીશ. તમે મને શાંતિકુંજને જાણવામાં ઘણી બધી મદદ કરી છે." જમીને આવ્યા પછી ઉમાકાંતભાઈની વિદાય લેતી વખતે કેતન બોલ્યો.

" બસ ગાયત્રી મંત્રને તમારો જીવન મંત્ર બનાવી દેજો. માં હંમેશા તમને પ્રેરણા આપતી રહેશે. " અંકલ બોલ્યા અને કેતન એમના ચરણસ્પર્શ કરીને બેગ લઈ રૂમની બહાર નીકળી ગયો.

બહાર મેઈન રોડ ઉપર જઈને કેતને રીક્ષા કરી લીધી અને સ્ટેશને પહોંચી ગયો. ટ્રેઈન હરિદ્વારથી જ ઉપડતી હતી એટલે પ્લેટફોર્મ ઉપર ઊભેલી જ હતી. કેતન પોતાના થ્રી ટાયર એ.સી કોચમાં જઈને બેસી ગયો.

ટ્રેઈન દોઢ વાગે ઉપડી ત્યારે હળવો હળવો વરસાદ ચાલુ હતો. કેતનની સામેની સીટ ઉપર એક શીખ દંપત્તિ બેઠું હતું તો એમની બાજુમાં એક યુવાન ખોળામાં લેપટૉપ લઈને બેઠો હતો. કેતનની બાજુમાં એક હિન્દીભાષી કપલ બેઠું હતું.

બધા જ ચહેરા અજાણ્યા હતા એટલે વાત કરવાનો કોઈ મતલબ ન હતો. સાંજે સાત વાગે દિલ્હી નિઝામુદ્દીન સ્ટેશન આવ્યું ત્યારે કેતન ઉભો થયો અને પ્લેટફોર્મ ઉપર દસેક મિનિટ ચક્કર મારી આવ્યો. શીખ દંપત્તિ દિલ્હી સ્ટેશને જ ઉતરી ગયું હતું.

દિલ્હીથી ટ્રેન ઉપડ્યા પછી પેન્ટ્રી મેન જમવાનો ઓર્ડર લેવા આવ્યો ત્યારે એણે ડીનર લખાવી દીધું. લગભગ ૮ વાગે જમવાનું આવ્યું.

દરેક ટ્રેઈનોમાં લગભગ તો મેનુ ફિક્સ જ હોય છે. બે પરોઠા, પનીર કેપ્સીકમનું મિક્સ શાક, દાળ, ભાત અને દહીં !

જમ્યા પછી કેતને સિદ્ધાર્થભાઈને ફોન કર્યો..

"ભાઈ હરિદ્વારથી નીકળી ગયો છું અને કાલે રાત્રે ૧૦:૩૦ વાગે બાંદ્રા સ્ટેશને પહોંચી જઈશ. " કેતન બોલ્યો.

" વેલકમ. તું મુંબઈ આવે છે એ મને બહુ ગમ્યું. હું બાંદ્રા સ્ટેશને આવી જઈશ." સિદ્ધાર્થ બોલ્યો.

"તમે બાંદ્રા સ્ટેશને ધક્કો ના ખાશો. હું ગમે તેમ કરીને પાર્લા સ્ટેશન સુધી પહોંચી જઈશ. તમે પાર્લા જ આવજો." કેતન બોલ્યો અને એણે ફોન કટ કર્યો.

એ પછી કેતને મમ્મી પપ્પા જોડે વાત કરી લીધી અને કહી દીધું કે પોતે બે ત્રણ દિવસ માટે મુંબઈ જઈ રહ્યો છે.

રાત્રે લગભગ પોણા દસ વાગે બધાએ વચ્ચેની બર્થ ઉંચી કરી દીધી. જેથી જેને સૂઈ જવું હોય તે સૂઈ શકે. કેતનની બર્થ સૌથી ઉપરની હતી એટલે એ ઉપર ચડીને સૂઈ ગયો.

સવારે વહેલા પાંચ વાગે કેતન જાગી ગયો. એ બ્રશ કરી, મ્હોં ધોઈ ફ્રેશ થઈ ગયો. ઉપરની સાંકડી બર્થ ઉપર ધ્યાન કરવાનું ફાવે તેમ ન હતું. એટલે એણે માનસિક રીતે જ સૂતાં સૂતાં ધ્યાન કર્યું અને ગાયત્રી મંત્રની ૧૧ માળા કરી.

સવારે ૮ વાગે નાગદા સ્ટેશન આવ્યું ત્યારે એણે પ્લેટફોર્મ ઉપર નીચે ઉતરીને ગરમાગરમ ચા પી લીધી. બધા જ યાત્રીઓ જાગી ગયા હતા અને વચ્ચેની બર્થ પણ સીધી કરી દીધી હતી. એટલે કેતન નીચેની પોતાની સીટ ઉપર બેસી ગયો.

સવારે સાડા નવ વાગે રતલામ સ્ટેશને ત્રણ પેસેન્જર નીચે ઉતરી ગયાં અને એના બદલે એક આધેડ ગુજરાતી દંપત્તિ તથા એક યુવતી કેતનની સામેની સીટ ઉપર ગોઠવાઈ ગયાં.

"ભાઈ ગુજરાતી છો ? " રતલામ સ્ટેશનથી ગાડી ઉપડી એટલે માજી બોલ્યાં.

" હા માસી. " કેતને સ્માઈલ આપીને જવાબ આપ્યો.

"તમે થોડો નાસ્તો કરશો ભાઈ ? " માજીએ ગરમાગરમ બટેટાપૌંઆથી ભરેલો સ્ટીલનો ડબ્બો ખોલીને કેતનને પૂછ્યું.

" ના માસી. મેં તો હમણાં જ ચા પી લીધી છે.નાસ્તાની કોઈ ઈચ્છા નથી." કેતને જવાબ આપો.

"ઘરના બટેટાપૌંઆ છે. હમણાં દોઢ કલાક પહેલાં જ મારી વહુએ બનાવ્યા છે. મારા દીકરાની વહુ રતલામની છે. દીકરાને નોકરી ઈન્દોરમાં મળેલી અને ત્યાં જ પ્રેમ થઈ ગયો. વહુના મમ્મી પપ્પા રતલામમાં રહે છે" માસી બોલ્યાં.

"ઠીક છે આપો. પણ થોડાક જ આપજો. " કેતને છેવટે કહ્યું.

માસીએ એક પેપર ડીશમાં કેતન માટે પણ બટેટાપૌંઆ કાઢ્યા અને એમાં ચમચી મૂકી કેતનના હાથમાં આપ્યા.

"અમે રતલામ આવીને ગાડી કરી ઉજ્જૈન દર્શન કરવા ગયાં હતાં. કાલે જ રતલામ પાછાં આવ્યાં. " હવે સામે બેઠેલા અંકલ બોલ્યા.

" હા જીવનમાં એકવાર મહાકાલેશ્વર નાં દર્શન કરવાં જોઈએ. જો કે હું હજુ ત્યાં ગયો નથી. " કેતન બોલ્યો.

" ભસ્મ આરતી જોવાનો એક લ્હાવો છે. પણ વહેલા ઉઠીને લાઈનમાં ઊભા રહેવું પડે છે. " અંકલ બોલ્યા.

" બાર જ્યોતિર્લિંગોમાં નું આ એક શિવલિંગ છે. આ સિવાય પણ ત્યાં ઘણાં બધાં મંદિરો છે. હરસિદ્ધમાતા અને કાળભૈરવનું મંદિર પણ જોવા જેવું છે. " માસી બોલ્યાં.

"ચાતુર્માસમાં અનેક યાત્રીઓ કોઈને કોઈ યાત્રા કરતા જ હોય છે. " કેતન બોલ્યો.

" અમે તો ભાઈ બાધા રાખવા ગયાં હતાં. આ મારી દીકરી અલકાના લગનને પાંચ છ વર્ષ થઈ ગયાં. હજુ ખોળો ભરાતો નથી. બે-ત્રણ વર્ષ તો કોઈ વાંધો ન આવ્યો પરંતુ હવે એને મેણાંટાંણાં સાંભળવાં પડે છે. સાસુ નણંદનું વર્તન પણ ઓરમાયુ થઈ ગયું છે. છેલ્લા એક વર્ષથી તો જમાઈનાં બીજાં લગન માટે પણ વિચારે છે. " માસી બોલ્યાં અને સાડીથી એમણે આંખો લૂછી.

"પરંતુ હવે તો આઈવીએફ થી પણ સંતાન જન્મ થાય છે. " કેતન બોલ્યો.

" એકવાર એ ટ્રીટમેન્ટ પણ કરાવી પણ કાંઈ રીઝલ્ટ ના આવ્યું. ઉપરથી શરીર નંખાઈ ગયું." માસી બોલ્યાં.

જો કે એક અજાણ્યા યુવાન સાથે આ બધી ચર્ચા અલકાને ગમતી ન હતી.

"અમારા લોહાણા સમાજમાં છોકરીઓને બચાડીને બહુ સહન કરવું પડે છે." માસી બોલ્યાં.

" ના બધે એવું નથી. અમુક સારાં માણસો પણ હોય છે. " અંકલ બોલ્યા.

" રહેવા દ્યો હવે. પેલી મૃદુલાને કાઢી ના મૂકી ? અને પેલી ધરમશીભાઈની સ્મિતાને ઓછું દુઃખ છે ? " માસી આક્રોશમાં બોલ્યાં.

" દરેક સમાજમાં સારાં અને ખરાબ માણસો હોય જ છે માસી. તમે મુંબઈમાં જ રહો છો ? " કેતને વાત બદલવા માટે પૂછ્યું.

" હા અમે ઘાટકોપર ગરોડિયાનગર રહીએ છીએ. " અંકલ બોલ્યા.

એ પછી કેતન કંઈ બોલ્યો નહીં. એણે થોડી ક્ષણો માટે અલકા સામે જોયું. એનો એક્સ-રે જોતો હોય એ રીતે એણે અલકાની આરપાર જોઈ લીધું.

એણે જોયું કે પૂર્વજન્મમાં અલકા એક ગરીબ ઘરમાં જન્મી હતી અને સાસરિયાંના ત્રાસથી એણે પોતાનાં બે નાનાં બાળકોને કૂવામાં ફેંકીને પોતે આત્મહત્યા કરી લીધી હતી. બે નિર્દોષ બાળકોની હત્યાનો અભિશાપ એને લાગેલો હતો. એટલે આ જન્મમાં એ સંતાનસુખથી વંચિત હતી !

હવે આવી વાત અલકાને કે એના માતા-પિતાને કેવી રીતે કરવી ? એ કદાચ કહે તો પણ કોઈ માને જ નહીં.

" તમે કોઈ સંતાનને દત્તક લઈ લો ને !" કેતને આ વખતે સીધો અલકાને જ પ્રશ્ન કર્યો.

" ધીરેન તો તૈયાર જ છે પરંતુ મારાં સાસુ દત્તક લેવા માટે બિલકુલ તૈયાર નથી. એમને તો પોતાના દીકરાનું જ સંતાન જોઈએ છે. ઘરમાં સાસુનું જ ચલણ છે. ધીરેન કંઈ પણ બોલી શકતા નથી. " પેલી યુવતી બોલી.

" એ જ તો મોટી તકલીફ છે ભાઈ. જમાઈ એટલા બધા ખરાબ નથી પરંતુ ઘરમાં એમનું કંઈ ચાલતું નથી. જમાઈ તો ધંધો સંભાળે એટલે આખો દિવસ બહાર હોય ! અલકાને જ આખો દિવસ સાસુ નણંદનો ત્રાસ સહન કરવાનો." માસી બોલ્યાં.

વાતો કરતાં કરતાં ૧૨ ક્યારે વાગી ગયા એની ખબર પણ ના પડી. પેન્ટ્રી બોય લંચનો ઓર્ડર લેવા આવ્યો ત્યારે આ લોકોની વાતો બંધ થઈ !

કોઈ સ્ટેશન આવ્યું હતું એટલે ટ્રેઈન ઉભી રહી. કેતને બારીની બહાર જોયું તો ગુજરાતનું લીમખેડા સ્ટેશન આવ્યું હતું !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

Dilip Pethani

Dilip Pethani 3 અઠવાડિયા પહેલા

Pravin shah

Pravin shah 1 માસ પહેલા

Jaysukh Savaliya

Jaysukh Savaliya 1 માસ પહેલા

Urmila Patel

Urmila Patel 3 માસ પહેલા

Kamlesh Parmar

Kamlesh Parmar 3 માસ પહેલા