પ્રારંભ - 27 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 27

પ્રારંભ પ્રકરણ 27

ઉમાકાંત મહેતા ઘણા વર્ષોથી ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા હતા અને પંડિત શ્રીરામ શર્મા આચાર્ય પાસેથી દીક્ષા લીધી હતી.

છેલ્લાં કેટલાંય વર્ષોથી ઉમાકાંતભાઈ શ્રાવણ માસમાં પૂરશ્ચરણ કરવા માટે અહીં શાંતિકુંજ આવતા હતા. ક્યારેક ચૈત્રી અનુષ્ઠાન પણ શાંતિકુંજમાં જ કરતા હતા !

અગાઉથી એ પોતાના આવવાની જાણ મુંબઈથી કરી દેતા હતા જેથી આ બંધ રૂમને ખોલી સ્વચ્છ કરી દેવામાં આવતો હતો. એમણે શાંતિકુંજમાં સારું એવું ડોનેશન આપ્યું હતું એટલે આ રૂમ માત્ર એમના માટે રિઝર્વ રાખવામાં આવતો હતો !

પરંતુ કેતનને જોઈને એમને આશ્ચર્ય થયું. રિસેપ્શનિસ્ટે આ યુવાનને કેમ એમના રૂમમાં ભાગીદારી આપી એ એમને પહેલાં તો સમજાયું નહીં. પરંતુ કેતને જે રીતે વાત કરી ત્યારે એમને સમજાઈ ગયું કે આ વ્યક્તિ તો આટલી નાની ઉંમરે પણ મારા કરતાં પણ ઊંચી ભૂમિકા ઉપર છે !! આ યુવાનને મારા રૂમમાં મોકલ્યો એની પાછળ પણ માં ગાયત્રીનો જ કોઈ સંકેત હશે !

જો કે એમણે કેતનને એવી કોઈ વાત ના કરી પણ મનમાં એ એને ઓળખી ગયા. કેતન પહેલી વાર શાંતિકુંજ આવતો હતો એટલે શાંતિકુંજનો સંપૂર્ણ પરિચય કરાવવાનો પણ ઉમાકાંતભાઈને અંદરથી સ્પષ્ટ આદેશ મળ્યો ! એ પછી જ એમણે શાંતિકુંજ વિશે સંપૂર્ણ માહિતી કેતનને આપી દીધી.

"ચાલો ઘણી બધી વાતો થઈ ગઈ કેતનભાઇ. તમે હવે આરામ કરો. હું હવે જમી આવું. હું અહીં એક જ વાર જમું છું અને જ્યારે પૂરશ્ચરણ ચાલુ થાય ત્યારે માત્ર દૂધ અને ફ્રુટ ઉપર ૪૧ દિવસ રહું છું. " ઉમાકાંતભાઈ બોલ્યા.

" ભલે ભલે તમે જમી આવો. અત્યારે બપોરે તો હું પણ હવે આરામ જ કરું છું. સાંજના સમયે શાંતિકુંજમાં તમે બતાવેલી તમામ જગ્યાએ હું ચક્કર મારી આવીશ અને કાલથી ૨ દિવસ વ્યવસ્થિત હું સાધના કરીશ." કેતન બોલ્યો.

ઉમાકાંતભાઈ જમવા ગયા એ પછી કેતને રિસેપ્શનિસ્ટે આપેલું પ્રિન્ટેડ લીફલેટ ખોલ્યું અને ઉમાકાંતભાઈએ જે જે સ્થળો વિશે માહિતી આપી હતી એની રંગીન તસવીરો એણે જોઈ લીધી. લિફલેટમાં પણ સારી માહિતી આપી હતી.

બીજા બધાં સ્થળો તો ઠીક પરંતુ એને અખંડ દીપક, યજ્ઞશાળા, વેદમાતા ગાયત્રીનું મંદિર, દેવાત્મા હિમાલયનું ધ્યાન મંદિર, શ્રીરામ શર્માજીનો સાધના ખંડ તેમ જ એમનું સમાધિ સ્થાન જોવાની ખાસ ઈચ્છા હતી.

સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, પ્રવચન હોલ, પુસ્તકાલય, વિવિધ સામગ્રી વેચાણ કેન્દ્ર, ઔષધિવન કે પછી જુદા જુદા ક્લાસીસ જોવામાં અત્યારે એને કોઈ જ રસ ન હતો.

લીફ્લેટમાં નકશો પણ હતો એટલે એણે જોવાલાયક તમામ સ્થળોએ કઈ રીતે જઈ શકાય એ મનોમન સમજી લીધું.

એ પછી એણે આરામ કરવાનું નક્કી કર્યું. એ.સી ની સગવડ હતી છતાં વાતાવરણમાં ઠંડક હતી એટલે એણે પંખો જ ચાલુ રાખવાનું પસંદ કર્યું.

ઋષિકેશમાં સ્વામીજીએ એને શાંતિકુંજ જવાની આજ્ઞા આપી એના માટે એણે સ્વામીજીનો દિલથી આભાર માન્યો.

એકાદ કલાક પછી ઉમાકાંતભાઈ પણ જમીને આવી ગયા.

" સૂતા નથી હજુ ? " અંકલ બોલ્યા.

" ના અંકલ હજુ ઊંઘ આવી નથી. " કેતન બોલ્યો.

" ઘણા લોકોને નવી જગ્યાએ એકદમ ઊંઘ આવતી નથી. " અંકલ બોલ્યા.

"તમે તો અંકલ શ્રીરામપુરમમાં ૫૦ રૂપિયામાં જે થાળી મળે છે ત્યાં જમવા જતા હશો ને ? જમવામાં શું આપે છે ? " કેતને પૂછ્યું.

"ના હું મફત ભોજનાલમાં જ જમી લઉં છું. ત્યાં પણ સરસ ભોજન મળે છે. દાળ ભાત રોટલી ટીંડોરા બટાકાનું શાક અને વાલ હતા. કઠોળ અને શાક રોજ અલગ અલગ હોય છે પણ ટેસ્ટ સારો હોય છે. ઘર જેવી જ રસોઈ તમને જમવા મળે. કેન્ટીનની ૫૦ ની થાળી પણ એટલી જ સરસ હોય છે પણ હું ત્યાં માત્ર એક બે વાર જમ્યો છું. " અંકલ બોલ્યા.

"તો હું સાંજે મફત ભોજનાલયમાં જ જમી લઈશ. " કેતન બોલ્યો.

" સ્વાદ ઉપર સંયમ એ પણ એક સાધના જ છે. અહીં જે પણ ભોજન થાળીમાં આવે એ હું ખૂબ જ પ્રેમથી ઈશ્વરનો પ્રસાદ સમજીને જમું છું. જેટલું જોઈએ એટલું જ લેવાનું. અહીં ભોજનનો બગાડ કરવા દેવામાં આવતો નથી અને થાળી વાડકા જાતે ધોઈ લેવાના હોય છે. " અંકલ બોલ્યા.

" જી અંકલ આપની વાત સાચી છે. હું પણ ધીમે ધીમે એ જ માર્ગે જઈ રહ્યો છું. સંસારમાં રહીને પણ સાધુ જીવન જીવવાની કોશિશ કરી રહ્યો છું. " કેતન બોલ્યો.

"હવે એક દોઢ કલાક સૂઈ જઈએ. તમે પણ કોશિશ કરો. સાડા ચાર વાગે કેન્ટીનમાં ફોન કરીને ચા મંગાવી લઈશું. સ્વયંસેવકો બધી જ સેવા આપે છે. " અંકલ બોલ્યા.

" જી... " કેતને જવાબ આપ્યો.

એ પછી બંને જણા સૂઈ ગયા. કેતને સૂવાનો પ્રયત્ન કર્યો પણ હજુ ઊંઘ આવતી ન હતી. પરંતુ અંકલ તો પાંચ મિનિટમાં જ ઊંઘી ગયા. એ પછી ધીમે ધીમે કેતનની આંખ પણ મળી ગઈ.

સાડા ચાર વાગે કેન્ટીનનો માણસ બે ચા લઈને આવ્યો ત્યારે અંકલે કેતનને જગાડ્યો.

" અરે ચા આવી પણ ગઈ ? " કેતન આશ્ચર્યથી બોલ્યો.

"હા રૂમમાં ફોન મુકેલો જ છે એટલે કેન્ટીનમાં ફોન કરીને બે ચાનું કહી દીધું. આમ તો અહીંયાં મને બધા ઓળખે જ છે. " ઉમાકાંતભાઈ બોલ્યા.

આદુ નાખેલી ગાયના દૂધની ચા ખરેખર ખૂબ જ સરસ હતી.

" ચાના કેટલા પૈસા આપવાના છે ? " કેતને અંકલને પૂછ્યું.

" અહીં પાઈ પૈસો આપવાનો હોતો જ નથી. સિવાય કે તમે કોઈ વસ્તુ અહીંથી ખરીદો. રહેવા જમવા કે ચા પાણીનો અહીં કોઈ જ ખર્ચો નથી. " અંકલે ખુલાસો કર્યો.

ચા પી લીધી એટલે ખાલી કપ અને કીટલી લઈને સ્વયંસેવક રવાના થઈ ગયો.

" હવે તમે તમારે જ્યાં પણ જવું હોય ત્યાં જઈ આવો. જ્યાં દર્શન કરવાની ઈચ્છા હોય ત્યાં દર્શન કરી લો. સાંજે ૬:૩૦ વાગ્યા પછી ભોજનશાળા ચાલુ થાય છે. " અંકલ બોલ્યા.

કેતને નકશાવાળું લીફલેટ વાળીને પોતાના ખિસ્સામાં મૂક્યું અને પછી એ રૂમની બહાર નીકળી ગયો.

શાંતિકુંજમાં રોડ પણ એકદમ સ્વચ્છ હતા ઠેક ઠેકાણે અલગ અલગ પ્રકારનાં ફૂલો, છોડ અને વૃક્ષોથી સજાવેલા ગાર્ડન મનને પ્રસન્ન કરી દેતા હતા. ક્યાંક પાણીના ફુવારા પણ હતા. અહીં સેવા આપતા સ્વયંસેવકો આખા શાંતિકુંજની સાફ-સફાઈ કરતા હતા. ક્યાંય પણ તમને કોઈ કચરો કે ગંદકી ના દેખાય. સમગ્ર વાતાવરણમાં એક અદભુત શાંતિ અને ઊર્જાનો અનુભવ સતત થતો હતો !!

અહીં ગુરુકુળની જેમ નાનાં બાળકોને ભણાવવા માટેની સ્કૂલ હતી જ્યાં ચાલુ અભ્યાસક્રમની સાથે સંસ્કૃત અને વેદપાઠનું જ્ઞાન આપવામાં આવતું હતું. અહીં બધું જ શિક્ષણ મફત હતું.

અહીં મજાની વાત એ હતી કે રસ્તામાં દરેક જગાએ જવા માટે કે વળવા માટે બ્લૂ કલરનાં બોર્ડ મૂકેલાં હતાં જેથી કોઈને પૂછવું જ ના પડે. વચ્ચે વચ્ચે આચાર્યશ્રીએ પોતાના પ્રવચનમાં આપેલા ઉપદેશોનાં બોર્ડ પણ વંચાતાં હતાં.

કેતન સૌપ્રથમ તીર્થ ક્ષેત્રમાં પ્રવેશ્યો અને વેદમાતા ગાયત્રીના મંદિરે ગયો. મંદિર નાનકડું હતું પરંતુ મૂર્તિ સુંદર હતી. એણે બે હાથ જોડી પુરશ્ચરણ કરવા માટે માં ગાયત્રીના આશીર્વાદ લીધા અને સાચા દિલથી પ્રાર્થના કરી. પ્રાણપ્રતિષ્ઠા કરેલી આ મૂર્તિ જીવંત લાગતી હતી.

ત્યાંથી સપ્ત ઋષિઓનાં દર્શન કર્યાં અને ઋષિઓના આશીર્વાદ પણ લીધા. કારણકે તમામ ઋષિઓ ગાયત્રી મંત્રના જ ઉપાસક હતા વિશ્વામિત્ર તેમજ વશિષ્ઠ ઋષિ તો ખાસ ! વિશ્વામિત્ર તો રાજા હતા પરંતુ આ જ ભૂમિ ઉપર એમણે ગાયત્રી સાધનાનું તપ કરેલું.

એ પછી લાંબી લાઈનમાં ઊભા રહીને કેતન સીડી ચડીને ઉપર અખંડ દીપકનાં દર્શન કરવા માટે ગયો. માં ગાયત્રીની મૂર્તિની સામે એક સફેદ શિવલિંગ હતું અને બાજુમાં નાનકડા મંદિરમાં અખંડ દીપક પ્રજ્વલિત હતો.

ઉમાકાંત અંકલે કહ્યું હતું કે આ દિપક આખાય શાંતિકુંજ નો પ્રાણ છે. ૧૯૨૬ થી આ ગાયના ઘીનો દીપક ખુદ ગુરુજી શ્રીરામ શર્મા આચાર્યશ્રીએ પ્રગટાવેલો છે એટલે એનું મહત્ત્વ પણ ઘણું છે. અગ્નિ સ્વયં આદિત્ય એટલે કે સૂર્ય નારાયણનું પ્રતીક છે.

હૃદયપૂર્વક ખૂબ જ ભાવથી કેતને આ દીપકનાં દર્શન કર્યાં. દર્શન કરતી વખતે એણે અનુભવ્યું કે એક નવીન પ્રકારની ઉર્જા એના શરીરમાં પ્રવેશી રહી હતી અને કરોડરજ્જુમાં નીચેથી ઉપર તરફ કોઈ પીંછું ફેરવતું હોય એવી ગલીપચી થઈ રહી હતી. એના સાત ચક્રોમાં એ ઉર્જા અનુભવી રહ્યો હતો. જેની યોગ્યતા હોય એમને જ આવા અનુભવ થતા જ હોય છે ! સિંહણના દૂધ માટે સોનાનું પાત્ર જ જોઈએ !

દીપકનાં દર્શન કર્યા પછી કેતન આચાર્યશ્રીના સાધના ખંડમાં ગયો અને એમની કાયમી બેસવાની ખુરશી તથા સૂવાની ગાદી ઉપર માથું ટેકવ્યું અને હૃદયના પૂરેપૂરા ભાવથી પ્રાર્થના કરી. ગુરુજીએ પોતાના જીવનમાં કરોડો ગાયત્રી મંત્રના જાપ કર્યા હતા એટલે મંત્રોનાં આંદોલનો અહીં પણ અનુભવી શકાતાં હતાં. મનમાં એક અપાર શાંતિનો અનુભવ થતો હતો !

ત્યાંથી બહાર નીકળીને યજ્ઞશાળા જોવા માટે ગયો. સાંજના ટાઈમે તો યજ્ઞ બંધ હતો છતાં એણે વર્ષોથી ૨૪ કલાક પ્રજ્વલિત રહેતા યજ્ઞકુંડની પ્રદક્ષિણા કરી અને ત્યાં પણ કેતને પ્રાર્થના કરી.

ગાયત્રીમંત્ર જાપ કરવા માટે યજ્ઞકુંડની પાછળ જે હોલ હતો એ પણ એણે જોઈ લીધો.

ત્યાંથી આગળ આવીને કેતન ગુરુજીની અને ગુરુમાતાની જે સમાધિ હતી ત્યાં આવ્યો અને સમાધિની પ્રદક્ષિણા કરી. ગુરુજી અને ગુરુમાતાનાં સ્મૃતિ ચિન્હો પણ જોયાં.

એ પછી કેતને આખાય શાંતિકુંજમાં ચક્કર માર્યું. સુંદર દેવાત્મા હિમાલય મંદિર પણ બહારથી જોઈ લીધું. કાલે સવારે અહીં જ આવવાનું એણે નક્કી પણ કરી લીધું. શાંતિકુંજમાં રંગબેરંગી ફૂલોથી શોભતા સુંદર બગીચાઓ, ફુવારાઓ, મકાનો વગેરે એકદમ સુઆયોજિત રીતે બનાવવામાં આવ્યાં હતાં.

કેતન રૂમ ઉપર પાછો આવ્યો ત્યારે સાંજના સાત વાગવા આવ્યા હતા. ઉમાકાંતભાઈ રૂમ પર જ હતા.

"ફરી આવ્યા તમે શાંતિકુંજમાં ? " અંકલ બોલ્યા.

"હા અંકલ. મેં ધાર્યું હતું એના કરતાં અહીં ઘણું બધું ચૈતન્ય છે અને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે." કેતન બોલ્યો.

" કેતનભાઇ બની શકે તો કાલે વહેલી સવારે હિમાલય મંદિરમાં જઈને ધ્યાન કરો અથવા ગાયત્રી મંત્ર કરો. પછી તમને શું અનુભવ થાય છે એ જોજો. હું પણ ત્યાં ચાર વાગ્યા આસપાસ જાઉં છું. " અંકલ બોલ્યા.

" હું સવારે ધ્યાન માટે ત્યાં જ જવાનો છું અંકલ." કેતન બોલ્યો.

" તમને કાલે ત્યાં દિવ્ય અનુભવ થશે એવું મને દેખાય છે. " અંકલ બોલ્યા.

"તમારા જેવા ગાયત્રી ઉપાસક વડીલના આશીર્વાદ હશે તો જરૂર અનુભવ થશે અંકલ. " કેતન નમ્રતાથી બોલ્યો.

" આશીર્વાદ તો તમારી ઉપર કોઈ મોટી ચેતનાના મને દેખાઈ રહ્યા છે. ખૂબ જ ભાગ્યશાળી છો. પૂર્વજન્મનું ઘણું મોટું ભાથું લઈને આવ્યા છો. " અંકલ બોલ્યા.

કેતને કોઈ જવાબ ના આપ્યો. એને એટલું તો સમજાઈ ગયું કે અંકલ પણ ઘણી ઊંચી ભૂમિકા ઉપર છે.

" અત્યારે સાંજે ભોજનાલય સાડા આઠ વાગ્યા સુધી ચાલુ છે. તમે જમી આવો." અંકલ બોલ્યા.

કેતન જમવા માટે નીચે ઉતર્યો અને ચાલતો ચાલતો ભોજનાલયમાં ગયો. લોકો જમીને પોતપોતાનાં વાસણો જાતે ધોઈને ફરી પાછાં એ જ જગ્યાએ મૂકતાં હતાં જ્યાંથી લીધાં હતાં.

કેતને પોતાની થાળી વાડકી અને ગ્લાસ લઈને ફરી પાછાં ધોઈ નાખ્યાં અને પછી મોટા હોલમાં જમીન ઉપર જ્યાં લાંબી શેત્રંજી પાથરેલી હતી ત્યાં લાઈનમાં બધાની સાથે નીચે બેસી ગયો.

જમવામાં સાંજે ખીચડી કઢી પરોઠા અને રીંગણનું શાક હતું. સ્વયંસેવકો પીરસવાની સેવા આપતા હતા. અંકલે કહ્યું હતું તે પ્રમાણે ભોજન સાત્વિક અને સ્વાદિષ્ટ હતું.

જમીને આવ્યા પછી કેતન પોતાના મોબાઇલમાં ૩:૩૦ નું એલાર્મ મૂકીને આજે વહેલો સૂઈ ગયો. કાલે વહેલી સવારે દેવાત્મા હિમાલય મંદિરમાં ધ્યાન અને ગાયત્રીની ૧૧ માળાની શરૂઆત કરવાનો એનો સંકલ્પ હતો.

પરંતુ એલાર્મ વાગે એની ૩૦ મિનિટ પહેલાં જ અચાનક એની આંખો ખૂલી ગઈ જાણે કે એને કોઈએ ઢંઢોળ્યો હોય !! એ ઊભો થઈ ગયો અને બ્રશ કરી જલ્દી જલ્દી નાહી લીધું. આટલી પવિત્ર જગ્યાએ જવા માટે થોડીક દેહશુદ્ધી જરૂરી હતી !

બરાબર ૩:૩૦ વાગે મંદિર ખોલવાના સમયે જ કેતન પહોંચી ગયો. અંદર પગ મૂક્યો ત્યાં જ એને અલૌકિક અનુભવ થયો. જાણે હિમાલયની તળેટીમાં પહોંચી ગયો હોય એવી અનુભૂતિ અંદર એને થતી હતી. વાતાવરણ પણ એકદમ ઠંડુ હતું.

ત્રણ ચાર બીજા સાધકો પણ એની સાથે જ આ ધ્યાન મંદિરમાં પ્રવેશ્યા. કેતન અંદર સહેજ આગળ જઈને એક સરસ જગ્યાએ ગોઠવાઈ ગયો. અંદર એકદમ નીરવ શાંતિ હતી.

કેતન ગુરુજીનું સ્મરણ કરીને ધ્યાન કરવા બેસી ગયો. થોડી મિનિટોમાં તો એના મગજના તરંગો શાંત થતા ગયા અને એ આલ્ફા લેવલમાં પહોંચી ગયો. એ પછી જોતજોતામાં થીટા લેવલમાં પણ સરી પડ્યો.

થીટા લેવલમાં એની સામે એના મહાન ગુરુ સ્વામી અભેદાનંદજી પ્રગટ થયા. આ એ જ ગુરુ હતા જેમણે ચેતન સ્વામીના પૂર્વ જન્મમાં અને કેતનના દાદા જમનાદાસના પણ પૂર્વ જન્મમાં દીક્ષા આપી હતી. મતલબ કેતનના અને ચેતન સ્વામીના પૂર્વ જન્મોના ગુરુ અભેદાનંદજી હતા.

" તને અહીં મોકલવાની પ્રેરણા મેં જ આપી હતી. તું ગાયત્રી મંત્રની સાધના કરી રહ્યો છે એટલે જેમણે કરોડો ગાયત્રી મંત્રના જાપ કર્યા હોય એમની ચેતનાના આશીર્વાદ તને મળે એ જરૂરી હતું. તને કેટલીક સિદ્ધિઓ પણ મેં આપેલી છે એ સિદ્ધિઓ તને વધુ સિદ્ધ થાય એ પણ મારો હેતુ છે. તને ગઈકાલે જ આ સિદ્ધ જગ્યાએથી આશીર્વાદ મળી ગયા છે." ગુરુજી બોલ્યા.

" જી ગુરુજી. " કેતન બોલ્યો. મૌન ધ્યાનમાં જ આ સંવાદ ચાલી રહ્યા હતા.

"તારું પાછલા જન્મનું પાપ તો તને સૂક્ષ્મ જગતમાં લઈ જઈને મેં બાળી નાખ્યું છે પરંતુ તારા પાછલા અનેક જન્મોનાં કેટલાંક કર્મો હજુ બાકી રહી ગયાં છે. પાછલા જન્મોનાં કર્મો બાળવા માટે ગાયત્રી મંત્રથી શ્રેષ્ઠ બીજું કાંઈ જ નથી. " મહાન ગુરુજી બોલી રહ્યા હતા.

"પાપકર્મનું ફળ કાં તો ભોગવવું જ પડે છે અને કાં તો પછી ગાયત્રી સાધનાથી એને બાળી નાખવું પડે છે. સમગ્ર બ્રહ્માંડમાં માત્ર ગાયત્રી મંત્ર જ એક એવો છે કે જે પાપકર્મોને બાળી નાખે છે અને એનાં ફળ ભોગવવામાંથી માણસને બચાવી લે છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે છંદોમાં ગાયત્રી હું છું એવું સ્પષ્ટ કહ્યું છે." ગુરુજી બોલતા હતા.

"કર્મનો સિદ્ધાંત એ છે કે કર્મ કદી મિથ્યા થતું નથી. તમે પાપકર્મ કરો તો એનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે. પૂણ્ય કર્મો કરીને પાપ કર્મને મિથ્યા કરી શકાતું નથી. પૂણ્ય કર્મોનું ફળ અલગ રીતે મળે છે. માત્ર ગાયત્રી મંત્ર જ પાપકર્મના ફળને મિથ્યા કરી શકે છે અને આત્માને કર્મબંધનથી મુક્ત કરે છે. " ગુરુજી બોલ્યા.

" જી ગુરુજી.. હવેથી હું વધુ ને વધુ ગાયત્રી મંત્રના જાપ કરીશ અને રોજ હવે ૧૧ માળા આજથી હું ચાલુ કરું છું. શ્રાવણ મહિનામાં સવા લક્ષ ગાયત્રી મંત્રનું ૪૧ દિવસનું પુરશ્ચરણ પણ હું કરીશ." કેતન બોલ્યો.

" મારા તને આશીર્વાદ છે. પુરશ્ચરણ કર્યા પછી તને આગળનો માર્ગ આપોઆપ દેખાશે કે હવે પછી તારે શું કરવાનું છે ! " કહીને ગુરુજી અંતર્ધ્યાન થઈ ગયા.

એ પછી કેતન કલાકો સુધી થીટા લેવલના ઊંડા ધ્યાનમાં ખોવાઈ ગયો. આજે જે ધ્યાન લાગી ગયું એવું ધ્યાન આજ સુધી એની જિંદગીમાં એને ક્યારેય પણ લાગ્યું ન હતું ! પ્રકાશના દિવ્ય તરંગોમાં જાણે કે એ ઉડી રહ્યો હતો !!!

છેક સવારે ૭ વાગે ઉમાકાંતભાઈ ગાયત્રી મંત્ર પૂરા કરીને ઊભા થયા ત્યારે એમણે કેતનને જોયો અને એ બધું સમજી ગયા.

સમાધિ અવસ્થાથી સહેજ નીચી અવસ્થામાં કેતન હતો. એમણે કેતનના માથે હાથ મૂક્યો અને મનમાં પોતાના ગુરુજીનું સ્મરણ કરીને કેતનને ધીમે ધીમે જાગૃત કર્યો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)