પ્રારંભ - 26 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 26

પ્રારંભ પ્રકરણ 26

ચેતન સ્વામી અદ્રશ્ય થઈ ગયા પછી કેતન પોતાના આસન ઉપરથી ઉભો થયો. મનોમન સ્વામીજીને ફરી પ્રણામ કર્યા અને પછી કુટિરમાંથી બહાર નીકળ્યો. એ જેવો બહાર નીકળીને દશેક ડગલા ચાલ્યો ત્યાં કુટિર અદ્રશ્ય થઈ ગઈ અને એ સ્થળ જંગલનો જ એક ભાગ બની ગયું ! કેતનને ખૂબ જ નવાઈ લાગી.

એ ત્યાંથી ચાલતો ચાલતો ફરી ગંગા કિનારે આવી ગયો. સ્વામીજીને મળવા આવ્યો ત્યારે કેતન ટુવાલ તો પોતાની સાથે લાવેલો જ હતો. છેક ઋષિકેશ સુધી આવે અને ગંગા સ્નાન ન કરે એ તો ચાલે જ નહીં !

ગંગાના જે કાંઠે એણે ડૂબકી મારી હતી અને બેહોશ થઈ ગયો હતો એ જ જગ્યાએ એણે પેન્ટ શર્ટ અને ગંજી કાઢીને માથાબોળ સ્નાન કરી લીધું. એ પછી ટુવાલથી શરીર લૂછી કપડાં પહેરી લીધાં.

ત્યાંથી એ ચાલતો ચાલતો પોતાની ધર્મશાળામાં ગયો. સવારના ૧૦ વાગ્યા હતા. સવાર સવારમાં ઘણું ચાલ્યો હતો એટલે એણે અડધો કલાક આરામ કરી લીધો.

ઋષિકેશમાં તો એને બીજું કંઈ કામ હતું જ નહીં અને હવે ત્રણ દિવસ સુધી શાંતિકુંજમાં રહેવાની સ્વામીજી ની આજ્ઞા હતી એટલે અત્યારે જ હરિદ્વાર જવા માટે નીકળી જવાનું એણે નક્કી કર્યું.

ધર્મશાળા છોડતાં પહેલાં એણે જીતુને ફોન કર્યો. કેતનને પોતાને પણ જીજ્ઞાસા હતી કે એ લોકોને અસ્થિ વિસર્જન માટે જતી વખતે રમેશ દેખાયો હતો કે નહીં !

" હલો જીતુભાઈ હું કેતન સાવલિયા બોલું ઋષિકેશથી. " કેતન બોલ્યો.

" અરે બોલો બોલો કેતનભાઈ. કેમ છો ? આજે સવારે તમને બહુ યાદ કર્યા હતા." જીતુ એકદમ ઉત્સાહમાં આવી ગયો.

" કેમ સવાર સવારમાં મને યાદ કરવો પડ્યો ?" કેતન હસીને બોલ્યો.

"અરે કેતનભાઈ તમારી એકે એક વાત સાચી પડી. આજે વહેલી સવારે જેવું અસ્થિ વિસર્જન કર્યું કે તરત જ ગંગાની સપાટી ઉપર રમેશનો ચહેરો દેખાયો. બસ બે થી ત્રણ સેકન્ડ માટે એનાં દર્શન થયાં. માની ગયા બાપુ તમને ! " જીતુ બોલ્યો.

" બસ એ જાણવા માટે જ મેં અત્યારે ફોન કર્યો હતો. બીજું મારા લાયક કંઈ પણ કામકાજ હોય તો કહેજો. " કેતન બોલ્યો.

" તમારો નંબર સેવ કરી દઉં છું. કામ વગર ક્યારે પણ હું તમને હેરાન નહીં કરું. લો આ શિલ્પા સાથે વાત કરો. " કહીને જીતુએ ફોન શિલ્પાને આપ્યો.

" કેતનભાઇ તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારું ઘણું દુઃખ ઓછું કરી નાખ્યું અને એક નવી આશા પણ આપી. એકવાર તમે અમારા ઘરે જેતપુર આવો હવે." શિલ્પા બોલી.

" ચોક્કસ આવીશ બેન. બસ તમને સારા દિવસો શરૂ થાય એટલે મને જાણ કરજો. " કેતન બોલ્યો.

" તમને તો સૌથી પહેલાં જાણ કરવાની. ડૉક્ટર પાસે પણ પછી જઈશું. " શિલ્પા બોલી અને એણે ફોન પાછો જીતુને આપ્યો.

" ભલે કેતનભાઇ ફોન મુકું. આજે તો અમે હમણાં યોગા એક્સપ્રેસમાં અમદાવાદ જવા માટે નીકળી જવાનાં.
ત્યાંથી પછી કાલે રાત્રે જેતપુરની ટ્રેઇન પકડી લઈશું. " જીતુ બોલ્યો.

" ઓકે ચાલો બેસ્ટ ઓફ લક. પેલા દેવશીભાઈ પાંચ લાખ આપે તો મારો ભાગ રાખજો. " કેતન હસીને બોલ્યો.

" અરે બોલોને કેટલા જોઈએ છે ? " જીતુ બોલ્યો.

" ના ભાઈ ના હું તો મજાક કરું છું. ચાલો બાય." કહીને કેતને ફોન કટ કર્યો. એને જીતુનો સ્વભાવ ગમી ગયો. આનંદી અને દિલદાર માણસ હતો.

જીતુ સાથે વાત કર્યા પછી કેતન ધર્મશાળા છોડીને બહાર નીકળી ગયો અને રીક્ષા કરીને ગઈકાલે જમ્યો હતો એ ટોપીવાલા રેસ્ટોરન્ટમાં પહોંચી ગયો. ૧૧ વાગી ગયા હતા એટલે જમવાનું ચાલુ થઈ ગયું હતું.

જમી લીધા પછી રીક્ષા કરીને કેતન જ્યાંથી ટેક્સીઓ ઉપડતી હતી ત્યાં પહોંચી ગયો. શેરીંગમાં એક ટેક્સી હરિદ્વાર જઈ રહી હતી. માત્ર બે જ પેસેન્જર બેઠા હતા. ટેક્સી ડ્રાઇવર હરિદ્વાર હરિદ્વાર ની બૂમો પાડતો હતો. કેતન એ જ ટેક્સીમાં બેસી ગયો.

" મુઝે શાંતિકુંજ ઉતાર દેના." કેતને ટેક્સીવાળાને કહ્યું. શાંતિકુંજ થઈને જ ટેક્સી જતી હતી.

લગભગ દોઢ કલાક પછી શાંતિકુંજ આવ્યું એટલે કેતન નીચે ઉતરી ગયો અને ટેક્સીવાળાને પૈસા ચૂકવી દીધા.

થોડેક દૂર ચાલ્યો ત્યાં શાંતિકુંજનો પાંચ નંબરનો ગેટ દેખાયો. આઈ.ડી કાર્ડ બતાવીને એણે અંદર પ્રવેશ કરી લીધો આગળ જતાં જમણા હાથે રિસેપ્શન રૂમ હતો. અષાઢ મહિનો ચાલી રહ્યો હતો એટલે યાત્રાળુઓની ભીડ પણ ઘણી હતી.

એનો નંબર લાગ્યો એટલે એણે ત્રણ દિવસ માટે રૂમ આપવાની વિનંતી કરી.

"આપ જો સિર્ફ ઘુમને યા દર્શન કરને આયે હો તો સિર્ફ દો દિન કે લિયે હી રૂમ મિલ સકતા હૈ. અગર આપ યહાં સાધના કરને કે લિયે આયે હો યા કોઈ શિબિરમેં આયે હો તો સમયકી કોઈ પાબંધી નહીં હૈ લેકિન ઉસમે કોઈ અલગ રૂમ નહીં મિલેગા. ગ્રુપ મેં રેહના પડેગા. યાત્રિકોં કે લિયે કોઈ ચાર્જ નહીં હોતા. હાં અગર આપ વીઆઈપી કક્ષ મેં રહેના ચાહતે હૈ તો પેમેન્ટ દેકર વહાં રૂમ લે સકતે હો. વહાં જીતને દિન ચાહો આપ રેહ સકતે હો." પીળાં વસ્ત્ર પહેરીને રિસેપ્શનમાં બેઠેલા ભાઈ બોલ્યા.

"મુજે સિર્ફ તીન દિન રહેના હૈ. ઓર યે તીન દિન ગાયત્રીકી સાધના હી કરની હૈ ઓર ગુરુજી કે આશીર્વાદ લેને હૈં. અગર આપ દે સકતે હો તો. " કેતન વિનમ્રતાથી બોલ્યો.

કોણ જાણે કેમ પેલા ભાઈને કેતનની વિનંતી નકારવાની ઈચ્છા ના થઈ. એ થોડો વિચારમાં પડી ગયો અને અચાનક અતિથિ ભવનમાં પહેલા માળનો ૧૧૨ નંબરનો રૂમ કેતનને આપ્યો.

"આપ યહાં સે સીધા અતિથિભવન ચલે જાઈએ. પહેલે મજલે પે ૧૧૨ નંબર કા રૂમ ખુલ્લા હી હોગા. વહાં એક સાધક રહેતે હૈ. પીછલે કઈ સાલ સે આતે હૈ વો. યહાં પર સેવા ભી દેતે હૈ. ઔર હાં, યહાં કા નિયમ હૈ કિ આપકો રોજ ગાયત્રી મંત્રકી દો માલા કરની હી પડેગી." રિસેપ્શનિસ્ટ બોલ્યો.

"જી શુક્રિયા. ગાયત્રી મંત્રકી માલા તો મૈં રોજ કરતા હી હું. " કેતન હસીને બોલ્યો.

" યે બુકલેટ હે જિસમેં યહાં કી સારી જાનકારી દી હુઈ હૈ ઔર મેપ ભી હૈ. આપ પઢ લેના. " કહીને રિસેપ્શનિસ્ટે કેતનને એક પ્રિન્ટેડ બુકલેટ આપી.

કેતને જોયું કે આ જગ્યા અદભુત હતી અને અહીં પરમ શાંતિનો અનુભવ થતો હતો. અહીંના વાઇબ્રેશન્સ પણ ખુબ સરસ હતાં. દર વર્ષે એક વાર આત્માનું ચાર્જિંગ કરવા અને નવી ઊર્જા મેળવવા અહીં આવવા જેવું છે. જગ્યા એટલી બધી વિશાળ હતી કે જેની કલ્પના પણ થઈ શકતી ન હતી.

કેતન ચાલતો ચાલતો અતિથિ ભવન પહોંચી ગયો અને ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર ૧૧૨ નંબરની રૂમમાં એણે પ્રવેશ કર્યો. રૂમ પણ ખૂબ જ વ્યવસ્થિત અને હોટલ જેવો હતો. પોતાનો પલંગ સ્વચ્છ અને સુઘડ હતો. સુંદર ચાદર, ઓશીકું અને ઓઢવા માટે ગરમ ધાબળો પણ મૂકેલો હતો. પાછળની બારીમાંથી દૂર દૂર સુધી શાંતિકુંજ દેખાતું હતું.

બાજુના પલંગમાં લગભગ ૬૦ વર્ષની ઉંમરના એક વડીલ બેઠા હતા. એમના ચહેરા ઉપર તેજ હતું અને એ સારા સાધક હોય એવું દેખાતું હતું. એમની ઑરા પણ પાવરફુલ હોય એવું લાગતું હતું.

" આપ કહાં સે હો અંકલ ? " પરિચય કેળવવા માટે કેતને પૂછ્યું.

"તમે પણ ગુજરાતી લાગો છો." પેલા ભાઈ ગુજરાતીમાં જ બોલ્યા.

" અરે તમને કેવી રીતે ખબર પડી ? " કેતને આશ્ચર્યથી પૂછ્યું.

"ગુજરાતી માણસ બધામાં અલગ તરી આવે. અને તમારી બોલવાની સ્ટાઇલ અસલ ગુજરાતી છે. " અંકલ હસીને બોલ્યા.

" તમારું ઓબ્ઝર્વેશન ખરેખર શાર્પ છે અંકલ. " કેતન હસીને બોલ્યો.

"મૂળ ભાવનગરનો છું પણ મુંબઈ રહું છું. ઉમાકાંત મહેતા મારું નામ. દર વર્ષે શાંતિકુંજ આવું છું. મેં ગુરુજી પાસેથી જ દીક્ષા લીધેલી છે. શ્રાવણ મહિનો શરૂ થવાનો છે એટલે શાંતિકુંજમાં પુરશ્ચરણ કરીશ. પણ તમને આ રૂમ કઈ રીતે આપ્યો ? આ રૂમ મારો સ્પેશિયલ છે. યોગ્યતા વગર તમે મારા રૂમમાં ન આવી શકો. " ઉમાકાંતભાઇ બોલ્યા.

" મારી યોગ્યતા તો મને નથી ખબર. પરંતુ તમારી ઑરા ખૂબ પાવરફુલ છે. તમે ઘણા ગાયત્રી મંત્રો કર્યા હોય એવું તમારા ચહેરા ઉપરથી લાગે છે. ત્રણેક વર્ષ પહેલાં તમારાં ધર્મપત્નીનો સ્વર્ગવાસ થઈ ચૂક્યો છે. દીકરા વહુની સાથે રહો છો. તમારી કુંડલિની પણ અનાહત ચક્ર સુધી જાગૃત થઈ ગઈ છે ! " કેતન હસીને બોલ્યો.

" વાહ ! મેં કહ્યું ને તમને કે યોગ્યતા વગર મારા રૂમમાં કોઈ રહેવા ના આવી શકે. તમે પણ ઘણા બધા આગળ વધેલા છો. ગાયત્રીની અને તમારા જે પણ ગુરુદેવ હોય એમની તમારા ઉપર પણ ઘણી જ કૃપા છે !" ઉમાકાંતભાઈ બોલ્યા.

" તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો. પુણ્યનો ઉદય થાય ત્યારે જ આવા સ્થળે જવાનો સંયોગ પેદા થતો હોય છે. અહીંના જેવી શાંતિ બીજે ક્યાંય નથી. અહીં ગાયત્રી મંત્ર કરવાથી તમારું મન ભટકતું નથી. કારણ કે આખાય શાંતિકુંજમાં માત્ર ગાયત્રી મંત્રના જ તરંગો ફેલાયેલા છે." અંકલ બોલતા હતા.

"વિશ્વામિત્ર ઋષિએ હજારો વર્ષ પહેલાં આ જ ભૂમિ ઉપર તપ કર્યું હતું અને ગાયત્રીમંત્ર સિદ્ધ કર્યો હતો. એ જ ભૂમિ ઉપર ફરી આપણા શ્રીરામ શર્મા આચાર્યજીએ તપ કર્યું અને કરોડો ગાયત્રી મંત્રના જાપ કરી ગાયત્રી મંત્રનો સાક્ષાત્કાર કર્યો. આ ભૂમિ ચૈતન્યમય છે." અંકલે કેતનને શાંતિકુંજનો પરિચય આપ્યો.

"તમારી વાતો મારા માટે આ જગ્યાના ભોમિયા જેવી છે. આ સ્થળ વિશે જાણવાની મારી તીવ્ર ઈચ્છા છે. હવે મને સમજાઈ ગયું કે મારા ગુરુજીએ શાંતિકુંજ જવાની પ્રેરણા કેમ આપી હશે ?" કેતન બોલ્યો.

"તમારું નામ તો મેં પૂછ્યું જ નહીં." વડીલ બોલ્યા.

" જી કેતન સાવલિયા. હું સુરતનો છું." કેતને પોતાનો પરિચય આપ્યો.

" તમારે જમવું હોય તો જમી આવો કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણી વાતો તો ચાલતી રહેશે. " વડીલ બોલ્યા.

" હું ઋષિકેશમાં જમીને આવ્યો છું. પહેલીવાર આવું છું એટલે શાંતિકુંજ વિશે તમારી પાસેથી બધું જ સાંભળવાની ઈચ્છા છે. જો તમને વાંધો ન હોય તો." કેતન બોલ્યો.

" મને પણ આ બધી માહિતી આપવી ગમશે. માતાજીની એ જ ઈચ્છા હશે કે હું જ તમને બધો પરિચય કરાવું. ૧૯૨૬ માં ગુરુજીએ પ્રગટાવેલો અખંડ દીવો આ આખી જગ્યાનો પ્રાણ છે. ગાયના ઘીથી આ દીવાને હંમેશા પ્રજ્વલિત રાખવામાં આવે છે. એ દીવો કલ્પવૃક્ષ જેવો છે. એની સામે પ્રાર્થના કરીને તમે જે માગો તે તમારા પ્રારબ્ધ પ્રમાણે મળે જ છે. શ્રદ્ધા જેટલી બળવાન એટલી વધારે ઉપલબ્ધિ !" અંકલ બોલી રહ્યા હતા.

"અહીં હજારો સ્વયંસેવકો તમને નજરે પડશે. પીળાં વસ્ત્રોમાં હરતા ફરતા દેખાય એ બધા જ સ્ત્રી પુરુષો લગભગ સ્વયંસેવકો જ હોય છે અથવા તો શિબિરમાં આવેલા સાધકો હોય છે. અહીં બારે મહિના કોઈને કોઈ શિબિર ચાલતી હોય છે. અહીં ઘણા બધા ક્લાસ પણ ચાલતા હોય છે જેમાં જુદા જુદા વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. સંગીતના ક્લાસ પણ ચાલે છે. અહીં બધું જ ફ્રી છે એટલે કે શીખવાના પૈસા લેવામાં આવતા નથી. અહીં સ્કૂલ છે, કોલેજ છે, હોસ્પિટલ પણ છે." અંકલ બોલી રહ્યા હતા.

" અહીં ઔષધી ગાર્ડન પણ છે અને એમાં હિમાલયમાં ઉગતી દુર્લભ કહી શકાય એવી જડીબુટ્ટીઓ ઉગાડેલી છે. આયુર્વેદ સેવાઓ પણ અહીં ઉપલબ્ધ છે. આખા વિશ્વમાં ૩૦ કરોડ જેટલા શિષ્યો અને સાધકો ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા છે અને ૩૦૦૦ જેટલી ગાયત્રી પરિવારની શાખાઓ છે. અહીંની વ્યવસ્થા એટલી બધી સરસ છે કે તમે કલ્પના પણ ના કરી શકો. બધા સ્વયંસેવકો પોતપોતાની ફરજો સુંદર રીતે બજાવે છે. " વડીલ બોલ્યા.

"જમવા માટે એક મફત ભોજનાલય છે. સાદું સાત્વિક અને પૌષ્ટિક ભોજન ત્યાં મળે છે. ત્યાં થાળી વાડકા તમારે જાતે જ ધોઈ નાખવાના હોય છે. એ સિવાય બે કેન્ટીનો પણ છે. કેન્ટિનોમાં પૈસા ખર્ચીને તમે ચા નાસ્તો ખરીદ કરી શકો છો. તમામ પ્રકારના ગરમ નાસ્તા ત્યાં તમને મળી આવશે. શ્રીરામપુરમ કરીને જે બીજી કેન્ટિન છે ત્યાં બધા જ પ્રકારની મીઠાઈ સસ્તા ભાવે મળે છે. એની ઉપર જમવા માટે રેસ્ટોરન્ટ છે. ત્યાં ૫૦ રૂપિયામાં થાળી મળે છે. તમે પૈસા ખર્ચીને ત્યાં પણ જમી શકો છો." વડીલે લગભગ બધો જ પરિચય આપી દીધો.

" અનુષ્ઠાન કે પુરશ્ચરણ તમે રૂમમાં બેસીને જ કરો છો કે અહીં બીજી કોઈ એવી જગ્યા છે ? " કેતને પૂછ્યું.

" જો તમારે માનસિક જાપ કરવા હોય અથવા ધ્યાન કરવું હોય તો દેવાત્મા હિમાલય મંદિર અતિ ઉત્તમ જગ્યા છે. આ મંદિરમાં અંદર આખો હિમાલય ઊભો કર્યો છે. તમને ત્યાં બેઠા પછી એવું જ લાગે કે તમે જાણે હિમાલયમાં જ આવ્યા છો. સવારે ત્રણ વાગ્યે આ મંદિર ખુલી જાય છે. તમે ત્યાં બેસીને ગાયત્રી મંત્રની માળા અથવા માત્ર ધ્યાન કરી શકો છો. " ઉમાકાંતભાઈ બોલી રહ્યા હતા.

"એ સિવાય ત્રણ યજ્ઞશાળાઓની પાછળ પણ એક હોલ છે. ત્યાં બેસીને પણ અનુષ્ઠાન કરી શકાય છે. યજ્ઞશાળા વિશે એક જાણવા જેવી બાબત એ છે કે આ ત્રણ યજ્ઞશાળામાં કુલ ૨૭ કુંડ છે જેમાં એક મુખ્ય કુંડ છે." અંકલ કહી રહ્યા હતા.

" આ મુખ્ય કુંડમાં આપણા ગુરુજી યજ્ઞ કરતા હતા. એમણે પ્રજ્વલિત કરેલો અગ્નિ આજે પણ ચાલુ છે. બીજા જે પણ યજ્ઞો થાય એમાં દીવાસળી પેટાવવામાં નથી આવતી પરંતુ આ જ કુંડમાંથી અગ્નિ લઈને બીજા કુંડને પ્રજ્વલિત કરવામાં આવે છે. " અંકલ બોલ્યા.

" રોજ સવારે આ મુખ્ય યજ્ઞ કુંડમાં સાધકો દ્વારા નિયમિત આહુતિઓ આપવામાં આવે છે અને પછી એને ઢાંકી દેવામાં આવે છે. આ મુખ્ય યજ્ઞકુંડ પણ કલ્પવૃક્ષ જેવો છે અને પ્રાર્થના કરવાથી લોકોની ઈચ્છા ફળે છે " અંકલે માહિતી આપી.

" એ સિવાય અહીં વેદમાતા ગાયત્રી અને સપ્તઋષિઓનાં નાનાં મંદિરો પણ છે. પ્રવચન હોલ પણ છે. પુસ્તકોના વેચાણ માટે અને બીજી સામગ્રી લેવા માટે મોટા પ્રદર્શન હોલ પણ છે. ગાયત્રી પરિવારનું પોતાનું એક પેપર અને મેગેઝીન પણ નીકળે છે. " અંકલ બોલ્યા.

"તમે મને એટલી બધી માહિતી આપી દીધી અંકલ કે મારે કંઈ પૂછવા જેવું રહેતું જ નથી." કેતન બોલ્યો.

" છેલ્લે એક વાત રહી ગઈ. શ્રી રામ શર્મા આચાર્યજી જે ખંડમાં ગાયત્રી માળા અને ધ્યાન કરતા હતા એ ખંડને આજે પણ સાચવવામાં આવ્યો છે. તમે ત્યાં પણ એકવાર ગાદી ઉપર માથું ટેકવી આવજો. મહાપુરુષોની ચેતના હંમેશા સક્રિય રહેતી હોય છે." અંકલ બોલી રહ્યા હતા.

" દરેક ધર્મોના પોતપોતાના જાગૃત આશ્રમો કે મંદિરો હોય છે. દરેક સંતો મહાન જ છે. છતાં જેમને ગાયત્રી ઉપાસનામાં રસ છે અને ગાયત્રી સાધના કરે છે એમણે જીવનમાં એક વાર શાંતિકુંજ આવીને આ પવિત્ર જગ્યાનો અનુભવ કરવો જોઈએ." ઉમાકાંતભાઈએ પોતાની વાત પૂરી કરી.

ઉમાકાંતભાઈએ મને આવતાંની સાથે જ શાંતિકુંજનો આટલો બધો વિગતવાર પરિચય કેમ કરાવ્યો ? શું એમને સ્વામી ચેતનાનંદે જ પ્રેરણા કરી હશે ? - કેતન વિચારી રહ્યો.

(શાંતિકુંજ: સૌજન્ય ગુગલ/ યુ ટ્યુબ)
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)