વસુધા - વસુમાં - પ્રકરણ-102 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-102

વસુધા રાજલ ઘરે આવ્યાં ત્યારે વસુધાના પાપા-સસરા એમની રાહ જોઇનેજ બેઠેલાં. રાજલે બધી વાત કરવા કહી ત્યાં ઘરનાં બધાં આવી ગયાં. રાજલે ઇતિથી અંત સુધી બધીજ વાત કરી. બધાં સંતોષ સાથે થોડાં ડરી પણ ગયાં હતા. વડીલોમાં ખાસ ભાનુબહેન અને પાર્વતીબહેને ટોક્યાં.. આવું સાહસ એકલા પંડે કરાય ? ભાવેશે પણ એજ સૂરમાં સૂર પુરાવતાં કહ્યું “મને તો કહેવું જોઇએ હું સાથે આવતને એકલા બૈરાં ગયાં આતો જોખમજ લીધું કહેવાય.”

વસુધાએ કહ્યું “મારે એને પાઠ ભણાવવો હતો. ભણાવી દીધો ગામની બીજી બહેન દીકરીઓને કોઇ પાશવી હવે હેરાન નહીં કરે એવો ખોખરો કર્યો છે અને અમારી સાથે મયંકભાઈ અને કરસનભાઇ હતાંજ. વળી પોલીસ પટેલ સાહેબ એમની ટુકડી હથિયારબંધ સાથે હતી.”

વસુધાએ આગળ વધતાં કહ્યું “મા-પાપા આમ સહન કરીને બેસી રહીશું તો આકુનું કે આપણી બહેન દીકરીઓનું રક્ષણ કેવી રીતે કરીશું... અને યાદ રાખો એ શેતાને મને અંધારામાં જોઇ કપટથી હુમલો કર્યો સામેથી નહીં નહીંતર એને એજ વખતે તારાં ગણાવી દેત. એ નીચે મને પરવશ બનાવી મારી લાજ લુંટવા એણે...” પછી એનો ચહેરો ક્રોધીત થઇ ગયો.

ગુણવંતભાઇએ વચમાં બોલતાં કહ્યું “હવે જે થઇ ગયું એ બરાબરજ થયું સારું થયું તેં પાઠ ભણાવ્યો હવે ગામમાં કોઇ આવી હિંમત નહીં કરે.” ત્યાં એમનાં ફોનની ઘંટડી વાગી એમણે ઉભા થઇ ફોન લીધો.

"હાં લખુભાઇ શું થયુ ? સામેથી લધુભાઇએ જવાબ આપવા માંડ્યો..... ગુણવંતભાઇ સાંભળતાં વેંત “હેં શું કહો છો ? ક્યારે આવે છે ? તમારાં ઉપર ફોન આવ્યાં ? ભલે અમે બહાર શેરી તરફ આવીએ છીએ.” અને અનેક પ્રશ્નો પૂછી ફોન મૂક્યો.

વસુધાએ ગુણવંતભાઇ સામે પ્રશ્નાર્થ નજરે જોયું અને પૂછ્યું “પાપા કોનો ફોન હતો ? લખુકાકાનો ? શું થયું ? કેમ શેરીમાં જવાનું કીધું ?”

ગુણવંતભાઇએ કહ્યું “પેલા ત્રણે નીચ ગુનેગારોને પોલીસ પટેલ ગામની ચોકી પર લાવી રહ્યાં છે એમને ચોકીમાં લઇ જતાં પહેલાં હાથ પગમાં બોડીઓ દોરડું બાંધી આ ગામની બધી શેરીઓમાં ફેરવશે પછી જેલમાં નાંખશે અને કાલે કોર્ટમાં રજૂ કરશે. એમણે આપણે બધાં એ નીચ લોકોનો ભવાડો જોવા શેરીમાં આવવાં કહ્યું છે ચાલો જઇએ. લઘુકાકા મયંક બધાં ત્યાંજ આવે છે.”

આવું સાંભળી વસુધાએ રાજલ સામે જોયુ... રાજલે એને આંખથી કશુંક પૂછ્યું... વસુધાએ કહ્યું “રાજલ પાછળ વાડામાં બધાને ઘાસ-પાણી આપી દઇએ પછી શેરીમાં જઇએ”. રાજલ સમજી ગઇ હોય એમ બોલી ભલે ચાલ.

વસુધા અને રાજલ વાડામાં ગયાં અને વસુધાએ રાજલનાં કાનમાં કહ્યું “ જા તું તરત શેરીમાં હું તમારી રાહ જોઇશ.” રાજલ ભલે કહી ઝડપથી ત્યાંથી નીકળી ગઇ.

સરલા એની સુવવાડ આવવાની ક્ષણો નજીક હતી એટલે એને ખૂબ થાક વર્તાતો હતો એ મૂડા પર બેઠી બેઠી વસુધા અને રાજલને જોઇ રહી હતી એનાંથી બોલાતું નહતું એણે વસુધાને ઇશારો કરી બોલાવીને કહ્યું “ થયુ ?”

વસુધાએ કહ્યું “સરલાબેન તમારી તબીયત ઠીક નથી તમે આરામ કરો. કશુ થયું નથી. એ નરાધમોને હવે સજા મળશે”. પછી ભાવેશકુમારને કહ્યું “કુમાર તમે સરલાબેનની સાથેજ રહો હવે મને એમને જોઇને ચિંતા થાય છે ગમે ત્યારે જવુંજ પડશે દવાખાને.”

ભાનુબહેને કહ્યું “હું સરલાને ક્યારની કહુ છું તું ચિંતા કે બીજા વિચારો ના કર ભગવાનનું નામ લે ભોળાશંકર અને માં પાર્વતની સ્તુતિ કર ભગવાને ફરીથી ઘણાં સમયે મીઠી નજર કરી છે... સાંગોપાંગ તારી સુવાવાડ થઇ જાય અને મહાદેવ જેવો દીકરો આવી જાય તો હું મારાં મહાદેવને શીરો ધરાવીને આખા ગામમાં વહેંચીશ”.

ભાવેશકુમારે કહ્યું “દીકરો આવે કે દીકરી અમારાં માટે બંન્ને સરખાં છે ઇશ્વર આશીર્વાદજ આપે છે. એજ એમની કૃપા છે આટલાં સમય પછી એમણે સામું જોયુ છે”.

ત્યાં ગુણવંતભાઇએ કહ્યું “તમે લોકો ઘરે રહો હું વેવાઇ અને વસુધા શેરીમાં જઇને આવીએ છીએ.” પહેલાં કોઇ કશું બોલ્યુ નહીં વસુધાએ ચંપલ પહરી સીધી બહાર નીકળી સાથે પુરષોત્તમભાઇ એ ગુણવંતભાઇ નીકળ્યાં.

ત્યાં ભાનુબહેન પાછળથી બોલ્યાં “વસુધા ખરી છે એની સાથે આવો અણબનાવ થયો તેમ એ સીધા મોઢે શેરીમાં નીકળે છે નથી ડર કે સંકોચ..” આ વાક્ય વસુધાએ જતાં જતાં અને પાર્વતીબેન બંન્ને જણે સાંભળ્યુ પાર્વતીબેન કંઇક જવાબ આપવા જાય ત્યાં વસુધા આંગણાંથી પાછુ આવીને બોલી "માં એમ ઘરમાં બેસી ડરીને જીવવાની મારી રીત નથી. એ કાળખુખાએ ગુનો કર્યો છે કાળુ કામ કર્યું છે મેં નહીં હું પહેલાં પણ પવિત્ર હતી અને આજે પણ છું.”

“માં એક વાત કાન ખોલીને સાંભળીલો. તમે મારાં વડીલ છો મારી માં નાં સ્થાને છો હું તમારાં દીકરાની વહુ છું અને પીતાંબરનાં ગયાં પછી પણ મેં કોઇજ આમન્યા નથી લાંઘી નથી ગેરવર્તન કર્યું નથી હું છેલ છબીલી થઇને ક્યાયં ફરતી. મારી સામે નજર કરનારની નજર નીચી થઇ જાય એવી પાત્રતા છે મારી...”.

“માં એ નીચ કાળમુખાએ કપટથી હુમલો કર્યો મારાં કપડાં... મને કશું કરી નથી શક્યો મેં એને જે એની છાતીમાં લાત મારી છે એની પાંસળી ભાંગી ગઇ હશે. સીતામાતાનો શું દોષ હતો ? રાવણ કપટ કરીને એમનું હરણ કરી ગયો એમાં એમનો શું વાંક ? હું એમ ઘરમાં ખૂણો પાળીને બેસી નહીં રહું નહી હું કદી આ કુટુંબની આમન્યા ઓળંગુ... મારી પાત્રતા સાચવી છે અને સાચવીશ.”

એમ કહી મોં ફેરવીને તયાંથી શેરીમાં જવા નીકળી ગઇ. વસુધાનાં ગયાં પછી પાર્વતીબેનની આંખમાંથી આંસુ નીકળી ગયા. એમણે કહ્યું “વેવણ મારી દીકરી તમારું ખોરડું સંભાળીને બેઠી છે મર્યાદામાં રહીને બધાં કામ ને વૈતરાં કરે છે. એની ઊંમરજ શું છે ? એણે આટલાં નાનાં જીવનમાં સુખ શું જોયું છે ? જ્યારથી પરણીને આવી સંઘર્ષ અને તકલીફોજ જોઇ છે છતાંય હારયા વિના નિરાશ થયા વિના અહીં ટકી છે”.

“તમને પોષતું ના હોય તો આજે બપોર પછી અમે એને લઇને અહીંથી નીકળી જઇશું મારી વસુ હવે અહીં નહીં રહે અમે આકુ અને વસુને લઇને જઇશું અમને ભારે નહીં પડે અમારે માટે ખોટની છોકરીઓ છે. આટલુ કરે છે છતાં તમે એને ટોણા મારો છો ? તમારોય છોકરી છે ભૂલી ગયા ?” અને ત્યાં સરલા બધુ સાંભળી રહી હતી એણે ચીસ પાડી....



વધુ આવતા અંકે - પ્રકરણ-103