સોહમ નૈનતારાનાં રૂપથી મોહાંઘ થયેલો એણે કહ્યું “તું ખૂબ સુંદર અને અપ્સરાથી કમ નથી.. તું આમ સામે ઉભી રહીશ તો મારાંથી કામ નહીં થાય...” કહીને હસ્યો... “ જા તું તારું રીપોર્ટનું કામ કર મારે સરનાં મેઇલ આવ્યાં છે એ પ્રમાણે પ્રોજેક્ટનું કામ કરવાનું છે. સમય મર્યાદામાં કામ પુરુ કરી આપવાનું છે. તું આમ મારી આંખ સામે રહીશ તો કામ ક્યારે પુરુ કરીશ ? હું આજે ઓફીસથી વહેલો જવા માંગુ છું ખાસ કામ છે.”
નૈનતારા મીઠું હસી એણે કહ્યું “સર આજેજ મેઇલ આવ્યો છે વાધવા સર દિલ્લી ગયાં છે. મારે એકાઉન્ટની બધી વિગત તપાસવાની છે. તમે સાંજે જે કામ માટે વહેલાં જવા માંગો છો એ કામ કાલે કરજો... આજે એમાં સફળતા નહીં મળે.. આજે તો તમારે મોડાં સુધી મારી સાથે કામ કરવાનું છે”.
“શાનવી, તરનેજા બધાં પાસેથી હું કામ કઢાવી લઊં.. મને ખબર છે હું બધુ પૂછવાની એટલે બધાં સમય થયે ઓફીસથી નીકળી જશે. પણ આપણે ઓવર ટાઇમ કરીશું. મેં વાધવા સરને પણ મેઇલ કરી દીધો છે કે સોહમ સરે આજે ઓવરટાઇમ કરવા કહ્યું છે પ્રોજેક્ટ માટે વર્બલ રિપોર્ટ રાત્રી સુધીમાં અમે મોકલી દઇશું.”
સોહમ તો ફરીથી જાણે બાઘો બની ગયો એણે પૂછયું “તેં મેઇલ પણ કરી દીધો ? મને પૂછ્યા વિના ? મારે સાંજે અંગત કામે જવાનું હતું એ કાલે જઊ એજ તેં જ નક્કી કરી દીધુ ?” સોહમને થોડો ગુસ્સો આવી ગયો.
નૈનતારાએ કહ્યું “અરે સર તમે આજે કામની વચ્ચે ફોન કર્યો ત્યારેજ મને એવો આભાસ થયો કે તમે ઉતાવળમાં એ કામ માટે સાંજે જશોજ પણ સફળતા નહીં મળે અને આજે જે મેઇલ આવ્યો છે એની આછી રૂપરેખા વાધવા સરને મોકલી દઇએ તો તમારી છાપ મહેન્તુ માણસની પડે.. અને રૂપરેખાનાં પોઇન્ટ મેં લખી રાખ્યાં છે જોઇલો. હવે આગળ પ્રોજેક્ટ તમે બનાવી લો. આ બધુ કરવામાં રાત થઇજ જવાની.”
સોહમ નૈનતારાં સામે જ જોઇ રહ્યો... પછી સોહમને ખબરજ ના પડી કે આ માયા નહી મહામાયા છે એણે બધુ નક્કીજ કરી નાંખ્યુ છે.. મનોમન સાંજે જે કામ જવાનું હતું એ આવતી કાલ પર છોડી દીધું.
નૈનતારાએ કહ્યું “સર આપણાં બંન્ને માટે કોફી મંગાવુ છું. આમ પણ સુરેશ સાંવત નવરોજ બેઠો છે આ પટાવાળા એમનાં કામ કરતાં ઓફીસમાં બીજા માણસો શું કરે છે એમાંજ ધ્યાન હોય છે. સાચુ કહુ અમુક વાતો મેં સુરેશ પાસેથીજ જાણી લીધી” પછી હસી..
નૈનતારાએ કહ્યું “સર તમને થશે મેં તમારો બધો પ્રોગ્રામ બનાવી દીધો પણ તમારાં સારાં માટેજ વિચારુ તમારી હું પર્સનલ સેક્રેટરી છું’ એણે પર્સનલ ઉપર વજન દીધું અને બોલી “હું તમને બધી રીતે ખૂબ મદદરૂપ થઇશ તમે પણ યાદ કરશો. તમને ખબર છે ?... કંઇ નહીં ફરી કોઇવાર વાત.”
સોહમ નૈનતારાને એની મીઠી ટહુકા જેવી વાતો સાંભળવામાં મગ્ન હતો. એને થયું આ મારાં માટે કોઇ જીની બનીને આવી છે કે શું ? પછી હસ્યો અને બોલ્યો “ભલે મંગાવ કોફી.. હું ત્યાં સુધી તારાં પોઇન્ટની નોટ જોઇ લઇ ને એક આકર્ષક રૂપરેખા બનાવી લઊં. હવે હું કામ કરું તું તારુ કર નહીતર ઓવરટાઇમ પણ વાતોમાં જશે.”
નૈનતારા ખડખડાટ હસી પડી બોલી “કરી લો સર હમણાં કામ..” ગૂઢાર્થમાં એવું બોલીને ચેમ્બરની બહાર નીકળી ગઇ.
સોહમે જોયું એણે પ્રોજેક્ટ અંગેનાં પોઇન્ટ ખૂબ સચોટ લખેલા એણે ક્યારે આટલો અભ્યાસ કર્યો અને ક્યારે પોઇન્ટ તૈયાર કર્યા ? ઉપરથી બધાં સ્ટાફની ખબર રાખી બધાં પાસેથી રીપોર્ટ લઇ રહી છે સાચેજ જીની છે.
સોહમ પ્રોજેક્ટમાં વ્યસ્ત થઇ ગયો. એને સમયનું ભાન ના રહ્યું... સાંજનાં 6 વાગી ગયાં અને સુરેશ ટ્રેમાં બે મોટાં મગમાં કોફી લઇ આવ્યો અને બોલ્યો “સર કોફી... મી જાતે.. કંઇ કામ નથી ને ?”
સુરેશનાં આવવાથી સોહમનું ધ્યાન ભંગ થયું એણે કહ્યું “છેક અત્યારે કોફી લાવ્યો ? નૈનતારા ક્યાં છે ?” સુરેશે કહ્યું “મેડમ ક્યાંક બહાર ગયેલાં હમણાંજ આવ્યાં છે એમણે બે કોફી તમારી ચેમ્બરમાં લાવવા કહ્યું બધો સ્ટાફ પણ ઘરે જતો રહ્યો.”
સોહમને આશ્ચર્ય થયું પણ કંઇ બોલ્યો નહીં “ભલે તું જઇ શકે છે.” સુરેશ બહાર નીકળ્યો અને નૈનતારાએ ચેમ્બરમાં હસતાં હસતાં એન્ટ્રી લીધી “કોફી આવી ગઇને ?” એણે પૂછ્યું.
સોહમે કહ્યું “2 કલાક પહેલાં કોફી મંગાવું છું કહીને તું ક્યાં અલોપ થઇ ગઇ હતી ? હમણાં કોફી આવી મેં મોટા ભાગનુ કામ પતાવી પણ દીધું.”
નૈનતારાએ આંખો લડાવતાં કહ્યું “અરે સર એ સમયે મને લાગ્યુ તમારો કોફી પીવાનો મૂડ નથી એટલે ના મંગાવી.. મેં મારું બધું કામ આટોપી લીધુ”. એનાં હાથમાં મોટી ત્રણ ફાઇલો હતી એ એણે સોહમનાં ટેબલ પર મૂકી.
સોહમે કહ્યું “આ ફાઇલો શેની છે ?” નૈનતારાએ કહ્યું “સર પહેલાં કોફી પીએ ઠંડી થઇ જશે પછી આપણે કામજ કરવાનું છે ને ? ઓવરટાઇમ શેનો કરવાનો છે ?”
સોહમે કહ્યું “સુરેશ કહેતો હતો બધો સ્ટાફ ઘરે ગયો. એ પણ ગયો. આપણેજ કામ કરવાનું છે ? કંઇ નહીં પહેલાં કોફી પી લઇએ.”
નૈનતારાએ સોહમની કોફી તૈયાર કરીને મગ આપ્યો પછી પોતાની બનાવી. સોહમે હળવાશથી બેસીને કોફી પીવા માંડી એની નજર નૈનતારા પરજ હતી નૈનતારા સામે જોતાં જોતાં જાણે કોફીથી એને નશો ચઢ્યો હોય એવી આંખો થઇ ગઇ.
નૈનતારાએ પૂછ્યું “સર કોફી બરાબર છે ને ?” સોહમે કહ્યું “મસ્ત... આવી કોફી મળે હું દિવસ રાત કામ કરી શકું..” નૈનતારાએ ચૂસ્કી ભરીને સોહમની ચેરની નજીક એની ચેર લીધી અને લેપટોપનાં સ્ક્રીન પર જોઇ રહી હતી એને સ્ક્રીનમાં....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-75