Street No.69 - 9 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ – 9

સ્ટ્રીટ નંબર 69

પ્રકરણ – 9

 

સુનિતા સોહમ સાથે વાત કરીને રૂમની બહાર નીકળી. સુનિતાના ગયાં પછી સોહમ પણ વિચારમાં પડ્યો કે સુનિતાની વાત સાવ કાઢી નાંખવા જેવી નથી. ન કરે નારાયણ આ તંત્રમંત્રનાં ચક્કરમાં હું અને મારું કુટુંબ કોઈ મુશ્કેલીમાં ના આવી જઈએ. અત્યારે બધું સારું લાગે છે પણ કોઈ એવી ઉપાઘી આવી તો શું કરીશું ?

સોહમે ઘડીયાળમાં જોયું એણે લેપટોપમાં પહેલાં પ્રોજેક્ટ અંગેની ડિટેઈલ્સ જોઈ લીધી પછી હજી બારમાં 10 મીનીટ બાકી છે જોયું એટલે બધાં પ્રોજેક્ટ પહેલેથી અંત સુધી ચેક કરી લીધો ... એ વિચારમાં પડી ગયો કે મંત્ર તંત્ર જંત્ર આ બધાથી આટલી બધી સિદ્ધિ મળે ? કોઈ અજાણ્યું બધું મારુ જાણી લે ? મારાં પ્રોજેક્ટ વિશે પણ જાણી લઈને એ સારામાં સારો તૈયાર કરી આપે ? આવી સિદ્ધિમાં આટલું બધું જ્ઞાન અને જાણવાની શક્તિ હોય ?ત્રિકાળનું જ્ઞાન થઇ જાય ? આમ હવામાંથી પૈસા હીરા મોતી ઘરેણાં સોનુ પ્રાપ્ત કરી શકાય ? એવું બધું થાયજ કેવી રીતે ? આ તાંત્રિક લોકોમાં આટલી બધી શક્તિ હોય ? આ નૈનતારા અઘોરણ બનવાની તો એનાં માટે એણે કેવું તપ કર્યું હશે ? કેટલો સંઘર્ષ ?કેવો સંઘર્ષ અને બલિદાન આપ્યાં હશે ? ક્યાં ક્યાં પોતે સમજણ કેળવી હશે ? સ્વીકાર કર્યા હશે ? કે કોઈ તાંત્રિકની સેવા કરીને એને ખુશ રાખીને મેળવ્યું હશે ?

સોહમને એનાં વિચારોમાં પણ કોઈ ઉકેલ કે સમાધાન ના મળ્યું... એણે ફરી ઘડીયાળમાં જોયું તો 12 વાગીને ઉપર પાંચ મિનીટ થઇ ગઈ હતી એણે નૈનતારાનો કાગળ જે ગડી કરેલો હતો એ ઉકેલ્યો અને નૈનતારાએ જે કંઈ લખ્યું હતું એ ધીરે ધીરે વાંચવાની શરૂઆત કરી. સોહમ જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ એની આંખો વિસ્ફારીત થતી ગઈ એનાં કપાળે તંગ રેખાઓ અંકિત થઇ ગઈ એનાં કપાળમાં અને ચહેરાં ઉપર પ્રસ્વેદ બિંદુઓ ફરી વળ્યાં એ વાંચતો રહ્યો અને ધીમે ધીમે પચાવી રહ્યો હતો છેલ્લી લીટી આવી એનો ચહેરો શાંત થઇ ગયો.

       સોહમે કાગળ એકવાર નહીં બેત્રણ વાર વાંચ્યો પછી નેપકીનથી ચહેરો લૂછ્યો. એણે એ કાગળ ફરી ગડી કરી મૂકી દીધો અને બીજો સફેદ કોરો કાગળ સાચવીને કવરમાં મૂકી દીધો. બંન્ને કાગળ કવરમાં મૂકીને એ બેડ પરથી ઉભો થઇ એનાં કબાટનાં ચોરખાનામાં સાચવીને મૂકી દીધો જેથી બીજા કોઈનાં હાથમાં આવે નહીં અને લોક કરી દીધું...

સોહમે લેપટોપ બંધ કર્યું અને એનાં સ્થાને મૂકી બેડ પર સુવા આડો પડ્યો. વાંચેલાં કાગળ અને અત્યાર સુધી જે ગતિવિધિ થઇ એનાં વિચાર કરતો કરતો સુઈ ગયો.

*****

બીજા દિવસે સોહમ દાદરથી એની રોજની લોકલમાં બેઠો... એ ઘરેથી નીકળ્યો ત્યારથી વિચારોમાં હતો એને ખુશ થવું કે દુઃખી થવું સમજાતું નહોતું પણ ટ્રેનમાં બેઠાં પછી એ થોડો સ્વસ્થ થયો. રોજનાં ચહેરાં એની નજર સામે આવ્યાં એજ રોજની ટોળી એની સાથેજ સ્ટેશનથી ટ્રેનમાં ચઢી હતી. ત્યાંજ પેલાં દિવાકરની નજર સોહમ પર પડી એણે પૂછ્યું ‘કાય સોહમ ? કૈસા હૈ ? આજ ઇતનાં ગુમસુમ કયું હૈ ?” સોહમે ચહેરો બનાવતા કહ્યું “નહીં નહીં સબ ચંગા હૈ દિવાકરભાઉ... આપ કૈસે હો ?”

દિવાકર સીધી વાત પર આવતાં કહ્યું “ક્યા તુમ વો અઘોરી પાસ ગયે થે ? આપને તો ઐસે પૂછા થા કી સીધા ઉસીકે પાસ જાઓગે?”  સોહમે કહ્યું "નહીં નહીં મૈને તુમસે જાણકારી લી થી પર અભી ગયા નહીં હું જાઉંગા કભી...”

દિવાકરને થોડું આશ્ચ્રર્ય થયું પણ કંઈ બોલ્યો નહીં બંન્ને જણાં ટ્રેનમાં અંદર ગયાં અને સામ સામી સીટ પરજ બેઠાં. દિવાકરને વહેમ પડ્યો કે સોહમ પાસે એવી કોઈ વાત છે પણ જણાવી નથી રહ્યો. એને જાણવાની ઉત્કંઠા હતી પણ કંઈ બોલ્યો નહીં... સોહમને વિચાર આવ્યો કે હું દિવાકરને વાત કરું ? મારી સાથે આવું થયું ?

દિવાકર સોહમનો ચહેરો જોઈને એને પકડી પાડ્યો અને બોલ્યો “સોહમ બતાને... ક્યાં બાત હૈ... કુછ તો હૈ જો તું બતા નહીં રહા... “ વૈસે હમારી ખાસ પહેચાન નહિ હૈ..ફિરભી તૂને મુઝે અપના સમઝકર પૂછ લિયા થા.. વૈસે મૈંને પૂછ લિયા.”

સોહમે આજુબાજુ બધે નજર કરી પછી એકદમ નજીક જઈને કાનમાં કહ્યું “બાદમેં બતાઉંગા સ્ટેશન આ જાયે... ઉતરને કે બાદ સબ બતાઉંગા કે મેરે સાથ... “

   દિવાકર સમજી ગયો એનાં ચહેરા પર સ્માઈલ આવી ગયું એણે કહ્યું “મુજે પતા થા કુછ તો હુઆ હૈ તું નહીં ગયા પર તેરે પાસ કોઈ આયા હૈ...”

સોહમે હાથનો ઈશારો કરી ચૂપ રહેવા કહ્યું અને બારીથી બહાર જોવા લાગ્યો એણે કહ્યું “ચર્ચગેટ સ્ટેશન આવી જાય પછી વાત.” સોહમને મનમાં થયું કોઈને કીધું હોય તો કંઈ મુશ્કેલી આવે તો એની મદદ લઇ શકાય ? હું એને જણાવું તો વાંધો તો નહીં આવે ને? મને કોઈ મુશ્કેલી નહીં પડેને ?

આમ વિચારતાં વિચારતાં એનું ચર્ચગેટ સ્ટેશન આવી ગયું દિવાકર સોહમની સાથે ને સાથે રહ્યો એણે એની સાથેનાં ગ્રૂપવાળાને કહ્યું “તમે આગળ જતા થાવ હું હમણાં આવું છું સોહમની ચા પીવાની છે” એમ કહીને હસ્યો. ટ્રેઈનમાંથી ઉતરીને સોહમ અને દિવાકર સાથે સાથે ચા નાં સ્ટોલ સુધી ગયાં એની સાથેનાં મિત્રો આગળ નીકળી ગયાં.

દિવાકરે બે ચા નો ઓર્ડર કર્યો. અને સોહમને કહ્યું ‘બોલ શું કહેવું છે ? જલ્દી કહે જે જોબ પર જવાનું છે પંચિંગ સમયસર કરવાનું હોય છે નહિતર હાફ ડે ગણાય જાય છે. “

સોહમે ચા લીધી અને બોલ્યો “દિવાકર... મને કાલે એક અઘોરણનો ભેટો થઇ ગયો...” દિવાકરે પૂછ્યું “ક્યાં ? કેવી હતી ? “

સોહમે કહ્યું “સ્ટ્રીટ નંબર 69... મારી ઓફીસ પાસે ત્યાંજ... “

 

 

વધુ આવતા અંકે પ્રકરણ -10

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED