Street No.69 - 5 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 5

સ્ટ્રીટ નંબર 69

પ્રકરણ - 5

 

સોહમ ઓફીસથી બહાર નીકળી સીધો બિલ્ડીંગની નીચે આવ્યો એ રોજ આ સ્ટ્રીટ નંબર 69માં જ આવતો ઓફીસ આવતાં જતાં કાયમ આ રસ્તાનોજ ઉપયોગ કરતો છતાં આજ સુધી એને આવો કોઈ ગજબ અનુભવ કદી નથી થયો.

સોહમે સ્ટ્રીટની અંદર તરફ જોયું... સ્ટ્રીટમાં ધીરે ધીરે અંધારું છવાઈ રહ્યું હતું એમાંય અંદર તો જાણે અંધારું વધુ ઘેરું હતું. એ ધ્યાનથી જોઈ રહ્યો હતો. એની ઓફીસનાં અને બિલ્ડીંગની અંદરનાં બીજા માણસો ધીમે ધીમે સ્ટ્રીટની બહાર તરફ નીકળી રહ્યાં હતાં. સોહમને કોઈની કઈ ખબર નહોતી એ અંધારાનાં ભાગમાં બે લાલ આંખો ચમકતી જોઈ એ જોઈને ચમક્યો... પણ ખબર નથી એ આંખોને વશીભૂત થતો એ આંખો તરફ પગલાં માંડી રહ્યો હતો. થોડે સુધી આગળ ગયો ત્યાં એ બે આંખો દેખાતી બંધ થઇ ગઈ.

સોહમને આંખો દેખાતી બંધ થઇ અને એ ધ્યાનભંગ થયો એ ઉભો રહી ગયો એને હવે અંધારુંજ દેખાતું હતું એ વિચારમાં પડી ગયો કે આગળ જવું કે ના જવું ?

એણે કાંડા ઘડીયાળમાં જોયું ઓહ 7:20 થઇ ગઈ એણે વિચાર્યું 7:00 લોકલ તો ગઈ હવે સ્ટેશન જવું નહીંતર ઘરે જવાનું લેટ થશે 8:00ની ફાસ્ટ પકડી લઈશ.

સોહમ ત્યાંથી પાછો વળી ગયો અને સ્ટેશન તરફ ડગ માંડ્યા. એણે એ આંખોનાં અને સ્ટ્રીટનાં વિચારો ખંખેર્યા. એને થયું હું આવી રીતે જીવ્યા કરીશ તો કામ કેમ ચાલશે ? મારે ઓફીસમાં સ્ટ્રગલ... બીજી બાજુ ઓનલાઇન ભણી રહ્યો છું ઘરમાં બે કુંવારી બહેનો છે. પાપાની ઉંમર થઇ જાય છે બે વર્ષમાં તો રીટાયર્ડ થઇ જશે આઈ એનાંથી થતું કરે છે. બે બહેનો જુવાન છે..... ભણવાનું ચાલુ છે એમનાંથી થતું એલોકો કરે છે. બે બહેતો જુવાન છે... ભણવાનું ચાલુ છે એમનાં ખર્ચ, મારો ખર્ચ, કુટુંબનાં ખર્ચ બધું કેવી રીતે પહોંચી વળવું ?

સોહમ આ બધાં વિચારોમાં પરોવાયો અને ઉદાસ થઇ ગયો. એણે વિચાર્યું આજે પેલી નૈનતારા છોકરી કોણ હતી ? એણે કહ્યું મને સિદ્ધિ મળી છે એનો પ્રયોગ કરું છું મારો પ્રોજેક્ટ કરી આપ્યો... આવું મને મળી જાય તો ? પણ એ માનવી... સ્ત્રી હતી કે પ્રેત - ચુડેલ ?

આમ વિચારતાં વિચારતાં સ્ટેશન પહોંચી ગયો ફરીથી એણે વાસ્તવિક જગતમાં ધ્યાન પરોવ્યું અને પ્લેટફોર્મ પર પહોંચી એણે ડીજીટલ બોર્ડ તરફ જોયું 8:00ની ફાસ્ટ આવવાની તૈયારીજ હતી. એ ટ્રેઈનની રાહ જોઈ રહ્યો અને થોડીકજ વારમાં ટ્રેઈન આવી ગઈ.

ટ્રેન આવી અને ઉતરનાર કરતા જવા માટે ધસારો વધારે હતો એ ટોળામાં એમજ ચઢી ગયો અને ઝડપથી જગ્યા દેખાતાં બેસી ગયો. આમતો એ 7 કે 7:30 લોકલ મોડામાં મોડી પકડીજ લે અને 8:30 સુધીમાં ઘરે પહોંચી જાય પણ આજે થોડું લેટ થયું હતું. સમયસર ટ્રેઈન પકડાય તો જનારાં ઘણાં મુસાફરોનાં ચહેરાં જાણીતાં લાગે કારણ કે રોજ બધાં જતાં આવતાં હોય અપડાઉન કરતાં હોય.

આજે લેટ હતો પણ એને થયું કંઈ નહીં કંઈ પણ થવા માટે ચોક્કસ કારણ હોય. અને એ ઝડપથી પસાર થતાં સ્ટેશન અને સ્થળો બારીમાંથી જોઈ રહ્યો હતો. એને વિચાર આવ્યો આવીજ ઝડપથી પેલી નૈનતારા મારી પાસેથી પસાર થયેલી... એ ફરીથી મળવા આવશે એવું કીધેલું એ આવશે ? એ કોણ હશે ? એને મનમાં ને મનમાં યાદ કરીને રોમાંચ થઇ રહ્યો હતો.

વળી પાછી એણે જોયેલી બે લાલ આંખો યાદ આવી ગઈ અને એને થોડો ડર લાગી ગયો એને થયું ત્યાં સ્ટ્રીટની અંદરની બાજુ કોઈક શક્તિ અથવા કોઈ તાંત્રિક છે જ ત્યાં અંદર નથી કોઈ દુકાન કે ઓફીસ ચાલતી કાયમ ત્યાં સુમસામ અને અંધાર પટ જેવું હોય છે ક્યારેક ત્યાં તપાસ કરીશ... કંઈક તો ગરબડ છે પેલો ટ્રેઈનમાં મળેલો દિવાકર એને શું બધી ખબર હશે ? એણે મને કહેલું કે દરિયાકાંઠા બાજુ કાર્ફ્ડમાર્કેટની પાછળ કોઈ અઘોરી છે શું આ જગ્યા પણ એમનુંજ સ્થાન હશે ? બધું જાણવું પડશે. એમની પાસે જઈને એવી વિદ્યા શીખી લઉં કે જીવનનાં બધાં દુઃખ મુશ્કેલી દૂર થઇ જાય...

   જોને પેલી નૈનતારાની સિદ્ધિએ મારાં કેવા કામ કરી દીધાં ? ક્યારેક મને પણ આવી સિદ્ધિ મળશે હું પણ... ત્યાં ટ્રેઈન ઉભી રહી દાદર સ્ટેશન આવી ગયું  સોહમની વિચાર શુંખલા બંધ થઇ અને ટ્રેનમાંથી નીચે ઉતર્યો અને રોજનાં રસ્તા તરફ ધ્યાન આપ્યું એ ઝડપથી ચાલતો ચાલતો સ્ટેશનની બહાર નીકળ્યો અને ચાલતાંજ ઘર પહોંચવાની ઉતાવળ કરવા લાગ્યો...

સોહમ ઘરે પહોંચ્યો અને હજી ઘરમાં પગ મૂકે છે અને ત્યાંજ એની બંન્ને બહેનો સુનિતા અને બેલા દોડી આવે છે અને બોલે છે “દાદા... આજે તમે અમારું મોટું કામ કરી દીધું આવી મસ્ત સરપ્રાઈઝ ? વાહ દાદા થેંક્યુ વેરી મચ... “

સોહમ ઘરમાં સૌથી મોટો પછી બે વર્ષ નાની સુનિતા અને એનાંથી બે વર્ષ નાની બેલા. ત્રણે ભાઈ બહેન વચ્ચે બે-બે વર્ષનો ફરક એટલે મિત્રની જેમજ વર્તતા . સોહમને એની બેઉ નાની બહેન ખુબ વહાલી હતી.

સોહમે આશ્ચ્રર્યથી પૂછ્યું “સરપ્રાઈઝ ? થેંક્યુ શેનાં માટે ? મેં એવું શું કર્યું છે ?” ત્યાં આઈ પણ સોહમની પાસે આવીને સોહમનાં માથે હાથ મૂકી કીધું “દીકરા સોહમ તું ખુબ લાગણીવાળો છે ઘરનું કેટલું ધ્યાન રાખે છે તારે નોકરીમાં કેટલો સંઘર્ષ કરવો પડે છે છતાં તું ... આજે તેં આ બંન્ને છોકરીઓ અને મારાં તથા તારાં બાબા માટે બધું મોકલ્યું છે બધાંજ ખુબ ખુશ છે.” બાબાએ કહ્યું “ સોહમને કોઈ લોટરી લાગી છે કે શું ? એકજ દિવસે આટલો બધાં ખર્ચ કરી દીધો ? બાબા અંદર રૂમમાં છે જા...”

સોહમ આવું બધું સાંભળીને આશ્ચ્રર્યચકિત હતો એણે વિચાર્યું મેં શું કર્યું છે ? કેમ મને બધા આવું કહે છે ? એ નવાઈ પામતો બાબાનાં રૂમમાં ગયો બાબા પેપર વાંચતા હતાં એમણે પેપર બાજુમાં મૂકી કહ્યું “સોહમ... કાય ઝાલા? લોટરી લગા ?” સોહમે કહ્યું “બાબા કેમ શું થયું ?” બાબાએ સોફા પર પડેલી ગીફ્ટ બતાવી એમાં સોહમ, બે બહેનો, આઈ અને બાબા માટેનાં કપડાં વગેરે હતું બહેનો અને માં માટે મોંઘા કોસ્મેટીક્સ હતાં...

સોહમ તો જાણે આઘાત પામી ગયો એને શું જવાબ આપવો ખબરજ ના પડી... એણે કહ્યું બાબા આતો સરે થોડું બોનસ ડીક્લેર કર્યું એટલે... ત્યાંજ બેલ વાગ્યો...

 

વધુ આવતા અંકે - પ્રકરણ 6

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED