Dashavatar - 81 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 81

          વિરાટ અનુજાની સામે તાકી રહ્યો. એના પિતા વજ્ર અને નિર્ભય  સેનાનાયક જગપતિ પણ એની પાસે ઊભા હતા.

          મા પાગલ થઈ ગઈ છે. લડાઈ અને અંતિમ સંસ્કારે એને પાગલ બનાવી દીધી છે.

          "અશક્ય, મા." એણે કહ્યું પણ એના શબ્દો માંડ માંડ બહાર આવ્યા, "તું જે કહે છે એ શક્ય નથી."

          વિરાટે હતાશ થઈને આકાશ તરફ જોયુ. એની ઉપર આકાશ પણ ગોળ ફરતું હોય એમ લાગ્યું. આકાશનો વાદળી રંગ અંતિમ સંસ્કારના ધુમાડાની કાળાશમાં બદલી રહ્યો હતો. ક્ષિતિજમાં સવારની લાલાશ હજુ દેખાતી હતી અને વિરાટના હૃદયમાંથી પણ એવું જ લાલ વહેતુ હતું.

          એની મા પછી કશું ન બોલી. કોઈ કશું ન બોલ્યું.

          વિરાટે ફરી આંખો બંધ કરી. એણે લાગણીને દબાવી દીધી. ફરી આંખો ખોલી ત્યારે એને લાગ્યું કે કોઈ ભારથી એનું હ્રદય કચડાઈ રહ્યું હતું. "તું મારી મા છો." એણે કહ્યું, "માની લો કે કદાચ હું કલ્કિ અવતાર છું પણ એનો અર્થ એ નથી કે હું તારો દીકરો નથી. અવતાર પણ કોઈનો દીકરો તો હોય છે.” એણે આંસુ લૂછ્યા, "શું અવતારને માતાપિતા ન હોઈ શકે?"

          "અવતારને પણ માબાપ હોય અને તારે પણ માતાપિતા છે." નીરદે કહ્યું, "પણ દીકરા, એ અમે નથી." નીરદ વિરાટને એટલી ઝીણવટથી જોઈ રહ્યો હતો કે વિરાટને એની આંખોનો સ્પર્શ હૂંફને બદલે ઠંડી અને ભય આપવા લાગ્યો.

          "ક્યાં?" એણે મોટેથી પૂછ્યું. "મારા માતાપિતા ક્યાં છે?"

          એક ક્ષણ માટે નીરદ મૌન રહ્યો. બધા મૌન રહ્યા અને વિરાટ ઇચ્છતો હતો કે બધા બસ એ રીતે જ મૌન રહે કેમકે એ આ બધું સાંભળવા નહોતો માંગતો. કદાચ આજે જે બન્યું એનાથી એ બધા પાગલ થઈ ગયા હતા.

          "દીવાલની ઉત્તરમાં." એણે કહ્યું, "તારા માતાપિતા દીવાલની ઉત્તરમાં છે. તું દીવાલની દક્ષીણમાં નહોતો જન્મ્યો.” એ શબ્દોએ સ્ટેશનમાં દેવતાએ કરેલા ઘા કરતા પણ વિરાટને વધુ વેદના આપી, “તું દીવાલની પેલી તરફ સંભલા નામના શહેરમાં જન્મ્યો હતો.”

          "દીવાલની ઉત્તરમાં...?" એણે પૂછ્યું. એના પિતા શું કહે છે એ સમજવામાં અસમર્થ વિરાટ મુઝવણ અનુભવતો હતો.

          એણે પોતાની જાતને જ ઠપકો આપ્યો. તારે શા માટે આવું પૂછવું જોઈએ? એણે જે સાંભળ્યું એ માનવા એ તૈયાર નહોતો. એના પિતાએ જે કહ્યું એ સાચું ન હોઈ શકે.

          જગપતિ અને ગુરુ જગમાલ એની નજીક આવ્યા. એમના ચહેરા પર વિચિત્ર ભાવ હતા.

          "શું તમે સાંભળ્યું મારા માતાપિતા શું કહે છે?" વિરાટે ગુરુની આંખોમાં જોઈને પૂછ્યું.

          "એ સાચા છે." જગપતિએ વિરાટના ખભા પર હાથ મૂકતાં કહ્યું, "તું દેવતાનો દીકરો છે." 

          વિરાટને થયું કે પોતે માત્ર કલ્પના કરી છે કે ગુરુએ આવું કહ્યું. એના હોઠ માંડ હલ્યા પણ અર્થ અસ્પષ્ટ હતો.

          એણે મુઠ્ઠીઓ બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો. એણે પોતાની જાતને શાંત રાખવા કોશિશ કરી પણ એ શાંત ન રહી શક્યો.

          "હું દેવતાનો દીકરો છું?" એ શબ્દો બોલવા એને કડવા લાગ્યા, "હું નિર્દય જાનવરનો દીકરો ન હોઈ શકું." એને લાગ્યું કે એ ગુસ્સાંમાં છે પણ હકીકતમાં એના હ્રદયમાં ગુસ્સા કરતા નફરત વધારે હતી.

          "તારા પિતા એમના જેવા નથી." જગપતિએ સમજાવ્યું, "તારી મા એક દેવી છે."

          વિરાટ એટલો ગુસ્સામાં અને ઉદાસ હતો કે એણે જોરથી રાડ પાડી દીધી, “ના..... હું દેવતાની ઓલાદ ન હોઈ શકું.”

          "આ હકીકત છે."

          એ એક ડગલું પાછળ ખસી ગયો, "તો પછી હું એમની સાથે કેમ નથી?" એણે પૂછ્યું, એનું ગળું સુકાતું હતું અને એ રડવાની અણી પર હતો.

          "જ્યારે તું જન્મ્યો ત્યારે તું દેવતાઓના બાકીના બાળકો કરતા અલગ હતો. તારા શરીર પર લીલી નસો નહોતી. તારી આંખો માનવ આંખો જેવી સ્પષ્ટ હતી. એમાં લાલ નસો નહોતી." જગપતિએ શાંતિથી કહ્યું. હવે વિરાટે એમની વાત સાંભળવાનું શરૂ કર્યું. 

          જગપતિએ થોભ્યા વિના આગળ કહ્યું, “તારા પિતા એવી વ્યક્તિ છે જેને જૂના પુસ્તકોનું જ્ઞાન છે અને એ જાણતા હતા કે તું અવતાર છો. એ જાણતા હતા કે કારુ પણ દિવ્ય-બાળકની ભવિષ્યવાણી વિશે જાણે છે. જો કારુ કે બીજા દેવતાઓ તારા વિશે જાણશે તો એ તને મારી નાખશે એ હકીકત હતી અને તારા પિતા એ જાણતા હતા. તારી મા તને જુએ એ પહેલા તારા પિતાએ તને ચોરી છુપીથી પાટનગર બહાર નીકાળી દીધો.” એણે થોડીવાર થોભીને એક ઊંડો શ્વાસ લીધો, “તારા પિતા દીવાલની દક્ષીણથી આવતા શૂન્યોના મનની દૈવી પરીક્ષા લેવાનું કામ કરતા હતા એટલે એમને નિરદ અને અનુજા જ્ઞાની છે એ ખબર હતી પરિણામે તને નીરદ અને અનુજાને આપવાનું નક્કી કર્યું. બાગી નિર્ભય સિપાહીઓએ તને આગગાડીમાં અહીં લાવવામાં મદદ કરી અને તારા પિતાને મારા મારફત તારા વિશે દરેક સમાચાર મળતા રહ્યા.”

          સૂરજની આસપાસ એક વાદળ છવાઈ ગયું અને જગપતિના ચહેરા પર પડછાયા નાચવા લાગ્યા. એ હજુ પણ વિરાટ સામે જોઈ રહ્યો હતો, "આ સત્ય છે, વિરાટ."

          વિરાટ પાસે કહેવા માટે કોઈ શબ્દો નહોતા. એક ક્ષણ માટે જગપતિ કંઈક વધુ બોલવા માંગે છે એમ લાગ્યું પણ પછી એણે હવામાં હાથ ઉછાળ્યા અને ઉપરના કાળા વાદળની છાયામાં વિરાટ તરફ પોતાનો હાથ લંબાવ્યો અને એને ગળે લગાવ્યો.

          વિરાટ થોડીવાર એમ જ એને ગળે વળગી રહ્યો અને પછી પૂછ્યું, "મારા પિતા આપણને મદદ કરવા કેમ ન આવ્યા?" આ એ પ્રશ્ન હતો જે એણે ક્યારેય પૂછવાની કલ્પના પણ કરી નહોતી પણ સત્ય એ હતું કે જો એ આ પ્રશ્ન પૂછતો હોય તો એ સ્વીકારી રહ્યો હતો કે એ એના શૂન્ય માતાપિતાનો દીકરો નથી.

          જગપતિ અને બાકીના લોકો એને જોઈ રહ્યા હતા. 

          "હું જાણું છું કે તારા માટે આ સ્વીકારવું મુશ્કેલ છે." જગપતિએ કહ્યું  જાણે કે એ વિરાટ શું વિચારી રહ્યો છે એ જાણતો હોય, "તારા પિતાએ આપણને મદદ કરી છે. હવે તારા પિતા પાટનગરમાં ઉચ્ચ હોદ્દા પર છે. જ્યારે તારી તાલીમના સમાચાર પાટનગર પહોંચ્યા ત્યારે તારા પિતાએ જ મને એ વિશે ખબર આપી હતી.”

          "એ બધું શી રીતે જાણતા હતા?"

          "અમને ખબર નથી કે કેવી રીતે પરંતુ એક અથવા બીજી રીતે એ સમાચાર મેળવે છે." એણે કહ્યું, "જો તારા પિતાએ મને ચેતવણી ન આપી હોત તો હું મારી આખી ટુકડીને એકઠી ન કરી શક્યો હોત અને દીવાલની અંદર લોકોને મારવા આવતી ટુકડીમાં અમે ભળી શક્યા ન હોત."

          "મારી મા વિશે શું?" વિરાટે પૂછ્યું.

          “એ તને શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે. એ ખરાબ લોકો સાથે કામ કરે છે અને આજકાલ એની પોતાની એક ગેંગ છે જેમાં કેટલાક દેવતાઓ છે જે કાયદામાં નથી માનતા. એની પાસે બાગી નિર્ભયની એક સેના છે. પાટનગરના લોકો માતેય નામથી ધ્રુજી ઉઠે છે. તારા પિતાને એના પર ભરોસો નથી એટલે એમણે હજી સુધી એને સત્ય કહ્યું નથી.” જગપતિએ કહ્યું.

          વિરાટ અનુજા પાસે ગયો કારણ કે એની પાસે જગપતિને પ્રશ્ન કરવા માટે બીજું કંઈ નહોતું.

          "તમે મને આ બધું કેમ કહ્યું?" એ એને બાજી પડ્યો, "તમારે મને કહેવું જ ન જોઈએ." એનો અવાજ ગૂંગળાતો હતો.

          "જો એ જરૂરી ન હોત તો અમે ક્યારેય ન કહ્યું હોત." અનુજાએ કહ્યું, "તું દીવાલની ઉત્તરમાં જઈ રહ્યો છે અને ત્યાં દુશ્મનો તારી રાહ જોઈ રહ્યા છે. તારે એ જાણવાની જરૂર છે કે ત્યાં એવા માણસો પણ છે જેના પર તું વિશ્વાસ કરી શકે છે."

          "મને ખબર નથી કે સત્ય શું છે." વિરાટે કહ્યું, "પણ તું હજુ મારી મા છો."

          "હું છું." અનુજાએ કહ્યું, "પણ આ ભાવુક થવાનો સમય નથી. આપણે યુદ્ધને આરે છીએ. તમામ લોકોનું જીવન તારા પર નિર્ભર છે. જા અને વિજય મેળવ.”  અનુજાનો અવાજ મક્કમ હતો, "અને આ વખતે હું જાણું છું કે તું પાછો આવીશ. ફક્ત મારા માટે નહીં પરંતુ તારા પર વિશ્વાસ કરતા તમામ લોકો માટે તું પાછો આવીશ."

           અનુજાએ યુદ્ધની યાદ અપાવી વિરાટને ભાવનાત્મક ગૂંગળામણમાંથી બહાર આવવામાં મદદ કરી. એણે આંખો લૂછતાં કહ્યું, "હું પાછો આવીશ અને એ પછી કોઈ દીવાલ, કોઈ વિભાગ નહીં હોય, કોઈ જન્મજાત મજૂર નહીં હોય, કોઈ જન્મજાત વેપારી નહીં હોય અને દરેકને બહાદુરી બતાવવાનો અધિકાર હશે. બધા સમાન હશે, કોઈ ભેદભાવ નહીં હોય. સાચા ધર્મનું શાસન હશે અને લોકો એ યુગને સત્યયુગ તરીકે ઓળખશે.”

           વિરાટે એની માને એક વચન આપ્યું હતું - એ જ વચન એણે એના લોકોને એમની ગેરહાજરીમાં એક પણ શબ્દ બોલ્યા વિના આપ્યું હતું.

           "તારે હવે જવું જોઈએ." જગપતિએ કહ્યું, “આગગાડીમાંથી મોટરસાઇકલ લે. ત્રીજી કારની અંદર દસ મોટરસાઇકલો છે.”

           વિરાટે ગુરુ જગમાલ નજર કરી. એમની આંખોમાં પાણી હતું. એ કશું બોલ્યા નહીં, એક શબ્દ પણ નહીં.

          જગપતિએ એની ટુકડીના બે ભાગ પાડ્યા. એક ભાગ દીવાલની અંદર રહ્યો અને બીજો વિરાટ સાથે ગયો. વજ્ર અને તારાએ વિરાટ સાથે જવાનું નક્કી કર્યું. એમણે દક્ષા અને સમ્રાટને ગુમાવ્યા હતા તેથી એ ટુકડીમાં કુલ આઠ તાલીમાર્થીઓ હતા. વજ્રના પિતા તરફથી પંદર નિર્ભય એમની ટુકડીમાં આવ્યા હતા. એ ત્રેવીસ લોકો હતા. બધાને મૌન વિદાય આપીને એમણે સ્ટેશન તરફ પ્રયાણ કર્યું.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED