દશાવતાર - પ્રકરણ 78 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

દશાવતાર - પ્રકરણ 78

          સુંદર દેખાતી છોકરી... પદ્મા મનોમન હસી.

          લોક હજુ પણ મૂર્ખની જેમ ઊભા હતા. એમના હથિયારો એમના હાથમાં ચુસ્ત પકડેલા હતા. એ ગમે તે પળે હિંસક બની જશે એમ લાગતું હતું.

          "કેવો સોદો?" લોકમાંથી એકે એની તલવાર હલાવીને પૂછ્યું. એ માનસિક રીતે અસ્વસ્થ લાગતો હતો. પદ્માને લાગ્યું કે એ ખતરનાક છે.

          “એક સોદો જે આપણને ભાગીદાર બનાવે છે. એ આપણને સહકાર આપશે અને આપણે એમને સહકાર આપીશું.” ભૂપતિ ગૃહની મધ્યમાં આવ્યો, "એ બધા કોઈ પણ જાતના પ્રતિકાર વગર પાળેલા બકરાની જેમ આપણી સાથે આવશે અને એમના સારા વર્તનના બદલામાં આપણે એમને મારીશું નહીં." ભૂપતિએ અવાજને ઊંચો કરીને કહ્યું. એ જાણતો હતો કે એના લોકો તેનો નિર્ણય સ્વીકારશે નહીં.

          "શું આપણે એમનામાંથી કોઈને નહીં મારીએ?" લોકમાંથી એકે પૂછ્યું. એ હજુ પણ ગુસ્સામાં હતો. એ અવિશ્વસનીય રીતે ક્રૂર દેખાઈ રહ્યો હતો.

          "હા, એમાંથી કોઈને નહીં મારીએ." ભૂપતિએ એની સામે જોયું, માથું હલાવ્યું અને કડક અવાજે કહ્યું.

          "એ છોકરાનું શું જેણે અમારા નેતાને માર્યો અને અમારા લોકોનું અપમાન કર્યું?" બીજા એક બૂમ પાડી અને એની લાકડી જમીન પર પછાડી. એ અસંતુષ્ટ લાગતો હતો.

          પદ્માની હથેળીઓમાં પરસેવો વળી ગયો હતો.

          “ધીર.” ભૂપતિએ હાકલો કર્યો, “તને નિયમોની ખબર નથી?

          "મને ખબર છે." ધીરે કહ્યું.

          "શું તું નથી જાણતો કે લોક પ્રજામાં આક્રમક વર્તનને મંજૂરી નથી?"

          “હા, પણ સમયની સાથે આપણે નિયમોમાં ફેરફાર કરવો જોઈએ.” એણે બેવડા ગુસ્સા સાથે જવાબ આપ્યો, “આ છોકરાએ લોકને કૂતરાં કહીને અપમાન કર્યું છે જેની  સજા થવી જોઈએ.”

          "એને સજા થવી જોઈએ." બીજા પણ બૂમો પાડવા લાગ્યા.

          "એ આપણા ભાગીદાર ન બની શકે."

          "એ મિત્રો નથી."

          આ ટિપ્પણીથી પદ્માને દુઃખ થયું. એને લાગ્યું કે આ બધા અમને મારી નાખશે. એણે ભૂપતિની પ્રતિક્રિયા જોવા એની તરફ જોયું.

          "આપણે એમને મારી નાખવો જોઈએ." નીને કહ્યું. બાકીના બધા ચૂપ થયા પછી એણે ઉમેર્યું, "કમસેકમ અડધા લોકોને તો આપણે મારી નાખવા જોઈએ." 

          "શેના માટે?" ભૂપતિએ  પૂછ્યું. એના અવાજથી પદ્માની ચિંતા ઓર વધી.

          "કારુ આપણા બાળકોને શા માટે મારી નાખે છે?" નીને જવાબ આપવાને બદલે પૂછ્યું.

          "મને ખબર નથી." ભૂપતિએ સ્વીકાર્યું.

          "પણ હું જાણું છું." નીન હસ્યો, "એ આનંદ માટે એમને મારી નાખે છે."

          "તો?" ભૂપતિએ પૂછ્યું.

          "આપણે ભગવાનને અનુસરવું જોઈએ."

          "શું તું પાગલ થઈ ગયો છે?" ભૂપતિ બરાડ્યો, "આપણે સારા માણસ છીએ."

          "અને દુઃખી પણ..." નીને કહ્યું, "તમે નિર્ભયને ભગવાનને અનુસરવાનું શરૂ કર્યા પછી જીવનનો આનંદ માણતા નથી જોયા?"

          "નીન સાચું કહે છે." એક ઉગ્ર દેખાતા લોક માણસે કહ્યું, "આપણે એમની જેમ ક્રૂર બનવું જોઈએ તો આપણે પણ આનંદથી જીવીશું."

          “રોલા, હું નેતા છું અને મેં કહ્યું કે આ લોકો હવે આપણા ભાગીદાર છે.” ભૂપતિનો અવાજ કડક હતો, “હવે સાંભળ, એ આપણને સહકાર આપશે અને આપણે એમને સહકાર આપીશું. આ સોદો છે અન્યથા ઘણા મૃત્યુ થશે.” ભૂપતિએ તલવાર કાઢી, "મેં આ શૂન્યો સાથે કરાર કર્યો છે."

          “ઠીક છે.” રોલાએ કહ્યું, “ઠીક છે, પણ એ છોકરાનું શું?” એણે આશ તરફ ઈશારો કર્યો, "આપણો કાયદો કહે છે કે એને સજા થવી જોઈએ."

          "બસ તારું મોઢું બંધ રાખ અને મને પાટનગરમાં મારા લોકો માટે મકાનની વ્યવસ્થા કરવા દે." ભૂપતિએ એ જ રોષમાં કહ્યું, "હવે કોઈ એક શબ્દ બોલવાની હિંમત કરશે તો પરિણામ માટે એ પોતે જવાબદાર રહેશે."

          એના માણસોએ માથું હલાવ્યું.

          "આપણે એમને ખોરાક આપવો જોઈએ."

          "પાગલ છે?" નીને કહ્યું, "આપણે એમને કેમ ખોરાક આપીએ?"

          “તું તારું મોં બંધ કરી દે નહિતર હું તારી શાપિત જીભ કાપી નાખીશ.” ભૂપતિએ ચેતવણી આપી, “તું મૂર્ખ, શું તું સમજી નથી શકતો કે એમને ચાલવા માટે શક્તિની જરૂર છે?” એણે ગુસ્સાથી જમીન પર લાત મારી, "શું આપણે એમને આપણી પીઠ પર ઊંચકીને લઈ જઈશું?"

          "અને છોકરાની સજા?" 

          "જો એ ફરી કોઈ દુ:સાહસ કરશે તો હું એને જાતે સજા કરીશ."

          પદ્માએ લોકમાંથી નિરાશાજનક ગણગણાટ સાંભળ્યો.

          "હવે આપણે બહાર જઈએ અને ગાંજાની મજા માણીએ." ભૂપતિએ એના ખિસ્સામાંથી એક ચિલમ કાઢી, "આપણે પાટનગરમાં આવનારા ભવિષ્યનો આનંદ માણવો જોઈએ."

          બધા ખુશ થયા. એમાંથી અડધાએ બૂમ પાડી, "આપણે આનંદ કરવો જોઈએ."

          "આ બધા ઉપર કોણ નજર રાખશે?" અવાજ શાંત પડતાં રોલાએ પૂછ્યું.

          “મારા બાળકો.” ભૂપતિએ કહ્યું અને મૌન ઊભેલા પેલા યુવાન છોકરા-છોકરી તરફ જોયું, “તમે બંને એમની ઉપર નજર રાખો. અમે બહાર આનંદ કરીએ છીએ.”

          "પણ..." કિશોરી એમની સાથે એકલા રહેતા ડરતી હતી, "જો એ અમારા પર હુમલો કરે તો શું?"

          "અમે વધુ બે વૃક્ષો ઉગાડીશું." એક માણસે કહ્યું અને એ સાથે લોક પ્રજાના માણસો હસી પડ્યા.

          "બે બાળકોની કાળજી લેવા કરતા બે વૃક્ષોની કાળજી લેવી સરળ રહેશે." સૌથી કદરૂપો એક આદમી બોલ્યો. એનો ચહેરો ભયંકર હતો. એના ડાબા ગાલ પર જૂનો ઘા હતો.

          પદ્માને ખાતરી થઈ ગઈ કે લોક પ્રજા પાગલ થઈ ગઈ છે. એ એમના ખોવાયેલા બાળકોની યાદનો ઉલ્લેખ કરીને હસતા હતા. એને સમજાયું એ પાગલ લોકોથી બચવું કેટલું મુશ્કેલ બની રહેશે. કંઈક અણધાર્યું થવાનો ભય એને સતાવતો હતો.

"અમી, હું તારું માથું કાપી નાખું એ પહેલાં તારું ગંદું મોં બંધ કરી દે." ભૂપતિ આ ટિપ્પણીઓ પર પોતાનો ગુસ્સો રોકી ન શક્યો, "શું હું નેતા નથી?"

          "મને આવા મૂર્ખ પ્રશ્નો ન પૂછ." અમી જેણે છેલ્લી ટિપ્પણી કરી હતી એણે કહ્યું, "એક નેતા તરીકે તું અમારી પાસેથી શું અપેક્ષા રાખે છે? શું અમે તારી સેવા કરીએ?"

          ભૂપતિનો ગુસ્સો વધ્યો, "તને જે કરવાનું કહેવામાં આવ્યું છે એ કર. મેં તને તારા ગંદા મોંને બંધ રાખવા માટે કહ્યું છે." એણે દીવાલ પર મુક્કો માર્યો, "હું તારા જેવા મૂર્ખ પાસેથી એટલી જ અપેક્ષા રાખું છું."

          પદ્માએ જોયું કે ભૂપતિ અને અમી બંને ગુસ્સાથી સળગતા હતા. ગૃહમાં તણાવ સ્પષ્ટ દેખાતો હતો.

          "ભુપતિ, હવે તારે જાણવું પડશે કે અમે તારી પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ." બીજો એક આગળ વધ્યો અને ભૂપતિની નજીક સરક્યો. એના હાથમાં છરી હતી અને એની આંખોમાં ગુસ્સો હતો.

          "બસ તારું મોં બંધ રાખ." ભૂપતિએ બૂમ પાડી, "હવે બધા મોં બંધ રાખશે, જો કોઈ દલીલ કરશે તો હું એનું ગળું કાપી નાખીશ."

          "મને નથી લાગતું કે તું એમ કરી શકે." કોઈએ કહ્યું અને પછી બે વધુ બોલ્યા. એક રોલા પાસે ઊભો હતો અને બીજો અમીની પાછળ ઊભો હતો.

          "શું તમે તપાસવા માંગો છો?" ભૂપતિએ આંખ ઝીણી કરીને પૂછ્યું. પછી થોડીક સેકન્ડો સુધી કોઈ એક શબ્દ પણ ન બોલ્યું. પદ્માને એની છાતીમાં ગભરાટ વધતો લાગ્યો.

          "કેમ નહિ?" અમી હસ્યો. કેટલાક બીજા પણ બબડ્યા, "અમારે એ તપાસવું છે."

          પદ્માને એના શરીરમાંથી રહી સહી શક્તિ પણ ચાલી ગઈ હોય એમ લાગ્યું. એણે ગૃહમાં દરેક શૂન્યની આંખોમાં ડર જોયો.

          “તો પછી આગળ વધો અને તપાસો.” ભૂપતિએ રાડ પાડી અને પદ્માનું હૃદય જોરથી ધબકવા લાગ્યું.

          અમીનો હાથ એની પીઠ પાછળથી બહાર આવ્યો. હવે એના હાથમાં એક છરી ચમકતી હતી.  ભૂપતિ એક પગલું પાછળ ખસ્યો અને અમીએ વીંઝેલી છરી એનું લક્ષ ચૂકી ગઈ. ભૂપતિએ ડાબા હાથથી છરીનો વળતો ઘા અટકાવ્યો અને બીજા હાથે અમીના ચહેરા ઉપર પકડ લઈને એને જોરથી હડસેલ્યો..

          ધડામ કરતો અમી નીચે પટકાયો. એની પીઠ જમીન સાથે અથડાઈ.

          લોક પ્રજામાંથી બીજા બે લોકો ભૂપતિ તરફ આગળ વધ્યા પણ એ એની પાસે પહોંચે એ પહેલાં એમણે ભૂપતિને અમીની નજીક જતો અને અમીની પીઠ પર પગ રાખીને ઊભો રહેતો જોયો. એ દૃશ્યથી એમની હિંમત તૂટી ગઈ.

          "જે આગળ આવશે એની સાથે હું આ જ કરીશ." ભૂપતિએ કહ્યું, "તમે બધા લોક સિવાય બીજું કંઈ નથી અને હું તમારો નેતા છું. જો તમે વધુ એક શબ્દ પણ બોલવાની હિંમત કરી તો હું તમારા હાડકાં તોડી નાંખીશ"

          “હવે ઉઠ મૂર્ખ માણસ અને ચાલ ગાંજો પીવા જઈએ.” ભૂપતિએ એની પીઠ પરથી એનો પગ ખસેડી લીધો અને એની તરફ હાથ લંબાવ્યો, “ફરી ક્યારેય મારી સાથે લડવાની હિંમત ન કરતો, ક્યારેય નહીં.”

          અમી એના હાથનો ટેકા લઈને ઊભો થયો, "હું સોગન લઈને કહ્યું છું, ભૂપતિ, ફરી હું ભૂલ નહીં કરું." એની પીઠમાં હજુ પીડાના સણકા ઉપડતા હતા.

          ભૂપતિએ કઈ જવાબ ન આપ્યો. એ દરવાજા તરફ આગળ વધ્યો. બધા એક પછી એક દરવાજા બહાર નીકળી ગયા. છેલ્લો ભૂપતિ હતો. એણે દરવાજાની બહાર પગ મૂક્યો પણ બીજી જ ક્ષણે એણે ગૃહમાં ડોકિયું કર્યું, “બાળકો...” એણે એના બાળકો તરફ નજર કરીને કહ્યું, “જો એમની પાસે પૂરતું ન હોય તો એમને ખાવા માટે કંઈક આપો અને હા, આ છોકરી જે પણ કહે એ ધ્યાનથી સાંભળો."

          એણે ગૃહમાં બેઠા દરેક તરફ જોયું, "સફર માટે તૈયાર થઈ જાઓ." એટલું કહી એ દરવાજો બંધ કરી નીકળી ગયો.

          બધાની નજર પદ્મા તરફ ફરી. બધા શૂન્યો એ જાણવા માટે ઉત્સુક હતા કે એની અને ભૂપતિ વચ્ચે શું સોદો થયો છે. એ જાણતા હતા કે પદ્મા કંઈક રમત રમે છે. પદ્માએ એમને ખાતરી આપી કે જે પણ સોદો થયો છે એ ફાયદારૂપ છે.

          ભૂપતિનો દીકરો દેખાવે અંગદ જેવો જ લાગતો હતો. એ ઉંચો અને મજબુત હતો પણ હજુ એની ઉમર અંગદ જેટલી નહોતી. એનો ચહેરો લોક પ્રજા કરતાં નિર્ભય સિપાહીઓના ચહેરા સાથે વધુ મેળ ખાતો હતો. એ શૂન્યોને ગૃહની અંદરના એક બીજા દરવાજાથી ઇમારતમાં ઊંડે દોરી ગયો. ભૂપતિની દીકરી શૂન્યો નજીક ગઈ ત્યારે એના ચહેરા પર એક ઉદાર સ્મિત હતું. પદ્માને એના એ રહસ્યમય સ્મિતનું કારણ સમજાયું નહીં. એકવાર ભૂપતિ અને બાકીના લોકો ગૃહમાંથી બહાર નીકળ્યા પછી શૂન્યોના ચહેરા પર રાહત દેખાતી હતી. પદ્માએ જોયું કે ખુદ ભૂપતિના દીકરા અને દીકરીના ચહેરા પર પણ રાહત દેખાતી હતી. ભૂપતિની દીકરી આશની નજીક જઈને અટકી. એણે હસીને પૂછ્યું, "તું ઠીક છે?"

          "લગભગ જીવતો છું." એણે જવાબ આપ્યો, "તારું નામ શું છે?"

          પદ્માએ એની પાસેથી એવા મૂર્ખ પ્રશ્નની અપેક્ષા નહોતી રાખી. એને થયું કે એ છોકરી જવાબ નહીં આપે પણ એ હસીને બોલી, "હું મોટાભાગે ભૂગર્ભમાં રહું છું પરંતુ હવે હું સત્તામાં છું. મારા લોકો મને ચરિતા તરીકે ઓળખે છે."

          આશ કશું બોલ્યો નહીં. એ ચરિતાને જોઈ રહ્યો. કોણ જાણે કેમ ચરિતા પણ એના ભાઈ જેમ અલગ લાગતી હતી. એનામાં લોક પ્રજાના કોઈ લક્ષણ નજરે ચડતા નહોતા.

          "શું તમારી પાસે પૂરતો ખોરાક છે?" ચરિતાએ પૂછ્યું ત્યારે દરેક શૂન્ય એની તરફ જોઈ રહ્યો હતો. એ વિચિત્ર હતી. એની ઉંચાઈ સામાન્ય હતી પણ બાંધો લોક પ્રજા જેવો નબળો નહોતો. પદ્માએ નિર્ભય છોકરી જોઈ નહોતી પણ જો એની કલ્પના ખોટી ન હોય તો એ નિર્ભય છોકરી જેવી લગતી હતી. એનો અવાજ નિર્ભયના જેવો રૂઆબદાર હતો, એની આંખો ધારદાર હતી, એનું કપાળ પહોળું હતું અને એની લાંબી આંગળીઓ મજબૂત હતી. જો એ નિર્ભયના પરિધાનમાં હોત તો કોઈ નકારી ન શકે કે એ એક નિર્ભય છે.

          દરેક શૂન્યએ એમના થેલા તપાસવાનું શરૂ કર્યું.

          ચરિતાએ કહ્યું, "કોઈ પણ હથિયાર લેવાનો કે કોઈ યુક્તિ કરવાની કોશિશ ન કરશો. મારા પિતા બહાર છે. તમે અમારી ઇચ્છા વગર આ મકાન નહીં છોડી શકો."

          "એણે જે કહ્યું એ તમે સાંભળ્યું?" પદ્માએ ઊભા થઈને કહ્યું, "મારે એના પિતા સાથે સોદો થયો છે."

          "ખરો સોદો શું છે?" ચરિતાએ પૂછ્યું, "અમને કહો."

          પદ્મા અચકાઈ. એ હજુ ચરિતા સાથે પરિચિત નહોતી.

          "અમને કહો." ચરિતાએ સ્મિત વેર્યું, "જો એ ગાંજો પીતા હોય તો હું તમને ખાતરી આપું છું કે આપણી વાત કોઈ સાંભળતું નથી."

          "આ લોકો ભૂખ્યા છે. પહેલા એમને કંઈક ખાવાનું આપવું જોઈએ." ચરિતાનો ભાઈ ગૃહમાં પ્રવેશ્યો. એના હાથમાં એક મોટી થેલી હતી, "તમને ભોજન આપનાર પર તમે ભરોષો કરી શકો છો."

          એ ઉંચો હતો અને એની ચામડી ઘઉંવર્ણી હતી. એની આંખો અને રીતભાત એની બહેન જેવા જ હતા. એના મોટાભાગના લક્ષણો નિર્ભયના હતા.

          “ઠીક છે.” એ ગૃહની મધ્યમાં ગઈ. દરેક શૂન્ય એને સાંભળી શકે એ રીતે બોલી, “તારા પિતા અમને બચાવવાના છે અને બદલામાં મેં તને અને તારા ભાઈને અમારી સાથે લઈ જવાનું વચન આપ્યું છે.”

          "ક્યાં?"

          "દીવાલની દક્ષીણમાં."

          "હું મારા પિતાને છોડીને ક્યાય નહીં જાઉં." ચરિતા બોલી, "જો આ યોજના છે તો યોજનાને ભૂલી જાઓ."

          "તારા પિતા પણ આપણી સાથે આવશે." પદ્માએ કહ્યું, “હવે જો તને સંતોષ થયો હોય તો અમને ભોજન આપ. અમારો અડધો ખોરાક ભીનો થઈ ગયો છે જે ખાવા લાયક નથી રહ્યો."

          "હા." એ હસી, "અને તમે લોકો ભૂખી ભૂતાવળ જેવા દેખાઓ છો." એણે એના ભાઈને કહ્યું, "રેયાંશ, એમને ભોજન આપ."

          દરેક શૂન્ય ગૃહની મધ્યમાં બેઠો. જેમ એ દીવાલની દક્ષીણમાં મેળાવડા સમયે એક વિશાળ વર્તુળ બનાવીને બેસે એમ બેઠા. રેયાંશ અને ચરિતાએ એમને ભોજન આપ્યું અને પછી કેન્દ્રમાં જઈને એમની વચ્ચે બેઠા.

          "આ અનાજ નથી." એક શૂન્યે કહ્યું અને બધી આંખ એની તરફ ફેરવાઈ. એ વાંકડિયા વાળવાળો યુવક હતો, "આ પાંદડા અને ઝાડની છાલ છે જે આપણે ન ખાવું જોઈએ."

          “હા, આ જ છે.” ચરિતાએ કહ્યું, “છેલ્લા મહિનાથી શહેરમાં કોઈ ખોરાક આવ્યો નથી. જાણે કારુ આ શહેરને ભૂલી ગયો છે. અમારી પાસે ખાવા માટે કંઈ નથી એટલે જ દયાળુ લોકો બદલાઈ રહ્યા છે.”

ક્રમશ:

રેટ કરો અને રિવ્યુ આપો

Heena Suchak

Heena Suchak 4 અઠવાડિયા પહેલા

Deepaji Darji

Deepaji Darji 2 માસ પહેલા

Rajesh Maheta

Rajesh Maheta 2 માસ પહેલા

Ravish Jain

Ravish Jain 2 માસ પહેલા

Satyam Pujari

Satyam Pujari 2 માસ પહેલા