પ્રારંભ - 25 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 25

પ્રારંભ પ્રકરણ 25

કેતન પોતાના ભાવિનું માર્ગદર્શન લેવા માટે સ્વામી ચેતનાનંદ પાસે ઋષિકેશ આવ્યો હતો અને એમની કુટિરમાં બેસીને સ્વામીજી સાથે વાર્તાલાપ કરી રહ્યો હતો.

સ્વામીજીએ એને કહ્યું કે જામનગર જવાની કોઈ જરૂર ન હતી. સૂક્ષ્મ જગતમાં તો ગુરુજીએ એને જામનગર એટલા માટે મોકલ્યો હતો કે એના પૂર્વ જન્મ સાથે સંકળાયેલા સાવંત અને હરીશ સૌરાષ્ટ્રમાં જન્મ્યા હતા એટલે સાવંતને પોતાના કર્મોની સજા આપવા માટે આ જન્મમાં કેતનને નિમિત્ત બનવું જરૂરી હતું !

સ્વામીજીનો જવાબ સાંભળીને કેતનને સંતોષ તો થયો પરંતુ પોતાના હવે પછીના ભાવિ વિશે એની ચિંતા ચાલુ જ હતી.

"સ્વામીજી હવે મારે શું કરવું ? મારા માટે કયો ધંધો શ્રેષ્ઠ છે ? જામનગરમાં જ જો હું સ્થાયી થવા માગું તો ત્યાં મારે શું કરવું જોઈએ ? આપ સર્વજ્ઞ છો એટલે આપ જ આ વિશે મને સાચું માર્ગદર્શન આપી શકો છો." કેતન બોલ્યો.

" તારા અનેક જન્મો થઈ ચૂક્યા છે અને એ દરેક જન્મમાં કરેલાં સારાં કે ખરાબ કર્મો એ તારું સંચિત કર્મ છે. અને એ સંચિત કર્મમાંથી જ આ જન્મનું પ્રારબ્ધ કર્મ બને છે જે તારા ભાવિનું નિર્માણ કરે છે. એટલે તારે હવે પછી કયો ધંધો કરવો એ વિશે હું કોઈ જ માર્ગદર્શન તને ના કરી શકું. તારું પોતાનું જ પ્રારબ્ધ તારો સમય પાકશે ત્યારે આગળનો રસ્તો બતાવશે" સ્વામીજી બોલી રહ્યા હતા.

"હું જોઈ શકું છું કે અત્યારે તારો સમય ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે. એટલા માટે તારાથી આ ખોટો નિર્ણય લેવાઈ ગયો અને તને અત્યારે કોઈ દિશા સૂઝતી નથી. મારી તને એક અંગત સલાહ છે કે થોડા દિવસો પછી શ્રાવણ મહિનો શરૂ થાય છે. તું શ્રાવણ મહિનાના ૩૦ દિવસમાં ગાયત્રીનું સવા લાખ મંત્રોનું પુરશ્ચરણ કર." સ્વામીજી બોલી રહ્યા હતા.

"ગાયત્રી મંત્ર જ એક એવો મંત્ર છે કે જે અંદરથી તને પ્રકાશની જેમ આગળનો માર્ગ બતાવી શકે છે. આ મંત્ર બ્રહ્મમંત્ર છે અને પ્રત્યક્ષ દેવતા સૂર્યનારાયણનો મંત્ર છે. તારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એનું માર્ગદર્શન આ મંત્ર જપવાથી આપોઆપ મળ્યા કરશે. કારણ કે આ મંત્રનો અર્થ જ એ છે કે મારી બુદ્ધિને સાચો માર્ગ બતાવો, મને માર્ગદર્શન આપો ! " સ્વામીજી બોલ્યા.

" જી ગુરુજી." કેતન બોલ્યો.

"તું જામનગરમાં અત્યારે એકલો રહે છે એટલે તારા પોતાના મકાનમાં એકાંતમાં આ પુરશ્ચરણ સારી રીતે કરી શકીશ. જો કે સાધના અને પુરશ્ચરણ કરવા માટે ઓખાની ભૂમિ ખૂબ જ જાગૃત છે. એ પછી દ્વારકાની ભૂમિનો નંબર આવે. છતાં જામનગર પણ ખોટું નથી. " સ્વામીજીએ કહ્યું.

"એવું કઈ રીતે સ્વામીજી ? ઓખાની ભૂમિ જાગૃત છે એ કેવી રીતે ? " કેતને પૂછ્યું

"ઓખાની ત્રણેય બાજુ દરિયો છે અને ઓખામાં વસ્તી ઓછી છે. એટલે ત્યાંના વાતાવરણમાં લોકોના વિચારોનો કોલાહલ એટલો બધો નથી. જગ્યા પ્રમાણમાં ઘણી શાંત છે. નજીકમાં વિશાળ જલરાશિ છે એટલે ધ્યાન જલ્દી લાગી જાય છે. મન જલ્દી સ્થિર થાય છે અને હૃદયમાં ભક્તિનો ઉદય થાય છે. હું બેટ દ્વારકા ગયેલો ત્યારે મને ઓખાનો અનુભવ સારો થયેલો છે. " સ્વામીજી બોલ્યા.

"વર્ષાઋતુમાં હવામાં ભેજ હોવાના કારણે પણ ધ્યાન જલ્દી લાગી જાય છે. ચાતુર્માસ એટલા માટે જ તપ કરવા માટે શ્રેષ્ઠ છે. આજુબાજુ જલપ્રવાહ હોય અને વાતાવરણ ઠંડુ હોય ત્યાં આધ્યાત્મિક આંદોલનો સક્રિય હોય છે. હિમાલયની આજુબાજુની ભૂમિ સંપૂર્ણપણે આધ્યાત્મિક છે. " સ્વામીજી બોલી રહ્યા હતા.

" માનવ વસ્તી જ્યાં વધારે હોય એવાં શહેરોમાં લોકોના વિચારોનાં મોજાં સક્રિય હોવાથી આધ્યાત્મિક આંદોલનો વિખરાઈ જાય છે. મુંબઈમાં પણ વિશાળ દરિયા કિનારો છે છતાં એ યોગભૂમિ નથી ભોગભૂમી છે. સુરત પણ તાપી નદીના કિનારે છે પરંતુ એ યોગભૂમિ નથી ભોગભૂમિ છે." સ્વામીજીએ કહ્યું.

" જ્યાં વસ્તી ઓછી હોય અને નદી વહેતી હોય કે દરિયા કિનારો હોય એ જગ્યા આધ્યાત્મિક આંદોલનોથી ભરપૂર હોય છે. નર્મદાની પરિક્રમાનું એટલા માટે જ મહત્વ છે કે આત્માને આધ્યાત્મિક ઉર્જા મળે છે. નર્મદાના કિનારા ઉપર આધ્યાત્મિક આંદોલનો ખૂબ જ સક્રિય છે. " સ્વામીજી બોલ્યા.

"જી સ્વામીજી. આપની આજ્ઞા હોય તો હું ઓખામાં એક મહિનો મકાન ભાડે રાખીને રહું ? " કેતન બોલ્યો.

"તારે એવી કોઈ જરૂર નથી. મારા આશીર્વાદ તારી સાથે જ છે. " સ્વામીજી બોલ્યા.

"સ્વામીજી થોડા દિવસ પહેલાં મને ટ્રેઈનમાં કેટલાક સંન્યાસીઓનાં દર્શન થયાં હતાં. બરાબર એ જ સમયે જામનગરમાં મારા મકાનમાં રસોઈ કરવાવાળાં બહેનને પણ અદભુત સુગંધનો અનુભવ થયો હતો. આ રહસ્ય વિશે આપ કોઈ પ્રકાશ પાડશો ? " કેતનને અચાનક યાદ આવ્યું એટલે પૂછ્યું.

"એ બધા સાધુ સંતો સૂક્ષ્મ જગતમાં હતા અને સૂક્ષ્મ જગતમાં આ રીતે ઘણા સાધુ સંતો ચારધામ યાત્રાએ જતા હોય છે. જે સંતનાં તને દર્શન થયાં અને જેમણે તને ફાફડા જલેબીનો પ્રસાદ આપ્યો એ આપણા ગુરુભાઈ જ હતા." સ્વામીજી બોલી રહ્યા હતા.

" જેવું પૃથ્વી ઉપર છે એવું જ સૂક્ષ્મ જગતમાં પણ છે. ત્યાં પણ મંદિરો છે અને ભાવિક ભક્તો યાત્રાએ પણ જતા હોય છે. દ્વારકા જેમ આપણે દ્વારકાધીશનાં દર્શન કરવા જઈએ છીએ એમ સૂક્ષ્મ દેહમાં રહેલા ઘણા ભક્તો પણ ત્યાં દર્શન કરવા જતા હોય છે. પરંતુ આપણે એમને જોઈ શકતા નથી." સ્વામીજી બોલ્યા.

"તારા મકાનમાં સુગંધીનો જે અનુભવ થયો એ અનુભવ પણ એ જ સંતનો હતો. તને દર્શન આપીને એ ભક્ત મંડળી સીધી તારા મકાનમાં ગઈ હતી. સૂક્ષ્મ જગતમાં ઊંચા આત્માઓ માટે કંઈ પણ અશક્ય નથી. " સ્વામીજી બોલ્યા.

" જી સ્વામીજી. પરંતુ મને દર્શન આપવાનું કારણ ? અને મારા મકાનમાં જ એ સંત કેમ ગયા ? " કેતનને હજુ સંતોષ થયો ન હતો.

" તું ઘણા સવાલો પૂછે છે. મેં તને કહ્યું ને કે એ આપણા ગુરુભાઈ છે એટલે કે એ જે કંઈ પણ કરે છે એ આપણા ગુરુજી સ્વામી અભેદાનંદજીની આજ્ઞા પ્રમાણે જ કરે છે. તને પ્રસાદ આપવા માટે જ એ તારી પાસે આવ્યા હતા. સંતના પ્રસાદમાં પણ એમના આશીર્વાદ હોય છે. " સ્વામીજી બોલી રહ્યા હતા.

"તારા મકાનમાં જવાનું કારણ એ હતું કે તું જે મકાનમાં અત્યારે રહે છે એ મકાનમાં કેટલીક અશુદ્ધિઓ હતી. એ મકાનમાં ભૂતકાળમાં આત્મહત્યા થઈ હતી. તેથી જે તે જીવને મુક્તિ આપવા માટે એ સંત ગુરુજીની આજ્ઞાથી દસેક મિનિટ માટે પોતાની મંડળી સાથે ગયા હતા. હવે તારું એ મકાન એકદમ શુદ્ધ છે. " સ્વામીજી બોલ્યા.

કેતન તો આ બધું સાંભળી જ રહ્યો. મારા સમર્થ ગુરુ સ્વામી અભેદાનંદજી મારા માટે કેટલું બધું વિચારતા હોય છે !

" હવે બીજી એક વાત પણ મારે તને જણાવવી જરૂરી છે. તું જ્યારે સૂક્ષ્મ જગતમાંથી બહાર આવ્યો અને જ્યારે આપણા મહાન ગુરુ સ્વામી અભેદાનંદજીએ તને પાણી છાંટીને જાગૃત કર્યો ત્યારે એ જ સમયે એમણે તને બે ત્રણ સિદ્ધિઓ પણ પોતાના આશીર્વાદ તરીકે આપી છે. એ સિદ્ધિઓનો ઉપયોગ તું ધારે તો આ જીવનમાં કરી શકે છે. તારે માત્ર એટલું જ યાદ રાખવાનું કે એનો દુરુપયોગ ના થાય. " સ્વામીજી બોલ્યા

" જી સ્વામીજી. "

"તું ઈચ્છે તો કોઈપણ મૃત વ્યક્તિનું સતત સ્મરણ કરીને કે એની છબી ઉપર ધ્યાન ધરીને સૂક્ષ્મ જગતમાં રહેલા એના આત્મા સાથે સંપર્ક કરી શકે છે અને સૂક્ષ્મ રીતે વિચારોનાં આંદોલનથી એની સાથે વાતચીત પણ કરી શકે છે. હા, એ આત્માએ નવો જન્મ લઈ લીધો હોય તો એ શક્ય નહીં બને." સ્વામીજી બોલ્યા.

" જી સ્વામીજી. એનો અનુભવ મેં ગઈકાલે જ કર્યો. " કેતન બોલ્યો.

" મને ખ્યાલ છે. એટલા માટે તો મને યાદ આવ્યું." સ્વામીજી હસીને બોલ્યા.

"તું ઇચ્છે તો હું તને એક એવી સિદ્ધિ પણ આપી શકું છું કે એનાથી પૃથ્વી ઉપર ફરતા તમામ પ્રેતાત્માઓને તું નરી આંખે હરતા ફરતા જોઈ શકીશ. પરંતુ આ સિદ્ધિથી તું પોતે બહુ જ ડિસ્ટર્બ થઈ જઈશ. કારણ કે અસંખ્ય આત્માઓ તારી આજુબાજુ પણ ફરતા હશે એટલે તું તારા મનની શાંતિ ગુમાવી બેસીશ. " સ્વામીજી બોલ્યા.

" ના સ્વામીજી. મારે એવી કોઈ સિદ્ધિ જોઈતી જ નથી. " કેતન બોલ્યો.

"તને બીજી પણ એક સિદ્ધિ મળેલી છે પરંતુ તે ગુપ્ત છે. મને કહેવાની ગુરુજીની આજ્ઞા નથી. તને પોતાને જ એ સિદ્ધિનો અનુભવ થઈ જશે એટલે ખબર પડી જશે. એ સિદ્ધિ દુર્લભ છે પરંતુ ગુરુજીની કૃપાથી તને મળેલી છે." સ્વામીજી બોલ્યા.

"ત્રીજી સિદ્ધિ તને સંમોહનવિદ્યા પ્રાપ્ત થયેલી છે. એટલે તું કોઈની પણ સામે નજર મિલાવીને સ્થિર નજરે જોઈશ તો એ વ્યક્તિ તારી મોહિનીમાં આવી જશે અને તું જેમ કહીશ તેમ એ કરશે. જયેશ ઝવેરી અને મનસુખ માલવિયાને તું જામનગર લાવી શક્યો એની પાછળ પણ આ સિદ્ધિ જ કામ કરી ગઈ. પરંતુ બને ત્યાં સુધી આ સંમોહનવિદ્યાનો પ્રયોગ ના છૂટકે જ કરજે. " સ્વામીજીએ કહ્યું.

"આપે મને જાણ કરી એટલે હવે હું આ બાબતમાં સાવધાન રહીશ. કોઈને પણ વશ કરવાની કે સંમોહિત કરવાની મારી જરા પણ ઈચ્છા નથી સ્વામીજી. " કેતન બોલ્યો.

" એનો એક રસ્તો છે. સંમોહનવિદ્યાને હું નિયંત્રિત કરી દઉં છું. તારે જ્યારે પણ કોઈ કારણસર એનો ઉપયોગ કરવો હોય ત્યારે જે તે વ્યક્તિની સામે જોઈને ૐ નમઃ શિવાય મંત્ર ત્રણ વાર મનમાં બોલવો. એ પછી જ આ વિદ્યા કામ કરશે. ગુરુજીએ આપેલી સિદ્ધિને હું મિથ્યા ના કરી શકું. " સ્વામીજી હસીને બોલ્યા.

" ભલે. તો આપ આ સિદ્ધિને નિયંત્રિત કરી દો." કેતન બોલ્યો.

સ્વામીજીએ એના માથા ઉપર એક મિનિટ સુધી હાથ મૂકી રાખ્યો અને આંખો બંધ કરી દીધી. સ્વામીજીના સ્પર્શથી કેતનના શરીરમાં ઉર્જાનો એક અદભુત અનુભવ થયો.

"મેં આ મોહિનીવિદ્યાને નિયંત્રિત કરી દીધી છે એટલે મેં તને આપેલો શિવ મંત્ર ત્રણ વાર બોલીશ તો એ વિદ્યા સક્રિય થઈ જશે. જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરજે. આ ત્રણેય સિદ્ધિઓ જોખમી હોવાથી મેં તને જાણ નહોતી કરી. હવે એનો ઉપયોગ કરવો કે ન કરવો એ તારા હાથમાં છે." ચેતન સ્વામી બોલ્યા.

" જી સ્વામીજી. આપણા ગુરુદેવની મારા ઉપર ખૂબ જ કૃપા છે. જે પણ સિદ્ધિઓ એમણે મને આપી છે તે બધી જ અમૂલ્ય છે. " કેતન બોલ્યો.

" હવે આપણી મુલાકાત પૂરી થાય છે. તારે બીજું કંઈ પૂછવું છે ? " સ્વામીજી બોલ્યા.

" સ્વામીજી મારી ઈચ્છા છે કે જ્યારે પણ હું તમને યાદ કરું ત્યારે ધ્યાનમાં આપની મુલાકાત થાય જે રીતે પહેલાં પણ થતી હતી. આપની સાથે વાત કરવા માટે મારે છેક ઋષિકેશ આવવું પડ્યું. એના બદલે જો ધ્યાનમાં આપ દર્શન આપો તો મને માર્ગદર્શન મળ્યા કરે." કેતન બોલ્યો.

" એ એટલા માટે શક્ય નથી કે તું સ્થૂળ સ્વરૂપે છે. દોઢ વર્ષ સુધી તું જ્યારે સૂક્ષ્મ અવસ્થામાં હતો ત્યારે તને મુલાકાત આપવી મારા માટે શક્ય હતું. કારણ કે સમાધિ અવસ્થામાં જઈને હું શરીરથી છૂટો પડીને સૂક્ષ્મ શરીર દ્વારા તને દર્શન આપી શકતો હતો કારણ કે તું પણ સૂક્ષ્મ શરીરમાં હતો ! " સ્વામીજી બોલ્યા.

"સ્વામીજી ભલે આપ સૂક્ષ્મ શરીરથી ધ્યાનમાં મને દર્શન ન આપો પરંતુ સૂક્ષ્મ શરીર દ્વારા આપ ગમે ત્યાં જઈ શકો છો અને પછી ત્યાં સ્થૂળ શરીર પણ ધારણ કરી શકો છો. તો મને સ્થૂળ શરીર દ્વારા તો દર્શન આપી શકો ને ? " કેતન બોલ્યો.

ચેતન સ્વામી ખડખડાટ હસી પડ્યા.

"તું ખૂબ જ ઉસ્તાદ છે. મારી બધી જ સિદ્ધિઓ જાણતો લાગે છે. આ એક યોગસિદ્ધિ છે જે આપણા ગુરુદેવ સ્વામી અભેદાનંદજીએ મને આપી છે.હું કોઈપણ સ્વરૂપ પણ ધારણ કરી શકું છું પરંતુ વારંવાર એનો હું ઉપયોગ કરી શકતો નથી. જ્યારે પણ આ સિદ્ધિનો મારે ઉપયોગ કરવો હોય ત્યારે મારે ગુરુજીની રજા લેવી પડે છે. " સ્વામીજી બોલતા હતા.

"અત્યારે ખરેખર તો હું બંગાળમાં વિહાર કરી રહ્યો છું અને આજે મિદનાપોર શહેરમાં છું. તું ઋષિકેશ આવવાનો હતો એટલે ગુરુજીની આજ્ઞા લઈને ત્યાં સમાધિ અવસ્થામાં જઈને અહીં સ્થૂળદેહે તારી સામે હાજર થયો છું. તારા ગયા પછી ૫ થી ૧૦ સેકન્ડમાં હું બંગાળમાં સમાધિ અવસ્થામાં બેઠેલા મારા શરીરમાં પ્રવેશ કરી જઈશ." સ્વામીજી બોલ્યા.

સ્વામીજીની વાત સાંભળીને કેતન તો આશ્ચર્યચકિત થઈ ગયો. યોગમાં કેટલી બધી તાકાત હોય છે !! આપણે તો માત્ર યોગાસનો વિશે જાણીએ છીએ પરંતુ ખરેખર યોગ દ્વારા શું શું નથી થઈ શકતું !! એક સ્થળે રહીને બીજા સ્થળે દેખાવું, પરકાયા પ્રવેશ જેવી અનેક સિદ્ધિઓ ઋષિમુનિઓ પાસે હતી.

" આપની વાતો સાંભળીને આપણી ભારતીય યોગ સિદ્ધિઓ તરફ મારું મન ખેંચાય છે. આપ અત્યારે ખરેખર તો બંગાળમાં સમાધિ અવસ્થામાં બેઠેલા છો એટલે આપનો વધારે સમય નહીં લઉં સ્વામીજી. બસ આપના આશીર્વાદ માગુ છું. " કેતન બોલ્યો.

" મારા આશીર્વાદ તો તારી સાથે જ છે. ગાયત્રી ઉપાસના ચાલુ રાખ. ઉપર બતાવેલી તમામ સિદ્ધિઓ માત્ર ગાયત્રી મંત્ર દ્વારા પણ મળી શકે છે પરંતુ એના માટે લાખો કરોડો જાપ થાય ત્યારે આવી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. પરંતુ સિદ્ધિઓના મોહમાં તું ક્યારેય પણ પડતો નહીં. શ્રાવણ મહિનામાં સવા લક્ષ ગાયત્રી મંત્રનું પુરશ્ચરણ કરી દે એટલે આગળનો માર્ગ તને દેખાશે. " સ્વામીજી બોલ્યા અને કેતનના માથા ઉપર ફરી હાથ મૂક્યો અને ધ્યાનમાં જતા રહ્યા.

કેતન પોતાના શરીરમાં અદભુત અનુભવ કરી રહ્યો હતો. આખા શરીરમાં આછો આછો વીજળીનો કરંટ પસાર થઈ રહ્યો હોય એવી અનુભૂતિ થતી હતી !

બે ત્રણ મિનિટ પછી સ્વામીજી ફરી ધ્યાનમાંથી બહાર આવ્યા અને હાથ લઈ લીધો.

" મેં ગાયત્રી મંત્રની તને વિશેષ દીક્ષા અત્યારે આપી છે. હવેથી તું રોજ ગાયત્રી મંત્રની ૧૧ માળા કરજે. અને શ્રાવણ મહિનાથી તું ગાયત્રી મંત્રનું
પુરશ્ચરણ કરવાનો છે તો અહીંથી હરિદ્વાર શાંતિકુંજ માં જજે અને ત્યાં ત્રણ રાત્રિ રોકાજે. ત્યાં શ્રીરામ શર્મા આચાર્યની ચેતના જાગૃત છે. જે લોકો જાગેલા છે અને જેમની પાત્રતા છે એમને આજે પણ અનુભવ થાય છે. ત્રણ દિવસમાં તને આચાર્યની ચેતનાનો વિશેષ અનુભવ થશે. એમણે ભારત વર્ષમાં ગાયત્રી મંત્રનો ખૂબ જ પ્રચાર અને પ્રસાર કર્યો છે. ભારતમાં વિશ્વામિત્ર અને વશિષ્ઠ ઋષિ જે તે યુગમાં ગાયત્રી મંત્રના પ્રણેતા હતા. આ યુગમાં શ્રીરામ શર્મા આચાર્ય પણ એમના શિષ્યો માટે ઋષિતુલ્ય જ છે. શાંતિવનમાં જઈને એમના આશીર્વાદ લઈ લે." સ્વામીજી બોલ્યા.

"જી સ્વામીજી. આપનો આદેશ માથે ચડાવું છું. હું અહીંથી ચોક્કસ હરિદ્વારમાં શાંતિવન જઈશ." કેતન બોલ્યો.

એ પછી સ્વામીજીએ બાજુમાં પડેલા કમંડળમાંથી થોડુંક પાણી લઈ કોઈ મંત્ર બોલી પોતાના શરીર ઉપર છાંટ્યું. એ સાથે જ ચેતન સ્વામી અદ્રશ્ય થઈ ગયા ! હવે કુટિરમાં કેતન એકલો જ હતો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)