Prarambh - 23 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 23

પ્રારંભ પ્રકરણ 23

ઉત્તરાંચલ એક્સપ્રેસ એના સમય પ્રમાણે બરાબર બપોરે ૧૨:૪૦ કલાકે જામનગર સ્ટેશનેથી ઉપડ્યો. અત્યારે ચાતુર્માસ ચાલતા હતા એટલે ટ્રેન એકદમ પૅક હતી. આ ટ્રેઈન ઓખાથી આવતી હતી પરંતુ દ્વારકાથી પૅક થઈ જતી હતી. દ્વારકા દર્શને આવેલા યાત્રાળુઓ પાછા ફરતા હતા તો કોઈ નવા યાત્રાળુ બીજા યાત્રાધામ જવા માટે પ્રવાસ કરી રહ્યા હતા.

૨૮ કલાકની મુસાફરી હતી. કેતનને માયાવી જગતમાં કરેલી ગોકુળ મથુરા વૃંદાવન અને જગન્નાથની યાત્રા યાદ આવી ગઈ. એ વખતે અજાચક વ્રત લઈને એ યાત્રાએ નીકળ્યો હતો. કોઈની પણ પાસે કંઈ પણ ન માંગવું એવો સંકલ્પ લીધો હતો. સાથે સાથે પોતાના પૈસે કોઈપણ વસ્તુ ખરીદવી નહીં એવો પણ નિર્ણય લીધો હતો છતાં છેક જગન્નાથ સુધી એના ગુરુજીએ એની કાળજી લીધી હતી. અને જમવાની વ્યવસ્થા દરેક જગ્યાએ થઈ ગઈ હતી !

હરિદ્વાર ગુરુજીનાં દર્શને જવાનો આ પ્રવાસ પણ ખરેખર તો એક યાત્રા જ હતી ! જો સૂક્ષ્મ જગતમાં ગુરુજી પોતાની સંભાળ રાખતા હોય તો આ વાસ્તવિક જગતમાં ગુરુજી પોતાની સંભાળ રાખે છે કે નહીં એ જોવાની કેતનને ઈચ્છા થઈ.

જ્યાં સુધી હરિદ્વાર ના આવે ત્યાં સુધી પાણીની બોટલ સિવાય પોતાના પૈસે ચા કે ભોજન કંઈ ખરીદવું નહીં અને કોઈની પાસે માગવું પણ નહીં. કદાચ ૨૮ કલાક સુધી જમવા ના પણ મળે તો પણ એનાથી કોઈ ફરક પડવાનો નથી. ઉપવાસ છે એમ માની લેવાનું.

અત્યારે સવારે તો હું ઘરેથી જમીને જ નીકળ્યો છું એટલે સાંજ સુધી તો કોઈ સવાલ છે જ નહીં. સાંજના ભોજનની વ્યવસ્થા અને કાલ સવારના ભોજનની વ્યવસ્થા જો ગુરુજીને યોગ્ય લાગશે તો કરશે નહીં તો હરિ ઈચ્છા !!

બપોરે ૨:૩૦ વાગે રાજકોટ આવ્યું. બે પેસેન્જર કેતનની સામેની સીટ ઉપરથી ઉતરી ગયાં અને એના બદલે એક યુવાન દંપત્તિ એ સીટ ઉપર આવી ગયું. યુવતી દેખાવે સુંદર હતી પરંતુ એના પગે સહેજ ખોડ હતી એટલે ચાલતી વખતે થોડીક લંઘાતી હતી.

કેતનની બરાબર સામેની વિન્ડો સીટ ઉપર એ યુવતી બેઠી અને એની બાજુમાં એનો પતિ. બંનેની ઉંમર લગભગ ૨૭ ૨૮ આસપાસ લાગતી હતી.

યુવાને માથે મુંડન કરાવેલું હશે એવું લાગતું હતું કારણ કે માથે થોડા થોડા વાળ ઉગ્યા હતા. એણે વસ્ત્રો પણ સફેદ ધારણ કર્યાં હતાં જ્યારે યુવતીના ડ્રેસમાં સફેદ અને બ્લુ કલરનું કોમ્બિનેશન હતું. ઘરમાં કદાચ કોઈનો શોક હતો એવું દેખાતું હતું. યુવતી ખૂબ જ ગમગીન લાગતી હતી.

બપોરે લગભગ સાડા ત્રણ વાગે ચા વાળો ત્યાંથી પસાર થયો. બે-ત્રણ લોકોએ એની પાસેથી ચા પીધી. સમય થયો હતો એટલે કેતનને પણ ચા ની ઈચ્છા તો થઈ હતી પરંતુ પોતાનો સંકલ્પ એને યાદ જ હતો.

કોઈ કંપની ન હતી એટલે સમય પણ પસાર થતો ન હતો. માત્ર વાત કરવા ખાતર કેતને સામેના યુવાનને પૂછ્યું.

" કુટુંબમાં કોઈનું અવસાન થયું લાગે છે ! " કેતને યુવાનની સામે જોઈને કહ્યું.

" હા મારા સગા સાળાનું સવા મહિના પહેલાં અકસ્માતમાં અવસાન થયું છે. અમે ગંગા નદીમાં એનાં અસ્થિ પધરાવવા માટે હરિદ્વાર જઈ રહ્યાં છીએ. અમે જેતપુરથી આવીએ છીએ. આમ તો ભાદર નદીમાં થોડાં અસ્થિ પધરાવ્યાં છે પરંતુ મારી વાઈફની ઈચ્છા છે કે થોડાં અસ્થિ ગંગા નદીમાં પણ પધરાવવાં. " યુવાન બોલ્યો.

વાત સાંભળીને બાજુમાં બેઠેલી એની પત્નીની આંખો ભીની થઈ ગઈ અને દુપટ્ટાથી આંસુ લૂછી નાખ્યાં.

" ૨૬ વર્ષનો મારો યુવાન ભાઈ હતો. અમે ત્રણ બહેનો વચ્ચે એક જ ભાઈ હતો. ખૂબ જ લાગણીશીલ હતો. મારાં મમ્મી પપ્પા તો રોઈ રોઈને અડધાં થઈ ગયાં છે. હવે રક્ષાબંધનના દિવસે અમે કોને રાખડી બાંધશું ? " કહીને એ યુવતી રડી પડી.

"હવે રડીશ નહીં. જે થવાનું હતું તે થઈ ગયું. તારો ભાઈ હવે પાછો આવવાનો નથી. તારી સાથેના ઋણાનુબંધ પૂરા થઈ ગયા. " યુવાન બોલ્યો.

" તમારું નામ શું ? " કેતને પૂછ્યું.

" મારું નામ જીતેન્દ્ર, જીતુ. મારી વાઈફનું શિલ્પા. " યુવાન બોલ્યો.

" શિલ્પાબેન. જીતુભાઈએ સાચી વાત કરી છે. તમારા અને એના ઋણાનુબંધ પૂરા થઈ ગયા. દરેક વ્યક્તિ આ પૃથ્વી ઉપર ચોક્કસ આયુષ્ય લઈને જન્મે છે. અને એમાં કોઈ જ ફેરફાર થતો નથી. જન્મેલા દરેકનું મૃત્યુ નિશ્ચિત છે. " કેતન બોલ્યો.

" હું એ જ એને રોજ સમજાવું છું. સૌથી વધારે પ્રેમ એને એના ભાઈ સાથે હતો. રમેશ મારો પણ ખાસ મિત્ર હતો. અમારાં લગ્ન પણ એણે જ કરાવી આપ્યાં હતાં." જીતુ બોલ્યો.

" કેમ તમારાં પ્રેમ લગ્ન છે ? " કેતને પૂછ્યું.

" ના. શિલ્પાને પગે સહેજ ખોડ છે. રમેશને એનાં લગનની બહુ ચિંતા હતી. અમારી પાંચ વર્ષની ગાઢ મિત્રતાના કારણે એણે એક દિવસ પોતાની આ ચિંતા વ્યક્ત કરી. " જીતુ બોલી રહ્યો હતો.

" મારો જન્મ ગરીબ ઘરમાં થયેલો. મારા ફાધર એક નાની ટેક્સ્ટાઇલ મિલમાં નોકરી કરતા. લગ્ન માટે મારી કોઈ એવી ઊંચી અપેક્ષાઓ પણ નહોતી. મેં શિલ્પાને જોયા વગર જ લગ્ન માટે મારી સંમતિ આપી દીધી. રમેશ અને શિલ્પા પૈસે ટકે સદ્ધર હતાં." જીતુ બોલી રહ્યો હતો.

" મારાં અને શિલ્પાનાં લગ્ન થઈ ગયાં. રમેશનો પોતાનો બાઈકનો શોરૂમ છે. એણે મને એમાં કાયદેસરનો ભાગીદાર બનાવ્યો. એક સાચા મિત્ર તરીકેની એણે ફરજ બજાવી. હવે આ ધંધાની બધી જ જવાબદારી મારા ઉપર આવી ગઈ. શિલ્પાની નાની બે બહેનો હજી કુંવારી છે. " જીતુએ પોતાની વાત પૂરી કરી.

" જુઓ... રમેશના શિલ્પા સાથેના પાછલા જન્મના ચોક્કસ ઋણાનુબંધ હતા. શિલ્પાનાં લગ્ન કરાવવાં એ જ એના જીવનનો એક માત્ર હેતુ હતો. એ મોટીવ પૂરો થઈ ગયો એટલે એણે જીવનલીલા સંકેલી લીધી. મૃત્યુનો પ્રકાર તો પહેલેથી નિશ્ચિત જ હોય છે. કોઈનું કુદરતી મૃત્યુ હોય તો કોઈનું અકુદરતી." કેતન બોલ્યો.

" રમેશ બાઈક લઈને ગોંડલ જઈ રહ્યો હતો. રસ્તામાં સામેથી આવતી એક કારનું ટાયર ફાટ્યું અને ડિવાઈડર કુદાવીને કાર રોંગ સાઈડમાં આવી અને બાઈકને હડફેટે લીધી. સ્થળ ઉપર જ રમેશનું મૃત્યુ થયું." જીતુ બોલ્યો.

કેતન આ બધી વાત સાંભળી રહ્યો અને થોડીક ક્ષણો માટે એ ક્યાંક ખોવાઈ ગયો.

" તમારી પાસે અત્યારે રમેશનાં અસ્થિ છે ? " કેતન અચાનક બોલ્યો.

" હા. છે ને ! " જીતુએ કહ્યું.

" મને બે મિનિટ માટે જરા આપો. " કેતન બોલ્યો.

જીતુને કેતનનો આ સવાલ સમજાયો નહીં. એણે શિલ્પા સામે જોયું. શિલ્પા એ એને ઈશારાથી મૂક સંમતિ આપી.

જીતુએ એક નાની બેગમાંથી પૅક કરેલું એક બોક્સ બહાર કાઢ્યું. બોક્સ બ્રાઉન કલરના કાગળમાં લપેટેલું હતું અને એના ઉપર ચારે બાજુ પ્લાસ્ટિકની દોરી બાંધી હતી.

કેતને બોક્સ ડાબા હાથમાં લીધું. એના ઉપર જમણો હાથ મૂકીને થોડીક ક્ષણો સુધી એ ઊંડો ઉતરી ગયો અને પછી બોક્સ એણે જીતુને પાછું આપ્યું.

" શિલ્પાબેન તમારે ભાઈ માટે આટલા બધા દુઃખી થવાની કોઈ જરૂર નથી. રમેશનો આત્મા સૂક્ષ્મ લોકમાં એકદમ ખુશ છે અને મજામાં છે. અકસ્માત વખતે એને માથામાં ચોટ આવી હતી એટલે એ થોડી મિનિટો માટે કોમામાં સરકી ગયો હતો એટલે મૃત્યુ સમયે પણ એને કોઈ ખાસ પીડા થઈ ન હતી." કેતન બોલતો હતો.

જીતેન્દ્ર અને શિલ્પા આશ્ચર્યથી કેતનની વાત સાંભળી રહ્યા હતા. રમેશને માથામાં ચોટ આવી હતી એ વાત પણ સાચી હતી !

" રમેશના અને તમારા ઋણાનુબંધ હજુ પૂરા થયા નથી. લગભગ છ મહિના પછી શિલ્પાને સારા દિવસો શરૂ થશે ત્યારે એના ગર્ભમાં રમેશનો આત્મા પ્રવેશ કરશે. રમેશે એક ખાસ સંદેશો મને આપ્યો છે કે તમારા જેતપુરના ખોડપરા નામના એરિયામાં કોઈ દેવશીભાઈ રહે છે એમને પાંચ લાખ એક વર્ષ પહેલાં ઉછીના આપેલા છે એ તમે લઈ લેજો. એનું લખાણ ગયા વર્ષની એકાઉન્ટની ફાઈલમાં છે." કેતને પોતાની વાત પૂરી કરી.

જીતુ અને શિલ્પા તો કેતન સામે જોઈ જ રહ્યાં. એમના તો માનવામાં જ નહોતું આવતું કે મૃત્યુ પછી રમેશના આવી રીતે કોઈ સમાચાર આપશે અને રમેશ સાથે વાત પણ કરશે !! કેતને કરેલી બધી વાત સાચી હતી. જો કે દેવશીભાઈને પૈસા ઉછીના આપ્યા છે એની ખબર જીતુને નહોતી પરંતુ દેવશીભાઈને તો એ ઓળખતો જ હતો અને ખોડપરાની વાત પણ સાચી હતી !

" તમારું નામ શું સાહેબ ? તમારી બધી વાતો નવાઈ ભરેલી છે. અમને તો માન્યામાં જ નથી આવતું કે તમે અસ્થિના પેકેટ ઉપર હાથ મૂકીને આટલું બધું અમને કહી શકશો. તમે જેતપુર આવેલા છો ? ખોડપરાની તમને કેવી રીતે ખબર ? " જીતેન્દ્ર બોલ્યો.

" મારું નામ કેતન સાવલિયા. મેં ક્યારે પણ જેતપુર જોયું નથી. રમેશ તરફથી જે સંકેત મળ્યા એ જ વાતો મેં તમને કરી. દેવશીભાઈને પણ હું ઓળખતો નથી. સો વાતની એક જ વાત કે તમે લોકો રમેશના આઘાતમાંથી બહાર આવી જાઓ. એમ જ સમજી લો કે એ વિદેશ ગયો છે. એ ફરી તમારા સંતાન તરીકે પણ જન્મ લેવાનો જ છે પછી રડવાની ક્યાં જરૂર છે ?" કેતન બોલ્યો.

"ભાઈ તમે તો મારું અડધું દુઃખ દૂર કરી દીધું. અમને તો એવું લાગે છે કે ભગવાને જ તમને અમારી પાસે મોકલ્યા છે. " શિલ્પા બોલી. એની આંખો ભીની હતી પણ આ વખતે એ આંસુ શોકનાં ન હતાં.

" અને છેલ્લે એક બીજી વાત. તમે હરિદ્વાર ગયા પછી ગંગામાં અસ્થિ પધરાવવા જશો ત્યારે રસ્તામાં તમને તમારા ભાઈનાં દર્શન થશે. મેં એને વિનંતી કરી છે. આ દર્શન માત્ર ત્રણ ચાર સેકન્ડ પૂરતાં હશે. તમે એને બોલાવવાની કોઈ કોશિશ ના કરશો. એને તમે મનમાંથી મુક્તિ આપી દો. " કેતન બોલ્યો.

બાજુમાં બેઠેલા એક વડીલ આ બધો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. એમને પણ કેતનની વાતોથી ઘણી નવાઈ લાગી હતી.

"ભાઈ ખોટું ના લગાડતા પરંતુ આ ઉંમરે તમે આટલું બધું કેવી રીતે જાણો છો ? કોઈ સાધના કરેલી છે કે શું ? " વડીલ બોલ્યા.

" ના અંકલ હું તો બિઝનેસમેન છું. મને આ બધી ગોડ ગિફ્ટ છે અને મારા ગુરુજીની કૃપા છે. " કેતન બોલ્યો.

" નવાઈ ભરેલું છે. મારી આખી જિંદગીમાં તમારા જેવી કોઈ વ્યક્તિ મેં જોઈ નથી જે મૃત વ્યક્તિ વિશે આટલું બધું કહી શકે. તમારો કોન્ટેક્ટ નંબર મળી શકે ? " વડીલ બોલ્યા.

" માફ કરજો અંકલ. આ બહેને પોતાનો ભરયુવાન ભાઈ ગુમાવ્યો એટલે એ ખૂબ જ શોકમાં ડૂબી ગયાં હતાં. એમને આટલાં શોકમગ્ન જોઈને મને એક લાગણી થઈ આવી અને મેં સૂક્ષ્મ જગતનો સંપર્ક કર્યો. બાકી આ મારો વ્યવસાય પણ નથી અને મને આ બધું બહુ પસંદ પણ નથી. ભાગ્યે જ હું કોઈ આત્માને ડિસ્ટર્બ કરું છું. " કેતને સ્પષ્ટતા કરી.

કેતને જે લાગણીની વાત કરી એ શિલ્પા અને જીતેન્દ્ર બંનેને સ્પર્શી ગઈ. આ યુવાને અમારો આઘાત દૂર કરવા માટે લાગણીથી પ્રેરાઈને રમેશનો સંપર્ક કર્યો.

" તમે તો અમારા માટે બહુ મોટું કામ કર્યું છે કેતનભાઈ. તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તમારો કોન્ટેક નંબર અમે નહીં માંગીએ પરંતુ મારું કાર્ડ હું તમને આપું છું. જેતપુરમાં અમારો બાઈકનો શોરૂમ છે. મારે લાયક કંઈ પણ કામકાજ હોય તો કહેજો. અને હા.. તમે ક્યાં સુધી જવાના ?" જીતુ બોલ્યો.

" તમારે આભાર માનવાની કોઈ જરૂર નથી જીતુભાઈ. અને હું પણ તમારી સાથે જ છેક હરિદ્વાર જઈ રહ્યો છું." કેતન બોલ્યો.

" વાહ તો તો તમારી કંપની રહેશે. હવે હરિદ્વાર સુધી તમે અમારા મહેમાન. તમે અમારા માટે આટલું બધું કર્યું છે તો થોડીક સેવાનો મોકો આપો. વધારે તો કંઈ નહીં કરી શકીએ પરંતુ હરિદ્વાર પહોંચીએ ત્યાં સુધી તમારે અમારી સાથે જ જમવાનું. " જીતુ બોલ્યો.

" અરે પણ જીતુભાઈ મારું જમવાનું હું મંગાવી લઈશ. " કેતન બોલ્યો પરંતુ એને ખબર હતી કે આ બધો ખેલ ગુરુજીનો જ છે.

"મારે કંઈ જ સાંભળવું નથી. અમે ઘરેથી જમવાનું લઈને જ આવ્યા છીએ એટલે રાત્રે તમારે જમવાનું મંગાવવાનો કોઈ સવાલ જ નથી અને કાલે સવારે બધાનું સાથે મંગાવી લઈશું. " જીતુ બોલ્યો.

કેતને મનોમન પોતાના ગુરુજીને પ્રણામ કર્યા.

સાંજે સાડા સાત વાગે મહેસાણા આવી ગયું એ પછી શિલ્પાએ પોતાના થેલામાંથી જમવાનું બહાર કાઢ્યું. પેપર ડીશો પણ સાથે રાખેલી હતી એટલે એક પેપર ડીશ કેતનને આપી.

છ પૂરીઓ, બટેટાની સૂકી ભાજી, તળેલાં મરચાં અને દહીં કેતનની ડીશમાં મૂક્યાં. એ લોકોએ પણ પોતપોતાની ડીશમાં બધું મૂક્યું અને જમવાનું ચાલુ કર્યું.

કેતને ધરાઈને જમી લીધું. માગ્યા વગર જમવાની બધી જ વ્યવસ્થા ગુરુજીએ કરી લીધી. જેને ઈશ્વરનું અવલંબન હોય એણે યોગક્ષેમની ચિંતા કરવાની હોતી નથી.

આબુરોડ સ્ટેશન રાત્રે ૧૦ વાગે આવ્યું. કેતને નીચે ઉતરીને પ્લેટફોર્મ ઉપર એક લટાર મારી. ટ્રેઈન દસેક મિનિટ અહીં ઉભી રહી. આબુથી ટ્રેઈન ઉપડી એ પછી સૂવા માટે વચ્ચેની બર્થ ઉપર તરફ કરી દીધી. એ.સીની ઠંડકના કારણે ધાબળો ઓઢીને બધા સૂઈ ગયા.

કેતનની બર્થ નીચેની હતી. સૂવામાં તો કોઈ તકલીફ ન હતી પરંતુ કેતન જ્યારે સવારે પાંચ વાગે જાગી ગયો ત્યારે ધ્યાનમાં બેસવા માટે જરા પણ અનુકૂળતા ન હતી. એણે સૂતાં સૂતાં જ ગુરુજીનું સ્મરણ કરીને અડધો કલાક જેટલું ધ્યાન કર્યું. એ પછી એણે અડધો કલાક ગાયત્રીની પાંચ માળા પણ કરી.

સવારના છ વાગે જયપુર સ્ટેશન આવ્યું ત્યારે કેતન નીચે ઉતર્યો. પાણીની બોટલ ખરીદીને એણે મોઢું ધોઈ નાખ્યું. સ્ટોલ ઉપર માટીના કુલ્લડમાં સરસ ચા મળતી હતી પરંતુ પોતાના પૈસે પાણી સિવાય કંઈ પણ ન ખરીદવાનો સંકલ્પ હતો.

ટ્રેઈન ઉપડી એટલે એ કોચમાં ચડી ગયો. બધા પેસેન્જર્સ ઘસઘસાટ ઊંઘતા હતા. જયપુર સ્ટેશન ગયું પછી બહાર વરસાદ શરૂ થયો.

૮ વાગે અલવર સ્ટેશન આવ્યું ત્યાં સુધીમાં બધાં પેસેન્જર્સ જાગી ગયાં હતાં. અલવર સ્ટેશને વચ્ચેની બર્થ નીચે પાડીને બધા જ પેસેન્જર્સ પોતપોતાની સીટ ઉપર આરામથી બેસી ગયા.

" તમે તો વહેલા ઉઠી ગયા લાગો છો ? " જીતુએ કેતનને પૂછ્યું.

" હા મને તો સવારે પાંચ વાગે ઉઠી જવાની આદત છે. " કેતન બોલ્યો.

એટલામાં ચા વાળો આવ્યો. બધાએ ચાનો ઓર્ડર આપ્યો. જીતુએ કેતન માટે પણ ચા મંગાવી

"લો તમે પણ ચા પી લો કેતનભાઇ. બહાર વરસાદી વાતાવરણ છે. ઠંડકમાં ચા પીવાની અલગ જ મજા છે." જીતુ બોલ્યો.

" હા સવાર સવારમાં મારે પણ ચા તો જોઈએ જ. " કેતન બોલ્યો.

"તમે પણ મારા જેવા જ ચાના શોખીન લાગો છો. થોડીવાર પછી આપણે બીજી વાર મંગાવશું. જલસા કરો ને !" જીતુ બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED