Prarambh - 22 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 22

પ્રારંભ પ્રકરણ 22

જામનગર આવ્યા ને બે મહિનાથી પણ વધારે સમય થઈ ગયો હતો છતાં હજુ સુધી કોઈ પણ દિશા કેતનને સૂઝતી ન હતી. માયાવી દુનિયામાં જે જે કાર્યો કર્યાં એ સેવાઓ રીપીટ કરવી ન હતી. કેતનને ના હોસ્પિટલ બનાવવાની ઈચ્છા હતી કે ના ટિફિન સેવા ઉભી કરવાની કોઈ ઈચ્છા હતી. વૃદ્ધાશ્રમની જંજાળમાં પડવાનું પણ મન થતું ન હતું.

૨૭ વર્ષની યુવાન ઉંમર હતી અને કોઈ પ્રવૃત્તિ વગર ઘરમાં બેસીને સમય પણ પસાર થતો ન હતો. બે મહિનામાં ઓફિસનું પજેસન પણ મળવાનું હતું છતાં ઓફિસમાં બેસીને પણ શું કરવાનું ? કન્સ્ટ્રક્શન લાઈનમાં પણ મન લાગતું ન હતું.

પપ્પા સાચું જ કહેતા હતા કે મુંબઈ એના માટે વધુ યોગ્ય જગ્યા હતી અને ત્યાં ઘણા બધા ધંધા કરી શકાતા હતા. જામનગરમાં મોટાં સપનાં સાકાર કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ ન હતું. જામનગર આવવા પાછળનું મુખ્ય કારણ તો માયાવી દુનિયાની અનુભૂતિ ફરી કરવાની હતી પરંતુ હવે લાગે છે કે આ મારો નિર્ણય ખોટો છે.

મારે મારા ભવિષ્ય માટે ચેતન સ્વામી અથવા તો મોટા ગુરુજી સ્વામી અભેદાનંદજી પાસેથી માર્ગદર્શન લેવું જ પડશે. એ જ મારા ભવિષ્યને જાણી શકે છે અને સાચો રાહ બતાવી શકે છે. એમનું માર્ગદર્શન લેવા માટે મારે ઋષિકેશ એમની કુટીરમાં જઈને જ બેસવું પડશે. હા એમ જ કરવું પડશે. કેતને નિર્ણય લઈ લીધો.

જામનગરથી હરિદ્વાર દર શુક્રવારે ઉત્તરાંચલ એક્સપ્રેસ નામની એક જ ટ્રેન જતી હતી જે બપોરે ૧૨:૪૦ કલાકે ઉપડતી હતી અને બીજા દિવસે સાંજે ૪:૧૦ કલાકે હરિદ્વાર પહોંચતી હતી.

હજુ આજે મંગળવાર થયો હતો. ત્રણ દિવસનો સમય બાકી હતો. કેતને રિઝર્વેશન માટે ગુગલ સર્ચ કર્યું તો થ્રી ટાયર એ.સીમાં ૨ સીટ વેઇટિંગ લિસ્ટમાં હતી. ત્રણ દિવસમાં ટિકિટ કન્ફર્મ થઈ જશે એવું વિચારીને કેતને એક ટિકિટ બુક કરાવી દીધી અને ગુરુજીને પ્રાર્થના પણ કરી.

અચાનક એને યાદ આવ્યું કે પરમ દિવસે ગુરુવારે તો ગુરુપૂર્ણિમા છે. દરેક ભક્તો માટે અને દરેક દીક્ષાર્થી શિષ્યો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ ઈશ્વરની કૃપાનો દિવસ હોય છે. ભલે મેં દીક્ષા ના લીધી હોય છતાં આ દિવસે તો મારા સમર્થ ગુરુજી ધ્યાનમાં અવશ્ય દર્શન આપશે જ.

ત્રણ ચાર દિવસથી વરસાદ રહી ગયો હતો અને તડકો નીકળ્યો હતો એટલે જમનાસાગર બંગલોઝમાં ઊંડા પાયા ખોદીને ધરમશીભાઈએ પિલ્લર ના ચણતરનું કામ ચાલુ કરી દીધું હતું.

બીજા દિવસે સવારે કેતન એરપોર્ટ રોડ ઉપર બંગલાની સાઇટ ઉપર ચક્કર મારી આવ્યો. અનેક મજૂરો કામે લાગી ગયા હતા. જ્યાં ઓફિસ બનાવી હતી ત્યાં ધરમશીભાઈ પણ બેઠા જ હતા.

" અરે આવો આવો કેતનકુમાર. હું આજે તમને ફોન કરવાનો જ હતો. ત્રણ ચાર દિવસથી વરસાદ રહી ગયો છે એટલે કન્સ્ટ્રક્શન ચાલુ કરી દીધું છે. " ધરમશીભાઈ બોલ્યા.

" હા એ મેં જોઈ લીધું અંકલ. હવે હું થોડા દિવસ માટે બહારગામ જાઉં છું. કેટલો સમય પાછા આવતાં લાગશે તે મને ખબર નથી. તમારે વચ્ચે પૈસાની જરૂર પડે તો અત્યારે તમને ૧ કરોડનો ચેક આપતો જાઉં છું. બાકીનો હિસાબ પછી સમજી લઈશું. " કેતન બોલ્યો.

" અરે કેતનકુમાર તમે એક કરોડ તો મને આપેલા જ છે. અત્યારે હાલ મારે પૈસાની જરૂર નથી. અને તમે ૧૫ દિવસ મહિનામાં તો પાછા આવી જ જશો ને ? " ધરમશીભાઈ બોલ્યા.

" છતાં રાખોને અંકલ. રોજે રોજ તમારે પૈસાની જરૂર પડશે. કામ ચાલુ કરો એટલે પૈસા પાણીની જેમ વપરાય. " કેતન બોલ્યો અને એણે એક કરોડનો ચેક લખીને ધરમશીભાઈ ને આપી દીધો.

" તમે સુધામાસીને મારા ઘરે મોકલીને બહુ મોટું કામ કરી આપ્યું છે વડીલ. ખરેખર એટલી સરસ રસોઈ બનાવે છે કે ઘર જેવું ખાવાનું મળે છે. " કેતન બોલ્યો.

"સુધાબેનને તો વર્ષોથી હું ઓળખું છું. એટલા માટે તો મેં એમની ભલામણ કરી હતી. એમને પણ કાયમી આવક ઊભી થઈ ગઈ. અને હવે તમે લગ્નનું કંઇક વિચારો. આમ એકલા ક્યાં સુધી રહેશો ? તમારી આ ઉંમર કંઈ નાની ના ગણાય. તમે તો ગયા પછી એક પણ વાર નીતા સાથે વાત પણ નથી કરી. " ધરમશીભાઈ બોલ્યા.

" તમારી વાત સાચી છે. છોકરીઓના મામલામાં હું થોડો શરમાળ છું. હવે બહુ જલ્દી હું નિર્ણય લઈ લઈશ. ચાલો હવે હું નીકળું. " કહીને કેતન ઉભો થયો.

બપોરે કેતને જયેશ સાથે પણ વાત કરી. એને સાંજે ઘરે આવીને મળી જવાનું કહ્યું એટલે જયેશ સાંજે કેતનને મળવા આવ્યો.

"જયેશ થોડા દિવસ માટે હું બહાર જઈ રહ્યો છું. આવતાં કદાચ અઠવાડિયું પણ થાય કે પંદર દિવસ પણ થાય. અઠવાડિયા પછી પહેલી તારીખ આવે છે એટલે તને મેં સેલેરીનો ચેક લેવા માટે જ બોલાવ્યો છે. " કેતન બોલ્યો.

" અરે કેતનભાઇ મને સેલેરીની ક્યાં ઉતાવળ છે ? તમે આવીને આપશો તો પણ ચાલશે. મારે અત્યારે એવી કોઈ જરૂર નથી. " જયેશ બોલ્યો.

" હિસાબની બાબતમાં હું બહુ ક્લિયર છું જયેશ. " કહીને કેતને જયેશને સેલેરીનો ચેક લખીને આપી દીધો.

" પછી બિઝનેસ માટે કંઈ વિચાર્યું કેતનભાઇ ? " જયેશે પૂછ્યું.

" બિઝનેસનું જ્યારે પણ વિચારીશ ત્યારે સૌથી પહેલાં તને સમાચાર આપીશ. અત્યારે તને આરામ કરવાનો પગાર આપું છું. નસીબદાર લોકોને આવા પગાર મળે છે. " જયેશ હસીને બોલ્યો.

ગુરુપૂર્ણિમાના આગલા દિવસે સાંજે કેતન ગુલાબનો હાર, છૂટાં ગુલાબનાં ફૂલ, બીલીપત્ર, તુલસીપત્ર વગેરે લઈ આવ્યો અને ફ્રીજમાં મૂકી દીધાં.

બીજા દિવસે ગુરુપૂર્ણિમાના દિવસે કેતન વહેલી સવારે ચાર વાગે ઉઠી ગયો. બ્રશ વગેરે પતાવી ફ્રેશ થઈ ગયો અને નાહી લીધું. એ પછી દ્વારકાધીશ ની છબીને નીચે પાટલા ઉપર મૂકી શ્રી કૃષ્ણ પોતે જ સમગ્ર વિશ્વના જગદગુરુ છે એવું વિચારી ગુલાબના ફૂલનો હાર છબીને પહેરાવ્યો. અને એમની સામે ગુરુજીનું સ્મરણ કરીને છૂટાં ગુલાબનાં ફૂલ બીલીપત્ર અને તુલસી પત્ર અર્પણ કર્યાં.

એ પછી ભગવાનની આરતી કરી અને ધ્યાનમાં બેસી ગયો. ધ્યાનમાં બેસીને ગુરુજીને પ્રત્યક્ષ થવા માટે ખૂબ જ પ્રાર્થના કરી. ગુરુપૂર્ણિમાના દિવસે સમગ્ર વિશ્વમાં ગુરુની ચેતના ખૂબ જ સક્રિય હોય છે. જેમણે પણ દીક્ષા લીધી હોય છે એમને આશીર્વાદ આપવા માટે ગુરુ એકવાર તો પ્રગટ થતા જ હોય છે. ભલે પછી નરી આંખે આપણે એમનાં દર્શન ના કરી શકીએ.

કેતનને તો ગુરુ એકદમ સાક્ષાત હતા અને સમર્થ પણ હતા તો પછી આજે ગુરુપૂર્ણિમાના દિવસે કેતનની પ્રાર્થના કેમ ના સાંભળે ? લગભગ પંદર મિનિટના ધ્યાન પછી ચેતન સ્વામીએ ધ્યાનમાં માનસ પટલ ઉપર દર્શન આપ્યાં.

"ગુરુજી આજે ગુરુપૂર્ણિમાના દિવસે મારા સાષ્ટાંગ નમસ્કાર સ્વીકારશો. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેશો પરંતુ મારાથી આટલા બધા દૂર ના રહો. ભૂતકાળમાં તમે મારાથી પ્રત્યક્ષ હતા તો હવે શા માટે તમે અદ્રશ્ય રહો છો ? તમારાં દર્શન વિના મને ચેન નથી પડતું. " કેતન ધ્યાનમાં વાર્તાલાપ કરી રહ્યો હતો.

" હું તારાથી જરા પણ દૂર નથી. તારી તમામ ગતિવિધિ ઉપર મારી નજર છે. બસ નરી આંખે તને દેખાઈ શકતો નથી અને તું હવે સ્થૂળ જગતમાં હોવાથી ધ્યાનમાં પણ તારી અને મારી વેવલેન્થ મળતી નથી. તેં કરેલી દરેક પ્રાર્થના મને સંભળાતી જ હોય છે. " ચેતન સ્વામી બોલ્યા.

" ગુરુજી મારા કેટલાક પ્રશ્નોના સમાધાન માટે હું આવતી કાલે નીકળીને ઋષિકેશની તમારી કુટિરમાં આવી રહ્યો છું. મારે આપને અને મોટા ગુરુજીને મળવું છે. " કેતન બોલ્યો.

" તું હવે કુટિરને નહીં જોઈ શકે. એ કુટિર સૂક્ષ્મ છે. કોઈ પણ વ્યક્તિ જોઈ શકતી નથી. તું એ વખતે સૂક્ષ્મ અવસ્થામાં હતો એટલા માટે તું કુટિર જોઈ શકતો હતો અને મોટા ગુરુજીનાં પણ દર્શન કરી શકતો હતો." ચેતન સ્વામી બોલ્યા.

" ગુરુજી એકવાર મારી ઉપર કૃપા કરો. મારે ઋષિકેશની એ ભૂમિ ઉપર આવવું છે કે જ્યાં મને દિવ્ય સૂક્ષ્મ જગતનો અનુભવ થયો હતો અને મારાં ગયા જનમનાં બધાં જ પાપકર્મો બળી ગયાં હતાં. અત્યારે હું સાવ દિશાશૂન્ય છું. આપ મારા સારથી છો. મારે આપની સાથે મારા ભાવિ માટે ચર્ચા કરવી છે. મારા ઉપર કૃપા કરો. " કેતન વિનમ્રતાથી બોલ્યો.

" તું ઋષિકેશ પહોંચીને શહેરથી થોડેક દૂર ગંગાના જે કિનારા ઉપર બેહોશ થઈ ગયો હતો અને સૂક્ષ્મ જગતમાં આવી ગયો હતો એ કિનારા ઉપર આવીને તારા સ્પિરિચ્યુઅલ ગાઈડ અખિલેશ સ્વામીને દિલથી પ્રાર્થના કરજે. એ પ્રગટ થઈને તને કુટિર સુધી લઈ આવશે. " કહીને ચેતન સ્વામી અદ્રશ્ય થઈ ગયા.

ધીમે ધીમે કેતન ધ્યાનમાંથી બહાર આવ્યો. આજે ચેતન સ્વામીનાં દર્શનથી એણે એક નવી જ ઉર્જાનો અનુભવ કર્યો. એ પછી ક્રમ પ્રમાણે એણે ગાયત્રી મંત્રની પાંચ માળા પૂરી કરી. પૂજા પતાવીને ઉભો થયો ત્યારે સવારના સાત વાગ્યા હતા.

સવારે કચરા પોતાં કરવા માટે શાંતા માસી આવ્યાં ત્યારે એણે એક મહિનાનો પગાર એડવાન્સ ચૂકવી દીધો.

" માસી આવતી કાલે હું બહારગામ જાઉં છું. અઠવાડિયા પછી પહેલી તારીખ આવે છે. મારે આવવામાં કદાચ મોડું વહેલુ થાય એટલા માટે આ પગાર તમે રાખો." કેતન બોલ્યો.

એમના ગયા પછી લગભગ સાડા આઠ વાગે સુધામાસી રસોઈ કરવા માટે આવ્યાં ત્યારે એમને પણ કેતને એડવાન્સ પગાર ચૂકવી દીધો.

" માસી આવતીકાલે બપોરે હું બહારગામ જાઉં છું. પાછા આવતાં અઠવાડિયું પંદર દિવસ થઈ પણ જાય એટલે તમને આ એડવાન્સ પગાર આપી દઉં છું. હું ના આવું ત્યાં સુધી તમે ઘરે આરામ જ કરજો. હું આવતા પહેલાં મનસુખભાઈને કહી દઈશ એટલે એ તમને જાણ કરી દેશે." કેતન બોલ્યો.

" સાહેબ તમે તમારે આવ્યા પછી પગાર આપજો ને ! મારે કોઈ જ ઉતાવળ નથી. " સુધામાસી બોલ્યાં.

" કેમ તમારે તમારી દીકરીના પ્રસંગ માટે પૈસાની જરૂર નહીં પડે ? " કેતનથી બોલાઈ ગયું.

"સાહેબ મારી દીકરી ડિલિવરી માટે મારા ઘરે આવી છે અને ૧૫ દિવસમાં ડિલિવરી આવવાની છે એ તમને કોણે કહ્યું ? " સુધામાસી આશ્ચર્યથી બોલ્યાં.

કેતનને પોતાને પણ ખબર ન હતી કે પોતે આવું શા માટે બોલ્યો !

"મને કંઈ જ ખબર નથી માસી. મેં તો અમસ્તાં જ કહ્યું. તમે એક વાર મને કહ્યું હતું કે મારે એક દીકરી છે અને અત્યારે સારા દિવસો જાય છે." કેતને વાર્તા કરી નાખી.

સુધામાસી માથું ખંજવાળી રહ્યાં કે મેં વળી આવી વાત સાહેબને ક્યારે કરી હતી !! એ રસોડામાં જતાં રહ્યાં.

ગુરુપૂર્ણિમાના દિવસે સાંજે લગભગ સાત વાગે મનાલી કેતનને બોલાવવા માટે આવી.

"સર મારા મમ્મી પપ્પા તમને બોલાવે છે. " મનાલી બોલી.

" અત્યારે ? કંઈ અર્જન્ટ કામ હતું ?" કેતને પૂછ્યું.

" બસ ચા પાણી પીવા માટે બોલાવે છે. પપ્પા કહેતા હતા કે બે મહિનાથી કેતનભાઇ આવ્યા છે પરંતુ આપણે એકવાર પણ એમને જમવાનું કહ્યું નથી. પાડોશીના નાતે કમ સે કમ ચા પાણી તો કરવાં જ જોઈએ." મનાલી બોલી.

" અરે હું ક્યાં મહેમાન છું ? હું તો કાયમ માટે અહીં રહેવાનો જ છું ને ?"
કેતને કહ્યું.

" હું રાહ જોઉં છું. " કહીને મનાલી નીકળી ગઈ.

પાંચેક મિનિટ પછી થોડો વ્યવસ્થિત થઈને કેતન મનાલીના ઘરે ગયો.

" પધારો કેતનભાઈ. પડોશમાં રહો છો તો ક્યારેક આવતા જતા રહેતા હો તો ! મનાલીને પણ તમે સારી રીતે ઓળખો છો. " મનોજભાઈએ સ્વાગત કરતાં કહ્યું.

" એવું કંઈ જ નથી અંકલ. આમ પણ હું થોડો શરમાળ અને એકલસૂરો છું." કેતને હસીને જવાબ આપ્યો.

" અરે બેટા કેતનભાઇ માટે ચા મૂકી દે અને થોડો ગરમ ગરમ નાસ્તો પણ બનાવી દે. " મંજુલાબેન બોલ્યાં.

" નાસ્તાની કોઈ જ જરૂર નથી. આમ પણ આઠ વાગે મારો જમવાનો ટાઈમ છે. " કેતન બોલ્યો.

"ઘરે ઓછું જમજો. મનાલી મેથીના ગોટા સારા બનાવે છે. હવે બોલો... તમારું કેમનું ચાલે છે કેતનભાઇ ? " મનોજભાઈ બોલ્યા.

" અત્યારે તો સમય પસાર કરું છું અંકલ. ઓફિસ બની રહી છે. એકાદ બે મહિનામાં પજેશન મળી જશે. " કેતન બોલ્યો.

" હું તો તમને કાયમ ઘરે ને ઘરે જ જોઉં છું. એકલા ઘરે ટાઈમ કેવી રીતે જાય ? કંઈક નાનું મોટું ચાલુ કરી દો ને ! " મંજુલાબેન બોલ્યાં.

" એમને કંઈ કરવાની જરૂર જ નથી. અને એ ઘરે હોય કે બહાર હોય તારે આટલી બધી કેમ પંચાત છે ? સુરત છોડીને છેક જામનગર સુધી આવ્યા છે. બંગલો પણ ખરીદી લીધો છે તો કંઈક તો વિચાર્યું હશે ને !" મનોજભાઈ બોલ્યા.

" હું તો અમસ્તી જ પૂછું છું. પુરુષો ઘરે બેસી રહે એ શોભે નહીં એટલે કીધું. " મંજુલાબેન બોલ્યાં.

" હું ૨૪ કલાક ઘરે નથી રહેતો ? " મનોજભાઈ સહેજ ગુસ્સામાં બોલ્યા.

" તમે તો રિટાયર્ડ છો. જ્યારે આ તો જુવાન લોહી છે. " મંજુલાબેન બોલ્યાં.

એટલામાં ગોટા અને ચટણીની એક ડીશ લઈને મનાલી રસોડામાંથી બહાર આવી અને કેતનની સામે ટેબલ ઉપર મૂકી. બીજી વાર અંદર જઈને ચા નો કપ લઈ આવી.

" મારાથી આટલું બધું નહીં ખવાય મનાલી. આમાંથી અડધા ગોટા તું લઈ લે. " કેતન બોલ્યો.

" અરે ખવાઈ જશે ભલા માણસ. " મનોજભાઈ બોલ્યા.

" ના વડીલ. ત્રણ ચાર ગોટાથી વધારે નહીં ખવાય." કેતન બોલ્યો.

મનાલીએ ચાર ગોટા રાખીને બાકીના બીજી ડીશમાં લઈ લીધા અને કિચનમાં ચાલી ગઈ.

" કેતનભાઇ ખોટું ના લાગે તો એક વાત પૂછું ? " મનોજભાઈ બોલ્યા.

" પૂછો ને અંકલ." કેતન બોલ્યો.

" તમારું કોઈ જગ્યાએ ફાઇનલ થયું છે ? મારો મતલબ લગ્ન માટે કોઈ કન્યા પસંદ કરી છે ? અમે મનાલી માટે કોઈ સારો મુરતિયો શોધી રહ્યા છીએ એટલે જસ્ટ પૂછ્યું. તમે એને સારી રીતે ઓળખો પણ છો. એણે પણ તમારા માટે અમને હા પાડી છે." મનોજભાઈ એ છેવટે પોતાના મનની વાત કરી દીધી.

"ફાઇનલ તો હજી નથી કર્યું અંકલ છતાં એક કન્યા મને પસંદ છે. એક બીજું પાત્ર પણ જામનગરમાં જોયું છે. મનાલી ચોક્કસ સારી છોકરી છે. છતાં એની સાથે લગ્ન અંગે હું ના વિચારી શકું." કેતન બોલ્યો.

" મારું તમને કોઈ દબાણ નથી છતાં મનાલીનું મન તમારામાં છે એટલે જ અમારે તમને કહેવું પડ્યું. તમે આ બાબતે ફેર-વિચારણા કરી જોજો. લગ્ન ના થયાં હોય ત્યાં સુધી નિર્ણય લેવા માટે તમે સ્વતંત્ર છો." મનોજભાઈ બોલ્યા.

"તમારી વાત હું ચોક્કસ ધ્યાનમાં રાખીશ. બાકી મનાલીએ ગોટા ખરેખર સરસ બનાવ્યા છે. " કેતન બોલ્યો.

ચા નાસ્તો પતાવીને કેતન ઉભો થઈ ગયો. મનાલી ચોક્કસ સારી કન્યા હતી પરંતુ એની મમ્મીના સવાલો એને જરા પણ પસંદ આવ્યા ન હતા !!

બીજા દિવસે સવારે ૧૧ વાગે મનસુખ માલવિયા આવ્યો ત્યારે કેતને એને પણ એડવાન્સ પગાર આપી દીધો અને પોતે બહારગામ જઈ રહ્યો છે એ પણ કહી દીધું.

જમીને કેતન સ્ટેશન જવા માટે નીકળી ગયો. લગભગ સવા બાર વાગે એ સ્ટેશનને પહોંચી ગયો.

"મનસુખભાઈ ગાડી અને મકાનની ચાવી હમણાં તમારી પાસે જ રાખજો. હું આવવાનો હોઈશ ત્યારે તમને ફોન કરી દઈશ એટલે તમે સ્ટેશન ઉપર આવી જજો અને સુધા માસીને પણ સમાચાર આપી દેજો." કહીને કેતને મકાનની ચાવી મનસુખને આપી દીધી.

મનસુખે ડેકીમાંથી ટ્રોલી બેગ બહાર કાઢી અને કેતનની સાથે સ્ટેશનમાં પ્રવેશ્યો. ચાતુર્માસ ચાલતા હતા એટલે યાત્રાધામો માટે પ્રવાસીઓની ભીડ બહુ હતી. ટ્રેઈન ઓખાથી આવતી હતી અને છેક દહેરાદુન સુધી જતી હતી. થ્રી ટાયર એ.સીનો કોચ આગળના ભાગમાં આવતો હતો.

કેતન અને મનસુખ માલવિયા આગળના ભાગમાં જઈને ઊભા રહ્યા. દસેક મિનિટમાં ટ્રેઈન આવી એટલે મનસુખના હાથમાંથી ટ્રોલી બેગ પોતાના હાથમાં લઇ કેતન કોચમાં ચડી ગયો.

વિન્ડો પાસેની સીટ મળી હતી એ જોઈને કેતનને ખુશી થઈ. પ્રવાસ બહુ લાંબો હતો અને સમય પસાર કરવા માટે વિન્ડો સીટ વધુ અનુકૂળ હતી !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED